જાતીય શિક્ષણ આજના સમયની માગ છે... - મલ્લિકા સારાભાઈ વેબ સરિતા વેબ સરિતા: જાતીય શિક્ષણ આજના સમયની માગ છે... - મલ્લિકા સારાભાઈ
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday 24 July 2014

જાતીય શિક્ષણ આજના સમયની માગ છે... - મલ્લિકા સારાભાઈ

જિજ્ઞાસા: આજનાં બાળકો સમય કરતાં વહેલાં                                         રિપક્વ થાય છે. તેમના પ્રશ્નોનો સામનો કરવો મહત્વનું બની ગયું છે.

બાળઉછેર વિશે હું છેલ્લા ઘણા સમયથી વિચારી રહી હતી. મહિ‌લાઓ અને બાળકીઓ પરના અત્યાચારને અટકાવવાના ભાગરૂપે ૧૪મી ફેબ્રુઆરીના અમદાવાદ રાઈઝિંગ અભિયાનના પ્રચાર દરમિયાન મેં ૨૨ 
શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી, જેમાંથી મોટાભાગની સ્કૂલો હતી. બાળકો અને શિક્ષકો સાથે વાતચીત કરતાં મારા ધ્યાનમાં આવ્યું કે જીવનના પહેલા અથવા બીજા વર્ષના સમયમાં જ વ્યક્તિમાં હિંસાનાં બીજ રોપાઈ જાય છે.


કોઈ બાળક તેના શરીર અંગે સમજવાનું શરૂ કરે ત્યારે માતા ખૂબ જ ખુશ થઈ જાય છે, પરંતુ તે તેનાં ગુપ્તાંગોને સ્પર્શ કરે તે સાથે જ તેનો તાત્કાલિક પ્રતિભાવ હોય છે, 'છી... છી... ગંદુ, શેમ શેમ.’ બાળક 
હેબતાઈ જાય છે અને અટકી જાય છે, પરંતુ તેના મગજમાં એ બાબત નોંધાઈ જાય છે કે શરીરના કેટલાક ભાગ સ્વીકૃત નથી. આમ, ગુપ્તાંગો અંગે જાણવાની તેનામાં જિજ્ઞાસા પેદા થાય છે. આગળ જતાં આ જિજ્ઞાસા સંતોષવા બાળકો ઈન્ટરનેટ, પોર્નોગ્રાફી સાઈટ્સ, ગોસીપ અને ગર્ભિ‌ત સંશાધનોના માર્ગે વળે છે. આપણી ફિલ્મો, ખાસ કરીને આઈટમ ગીતો તેમને બતાવે છે કે પુરુષ અને મહિ‌લા કેવી રીતે વર્તે છે. ગુપ્તાંગો અંગે માહિ‌તીના આ સ્રોત તેમની જિજ્ઞાસામાં વધારો કરે છે.



આજનાં બાળકો ખાસ કરીને ટેક્નોલોજીલક્ષી બાળકો અનેક સ્ર્ાોતમાંથી માહિ‌તી મેળવી શકે છે. આપણાં સંતાનો શું જુએ અથવા શું વાંચે અથવા શું સાંભળે તેના પર આપણું કોઈ નિયંત્રણ રહ્યું નથી. આથી, બાળકોના પ્રશ્નો અને જિજ્ઞાસાઓનો સામનો કરવો ઘણું જ મહત્ત્વનું બની ગયું છે.


નૈતિક્તાના ઓઠા હેઠળ બાળકોના આ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળવું જોઈએ નહીં. ઉપરાંત બાળકને તેના શરીર અને જાતીયતા અંગે શિક્ષિત કરવાથી તે સેક્સ માટે પ્રોત્સાહિ‌ત થશે તેવી માન્યતા પણ ત્યજી દેવી જોઈએ. આજે અનેક બાળકો માત્ર પાંચ કે છ વર્ષની વયે જ કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા અને કી વર્ડ્સ દ્વારા શોધવાનું શીખવા લાગ્યા છે. કેટલીક વીડિયોગેમ્સ પણ જાતીયતાના ગર્ભિ‌તાર્થો દર્શાવે છે. આ પરિસ્થિતિમાં માતા-પિતા જાતીયતા સંબંધિત માહિ‌તી બાબતે કેવી રીતે ચુપકીદી જાળવવાનું ચાલુ રાખશે અને આશા રાખે કે સમય જતાં આ સમસ્યાનો ઉકેલ જાતે જ આવી જશે?

આજનાં બાળકો સમય કરતાં વહેલાં પરિપક્વ થઈ ગયાં છે. આજે છોકરીઓ વહેલા માસિકમાં આવી જાય છે, છોકરાઓ વહેલા ડેટ પર જવા લાગ્યા છે અને વહેલા જ જાતીય રીતે સક્રિય થઈ ગયા છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ શાહમૃગવૃત્તિ દર્શાવવાના બદલે સમસ્યાનો સામનો કરવો જોઈએ. શરીરની સમજ અને પૂર્ણતાની જરૂરિયાત શહેરની છોકરીઓને ખાઉધરાપણા અને મંદાગ્નિ‌ જેવી બીમારીઓ તરફ દોરી જાય છે. છોકરાઓ ગેંગ બનાવે છે, ધૂમ્રપાન અને ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે, હિંસા અથવા પોર્નોગ્રાફીમાં પણ સંડોવાય છે. હજી કેટલાક મહિ‌ના પહેલાં જ કેરળમાં એક કિશોર વધારાની આવક મેળવવા તેની માતાનો સ્નાન કરતો વીડિયો શૂટ કરતાં પકડાયો હતો.

આપણે શિસ્તનો ખૂબ જ આગ્રહ રાખીએ છીએ. બાળકોને બોલવાની મુક્તિ અને તેમને સાંભળવા જરૂરી છે, તેના વિના તમે તેને યોગ્ય પ્રતિભાવ આપી શકશો નહીં. તેમને એવી અનુભૂતિ કરાવો કે તમે તેમને સમજવા માગો છો, તેમનો દૃષ્ટિકોણ પણ મહત્ત્વનો છે, તમે પણ તમારો દૃષ્ટિકોણ બદલી શકો છો. શિસ્ત સંબંધિત કોઈ બાબત હોય અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાં હોય તો તેમણે જે કર્યું છે તે શા માટે ખોટું છે તેની તેમની સાથે ચર્ચા કરો. એક વખત તેમને તે બાબત સમજાય એટલે તેમને જ પૂછો કે તેની સજા શું હોઈ શકે? તે સજા બાબતે અસંમત થાય તો તે અંગે વાટાઘાટો કરો. તેને થઈ રહેલી સજા યોગ્ય છે તેમ તેને સમજાવો. તમે ખોટા હોવ, તમારી ગેરસમજ થઈ હોય અથવા તમે કોઈ બાબતનું ખોટું મૂલ્યાંકન કર્યું હોય ત્યારે તમારી ભૂલ સુધારવા તૈયાર રહો.

અહીં અમેરિકન લેખક જોયસે મેનાર્ડની વાત યાદ રાખવા જેવી છે. તેમનું કહેવું છે 'માત્ર બાળક જ નહીં, માતા-પિતાનો પણ વિકાસ થાય છે. આપણાં બાળકો તેમના જીવનમાં શું કરે છે તેના ઉપર આપણે જેટલી નજર રાખીએ છીએ, બાળકો પણ આપણે શું કરતાં હોઈએ છીએ એ જોતાં હોય છે. હું મારા બાળકોને સૂર્યની ઊંચાઈએ પહોંચવા નહીં જણાવું, પરંતુ તેમને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ જણાવીશ.’ ચાઈલ્ડિશ ક્વેશ્ચનના લેખક ઓ. એ. બટિસ્ટા પણ કહે છે 'માતા-પિતા તેમના બાળક સાથે દિવસમાં થોડીક મિનિટ ગાળી શકે તો તેનાથી શ્રેષ્ઠ બીજો કોઈ વારસો નથી.’


મલ્લિકા સારાભાઈ



લેખકા પ્રતિષ્ઠિ‌ત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.
[http://www.divyabhaskar.co.in/article/ABH-it-is-time-to-demand-sex-education-4262251-NOR.htmlમાંથી સાભાર]
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.