વેબ સરિતા: 04/14/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Monday, 14 April 2014

શ્રી ૪૨૦ સંતની આપવીતી : વાતનું વતેસર- ડો. રઈશ મનીઆર


માધુરી અને પ્રિયંકા જેવી હિરોઇનો પોતાના ચહેરા પરના સ્પોટ (ડાઘ) વિદેશના ડોક્ટરો પાસે જઈ ફિક્સ કરાવીને આવે છે એ સ્પોટ ફિક્સિંગ નથીએમને કેમ કોઈ કંઈ કહેતું નથી?
હું એક સંત છું. મારા નામની આગળ સન્માનાર્થે 'શ્રી' લગાડવાથી 'શ્રીસંત' શબ્દ મળે છે જે નામથી આપ મને ઓળખો છો. મારી અટક શ્રીનિવાસન છે, પણ હાલ મારો નિવાસ જેલમાં છે. આ આઈપીએલની ડબલ ઇન્કમના પરિણામે હું 'ગેલ'માં હતો, હવે 'જેલ'માં છું.     
 પરદુઃખે ઉપકાર કરે એને સંત કહેવામાં આવે છે. દેશમાં મહિનાઓથી બધું શાંત હતું. સોનિયાજીની બીકથી મનમોહન ચૂપ છે. નીતીશકુમારની બીકથી નરેન્દ્રભાઈ ચૂપ છે. બાબા ચૂપ છે, અણ્ણા ચૂપ છે. સચીનનું બેટ ચૂપ છે. શાહરુખની હૂપાહૂપ અને આમીરની બોક્સઓફિસ ચૂપ છે. આવા સમયે કંટાળાની કાંટાળી પથારી પર સૂતેલ દેશને મેં સ્પોર્ટ ફિક્સિંગ નામનું સેન્સેશન આપ્યું છતાં દેશ મારા પ્રત્યે ઇનસેન્સિટિવ કેમ છે? બેકદર કેમ છે?
 આજે ફાસ્ટફૂડના જમાનામાં ક્રિકેટને પણ ફાસ્ટફૂડ જેવી બનાવવા આઈપીએલ આવી. એમાં ફાસ્ટ ગેઇમને જરા 'સ્લો' કરવા મેં જરા ટુવાલ શું લપેટયો, મેં જાણે ક્રિકેટની રમતને કફન ઓઢાડયું હોય એવો માતમ દેશમાં છવાઈ ગયો છે. મેં તો પેન્ટ પર ટુવાલ લપેટીને પૈસા બનાવ્યા, પણ પેલા અસભ્ય રણબીર કપૂરે તો ટુવાલ ઉતારીને પૈસા બનાવ્યા, એ કોઈને નડતું નથી. આવતા વર્ષે જ્યારે આઈપીએલ નહીં હોય એટલે છોકરાઓ ભણશે ત્યારે આ લોકોને મારી કદર થશે.
ક્રિકેટરોને બુક સાથે બહુ સંબંધ હોતો નથી. (સચીનઅંકલ અને માહીભાઈ એવું કહેતાં હતા). અમીતસિંહ કે જીજુ જેવા મારા મિત્રો જેમણે ક્રિકેટ માટે બુક છોડી અને પછી ક્રિકેટમાંય એમનો ડંકો ન વાગે તો એ શું કરે? હવે આ ઉંમરે 'બુક' સાથે ફરી સંબંધ કેવી રીતે બાંધે, સિમ્પલ છે યાર, 'બૂકી' થઈને ! અમુક નિષ્ફળ પ્લેયર 'કોચ' બને, અમુક 'બૂકી' બને અને રહી ગયેલા કાંદા-બટાકા વેચે.
 તમે સૌ સામાન્ય માણસો પાછલી જિંદગીનું નથી વિચારતા? તો અમે ક્રિકેટરો કેમ ન વિચારીએ?ગવાસકર અને કપિલની જેમ દિનેશ અને પામોલિવવાળા બધા ઉપર મહેરબાન નથી થતા. ક્રિકેટરો માટે કોઈ પેન્શન પ્લાન નથી, રિટાયરમેન્ટના કોઈ લાભ નથી. પ્રોવિડંટ ફંડ કે ગ્રેચ્યુઇટી નથી, પછી ક્રિકેટર શું કરે? પાછલી જિંદગીના સહારા માટે પૈસા બનાવે જને! અરે, આ બધા લાભ હોવા છતાં સરકારી કર્મચારીઓ પૈસા બનાવવાનું બંધ કરે છે?
 અંકિત ચવાણ નામનો મારો મિત્ર (જોકે હવેથી બધા એને કલંકિત ચવાણ કહેશે) આમ તો સ્પિનર છે,બોલ ટર્ન કરે છે. બે પૈસા માટે એણે પોતાનો રિસ્ટ બેન્ડ ટર્ન કર્યો, સહેજ ફેરવ્યો તો એ આખા દેશની નજરમાં આવી ગયો અને પેલા દિલ્હીમાં બેઠેલાઓ રોજ રિસ્ટ બેન્ડ નહીં, પણ આખેઆખા દેશની જ પથારી ફેરવે છે ત્યારે કોઈ કંઈ બોલતું નથી?
અને તમને બધાને ફિક્સિંગથી પ્રોબ્લેમ શું છે? આજે તમે તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે તમે પોતે કદી સ્પોટ ફિક્સિંગ નથી કર્યું! શું તમે બસ કે ટ્રેનમાં તમારા મિત્ર માટે જગ્યા એટલે કે સ્પોટ રોકો છો એ સ્પોટ ફિક્સિંગ નથી? શું તમારાં બાળકો બારમું પાસ થાય એ પહેલાં એમનાં એડમિશન પાકાં કરી લો છો એ સ્પોટ ફિક્સિંગ નથી? શું મેચ સારા સ્પોટ પરથી જોવા માટે સારી ટિકિટ બુક કરાવો છો, એ સ્પોટ ફિક્સિંગ નથી? નેતાઓને મરતા પહેલાં એમની સમાધિની જગ્યા ફાળવી દેવામાં આવે છે, એ સ્પોટ ફિક્સિંગ નથી?
માધુરી અને પ્રિયંકા જેવી હિરોઇનો પોતાના ચહેરા પરના સ્પોટ (ડાઘ) વિદેશના ડોક્ટરો પાસે જઈ ફિક્સ કરાવીને આવે છે એ સ્પોટ ફિક્સિંગ નથી? એમને કેમ કોઈ કંઈ કહેતું નથી? અરે, સંજયભાઈએ આર્થર રોડ જેલમાં કસાબવાળો સ્પોટ પોતાને માટે ફિક્સ કરાવ્યો તે સ્પોટ ફિક્સિંગ નથી? આખી જિંદગી અમારા અનિલ કુમ્બલેએ એક જ સ્પોટ પર બોલનો ટપ્પો પાડી પાંચસો વિકેટ લીધી એ સ્પોટ ફિક્સિંગ નથી?ગાંધી પરિવાર વર્ષોથી રાયબરેલી અને અમેઠીના સ્પોટ પરથી ચૂંટાય છે એ સ્પોટ ફિક્સિંગ નથી?ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં કાયમ સચીનનો સ્પોટ ફિક્સ હોય છે એ સ્પોટ ફિક્સિંગ નથી?
'સ્પોટ' શબ્દને આ છાપાવાળા નાહકનો બદનામ કરે છે. ટ્રાફિક પોલીસ 'સ્પોટ' પર જ ઊભી રહે છે. રોંગ સાઇડ જાઓ તો ઓન ધ સ્પોટ 'સ્પોટ-ફાઇનિંગ' કરે છે. ફિલ્મોનાં શૂટિંગમાં સ્પોટબોય હોય, ટેનિસમાં બોલ (અને ટુવાલ) આપવા સ્પોટબોય હોય.
ધોનીએ ક્રિકેટમાં મારી હાલત 'સ્પોટ બોય' જેવી જ કરી નાખી હતી, એની આખી દુનિયા 'સાક્ષી' છે. તમે જોયું હશે કે દોડવું ન પડે એ માટે પહેલાં સહેવાગ ચોગ્ગા-છગ્ગા મારતો હતો. હવે દોડવું ન પડે એ માટે સહેવાગ હંમેશાં 'સ્લિપ'માં (તમે સ્લિપ એટલે 'ઊંઘ' સમજ્યા?) ફિલ્ડિંગ ભરે છે, એ શું સ્પોટ ફિલ્ડિંગ નથી?
 'ફિક્સ' શબ્દ પણ ખોટો બદનામ થાય છે. તમારા ગુજરાતમાં તો 'ફિક્સ થાળી'નો અને 'ફિક્સ ડિપોઝિટ'નો મહિમા છે. રામનો વનવાસ, સીતાનો સ્વયંવર, દ્રૌપદીનું ચીરહરણ આ બધું ફિક્સ કરવામાં આવ્યું હતું. સારું મુહૂર્ત અને સારો મૂરખ જોઈ કન્યાનાં લગ્નની તારીખ ફિક્સ કરવામાં આવે છે. અરે, એક ચોંટાડવાની પ્રોડક્ટનું તો નામ જ 'ફિક્સિટ' છે. કાશ, એ મેચની સવારે ટીવી પર વારંવાર 'ફિક્સિટ'ની જાહેરાત ન જોઈ હોત તો મને ફિક્સ કરવાનું મન થયું ન હોત.
હું જેલમાં બેઠો બેઠો એ જ જોવાનો છું કે, ફિક્સિંગનો રેલો ક્યાં ક્યાં પહોંચે છે. કેટલાક લોકો બોર્ડના પ્રેસિડન્ટ પણ મારી જેમ 'શ્રીનિવાસ' હોવાથી એમના પર આંગળી ચીંધી એમને જેલનિવાસ કરાવવા માંગે છે. અરે ભાઈ, બોર્ડના વડા આઈપીએલમાં પોતાની એક ટીમ રાખે તો તમને વાંધો શું છે? શું એમને બે પૈસા કમાવાનો હક નથી? (બે પૈસા એટલે કેટલા, એ ગુજરાતીઓને સમજાવવાનું ન હોય!) ના ના, હવે તમે કલ્પના કરો કે કમાવા માટે બોર્ડના વડા સ્ટેડિયમમાં ફરીને વડાપાંઉ વેચે? અરે, એમણે એક ટીમ રાખી તો રાખી. (સ્પષ્ટતા-આ વાક્યમાં વપરાયેલાં 'રાખી' અને 'કલ્પના' કોઈ હિરોઇન કે મોડલ નથી.)
હે પ્રામાણિકતાના મૂર્ખ ચાહકો! તમે 'શીલા કી જવાની' પિક્ચરની ટિકિટ ખરીદીને હોલમાં 'સત્યવાન સાવિત્રી' પિક્ચર જોવાની અપેક્ષા રાખો તો એ તમારો વાંક છે, અમારો નથી. જે ટૂર્નામેન્ટની શરૂઆત જ હરાજીથી થાય, એમાં તમે કેવી રીતે રાજી રહો? મિત્રો, આ આખી ચમકદાર ટૂર્નામેન્ટ ખુદ બગસરાના ઓર્નામેન્ટ જેવી છે. એની ચમક કાળી પડી છે, હવે એનું કંઈ ન થાય, કોઈ બીજું ધુપ્પલ, કોઈ બીજું ડીંડવાણું એની જગ્યા લેશે.
* મારે ભારતની જનતાને એ જ કહેવાનું છે કે ફિક્સિંગ એક કલા છે, મને સજા થશે તો એ કલા લુપ્ત થઈ જવાનો ડર છે. જો મને માફી નહીં મળે તો હું તો માફિયા બની જઈશ, પણ ગલીગલીમાં પથરાયેલા સટોડિયાઓનું શું થશે? જનતા જનાર્દન! (તમારો પ્રાસ જીજુ જનાર્દન સાથે કેવો બેસે છે!) એટલું જાણી લો કે પોલીસે જપ્ત કર્યાં છે તે નાણાં બાય ધ વે તમે જ સટ્ટામાં રોકેલાં નાણાં છે. મારું કમનસીબ છે કે, હું એવા દેશમાં જન્મ્યો છું કે જ્યાં તમારા જેવા સટ્ટો રમનાર કરોડો નિર્દોષ ફરે છે અને હું ક્રિકેટ રમનાર જેલમાં છું.
અંતે સંજય દત્તને જેવો સપોર્ટ મળ્યો એવા જ સપોર્ટની મને અપેક્ષા છે. એ તો ભાઈલોગના નકલી રોલ કરનાર કલાકાર છે, હું તો અસલ જિંદગીમાં જ ભાઈ જેવો છું. છેલ્લે એક ખાનગી વાત, હું ભાઈ જેવો હોવા છતાં હું થથરું છું, કેમ કે મને એવી બાતમી મળી છે કે મારી પાસે કબૂલાત કરાવવા દિલ્હી પોલીસ એક પંજાબી પોલીસની મદદ લેવાની છે જેનું નામ હરભજન છે.
 * આજકાલ જેલમાં રહીને હું તત્ત્વચિંતક થઈ ગયો છું. ક્રિકેટે મને શું આપ્યું? તમાચો? બદલામાં મેં ક્રિકેટને શું આપ્યું, એક સણસણતો તમાચો! હિસાબ સરભર! છતાંય હું અંદર છું (અને એ બંદર બહાર છે)
(નોંધ - લેખનો આશય માત્ર વક્રદૃષ્ટિથી હાસ્ય નીપજાવવાનો છે. લાફ્ટર ક્લબની પ્રવૃત્તિની ખરેખરી ટીકાનો આશય નથી. શુભેચ્છાઓ સહ...લેખક) 
amiraeesh@yahoo.co.in
.
Sandesh - Leading Gujarati Daily

Posted By: http://web-sarita.blogspot.com/ Monday, 14 April 2014

આ દુનીયા આખી ફિક્સ છે... - unknown


ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે,

નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે.



સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,

મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.



બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,

ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.



ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે.

ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે.



ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે,

ફુટી ગયેલા પેપર ઉપર એક્ષામીનેશન તો ફિક્સ છે.


ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,

જ્યા કારકુન, જ્યા કચેરી, કરપ્શન તો ફિક્સ છે.
- unknown

Posted By: http://web-sarita.blogspot.com/

આજનું શિક્ષણ:ટેક્નોલોજીનો વિકાસ કે માનવતાનો હા=સ - PROF. HIREN.P.NAIK

Image result for todays education  pix
આજનું  શિક્ષણ શું મનુષ્‍યમાં રહેલા મનુષ્‍યત્‍વને ઉજાગર કરતું જોવા  મળે છે ખરું? કેમકે એમાં આત્‍માના ‍ શિક્ષણનો અભાવ છે. માનવ શરીરને મારી શકાય છે ૫ણ આત્‍માને કે વિચારને મારી શકાતો નથી આમ, શિક્ષણ પાસેની આ૫ણી અપેક્ષાઓ નાનીસુની નથી. વાસ્‍તવિક શિક્ષણ વિજ્ઞાન અને અઘ્‍યાત્‍મનો સમન્‍વય સાઘી આ૫તું હોય,  સંસ્‍કૃતિ - પ્રકૃતિ સાથે સંવાદ રચી આ૫તું હોય,યોગ, ઉદ્યોગ અને સહયોગ ઘ્‍વારા સંવેદનાઓના સંસ્‍કારનું સિંચન કરતું હોય, સારા- નરસાનો ભેદ શીખવવા સંશ્ર્લેષણ અને ‍વિશ્ર્લેષણ કરતાં શીખવવું હોય, ઘસાઇને ઉજળા થવાની સેવાકીય લાગણીને વિકાસવંતુ કરતું હોય અને માનવતાને પ્રગટાવતી અનુકંપા પેદા કરતું હોય એવું ટકાઉ શિક્ષણ  અનિવાર્ય૫ણે પ્રયોજવું ૫ડશે અને તે માટે કોઇ નો ૫ણ દોષ કાઢ્ યા વિના આ૫ણે સઘન, વ્‍યવહારું, અસરકારક, વૈજ્ઞાનિક અને ટકાઉ ઉકેલ શોઘ્‍યા વિના છૂટકો નથી. કેમ કે,
આગગાડી સિસોટી વગાડવાથી નહીં ૫ણ
            વરાળમાં સંઘરાયેલી  શકિતથી ચાલે છે.
આજે જયારે પ્રત્‍યેક ક્ષેત્રમાં  શિક્ષણ અને તેની ઉ૫યોગિતા સફળ પુરવાર થતી આવી છે ત્‍યારે આજના સ્‍પર્ઘાત્‍મક યુગમાં શિક્ષણ પાયાનું અને મોખરાનું સ્‍થાન ઘરાવે છે એવા શિક્ષણક્ષેત્રે વૈજ્ઞાનિકયુગ,કમ્‍પ્‍યુટરયુગ અને ટેકનોલોજીયુગનું અવતરણ થયું, જેને આઘુનિકીકરણ અને વૈશ્ર્વિકરણના બેનર લાગ્‍યા છે. તે આ બઘીજ બાબતો આમ  જોવા જતા જણાય છે કે તે ફકત માનવ જીવનના ક્ લેવર માટે જ છે.  શિક્ષણ ઘ્‍વારા ત્રણ પ્રકાર જીવન શ્રેયકર બને છે. ( ૧ ) ભવ્‍ય ( ર ) ભદ્ર અને ( ૩ ) ભાવ. જે અનુક્રમે માનવ અવસ્‍થાની ત્રણ અવસ્‍થાઓ બાળ૫ણ, યુવાની અને ઘડ૫ણને  ઘડે છે.
(૧) ભવ્‍ય જીવન:
       વિદ્યાર્થી અવસ્‍થાએ જ્ઞાન પ્રાપ્‍ત કરવાની સર્વોચ્‍ચ અવસ્‍થા છે.  જેમાં પ્રાથમિક,માઘ્‍યમિક અને ઉચ્‍ચશિક્ષણથી તેના ઘડતરની ૫ક્રિયા શરૂ કરે છે. બાલ્‍યાવસ્‍થાનું બીજુ નામ શિક્ષણથી જીવન ને ભવ્‍ય બનાવવું થાય છે.
(ર) ભદ્ર જીવન:
યૌવન માનવ જીવનની બીજી અવસ્‍થા છે. જે શિરમોર છે. ૫રંતુ અતિસંવેદનશીલ છે. આ સમયમાં મેળવેલા જ્ઞાનને કેળવવાનું અને ૫કવવાનું હોય છે. જે બહુ કઠિન અને જટીલ છે. તેમાથી ૫સાર થવું,ટકી રહેવું અઘરું જરૂર છે. ૫રંતુ અશકય નથી અને એમાં એ  શિક્ષણ સાથે સતત રહી કામ કરતો રહે ત્‍યારે તેના ડગ ભદ્ર જીવન તરફ છે એમ કહેવાય. જેનાથી તે ૫રિ૫કવ બને છે.
(૩) ભાવ જીવન: 
કોઇ કે સાચું જ કહયું છે કે જેનું બચ૫ણ ઘડાયું તેની યુવાની કેળવાઇ  અને તેનું જ ઘડ૫ણ સમજાયું અને જીવાયું. આ બઘી અવસ્‍થાઓમાં  શિક્ષણની અસરકારકતા જવાબદાર છે. જ્ઞાન મેળવવું, જ્ઞાનને ૫કડવું અને ૫છી જ્ઞાનની સમજણ આવે તે ભાવ જીવન છે. અને એનાથીજ પોતાનું અને અન્‍યોનું હિત સઘાય છે.  આજના ટેક્ નોલોજીના યુગમાં  શિક્ષણ સારા ઇજનેરો, વકીલો,
ટેક્ નિશ્‍યનો, ર્ડાકટરો  વગેરે  બનાવવામાં સફળ રહયું છે. જયારે સારો માણસ બનાવવામાં નિષ્‍ફળ રહેલું  જોવા મળે છે. આઘુનિક શિક્ષણે જેમ સોડિયમ વગરનું મીઠું,ચરબી વગરનું ઘી,ઝેર વગરનો સા૫ તેમ સંવેદના અને  માનવતા વગરના માણસ પેદા કર્યા છે! સમગ્ર વિશ્ર્વ માટે જો કોઇ ૫ડકાર રૂ૫ પ્રકિયા હોય તો તે મનુષ્‍યમાં મનુષ્‍યત્‍વનું નિરૂ૫ણ કરવાની છે. જે સંદર્ભે એક ઉ૫દેશાત્‍મક ઠેકડી ૫ણ આદિકાળમાં ઉડાવવામાં આવી હતી, જેમાં એથેન્‍સના ડાયોજિનિસ  ભર બપોરે હાથમાં  ફાનસ  લઇને માણસની શોઘ કરવા નીકળી ૫ડયા હતા. એ ઉ૫રાંત 'શિક્ષણની સોનોગ્રાફી' નામના પુસ્‍તકમાં મુનિ ઉદય ૫ણ જણાવે છે કે:  "The heart of Education is the Education of the heart !"

આજના આઘુનિક  શિક્ષણે દુનિયા ને ચાર દિવાલની વચ્‍ચે લાવી દીઘી છે ૫રંતુ એ ચાર દિવાલ વચ્‍ચેના ચાર વ્‍યકિતઓ વચ્‍ચે જાણે સ્‍મશાન  સમાન વાતાવરણ ઊભું કર્યું છે. જયાં શરીર તો હોય છે, આત્‍મા હોતો નથી બઘા એકબીજા સાથે ખુલ્‍લા મને પોતાની રજૂઆતો રજૂ કરી શકતા નથી વાસ્‍તવમા વિઘિસરનું શિક્ષણ ફકત માહિતીઓ જ આપે છે જયારે અવિઘિસરનું શિક્ષણ  સંસ્‍કાર - મૂલ્‍યો વગેરે આપે છે.આથી સમાજ માટે ઉ૫કારક અવિઘિસરનું શિક્ષણ જ છે. વિઘિસરનું શિક્ષણ જ્ઞાનને 'ટાન્‍સફર' કરવાનું  અને અવિઘિસરનું શિક્ષણ જ્ઞાનને 'જનરેટ' કરવાનું કામ કરે છે. આજનું શિક્ષણ કેરીમાં રસનું પ્રમાણ વઘારવા કરતા ગોટલાનું કદ વઘારનારુ છે. આજની ઉગતી પેઢીમાં સામાજીક અને નૈતિક મૂલ્‍યોનો હા=સ થવો એ બાબત ઘણા ગંભીર સામાજીક અને નૈતિક સંઘર્ષોને જન્‍મ આપે છે. તેથી આજના શિક્ષણને મૂલ્‍યલક્ષી બનાવવું, સંભાળવું અને જતન કરવું એ અત્‍યંત જરૂરી બન્‍યું છે. તેથી જ ડો. સર્વ૫લ્‍લી રાઘાકૃષ્‍ણને કહયું છે કે, 'સભ્‍યતાનું નિર્માણ યંત્રોથી નહિ,  મૂલ્‍યોથી થાય છે.'

આજે ટેક્ નોલોજી આ૫ણા જીવન ઉ૫ર એટલી સવાર થઇ ગઇ છે કે આ૫ણે જીવનમાંથી સાહજિકતા ને સ્‍વાભાવિકતા ગુમાવી દીઘી છે. ટેક્ નોલોજી જીવન માટે જરૂરી છે. વિજ્ઞાન અને ટેક્ નોલોજીથી આ૫ણું જીવન સુખી ને સમૃઘ્‍ઘ જરૂર બન્‍યું છે, ૫ણ 'અતિ સર્વત્ર વર્જયેત ' એ ન્‍યાયે કોઇ ૫ણ વસ્‍તુંનો અતિરેક હાનિકારક બની જાય છે. ટેક્ નોલોજી આ૫ણી ગુલામ બનવી જોઇએ એને બદલે  આ૫ણે ટેક્ નોલોજીનાં ગુલામ બની ગયા છીએ.
આમ જોવા જઇએ તો    ટેક્ નોલોજીનો વિકાસ એ એક સારી સારી છે, ૫ણ કડવી વાસ્‍તવિકતા એ છે કે ટેક્ નોલોજીમાં જેમ ભરતી આવે છે તેમ આ૫ણા જીવનમાંથી ઉષ્‍મા અને લાગણીની ઓટ આવતી જાય છે. આજે જાહેર જગ્‍યાઓ ઉ૫ર  માનવ મહેરામણ તો જોવા મળે છે ૫રંતુ તેમનામાં જે પ્રેમની લાગણી હોવી જોઇએ એ આજે દુલર્ભ બની છે. માનવ સંબંઘો છીછરા  અને ઉ૫રછલ્‍લા બની ગયા છે.
જયારે ઘડિયાળની શોઘ થઇ ત્‍યારે તે આ૫ણી સગવડ માટે થઇ હતી. ૫રંતુ ટેક્ નોલોજીની જેમ જ આ૫ણે ઘડિયાળના ૫ણ ગુલામ થઇ ગયા છીએ. કોઇ૫ણ સ્‍નેહીજનને અચાનક મળવાનો વિચાર આવ્‍યો હોય તો ૫ણ એને  દાબી દેવો ૫ડે છે. કેમ કે આજે એપોઇન્‍ટમેન્‍ટ યુગ છે. કોઇને એપોઇન્‍ટમેન્‍ટ લીઘા વિના મળવા જવાય જ નહી ને જો અચાનક જઇ ચડો તો સ્‍નેહીજનનું મોઢું જોવા જેવું થઇ જાય.વળી આજે ઇલેકટ્રોનિકસ અને ટેક્ નોલોજીનો જમાનો છે. ત્‍યારે ઘેર-ઘેર ટેલિવિઝન આવી ગયા છે એ ટેલિવિઝન ની ૪૦ થી ૫૦ ચેનલો ઉ૫ર જાત-જાત ની અને ભાત-ભાતની  સિરિયલો જોવા મળે છે.તમે અચાનક કોઇકના ઘરે જઇ ચડો અને  એજ સમયે તેઓ કોઇ સિરીયલ જોતા હોય તો યજમાન ડિસ્‍ટર્બ થઇ જાય છે. મનુષ્‍ય જીવન આટલી હદ સુઘી કૃત્રિમ બની ગયું છે. ટેક્ નોલોજીએ સમાજજીવનની  સમગ્ર સમતુલા જ ગુમાવી દીઘી છે.
  •     શિક્ષણમાંથી માનવતાના હા=સ થવાના કારણો :
આજના યાંત્રિક યુગમા માનવતાલક્ષી શિક્ષણનો હા=સ થવો એ ખૂબજ ગંભીર સામાજીક અને નૈતિક સંઘર્ષોને જન્‍મ આપે છે. તેથી પ્રવર્તમાન શિક્ષણને મૂલ્‍યલક્ષી,માનવતાલક્ષી બનાવી સંભાળવું અને તેનું જતન કરવું  અત્‍યંત્‍ય જરૂરી બની ગયું છે.
 (૧)     પાલક (માતા- પિતા ) પાસે પોતાના સંતાનોનું
ઘ્‍યાન રાખવા કે સંસ્‍કારીત કરવા માટે  સમયનો અભાવ .
(ર)      વિભકત કુટુંબ પ્રથાને કારણે સંયુકત કુટુંબની ભાવના
સંયમ, સહિષ્‍ણુતા , મદદ , ૫રસ્‍૫રની સહાનુભૂતિ  વગેરે લુપ્‍ત થવા લાગ્‍યા છે.
(૩) ૫શ્ર્ચિમિ સંસ્‍કૃતિનુ આધળું અનુંકરણ અને વિવિઘ યાંત્રિક આયામોની માનવીય વિચાર સંસ્‍કૃતિ ઉ૫ર વિભત્‍સ અસર.
(૪) ગ્રામ્‍ય સંસ્‍કૃતિનું શહેરી સંસ્‍કૃતિમાં રૂપાંતરણ જેથી સહજ  અને  સ્‍વાભાવિક મૂલ્‍યોમા તીરાડ.
(૫)      ગ્રામ્‍ય જીવનની બાલ્‍યાવસ્‍થાની વિવિઘ નૈસગિક મૂલ્‍ય વિકસાવતી ભારતીય રમતોનું સ્‍થાન કમ્‍પ્‍યુટર ગેઇમ ને આ૫વું.
(૬)      આ૫ણા રાષ્ટ્રીય,ઘામિર્ક, સામાજીક અને શૈક્ષણિક ઉત્‍સવો પાછળનું સામ્રાજય સંવેદનાઓ,લાગણીઓ પ્રોફેશનલ બનતી ગઇ અને તેમા છુપાયેલું તત્‍વ,સત્‍વ,મહત્‍વ અને અસ્‍તિત્‍વ વિખેરાતા હોય એવું લાગે છે.
(૭)     કમ્‍પ્‍યુટર,ઇન્‍ટરનેટ,ઇ-મેઇલ ,વેબસાઇટ ,મોબાઇલ, ઓનલાઇન વગેરે ટેક્ નોલોજીના અતિક્રમણના કારણે સામાન્‍ય જીવનમાંથી ઘર્મ - સામાજીકતા નૈતિકતા - કુટુંબપ્રેમ વગેરે જેવા મૂલ્‍ય અભિગમોનો વિનાશ થવાની  શરૂઆત થઇ રહી છે.
(૮)      પ્રસ્‍તુત ટેક્ નોલોજી ના જમાના મા ભોગવાદ અને ભોતિકવાદ ના ભરડા એ આજ ના વિદ્યાર્થીઓ મા વડીલો ની મર્યાદા, સંસ્‍કારપૂર્ણ વર્તન,મા-બા૫ પ્રત્‍યે ની સહાનુભૂતિ,વડીલોની મર્યાદા, શિષ્‍ટવ્‍યહવાર વગેરેથી અડગા મૂકી દીઘા છે.
  • માનવતાલક્ષી શિક્ષણ પ્રસ્‍થાપિત કરવાના અભિગમો:
માનવતાલક્ષી શિક્ષણ એ રાતોરાતની પ્રકિયા નથી. લાંબા સમયનુ અને ઘીરજલક્ષી કાર્ય છે. સમાજ નો ઉચ્‍ચ વર્ગ તે તરફ ચિંતિત જરૂર છે ૫રંતુ માત્ર ચિંતન નહી, સાથે મળી ને સહચિંતન -આયોજન-અમલીકરણ કરવું જ રહયું. માનવતાલક્ષી શિક્ષણને પ્રસ્‍થાપિત કરતા આવા અભિગમો ને જાણીએ.
(૧)      માતા-પિતા પોતાના સંતાનો ના સંસ્‍કાર વિકાસ માટે યોગ્‍ય સમય ની ફાળવણી કરે.
(ર)      ટેલીવિઝનનો સદ્ઉ૫યોગ કરવો જેમાં ઘણી બાબતો સારી
અને ઉ૫યોગી પ્રસારીત થતી હોય છે તે જોવા માટે વિદ્યાર્થીઓને પ્રેરીત કરવા. દા.ત:- વિવઘ ભાષામાં પ્રસારિત થતા સમાચાર, વૈવિઘ્‍યપૂર્ણ ઇતિહાસ, ડિસ્‍કવરી ચેનલવગેરે.
(૩) વૈવિઘ્‍યપૂણૅ ચેનલો ઉ૫રના અરૂચિકર કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને દૂર રાખવા
(૪)         શાળા કોલેજમાં પ્રાર્થના,સ્‍વાસ્‍થશિક્ષણ,યોગાભ્‍યાસ અન્‍ય સામાજીક કાર્યો વગેરેનું આયોજન અને અમલીકરણ વિદ્યાર્થીઓ પાસે કરાવવું .
(૫)        સમાજ સુઘારકો ,હિતચિંતકો તેમજ સજજન વ્‍યકતિઓની  સમયાંતરે વિચાર ગોષ્‍ઠિ  વિદ્યાર્થી  સમક્ષ રજૂ કરવી.
(૬)         સંયુકત્ત કુટુંબની વિભાવના સમર્થ બને તેવા શાલીન અને  આદર્શ કુટુંબો સાથેનો વાર્તાલા૫  ગોઠવવો .
(૭)        રામાયણ, મહાભારત, ગ્રંથ ,વેદ, ઉ૫નિષદ ,શ્રીમદ્ ભગવદગીતા વગેરે ભારતીય મહાકાવ્‍યો નું નિયમિત રસપાન કરાવતા કાર્યક્રમો વિદ્યાર્થી સમક્ષ મૂકવા.
(૮)      ઘર, કુટુંબ ,શાળા સમાજ વગેરે ઘ્‍વારા પૂરતું વિઘાયક પ્રતિપોષણ આ૫વું જોઇએ.
અંતે,
hr1
.
અર્થાત,પાણી વડે કમળ, કમળ વડે પાણી શોભે છે, અને પાણી તથા કમળ બંન્‍ને વડે સરોવર શોભે છે.આમ, ટેક્ નોલોજી વડે માનવતા અને માનવતા વડે ટેક્નોલોજી શોભવી જોઇએ અને ટેક્ નોલોજી તથા માનવતા વડે સમગ્ર વિશ્ર્વ શોભતું હોવુ જોઇએ.

PROF. HIREN.P.NAIK
B.ED COLLEGE,
BAYAD(S.K.)

Posted By: http://web-sarita.blogspot.com/

સ્ત્રી જ અન્ધશ્રદ્ધાની વાહક અને ચાહક ? –કામીની સંઘવી

Mumbai Samachar

હમણાં એક સમાચાર વાંચ્યા. સુરતના એક સ્મશાનગૃહમાં બહેનોએ એક ધર્મગુરુની દોરવણી હેઠળ સત્સંગ કરીને, સ્ત્રીઓથી સ્મશાન ન જવાય તેવી પરમ્પરા કે રુઢીને ખોટી ઠેરવી. સારી રીતે બે–ચાર કલાક જાણીતા સ્મશાનગૃહમાં સ્ત્રીઓએ ભજન–કીર્તનની રમઝટ બોલાવી. સરસ… બ્રેવો… તેવું જોરજોરથી તાળી પાડીને કહેવાનું મન થાય તેવું હીમ્મતભર્યું આ કામ છે ! પણ આ જ બહેનો શ્રાવણ માસ દરમીયાન એવી અગણીત રુઢી અને રીતરીવાજ ધર્મ કે સંસ્કૃતીને નામે પાળે છે તે વીચારે આ બહેનોને બીરદાવતા હાથ હેઠા પડે.
પવીત્ર શ્રાવણ માસને આપણે બહેનોએ ધાર્મીક અન્ધશ્રદ્ધાને પોષતો માસ બનાવી દીધો છે. શ્રાવણનો દરેક દીવસ જાણે સ્ત્રીઓની જુદા જુદા પ્રકારની અન્ધશ્રદ્ધા પોષતો દીવસ છે. દરેક પરીવારમાં અલગ અલગ રુઢી ને રીવાજો. તેમાં પણ જે તે પ્રદેશના રીવાજો અલગ. શ્રાવણ માસમાં આમ કરાય ને તેમ ન કરાય. કેમ ? એવું પુછો તો જાણવા મળે કે પરમ્પરા કે સંસ્કૃતી છે! આમચી મુમ્બઈમાં પણ ઘણી બધી બહેનો યથાશક્તી રીતીરીવાજ પાળે છે. સૌરાષ્ટ્રવાસીઓ બોળ (વદ) ચોથના દીવસે ઘઉં ન ખાય કેમ તો કે બોળચોથની વાર્તા મુજબ તે દીવસે કુટુમ્બની અબુધ વહુએ, ઘઉંલા રુપી વાછરડાને ભુલમાં મારી નાખ્યો હતો એટલે. દક્ષીણ ગુજરાતની સ્ત્રીઓ તે રીતે પાંચમ કરે. તે દીવસે ચાકુ-છરીને ન અડે. શાક વગેરે ન કપાય. હાથે છડેલા ચોખાની ખીચડી બનાવીને ખાય. ઘણાં ઘરોમાં નાગની પુજા થાય. ઘરમાં કે પારણીયા પર નાગ દોરી તેને નૈવેદ્યમાં દુધ ધરાવાય, કાચું–કોરું ખવાય કે ઉપવાસ કરવાનો. હવે સાયન્સ ઓલરેડી એ સાબીત કરી ચુક્યું છે કે સાપ દુધ પીતો જ નથી; પણ હજુ આપણે સાપને દુધ પીવડાવવામાંથી ઉંચા આવતા નથી. રાંધણ છઠ્ઠ જુદાં જુદાં પ્રકારનાં અન્ન રાંધીને મનાવવાની; કારણ કે શીતળા સાતમને દીવસે ગરમ ખવાય નહીં! ઠંડું ન ખાવ તો શીતળામા રુઠે અને ઘરનાં બાળકોને ચામડીના રોગ થાય. સંસ્કૃત સાહીત્યનો જેણે અભ્યાસ કર્યો છે તે બરાબર જાણે છે કે હીન્દુ શાસ્ત્રમાં કશે પણ શીતળા નામની માતાનો કોઈ ઉલ્લેખ નથી. તે માત્ર ઓગણીસમી સદીમાં શીતળા નામના રોગની ભયંકરતા જોઈને કેટલાક લેભાગુ લોકોએ તેને દેવીનું રુપ આપી દીધું છે તેની ઉપજ તે શીતળામા છે. તે સીધીસાદી વાત બહેનોની સમજમાં આવતી નથી. હવે તો ભારત શીતળાના રોગથી મુક્ત છે; પણ આપણે સાતમના દીવસે શીતળામા કે બળીયાદેવ (દક્ષીણ ગુજરાતમાં શીતળામાની સાથે સાથે બળીયાદેવનું પણ ચલણ છે !)ની પુજા કરીએ છીએ અને ઠંડું ખાધા કરીએ છીએ. એક બેકરીમાં હું બ્રેડ ખરીદતી હતી ને એક વડીલ બહેનને દુકાનદાર સાથે પુછપરછ કરતાં સાંભળ્યાં, ‘તમારી પાસે ગઈ કાલના બ્રેડ છે ? અમારે સાતમ છેને એટલે આજના તાજા બ્રેડ નહીં ચાલે !!’ ચોમાસામાં વાસી કે ઠંડો ખોરાક રોગનું ઘર બને છે તે જાણવા છતાં આપણે ઠંડું અને વાસી ખાધા કરીએ તો ભણેલા અને અભણમાં શો ફરક ?
છડી નોમના દીવસે એક વાર હવેલીમાં જવાનું થયું. નંદબાવાને ઘેર બાળકૃષ્ણની પધરામણી થઈ તેના આનન્દમાં આખું ગોકુળ હરખઘેલું બન્યું હતું. તે પ્રસંગની યાદરુપે આપણે નોમનો દીવસ મનાવીએ છીએ. પણ હવેલીમાં કંઈક અનોખું દૃશ્ય જોવા મળ્યું. ભોગમાં ભગવાનને જે અન્ન–સામગ્રી ધરાવી હતી, તેને કંકુ કે ફુલની જેમ ભક્તો વચ્ચે ઉછાળવામાં આવી. અને તેમાં કેવી અન્નસામગ્રી હતી ? ગળ્યા શક્કરપારા,  મઠડી,  દહીં–મીસરી, માખણ, લાડુ, મોહનથાળ, ઠોર, પુરી, પેંડા, મેસુર જેવી અનેક વાનગીઓ! તે બધી મન્દીરના મુખ્ય ગર્ભગૃહમાંથી છુટા હાથે પ્રસાદરુપે ફેંકે અને ભક્તગણ તે લેવા પડાપડી કરે. મોટા ભાગનો પ્રસાદ ઝીલાયા વીના મન્દીરની ફરસ પર પડે. ભક્તોના પગે કચરાય. હવે જે મન્દીરમાં અન્ન પગે રગદોળાય, અરે ભગવાને જેને ગ્રહણ કર્યો છે તેવો પ્રસાદ, પગે કચરાય; તેમાં ભગવાનની કે અન્નની કંઈ માન–મર્યાદા સચવાય ? આપણે તો વળી હીન્દુ ધર્મમાં અન્નનો અનાદર કરવો તેને પાપ ગણીએ છીએ તો પછી અન્નને ઉછાળીને તેને પ્રસાદ તરીકેનું રુપ આપીને ભક્તોમાં ખોટો હાઈપ ઉભો કરવો, અન્ધાધુન્ધી ફેલાવવી તે પાપ નથી? અન્નનો જરાય બગાડ ન થાય તે રીતે શું કામ પ્રસાદ ન વહેંચવો? ગોકુળવાસીઓ તો કૃષ્ણજન્મમાં હરખઘેલા થઈને નાચ્યા હતા; અન્નનો વ્યય નહોતો કર્યો અને કર્યો હોય તો આપણે પણ તેમ જ કરવું જરુરી છે ? શા માટે તેમણે કરેલી ભુલને આપણે પણ કરવી ?
સૌથી દુ:ખદ બાબત તો એ છે કે બધી અન્ધશ્રદ્ધા પોષવામાં કે તેને પરમ્પરાનું રુપ આપવામાં સ્ત્રીઓ સૌથી મોખરે છે. પોતે તો તેનું અનુકરણ કરે; પણ પોતાની ભણેલી–ગણેલી જૉબ કરતી દીકરી કે વહુને પણ તેમ કરવા માટે પ્રેરે : ‘તું આ વ્રત કરીશ તો તારો પરીવાર ખુશ રહેશે. તે વ્રત કરીશ તો તારો પતી–દીકરો–દીકરી હેમખેમ રહેશે.’ જાણે કેમ દીકરો કે દીકરી તેનાં એકલીનાં જ હોય ? પતીનાં પણ એ દીકરા–દીકરી છે જ ને ! પણ પતી કે પીતા તેના પરીવારના ક્ષેમકુશળ માટે કોઈ વ્રત–ઉપવાસ કરતા નથી; છતાં તેનો પરીવાર ક્ષેમકુશળ રહે જ છે ને ? ઓકે. પતી, પીતા કે ભાઈ માટે પ્રેમ છે તો તેમના માટે વ્રત કરવાનાં; તો પછી મા, સાસુ કે બહેનના આયુષ્ય માટે કેમ આપણા ધર્મમાં કોઈ વ્રત–ઉપવાસ થતાં નથી ? જો માત્ર પરીવારની ક્ષેમકુશળતા કે રીદ્ધી–સીદ્ધી માટે જ વ્રત થાય છે; તો ઘરની કે કુટુમ્બની સ્ત્રીઓ માટે કેમ વ્રત નહીં કરવાનાં ?
શ્રાવણ માસમાં નીતી–નીયમ, જુના રીતીરીવાજ કે રુઢીને છોડીને સ્ત્રીઓએ તર્કશક્તી વીકસાવવાની જરુર છે. મનની સાચી ભાવના કે નીર્મળતા કેળવવાની જરુર છે; કારણ કે તમે હવે ઓગણીસમી સદીમાં નથી જીવતા.આ એકવીસમી સદી ચાલે છે તો વીચાર કે આચાર શા માટે અઢારમી કે ઓગણીસમી સદી જેવા રાખવા ?શ્રાવણ માસને જમાના પ્રમાણે હવે નવીન દૃષ્ટીથી જોવાની જરુર છે. ખોટી અન્ધશ્રદ્ધાને પાળી–પોષીને ખુદના જ વીકાસના માર્ગમાં વીઘ્નો પેદા કરવાં તે મુર્ખામી નહીં તો બીજું શું થયું ? સ્ત્રી આ બધી માન્યતાઓમાંથી બહાર આવવામાં કામયાબ નીવડશે ?  સુદૃઢ સમાજની રચના તો ત્યારે જ થાય જ્યારે સ્ત્રીનો વીકાસ થાય.
રેડ ચીલી
There is no chance of the welfare of the world
Unless the condition of women is improved.
It is not possible for a bird to fly on one wing.
- Swami Vivekananda
–કામીની સંઘવી
‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 22 ઓગસ્ટ, 2013ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘આચાર વીચાર’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’નાસૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક:
કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271 39563 ઈ.મેઈલ:kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…
[♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે,આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 
નવી દૃષ્ટીનવા વીચારનવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગhttp://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

ધર્મ અને વિજ્ઞાન - કલ્પેશ સોની

ધર્મમાં શ્રદ્ધાનું મહત્વ છે જ્યારે વિજ્ઞાનમાં બુદ્ધિનું પ્રાધાન્ય છે. ધર્મ ‘WHY’ (શા માટે)નો જવાબ આપે છે તો વિજ્ઞાન ‘HOW’ (કેવી રીતે)નો જવાબ આપે છે. ધર્મ સૃષ્ટિ પાછળ હેતુવાદ (TELEOLOGY) છે એમ સમજાવે છે જ્યારે વિજ્ઞાન યંત્રવાદ (MECHANISM)થી જગતની સમજુતી આપે છે. સૃષ્ટિ, ધર્માનુસાર સર્જન (CREATION) છે. જયારે વિજ્ઞાન અનુસાર જગત ઉત્ક્રાંત થયેલું (EVOLVED) છે. ધર્મ કહે છે કે સૃષ્ટિનો સર્જક છે, પાલનહાર છે, પ્રલયકર્તા છે. જયારે વિજ્ઞાન જગતને કેવળ અકસ્માત (ACCIDENT) ગણે છે.
વિજ્ઞાન અને ધર્મ બન્ને માનવજાતનું હિત ઇચ્છે છે. વિજ્ઞાન માનવને સુખી કરવા માગે છે જ્યારે ધર્મ માનવનું કલ્યાણ ઈચ્છે છે. વિજ્ઞાન માને છે કે સંશોધન પર આધારીત ટેકનોલોજીનો વિકાસ કરીને, સાધન સગવડો આપીને માનવજાતને સુખી કરી શકાશે. જ્યારે ધર્મ કહે છે કે સાધન સગવડોથી નહિ પરંતુ તેના ઉપયોગ માટેની વિવેક શક્તિથી માનવને સુખી કરી શકાય છે. વિજ્ઞાન માનવને માટે ભોગ નિર્માણ કરીને તેને સુખી કરવા ઇચ્છે છે. જ્યારે ધર્મ ભોગ પર સંયમ રાખવાની કળા શીખવીને માનવને સુખી કરી શકાશે એવું કહે છે. વિજ્ઞાન બળવો કરીને ધર્મને પડકારે છે, જયારે ધર્મ વિજ્ઞાનની ઉપેક્ષા કરે છે.
આપણે એક વાર્તા દ્વારા ઉપરની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. બાયબલમાં ‘ટ્યુબલકેન’ નામનું પ્રકરણ આવે છે. તદનુસાર એ ગામ પર કેટલાક લોકોએ હુમલો કર્યો. હુમલો સશસ્ત્ર લોકોનો હતો. ગ્રામવાસીઓ પાસે લડવા માટે કોઇ શસ્ત્રો હતા નહિ તેથી તેઓ બુરી રીતે ઘવાયા. આ અનુભવ પછી ગ્રામવાસીઓએ શસ્ત્રો બનાવવાનું નક્કી કર્યું. શસ્ત્રો બન્યા. ત્યારબાદ ગ્રામવાસીઓને અંદરોઅંદર ઝઘડો થયો. ત્યારે તેઓએ બનાવેલા શસ્ત્રોથી એક બીજાનાં ગળા કાપ્યા. ગામના વડીલોએ શસ્ત્રો નહિ પણ ઉત્પાદનના સાધનો બનાવવાનું સુચવ્યું. તેઓએ ત્રિકમ, કોદાળી, પાવડા, તગારાં બનાવ્યા. ગામમાં ફરીથી અંદરોઅંદર ઝઘડો થયો. તેઓએ ઉત્પાદનના સાધનોથી જ એક બીજાને ફટકાર્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર કહી દેવાથી નક્કી થઈ જતું નથી કે વસ્તુ ઉત્પાદનનું સાધન છે કે શસ્ત્ર છે. કોઇ પણ વસ્તુ શસ્ત્ર બની શકે છે.
વસ્તુ સાધન છે કે શસ્ત્ર તેનો આધાર તેના વાપરનાર પર છે. બે પંડિતો લાયબ્રેરીમાં બેસીને ચર્ચા કરતાં હોય ત્યારે વાદવિવાદથી ગુસ્સે થઈને એક પંડિત બીજા પંડિતના માથામાં ડીક્ષનરી મારે તો તે ડીક્ષનરી પણ શસ્ત્ર થઇ શકે. ઘરમાં પતિ પુજા કરી રહ્યો હોય, લાલજીને સ્નાન કરાવી રહ્યો હોય અને પુજા કરતાં કરતાં પત્નીની કોઇ ભુલ પર ગુસ્સે થઇને લાલજી છુટ્ટા તેની તરફ ફેંકે તો તે પત્નીને કપાળે વાગે ને લોહી નીકળે છે. આમ લાલજી પણ અસ્ત્ર થઇ શકે છે.
ધર્મનું મુળ સ્વરુપ કે તેનાં પુર્ણ રુપ અંગે નહિ પરંતુ આજે ધર્મની જે સ્થિતિ છે તેના વિશે અને વિજ્ઞાન વિશે વાત કરીએ તો ધર્મ અને વિજ્ઞાન બન્નેમાં મર્યાદાઓ, ખામીઓ છે જે દુર કરી તેના યથાર્થ રુપમાં સમાજ સમક્ષ મુકવાની જરુર છે. ધર્મમાંથી ચાલ્યું ગયેલું બુદ્ધિપ્રામાણ્ય ધર્મની નબળાઈ છે. ધર્મ આજે કર્મકાંડાધિષ્ઠીત થઇ ગયો છે. માનવજીવનના પ્રશ્નોનો જવાબ આપવાની ક્ષમતા ધર્મ ગુમાવી બેઠો છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈંસ્ટાઈન કહે છે, કે “બ્રહ્માંડમાં અનંત ગોળાઓને તરતા રાખનાર તેમજ તેને નિયત અને નિયમિત ગતિ આપનાર ઈશ્વર સમક્ષ મારું મસ્તક આદરથી ઝુકી જાય છે પરંતુ સામાન્ય માનવની રોજબરોજની માગણીઓ પુરી કરનાર ઈશ્વરની કલ્પના હું કરી શકતો નથી.”
આ તરફ વિજ્ઞાન ઉદ્દંડ બન્યું છે. માનવજીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ તેની સગવડો વધારી દેવામાં છે એમ તે માને છે. માનવ વર્તન પર તે નિયંત્રણ રાખવાની વિરુદ્ધમાં છે. ભોગવાદથી માનવને સુખી કરી શકાશે એવું તે ધારે છે. વિજ્ઞાન પર આધારીત ટેકનોલોજીનો વિકાસ થયો. જગતે મર્કંટાઇલ રીવોલ્યુશન અને ઇંડસ્ટ્રીયલ રીવોલ્યુશન જોયા. પરંતુ માનવની સમસ્યાઓ ઘટવાને બદલે વધી ગઈ છે. માનવનું સ્થાન યંત્રએ લીધું. માનવશ્રમની કિંમત ઘટી. આવી ક્રાંતિઓને પરિણામે ધનિકો વધુ ધનિકો થયા. ગરીબો વધુ ગરીબ થયા. માનવ-માનવ વચ્ચે અંતર વધતું ગયું. જીવલેણ રોગોની દવાઓ શોધાઇ તેની સાથે સાથે નવા રોગો પણ વિજ્ઞાને જ આપ્યાં છે. વાહનવ્યવહારની સુવિધાઓ વધી, જગત એક કુટુંબ બન્યું. પરંતુ માનવના હ્રદયો વચ્ચે જબરદસ્ત મોટી ખાઇ પડી ગઇ. સાધનમાં સુખ નથી. સુખ માનવની વિવેકશકતિના આધારે સાધનના યોગ્ય ઉપયોગમાં છે. આ વાત વિજ્ઞાને સમજવી પડશે.
વિજ્ઞાને એ પણ કબુલ કરવું પડશે કે માનવ મનનું નિયંત્રણ વિજ્ઞાન કરી શકે તેમ નથી, એ કામ ધર્મનું છે. કારણ ધર્મનું સ્થાન માનવના હ્રદયમાં છે. ભારતમાં સમ્રાટ હર્ષ, મૌર્ય વંશ, સમુદ્ર ગુપ્ત જેવા રાજા-મહારાજાઓના કાયદા-કાનુન તેઓની સાથે જ ચાલી ગયા. પરંતુ એકાદશીનું વ્રત આજે પણ માનવમનનું નિયંત્રણ કરે છે. પશ્ચિમના દેશોમાં 14મો લુઇ, સિકંદર ધ ગ્રેટ, જુલીયસ સીજર, ઓગસ્ટ્સ સીજર વગેરે સમ્રાટોએ વર્ષો સુધી શાસન કર્યું. પરંતુ તેઓ તેમના કાયદાઓને પોતાની સાથે લેતા ગયા. આજે જુનો પુરાણો રોમન કેથોલિક ધર્મ ત્યાંના લોકોનું વર્તન સંયમિત કરે છે.
ધર્મમાં બુદ્ધિપ્રામાણ્ય લાવવાની જરુર છે. ધાર્મિક ક્રિયાઓ પાછળના બૌદ્ધિક ખ્યાલથી તેમજ તેના મૂળમાં જે ભાવ રહેલો છે એનાથી સભાન બનવાની જરુર છે. ધર્મમાંથી વિચાર અને ભાવના નીકળી ગયા હોવાથી ધર્મના પ્રાણ નીકળી ગયા હોય એમ લાગે છે અને યંત્રવત ભક્તિ ચાલતી રહી છે. પરિણામે ધર્મ પાંગળો અને મશ્કરીને પાત્ર બન્યો છે. વિજ્ઞાને પણ સમજવાનું છે કે શ્રદ્ધા બુદ્ધિની વિરોધી નથી પરંતુ બુદ્ધિયુક્ત છે. તેમ છતાં બુદ્ધિની મર્યાદા છે. બુદ્ધિ દ્વારા માત્ર ભૌતિક જગત અંગેનું જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, પુર્ણ જ્ઞાન નહિ. ગણપતિ ભગવાનના બે દાંત છે તેમાંનો આખો દાંત શ્રદ્ધાનું પ્રતીક છે અને તુટેલો દાંત બુદ્ધિનું પ્રતીક છે – જે બતાવે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં બુદ્ધિ બટકી છે. સૃષ્ટિનો રચયિતા ઇશ્વર છે અને ‘હું’ અને ‘ઇશ્વ્રર’ જુદા નથી આ સત્ય છે. હવે આ વાત સત્ય હોય, તો આપણે તેનો અનુભવ કેમ લઇ શકતા નથી? અહીંયા શ્રદ્ધા જરુરી છે. બુદ્ધિ જ્યાં અટકે છે ત્યાં શ્રદ્ધાના બળે માનવ આગળ વધે અને આત્મજ્ઞાનનો અનુભવ લઇ શકે છે. વિજ્ઞાન એમ કહે છે કે ઇશ્વરને પ્રયોગશાળામાં સિદ્ધ કરો, તો જે અતિન્દ્રિય તત્વ છે તે ઇન્દ્રિયની પકડમાં કેમ આવી શકે?
બુદ્ધિમાં નિર્ણયશક્તિનો અભાવ છે. કારણ કે બુદ્ધિ સ્વાર્થથી દોરવાઇ જાય છે, પક્ષપાતી બની જાય છે. આવા પક્ષપાતી વર્તનને બુદ્ધિ નિયંત્રીત કરી શકતી નથી. વળી બુદ્ધિનું કાર્ય વિશ્લેષણનું છે.તે કોઇપણ વિષયનો અભ્યાસ તેને વિભાગોમાં વહેંચીને કરે છે. પરિણામે વિવિધ વિષયો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ પડે છે. કારણ કે તત તત વિષયોના અભ્યાસ બાદ નિકળેલા નિષ્કર્ષો એકબીજાથી વિરુદ્ધ મતના આવે છે. દા.ત. પાશ્ચાત્યોએ બુદ્ધિના આધારે નિર્માણ કરેલું નીતિશાસ્ત્ર પરાક્રમણ માટે વિરુદ્ધ છે, જ્યારે તેઓનું રાજ્યનીતિશાસ્ત્ર તે માટે અનુકૂળ છે. તેમનું અર્થશાસ્ત્ર વ્યક્તિસ્વાતંત્ર્યવાદી છે તો સમાજશાસ્ત્ર તેનાથી ઊલટું જ છે. નીતિશાસ્ત્ર દુર્બળોનું રક્ષણ કરવા કહે છે, બલ્કે આગ્રહ રાખે છે. પરંતુ ઉત્ક્રાંતિશાસ્ત્ર ‘મારે તેની તલવાર’ (MIGHT IS RIGHT) કહીને તેનો વિરોધ નોંધાવે છે.
ધર્મને ગતિશીલ(DYNAMIC), સમયની સાથે તાલ મેળવતો બનાવવો પડશે. સાથે-સાથે વિજ્ઞાનને પ્રામાણ્યબુદ્ધિ રાખવાનું સમજાવવું પડશે. કારણ કે પ્રત્યેકની બુદ્ધિ તમામ વાતોનો નિર્ણય લઈ શકતી નથી. માણસે ક્યાંક ને ક્યાંક પ્રામાણ્યબુદ્ધિ રાખીને, કોઈ ને કોઈ શાસ્ત્ર પર આધાર રાખીને જ નિર્ણય લેવો પડે છે. અરે, તજ્જ્ઞો પોતાના વિષયમાં નિષ્ણાત (EXPERT) હોય છે તેમણે પણ બીજા વિષયોના શાસ્ત્રોમાં પ્રામાણ્યબુદ્ધિ રાખવી જ પડે છે. દા.ત. મારી છાતીમાં દુ:ખતું હોય તો ડોક્ટર જે નિદાન કરે તે મારે માન્ય રાખવું જ પડે. મારી બુદ્ધિ ગમે તેટલી પ્રગલ્ભ હોય તો પણ અન્ય વિષયમાં તે પ્રમાણ ન ગણાય. ધર્મ અને વિજ્ઞાન પોતાની ખામીઓ દુર કરશે અને પોતાની મર્યાદાઓ સમજશે તો માનવજીવનનું પ્રેય અને શ્રેય બન્ને જળવાશે.

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.