આદિ માનવ જ્યાં સુધી સભ્ય અવસ્થામાં આવ્યો ન હતો અને તેણે સમાજની રચના કરી ન હતી ત્યાં સુધી કુટુંબની વ્યવસ્થા તેણે બનાવી ન હતી. સૌ માનવો એક સાથે રહેતા હતા અને નવા જન્મતાં બાળકો સમૂહની જવાબદારી હતી. આ વ્યવસ્થાએ ઘણા અટપટા પ્રશ્નો ઊભા કર્યાં હતા. આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માનવે સમાજની રચના કરી. નગર વસાવ્યું અને તેની સાથે આવી કુટુંબની ભાવના. માનવે તેના બંધુઓની કાર્યશક્તિ પ્રમાણે સૌને વિવિધ કામો સોંપ્યાં અથવા કહો કે દરેક માનવે પોતાને ગમતી કે આવડતી વિદ્યામાં કામ કરવા માંડ્યું.
કુટુંબની સાથે આવી પતિ-પત્નીની ભાવના, મા-બાપની ભાવના, બાળકોની સારસંભાળની ભાવના. એક માનવ, એક જ સ્ત્રીને પરણીને કુટુંબ સાથે રહેવા લાગ્યો. આ સ્ત્રી તે માનવની પત્ની બની જેને આપણા પૂર્વજોએ ‘સૌભાગ્યવતી’ નું બિરુદ આપ્યું. બીજી મહિલાઓથી અલગ પાડવા આ સૌભાગ્યવતી સ્ત્રી કે જેનો પતિ હયાત છે, તેની ઓળખ માટે કપાળમાં મધ્યભાગમાં લાલ તિલક અને માથામાં વાળ જ્યાંથી બે ભાગ જુદા પડે તે ભાગને સેંથો કહી, તે સેંથાની શરૂઆતમાં સિંદૂર પૂરવાનું સૂચન કર્યું. આ બંને ચિહનો એ સૌભાગ્યવતી સ્ત્રીની ઓળખ બની ગયા. પૌરાણિક તથ્ય પ્રમાણે આ થઈ સેંથામાં સિંદૂર પૂરવાની મહત્વતા. ભારતમાં આ પરંપરા હજારો વર્ષો પછી આજે પણ ચાલુ રહી છે તે ફક્ત ગૌરવની વાત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં તે અદ્વિતીય પ્રથા પણ ગણાય છે.
પરદેશમાં પણ કપાળમાં તિલક અને સેંથામાં સિંદૂર લગાવેલ મહિલાને જોઈને સામેની વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય છે કે આ મહિલા પરણીત છે.
જે મહિલાનો પતિ મૃત્યુ પામ્યો છે તે મહિલા તે પછી બંને ચિહનનો ઉપયોગ બંધ કરે છે. સમાજ આવી મહિલા પ્રત્યે અનુકંપા રાખે છે અને તેને આદર અને લાગણી સાથે જુએ છે.
સિંદૂરને કુમકુમ પણ કહેવામાં આવે છે અને તેનો રંગ ઉત્સાહ અને શક્તિના ગુણો સૂચવે છે. આ જ કારણસર સિંદૂર એટલે કે કુમકુમને શુભ માનવામાં આવે છે.
આપણી પુરાણી પરંપરામાં પરિણીત સ્ત્રીને સૌભાગ્યવતી સ્ત્રી ગણવામાં આવે છે અને તેના કર્તવ્યમાં બે વાત આવે છે – તે પતિમનરંજની હોય છે અને પુત્રફળદાયિની હોય છે. કહે છે કે આ બંને વિશિષ્ટ લક્ષણોને બાહ્ય રીતે દર્શાવવા આવી સ્ત્રીના સેંથામાં સિંદૂર પૂરવામાં આવે છે. સેંથો એ પણ શણગાર છે અને તેમાં પૂરવામાં આવેલ સિંદૂર સોનામાં સુગંધ ઉમેરાયું હોય તેવું અનુપમ ર્દશ્ય ખડું કરે છે.
સૌજન્ય : રાજેશ બારોટ …
એક ચપટી સિંદૂરની કિંમત …
સ્ત્રીઓ માટે આ ચપટી સિંદૂરનું માત્ર ધાર્મિક કે વૈજ્ઞાનિક મહત્ત્વ જ ના રહેતાં તેના જીવનના એક મહત્ત્વના તબક્કાનું, એક નવા જ અધ્યાયની શરૂઆતનું સાક્ષી બની રહેતું હોય છે. લગ્ન એ પુરૂષ માટે નવલી જવાબદારીનું બંધન હોય છે તો સ્ત્રી માટે નવલા બંધનની જવાબદારી હોય છે…
આપણા દરેક સમાજમાં લગ્ન કરતી સ્ત્રીઓ માટે સૌભાગ્યના પ્રતીકરૂપે અમુક ચિહ્નો ધારણ કરવાં લગભગ ફરજિયાત છે. જેમ કે ચૂડી, ચાંદલો, મંગળસૂત્ર, સેંથીમાં સિંદૂર વગેરે વગેરે. આનાથી એવું મનાય છે કે, આવો શણગાર કરનાર સ્ત્રીને એક ચોક્કસ સામાજિક મહત્ત્વ, સ્થાન અને સલામતી મળે છે.
જો કે, આજે હવે દરેક જ્ઞાતિ-સમાજની આધુનિક વિચારસરણી વિકસાવી ચૂકેલી સ્ત્રીઓએ આ રિવાજને, ચલણને મરજિયાત બનાવી દીધો છે તે અલગ વાત છે.
સિંદૂરની વાત કરીએ તો લગ્ન સમયે હજુ પણ નવવધૂની સેંથીમાં વરરાજા સિંદૂર પૂરી તેનો સ્વીકાર કર્યાનું જાહેર કરે તેવો સરસ રિવાજ યથાવત્ છે અને રહેશે પણ કરો.
હા, એ ચપટી સિંદૂરની કિંમત તેને વેચનાર વેપારી માટે શૂન્ય બરાબર હશે. લગ્નમંડપમાં હાજર મહેમાનો માટે કન્યાની સેંથીમાં પૂરાતું એ સિંદૂર એક યાંત્રિક પ્રક્રિયા સમાન હશે, પણ જેની સેંથીમાં તે પૂરાઈ રહ્યું હોય છે તે સ્ત્રી માટે તે બહુમૂલ્ય હોય છે.ળસ્ત્રીઓ માટે આ ચપટી સિંદૂરનું માત્ર ર્ધાિમક કે વૈજ્ઞાનિક મહત્ત્વ જ ના રહેતાં તેના જીવનના એક મહત્ત્વના તબક્કાનું, એક નવા જ અધ્યાયની શરૂઆતનું સાક્ષી બની રહેતું હોય છે. લગ્ન એ પુરૂષ માટે નવલી જવાબદારીનું બંધન હોય છે તો સ્ત્રી માટે નવલા બંધનની જવાબદારી હોય છે.
લગ્ન કરતી યુવતીના ચહેરા પર ઝીણવટથી જોશો તો ખુશીઓની અનેક લકીરો વચ્ચે એક અજાણ્યા ડરની બારીક લકીર પણ જોવાશે.
બાળપણથી આજ સુધીની એની પોતીકી દુનિયા, તેમાં ઉછેરેલાં સપનાં અને મનપસંદ સ્વતંત્રતા એ બધું છોડી તે જે અજાણી દુનિયામાં, અજાણ્યા લોકો વચ્ચે વસવા જઈ રહી છે તે તેને ગમશે તો ખરીને ! પત્ની, પુત્રવધૂ અને પછી માતા તરીકેની અઢળક જવાબદારીઓ નિભાવવામાં તેને સૌનો સાથ અને પ્રેમ મળશે તો ખરો ને ? આવા અનેક ડર વચ્ચે તે પતિના ઘરે ડગલા માંડતી હોય છે.
તાજેતરમાં જ જેના લગ્ન થયાં છે તેવી એક યુવતી કહે છે, “મેં લગ્ન શું કર્યાં, મારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ. મને એમ વિચારીને રડવું આવતું કે મારૂ તો બધું જ ખોવાઈ ગયું ! લગ્ન તથા સહજીવન માટે મેં કરેલી કલ્પનાઓ, સપનાં એ બધું જ ધાર્યાં કરતાં તદ્દન અલગ. સાસરિયાં સમજદાર તો લાગે છે છતાં બધું સેટ થતાં મને સમય જરૂર લાગશે.”
જો કે દરેક પરિણીતા માટે આમ સમજુ સાસરિયાં મળવાનું નસીબ નથી પણ હોતું અને ત્યારે જ લગ્નજીવન તેના માટે ત્રાસદાયક કસોટી બની અનેક પ્રશ્નાર્થ ઊભાં કરી દેતું હોય છે.
એક પુરૂષ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેના ઘરમાં અને જીવનમાં નવા પાત્રના આગમન અને પત્નીલક્ષી જવાબદારીઓ ઉઠાવવા સિવાય ઝાઝો ફરક નથી પડતો. તેને તો ઘર, નોકરી-વ્યવસાય, સ્વજનો, મિત્રવર્તુળ એમ બધું તે જ રહે છે જેવું લગ્ન અગાઉ હતું. ફરક પડે છે સ્ત્રીને. તેની પાસે તો આમાંનું કંઈ બચતું નથી. નવેસરથી જિંદગીનો એકડો ઘૂંટવાનું તેના ભાગે આવે છે.
કેમ કે પુરૂષ માટે તો તેના નાના-મોટા પ્રશ્નો, જરૂરતો અને અનેકવિધ સમસ્યાઓનો લગ્ન પછી અંત આવી જતો હોય છે. પણ સ્ત્રીની તો ખરી સમસ્યાઓ અને થકવી દેતાં પ્રશ્નો લગ્ન બાદ જ શરૂ થતાં હોય છે અને મોટાભાગે તો લગ્નના અમુક વર્ષો પછી પતિ નામનો એ પુરૂષ તેની જવાબદારીઓ નિભાવવામાં ઠાગાઠૈયા જ કરતો જોવાય છે. પત્ની મૂંઝાય, અકળાય કે ફરિયાદ કરે તો પણ તેને સમજવા અને સાંભળવાની કોઈને પડી નથી હોતી.
તેથી જ લગ્ન એ મોટાભાગની સ્ત્રીઓ માટે જિંદગીનો મોટો જુગાર હોય છે, કેમ કે અહીં તેણે તેનું સઘળું દાવ પર મૂકવાનું આવે છે. તેનું સ્વમાન, તેના અંગત ગમા-અણગમા, નારી સહજ ગૌરવ અને સ્વતંત્ર અસ્તિત્વ પણ. તેનો અભિપ્રાય પૂછાતો નથી તો તેના નિર્ણયો પણ ભાગ્યે જ સ્વીકારાય છે. ચૂટકી સિંદૂરના ભાર નીચે તેનો અવાજ પણ દબાઈ જાય તેવી ગૂંગળામણ તેને મળે છે.
આ જુગારમાં જો રમવામાં થોડી કચાશ રહી જાય કે પત્તાં અનાડી નીકળે તો તેને આકરી હાર મળી શકે છે. બહુ ઓછી સ્ત્રીઓ માટે લગ્ન એ ફૂલોની પથારી જેવું સાબિત થતું હોય છે. બાકી તો પતિ અને પત્નીના મનનો મેળાપ થતાં નાકે દમ આવી જાય છે. ઘણીવાર તો અડધું આયખું એક છત નીચે સાથે વિતાવ્યા પછી પણ પેલા રેલવેના પાટાની જેમ રહેતાં હોય છે. થોડાં મહિના અગાઉ મુંબઈમાં એક સ્ત્રીએ છૂટાછેડાની અરજી દાખલ કરી છે. તેનું કહેવું છે કે, તેનો પતિ કે જે તેને લગ્ન પહેલાં ચાંદ પર લઈ જવા થનગનતો હતો તે હવે તેને ‘ધોળા દિવસે ચાંદ-તારા’ દેખાડી દેતાં અચકાતો નથી. તેનાં સાસરિયાં પણ એવાં સ્વાર્થી અને કપટી નીકળ્યાં જેની તેને કલ્પના પણ નહોતી.
તે કહે છે આ બધાથી મારા મનમાં ડરની તલવાર સતત લટકતી રહેતી. જો પતિ છોડી દેશે તો ? સાસરિયાં જાકારો આપી દેશે તો ? તે ક્યાં જશે અને શું કરશે ? તેના પિયરિયાં અપનાવશે નહીં તો તેના ભાવિનું શું ? વગેરે પ્રશ્નોથી કોઈ નિર્ણય લેતાં અચકાતી હતી, પણ એક દિવસ હદ થઈ ગઈ અને મેં એ ચપટી સિંદૂર મારી માંગને વધુ દઝાડે તે પહેલાં અલગ થવાનો નિર્ણય લઈ લીધો.
આવી દરેક પ્રક્રિયામાં મહદ્અંશે જોવાય છે કે, તે પુરૂષ માટે જેટલી પીડાદાયક બને છે તેનાથી અનેકગણી ત્રાસદાયક સ્ત્રી માટે સાબિત થતી હોય છે.
કેમ કે લગ્ન થયાના દિવસથી જ તે એ નવી ધરતી સાથે તેના સમગ્ર અસ્તિત્વથી, તેના તન-મન અને આત્માથી જોડાઈ ચૂકી હોય છે. એ દુનિયા હવે તેના જીવન સાથે એટલી હદે જોડાઈ ચૂકી હોય છે કે જેનાથી છૂટવું કે તૂટવું તેના માટે સજા બની રહે છે. પુરૂષો ક્યારેય આ મનોભાવને સમજી નહીં શકે તે પણ હકીકત છે.
કોઈપણ કારણોસર છૂટી પડતી સ્ત્રી પછી ત્યક્તા અને ડિવોર્સી તરીકે જ ઓળખાય છે. તેને ફરીથી ‘કુંવારી’નું લેબલ ક્યારેય નથી મળતું. તે પછી નથી તો તેની પેલી ખોવાયેલી દુનિયા તેને યથાવત્ પાછી મળતી કે ના તો તે મથવા છતાં પણ પરિણીત જિંદગીની સારી-માઠી યાદોથી પીછો છોડાવી શકતી.
આમ ચપટીભર સિંદૂરની ઘણી મોટી કિંમત તે જીવનભર ચૂકવતી રહે છે.
આની સામે આજે દરેક જ્ઞાતિ-સમાજમાં આધુનિક વિચારસરણી ધરાવતી એવી અસંખ્ય સ્ત્રીઓ મળી આવશે જેમના માટે મંગળસૂત્ર અને સિંદૂર માત્ર લગ્નના લાઈસન્સ જેટલું જ મહત્ત્વ ધરાવતાં હોય. તેઓ પોતાના અધિકારો અને ખુશીઓ માટે પતિ કે સાસરિયાં પર નિર્ભર ના રહેતાં સ્વબળે પોતાના ભાગનું આકાશ મેળવી લઈ તેમાં હિંમતથી પાંખો ફેલાવીને ઊડી રહી હોય.
પતિ અને પરિવારની તથા સામાજિક જવાબદારીઓ પોતાની શરતો પર નિભાવતી રહીને પણ પોતાની મરજીનું બંધનમુક્ત જીવન આદર્શ ગણાય તેવી રીતે જીવી રહેલી આવી સ્ત્રીઓ માટે લગ્નનું મહત્ત્વ પણ જરાય ઓછું નથી હોતું. સલામ છે આવી સ્ત્રીઓને.
આની સામે બીજી પણ હકીકત દર્પણ સમાન છે કે, ઘણી સ્ત્રીઓ પોતાની મનમાનીથી જીવવા માટે લગ્નની પવિત્રતા, ગંભીરતા અને ફરજોને અવગણતી હોય છે. તેમની બેદરકારી કહો કે નાદાનિયત ગણાવો, પણ નથી તે મંગળસૂત્રનો મહિમા સમજતી કે ના તો સિંદૂરની લાજ રાખતી. તેઓ લગ્નને એક મજાક બનાવીને મૂકી દે છે.
આ સામાજિક કે પારિવારિક દૃષ્ટિને સહેજ બાજુ પર મૂકી સિંદૂરનું વૈજ્ઞાનિક મહત્ત્વ જોઈએ તો બહુ ઓછા લોકોને ખબર હશે કે, સિંદૂરમાં પારાનું અમુક પ્રમાણ પણ સામેલ હોય છે અને સેંથીના જે ભાગમાં સિંદૂર ભરાય છે ત્યાં બ્રહ્મરંધ્ર નામની એક સંવેદનશીલ ગ્રંથિ આવેલી હોય છે. એક માન્યતા અનુસાર સ્ત્રીઓમાં લગ્ન પછી આવતાં મનોશારીરિક ફેરફારો, વધતી જવાબદારીઓ અને તેના પગલે ઉદ્ભવતા થાક, ચિંતા અને તણાવ વગેરેને દૂર કરવામાં આ પારો ઔષધિનું કામ આપે છે.
ટૂંકમાં, લગ્ન એ સુવ્યવસ્થિત સામાજિક માળખા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે. સ્ત્રી અને પુરૂષ બેઉ માટે તે ગમતું બંધન પણ છે.
લગ્નના આ અર્થને મજબૂત બનાવતા અન્ય પ્રતીકોની જેમ સિંદૂર પણ પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક માત્ર છે.
જરૂર છે તો બેઉ પાત્રો તેના મહત્ત્વને અને તેની પાછળ જ જન્મ લેતી, આકાર પામતી પ્રત્યેક જવાબદારીઓને સમજે અને ખુશી ખુશી નિભાવે અને તો જ તેનો રંગ ખીલી ઊઠે.
સૌજન્ય : સંદેશ દૈનિક
સ્ત્રીના સૌભાગ્યના સંકેતરૃપ સિંદૂરની શાનદાર સફર …
કૃષ્ણપ્રિયા રાધાના ભાલથી લઈને દેવ-દેવીઓની મૂર્તિઓ પર અને ફિલ્મ-ટીવી સિરિયલોની અભિનેત્રીઓ સુધી ‘સિંદૂર’ વિવિધ સ્વરૃપે સદા શૃંગારમાં શિરમોર રહ્યું છે ‘સિંદુર’ ત્રણ અક્ષરનો આ લાલ રંગનો પાવડર વિવાહિત નારીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે.સેથીમાં સિંદૂર પૂરેલી સ્ત્રી સૌભાગ્યવતીનું સૂચક છે.
ભારતની ઘણી જ્ઞાતિઓમાં તો નારીનો સેંથો સિંદૂર વગરનો નથી હોતો. ઘણા ગામડાઓની સ્ત્રીઓ પીળા રંગના સિંદૂરને અસલી માને છે. જ્યારે શહેરની આધુનિક નારી સિંદૂર તરીકે લિપસ્ટીકનો ઉપયોગ કરે છે. જે લગાડવું સરળ પડે છે અને જલદી ફેલાઇ નથી જતું. બોલીવૂડમાં ‘સિંદૂર’ નું મહત્વ દર્શાવતી ઘણી ફિલ્મો બની છે જેવી કે, ‘માંગ ભરો સજના’, ‘સુહાગ’, ‘સદા સુહાગન’, ‘સિંદુર’,’ ઉધાર કા સિંદુર’ વગેરે. આ ફિલ્મની વાર્તા સ્ત્રીના સૌભાગ્યની આસપાસ જ રહેતી. તેમજ ‘ઓમ શાંતિ ઓમ’નો ‘એક ચૂટકી સિંદર…’ ડાયલોગ પણ ઘણો લોકપ્રિય છે. સિંદૂર અને કુમકુમ લગાડવાનો ઇતિહાસ સદીઓથી ચાલ્યો આવે છે.
કહેવાય છે કે હિંદુ સંસ્કૃતિમાં ૫૦૦૦ વર્ષોથી આ રિવાજ હજી સુધી યથાવત છે. ઇતિહાસ સાક્ષી છે કે, હડપ્પા કાળમાં પણ સેંથામાં સિંદૂર પૂરવાનો રિવાજ હતો. આપણા પુરાણોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે, શ્રીકૃષ્ણની પ્રેમિકા રાધા પોતાના કપાળ પર જ્વાળાના આકારનો સિંદૂર લગાડતી હતી. તો પાંડવોની પત્ની દ્રોપદીના ચીરહરણ વખતે પોતાના પતિઓની નિસહાય સ્થિતિ અને પૌરુષહીનતાથી નિરાશ થઇ દ્રૌપદીએ ક્રોધે ભરાઇને લલાટ પરનું સિંદૂર ભૂંસી નાખ્યું હતું.
પંડિતોનું માનવું છે કે, સેથો પૂરવાનો મતલબ સૌભાગ્યસૂચક છે. આ ઉપરાંત સિંદૂર શક્તિની દેવી પાર્વતીનું પ્રતીક છે. પરંતુ આજે સિંદૂર અને ચાંદલા માટે લોકો કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આજે સિંદૂર અને ચાંદલો ફક્ત ફેશનમાં જ ગણાય છે. રંગબેરંગી વેલ્વેટમાંથી બનાવવામાં આવતા ચાંદલા એ પોતાનું અસલી મહત્વ ગુમાવી દીધું છે. પ્રાચીન કાળમાં ફક્ત ફૂલોની માળાઓનો જ સાજ-શણગારમાં ઉપયોગ થતો હતો.
સિંદૂર અને ચાંદલા કરવાનું એક સામાજિક અને ધાર્મિક મહત્વ છે. મંદિરોમાં લક્ષ્મી,પાર્વતી, વિષ્ણુ અને હનુમાનજી પર સિંદૂર ચડાવવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે ખરાબ ગ્રહોની અસરને નાથવા માટે મંદિરોમાં સિંદૂર ચઢાવવું. સિંદૂર બનાવવામાં હળદર અને ફટકડીનો ઉપયોગ થાય છે. જ્યારે હળદરને લીંબુના રસ સાથે અથવા તો લીંબુના પાવડરમાં ભેળવવામાં આવે છે ત્યારે તેનો રંગ લાલ થઇ જાય છે. પછી તેમાં પાણી અથવા તેલ ભેળવવામાં આવે છે. પહેલાં સમુદ્રી મીઠું,અગરુ, ચંદન, કસ્તૂરી ભેળવી સિંદૂર તૈયાર કરવામાં આવતુ હતું. સિંદૂરને ચંદનની લાકડી અથવા પાવડરમાં કસ્તૂરી કે કુસુમના ફૂલ ભેળવીને પણ બનાવવામાં આવતું હતું.
પ્રાચીન કાળમાં સિંદૂર એક ખાસ પ્રકારનના લાલ માર્બલના પથ્થરમાંથી પણ બનાવવામાં આવતુ હતું. આ લાલ માર્બલને હળદર અથવા તેલમાં લપેટી થોડા દિવસો સુધી રાખવામાં આવતું અને પછી સિંદૂર બનાવવામાં આવતું. આજે જે સિંદૂર બજારમાં વેંચાય છે, તે સિંથેટિક મટિરિયલમાંથી બનાવવામાં આવે છે, જેમાં સીસા, જિંક અને ડાઇ ભેળવવામાં આવે છે. હવે તો સિંદૂર પ્રવાહી રૃપે પણ મળે છે.
વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આજકાલના સિંદૂરનો લાલ રંગ રોહોડમાઇન બી ડાઇ ભેળવવાથી થાય છે જે ત્વચાને નુકસાનદાયક છે. લાંલ રંગ માટે તેમાં પારો તેમજ અન્ય રસાયણ ભેળવવામાં આવે છે જેનાથી ત્વચાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. તેમજ માથાના વાળ પણ ખરવા લાગે છે. તેમજ ત્વચા રોગ થવાન ીસંભાવના રહે છે. હવે તો બજારમા ંબ્રાન્ડેડ સિંદૂર પણ મળવા લાગ્યા છે. પરંતુ તેની બનાવટમાં ક્યા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની કોઇ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી.
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, બજારમાં મળતા સિંદૂરથી બળતરા, ખંજવાળ,રેસિસ, તેમજ પિગમેન્ટેશનની તકલીફ થવાની શક્યતા રહે છે.તેમજ સ્ટિકર ચાંદલા કરવાથી એગ્જીમા અને લ્યૂકોડર્મા થઇ શકે છે. હવે તો બજારમાં મળતા અનેક સિંદૂર હર્બલ હોવાનો દાવો કરવામાં આવે છે. જે દુર્લભ જડીબુટ્ટીઓ અને ફૂલોથી તૈયાર કરવામાં આવે છે. હર્બલ સિંદૂર તૈયાર કરતી વખતે તેમાં ગલગોટા, સૂરજમુખી તેમજ ચંદન તથા અન્ય સામગ્રીઓ મેળવવામાં આવે છે. નારીના સૌભાગ્યના પ્રતીક સમું સિંદૂરનું મહત્વ આધુનિક યુગમાં વધી રહેવામાં ટેલિવૂડ-બોલીવૂડનો મહત્વનો ફાળો રહ્યો છે. ઘણી સિરીયલોની મુખ્ય અભિનેત્રી સેંથીમાં સિંથૂર પૂરતી હોવાથી યુવતીઓ પણ સિંદૂરના મહત્વને જાણવાની પરવા કર્યા વિના સિંદૂર પૂરવાની આંધળી ફેશનને અનુસરે છે.
સૌજન્ય “ દિવ્યભાસ્કર દૈનિક …
સંકલિત : પૂર્વીબેન મોદી મલકાણ – ‘દાદીમા ની પોટલી’
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT