વેબ સરિતા: December 2014
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Friday 19 December 2014

વિરોધાભાસી જીવનની વિડંબના - Pradipkumar R. Raol

સમયના વહેણ વણથંભ્યા વહેતા જાય છે. માનવજાતની વિકાસ યાત્રાના વખાણ કરતાં હર કોઈ થાકતું નથી. સત્તા પરની કોંગ્રેસ કહે છે કે ભારતે ઘણો પ્રોગ્રેસ કર્યો છે અને કરતું રહેશે. જ્યારે તેના વિરોધી પાર્ટીઓ પ્રચાર કરે છે કે દેશ અધોગતિના પંથે છે. તો ગુજરાતમાં સત્તાધારી ભાજપ વિકાસના જંડા ગલીએ ગલીએ લહેરાવતું જોવા મળે છે. તો ગુજરાતમા જ વિરોધી પાટલી પર બેસતું કોંગ્રેસ કહે છે કે મોદીનો પ્રચાર ખોટો છે. ભ્રામકતા ફેલાવાઈ રહી છે. કોણ સાચું ? આનો મતલબ એ થયો કે અમે એટલે કે બોલનારા સાચા. અને પરસ્પર વિરોધી વાતો આવે છે એટલે બધાજ ખોટા. હવે આ સાચા ખોટાની લપમાંથી બહાર નિકળીશું ? કારણકે આ રાજકારણીઓ “અમે સાચા અને સામેવાળા ખોટા” એવી જંજટમાંથી આપણને કોઈ દિવસ બહાર નીકળવા નહીં દે.
તો ચાલો આપણે જ તપાસી જોઈએ કે વિકાસની ગાથાની સપાટી ખોતરવાથી શું સચ્ચાઈ સામે આવે છે. પ્રગતિની આડમાં આપણે કેટલું બધુ ગુમાવી બેઠા છીએ..
ઊંચી ઊંચી ઇમારતો બનાવતા આવડી ગયું પણ ટેમ્પર શોર્ટ કરી નાખ્યો. પહોળી ફુટપાથો અને પહોળા રસ્તા બનાવી નાખ્યા પરંતુ વિચારસરણી સાવ સાંકડી કરી નાખી. પરચેસિંગ પાવર વધી ગયો, આથી ખરીદી ખૂબ કરીએ છીએ, વાર તહેવારે ટીવી, ફ્રિજ, ગાડી વગેરે વગેરે તો સામિ બાજુએ આનંદ આવતો નથી. આપણી અંદરની નગ્નતા ઢાંકવા ન જાણે કેટલું કેટલું વસાવીએ છીએ. પરંતુ સાચી ખુશી દૂર ને દૂર ભાગતિ જાય છે. વિશાળ બંગલાઓમાં, મોટા એપાર્ટમેન્ટોમાં, કુંટુંબો નાના થઈ ગયા. સુવિધાઓ ઘણી છે પણ કોઈ પાસે સમય નથી.
ડિગ્રીઓ વધારે છે પરંતુ સમજદારી ઓછી થઈ ગઈ. માહિતી જ્ઞાન ખૂબ ભેગું કરી લીધું સામે ડહાપણ કઈ નથી. અરે! દવાઓ બેસુમાર છે. પણ સામે તન્દુરસ્તી અલ્પ છે. આમ ભૌતિક સંપતિઓનો ગુણાકાર કરીને સદગુણોનો ભાગાકાર કરી નાખ્યો. વાતો કરવાનું એટલું બધુ સારી રીતે શીખી ગયા છીએ કે પૂછો ના, પણ પ્રેમ કરવાની આવડત ખોઈ નાખી, બસ આવડે છે તો ધિકકારતા અને નફરત કરતાં. પૈસા બનાવતા શીખી ગયા અને જિંદગી બનાવતા ભૂલી ગયા. ચંદ્ર પર પંહોચી જઇ પરત આવી ગયા પરંતુ નવા પડોશીને મળવા માટે આપણાં પગ ઉપડ્યા જ નહીં. બહારની દુનિયા જીતી લીધી અને અંદરની (અંતરની) દુનિયા હારી ગયા. રસ્તાઓ, ઘર અને આંગણા ચોખ્ખા કરી નાખ્યા પરંતુ આત્માને અને વાતવારણને પ્રદુષિત કરી નાખ્યા. અત્યારના સમયમાં જડપથી “ફાસ્ટ ફુડ” ખાઈ નાખવાનું પરંતુ પચાવવાના નામે મીંડું. મોટા માણસો , જેના  ભારેખમ નામ પણ ચારિત્ર્ય જોયું હોય તો સાવ હલકું. મજબૂત આર.સી.સી. બાંધકામો પરંતુ અંદર વસે છે ભાંગેલા પરિવારો. ઉછીના લેતા આવડી ગયું, પરત કરવાનું ભૂલી ગયા. ઘણી ભાષાઓ આવડી ગઈ પણ બોલાતા વાક્યો જુઠ્ઠા. સમયની આગળ દોડવું છે પણ “જિંદગી” નામની ચીજ પાછળ છુટતી જાય છે. દુનિયાભરનું એકઠું કરી લીધું પણ સંતોષ જરાય નથી.
[https://raol1810pr.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Friday 19 December 2014

Thursday 18 December 2014

'સંબંધોનું મેનેજમેન્ટ' - હેમલ દવે

 
એ આજે તમે બહારથી આવો તો શાક લેતા આવશો પ્લીઝ ..?? ‘ કીચનમાંથી ઊંડે ઊંડેથી ઉદાસ સ્વર બહાર આવ્યો ….વિચાર આવ્યો કે કોઈ દિવસ નહીં ને આજે કેમ આવો  ઑડર આવ્યો હશે !!! અરે , હશે કઇંક ચાલોને એક જ દિવસનો સવાલ છે ને ! ને મોઢેથી એમ જ હા નીકળી ગઈ. 
                  સાંજ પડી ને શાક પણ આવી ગયું ..હા એ સવાલ ત્યાંનો ત્યાં જ રહ્યો એનો જવાબ જાણવાની ન જીજ્ઞાસા થઈ ન સામેથી કારણ જાણવા મળ્યું . બસ અહી જ સંબંધની દોરીમાં નાનકડી ગાંઠ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી.
                  છેલ્લા 3 વર્ષથી જીવતા સહજીવનનો એક અણધાર્યો સવાલ જેના જવાબ મેળવવાની તાલાવેલી એ પતિ મહાશયને નથી લાગતી. બસ અહિયાં જ સંબંધના સમીકરણ બદલાવાની શરૂઆત થઈ જાય છે.કોઈ બે વ્યક્તિનું જોડાણ જ્યારે થાય છે ત્યારે એ બંન્નેના વ્યક્તિત્વનો જો સહિયારો વિકાસ થાય તો ને તો જ સંસારનું ગાડું સુખરૂપ ચાલ્યા કરે પરંતુ થાય છે એવું કે એક પૈડું જોર કરે  છે ને બીજું તેની સાથે દોડતા હાંફી જાય છે ..કોઈને એ ખ્યાલ નથી આવતો કે દોટ થોડી ઓછી લગાવશુ તો કઈ બગડી નહીં જાય ને બીજું પૈડું જરા જોર લગાવશે તો સરખું ચાલશે. બસ આવી આંટીઘૂંટીમાં જીવનનૈયા હાલકડોલક થાય છે ને પછી એ નૈયામાં સવાર બધા જ લોકોને એનો ધક્કો પહોંચે છે.
                  હવે આવું બને જ નહીં એ શક્ય તો નથી કારણ કે બે જુદા વ્યક્તિત્વના માલિક છે સંવાદ સાધતાં વાર લાગવાની પણ જો એ વાર લંબાઈ જાય તો જીવનની ‘વાટ ‘ લાગી જાય છે એ નક્કી વાત છે. પરંતુ થોડો પ્રયત્ન ,થોડી આપસી સમજણ અને સૌથી મહત્વનું પાસું ‘પ્રેમ ‘ જો હોય તો આ અશક્ય નથી  નથી ને નથી જ . અહંકાર હોય ત્યાં અધિકાર ભળે છે ને અહમ અને સ્વાભિમાનની પાતળી ભેદરેખા પારખતા વાર લાગે છે ત્યારે સ્વમૂલ્યાંકન જરૂરી બને છે એના દ્વારા જ આપણે આપણી જાતને પારખી શકીશું ને સાથે બીજાને મૂલવી શકીશું .
                 બાકી લેખાજોખાં માંડવામાં જ  દિવસો પસાર થશે ને દિવસો ક્યારે મહિનાઓમાં ને પછી વર્ષોમાં પલટાઈ જશે તેનો ખ્યાલ આવશે ત્યારે બહુ મોડુ થઈ ગયું હશે ..ત્યારે જિંદગીના અમુલ્ય વર્ષો એળે ગયા હોય એવું લાગશે. બસ આ સમય ન આવે તે માટે જ સંબંધનું મેનેજમેંટ કરવું જરૂરી બને છે . આજના ફાસ્ટ યુગમાં જ્યારે સમય બહુ તેજીથી ચાલ્યો જાય છે ત્યારે તે સમયની એકાદ ક્ષણને પકડવાંમાં જો કામયાબ રહીએ તો આવી આંટીઘૂંટી પલકવારમાં ઉકેલી શકાય છે. દેહ છે ..દૈહિક જરૂરિયાતો છે ..તેમ જ મન છે તો માનસિક જરૂરિયાતો છે ..એમાં ખૂણે ખાંચરે ઘણું દફન કરીને જીવવું પડે છે એના હર્ષ શોક ન હોય ..એવું બધાના જીવનમાં હોય જ .એ ખૂણામાં ક્યારેક જઈને જોઈ લેવું પડે ..જીવી લેવું પડે ને પછી જીરવી લઈને આગળ વધવું જ પડે . જો એ ખૂણામાં પેલા પોપટની જેમ જીવ રાખીને જીવ્યે જઇયે તો એનો કોઈ ફાયદો નથી કારણ કે એ પોપટને ક્યારેય પાંખો આવવાની જ નથી. વળગણ છોડવાની વાત નથી વળગણને થોડો ક સમય અળગા મૂકવાની વાત છે.
               ભૂલ અહિયાં જ થાય છે વળગણો એટલા વળગે છે કે એ વળનાં સળ આખા જીવનમાં ઉપસી આવે છે ને પછી એ સળ પાકે છે ને એમાંથી નાની મોટી એષણા , આકાંક્ષા , લોભના પાકી ગયેલા ઝરણા ફૂટયા જ કરે છે ને વહ્યા કરે છે ચોતરફ દુર્ગંધ ફેલાવતા. પછી કોઈ ડોક્ટર એની દવા કરી નથી શકતો બસ દુઝ્યા કરે છે. હકીકત સમજવાની અહિયાં જ છે જે દર્દની દવા જ નથી એ દર્દને પ્રવેશ ન આપવો એમાં જ ખુદની ભલાઈ છે . એટલું  સ્વાર્થી તો બનવું જ પડે છે તો જ જીવન જીવવાનો ખરો અર્થ સમજવાની શરૂઆત કરી શકીએ. બાકી ઘણા બધા મગતરાની જેમ જીવન જીવે છે મિસમેનેજમેંટની સાથે તેમની જિંદગી કઈ રોકાઈ નથી જતી એ પણ જીવે છે પછી ભલેને એ જીવતરમાં બધાને નડયા જ કરતાં હોય જીવે જાય છે પરંતુ ‘પ્રાણ ‘ નથી હોતો. જીવનમાં પ્રાણ નથી હોતો ને ત્યારે જ એનું પરમ તત્વ પહોંચતું નથી ને સંબંધના સવળા અવળા અર્થ કાઢતા લોકો પોતાની મરજી મુજબ જીવવા હવાતિયાં માર્યા કરે છે.
           જ્યારે બે વ્યક્તિના વ્યક્તિત્વનું મિલન થાય છે ત્યારે દૈહિક મિલનની સાથોસાથ જો આત્માનું મિલન થાય તો ને તો જ આ સંબંધોના મેનેજમેંટને વેગ મળે છે બાકી અસ્તવ્યસ્ત જીવન જીવવાની જ જેને આદત પડી ગઈ છે એનું આપણે કઈ સુધારી ના શકીએ .
હેમનું હલકું ફૂલકું https://hemaldave.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 18 December 2014

Wednesday 10 December 2014

સમાઇ જાઇ છે... - અમૃત આહીર

કોઇક અમસ્તું જ આંખોમા સમાઇ જાય છે,
આમ જ મૌનમાં ઘણાં ઉત્તરો સમાઇ જાય છે.
ખિલ્યાં વગર કેટલાંય ફૂલો કરમાઇ જાય છે,
આયખું આખું વેદનાના ભારથી વલોવાઇ જાય છે.
મિલનનો કોલ આપીને ઘણાં દૂર ચાલ્યાં જાય છે,
એમની યાદોથી આખું જીવન આમ જ વહી જાય છે.
રમત રમતમાં જ આપણા વચ્ચે લડાઇ જેવું થઇ જાય છે,
પછી આખી જિંદગી લડવામાં જ પૂરી થઇ જાય છે.
નિષ્ફળતાઓ માંથી જ મોટી સફળતા હાથ લાગી જાય છે,
સતત કરતા રહીએ પ્રયાસ તો મોતી હાથ આવી જાય છે.
પોતાના જ માનવાની ભૂલો ઘણાંથી થઇ જાય છે,
ને કયારેક એ જ પાર વિનાની પીડા આપી જાય છે.
જિંદગીને સમજવાની ઘણાંથી ભૂલો થઇ જાય છે,
'અમૃત' જાણીને કેટલાંયે ઝેરના પારખા કરી જાય છે.
- અમૃત આહીર 
 મ. શિક્ષક, કે. એન્ડ એમ.પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી,સુરત.
 મો.નં.  9909163287

Posted By: http://web-sarita.blogspot.com/ Wednesday 10 December 2014

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.