વેબ સરિતા: 05/09/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Friday 9 May 2014

મારે એની સાથે હવે કોઇ જ સંબંધ નથી (ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ)



બીજાને તારી સાથે જોઈને ઈર્ષ્યા નથી થાતી,
મને આનંદ છે કે એણે મારી ખોટ પૂરી છે.
 - બરકત વિરાણીબેફામ'
દરેક સંબંધની એક લાઇફલાઇન હોય છે. કોઈ સંબંધ લાંબો હોય છે તો કોઈ સંબંધ ટૂંકો હોય છે. બહુ ઓછા સંબંધ કાયમી હોય છે. સંબંધનું સર્જાવું જેટલું સ્વાભાવિક હોય છે, સંબંધનું તૂટવું પણ એટલું જ નેચરલ હોય છે. જાળવવા હોય તોપણ દરેક સંબંધ જળવાય જ એવું જરૂરી હોતું નથી.

નજીકનો સંબંધ તૂટે ત્યારે દર્દ થાય છે. સંબંધની સાર્થકતા એમાં છે કે તૂટેલા સંબંધને તમે કેવી રીતે જુઓ છો.
આપણે ભલે એવું કહીએ કે બધું ભૂલી જવાનું પણ દરેક વાત, દરેક ઘટના અને દરેક યાદ ભૂલી શકાતી નથી. કંઈક એવું બનતું રહે છે કે આપણે દાટી દીધેલી ઘટનાઓ જીવતી થઈને બહાર આવી જાય છે. બ્રેકઅપ વખતે એક પ્રેમિકાએ તેના પ્રેમીને કહ્યું કે "તું જાય છે એનો વાંધો નથી પણ થોડીક ટિપ્સ આપતો જા કે શું કરૂ તો તું યાદ ન આવે? આટલા પ્રેમથી જુદો ન પડ કે તને નફરત કરવાનું પણ કારણ ન મળે. હા, તને મારી સાથે ન ફાવ્યું કે પછી મને તારી સાથે ન જામ્યું પણ આટલું સાથે જીવ્યો તેનું શું?સપનાં તૂટતાં હોય છે પણ ખુલ્લી થઈ ગયેલી આંખો કહેતી હોય છે કે એ તો તંદ્રાવસ્થામાં જોવાયેલી ઘટનાઓ હતી. તારી સાથે તો ખુલ્લી આંખોએ કેટલો બધો સંબંધ જીવ્યો છે. તારી સાથે જે રોડ પરથી પસાર થઈ છું એ રોડ તો ત્યાં જ છે. જ્યારે ત્યાંથી નીકળીશ ત્યારે શું કરૂ તો તું યાદ ન આવે? બગીચો મને સવાલ કરે કે તું ક્યાં ગયો તો હું શું કહું? તેં આપેલી ગિફ્ટ તો કદાચ ફેંકી દઉં પણ તારા હાથના સ્પર્શને મારા અસ્તિત્વથી કેમ જુદો કરી દઉં? હા, આપણે એકબીજા પરના અધિકારથી મુક્ત થઈએ છીએ પણ એકબીજામાં જીવતી સંવેદનાઓથી કેવી રીતે મુક્ત થવું? આંખોની ભીનાશમાં કોઈ દૃશ્ય ઉભરી આવે તો એને કેમ ખંખેરવું?એ દોસ્ત, હું તને જરાયે યાદ નહીં કરૂ પણ કોઈ કારણોસર તું યાદ આવી જઈશ તો એ પળોને વાગોળીશ જે મેં તારી સાથે જીવી છે. તૂટેલા કે મરેલા સંબંધોને ખભે ટીંગાડી ફરવાની મારી ફિતરત નથી. મેં એ ઉતારી દીધા છે. હું આગળ ચાલું છું પણ જ્યાં મેં આપણા સંબંધોને ઉતાર્યા છે ત્યાં શણગારીને રાખ્યા છે. હું રડીશ નહીં પણ હસી શકીશ કે કેમ તેની કોઈ ખાતરી નથી. હા, એટલો ભરોસો છે કે તને વખોડીશ નહીં, તને શાપ આપીશ નહીં. તારા માટે તો પ્રાર્થના જ કરીશ કે તું જ્યાં હોય ત્યાં ખુશ રહે. મજામાં રહે. હસતો રહે અને જીવતો રહે."
સંબંધો કેવા હતા એ તો ઘણી વખત સંબંધો તૂટે પછી જ ખબર પડતી હોય છે. બે મિત્રો હતા. બંને વચ્ચે અણબનાવ થયો. એક મિત્રને ખબર પડી કે એ તો મારૂ બૂરૂ થાય એવા જ પ્રયત્નો કરે છે. તેણે કહ્યું કે "તેં જ તો મારૂ સારૂ કર્યું છે. હવે તું જ આવું કરે છે?દોસ્તી તૂટી એનો ગમ નથી પણ કડવાશ ખૂટી નથી એનું દુઃખ છે. હું તો તારૂ બૂરૂ ન કરી શકું. તારા વિશે ખરાબ ન વિચારી શકું. મેં તો દોસ્તી તૂટી એ સમયને જ કાપીને ફેંકી દીધો છે. એ સમય જ સાચવી રાખ્યો છે જે સમયે તારી સાથે મજા કરી હતી, તારી સાથે હસ્યો હતો. તું ડિસ્ટર્બ હોય ત્યારે તને ખુશ કરવાનાં પ્લાનિંગ કરતો હતો. હવે તું ખુશ ન રહે કે તું દુઃખી થાય એવું હું કઈ રીતે કરી શકું?"
દુશ્મનનો સામનો કરવાની તાકાત દરેકમાં હોય છે પણ દરેક માણસ દોસ્તમાંથી દુશ્મન થયેલી વ્યક્તિ સાથે નથી લડી શકતો,કારણ કે એમાં માત્ર નફરત નથી હોતી. નફરત તો માત્ર ઉપર છવાઈ ગઈ હોય છે. અંદર તો પ્રેમ અને લાગણી જ હોય છે. નફરતના આ પડને જો હટાવી ન દઈએ તો એ ઘટ્ટ ને ઘટ્ટ થતું જાય છે.
દરેક માણસને દરેક સાથે ફાવે એવું જરૂરી નથી. ઘણી વખત ઘણાં સમય પછી સમજાતું અને પરખાતું હોય છે કે આપણે જેને નજીકના માનતા હતા એ નજીક રાખવા જેવી વ્યક્તિ ન હતી. આવી વ્યક્તિથી દૂર પણ થઈ જવું પડતું હોય છે. આપણે કેવી રીતે દૂર જઈએ છીએ અને દૂર ગયા પછી કેવા રહીએ છીએ એના પરથી નક્કી થાય છે કે આપણામાં સંબંધને સમજવાની ત્રેવડ કેટલી છે.
સાત જનમનો સાથ સમજતા હોઈએ તેની સાથે ઘણી વખત સાત ડગલાં પણ ચાલી શકાતું નથી. રસ્તા જુદા પડતા હોય છે. વ્યક્તિ ખોટી પસંદ થઈ જતી હોય છે. પકડી રાખવા કરતાં છોડી દેવામાં ઘણી વખત વધુ સાર હોય છે, પણ પછી કેટલો ભાર હોય છે?
 ભાર વેંઢારવાનો કે ભાર હળવો કરી દેવો તેના પર પણ સુખ અને દુઃખ, ખુશી અને ગમ તથા રિયાલિટી અને ભ્રમનો આધાર હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે એને મેં સારો સમજ્યો એ મારો ભ્રમ હતો. હવે તો ભ્રમ તૂટી ગયોને? જે ભ્રમ હોય એને પણ આપણે કેટલો ભૂલી શકતા હોઈએ છીએ?
આપણે ભૂલવું હોતું નથી. આપણે બદલો લેવો હોય છે. આપણે બતાવી દેવું હોય છે. આપણે હિસાબ ચૂકતે કરવો હોય છે. હું સારો છું ત્યાં સુધી સારો છું કે હું સારી છું ત્યાં સુધી સારી છું પણ મને ખરાબ થતાં પણ આવડે છે. ખરાબ થવું અઘરૂ હોતું નથી. સારા થવું જ અઘરૂ હોય છે. હવે મારે કોઈ દિવસ તારૂ મોઢું નથી જોવું એવું કહી દીધા પછી પણ આપણે એ મોઢું ભૂલી શકીએ છીએ?
ઘણી વખત માણસ નવો સંબંધ એટલે શરૂ કરી શકતો નથી, કારણ કે એ જૂનો સંબંધ ખતમ કરી શકતો નથી. સંબંધોનું પોસ્ટમોર્ટમ ન કરો, કારણ કે એમાંથી સવાલો જ નીકળશે, એમાંથી ફરિયાદો જ નીકળશે, એમાંથી આક્ષેપો જ નીકળશે. એવા સંબંધોને દફનાવી દો અને દફનાવી દીધા પછી પણ એના પર ફૂલો જ વાવો, કારણ કે કાંટા વાવશો તો એ કોઈક દિવસ તમને જ વાગશે.
કોઈ વ્યક્તિ ચાલી ગઈ પછી પણ આપણે એ જ ફિકર કરતાં રહીએ છીએ કે એનું શું થયું? મને તરછોડીને એ સુખી ન જ થવો જોઈએ. એ દુઃખી છે એ જાણીને ઘણી વખત આપણને સેડેસ્ટિક પ્લેઝર પણ મળતું હોય છે. એ પ્લેઝર રિયલ કે સાત્ત્વિક હોતું નથી. કોઈનો જ હિસાબ રાખતી વખતે આપણને એ સમજાતું જ નથી કે આપણે કેટલા ખોટમાં છીએ. એમાંય જો આપણાથી જુદી પડેલી વ્યક્તિ સુખી હોય તો આપણાથી ઘણી વાર સહન થતું નથી. જે વ્યક્તિને સુખી કરવા કે સુખી જોવા આપણે ઇચ્છતા હતા એ જ દુઃખી અને હેરાન થાય એવું આપણે ઇચ્છવા લાગીએ છીએ.
જે સંબંધો પૂરા થઈ ગયા હોય એને ભૂલી જાવ અને ભૂલી ન શકો તો પણ બૂરૂ ન ઇચ્છો કારણ કે એનો ભાર આપણે જ સહન કરવો પડતો હોય છે. જિંદગીમાં જુદા પડવું પડતું હોય છે. જુદાં પડીએ પછી જુદા થઈ જવાય તો જ જિંદગી સરળ રહે છે. કંઈ જ બતાવી દેવું નથી, કંઈ જ જોઈ લેવું નથી. જુદી પડેલી વ્યક્તિને જે કરવું હોય એ કરે, આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું હોય છે. વાંચી લીધેલા પુસ્તકને જેમ લાઇબ્રેરીમાં ગોઠવી દઈએ છીએ એ જ રીતે ખતમ થઈ ગયેલા સંબંધને દિલના એક ખૂણામાં ગોઠવી દેવાના હોય છે. એવી રીતે કે ક્યારેક નજરે પડે તો પણ એવી લાગણી થાય કે એક સરસ વાર્તા હતી અને એનું એક પાત્ર હું પણ છું. બૂરૂ ઇચ્છવાથી કોઈનું બૂરૂ થઈ જવાનું નથી પણ ભલું ઇચ્છવાથી કોઈનું ભલું થાય કે ન થાય આપણને તો ચોક્કસ હળવાશ લાગવાની જ છે.            
છેલ્લો સીન
કેટલાંય યુદ્ધ એવાં હોય છે, જેમાં હાર જ ખરો વિજય હોય છે.

- ગાંધીજી

Posted By: http://web-sarita.blogspot.com/ Friday 9 May 2014

જીવાતા સંબંધ .. ... ...

છેલ્લા કેટલાય દિવસથી સંબંધ નામના તુફાનથી લડી રહી છુ. કેવી રીતે, કઇ રીતે એ કહેવુ અને જાણવુ અહીયા ગૌણ છે. પણ આમાથી જે કાઇ શીખવા મળ્યુ અને જે ખરેખર શીખવા જેવુ છે તે જરુર કહીશ. માણસ જન્મે છે ત્યારથી સંબંધ નામની “અજબ ગજબ સૃષ્ટિ” રચાય જાય છે. માતાના ગર્ભથી લઇને મોર્ડન જમાનામાં ઇન્ટરનેટ સુધીના સંબંધો સાથે આપણે જીવી રહ્યા છે. આ સંબંધ સુખદાયી છે કે દુ:ખદાયી? વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ? અને છેલ્લે “ક્ષણજીવી છે કે ચિરંજીવી??” આ પ્રશ્ન હંમેશા દરેકને સતાવતો હોય છે. બહારથી સુખદાયી દેખાતા સંબંધ દુ:ખદાયી પણ હોઇ શકે. ઉલ્લાસપૂર્ણ  દેખાતા સંબંધ વિષાદગ્રસ્ત હોય શકે….!! હોય છે.

relationship
માણસ જેટલી ઝડપથી, આતુરતાથી સંબંધ બાંધવા તૈયાર હોય છે એટલી જ આતુરતાથી સંબંધને નીભાવવા માટે કે વિકાસવવા માટે જાગ્રુત્ત હોતી નથી. આજે આ વાત વધારે સમજાય રહી છે. પ્રેમ, સમર્પણ , ત્યાગ અને મુખ્યત્વે સમજણ ન હોય ત્યાં સંબંધ ટકતો નથી. અને ટકે તો જીવાતો નથી. જ્યા આ બધાનુ મહત્વ સમજી શકાતુ હોય, જ્યા આ બધી જ બાબતોની સાવધાની રાખવામા આવતી હોય ત્યાં જ સાચા સંબંધ જોવા મળે છે. આવા સંબંધને હુ “જીવાતા સંબંધ” કહુ છુ.
આજના આ પ્રોફેશન જમાનામાં આવા “જીવાતા સંબંધ” બહુ ઓછા જોવા મળે છે. બહુ ઓછાના નસીબમાં આવા સાચા સંબંધ હોય છે. અમુક પાસે હોય છે ત્યારે તેની દ્ર્ષ્ટિ તેને સાથ નથી અપતી હોતી. જ્યા સ્નેહ હોય, સમર્પણ હોય, સમજણ હોય ત્યા જ “જીવાતા સંબંધ”ને સ્થામ મળતુ હોય છે. આજકાલ સંબંધો “વન-વે” થઇ ગયા છે. સ્વાર્થ અને અપેક્ષાઓનુ પ્રમાણ વધ્યુ છે, સંબંધમાં આ બે બાબતો હોય જ છે, હોવી જોઇએ પણ જ્યારે તે જરુર કરતા વધારે વધી જાય ત્યારે સંબંધોના આ સમુદ્રમા ઓટ આવે છે.
premarital counselor-relationship
આવુ કેમ થતું હોય છે ?? તે પ્રશ્ન મને હંમેશા મુંઝવ્યા કરે છે. જેના માટે ક્યારેય વિચાર્યુ પણ ન હોય તે માણસ અમુક પ્રકારના ખેલ ખેલીને જતો રહે છે. આવા સમયે મુરખ આપણે બન્યા કે સામે વાળો તેનો તાળો કાઢવો મુશ્કેલ બની જાય છે. બહુ વિચાર્યા પછી લાગી રહ્યુ છે કે સામે વાળા માટે સંબંધ “એક રમત” હોઇ શકે. કોઇ એક ચોક્કસ નિર્ણય પર આવવું ખુબ જ કઠીન છે. આ બધામાં જ્યા સુધી મારુ માનવું છે ત્યાં સુધી લાગે છે કે સૌથી મોટી ખામી જો કોઇનામાં હોય તો તે “પોતાના” માં છે. આપણે કાયમ સામેવાળાને આપણા જેવાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ શકય નથી જ …. એના બદલે આપણે સામે વાળાને અનુકૂળ થવુ જ પડે છે , જે છે એ સ્વીકારીને ચાલવામાં આવે તો જ સંબંધોને જીવી શકાય છે. લીમડો કડવો કેમ હોય છે તે પ્રશ્નમા પડયા વગર તેની કડવાશને સ્વીકારીને તેનાં ગુણને પારખવા જોઇએ. એક જ વ્યક્તિ એક રૂપે બરાબર ન હોઇ એમ બને પણ બીજા રૂપે તે તમારી ચઢિયાતી હોય એ વાત ન ભૂલવી જોઇએ. કોઇ વ્યક્તિ સગા કે સંબંધી તરીકે બરાબર ન હોય પણ મિત્ર તરીકે દિલોજાન હોય, પાડોશી તરીકે કજિયાખોર હોય પણ સમાજમાં સેવાભાવી હોય — કોઇ એક સ્વરુપે અયોગ્ય લાગતી વ્યક્તિ બીજા સ્વરુપે ઉમદા જ હોય છે. જરુર છે સાચી દ્ર્ષ્ટિ કેળવવાની. ગમે તેવા અભિપ્રાયો પકડીને રાખીને જીવવાને બદલે તટસ્થ બનીશુ તો સામેવાળા આપણને એટલા ખામીવાળા નહી લાગે.
જ્યા ફેરફાર શકય જ નથી ત્યા સ્વીકારીને જીવતા આવડી જશે ત્યારે આવા “જીવાતા સંબંધ”ને સ્થાન મળશે. ત્યારે જ …..
“મેરા મુજ મેં કુછ ભી નહીં,
જો કુછ હૈ, વો  તેરા હૈ ” ની ભાવના કેળવાશે. બાકી તો જે છે એ જ રહેવાનુ …. !

સાથોસાથ એક વાત યાદ રાખવા જેવી છે….
“જીવનમાં સમય સાથે લાગણીઓ
બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો….”
[ હું તો કેવળ નિમિત્ત માત્ર ! https://dipupatel.wordpress.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.