સમાઇ જાઇ છે...
કોઇક અમસ્તું જ આંખોમા સમાઇ જાય છે,
આમ જ મૌનમાં ઘણાં ઉત્તરો સમાઇ જાય છે.
ખિલ્યાં વગર કેટલાંય ફૂલો કરમાઇ જાય છે,
આયખું આખું વેદનાના ભારથી વલોવાઇ જાય છે.
મિલનનો કોલ આપીને ઘણાં દૂર ચાલ્યાં જાય છે,
એમની યાદોથી આખું જીવન આમ જ વહી જાય છે.
રમત રમતમાં જ આપણા વચ્ચે લડાઇ જેવું થઇ જાય છે,
પછી આખી જિંદગી લડવામાં જ પૂરી થઇ જાય છે.
નિષ્ફળતાઓ માંથી જ મોટી સફળતા હાથ લાગી જાય છે,
સતત કરતા રહીએ પ્રયાસ તો મોતી હાથ આવી જાય છે.
પોતાના જ માનવાની ભૂલો ઘણાંથી થઇ જાય છે,
ને કયારેક એ જ પાર વિનાની પીડા આપી જાય છે.
જિંદગીને સમજવાની ઘણાંથી ભૂલો થઇ જાય છે,
'અમૃત' જાણીને કેટલાંયે ઝેરના પારખા કરી જાય છે.
- અમૃત આહીર
મ. શિક્ષક, કે. એન્ડ એમ.પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી,સુરત.
**************************************************
તરસ...
જીવનમાં કયાંક ના છીપાતી કેમ આ તરસ ?
છતાં રણને શા માટે બદનામ કરતી આ તરસ...
વહી જતું કેવું આ બાળપણ રમત રમતમાં જ,
ને ફરી ફરી લાગ્યા કરે પેલું બાળપણ પામવાની તરસ...
યૌવનની વસંત આવીને લ્હેરાતી જીવન પથમાં,
પાનખરમાં સદા સ્મરાતી રહેતી યૌવનની તરસ...
કયારેક કોઇને સતત જોતી રહેતી નજર,
છતાંયે કયાં કોઇ દિવસ સંતોષાતી આ તરસ...
કયારેક જિંદગી સતત કોઇને રહે કેમ ચાહતી,
ને એ ચાહતની ચાહતમાં જ સમાઇ જતી તરસ...
જેનો કોઇ ઉત્તર નથી એનો જવાબ શોધે જિંદગી,
મળે જવાબ તો એનો ઉત્તર બની જતી આ તરસ...
જીવતરમાં રોજ જાગતી રહેતી નવી નવી આશાઓ,
લાગ્યા કરે રોજ આશાને આશાથી પામવાની તરસ...
તરસ... તરસ... ને સતત વધતી જતી તરસને,
જો મળે ‘અમૃત’ તો એને પીવાની લાગી છે મોટી તરસ... !?
- 'અમૃત' આહીર
[મ.શિ.,કે.એન્ડ એમ.પી.પટેલ સાર્વ. વિદ્યાલય , અમરોલી ]
**************************************************
જુદાં છે ...
હાથ એ જ છે ને સ્પર્શ જુદો છે
શ્વાસ એ જ છે ને સમય જુદો છે
ગામ, ફળિયું સાથે ફૂટતી યાદોની કૂંપણો
એ જ છે યાદો ને અવસરો જુદાં છે.
નજર ને નજરની વાતો નજરોથી થતી
જગ્યા એ જ છે ને હવે ઘર જુદાં છે.
ઝુલ્ફોમાંથી ઢળતા’તા યાદોના મોતી
ઝુલ્ફો એ જ છે ને હવે એના રંગ જુદાં છે.
આંખમાં સમાયેલાને શોધતી રહેતી આંખો
આંખ જુદી ને હવે એના ઇશારા જુદાં છે.
હવે ક્યાં શોધવા જશે ‘અમૃત’ જીવતરનું
દેહ તો એક જ ને એના આકારો જુદાં છે.
- - અમૃત આહિર
મ.શિ.; કે. એ ન્ડ એમ.પી.પટેલ સાર્વજનિક વિદ્યાલયા,અમરોલી-સુરત.
**************************************************
અમૃત સર આ પંક્તિઓ સાથે આપણી સાથે રહેશે.
ReplyDelete