વેબ સરિતા: 06/17/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday, 17 June 2014

નાપાસ થયા છો ? ઓછા માર્ક્સ આવ્યા છે ?

ફરી એક વાર ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો મંગલ પ્રારંભ થઈ ગયો છે. એ પહેલાં ઉચ્ચતર અભ્યાસક્રમો, કોલેજો અને વિશ્વવિદ્યાલયોનાં પરિણામો આવી ગયાં. ઘણાં નાપાસ થયાં. ઘણાંના માર્ક્સ ધાર્યા પ્રમાણે ન આવ્યા. ઘણા નિરાશ થયા.
ડોન્ટ વરી !
જેઓ ૯૦ ટકા કરતાં વધુ ગુણ મેળવે છે, તેઓ જ સુખ, સમૃદ્ધિ અને ઉચ્ચતમ પદો પ્રાપ્ત કરે છે, એવું નથી. તેઓ માત્ર ચૂંટણી જ જીતે છે, તેઓ જ ભારતના ભાગ્યવિધાતા બને છે તેવું નથી. ગાંધીજી, સરદાર, જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી, મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, દેવગૌડા કે નરેન્દ્ર મોદીને કદીયે પરીક્ષાઓમાં ફર્સ્ટક્લાસ માર્ક્સ આવ્યા નહોતા. ગાંધીજી ભણતા હતા ત્યારે કદીયે તેમની તસવીર શ્રેષ્ઠ પરિણામ માટે કોઈ અખબારમાં છપાઈ નહોતી. તેમના અક્ષરો પણ ગરબડિયા હતા છતાં તેઓ ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા. અમદાવાદના ડો. વિક્રમ સારાભાઈ તો પિતા અંબાલાલ સારાભાઈની’રીટ્રીટ’ બંગલામાં ચાલતી ઘરશાળામાં ભણ્યા હતા. તેમ છતાં તેઓ દેશના મહાન વિજ્ઞાાની અને ભારતના અણુપંચના અધ્યક્ષ પણ બન્યા હતા. તેમનાં બહેન લીના મંગલદાસ પણ એવી જ ઘરશાળામાં ભણ્યાં હતાં છતાં ગુજરાતનાં શ્રેષ્ઠ કેળવણીકાર બન્યાં.’શ્રેયસ’ જેવી નવતર પ્રયોગવાળી શાળાની સ્થાપના કરી. લીનાબહેને તો મહાકવિ હોમરની કૃતિ ‘ઈલિયડ’નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે.
એ લોકો શું કહે છે ? 
સીબીએસ અને વાયકોમના ચેરમેન સમર રેડસ્ટોન કહે છેઃ “સફળતાની ઉપર સફળતાની ઈમારત ચણાતી નથી. નિષ્ફળતાના ભંગાર પર જ સફળતાની ઈમારત ચણાય છે. ઘણી વાર તો દુર્ઘટના પછી જ જીત થાય છે. યાદ રાખો કે નિષ્ફળતા બે રીતે મળે છે. એક તો આગળ વધવાથી અને બીજું આગળ ન વધવાથી અર્થાત્ નિષ્ક્રિય રહેવાથી.” એપલ કોમ્યુનિકેશન્સના સ્થાપક સ્ટીવ જોબ્સ કહે છેઃ “તમારો સમય મર્યાદિત છે. બીજાના અભિપ્રાયને મહત્ત્વ આપવાનું બંધ કરી દો. અન્યના વિચારોના કોલાહલને તમારા અંતરાત્માના અવાજ પર હાવી થવા ન દો. તમારા આત્માના અવાજને અનુસરો. તમે જ તમારી જાતને તારી શકો. તમારા કામના પ્રેમમાં પડી જાવ મજા આવશે.” ઓરેકલના સ્થાપક લેરી એલિસન કહે છેઃ“સફળતાની આડે આવે તેવી બધી જ નિર્બળતાઓ મારામાં હતી.” 
રાઈટ બ્રધર્સ :
નિષ્ફળતા પર સફળતાની ઈમારત ચણનારાં કેટલાંક નક્કર ઉદાહરણો આ રહ્યાં. 
વિમાનની શોધ કરનાર રાઈટ બ્રધર્સ ડિપ્રેશન જેવી કાયમી પારિવારિક માંદગીના દર્દીઓ હતા. ૧૯૦૦ની સાલમાં તેમણે સાઇકલની દુકાન શરૂ કરી હતી અને પછી વિમાન ઉડાડવાના પ્રયોગો કર્યા હતા. વર્ષો સુધી તેમણે વિવિધ યંત્રો અને ગ્લાઇડર્સની મદદથી વિમાન ઉડાડવાના નિષ્ફળ પ્રયોગો કર્યા હતા. છેક તા.૧૭મી ડિસેમ્બર, ૧૯૦૩ના રોજ તેઓ ક્રિટી હોક, કેલિફોર્નિયા ખાતે પ્રથમ વિમાન ઉડાડી શક્યા હતા. આજે પણ તેમણે શોધેલી થ્રી એક્સિસ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. દરેક નિષ્ફળ પ્રયોગોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
વિન્સ્ટન ચર્ચિલ :
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ કહે છેઃ “સફળતા એ એક એવી ક્ષમતા છે જે એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ઘટાડયા વિના આગળ લઈ જાય છે.” વિન્સ્ટન ચર્ચિલ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા હતા. બે વખત ઈંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા, પરંતુ ૧૯૨૯થી ૧૯૩૩ના સમયમાં તેઓ રાજનીતિમાંથી ફેંકાઈ ગયા હતા. ૧૯૪૫માં પણ ચૂંટણી હારી ગયા હતા. એ પછી હ્ય્દયરોગના અનેક હુમલા છતાં ૧૯૫૧માં ફરી ચૂંટાયા હતા અને બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા. ૧૯૫૫માં તેમને તેમના પુસ્તક ‘ધી સેકન્ડ વર્લ્ડ વોર’ પુસ્તક માટે નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.
વોલ્ટ ડિઝની :
મિકી-માઉસ જેવાં પાત્રોનાં સર્જક વોલ્ટ ડિઝનીને તેમના જીવનમાં સફળતા પહેલાં અનેક નિષ્ફળતાઓ મળી હતી. શરૂઆતમાં તેઓ એક અખબારમાં નોકરી કરતાં હતા. અખબારના તંત્રીએ તેમને કલ્પના અને નવા વિચારોના અભાવવાળી વ્યક્તિ કહી નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તે પછી તેમણે કેટલાંયે ધંધા કર્યા. એ બધાં જ નિષ્ફળ ગયા અને તેઓ દેવાદાર બની ગયા. એક દિવસ તેમને એનિમેશન ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. તેમણે ‘સ્નો વ્હાઈટ એન્ડ ધી સેવન ડ્વાર્ફસ’ ફિલ્મ બનાવી. કોઈ વિતરક તેને ખરીદવા તૈયાર નહોતો. એ ફિલ્મ ભારે ડિસ્કાઉન્ટ સાથે છબીઘરોમાં રજૂ થઈ અને એક ઇતિહાસ રચાઈ ગયો. વોલ્ટ ડિઝનીની કંપનીનું સામ્રાજ્ય આજે ૧૦૨.૨૫ બિલિયન ડોલરનું છે. 
સિડની પોઈટર :
અમેરિકન સિનેમામાં દંતકથા ગણાતા સિડની પોઈટર જ્યારે ૧૭ વર્ષની વયના હતા ત્યારે ન્યૂ યોર્કમાં ગંદકી સાફ કરનાર મજદૂર હતા. એ વખતે તેઓ બસ ર્ટિમનલના ટોઇલેટમાં સૂઈ જતા. એ પછી અમેરિકન લશ્કરમાં પણ મજદૂર તરીકે જ જોડાયા. ફરી ન્યૂ યોર્કના હાર્લેમ વિસ્તારમાં ગંદકી સાફ કરવાનું કામ કર્યું. એમનો પહેલો ઓડિશન ટેસ્ટ લેવાયો ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને કહ્યુંઃ “અમારા લોકોનો સમય બગાડવાના બદલે બહાર જઈ ડિશો ધોવાનું કામ કેમ કરતો નથી?” એ પછી સિડની પોઈટરે અભિનયમાં પોતાની ક્ષમતા વધારવા અને ભાષાશુદ્ધિ માટે પ્રયાસો શરૂ કર્યા. બીજા પ્રયાસે તેમને સફળતા મળી. બ્રોડવે પ્રોડક્શનમાં તેમને નાનકડો રોલ મળ્યો તેની અદ્ભુત સરાહના થઈ. ૧૯૬૩માં ‘લીલીર ઓફ ધી ફીલ્ડ’ નામની ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે ઓસ્કર એવોર્ડ મેળવનાર તેઓ પહેલા અશ્વેત અભિનેતા હતા. 
માઈકલ જોર્ડન :
વિશ્વના સર્વશ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડી તરીકે નામના પામેલા માઈકલ જોર્ડન સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્કૂલની બાસ્કેટ બોલ ટીમમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. એમણે ઘણી વાર કહ્યું હતું કે, “I have missed ૯૦૦૦ shots in my career. I have lostalmost ૩૦૦ games on ૨૬  occasions, I have been entrousted to take the game winning shots and I missed. I have failed over and over and over again in my life. and that is why I succeeded.”
અકિઓે મોરિતા :
અકિઓ મોરિતાએ ધંધાની શરૂઆત કરી ત્યારે તેમણે સૌથી પહેલાં રાઈસકૂકર બજારમાં મૂક્યું હતું. જે એક નિષ્ફળ પ્રોડક્ટ હતી. માંડ ૧૦૦ કૂકર્સ વેચાયાં હતાં અને કેટલાંકના પાર્ટ્સ તો રાંધતી વખતે જ બળી ગયા હતા. આ ઘોર નિષ્ફળતા પછી અકિઓ મોરિતાએ અને તેમના ભાગીદારોએ નિષ્ફળતાથી હતાશ થવાના બદલે તેમણે નવાં ઉત્પાદનો માટે એક નવી જ કંપની ઊભી કરી જે આજે વિશ્વભરમાં ‘સોની કોર્પોરેશન’ તરીકે ઓળખાય છે. સોની કોર્પોરેશન મલ્ટિ બિલિયન ડોલરની કંપની છે. 
નિષ્ફળતાઓના પાયા પર સફળતાની ઈમારત ચણાય છે. નિષ્ફળતાથી નિરાશ ન થાવ. હતાશા ખંખેરી નાંખો અને નવાં કામ માટે સજ્જ થાવ, સફળતા જરૂર મળશે.
ઓલ ધી બેસ્ટ!
સાભાર: રેડ રોઝ - દેવેન્દ્ર પટેલ
બ્લોગ લીંક : http://www.devendrapatel.in/
સૌજન્ય: સંદેશ દૈનિક

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday, 17 June 2014

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.