વેબ સરિતા: 06/24/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday, 24 June 2014

સ્ટ્રેસ મેનેજમેન્ટ – હરેશ ધોળકિયા

વૈદકીય જગતમાં જેનું મહત્વ વધી રહ્યું છે, મેનેજમેન્ટના ક્ષેત્રમાં જેના વિશે ગંભીરતાથી વિચારવાની ફરજ પડે છે – તે આ બે શબ્દો છે. દરેક નવો દિવસ જીવનમાં-સમાજમાં તાણ વધારવાનું નિમિત બને છે. મોંઘવારી, પ્રદૂષણ, ત્રાસવાદ, કુદરતની અનિયમિતતા, રાજકીય અસ્થિરતા, શસ્ત્રીકરણ…. જેવા મુદ્દાઓ વિશ્વના બધા સમાજોને ઊંચા જીવે રાખે છે. તો લોભ, અપેક્ષાઓ, અતિ કામ (બંને અર્થમાં !), પૈસા પાછળ ગાંડપણ, ભૌતિક વસ્તુઓનું વળગણ… વગેરેને કારણે વ્યક્તિગત અને કૌટુંબિક જીવન ભંગાણના આરે આવી ગયું છે. બંને ક્ષેત્રે દિન-પ્રતિદિન તાણનો પારો ઊંચો જ ચડતો જાય છે. જીવનમાં સ્થૂળ અને સૂક્ષ્મ-બંને અશાંતિ વધતી જાય છે અને આ કંઈ મોટાં શહેરોમાં જ થાય છે એવું નથી, નાનાં ગામડાઓમાં પણ તેનો પગપેસારો થઈ ચૂક્યો છે. ટી.વી., છાપાં વગેરેએ માનવ મનને વિકૃત અને પ્રદુષિત કરવામાં અગત્યનો ફાળો આપવાનો શરૂ કર્યો છે. ફૂટપાથ પર સૂતેલ નિર્ધન ભિખારી પણ અગણિત અપેક્ષાઓથી પીડાય છે – ‘યે દિલ માંગે મોર..’ દ્વારા ! તે અભાવથી તાણ અનુભવે છે. તો ધનવાનો અતિરેકથી તાણ અનુભવે છે.

આ તાણની વ્યક્તિ-સમાજ-રાષ્ટ્ર-વિશ્વ…. બધા પર વિઘાતક અસરો પડી છે. બધા અસ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા છે. ચારે બાજુ સૂક્ષ્મ અસલામતીનો ભાવ અનુભવાય છે. ચારે તરફ વિશ્વાસની કટોકટી ઊભી થવા લાગી છે. આ અકથ્ય ભયોને ટાળવા લોકો વધુ ને વધુ ભૌતિકવાદને શરણે જઈ રહ્યા છે. ભૌતિક વસ્તુઓથી પોતાને લાદી પોતે સલામત છે તેવો વહેમ જાળવવા મથામણ કરે છે. તો ઈન્દ્રિયોના અતિ ભોગો ભોગવી (?) અંતે એઈડ્ઝ, મેદ, કેન્સર વગેરેનો શિકાર બને છે. તાણ-અતિ ભૌતિકતા-ભોગવાદ….. પરિણામ છે… છિન્નભિન્ન જીવન ! કારણ ? ખોટી વિચારસરણી. ખોટા ખ્યાલો. ઉપાય ? વિચારસરણી અને જીવનશૈલીમાં પરિવર્તન.
તાણનું એક બીજું વિચિત્ર કારણ પણ છે. તે છે – ‘સતત ભીડમાં રહેવું. સતત લોકો વચ્ચે રહેવું.’ વિચિત્ર લાગે તેવું વિધાન છે આ. વ્યક્તિ તો સામાજિક પ્રાણી છે. સમાજનો જ એક હિસ્સો છે. તો પછી લોકો સાથે, લોકો વચ્ચે રહેવું એ કંઈ અસામાન્ય ઘટના ન ગણાય. માની લ્યો કે બીજા સમૂહો વચ્ચે રહેવાનું ટાળી શકાય, પણ કુટુંબના સભ્યો વચ્ચે તો ટાળી ન શકાય ! અને બીજી વાત, કુટુંબ તો સલામતી આપે છે, પ્રેમ આપે છે અને બંને અનિવાર્ય છે. – આ દલીલો સાચી છે, પણ પૂર્ણ સત્ય નથી. કુટુંબમાં પ્રેમ મળે છે તે વાત સાચી, પણ સતત તેમની સાથે રહેવું એ, લાંબે ગાળે, ‘આસક્તિ’ જન્માવે છે. આસક્તિમાંથી ‘પ્રેમાળ દાદાગીરી’, ‘હું કહું તે જ થાય’, ‘મારું કહેવું માનવું જ પડશે.’ – જન્મે છે અને તે તાણ જન્માવે છે. અને સમાજના લોકો વચ્ચે રહેવું તો – મોટા ભાગે તાણ જ જન્માવે છે. અર્થ વિનાની, ખટપટ પ્રેરતી, નકારાત્મક, નિંદા પ્રેરતી વાતો વ્યક્તિને આંતરિક રીતે ઉદાસ અને હતાશ કરે છે. લાંબા ગાળે તેની નકારાત્મક અસરો જન્મે છે. સતત બીજાની વાતો સાંભળ્યા કરવાથી પણ મગજ ઉત્તેજિત રહે છે અને અશાંત થઈ જાય છે.
સતત લોકો વચ્ચે રહેવું (પોતાના કે પારકા) મનને અસ્વસ્થ કરે છે. આવું અશાંત અને અસ્વસ્થ મન શાંતિથી વિચારી શકતું નથી. આવું મન બીજાના અભિપ્રાયોના આધારે વિચાર્યા કરે છે. તુલનાત્મક વિચારે છે. બીજા સામે સતત પોતાની છબી ઉજળી રાખવાના પ્રયત્નમાં સમય વેડફી નાખે છે. આ બધાં દબાણોને કારણે મન સ્વસ્થ, ઊંડાણભર્યું, તટસ્થ વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે. પરિણામે તેની સર્જકતા ઘટતી જાય છે અને, અંતે, વ્યક્તિ ચીલાચાલુ બની જાય છે. તેનું મગજ જડ બનતું જાય છે. તે વિચારવાના બદલે ‘માની લેવામાં’ સલામતી અનુભવે છે અને માન્યતાઓમાં જીવતું મગજ એ મૃત-મરી ગયેલું મગજ છે. આવું મૃત મગજ પણ પોતાની શક્તિઓ પ્રગટ ન થઈ શકવાને પરિણામે તાણ અનુભવે છે. કદાચ તાણનું મૂળ શોધી શકાતું નથી, પણ તાણનો ભોગ તો બને જ છે. અજ્ઞાની તાણ વધારે જોખમી છે. સતત ભીડનો સહવાસ વ્યક્તિને અસ્વસ્થ કરે છે. એવું ન માનવું કે ઘરમાં એકલા બેસવાથી વ્યક્તિ ભીડ વચ્ચે નથી હોતી. છાપાં-ટી.વી.-રેડિયો વગેરેનો સહવાસ પણ ભીડ જ છે ! આ ‘ટેલી-ભીડ’ છે !! જાહેરખબરો, અભિપ્રાયો…. પણ ‘બીજા’ લોકોના જ છે ને ! દૂરથી આ ભીડ સાથ આપે છે. તે પણ મનને ઉત્તેજે છે. પરિણામે આ માધ્યમો વચ્ચે રહેનારી વ્યક્તિ પણ, હકીકતે, ભીડ વચ્ચે જ છે. ટૂંકમાં, ભીડ વ્યક્તિમાં તાણ જન્માવે છે. અને તાણ બુદ્ધિની ગુણવત્તા તોડી નાખે છે. વ્યક્તિને થર્ડ કલાસ બુદ્ધિવાળી બનાવી નાખે છે.
આ સ્ટ્રેસ (તાણ) ને મેનેજ કેમ કરવી ?
આધુનિક વિજ્ઞાન વિવિધ ઉપાયો બતાવે છે, ટેકનિકો શીખવે છે, ધ્યાન કરાવે છે. આ ઉપાયો સરસ છે, ઉપયોગી પણ છે, થોડા દિવસ માટે અસરકારક છે…. પણ થોડા દિવસ કે મહિના પછી વ્યક્તિ પાછી તાણગ્રસ્ત બની જાય છે.
તો ?
ઘણીવાર પ્રાચીન-પુરાણાં લાગતાં શાસ્ત્રો સચોટ ઉપાય બતાવે છે. આવા એક પ્રાચીન ગ્રંથ ‘ભગવદગીતા’માં આનો સરળ, સચોટ ઉપાય બતાવ્યો છે. તાણનું કારણ છે-ભીડ ! સતત બીજાનો સહવાસ !! માટે ગીતા કહે છે, ઉપાય છે ‘એકાંત સેવન અને સમૂહ સાથે રહેવાની અરૂચિ કેળવવી.’ (10:40) આનાથી ‘સર્જનાત્મકતા’ પુન: પ્રગટ થશે. સમાજમાં રહેવું, અલબત્ત, જરૂરી અને અનિવાર્ય છે. પણ સમાંતરે, માનસિક સ્વાસ્થ્ય, શાંતિ કે સર્જનાત્મકતા હોવાં પણ એટલાં જ જરૂરી છે. અને તે ‘એકાંત સેવન’થી જ આવે છે. સંભવ છે, અહીં કોઈ ફરિયાદી સૂરમાં કહે : ‘ગીતાને વ્યવહારુ જીવન વિશે શું ખબર પડે ? તે તો આધ્યાત્મિક ગ્રંથ છે. તે સાધુ-સંતો માટે છે. સંસારીને એકાંત સેવન ન પોષાય…..’ – કબૂલ ! તો પછી આધુનિક ગ્રંથનું અવતરણ લઈએ.
થોડા સમય પહેલાં અમેરિકામાં (ભારતમાં નહીં, હો !) એક જાડું થોથું બહાર પડ્યું છે. તેનું નામ છે ‘મનોચિકિત્સાની અમેરિકન માર્ગદર્શિકા’ (The American Handbook of Psychiatry). તે જણાવે છે કે-ઊંડાં સંશોધન પછી – ‘જો બાળકોમાં સર્જનાત્મકતા કેળવવી હોય, તો બાળકોને એકાંતમાં રહેવાની તક પૂરી પડવી જોઈએ. તેમને સતત ભીડમાં રાખવા જોઈએ નહીં.’ બીજા એક વિચારક-અને એ તો વળી નાસ્તિક છે-બર્ટ્રાન્ડ રસેલ પણ કહે છે : ‘બાળકને રોજ થોડો વખત એકલા બેસવાની, એકલા જીવવાની ટેવ પાડવી જોઈએ અને બાળક તેને માણે તેવી કેળવણી આપવી જોઈએ. તો જ તેનામાં સર્જનશીલતાનો વિકાસ થશે.’ અરે ! ઉત્તરપ્રદેશમાં પણ થોડા સમય પહેલાં એક પન્ત કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વિચારગોષ્ઠિ યોજાઈ હતી. તેનો વિષય હતો ‘સર્જનશીલતા અને શિક્ષણ’. તેમાં પણ સૌથી વધુ ભાર મૂકાયો હતો ‘એકાંત’ પર.
એકાંતમાં ક્યારે મજા આવે ? એકાંત ક્યારે માણી શકાય ? ગીતા કહે છે કે, ‘જો સમૂહ સાથે અરૂચિ કેળવાય તો.’ (અરૂચિજન સંસદિ.) વ્યક્તિ ભીડમાં સતત શા માટે રહે છે ? જવાબ છે – અસલામતીની ભાવના ટાળવા અને પોતાનાં અસ્તિત્વની ખાતરી મેળવવા ! સમૂહ સાથે ભળવું કંઈ ખોટી બાબત નથી. તેનો પણ ઉપયોગ છે, પણ ‘સતત’ તેમના સાથે રહેવું તે ‘રોગ’ છે. પોતાનાથી ભાગવાની એક પ્રયુક્તિ, બહાનું બની જાય છે. નશો બની જાય છે. પછી તેની ‘ટેવ’ પડી જાય છે અને વ્યક્તિ મૂર્ચ્છિત બની જાય છે. પરિણામે થોડીક ક્ષણો પણ વ્યક્તિને એકલા રહેવું પડે તો તે મૂંઝાઈ જાય છે. એટલે તે સતત ભીડ વચ્ચે દોડ્યા કરે છે અથવા જાહેર માધ્યમો દ્વારા ભીડને પોતાના મન પર છાઈ જવા દે છે. પણ શાંત મને બેસી શકતી નથી.
આ ભીડનો સતત સહવાસ – અમેરિકામાં તેને ‘ખભા ઘસ્યા કરવા’ ( to rub the shoulders) કહે છે-એ વ્યક્તિનાં મગજની નસોને પણ ઘસી ઘસીને ઉત્તેજિત રાખે છે અને નિષ્ક્રિય કરી નાખે છે. પણ, સર્જનાત્મકતા કેળવવા, સર્જનશીલ બનવા, સમૂહથી થોડા દૂર રહેવાની જરૂર છે અને તેનો એક જ ઉપાય છે – ગીતાનો શબ્દ વાપરીએ તો – ‘અરતિ… સમૂહ સાથે અરૂચિ.’ આનો અર્થ સમૂહને ધિક્કારવો એ નથી થતો. અહીં તો ‘પોતા સાથે રહી શકાય’ તેવો જ ભાવ છે. સમૂહ તેની જગ્યાએ બરાબર છે, પણ તેથી વધુ મહત્વનું છે સર્જનશીલતા પ્રત્યે પ્રેમ અને તે ‘માત્ર’ એકાંતમાં રહેવાથી જ આવશે, જે માત્ર ટોળાંને ટાળવાથી જ શક્ય બનશે.
એકાંતમાં રહેવાથી પોતાનો પરિચય વધે છે. કોઈ પણ બાહ્ય પરિબળો કે સાધનોથી અલગ રહેવાથી આપોઆપ પોતા તરફ નજર જશે. પોતામાં ઊંડા ઉતરાશે. પોતાની ચેતનાની નજીક અવાશે. તેનો પરિચય વધતો જશે. અને ચેતના તો વિરાટ, મૌન, વિરાટ શાંતિ અને વિરાટ પ્રસન્નતા છે. માટે વ્યક્તિત્વ પણ તેવું જ બનતું જશે અને આવાં વ્યક્તિત્વમાંથી સર્જનશીલતાનો ધોધ વહેવા લાગશે. તો શાસ્ત્રો કહે છે કે – ‘જેટલા ચેતનાની નજીક, તેટલી વધારે સર્જનશીલતા’. સ્ટ્રેસ મેનેજમેન્ટનો આ પાયાનો ઉપાય છે. દરરોજ થોડો સમય એકાંત સેવન અને તે માટે જનસંસદ પ્રત્યે અરૂચિ. વિનોબા પણ કહે છે કે, ‘રોજ એક કલાક, અઠવાડિયામાં એક દિવસ, મહિનામાં એક અઠવાડિયું અને વર્ષમાં એક મહિનો દરેક વ્યક્તિએ પોતા સાથે એકલા રહેવું જોઈએ.’

[રીડ ગુજરાતી માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday, 24 June 2014

ભ્રષ્ટાચાર અને આપણે — ઝૈનુલશફી

નાનપણમાં શાળામાં ભ્રષ્ટાચારની જોડણી શિખી હતી, ભ્રષ્ટ+આચાર, તેનો મતલબ પણ શિખ્યો, શાળાજીવન દરમિયાન ઘણીવાર સ્પર્ધાઓમાં ભ્રષ્ટાચાર વિષય પર ભાષણો આપ્યા, પરંતુ ત્યારે આ વાતનો જ્યારે અહેસાસ ન હતો કે ભારત દેશમાં તે ઘણો આટલો બધો પગપેસારો કરી ચૂકિયો છે, તે વખતે ખ્યાલ પણ ન હતો કે આ સમસ્યા તો આપણા દેશને ઊધઈની જેમ ખાય છે. સ્પર્ધાઓમાં પણ ભ્રષ્ટાચાર  વિષે બોલેલાં વાક્યો કોઈ ને કોઈ ચોપડીમાંથી ચોરેલા હતા, ક્યાંક ને ક્યાંક એ પણ એક ભ્રષ્ટાચાર જ હતો, મારા વિચારો ન હતા, બસ એટલુ જ ધ્યેય હોય કે સ્પર્ધામાં પોતે નંબર વન આવી જાય, ચાલો ખેર, મારા મત મુજબ ભ્રષ્ટાચાર એક એવો પાઠ છે કે વ્યક્તિ શાળાજીવન દરમિયાન ના શીખે તો પણ આપણી વ્યવસ્થા તે શીખવી દે છે.
 આજના ભારત દેશમાં ભ્રષ્ટાચાર તો જાણે સામાજીક વ્યવસ્થાનો એક અંગ થઈ ગયો છે. દરેક વ્યકિત તેનો ડગલે ડગલે અનુભવ કરે જ છે, આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે “સીધા રસ્તે તો કોઈ કામ થાય જ નહીં અને જો થઈ જાય તો જાણે કોઈ ચમત્કાર થઈ ગયો હોય” કેટલાક શબ્દો છે જે સામાન્ય છે આ ભ્રષ્ટાચારને સ્વીકારવા માટે, જેમ કે “ચાલે છે”, “આવું તો કરવું જ પડે”, જે દર્શાવે છે કે લોકો ભ્રષ્ટાચારને સ્વીકારે છે,
દેશના નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારો તો જગજાહેર થયા જ છે, જોવા જેવું છે કે આમ જનતા સાથે તેનું સીધી રીતે કોઈ લેવા દેવા નથી, આમ જનતા નેતાઓના ભ્રષ્ટાચારો પર માત્ર નિસાસા નાખી શકે, થોડા દિવસ પછી જેવું હતું તેવું.  નેતાઓના ભ્રષ્ટાચારો દેશને આર્થિક નુકશાન પહોચાડે છે તે ખરું, દેશના કરોડો રૂપિયાનો નુકશાન થાય છે, પરિણામે સરકાર તે જ નુકશાનને ભરવા જનતા પર કરવેરા નાખે, વસ્તુઓના ભાવ વધારે, સરકારી સેવાઓ મોંઘી કરે,  અને દુહાઈ આપે વૈશ્વિક મંદીની…..
ખામી માત્ર વ્યવસ્થામાં નથી, સામાન્ય નાગરિકની પણ છે, આપણે જ બે મુખી વાતો કરીએ છીએ, એક બાજુ તો ભ્રષ્ટાચારનો વિરોધ કરી તેના વિષે સારો એવો ગુસ્સો વ્યક્ત કરીએ છીએ, ટીવી પર કે છાપામાં સમાચારો જોઈ નિસાસો નાખતા હોઈએ છીએ કે શું થશે આ દેશનું? એક બાજુ અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલ જેવા ભ્રષ્ટાચારથી લડતાં લોકોની વાહ વાહ કરીએ છીએ, અને બીજી બાજુ આપણે જ પોતાના કામનો નિકાલ કરવા લાંચ આપીએ છીએ કે ભ્રષ્ટાચાર આચરીએ છીએ, પાછા ખુશ પણ થઈએ છીએ કે જોયું કેવી રીતે કામ કરાવી લીધું? જાણે કોઈ મોટું તીર માર્યું હોય, અને એમાં ઓછું હોય કોઈ વ્યક્તિ સીધી રીતે વગર ભ્રષ્ટાચારની મદદ લઈ પોતાનું કામ કરાવતો હોય કે કરાવવાના પ્રયત્નો કરતો હોય તો તેની ખીલ્લી ઉડાડીએ છીએ, પેલો સીધે રસ્તે ચાલનાર પણ એકવાર વિચારે છે કે ક્યાંક તે કોઈ ગુનોહ તો નથી કરી રહીયો? અને પાછી તેને ડાહપણવાળી સલાહ પણ આપીને જ છોડીએ છીએ કે ભાઈ આવી રીતે તમારું કામ નહીં થાય, “શોર્ટકટ” વાપરો, આ શોર્ટકટ એટલે એજ ભ્રષ્ટાચારનો માર્ગ.
મારા મત પ્રમાણે ભ્રષ્ટાચાર માટે જવાબદાર કારણોમાં એક કારણ આપણ છે કે આપને ત્યાં કાર્યાલય ની વ્યવસ્થા ઘણી જ ગુંચવણભરી  હોય છે, મારા આ અભિપ્રાય સાથે ઘણા લોકો સંમત નાં પણ હોય પણ આપને એક વાત નો ખ્યાલ રાખવો  જોઈએ કે આપની પ્રજા પ્રમાણમાં થોડી ઓછી ભણેલી અને ઓછી સમજદાર છે, સરકારી કાર્યાલયો માં કર્મચારી જાણે મશીન જેવા હોય છે-લાગણીહીન, અરજદારના કપડા, બોલી જોઈ તેની સાથે સારું-ખરાબ વર્તન કરવામાં આવે છે, પરિણામે લોકો સીધા કાર્યાલય થી સંપર્ક કરવાનું ટાણે છે અને એવો માર્ગ અથવા એવા લોકોનો સાથ અપનાવે છે જે ભ્રષ્ટાચાર કરે છે, માત્ર એવું નથી ભણેલ લોકો અને સમજદાર લોકો પોતાના સમયની કિંમત દુહાઈ આપી અવળા માર્ગ અપનાવે છે, એક વાતનો ખાસ ખ્યાલ રહે કે કાર્ય પાર પાડવા કોઈની સહાય લેવી એટલે ભ્રષ્ટાચાર નહિ, પરંતુ એ સહાય કઈ રીત અને પદ્ધતિથી આગળ વધે છે તે જોવું રહયું,
કાર્યાલયોમાં ભ્રષ્ટાચારની સાંકળ નીચેથી ઉપર સુધી હોય છે, પરિણામે કોઈ પકડાતું નથી, બધાજ એક બીજાનાં સાથીદાર, એમાં કોઈક વાર કોઈક છાપા કે સમાચાર ચેનલ માં કોઈ ભ્રષ્ટાચારના કૌભાંડની ખબર જોવા મળે તો મન જાણે  પ્રફુલ્લિત થઈ ઉઠે કે પોતાના પર વીતેલા અત્યાચારો નો બદલો લીધો હોય કોઈએ.
હવે હૂં ભ્રષ્ટાચારથી લડવાના ઉપાયો અને રસ્તાઓ વિષે નિબંધ તો નથી જ લખવાનો. ઘણા મોટા મોટા ગજાનાં મહાનુભાવોએ આ કામ કરી લીધું છે, ઘણા લોકોએ ગ્રંથો લખી નાય્ખા છે એના વિષે તો, જેમ જેમ સમય બદલાય છે ભ્રષ્ટાચાર આચરવાના તરીકાઓ કે રસ્તાઓમાં પણ પરિવર્તન આવે છે, આખિર ભ્રષ્ટાચારના માસ્ટર કઈ જેવા-તેવા તો નથી, તો પછી આ ભ્રષ્ટાચાર અટકે કઈ રીતે? લાખ રૂપિયાનો સવાલ તો આ જ, આપને એક હકિકત તો સ્વીકારવાની જ રહી અને આપના વર્તમાન વડાપ્રધાનનું આ મનપસંદ વાક્ય છે,  “કોઈ એવી જાદુની છડી નથી કે રાતો રાતો બધું બદલાઈ જાય”  વાત તો સાચી છે, પરંતુ, હાથ પર હાથ રાખી બેસી રહેવાય ? જાદુની છડી તો ભવિષ્યમાં પણ નહિ હોય, તો આપને પોતાને જ આત્મમંથન કરવું પડશે, આપણે જ શરૂઆત કરવી પડશે, જે લડે છે તેને સપોર્ટ પણ આપવાનો રહેશે, તે પછી કોઈપણ હોય, ગલીની બાહર ઉભેલો લારીવાળો કે પછી દિલ્લીમાં અનશન પર બેઠેલા કોઈ ભાઈ, સાચી સલાહ તો એ છે કે પોતે ભ્રષ્ટાચાર ને નાં કહો અને લડો ત્યાં સુધી જ્યાં સુધી અધિકારીઓ સીધા નથી થતા. એમને પણ આ અહેસાસ કરવો જ પડશે કે તેઓ જે પદ પર બેઠા છે તે જનતાની સેવા માટે છે.જ્યાં સુધી આપને પોતે આ દુષણ સામે નહિ લડીએ ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર દેશમાંથી જવાનો નથી, અને આ કઈ નાખી દેવાની વાત નથી. મહત્વનું એ છે કે આપને આપની ભાવી પેઢીને શું આપીશું? કોશિશ કરીને જુઓ ક્યારેક ભ્રષ્ટાચાર વગર પોતાનું કામ કરાવવાનું, મઝા તો આવશે જ સિસ્ટમથી લડવામા, હોઈ શકે કે તમને કોઈ તમારા જેવા જ લડનાર મળી જાય, “કરકે દેખો અચ્છા લગતા હૈ”
— ઝૈનુલશફી

Posted By: http://web-sarita.blogspot.com/

નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો...


Image result for indian terrorist pic in mumbai

નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો

જયારે માનવી થાય દુશ્મન માનવીનો …



ધર્મઝનૂન જયારે જયારે મૂકે છે માઝા
ઘવાય છે, હણાય છે નિર્દોષ ઝાઝા …



શું મુંબઈ કે શું દિલ્હી, કે હોય વારાણસી
આતંકના આંધળુકિયાથી પ્રજા છે ત્રાસી …



સમજાવે કોણ આ આતંકવાદીઓને
નથી શાંતિ આતંકથી અમને કે તમને …

કરીએ સૌ સાથે મળી પ્રભુને અભ્યર્થના
સંબંધો રહે શાંતિમય માનવ માનવના …

- નિરંજન મહેતા (મુંબઈ)

Posted By: http://web-sarita.blogspot.com/

આતંકવાદીનો નથી હોતો ધર્મ કે રંગ...


Image result for terrorist pic 

આતંકવાદીનો નથી હોતો ધર્મ કે રંગ
લડે છે પોતા માટે એક જૂઠો જંગ …


ધર્મની આડમાં છૂપાય છે આ કાયરો
અને કરે છે નિર્દોષોને હંમેશા તંગ

‘મઝહબ નહી શિખાતા આપસમેં બેર રખના’
કરે હંમેશા ‘ઈકબાલ’ના આ કોલનો ભંગ …



કોણ સારું, કોણ નઠારું, ન તેઓ સમજે
લાચાર માનવીઓને મારતા રહે સંગ

તોબા તોબા આ શયતાની સ્વભાવ
માનવ માનવ ન રહયો, ખુદા પણ છે દંગ …

- નિરંજન મહેતા (મુંબઈ)




Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.