વેબ સરિતા: September 2014
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday 21 September 2014

તરસ... - 'અમૃત' આહીર

       
જીવનમાં કયાંક ના છીપાતી કેમ આ તરસ ?
છતાં રણને શા માટે બદનામ કરતી આ તરસ...
વહી જતું કેવું આ બાળપણ રમત રમતમાં જ,
ને ફરી ફરી લાગ્યા કરે પેલું બાળપણ પામવાની તરસ...
યૌવનની વસંત આવીને લ્હેરાતી જીવન પથમાં,
પાનખરમાં સદા સ્મરાતી રહેતી યૌવનની તરસ...
કયારેક કોઇને સતત જોતી રહેતી નજર,
છતાંયે કયાં કોઇ દિવસ સંતોષાતી આ તરસ...
કયારેક જિંદગી સતત કોઇને રહે કેમ ચાહતી,
ને એ ચાહતની ચાહતમાં જ સમાઇ જતી તરસ...
જેનો કોઇ ઉત્તર નથી એનો જવાબ શોધે જિંદગી,
મળે જવાબ તો એનો ઉત્તર બની જતી આ તરસ...
જીવતરમાં રોજ જાગતી રહેતી નવી નવી આશાઓ,
લાગ્યા કરે રોજ આશાને આશાથી પામવાની તરસ...
તરસ... તરસ... ને સતત વધતી જતી તરસને,
જો મળે અમૃત તો એને પીવાની લાગી છે મોટી તરસ... !?
- 'અમૃત' આહીર 
  [મ.શિ.,કે.એન્ડ એમ.પી.પટેલ સાર્વ. વિદ્યાલય , અમરોલી ]
  મો.નં. 9909163287 

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday 21 September 2014

Saturday 13 September 2014

સૌભાગ્યવતી મહિલાઓ સેંથામાં સિંદૂર કેમ પૂરે છે? સંકલિત : પૂર્વીબેન મોદી મલકાણ – ‘દાદીમા ની પોટલી’

આદિ માનવ જ્યાં સુધી સભ્ય અવસ્થામાં આવ્યો ન હતો અને તેણે સમાજની રચના કરી ન હતી ત્યાં સુધી કુટુંબની વ્યવસ્થા તેણે બનાવી ન હતી. સૌ માનવો એક સાથે રહેતા હતા અને નવા જન્મતાં બાળકો સમૂહની જવાબદારી હતી. આ વ્યવસ્થાએ ઘણા અટપટા પ્રશ્નો ઊભા કર્યાં હતા. આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માનવે સમાજની રચના કરી. નગર વસાવ્યું અને તેની સાથે આવી કુટુંબની ભાવના. માનવે તેના બંધુઓની કાર્યશક્તિ પ્રમાણે સૌને વિવિધ કામો સોંપ્યાં અથવા કહો કે દરેક માનવે પોતાને ગમતી કે આવડતી વિદ્યામાં કામ કરવા માંડ્યું.
કુટુંબની સાથે આવી પતિ-પત્નીની ભાવના, મા-બાપની ભાવના, બાળકોની સારસંભાળની ભાવના. એક માનવ, એક જ સ્ત્રીને પરણીને કુટુંબ સાથે રહેવા લાગ્યો. આ સ્ત્રી તે માનવની પત્ની બની જેને આપણા પૂર્વજોએ ‘સૌભાગ્યવતી’ નું બિરુદ આપ્યું. બીજી મહિલાઓથી અલગ પાડવા આ સૌભાગ્યવતી સ્ત્રી કે જેનો પતિ હયાત છે, તેની ઓળખ માટે કપાળમાં મધ્યભાગમાં લાલ તિલક અને માથામાં વાળ જ્યાંથી બે ભાગ જુદા પડે તે ભાગને સેંથો કહી, તે સેંથાની શરૂઆતમાં સિંદૂર પૂરવાનું સૂચન કર્યું. આ બંને ચિહનો એ સૌભાગ્યવતી સ્ત્રીની ઓળખ બની ગયા. પૌરાણિક તથ્ય પ્રમાણે આ થઈ સેંથામાં સિંદૂર પૂરવાની મહત્વતા. ભારતમાં આ પરંપરા હજારો વર્ષો પછી આજે પણ ચાલુ રહી છે તે ફક્ત ગૌરવની વાત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં તે અદ્વિતીય પ્રથા પણ ગણાય છે.
પરદેશમાં પણ કપાળમાં તિલક અને સેંથામાં સિંદૂર લગાવેલ મહિલાને જોઈને સામેની વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય છે કે આ મહિલા પરણીત છે.
જે મહિલાનો પતિ મૃત્યુ પામ્યો છે તે મહિલા તે પછી બંને ચિહનનો ઉપયોગ બંધ કરે છે. સમાજ આવી મહિલા પ્રત્યે અનુકંપા રાખે છે અને તેને આદર અને લાગણી સાથે જુએ છે.
સિંદૂરને કુમકુમ પણ કહેવામાં આવે છે અને તેનો રંગ ઉત્સાહ અને શક્તિના ગુણો સૂચવે છે. આ જ કારણસર સિંદૂર એટલે કે કુમકુમને શુભ માનવામાં આવે છે.
આપણી પુરાણી પરંપરામાં પરિણીત સ્ત્રીને સૌભાગ્યવતી સ્ત્રી ગણવામાં આવે છે અને તેના કર્તવ્યમાં બે વાત આવે છે – તે પતિમનરંજની હોય છે અને પુત્રફળદાયિની હોય છે. કહે છે કે આ બંને વિશિષ્ટ લક્ષણોને બાહ્ય રીતે દર્શાવવા આવી સ્ત્રીના સેંથામાં સિંદૂર પૂરવામાં આવે છે. સેંથો એ પણ શણગાર છે અને તેમાં પૂરવામાં આવેલ સિંદૂર સોનામાં સુગંધ ઉમેરાયું હોય તેવું અનુપમ ર્દશ્ય ખડું કરે છે.
સૌજન્ય :  રાજેશ બારોટ …

એક ચપટી સિંદૂરની કિંમત   …

sindoor.1
સ્ત્રીઓ માટે આ ચપટી સિંદૂરનું માત્ર ધાર્મિક કે વૈજ્ઞાનિક મહત્ત્વ જ ના રહેતાં તેના જીવનના એક મહત્ત્વના તબક્કાનું, એક નવા જ અધ્યાયની શરૂઆતનું સાક્ષી બની રહેતું હોય છે. લગ્ન એ પુરૂષ માટે નવલી જવાબદારીનું બંધન હોય છે તો સ્ત્રી માટે નવલા બંધનની જવાબદારી હોય છે…
આપણા દરેક સમાજમાં લગ્ન કરતી સ્ત્રીઓ માટે સૌભાગ્યના પ્રતીકરૂપે અમુક ચિહ્નો ધારણ કરવાં લગભગ ફરજિયાત છે. જેમ કે ચૂડી, ચાંદલો, મંગળસૂત્ર, સેંથીમાં સિંદૂર વગેરે વગેરે. આનાથી એવું મનાય છે કે, આવો શણગાર કરનાર સ્ત્રીને એક ચોક્કસ સામાજિક મહત્ત્વ, સ્થાન અને સલામતી મળે છે.
જો કે, આજે હવે દરેક જ્ઞાતિ-સમાજની આધુનિક વિચારસરણી વિકસાવી ચૂકેલી સ્ત્રીઓએ આ રિવાજને, ચલણને મરજિયાત બનાવી દીધો છે તે અલગ વાત છે.
સિંદૂરની વાત કરીએ તો લગ્ન સમયે હજુ પણ નવવધૂની સેંથીમાં વરરાજા સિંદૂર પૂરી તેનો સ્વીકાર કર્યાનું જાહેર કરે તેવો સરસ રિવાજ યથાવત્ છે અને રહેશે પણ કરો.
હા, એ ચપટી સિંદૂરની કિંમત તેને વેચનાર વેપારી માટે શૂન્ય બરાબર હશે. લગ્નમંડપમાં હાજર મહેમાનો માટે કન્યાની સેંથીમાં પૂરાતું એ સિંદૂર એક યાંત્રિક પ્રક્રિયા સમાન હશે, પણ જેની સેંથીમાં તે પૂરાઈ રહ્યું હોય છે તે સ્ત્રી માટે તે બહુમૂલ્ય હોય છે.ળસ્ત્રીઓ માટે આ ચપટી સિંદૂરનું માત્ર ર્ધાિમક કે વૈજ્ઞાનિક મહત્ત્વ જ ના રહેતાં તેના જીવનના એક મહત્ત્વના તબક્કાનું, એક નવા જ અધ્યાયની શરૂઆતનું સાક્ષી બની રહેતું હોય છે. લગ્ન એ પુરૂષ માટે નવલી જવાબદારીનું બંધન હોય છે તો સ્ત્રી માટે નવલા બંધનની જવાબદારી હોય છે.
લગ્ન કરતી યુવતીના ચહેરા પર ઝીણવટથી જોશો તો ખુશીઓની અનેક લકીરો વચ્ચે એક અજાણ્યા ડરની બારીક લકીર પણ જોવાશે.
બાળપણથી આજ સુધીની એની પોતીકી દુનિયા, તેમાં ઉછેરેલાં સપનાં અને મનપસંદ સ્વતંત્રતા એ બધું છોડી તે જે અજાણી દુનિયામાં, અજાણ્યા લોકો વચ્ચે વસવા જઈ રહી છે તે તેને ગમશે તો ખરીને ! પત્ની, પુત્રવધૂ અને પછી માતા તરીકેની અઢળક જવાબદારીઓ નિભાવવામાં તેને સૌનો સાથ અને પ્રેમ મળશે તો ખરો ને ? આવા અનેક ડર વચ્ચે તે પતિના ઘરે ડગલા માંડતી હોય છે.
તાજેતરમાં જ જેના લગ્ન થયાં છે તેવી એક યુવતી કહે છે, “મેં લગ્ન શું કર્યાં, મારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ. મને એમ વિચારીને રડવું આવતું કે મારૂ તો બધું જ ખોવાઈ ગયું ! લગ્ન તથા સહજીવન માટે મેં કરેલી કલ્પનાઓ, સપનાં એ બધું જ ધાર્યાં કરતાં તદ્દન અલગ. સાસરિયાં સમજદાર તો લાગે છે છતાં બધું સેટ થતાં મને સમય જરૂર લાગશે.”
જો કે દરેક પરિણીતા માટે આમ સમજુ સાસરિયાં મળવાનું નસીબ નથી પણ હોતું અને ત્યારે જ લગ્નજીવન તેના માટે ત્રાસદાયક કસોટી બની અનેક પ્રશ્નાર્થ ઊભાં કરી દેતું હોય છે.
એક પુરૂષ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેના ઘરમાં અને જીવનમાં નવા પાત્રના આગમન અને પત્નીલક્ષી જવાબદારીઓ ઉઠાવવા સિવાય ઝાઝો ફરક નથી પડતો. તેને તો ઘર, નોકરી-વ્યવસાય, સ્વજનો, મિત્રવર્તુળ એમ બધું તે જ રહે છે જેવું લગ્ન અગાઉ હતું. ફરક પડે છે સ્ત્રીને. તેની પાસે તો આમાંનું કંઈ બચતું નથી. નવેસરથી જિંદગીનો એકડો ઘૂંટવાનું તેના ભાગે આવે છે.
કેમ કે પુરૂષ માટે તો તેના નાના-મોટા પ્રશ્નો, જરૂરતો અને અનેકવિધ સમસ્યાઓનો લગ્ન પછી અંત આવી જતો હોય છે. પણ સ્ત્રીની તો ખરી સમસ્યાઓ અને થકવી દેતાં પ્રશ્નો લગ્ન બાદ જ શરૂ થતાં હોય છે અને મોટાભાગે તો લગ્નના અમુક વર્ષો પછી પતિ નામનો એ પુરૂષ તેની જવાબદારીઓ નિભાવવામાં ઠાગાઠૈયા જ કરતો જોવાય છે. પત્ની મૂંઝાય, અકળાય કે ફરિયાદ કરે તો પણ તેને સમજવા અને સાંભળવાની કોઈને પડી નથી હોતી.
તેથી જ લગ્ન એ મોટાભાગની સ્ત્રીઓ માટે જિંદગીનો મોટો જુગાર હોય છે, કેમ કે અહીં તેણે તેનું સઘળું દાવ પર મૂકવાનું આવે છે. તેનું સ્વમાન, તેના અંગત ગમા-અણગમા, નારી સહજ ગૌરવ અને સ્વતંત્ર અસ્તિત્વ પણ. તેનો અભિપ્રાય પૂછાતો નથી તો તેના નિર્ણયો પણ ભાગ્યે જ સ્વીકારાય છે. ચૂટકી સિંદૂરના ભાર નીચે તેનો અવાજ પણ દબાઈ જાય તેવી ગૂંગળામણ તેને મળે છે.
આ જુગારમાં જો રમવામાં થોડી કચાશ રહી જાય કે પત્તાં અનાડી નીકળે તો તેને આકરી હાર મળી શકે છે. બહુ ઓછી સ્ત્રીઓ માટે લગ્ન એ ફૂલોની પથારી જેવું સાબિત થતું હોય છે. બાકી તો પતિ અને પત્નીના મનનો મેળાપ થતાં નાકે દમ આવી જાય છે. ઘણીવાર તો અડધું આયખું એક છત નીચે સાથે વિતાવ્યા પછી પણ પેલા રેલવેના પાટાની જેમ રહેતાં હોય છે. થોડાં મહિના અગાઉ મુંબઈમાં એક સ્ત્રીએ છૂટાછેડાની અરજી દાખલ કરી છે. તેનું કહેવું છે કે, તેનો પતિ કે જે તેને લગ્ન પહેલાં ચાંદ પર લઈ જવા થનગનતો હતો તે હવે તેને ‘ધોળા દિવસે ચાંદ-તારા’ દેખાડી દેતાં અચકાતો નથી. તેનાં સાસરિયાં પણ એવાં સ્વાર્થી અને કપટી નીકળ્યાં જેની તેને કલ્પના પણ નહોતી.
 તે કહે છે આ બધાથી મારા મનમાં ડરની તલવાર સતત લટકતી રહેતી. જો પતિ છોડી દેશે તો ? સાસરિયાં જાકારો આપી દેશે તો ? તે ક્યાં જશે અને શું કરશે ? તેના પિયરિયાં અપનાવશે નહીં તો તેના ભાવિનું શું ? વગેરે પ્રશ્નોથી કોઈ નિર્ણય લેતાં અચકાતી હતી, પણ એક દિવસ હદ થઈ ગઈ અને મેં એ ચપટી સિંદૂર મારી માંગને વધુ દઝાડે તે પહેલાં અલગ થવાનો નિર્ણય લઈ લીધો.
આવી દરેક પ્રક્રિયામાં મહદ્અંશે જોવાય છે કે, તે પુરૂષ માટે જેટલી પીડાદાયક બને છે તેનાથી અનેકગણી ત્રાસદાયક સ્ત્રી માટે સાબિત થતી હોય છે.
કેમ કે લગ્ન થયાના દિવસથી જ તે એ નવી ધરતી સાથે તેના સમગ્ર અસ્તિત્વથી, તેના તન-મન અને આત્માથી જોડાઈ ચૂકી હોય છે. એ દુનિયા હવે તેના જીવન સાથે એટલી હદે જોડાઈ ચૂકી હોય છે કે જેનાથી છૂટવું કે તૂટવું તેના માટે સજા બની રહે છે. પુરૂષો ક્યારેય આ મનોભાવને સમજી નહીં શકે તે પણ હકીકત છે.
કોઈપણ કારણોસર છૂટી પડતી સ્ત્રી પછી ત્યક્તા અને ડિવોર્સી તરીકે જ ઓળખાય છે. તેને ફરીથી ‘કુંવારી’નું લેબલ ક્યારેય નથી મળતું. તે પછી નથી તો તેની પેલી ખોવાયેલી દુનિયા તેને યથાવત્ પાછી મળતી કે ના તો તે મથવા છતાં પણ પરિણીત જિંદગીની સારી-માઠી યાદોથી પીછો છોડાવી શકતી.
આમ ચપટીભર સિંદૂરની ઘણી મોટી કિંમત તે જીવનભર ચૂકવતી રહે છે.
આની સામે આજે દરેક જ્ઞાતિ-સમાજમાં આધુનિક વિચારસરણી ધરાવતી એવી અસંખ્ય સ્ત્રીઓ મળી આવશે જેમના માટે મંગળસૂત્ર અને સિંદૂર માત્ર લગ્નના લાઈસન્સ જેટલું જ મહત્ત્વ ધરાવતાં હોય. તેઓ પોતાના અધિકારો અને ખુશીઓ માટે પતિ કે સાસરિયાં પર નિર્ભર ના રહેતાં સ્વબળે પોતાના ભાગનું આકાશ મેળવી લઈ તેમાં હિંમતથી પાંખો ફેલાવીને ઊડી રહી હોય.
પતિ અને પરિવારની તથા સામાજિક જવાબદારીઓ પોતાની શરતો પર નિભાવતી રહીને પણ પોતાની મરજીનું બંધનમુક્ત જીવન આદર્શ ગણાય તેવી રીતે જીવી રહેલી આવી સ્ત્રીઓ માટે લગ્નનું મહત્ત્વ પણ જરાય ઓછું નથી હોતું. સલામ છે આવી સ્ત્રીઓને.
આની સામે બીજી પણ હકીકત દર્પણ સમાન છે કે, ઘણી સ્ત્રીઓ પોતાની મનમાનીથી જીવવા માટે લગ્નની પવિત્રતા, ગંભીરતા અને ફરજોને અવગણતી હોય છે. તેમની બેદરકારી કહો કે નાદાનિયત ગણાવો, પણ નથી તે મંગળસૂત્રનો મહિમા સમજતી કે ના તો સિંદૂરની લાજ રાખતી. તેઓ લગ્નને એક મજાક બનાવીને મૂકી દે છે.
આ સામાજિક કે પારિવારિક દૃષ્ટિને સહેજ બાજુ પર મૂકી સિંદૂરનું વૈજ્ઞાનિક મહત્ત્વ જોઈએ તો બહુ ઓછા લોકોને ખબર હશે કે, સિંદૂરમાં પારાનું અમુક પ્રમાણ પણ સામેલ હોય છે અને સેંથીના જે ભાગમાં સિંદૂર ભરાય છે ત્યાં બ્રહ્મરંધ્ર નામની એક સંવેદનશીલ ગ્રંથિ આવેલી હોય છે. એક માન્યતા અનુસાર સ્ત્રીઓમાં લગ્ન પછી આવતાં મનોશારીરિક ફેરફારો, વધતી જવાબદારીઓ અને તેના પગલે ઉદ્ભવતા થાક, ચિંતા અને તણાવ વગેરેને દૂર કરવામાં આ પારો ઔષધિનું કામ આપે છે.
ટૂંકમાં, લગ્ન એ સુવ્યવસ્થિત સામાજિક માળખા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે. સ્ત્રી અને પુરૂષ બેઉ માટે તે ગમતું બંધન પણ છે.
લગ્નના આ અર્થને મજબૂત બનાવતા અન્ય પ્રતીકોની જેમ સિંદૂર પણ પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક માત્ર છે.
જરૂર છે તો બેઉ પાત્રો તેના મહત્ત્વને અને તેની પાછળ જ જન્મ લેતી, આકાર પામતી પ્રત્યેક જવાબદારીઓને સમજે અને ખુશી ખુશી નિભાવે અને તો જ તેનો રંગ ખીલી ઊઠે.
સૌજન્ય : સંદેશ દૈનિક 

સ્ત્રીના સૌભાગ્યના સંકેતરૃપ સિંદૂરની શાનદાર સફર

sindoor.2
કૃષ્ણપ્રિયા રાધાના ભાલથી લઈને દેવ-દેવીઓની મૂર્તિઓ પર અને ફિલ્મ-ટીવી સિરિયલોની અભિનેત્રીઓ સુધી ‘સિંદૂર’ વિવિધ સ્વરૃપે સદા શૃંગારમાં શિરમોર રહ્યું છે ‘સિંદુર’ ત્રણ અક્ષરનો આ લાલ રંગનો પાવડર વિવાહિત નારીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે.સેથીમાં સિંદૂર પૂરેલી સ્ત્રી સૌભાગ્યવતીનું સૂચક છે.
ભારતની ઘણી જ્ઞાતિઓમાં તો નારીનો સેંથો સિંદૂર વગરનો નથી હોતો. ઘણા ગામડાઓની સ્ત્રીઓ પીળા રંગના સિંદૂરને અસલી માને છે. જ્યારે શહેરની આધુનિક નારી સિંદૂર તરીકે લિપસ્ટીકનો ઉપયોગ કરે છે.   જે લગાડવું સરળ પડે છે અને જલદી ફેલાઇ નથી જતું. બોલીવૂડમાં ‘સિંદૂર’ નું મહત્વ દર્શાવતી ઘણી ફિલ્મો બની છે જેવી કે, ‘માંગ ભરો સજના’, ‘સુહાગ’, ‘સદા સુહાગન’, ‘સિંદુર’,’ ઉધાર કા સિંદુર’ વગેરે. આ ફિલ્મની વાર્તા સ્ત્રીના સૌભાગ્યની આસપાસ જ રહેતી. તેમજ ‘ઓમ શાંતિ ઓમ’નો ‘એક ચૂટકી સિંદર…’ ડાયલોગ પણ ઘણો લોકપ્રિય છે. સિંદૂર અને કુમકુમ લગાડવાનો ઇતિહાસ સદીઓથી ચાલ્યો આવે છે.
કહેવાય છે કે હિંદુ સંસ્કૃતિમાં ૫૦૦૦ વર્ષોથી આ રિવાજ હજી સુધી યથાવત છે. ઇતિહાસ સાક્ષી છે કે, હડપ્પા કાળમાં પણ સેંથામાં સિંદૂર પૂરવાનો રિવાજ હતો. આપણા પુરાણોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે, શ્રીકૃષ્ણની પ્રેમિકા રાધા પોતાના કપાળ પર જ્વાળાના આકારનો સિંદૂર લગાડતી હતી. તો પાંડવોની પત્ની દ્રોપદીના ચીરહરણ વખતે પોતાના પતિઓની નિસહાય સ્થિતિ અને પૌરુષહીનતાથી નિરાશ થઇ દ્રૌપદીએ ક્રોધે ભરાઇને લલાટ પરનું સિંદૂર ભૂંસી નાખ્યું હતું.
પંડિતોનું માનવું છે કે, સેથો પૂરવાનો મતલબ સૌભાગ્યસૂચક છે. આ ઉપરાંત સિંદૂર શક્તિની દેવી પાર્વતીનું પ્રતીક છે. પરંતુ આજે સિંદૂર અને ચાંદલા માટે લોકો કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આજે સિંદૂર અને ચાંદલો ફક્ત ફેશનમાં જ ગણાય છે. રંગબેરંગી વેલ્વેટમાંથી બનાવવામાં આવતા ચાંદલા એ પોતાનું અસલી મહત્વ ગુમાવી દીધું છે. પ્રાચીન કાળમાં ફક્ત ફૂલોની માળાઓનો જ સાજ-શણગારમાં ઉપયોગ થતો હતો. 
સિંદૂર અને ચાંદલા કરવાનું એક સામાજિક અને ધાર્મિક મહત્વ છે. મંદિરોમાં લક્ષ્મી,પાર્વતી, વિષ્ણુ અને હનુમાનજી પર સિંદૂર ચડાવવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે ખરાબ ગ્રહોની અસરને નાથવા માટે મંદિરોમાં સિંદૂર ચઢાવવું. સિંદૂર બનાવવામાં હળદર અને ફટકડીનો ઉપયોગ થાય છે.  જ્યારે હળદરને લીંબુના રસ સાથે અથવા તો લીંબુના પાવડરમાં ભેળવવામાં આવે છે ત્યારે તેનો રંગ લાલ થઇ જાય છે. પછી તેમાં પાણી અથવા તેલ ભેળવવામાં આવે છે. પહેલાં સમુદ્રી મીઠું,અગરુ, ચંદન, કસ્તૂરી ભેળવી સિંદૂર તૈયાર કરવામાં આવતુ હતું. સિંદૂરને ચંદનની લાકડી અથવા પાવડરમાં કસ્તૂરી કે કુસુમના ફૂલ ભેળવીને પણ બનાવવામાં આવતું હતું.
પ્રાચીન કાળમાં સિંદૂર એક ખાસ પ્રકારનના લાલ માર્બલના પથ્થરમાંથી પણ બનાવવામાં આવતુ હતું. આ લાલ માર્બલને હળદર અથવા તેલમાં લપેટી થોડા દિવસો સુધી રાખવામાં આવતું અને પછી સિંદૂર બનાવવામાં આવતું. આજે જે સિંદૂર બજારમાં વેંચાય છે, તે સિંથેટિક મટિરિયલમાંથી બનાવવામાં આવે છે, જેમાં સીસા, જિંક અને ડાઇ ભેળવવામાં આવે છે. હવે તો સિંદૂર પ્રવાહી રૃપે પણ મળે છે.
વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આજકાલના સિંદૂરનો લાલ રંગ રોહોડમાઇન બી ડાઇ ભેળવવાથી થાય છે જે ત્વચાને નુકસાનદાયક છે. લાંલ રંગ માટે તેમાં પારો તેમજ અન્ય રસાયણ ભેળવવામાં આવે છે જેનાથી ત્વચાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.  તેમજ માથાના વાળ પણ ખરવા લાગે છે. તેમજ ત્વચા રોગ થવાન ીસંભાવના રહે છે. હવે તો બજારમા ંબ્રાન્ડેડ સિંદૂર પણ મળવા લાગ્યા છે. પરંતુ તેની બનાવટમાં ક્યા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની કોઇ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી.
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, બજારમાં મળતા સિંદૂરથી બળતરા, ખંજવાળ,રેસિસ, તેમજ પિગમેન્ટેશનની તકલીફ થવાની શક્યતા રહે છે.તેમજ સ્ટિકર ચાંદલા કરવાથી એગ્જીમા અને લ્યૂકોડર્મા થઇ શકે છે. હવે તો બજારમાં મળતા અનેક સિંદૂર હર્બલ હોવાનો દાવો કરવામાં આવે છે. જે દુર્લભ જડીબુટ્ટીઓ અને ફૂલોથી તૈયાર કરવામાં આવે છે. હર્બલ સિંદૂર તૈયાર કરતી વખતે તેમાં ગલગોટા, સૂરજમુખી તેમજ ચંદન તથા અન્ય સામગ્રીઓ મેળવવામાં આવે છે. નારીના સૌભાગ્યના પ્રતીક સમું સિંદૂરનું મહત્વ આધુનિક યુગમાં વધી રહેવામાં ટેલિવૂડ-બોલીવૂડનો મહત્વનો ફાળો રહ્યો છે. ઘણી સિરીયલોની મુખ્ય અભિનેત્રી સેંથીમાં સિંથૂર પૂરતી હોવાથી યુવતીઓ પણ સિંદૂરના મહત્વને જાણવાની પરવા કર્યા વિના સિંદૂર પૂરવાની આંધળી ફેશનને અનુસરે છે.
સૌજન્ય “ દિવ્યભાસ્કર દૈનિક …
સંકલિત :   પૂર્વીબેન મોદી મલકાણ – ‘દાદીમા ની પોટલી’

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 13 September 2014

Thursday 4 September 2014

આજના આધુનિક ગુરુઓ... - પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)

      
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર, 
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ: ll
આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ સ્થાન છે અને આપણા શાસ્ત્રોએ પણ વિવિધ રીતે ગુરુનો મહિમા દર્શાવ્યો છે. આપણે જો પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો આજે પણ ગુરુ મહિમા વિષેના તાર્કિક અને માર્મિક વર્ણન જાણવા મળે છે. ગુરુ એ મૂળ શબ્દ ગુ+રુ એ બે શબ્દોથી મળેલો છે. જેમાં ગુ અર્થાત અંધકાર અને રુ અર્થાત જે પ્રકાશનું કિરણ લાવે છે તે. આખા શબ્દનો અર્થ જે અંધકાર હટાવીને પ્રકાશની કિરણ લાવે છે તે ગુરુ છે. ભગવાન રામ સીતાને કહે છે હું કેળવાયો છુ કારણ કે મારી ઉપર ગુરુ વશિષ્ઠનો પ્રેમાળ હસ્ત ફરતો હતો. જ્યારે સપ્તર્ષિઓના સદ્ગુણોને જોતાં ભગવાન શિવ પણ બોલી ઊઠે છે કે જે ગુરુ પાસે પહોંચતા જ બુધ્ધિ ગ્રહણશીલ બને છે, જે ગુરુના સહવાસમાં જતાં જ તેમનાથી છૂટા પડવાનું મન નથી થતું, જે ગુરુની એક અમી ભરેલી દૃષ્ટિ શિષ્યોના મનહૃદયને નદીના નીર સમાન પવિત્ર કરી નાખે છે તેવા ગુરુનો મહિમા અપરંપાર છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે અજ્ઞાનનું નિવારણ કરી ધર્મ તરફ દોરીને લઈ જાય છે તે ગુરુ છે. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિને કહે છે કે મને જે વિશ્વાસ દેવતાઓ મિષે છે તેનાથી અનેક ગણો વિશ્વાસ મને ગુરુશરણમાં, ગુરુચરણમાં અને ગુરુવાણીમાં છે. હું જે આજે આગળ વધ્યો છુ અને જીવન વિષે જે કાંઇ જાણી શક્યો છુ તે સમસ્ત જ્ઞાન મારા ગુરુને કારણે છે. ગુરુશિષ્યની આજ પરંપરા આપણે ત્યાં પ્રાચીન યુગથી ચાલી આવે છે, જેનું મહત્વ કેવળ ગુરુદક્ષિણા સમર્પી  દેવાથી ઓછું નથી થતું. અમેરિકન આર્મીમેનનું એક સૂત્ર છે કે એકવાર જે સોલ્જર થયો તે હંમેશા સોલ્જર જ રહે છે. એક સામાન્ય સોલ્જરમાંથી તે વ્યક્તિ મેજર, લેફટન્ટ, જનરલ, ઓફિસર એમ બધી જ પદવી લેશે પણ તેની અંદરનો સોલ્જર ક્યારેય નહીં જાય. જ્યાં જે આર્મીસ્કૂલમાંથી તે સોલ્જર થઈ બહાર નીકળ્યો છે તે સ્કૂલનો જ તે હંમેશા રહેશે. ગુરુ માટે પણ કશુક એવું જ છે. બાળક જે ગુરુ પાસેથી શિક્ષા લેશે તે ગુરુનો તે હંમેશા થઈ રહેશે. તે બાળક આગળ જતાં મોટી હસ્તી પણ બનશે તો પણ તે પોતાના હૃદયની અંદર રહેલા વિદ્યાર્થીને કે ગુરુને ક્યારેય બહાર કાઢી નહીં શકે. આથી જ આપણાં શાસ્ત્રો કહે છે જીવનને રસદર્શન કરાવનાર આ ગુરુઓનું મહત્વ કેવળ એક ગુરુપૂર્ણિમાનું નથી બલ્કે રોજેરોજ ગુરુના વિચારોને તેમની આપેલ શિક્ષાને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો ખરા અર્થમાં આપણે આપણા ગુરુનું સન્માન કરી શકીશું. વળી આપણી ભારતીય સંસ્કૃતિમાં તો જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ જ સ્થાન છે. આપણાં શાસ્ત્રોએ આપણા જીવનને સાચી દિશા ચિંધાડનાર આ ગુરુનું સ્મરણ કરાવવા માટે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુચરણે ધરી છે. ગુરુ પૂર્ણિમા વર્ષાઋતુના આરંભમાં આવે છે. આ દિવસથી ચાર મહિના સુધી પરિવ્રાજક સંતો એક સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે, (જેને આપણે ચતુર્માસ તરીકે ઓળખીએ છીએ) અને સમાજમાં ચારે તરફ જ્ઞાનની ગંગા વહાવે છે. ઋતુશાસ્ત્ર અનુસાર આ ચતુર્માસ એ વર્ષનો સર્વોત્તમ અને સર્વોશ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. કારણ કે આ સમયમાં વધારે ગરમી નથી, કે વધારે ઠંડી નથી. બસ ચારે તરફ ગગન મેઘાચ્છાદિત વાદળોથી ઘેરાયેલું હોય, નાની નાની વર્ષાની લડીઑ ઝરી રહી હોય, ગુલાબી પવન લહેરાતો હોય તેવા સમયને અધ્યયન માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ઋષિવર ભૃગુ શિવપુરાણમાં કહે છે કે જે રીતે સૂર્યના તાપથી ગરમ થયેલ ધરતીને બરખાની લડીઓથી શીતળતા મળે છે તેમ ગુરુચરણમાં બેસેલા શિષ્યને જ્ઞાન, ભક્તિ, બુધ્ધિ, સિધ્ધી, શક્તિ, શાંતિ અને ધૈર્ય મળે છે. આપણાં શાસ્ત્રોએ શિક્ષા પ્રદાન કરનાર અનેક ગુરુઓ વિષે જણાવેલ છે. જેમાં માતા, પિતા, ગુરુ, વડીલજનો વગેરેનો સમાવેશ થાય છે પરંતુ આજનો સમય કહે છે કે સમય અને યુગ અનુસાર ગુરુ બદલાતા રહ્યા છે. પ્રાચીન ગુરુ પરંપરાની સાથે અર્વાચીન નવી ગુરુ પરંપરાનો પણ ઉદ્ભવ થયો છે. પણ અહીં પ્રશ્ન એ છે કે આપણે શું આપણાં એ નવા ગુરુઓને ઓળખી શક્યા છીએ? આદ્ય ગુરુશંકરાચાર્ય કહે છે કે એક લોઢાના ટુકડાને પારસમણિ સોનામાં ફેરવી શકે છે, પણ પોતાના સમાન પારસમણિ નથી બનાવી શકતો, પણ ગુરુનું તેજ, ગુરુનો હસ્ત અલગ હોય છે. ગુરુ પોતાના સમસ્ત ગુરુત્વનો નિચોડ શિષ્યની અંદર પ્રસ્થાપિત કરે છે, જેથી કરીને ભવિષ્યમાં એક બીજો ઉત્તમ ગુરુ સમાજને માટે ઊભો થઈ શકે. ઉપનિષદમાં કહ્યું છે કે જે ગુરુ પાસે શિષ્ય પોતાના દોષ ગણાવી શકે છે તે શિષ્ય તો મહાન છે, પણ  શિષ્યના દોષ જાણ્યા પછી જે ગુરુ પંક (કાદવ) સમાન શિષ્યને પંકજ (કમળનું ફૂલ) બનાવે છે તે ગુરુનું સ્થાન તો વિશ્વમાં કોઈ લઈ શકે તેમ નથી. જે ગુરુનો મહિમા આપણે ત્યાં યુગોયુગોથી ગવાયેલ છે તે ગુરુ કેવા હોવા જોઈએ અને કેવા ગુરુ બનાવવા જોઈએ તે પ્રશ્ન હંમેશાથી રહ્યો છે. પ્રથમ પ્રશ્નના જવાબમાં શ્રી પાડુંરંગ શાસ્ત્રી આઠવલે કહે છે કે પરમ પિતા બ્રહ્માની જેમ સદ્ગુણોને જે સર્જે છે, ભગવાન વિષ્ણુની જેમ જે સદ્વૃતિના પાલક બને છે અને ભગવાન ભોળાનાથની જેમ જે જીવોમાં રહેલા દુર્ગુણો અને ર્દુબુધ્ધિનો જે સંહાર કરે છે તેવા ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. જ્યારે બીજા પ્રશ્નના જવાબ શુકદેવજી શ્રીમદ્ ભાગવતમાં આપતા કહે છે કે જીવનમાં સુખ દુઃખ શું, જીવનનો શો સાર છે, ક્યાં માર્ગે જતાં જીવને સાચો રાહ મળે છે, આપણાંમાં રહેલા મોહ-માયાના વિષયોથી આપણને સાવચેત કરનાર, આપણામાં રહેલી ભૂલોને શોધી કાઢવા સતત તત્પર રહે તેવું ગુરુ આપના જીવનમાં હોવા જોઈએ, અને જ્યારે આવા ગુરુનો સાથ હોય ત્યારે તે શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. એક સમય એવો હતો કે જ્યારે નદીને કિનારે વસેલ આશ્રમમાં વૃક્ષોની છાયામાં ગુરુઓ શિષ્યોને જ્ઞાન આપતા હતાં, પણ આજે સમય બદલાયો છે. આજની ભાષામાં પૂછીએ તો ગુરુ કોણ છે તો તેના કદાચ અનેક જવાબો મળી આવશે, પણ સમય અનુસાર આજે આપણા આ ગુરુઓ બદલાઈ ગયા છે તો ચાલો આજે આપણે આપણા એ આજના આધુનિક ગુરુઓને મળીએ.
આજના ગુરુમાં જે સૌ પ્રથમ આવે છે તે છે આપણું ઘર. આપણાં ઘરમાં રહેલા પ્રત્યેક બાળકો અને પ્રત્યેક વડીલો, કુટુંબમાં રહેલ એક એક વ્યક્તિ તે આધુનિક ગુરુના પ્રથમ ચરણમાં આવે છે. એક સમય હતો કે આપણે ત્યાં વડીલો જ ગુરુનું સ્થાન દીપાવતા હતા તેથી કહેતા કે માતા દેવ, પિતા દેવ, દેવ આખોયે સમાજ. આ વાત આજે પણ પ્રાચીન સમય જેટલી જ સાચી છે. માતા-પિતા ક્યારેય બાળકનું ખરાબ ઈચ્છે જ નહીં તેથી તેઓ પોતાની સમજણ મુજબ બાળકને સારા-ખરાબ વચ્ચેનો ભેદ સમજાવતા જાય છે, ઘરમાં રહેલા વડીલો પણ આ કાર્યમાં મદદ કરે છે. આથી એમ કહી શકાય કે આપણું ઘર અને કુટુંબ એ આપણાં પ્રથમ ગુરુ છે.
આપણા બીજા ગુરુ તે આપણા ઘરની આસપાસનું વાતાવરણ છે. મોટા થતાં બાળકો પોતાના કુટુંબ પાસેથી તો જીવનના પાઠ શીખે જ છે પણ એજ કુટુંબ જે નથી શીખવાડી શકતું તે વસ્તુતઃ આપણે આપણા વાતાવરણમાંથી શીખી જઈએ છીએ. ભલે કહેવાય કે પહેલો તે સગો પાડોશી, પણ આ પાડોશી પાસેથી તેની ભાષા ઉપરથી, તેના વિચાર અને વ્યવહાર ઉપરથી આપણે ઘણી વાતો શીખી જઈએ છીએ. જેમાં સારી અને ખરાબ બંને બાબતો રહેલી છે તેથી જ સંગ તેવો રંગની કહેવત પડેલી છે.
આપણા જીવનમાં ત્રીજા ગુરુ તે આપણા સંજોગો છે. આ સારા અને ખરાબ સંજોગો આપણને વિવિધ પાઠ શીખવતા જાય છે.
આપણા ચોથા ગુરુ તે બાળકો છે. મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી મમ્મી મને હંમેશા કહેતી કે મોટા સાથે રહીએ તો મોટી અને નાના સાથે રહીએ તો નાની બુધ્ધિ આવે. પણ આજના સમય મુજબ આ વાતનું કોઈ તાત્પર્ય રહ્યું નથી. હું મારા જીવનની ઘણી બધી વાતોને મારા બાળકોની પાસેથી શીખી છુ. આથી મારુ માનવું છે કે આ બાળકો જ આજે આપણને ઘણું બધુ શીખવી જાય છે. એક યુગલ જ્યારે પ્રથમવાર માતા-પિતા બને છે તે જ દિવસથી તેમના જીવનનો મોટો પાઠ ચાલુ થઈ જાય છે. પછી જેમ જેમ બાળક માતા-પિતા પાસેથી શીખે છે તેમ માતા-પિતા પણ બાળકો પાસેથી કશું ને કશું શીખતા જ રહે છે. પણ એટલું ખરું કે બાળક પાસેથી નવું શીખવા માટે માબાપે પોતાનો મોટા હોવાના અહંને સાઈડમાં મૂકી દે તો તેમના આ બાળકો રૂપી ગુરુઓ પાસેથી ઘણુંબધુ શીખી શકે છે.
આપણા પાંચમા ગુરુ તે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ છે. નવા જમાનાનો આ ઇન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્યનાસંબંધને ક્યારેય શાંતિથી નિહાળ્યો છે?આજે ઇન્ટરનેટ એ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે શિક્ષણ અને સાયન્સથી માંડીને અનેક વસ્તુઓ શીખીએ છીએ. આમાં ક્યારેક એવું પણ બને છે કે ઈન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્ય ક્યારેય પ્રત્યક્ષ મળતા નથી તેમ છતાં પણ આ વિશ્વ આખો દિવસ આપની સાથે ચાલે છે. ટૂંકમાં કહીએ તો આ વિશ્વ પણ વાતાવરણની જેમ જ હોય છે. આ બંને તત્ત્વો આપણને સારાખોટાનો ભેદ તો શીખવે છે, સાથે સાથે આપણા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક માનસિક, આધિભૌતિક, રાજનૈતિક સમસ્યાઓને પણ હલ કરી શકે છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે, પણ તેમ છતાં આ આજના સર્વે ગુરુઓ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ તે આપણા ઉપર છે.
अज्ञान तिमिरान् धस्य ज्ञानाम् जन शलाक्य

चक्षु रुन् मिलीतम् येन तस्मै श्री गुरुवे नमः

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

CopyRight:-ISBN-10:1500299901 

[http://pareejat.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 4 September 2014

શિક્ષક દિન કે દીન? (અલ્પવિરામ -- રાજેન્દ્ર રાવલ)

શિક્ષકોનો આજે દિવસ છે. શિસ્ત, ક્ષમા અને કલ્યાણના આરાધકોને યાદ કરી, તેમની નિઃસ્વાર્થ અને તટસ્થ કર્મયોગિતાને વંદન કરવા માટે દેશના વિદ્યાપ્રેમીઓ ગુરુઓને વંદન કરે છે. ખાસ કરીને પાંચમી સપ્ટેમ્બરને એટલે જ શિક્ષકોના ગુણગાન કરવા માટે શિક્ષકદિન (દીન) તરીકે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ની યાદમાં પાંચમી સપ્ટેમ્બર પસંદ કરવામાં આવી. ભારતનો એક શિક્ષક રાષ્ટ્રપતિ થઈ શકે છે, આ ઘટનાને શિક્ષકના સાર્મ્થ્ય સાથે જોડીને શિક્ષકોને ઉત્સાહિત કરવામાં આવે છે.
ડો. રાધાકૃષ્ણન્ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા. વર્ષોથી આદરપૂર્વક ડો. રાધાકૃષ્ણન્ને ભારતીય પ્રજા સગર્વ યાદ કરે છે, પરંતુ રાધાકૃષ્ણન્ પછી અનેક શિક્ષકો સત્તા ઉપર આવ્યા. દેશ અને દુનિયામાં ઘણા શિક્ષકોએ કાઠું કાઢયું, પણ ડો. સર્વપલ્લીની જેમ તેમને દુનિયા કેમ યાદ કરતી નથી? હા, શિક્ષકો સામે ફરિયાદો છે. જે શિક્ષકોને સમાજના ગુરુનું બિરુદ પ્રાપ્ત થયું છે તે ગુરુઓનું ગુરુત્વાકર્ષણ ઘટી રહ્યું છે. તેના માટેનાં અનેક કારણો જવાબદાર છે. રાજકીય હસ્તક્ષેપ, બિનઆવડતવાળું પ્રશાસનતંત્ર અને શિક્ષણમાં થતાં આડેધડના અર્થહીન અખતરાઓથી શિક્ષક અને શિક્ષણની પ્રતિભા નંદવાઈ છે.
આઝાદી પછીનાં વર્ષોનું શિક્ષણ અને આજનું શિક્ષણ! સ્થિતિ વિચિત્ર છે, શિક્ષણની અને શિક્ષકોની. "શિક્ષણમાંથી સાદગી નષ્ટ થઈ ચૂકી છે અને શિક્ષકોમાંથી વિનમ્રતા." શિક્ષકને ગુરુમાંથી નોકર બનાવવાની રાજકીય પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓએ શિક્ષકને આડે પાટે ચડાવી દીધો છે. એક જમાનામાં ગુજરાતી શાળાના શિક્ષકને લોકો ગુરુજી કહેતા. આજે પણ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ અને વાલીઓ ગુરુજ કહીને સંબોધે છે. આ ગુરુઓ વિનમ્ર, સંયમી અને સાદગીને સર્મિપત હતા. થોડાંક વર્ષો પછી જ્યારે ગાયકવાડી સ્ટેટ થયાં ત્યારે વર્નાક્યુલર મેટ્રિક પાસ શિક્ષકોને વાલીઓ માસ્તર કહેવા માંડયા. ગામનો માસ્તર એટલે સર્વેસર્વા, લોકોનો આદર પ્રાપ્ત વ્યક્તિ. પછી આજ માસ્તર, ગુરુને પંથસુજી કહેનારો એક વર્ગ તેમને પંતુજી કહેવા માંડયો. કેમ? શિક્ષકની પ્રતિષ્ઠાને બગાડવામાં ફાળો કોનો? સમાજનો? સંસ્કારનો? કે ખુદ શિક્ષકોનો જ? આ પ્રશ્નનો જવાબ માત્ર શિક્ષકો જ આપી શકે. આજે પણ લોકો સરકારી શાળાઓનું નામ પડતાં જ મોં મચકોડે છે! ગામડાનાં બાળકો શહેરની ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવવા જાય છે. સરકારના મફ્ત શિક્ષણની ઐસી-તૈસી કરીને ખાનગી શાળામાં મોંઘીદાટ ફી આપીને બાળક પ્રવેશ મેળવે છે. તેના માટે જવાબદાર કોણ?
ક્યાંક શિક્ષકો પાસે વિષયની કૌશલ્યતા નથી. જે કુશળ છે તેમને કોઈ સાંભળતું નથી. કામ કરનારા અને રખડી ખાનારા એમ શિક્ષકોના બે ભાગ છે. સરકારના શિક્ષકો માટેના નિયમો એવા બોગસ છે, જેનાથી શિક્ષકો ત્રાહિમામ્ છે. આવા નિયમોને અટકાવવા માટે શિક્ષકોનાં સંગઠનો સંપૂર્ણ સફળ નથી. શિક્ષકોની પવિત્રતાને અભડાવવામાં આવી છે. જેના માટે ક્યાંક શિક્ષકો પણ જવાબદાર છે. વ્યવસાયની નિષ્ઠા અને ભારતનું ભાવી ઘડનારો શિક્ષક, કલ્યાણ ભાવનાને વરેલો હોવો જોઈએ, પણ દેશમાં શિક્ષણની દશા બગડેલી છે. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને કામ ગમતું નથી. રાજસ્થાનમાં ૪૭૦ શાળાઓમાં શિક્ષક જ નથી. જે શિક્ષકોની બદલી થઈ હતી, તેમણે રાજકીય વગ વાપરીને નજદીકનાં શહેરોમાં બદલીની ગોઠવણી કરી દીધી. દૂરના અંતરિયાળ ગામડાંઓમાં સારા શિક્ષકો ટકતા કેમ નથી? હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજકીય (સરકારી) શાળાઓ અને તેમાંય ખાસ કરીને ગામડાંની શાળાઓ પડી ભાંગી છે.
ગુજરાતમાં શિક્ષણની ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની દશા આજે કફોડી છે. તેના માટે સરકાર અને શિક્ષકો બંને જવાબદાર છે. શિક્ષકોને ભણાવવા માટેનો પૂરતો સમય મળતો નથી અને સરકાર ગુણવત્તા પ્રગટાવવાની વાતો કરે છે, પણ ગુણનું પ્રાગટય કરવા માટેનો સમય જ શિક્ષકોને આપતી નથી. રાજકીય ખીચડી પકવવા માટે શિક્ષણ અને શિક્ષકોને હાથા બનાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. શિક્ષણના અધિકારીઓ પૂરતા પ્રમાણમાં સ્વતંત્ર નથી. ગુજરાતનું શિક્ષણ ખાતું નિવૃત્ત અધિકારીઓથી ચાલે છે. ક્યાંક કેટલાક શિક્ષકો પણ શિક્ષણ અને શિક્ષકની ગરિમાને તોડવા માટે જવાબદાર છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો શ્રદ્ધાના પાઠ ભણાવવાને બદલે અંધશ્રદ્ધાનાં કાવતરાં કરે છે. ઈકોતેરનો ઘડિયો ભણાવવાને બદલે ચિકોતર (ભૂતપ્રેત)ના પાઠ ભણાવે છે. એક આખા ગામે ફરિયાદ કરી છે કે સાહેબ આ શિક્ષક ભૂવો છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.
કેટલાય શિક્ષકો વ્યસની છે. શાળામાં ગુટકા કે મસાલો ચાવીને શિક્ષકો ભણાવે છે. કોઈ રોકતું નથી, ટોકતું નથી. શાળામાં મોબાઇલ લઈ જવાનો પ્રતિબંધ છે! તંત્ર-ધૃતરાષ્ટ્ર છે. ગુણોત્સવ વખતે એક શાળામાં ગયેલા એક ઉચ્ચ અધિકારી અને શાળાનો શિક્ષક નશામાં હતા, આ વાત પર પડદો પડી ગયેલો. શિક્ષકોને કક્કો બારાખડી આવડતું નથી, એટલે થોડાંક વર્ષો પહેલાં લેખન-ગણનની તાલીમ આપવી પડેલી. શિક્ષકોની બદલીઓમાં સાટાંપદ્ધતિ શરૂ થઈ છે. બદલીના કડક નિયમોને કારણે શિક્ષકો અંદરો-અંદર લાખો રૂપિયાના વેપાર કરીને બદલી કરાવે છે. જિલ્લા ફેર અરસપરસ બદલીઓના ભાવો શિક્ષણમંત્રીને ખબર છે? પ્રાથમિક શિક્ષકો બગડેલા નથી. તેમને બગાડવામાં આવી રહ્યા છે. શિક્ષકનું ચારિત્ર્ય કેમ નબળું પડયું છે? આજે શિક્ષકનો દિવસ છે. હૃદયથી જે શિક્ષક સંપન્ન છે, વ્યવસાયને સર્મિપત છે, તેને જ વંદન હોય. બાકી કાંઠા-કબાડિયાઓએ આજના દિવસે પ્રેરણા લેવાની હોય કે બહુ થયું હવે.

નિષ્ઠાવાન શિક્ષકોને જ સલામ. ખાસ કરીને પેલા ટોપીવાળા, સોટીવાળા શિક્ષકોને સલામ.   
- રાજેન્દ્ર રાવલ email : rajendrarvl@gmail.com
[સંદેશ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Tuesday 2 September 2014

“ઉપરવાળો સૌ સારાં વાના કરશે” – ડો.આઇ.કે.વીજળીવાળા

‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થઇ જાય તેવો જ કંઇક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો. હવે શું થશે? – એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ઘરનાં એક ખુણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલકચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો.
વાત એમ બની હતી કે મને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો ! આમ તો આવો કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય. એક ગરીબ છાપાવાળાની ઝૂંપડીમાં મોટા થયેલા અને દારુણ ગરીબીમાં ઉછરેલાં વિધાર્થીને મહેનત અને મેરીટથી જ મેડીકલ કોલેજમાં એડમિશન મળે એ ખરેખર ગૌરવ લેવા જેવી બીના હતી. અમારા ઘરમાં પણ ઘડીક આનંદની લહેરખી ફેલાઇ ગઇ હતી. પણ મજુરને કોઇ મર્સિડિઝ ભેટમાં આપે પછી બીજી ક્ષણે જ પેટ્રોલ કેમ પુરાવવું એ પણ એક પ્રશ્ન હોય તેવી જ દશા અમારા સૌની થયેલી.
એડમિશનના લેટરમાં સૌથી પહેલા પાને જ લખેલું હતું કે, ‘7 જુલાઇ 1978ના રોજ બી.જે.મેડીકલ કોલેજમાં સવારે 11.00 કલાકે હાજર રહેવું.સાથે રૂપિયા 268/- અંકે રૂપિયા બસો ને અડસઠ ટર્મફીસના એ જ દિવસે ભરવા પડશે.’ અને આ બીજા વાક્યથી જ અમને તકલીફ થઇ રહી હતી. અતિ ગરીબાઇના એ દિવસો હતા. બાપુ છાંપા વેચીને ગુજરાન ચલાવે. હાંડલામાં કંઇ પણ પડ્યાં ભેગું જ સાફ કરી નાખતાં અમે ઘેરોએક માણસ. ઘરમાં કાયમ અછતના ઓળાઓ જ આંટાફેરા કરતા હોય. બે પૈસાની બચત હોય એવું એવું તો ક્યારેય સપનું પણ ના આવે. આખર તારીખે તાવડી ટેકો લઇ જાય તેવા દિવસો હોય તેમાં બસો ને અડસઠ રૂપિયા કાઢવા ક્યાંથી ? કેટલાય ઉછીના-પાછીના થાય ત્યારે તો મહિનો પૂરો થાય. તેમાં આટલી મોટી રકમતો સાવ અણધારી જ હતી. એમ કહી શકાય કે અમારી તેવડ અને ગજા બહારની એ વાત હતી. બાપુએ પણ એટલા બધા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા કે હવે એમને કોઇ 10 રૂપિયા આપવા પણ તૈયાર નહોતું. તો આ રકમ તો એનાથી 30 ગણી હતી. કોણ આપે ?
એટલે ક્યાંયથી ઉછીના પૈસા મળશે એવી ખોટી આશા પણ રાખી શકાય તેમ નહોતું. અને જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો એડમિશન કેન્સલ થાય તે પણ બધા જાણતા હતા. એટલે આ વ્યવસ્થા કઇ રીતે થશે એ યક્ષપ્રશ્ન અમને ગળેથી પકડીને ગૂંગળાવી રહ્યો હતો. અને કદાચ વ્યવસ્થા ન થઇ શકી તો શું થશે ? આ ‘શું થશે?’ એ પ્રશ્ન જ અમને આજે અકળાવતો હતો. ખુદા હશે કે કેમ એ અંગે હંમેશા સાશંક રહેતાં. પણ મારાં દાદીમા અત્યંત શ્રધ્ધાળુ હતાં. અમારી મૂંઝવણ જોઇને વારંવાર એ બોલતાં હતાં કે, ‘ખુદા સૌનું ભલું કરશે! સૌ સારાં વાના જ થશે. તમે બધા ચિંતા ના કરો.’ પરંતુ અમારામાંથી બીજાં કોઇને એ સમયે આ શબ્દો પર રતીભાર પણ વિશ્વાસ નહોતો.
ઝાંઝવાના જળ ઢીંચવાના જ જેનાં નસીબ હોય તેને મીઠા પાણીની આશા આપવા જેવા આ શબ્દો હતાં. સહરાના રણની વચ્ચોવચ્ચ આવતા વરસે મીઠામધ જેવા પાણીનું સરોવર હશે એમ કોઇ કહે અને રણમાં રહેતા માણસને જરાય વિશ્વાસ જ ન આવે એવું કંઇક અમારું પણ હતું. પરંતુ તરણું મળે તો તરણું, બચી જવા માટે કંઇક પ્રયત્ન તો કરવો જ રહ્યો એ ન્યાયે બાપુ, ‘ચાલો ! હજુ બે ચાર જણને મળતો આવું, કદાચ ક્યાંકથી મેળ પડી જાય!’ કહી સાઇકલ લઇને મારા ભાગ્યની શોધમાં ગયા. ઘરનાં સૌ પોતપોતાનાં કામે વળગ્યાં.
અમારી કાચી માટીની તેમ જ પતરાંના છાપરાવાળી ઝૂંપડીનું ફળિયું ખૂબ વિશાળ હતું. ઉનાળાના ઉત્તરાર્ધના એ ગરમ દિવસોથી આખો દિવસ શેકાયા બાદ અમે ફળિયામાં રહેવાનું પસંદ કરતાં. અલકમલકની વાતો કરતાં કોઇ જુદાં જ પ્રદેશની સફરે પહોંચી જતાં. તે દિવસે પણ રાત્રે સાડા દશ સુધી અમે બધા બાપુની વાટ જોઇ બેઠાં હતાં. વાતો તો ત્યારે પણ અલકમલકની જ ચાલતી હતી પણ બધાયનાં મન પેલા સવાલની આસપાસ જ ઘુમરાતાં હતાં. છેક પોણા અગિયાર વાગ્યાં ત્યારે બાપૂજી આવ્યાં. એમનાં અમારી સામે દષ્ટિ માંડવાનાં અંદાજથી એ ખાલી હાથે પાછા આવ્યા છે એ અમે સમજી ગયાં. એમને કોઇએ કંઇ પણ પુછ્યું નહીં. ફક્ત દાદીમાં એક જ બોલ્યાં કે, ‘ખુદા સૌ સારા વાનાં કરશે. હવે વાતો બંધ કરીને બધા સુઇ જાવ.’
બસ, હવે એક જ દિવસ બાકી રહ્યો હતો. બીજો દિવસ ઉગ્યો. એ પણ દર સાઠ મિનિટે એક કલાકની ઝડપે જ ભાગતો હતો. સાંજના પાંચ વાગી ચુક્યાં હતાં. હવે અકળામણનું સ્થાન મૂંઝવણે લઇ લીધું હતું. મારાથી બોલાઇ ગયું, ‘એ લોકો ફી બાકી ના રાખે ? આપણને અત્યારે એડમિશન આપી દે અને પછી આપણે આવતા મહિના સુધીમાં પૈસા ભરી દઇએ તો ના ચાલે?’ પણ કોઇએ મારા સવાલનો જવાબ જ ના આપ્યો એટલે હું સમજી ગયો કે એમ નહીં જ ચાલતું હોય. અચાનક બાપૂ ઉભા થયા. મને કહે કે, ‘ચાલ! તારા એડમિશનના કાગળની અને બારમાની માર્ક્શીટની કોપી જોડે લઇને મારી ભેગો ચાલ.’
દલીલને કોઇ અવકાશ જ નહોતો. ડૂબતા માણસે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો ન જ છોડવાના હોય. કંઇ પણ બોલ્યા વગર હું એ બધી વસ્તુઓ લઇને નીકળી પડ્યો. અમે બંને બાજુનાં ગામ તરફ સોનગઢ ગયાં. ત્યાં જઇને જે કોઇ વ્યક્તિ ઉછીના પૈસા આપી શકે તેવી લાગે તેને બાપુજી વાત કરતાં. હું ‘નમસ્તે!’ કહીને મારી માર્ક્શીટ અને એડમિશનનો કાગળ બતાવતો. દરેક વ્યકિત મારી સફળતા જોઇને ખુશ થતી અને શાબાશી આપતી. પણ પૈસા તો કોઇ કરતાં કોઇયે ના આપ્યાં. બાપુજી માંગતા, પણ દરેક વ્યક્તિ કંઇ ને કંઇ બહાનું કાઢીને પૈસા આપવાનું ટાળતી. દરેકને થતું કે આ પૈસા કોને ખબર ક્યારે પાછા મળે ! આમ ને આમ છેક સાંજ પડી ગઇ. અમે બાપ-દિકરો થોડા ઢીલા પડી ગયાં. ‘હવે શું થશે?’ એ પ્રશ્ને ફરીથી અમારા મનમાં હથોડા મારવાનું શરૂ કરી દીધું. અમે થોડીક વાર સોનગઢના બસ સ્ટેન્ડમાં મૂંગા મૂંગા બેઠાં. હાથમાં આવેલી બાજી હારી જતી વેળા વખતે માણસને જેવી વેદના થાય તેવી વેદનાની રેખાઓ મારા બાપુના ચહેરા પર ઉપસી આવી હતી. આખી જિંદગી જેણે સાઇકલ પર ફેરી કરી હોય તે માણસના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જતો લાગે તો કેવું થાય તે તો એ જ જાણી શકે, જેના પર આવી વીતી ચૂકી હોય.
જેમ દિવસ એના ક્રમ મુજબ ઢળી ગયો તેમ સાંજ પણ હવે ધીમે ધીમે રાત્રિનું સ્વરૂપ લઇ રહી હતી. ઉનાળાના દિવસોમાં સાંજ થોડીક લાંબી રહેતી હોય છે. આછું આછું અંધારુ થવા લાગ્યું. બાપુએ એક નિસાસો નાંખ્યો. એમનામાં હવે સાઇકલ ચલાવાની પણ હામ નહોતી રહી. અમે બંને એ ધીમે ધીમે અમારા ગામની વાટ પકડી. મારું ગામ સોનગઢથી ફક્ત બે જ કિલોમિટર દુર છે. કંઇ પણ બોલ્યાં વિના પણ અમે લોકો ઘણી વાતો કરી શકતાં હતાં. સમય અભિવ્યક્તિની બધી જ પરિભાષા માણસને શીખવી જ દેતી હોય છે. અમે પણ એક્બીજાના ભાવ સમજી-વાંચી શક્તાં હતાં. નિરાશા અનુભવતું મારું મન વારંવાર દાદીમાનાં શબ્દો યાદ કરતું હતું કે, ‘સૌ સારા વાનાં થશે.’ પછી મનોમન જ સવાલ ઊઠતો હતો કે, ‘શું ખરેખર સૌ સારાં વાનાં થશે?’ સાંજના ઊતરી રહેલા ઓળાઓ તો એવું નહોતાં કહેતાં.
સોનગઢ ગામ પૂરું થાય પછી રાજકોટ જવાના રોડ પર દક્ષિણ તરફ પાલિતાણાનો રસ્તો ફંટાય છે. એ વિસ્તારમાં ઘણા બધાં જૈન કુટુંબો રહે. હતોત્સાહ એવા અમે બાપદીકરો ત્યાંથી નીકળ્યાં એ જ વખતે શ્રી હિંમતભાઇ નામના એક ભાઇ ત્યાંથી નીકળ્યાં. મારાં બાપુજીને જોતાં જ એમણે બૂમ મારી, ‘કેમ કાસમ? આજે આમ ચાલતાં ચાલતાં જાય છે?’ (મારાં બાપુને ત્યારે અમે ખૂબ ગરીબ હોવાથી બધા તુકારે જ બોલાવતાં. આજે આ બધા જ માણસો એમને કાસમભાઇ કરીને બોલાવે છે. પૈસામાં આદર ખરીદવાની પણ વણદેખી શક્તિ રહેલી હોય છે તે અમને સમયે બરાબર સમજાવ્યું.
‘બસ એમ જ !’ મારા બાપુજીએ ફક્ત એટલો જ જવાબ વાળ્યો.
‘મજામાં તો છે ને?’ હિંમતભાઇએ ફરીથી પુછ્યું.
‘હોવે! મજામાં જ છું!’ બાપુજીએ આટલો જવાબ ઉપલક મનથી જ દીધો. પછી અમે આગળ ચાલ્યાં. હજુ થોડાક જ આગળ ગયાં હોઇશું ત્યાં જ પાછળથી બૂમ પડી, ‘અરે કાસમ ! એક મિનિટ, આ તારી સાથે છે તે તારો દિકરો એ જ છે, જે બોર્ડમાં પણ એકાદ વિષયમાં નંબર લાવ્યો છે?’
‘હા, એ જ છે!’
‘અરે તો તો પાછો આવ!’ હિંમતભાઇએ અતિ ઉત્સાહથી કહ્યું, ‘અને એના માર્ક્સનો કાગળ કે કોપી કે એવું કંઇ છે તમારી સાથે?’
‘હા !,’ બાપુજીએ પાછા ફરતાં ટુંકો જવાબ આપ્યો, કારણકે આવું બધું તો સાંજથી લગભગ દસ વાર અમારે જોડે બની ચુક્યું હતું. અમે હિંમતભાઇ પાસે પહોંચ્યા. એમણે મારાં હાથમાં રહેલા કાગળો જોયાં. જોતાં જ એમણે આશ્ચર્ય વ્યકત કર્યું, ‘અરે! ભલા માણસ ! તું તો વાત પણ નથી કરતો કે આને તો મેડીકલમાં એડમિશન મળી ગયું છે.’
‘આજે સવારથી બધાને વાત કરતો હતો. પછી અત્યારે કંટાળીને તમને વાત ના કરી !’ મારા બાપુજી બોલ્યાં.
‘અરે, તું અત્યારે જ મારી સાથે ચાલ. તારા આ દીકરાને મારા ઘરે આવેલા એક મહેમાનને મેળવવો છે. આજે મારે ત્યાં પૂનાના એક ઉધોગપતી આવેલા છે. એમને આ છોકરાં સાથે મુલાકાત કરાવાની મારી ઇચ્છા છે. એક ગરીબ માણસનો છોકરો બારમાં ધોરણમાં આટલું સરસ રીઝલ્ટ લાવે અને મેરીટ પર મેડીકલમાં એડમિશન મેળવે એ જાણીને એમને ખૂબ આનંદ થશે. આમેય તારે આના માટે કંઇક મદદની જરૂર તો પડશે જ ને?’ આટલું બોલીને મારા સર્ટિફિકેટની કોપીમાંથી માથું ઊંચું કરી હિંમતભાઇએ મારા બાપુજી સામે જોયું. ચાર આંખ મળતાં જ એ સમજી ગયાં કે ‘જરૂર પડશે’ નહીં, જરૂર પડી જ ગઇ છે. આગળ કંઇ પણ કોઇ ન બોલ્યું. અમે ઉતાવળે હિંમતભાઇ ના ઘરે ગયાં. એમને ત્યાં મહેમાન તરીકે આવેલા પૂનાવાળા પેલા શેઠ ફળીયામાં હિંચકા પર બેઠાં હતાં. અમે એમને નમસ્તે કર્યુ, પછી બાપ દીકરો ત્યાં બાંકડા પર બેઠા. હિંમતભાઇએ મહેમાનને બધી વાત કરી. પેલા શેઠે મારા બધા સર્ટિફિકેટસ તેમજ એડમિશનના કાગળ જોયાં. એમના ચહેરા પરથી જ એ ખૂબ ખુશ થયા હોય તેવું લાગ્યું. એમણે મને પોતાની પાસે બોલાવ્યો. પછી મારી પીઠ થાબડી. ખિસ્સામાં હાથ નાંખીને એમણે 300 રૂપિયા કાઢ્યાં. મારા હાથમાં મૂક્યાં. હું ને મારા બાપુ સ્તબ્ધ થઇ ગયાં. જે રકમને માટે અમે બબ્બે દિવસથી ઝાંવા નાંખતા હતાં. તેને ઇશ્વર આમ એક શેઠના રૂપમાં અમારાં હાથમાં મૂકી રહ્યો હતો. મારી મૂંઝવણ પારખી ગયાં હોય તેમ એ શેઠ બોલ્યાં, “જો દિકરા ! આ પૈસા હું તને મારી ખુશીના આપુ છું. એ તારે ક્યારેય પાછા નથી આપવાનાં. પણ તું મોટો થા, ભણીને ડોક્ટર બની જા, પછી આવા કોઇ ગરીબ વિધાર્થીને મદદ જરૂર કરજે. અને હવે પછી દર છ મહીને તારે મને કાગળ લખવાનો. તારું બોનાફાઇડ સર્ટિફિકેટ મોકલવાનું અને હું તને નિયમિત પૈસા મોકલીશ. આ લે મારું કાર્ડ. આમાં મારું સરનામું છે.’ એમણે મને એમનું કાર્ડ આપ્યું.
થોડી વાર વાતો કર્યા પછી અમે ઊઠયાં. ઘરે જવા માટે હવે પગમાં પૂરી તાકાત આવી ગઇ હતી. મેં ભગવાનને કે એવી કોઇ પણ શક્તિને ક્યારેય જોઇ નથી પણ કોઇ ને કોઇ સ્વરૂપમાં એ આવીને મને મદદ કરી જતી હોય એવું એ વખતથી પ્રતીત થઇ રહ્યું છે. અમે બાપદિકરો તો જાણે પગ નીચે કઠણ અને ખરબચડી જમીન નહીં પણ પોચા પોચા રૂ ના વાદળો હોય તેમ ચાલતા હતાં. ઘરે પહોંચ્યા ત્યારે અંધારૂ પૂરેપુરું જામી ચૂક્યું હતું. બધાં અમારી જ વાટ જોતાં હતાં. આજે વાળું તૈયાર હતું પણ કોઇએ એક પણ દાણો ચાખ્યો નહોતો. અમે લોકોએ બધી વાત કરી ત્યારે આખા ઘરમાં ખૂશીની લહેર દોડી ગઇ. જાણે આજે જ એડમિશન મળી ગયાનો સાચો આનંદ બધાએ માણ્યો હોય તેમ લાગ્યું. હાસ્યને જાણે કોઇએ જાદુઇ ડાબલીમાંથી બહાર કાઢીને વેરી દીધું હોય તેમ ઘરનો ખૂણેખૂણો તાણમૂકત થઇ હાસ્યભેર બની ગયો હતો. બધાએ સાથે બેસીને વાળું કર્યું. બાપૂજીએ બધી માંડીને વાત કરી. એક પ્રકારની શાંતિ છવાઇ ગઇ. થોડીક વાર સુધી કોઇ કંઇ પણ બોલી શક્યું નહી. પછી દાદીમાં બોલ્યાં, ‘હું નહોતી કહેતી? ખુદા સૌ સારાં વાનાં જ કરશે. કર્યા ને?’…….
(હું એમ.બી.બી.એસ. થઇ ગયો ત્યાં સુધી પૂનાવાળા એ માનનીય શેઠશ્રી તરફથી મને નિયમિત મદદ મળેલી.)
ડો.આઇ.કે.વીજળીવાળા નાં પુસ્તક સાયલન્સ પ્લીઝ માંથી છે જે તેઓનાં જીવનમાં બનેલાં પ્રસંગો પર આધારિત છે...

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday 2 September 2014

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.