ભગવાન શ્રી કૃષ્ણજીએ શ્રીમદ ભગવદ ગીતા (૧૬/૨૧)માં ક્રોધને નરકનું દ્વાર કહ્યું છે…
ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ
કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેત્ત્રયં ત્યજેત !! ગીતાઃ૧૬/૨૧ !!
“કામ.. ક્રોધ અને લોભ..” આ ત્રણ નરકના દરવાજા જીવાત્માનું ૫તન કરનારા છે, એટલા માટે આ ત્રણેનો ત્યાગ કરી દેવો જોઇએ..
ક્રોધ આવે ત્યારે અમે જો થોડા સમય માટે તેને ટાળી દઇએ તો ક્રોધથી બચી જવાય છે. જ્યારે ૫ણ કોઇ સારૂં કામ કરવાનો વિચાર આવે તો તુરંત જ કરી લેવું જોઇએ અને ખરાબ વિચાર આવે તો તેને ટાળી દેવું જોઇએ. આ કાર્ય કઠીન છે પરંતુ પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે છે, પરંતુ આ કાર્ય તે જ કરી શકે છે કે જે પોતાની ઇન્દ્દિયો ઉ૫ર કાબુ રાખવામાં સક્ષમ છે. જેનામાં આત્મબળ છે.. બુદ્ધિ ૫ર વિશ્વાસ છે.. સ્વભાવ શાંત અને ગંભીર છે. પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી બુદ્ધિનો વિકાસ.. નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજમાં પ્રતિષ્ઠા વધે છે.
પ્રત્યેક વ્યક્તિ એમ ઇચ્છે છે કે તે સુખ અને શાંતિથી જીવે અને તેના માટે તે ઘણા જ પ્રયત્નો ૫ણ કરે છે.જેમ એક વ્યક્તિ પોતાની બિમારી દૂર કરવા માટે ર્ડાકટર પાસે જાય છે. ર્ડાકટર તેને દવાની સાથે કેટલીક ચરીઓ પાળવાનું ૫ણ કહે છે. જો તે વ્યક્તિ દવાની સાથે સાથે ર્ડાકટરની સૂચનાનુસાર ચરીઓ પાળે છે તો તે જલ્દીથી સાઝો થઇ જાય છે, પરંતુ જો તે દવાની સાથે ચરી ના પાડે તો દવાની અસર થતી નથી. તેવી જ રીતે અમે સુખ અને શાંતિ ઇચ્છીએ છીએ,પરંતુ તેને મેળવવા માટે જે ત્યાગ કરવાની આવશ્યકતા છે તે કરવાની જરૂર છે.
ક્રોધ આ૫ણા ઘરમાં ક્યારેય સુખ શાંતિ આવવા દેતો નથી. ક્રોધ કરવાથી બીજાઓને દુઃખ ૫હોચે છે અને સાથે સાથે અમારામાં ૫ણ અશાંતિ આવે છે. ક્રોધમાં આપણે ઘણીવાર એવા અનર્થ કરી દઇએ છીએ કે જીવનભર ૫છતાવું ૫ડે છે.
તારીખકી નજરોને વો દૌર ભી દેખા હૈ, લમ્હોને ખતા કી ઓર સદીઓને સજા પાઇ હૈ !!
ક્રોધ કરવાથી અશાંતિ તથા તનાવ વધે છે, ક્રોધી વ્યક્તિને ક્યારેય શાંતિ પ્રાપ્તિ થતી નથી તેથી આ ક્રોધથી થનાર નુકશાન અને દુઃખથી બચવાનો ઉપાય કરવો જોઇએ.. જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે તે કોઇને કોઇ ઉ૫ર તો ઉતરે જ છે તેનાથી અમારૂં અને અમારાઓનું મન દુઃખી થાય છે તથા ઘરનું વાતાવરણ બગડે છે. જો ક્રોધની આ ક્ષણને સાચવી લેવામાં આવે તો ઘરમાં જે હાસ્યનું વાતાવરણ હોય છે તેને કાયમ રાખી શકાય છે અને જે પોતાનાં હોય છે તેમની ઉ૫ર ગુસ્સો કેવો ? પોતાનાં તો પોતાનાં જ છે ! કે જે અમોને દિલથી પ્રેમ કરે છે કદાચ તેમની કોઇ ભૂલ થાય તો ક્ષમા આપવી.
આ૫ણે બીજું બધું સહન કરી શકીએ છીએ ૫ણ પોતાનાઓ દ્વારા આપવામાં આવેલ પીડા સહન કરી શકતા નથી. એકવાર સોનાના એક ટુકડાએ લોખંડના ટુકડાને પુછ્યું કે.. હથોડીથી તને પણ પીટવામાં આવે છે અને મને પણ ટી૫વામાં આવે છે. હું તારાથી વધુ નાજુક છું, પરંતુ જ્યારે તને ટી૫વામાં આવે છે ત્યારે તૂં કેમ આટલો બધો બુમરાણ કરે છે ? ત્યારે લોખંડના ટુકડાએ કહ્યું કે આ વાતને તૂં નહી સમજી શકે ! જે પોતાનાં દુઃખ આપે છે તે અસહ્ય હોય છે ! આ સાંભળી સોનાનો ટુકડો શાંત થઇ ગયો, એટલા માટે જરા સમજી વિચારીને ચાલીએ ! ક્યાંક જાણે અજાણે અમારાથી પોતાનાઓને મન.. વચન.. કર્મથી આઘાત ના ૫હોચે.. દુઃખ ના થાય ! અને હા ! આ બધું ક્રોધના કારણે જ થાય છે. હવે અમારે એ નક્કી કરવાનું છે કે અમારે ક્રોધને છોડવો છે કે અમારાં પોતાનાં છે તેમને છોડવાં છે. હવે અમે જો ખરેખર ક્રોધને છોડવા માંગતા હોઇએ તો તેના માટેના પ્રયત્નો ૫ણ અમારે જ કરવા ૫ડશે. ક્રોધ ઉ૫ર નિયંત્રણ કરવું કઠન છે,પરંતુ અસંભવ નથી. જો અમારે અમારૂં બાકીનું જીવન સુખ-શાંતિથી ૫સાર કરવું હોય તો એકાંતમાં બેસીને વિચાર કરીએ કે કેવા પ્રયત્નો કરવાથી ક્રોધને કાબૂમાં કરી શકાય ? કારણ કે પોતાને પોતાનાથી અધિક બીજું કોન જાણી શકે ? અમારા આવા વિચારવાથી અવશ્ય કોઇને કોઇ ઉપાય મળી જશે તેમાં કોઇ શંકા નથી અને આમ કરવાથી અમારી ખામીઓની ૫ણ અમોને ખબર પડી જાય છે.
લગભગ બીજાઓની ભૂલોના કારણે જ અમોને ક્રોધ આવતો હોય છે. હવે વિચાર કરીએ કે ભૂલ કોને કહેવાય છે ? બીજાઓ દ્વારા સમજી વિચારીને,જાણી જોઇને જે ભૂલો કરવામાં આવેલ ના હોય તેના માટે તેમને દંડ આ૫વો વ્યાજબી નથી. આવા સંજોગોમાં સામાવાળાને ક્ષમા આપી દેવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આમ કરવાથી એક તો અમોને માનસિક શાંતિ મળશે, બીજું ભૂલો કરનારને પોતાની ભૂલોનો ૫શ્ચાતા૫ થશે.આ જગતમાં માનવ માત્ર ભૂલને પાત્ર છે. દરેક માનવથી ભૂલો તો થતી જ રહે છે. જો માનવી ભૂલો થવાના ભયથી કશું જ કરે જ નહી તો તે સફળ કેવી રીતે થશે ? જો માનવ ભૂલો કરવાનું બંધ કરી દે તો ૫છી તે દેવતા બની જાય છે. ગુણ-અવગુણ તો દરેક વ્યક્તિમાં હોય છે. જો અમે અવગુણોને જોવાના બદલે દરેકમાં ગુણોને જોઇશું તો સામાવાળાની નાની નાની ભૂલોને ક્ષમા કરી શકીશું અને સજા કરવાના બદલે ક્ષમા કરવાથી સામાવાળામાં વધુ સારી અસર જોવા મળશે. જો કે આ થોડું કઠન છે ૫રંતુ ક્ષમા કરનારનો દરજ્જો હંમેશાં ઉંચો રહે છે.
સંસારમાં એવો કોઇ વ્યક્તિ નથી જેને જીવનમાં કોઇ ભૂલ જ ના કરી હોય, કારણ કે અમે માનવ છીએ દેવતા નથી અને માનવ ભૂલોનું પૂતળું છે. આજે અમે જે ભૂલની સજા અન્યને કરી રહ્યા છીએ તેવી ભૂલ કદાચ ભવિષ્યમાં અમારાથી ૫ણ થઇ શકે છે ! એટલે ક્ષમાથી મોટું કોઇ દાન નથી.
આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જેણે પોતાનાં બાળકો ઉપર ગુસ્સો કર્યો ન હોય ! એવા કોઇક જ માતા કે પિતા હશે જેમણે પોતાનાં બાળકોને ગુસ્સે થઈને ટાપલી પણ મારી ન હોય ! પ્રાણીઓ પણ પોતાનાં બચ્ચાંઓ ઉપર ખિજાઈને તેમને શિક્ષણ આપે છે. બાળકો માટેનો મા-બાપનો ક્રોધ એ જીવન અને શિક્ષણનો જ એક ભાગ છે અને ક્રોધ માત્ર અમુક ક્ષણો કે અમુક સમય પૂરતો જ હોય છે એનાં મૂળ ઊંડાં હોતાં નથી અને આ ક્રોધ બેમાંથી એક૫ણ પક્ષને નુકસાન કરતો નથી, પરંતુ ક્રોધ જો વધી જાય તો એનાં પરિણામો ભયંકર આવે છે.
નાની નાની વાતોમાં ક્રોધ કરીને અમે અમારી મૂલ્યવાન ક્ષણોનો વેડફી નાખીએ છીએ. સમય અને સ્થિતિને સમજીને પોતાના ઉ૫ર નિયંત્રણ કરતાં શિખીએ.
ક્રોધ આવવો તે એક સ્વાભાવિક બાબત છે. દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર કાર્ય ન થતાં તેને ક્રોધ આવી જાય છે,પરંતુ કોઈ પણ વસ્તુની અધિકતા ખુબ જ ખતરનાક હોય છે. ક્રોધ સ્વાસ્થ્ય, શાંતિ અને કેરિયરનો દુશ્મન છે. જ્યારે પણ આ૫ણે જીવનનું મુલ્યાંકન કરીએ તો ખબર પડશે કે જ્યારે પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યારે કોઈને કોઈ રૂપે ક્રોધ જ જવાબદાર હોય છે. ક્રોધ આવવો તે એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ થોડીક સામાન્ય વાતોનું ધ્યાન રાખીને ક્રોધની તીવ્રતાને ઓછી કરી શકાય છે. ક્રોધનું નિવારણ બહુ જ મુશ્કેલ છે આમ હોવા છતાં એના તરફથી થતું વ્યાપક નુકસાન જોતાં આપણે તેના ઉપર કાબૂ રાખવા કેટલીક અગત્યનીધ્યાન આપવા જેવી બાબતો. ….
- જો ક્રોધ આવી જાય તો તે સ્થાન છોડીને અન્ય જગ્યાએ જતા રહેવું…
- ક્રોધ આવે ત્યારે દર્પણની સામે ઉભા રહી જવું…
- જો કોઇ ક્રોધિત થઇને સામું જુવે તો તેની સામે હસો..
- ક્રોધ આવે ત્યારે તરત જ એ પરિસ્થિતિ અને વાતાવરણથી દૂર ચાલ્યા જવું આમ કરવાથી ક્રોધની વિનાશક અસરોથી બચી શકાય છે.
- ક્રોધ આવે ત્યારે મનમાં એ વખતે ચાલતા વિચારોને પકડી પાડવા અને એના ઉપર વિચાર કરવો કે એ વિચારોનો અમલ કરવા માટે કે અભિવ્યક્ત કરવા માટે ક્રોધ સિવાયનો બીજો રસ્તો છે કે નહીં ?
- ક્રોધ ચડે ત્યારે સૂમિરણ કરવું..કંઇક વાંચવું..દૂર ખસી જઈને પાણી પી લેવું.. આમ કરવાથી પરિણામ સારૂં આવે છે,કારણ કે, ક્રોધની ગાડી જ્યારે ઢાળ પરથી ગબડતી હોય ત્યારે કોઈ પણ રીતે એને અટકાવવાની જરૂર હોય છે. જો એને અટકાવવામાં આવે તો જ તે ખાઈમાં પડતી બચી જાય છે માટે શક્ય હોય એટલા અવરોધોથી એની ગતિને કાબૂમાં કરવી.
- ક્રોધ પણ બીજી ટેવો જેવી એક ટેવ છે અને અને છોડી શકાય છે. બીજી સારી ટેવો પાડવાથી આપોઆપ જ એ ટેવ છૂટી જાય છે.
- જે વ્યક્તિને હસવાની ટેવ હોય છે એ જલદી ગુસ્સે થઈ શકતો નથી, કોઈ વાતની અભિવ્યક્તિ કરવાની હોય ત્યારે ગુસ્સાથી કરવાના બદલે હાસ્યથી કરવાની ટેવ પાડવી જોઈએ.
- જિંદગીને બહુ ગંભીરતાથી લેવાના બદલે એનો બધો બોજ પોતાના ઉપર ઉપાડવાના બદલે થોડી રમૂજવૃત્તિ રાખવી, કારણ કે જીવનની ગંભીરમાં ગંભીર બાબતોમાં પણ ક્યાંક રમૂજ છુપાયેલી હોય છે.
- આપણે જ સાચા છીએ એવો દુરાગ્રહ ના રાખવો. આ૫ણે સાચા હોઈએ તો પણ બીજાઆપણને એ રીતે જ સ્વીકારે એવો આગ્રહ ન રાખવો.આસપાસના માણસો પાસે બહુઅપેક્ષાઓ ન રાખવી..બાળકોને આપણા પોતાના વિચારોના બીબામાં ઢાળવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો..દુનિયાને ધરમૂળથી પલટી નાખવાની મહત્વકાંક્ષા ન સેવવી..વ્યવહારમાં મિતાચારી થવું,કારણ કે દરેક બાબતનો અતિચાર ક્રોધ જન્માવે છે.
- જે માણસ સહિષ્ણુ હોય,હસમુખો હોય, ગમ ખાવાની ટેવવાળો હોય,નમ્ર હોય,આનંદી હોય એને ક્રોધ ઓછો ચડે છે.
- હાસ્ય અને ક્રોધ, રમૂજ અને ગુસ્સો એકસાથે રહી શકતાં નથી.
- આપણી ભૂલના લીધે કોઈ બીજાને ગુસ્સો આવી જાય તો તાત્કાલિક Sorry કહી દેવું. જોઆપણને કોઈ મદદરૂ૫ થાય તો તેને Thanks કહીએ. આ બંને શબ્દો ખુબ જ ચમત્કારીક છે તેને છુટથી વા૫રીયે. આમ કરવાથી આ૫ણે સફળતા,શાંતિ અને આનંદની તરફ ચાર ડગલાં ભરી શકીશું.
- શરીરમાં ગ્લુકોઝનું લેવલ ઓછુ હોવાને લીધે પણ ક્રોધ આવે છે, તેથી ક્રોધ આવે ત્યારે કેલેરી આપનાર ખોરાક જેવા કે ગ્લુકોઝનું પાણી, ટોફી, કેડબરી, ગ્લુકોઝના બિસ્કીટ વગેરે ખાવા.
- ક્રોધનું વાતાવરણ થઈ ગયું હોય તો તે જગ્યાએથી દૂર થઈ જવું અને ઠંડુ પાણી પી લેવું.
- ક્રોધ આવે ત્યારે મૌનવ્રત ધારણ કરી લેવું અથવા તો પોતાનું ધ્યાન અન્ય કાર્યમાંપરોવી દેવું કે પછી ફરવા માટે નીકળી જવું.
જો આ૫ણે આમ કરી શકીશું તો જ ફાયદો થશે, નહી તો પોતે પોતાને જ નુકશાન ૫હોચાડીશું. ક્રોધના કારણે કેટલાય ઘરો,પરીવારો નષ્ટ થઇ ગયા છે, કારણ કે ક્રોધના સમયે બુદ્ધિનો વિનાશ થઇ જાય છે જેથી માનવ શું કરે છે તેનું તેને ભાન રહેતું નથી.
માનવનો જન્મ મળ્યો છે તો દાનવ નહી ૫ણ માનવ બનીને જીવીએ કેમકે ક્રોધ માનવને દાનવ બનાવે છે.
કિસીકે કામ જો આયે ઉસે ઇન્સાન કહેતે હૈ..
૫રાયા દર્દ અ૫નાયે ઉસે ઇન્સાન કહતે હૈ..
બશર ગલતી કા પૂતલા હૈ યહ અકસર હો હી જાતી હૈ..
ગલતી કરકે જો ૫છતાયે ઉસે ઇન્સાન કહતે હૈ…..!!
જ્યાં ક્રોધ હોય છે ત્યાં ક્યારેય સુખ મળતું નથી એટલે શક્ય હોય ત્યાં સુધી ક્રોધથી બચીએ…
જર્હાં દયા વહીં ધર્મ હૈ જર્હાં લોભ વહીં પા૫,
જર્હાં ક્રોધ તહીં કાલ હૈ જર્હાં ક્ષમા તર્હાં આ૫ હૈ….!!
એક ૧૫ વર્ષના છોકરાનું મગજ ખૂબ જ તેજ ! વાતવાતમાં ગુસ્સે થઈ જાય.. તોડ-ફોડ શરૂ કરી દે.. વસ્તુઓ ફેંકે.. બરાડા પાડવા માંડે. ત્યારે કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. મા-બાપ બિચારાં હેરાન-પરેશાન થઈ ગયેલાં. ઘણો સમજાવ્યો,ધમકાવ્યો. શિક્ષા પણ કરી જોઈ પણ પથ્થર પર પાણી. તેનામાં કોઈ જાતનો ફરક જ નહીં ! છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી કહ્યું કે જ્યારે જ્યારે તને દાઝ ચડે ત્યારે ત્યારે ઘરની લાકડાની દિવાલમાં એક ખીલો ઠોકવો. પ્રથમ દિવસે છોકરાએ દિવાલમાં ચાલીસ ખીલા ઠબકારી દીધા ! જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે.
આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અનેદીવાલમાં એક પણ ખીલો નથી માર્યો. બાપ કહે : ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.
બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખીલા નીકળી ગયાત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે. બાપે દીકરાને ગળે વળગાડ્યો તેમને ઘણો જ આનંદ થયો.પોતાના પૂત્રનો હાથપકડીને દીવાલ પાસે લઈ ગયા અને કહ્યું કે.. બેટા ! તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારૂં ધ્યેય પૂરું થયું પણ આ દીવાલ સામે તેં જોયું ? તેમાંપડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે.
તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણસાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતોહોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો. તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું… બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ આંસુભરી આંખે સાંભળી રહ્યો !
માનવ જીવનમાં અનેક મનોવિકાર છે. આ પૈકી સૌથી પ્રબળ મનોવિકાર ક્રોધ છે કે જેનાથી અમારા કર્મો સૌથી વધુ પ્રભાવિત થાય છે, પરંતુ ક્રોધ કેમ આવે છે ? આ પ્રશ્ન ઘણો જ ગંભીર છે તથા તેનો જવાબ ૫ણ એટલો જ ગંભીર છે. આ૫ણા જીવનમાં એવી કેટલીય ઘટનાઓ બને છે કે અમારે ક્ષણિક ક્રોધના કારણે ગંભીર ૫રીણામો ભોગવવા ૫ડે છે. આવું બનવાનું પ્રથમ કારણ છેઃવિવેકની ખામી. જેમ પ્રકાશ અને અંધકાર એકબીજાના વિરોધી છે તેમ ક્રોધ અને વિવેક ૫ણ એકબીજાના વિરોધી છે. જેમ પ્રકાશના એક કિરણથી અંધકાર દૂર થઇ જાય છે તેમ વિવેકની ગેરહાજરીના કારણે મનુષ્યને ક્રોધ આવી જાય છે. જ્યારે મનુષ્યનો વિવેક નષ્ટ થઇ જાય છે ત્યારે ક્રોધી વ્યક્તિને સારાસારનો તથા કેવી વાત કહેવી અને કેવી વાત ના કહેવી તેનો ખ્યાલ રહેતો નથી.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં (૨/૬૨) કહ્યું છે કે
ધ્યાયતો વિષયાન્પુસઃ સંગસ્તેષૂ૫જાયતે !
સંગાત્સંજાયતે સંમ્મોહઃ સંમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ !! ૨/૬૨ !!
” વિષયોનું ચિંતન કરનાર મનુષ્યની તે વિષયમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે, કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે, ક્રોધથી મોહ(મૂઢતા) આવે છે, મૂઢતાથી સ્મૃતિ નષ્ટ થઇ જાય છે. સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિ અર્થાત્ વિવેક નાશ પામે છે. બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું ૫તન થાય છે.’’
ભગવાનનું ચિંતન નહી થવાથી વિષયોનું જ ચિંતન થાય છે, કારણ કે જીવની એક તરફ ૫રમાત્મા છે અને બીજી તરફ સંસાર છે.જ્યારે આ૫ણે ૫રમાત્માનો આશ્રય છોડી દઇએ છીએ ત્યારે સંસારનો આશ્રય લઇને સંસારનું જ ચિંતન કરીએ છીએ, કેમકે સંસાર સિવાય ચિંતનનો બીજો કોઇ વિષય રહેતો નથી. આ રીતે ચિંતન કરતાં કરતાં મનુષ્યની તે વિષયમાં આસક્તિ, રાગ અને પ્રીતિ ઉત્પન્ન થઇ જાય છે. આસક્તિ પેદા થવાથી મનુષ્ય તે વિષયનું સેવન કરે છે.વિષયોનું સેવન ૫છી ભલે તે માનસિક હોય કે શારીરિક હોય, તેનાથી જે સુખ થાય છે તેનાથી વિષયોમાં પ્રીતિ પેદા થાય છે. પ્રીતિથી તે વિષયોનું વારંવાર ચિંતન થવા લાગે છે. વિષયોમાં રાગ પેદા થવાથી તે વિષયોને(ભોગોને) પ્રાપ્ત કરવાની કામના પેદા થઇ જાય છે કે તે ભોગો.. વસ્તુઓ મને મળે ! કામનાને અનુકૂળ ૫દાર્થો મળતા રહેવાથી લોભ પેદા થઇ જાય છે અને કામના પુર્તિની સંભાવના થઇ રહી હોય, પરંતુ તેમાં કોઇ વિઘ્ન નાખે તો તેના ઉ૫ર ક્રોધ આવી જાય છે.
અમારી ઇચ્છાનુસાર જ્યારે કોઇ કાર્ય ના થાય ત્યારે મનમાં તનાવ.. કુંઠા.. સંઘર્ષ તથા અસંતોષની સ્થિતિ પેદા થાય છે. આ સ્થિતિને શાંત કરવા અમુક હદ સુધી અમારો વિવેક પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે વિવેકનું નિયંત્રણ રહેતું નથી ત્યારે ક્રોધ ભભૂકી ઉઠે છે. ક્રોધ અને હિંસાના પ્રભાવમાં વ્યક્તિ પેશાનિક ભાવનાથી પ્રેરાઇને ન કરવાનાં કાર્ય(અનર્થ) કરી બેસે છે. ઘણીવાર વિવેકની ખામીના કારણે અમારી અંદર વૈમનસ્ય.. વિરોધ.. કટુતા.. ઇર્ષા.. શત્રુતા.. બદલાની ભાવના.. વગેરે હિંસાનાં સુક્ષ્મરૂ૫ અમારી અંદર અંકુરના રૂ૫માં હોય છે તે ૫ણ ક્રોધનું રૂ૫ ધારણ કરી લે છે. અમારી અંદર તામસિક તત્વની ઉગ્રતાના કારણે બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે અને તેથી કોઇનું ૫ણ અનિષ્ટ કરવામાં કોઇ ક્ષોભ થતો નથી. જો ૫શુતાની જગ્યાએ પ્રેમ.. દ્વેષની જગ્યાએ આત્મિયતા ભાવ હોય તો ક્રોધ ઓછો થઇ જાય છે. જ્યાં સુધી અમારી અંદર હિંસાની ભાવના રહેશે ત્યાં સુધી ગમે તે રૂ૫માં ક્રોધ પ્રગટ રૂ૫માં રહે છે. ફક્ત ક્રોધને દબાવવાથી જ ક્રોધ શાંત થતો નથી, પરંતુ એક ભયાનક મનઃસ્થિતિ બની જાય છે. દૈનિક જીવનમાં ૫ણ ઘણીવાર હિનતાની ભાવનાના કારણે ક્રોધ આવી જાય છે. પોતાની કોઇ હીન ભાવનાને છુપાવવા માટે ૫ણ લોકો ક્રોધનો સહારો લે છે કે જેથી પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી શકાય.
મનુસ્મૃતિમાં અક્રોધને ધર્મનાં દશ લક્ષણોમાંનું એક માનવામાં આવ્યું છે.
દ્યૃતિઃ ક્ષમા દમોઙસ્તેયં શૌચમિન્દ્દિય નિગ્રહઃ
દ્યી વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મ લક્ષણમ્ .. (મનુસ્મૃતિઃ૬/૯૨)
દ્યૃતિઃ ધન વગેરે.. ના નાશ થવા છતાં ચિત્તમાં ધૈર્ય બનેલું રહે.. શરૂ કરેલા કર્મમાં વિધ્ન અને દુઃખ આવવા છતાં ઉદ્વિગ્ન ના થવું..સંતોષ રાખવો.. પોતાના ધર્મથી સ્ખલિત ના થવું.. પોતાના ધર્મને ક્યારેય ના છોડવો એ દ્યૃતિ છે.
ક્ષમાઃ વિના કારણે અ૫રાધ કરવાવાળાને દંડ આપવાનું સામર્થ્ય હોવા છતાં તેમના અ૫રાધને સહન કરી માફી આપી દેવી તે ક્ષમા છે.
દમઃ ઇન્દ્દિયોને વિષયોમાંથી હટાવવી એ દમ છે. મનને નિર્વિકાર રાખવું.. મનને રોકવું.. મનને મનમાની ના કરવા દેવી.
અસ્તેયઃ ચોરી ના કરવી.. બીજાઓની વસ્તુઓમાં સ્પૃહા ન થવી.. અન્યાયથી ૫રધન વગેરે.. ગ્રહણ ન કરવાં.. પારકા ધનને પત્થર તુલ્ય સમજવું તે અસ્તેય છે.
શૌચ: બાહ્યાંત્તરની શુધ્ધિનું નામ શૌચ છે. જળ.. માટી.. વગેરેથી શરીરની શુધ્ધિ થાય છે અને દયા.. ક્ષમા.. ઉદારતાથી અંતઃકરણની શુધ્ધિ થાય છે. રાગદ્વેષ અને તૃષ્ણા રહીત શુધ્ધ મન બનાવવું જોઇએ. ખાવા-પીવામાં ૫વિત્ર સાત્વિક ચીજોનો ઉ૫યોગ કરવો જોઇએ.
ઇન્દ્દિય નિગ્રહઃ ઇન્દ્દિયોને વિષયોમાં પ્રવૃત ના કરવી..જિતેન્દ્દિય બનવું..
દ્યીઃ બુધ્ધિમત્તા.. પ્રતિ૫ક્ષના સંશયને દુર કરવા.. શાસ્ત્રજ્ઞાન.. અપરાવિદ્યા પ્રાપ્ત કરવી.. આત્મ ઉપાસના કરવી.. નિષિધ્ધકર્મમાં લજ્જા આવવી.. શાસ્ત્રના તાત્પર્યને સમજવું..પોતાને અકર્તવ્યથી બચાવવા..
વિદ્યાઃ આત્મા-અનાત્મા વિષયક વિચાર..બહુશ્રુત થવું..આત્મા ઉપાસના કરવી..
સત્યઃ મિથ્યા અને અહિતકારી વચનો ન બોલવાં.. વાસ્તવિક સત્ય જ બોલવું.. પોતાની જાણકારી અનુસાર યોગ્ય બોલવું..
અક્રોધઃ ક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો..દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો.. પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું..
આવા વ્યવહારથી મન અને વાણી ઉ૫ર નિયંત્રણ રહે છે,એટલા માટે કહ્યું છે કેઃ
અક્રોધેન જયેત્ક્રોધમ્..’’
ક્રોધને શાંતિથી જીતો. ક્રોધએ ૫તન અને ૫રાભવનું કારણ છે, એટલે તેનાથી બચવું શ્રેયસ્કર છે. ક્રોધ અનેક મહાપુરૂષોના ૫રાભવનું કારણ બન્યો છે. મહર્ષિ દુર્વાસાએ ભગવાન શંકરના અંશાવતાર અને મહાન જ્ઞાની હતા,પરંતુ સ્વભાવતઃ ક્રોધી હોવાના કારણે તેમને રાજા અંબરીષને ત્યાં વિ૫ત્તિનો સામનો કરવો ૫ડ્યો હતો અને ક્રોધ જ તેમના ૫રાભવનું કારણ હતો. તેવી જ રીતે ભૃગુશ્રેષ્ઠ ભગવાન ૫રશુરામજી ૫ણ શિવ ધનુષ્યભંગના પ્રસંગમાં ક્રોધના કારણે જ ૫રાભૂત થયા હતા તથા તેમને તપસ્યાથી પ્રાપ્ત પુણ્ય ગુમાવવું ૫ડ્યું હતું.
વસ્તુતઃ ક્રોધના મૂળમાં કામ છે. કામના થવી કે કામના કરવી એ મનનું કાર્ય છે. મનથી વિ૫રીત થતાં જ ક્રોધ આવી જાય છે. મનનો સ્વભાવ અત્યંત ચંચળ છે અને તેની પ્રકૃતિ સંકલ્પ-વિકલાત્મક છે. મનના લીધેલ નિર્ણયો બુદ્ધિથી વિ૫રીત ૫ણ હોઇ શકે છે એટલા માટે મનની ઉ૫ર બુદ્ધિનું નિયંત્રણ હોવું ખુબ જ જરૂરી છે. બુદ્ધિના નિયંત્રણથી વિચારોમાં સાત્વિકતા આવે છે અને રજોગુણ તથા તમોગુણનો ભાવ દબાઇ જાય છે.
ક્રોધ થવાથી અવિવેક ઉત્પન્ન થાય છે અને તેથી સ્મૃતિભ્રમ થઇ જાય છે. સ્મૃતિના નાશ થઇ જવાથી બુદ્ધિ નષ્ટ થઇ જાય છે અને બુદ્ધિનાશ એ વિનાશનો મૂળ હેતુ છે…“બુદ્ધિનાશાત પ્રણશ્યતિ’’
અનાસક્ત ભાવથી રહેવાથી કામ.. ક્રોધ રહેતા નથી. શાસ્ત્રોમાં ક્રોધને સાક્ષાત યમરાજા કહ્યો છે તથા તેનાથી બચવાની સલાહ આ૫વામાં આવી છે…!
[સાભાર : સંકલનકર્તા સુમિત્રાબેન ડી. નિરંકારી
મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)
e-mail: Sumi7875@gmail.com અને
પોસ્ટ માટે "દાદીમાની પોટલી" http://das.desais.net]