- 'ડોડર' નામની વેલ ગંધના આધારે તંદુરસ્ત છોડવાને શોધીને તેને ચુસીને પોષણ મેળવે છે
- ઈટાલીના વિજ્ઞાાનીઓએ છોડના મૂળિયા પણ સાઉન્ડવેવ્ઝ પ્રોડયુસ કરે છે એવા સંશોધનો કર્યા છે
- સ્વીત્ઝર્લેન્ડના વનસ્પતિશાસ્ત્રીઓએ દુકાળમાં પાઈન અને ઓકના ઝાડ વચ્ચે થતી વાતચીત અલ્ટ્રાસોનિક - સાઉન્ડવેવ્ઝના ટ્રાન્સમિશન સ્વરૃપે નોંધી છે !
- માણસની જેમ જ વનસ્પતિમાં પણ ટચ,સાઈટ, સાઉન્ડ, સ્મેલ અને લિસનિંગની પાંચ સેન્સીઝ મોજુદ છે એવું ઈઝરાયલના વૈજ્ઞાાનિકનું અનોખું સંશોધન !
- ઈટાલીના વિજ્ઞાાનીઓએ છોડના મૂળિયા પણ સાઉન્ડવેવ્ઝ પ્રોડયુસ કરે છે એવા સંશોધનો કર્યા છે
- સ્વીત્ઝર્લેન્ડના વનસ્પતિશાસ્ત્રીઓએ દુકાળમાં પાઈન અને ઓકના ઝાડ વચ્ચે થતી વાતચીત અલ્ટ્રાસોનિક - સાઉન્ડવેવ્ઝના ટ્રાન્સમિશન સ્વરૃપે નોંધી છે !
- માણસની જેમ જ વનસ્પતિમાં પણ ટચ,સાઈટ, સાઉન્ડ, સ્મેલ અને લિસનિંગની પાંચ સેન્સીઝ મોજુદ છે એવું ઈઝરાયલના વૈજ્ઞાાનિકનું અનોખું સંશોધન !
વોટ્સએપને છોડ અને ફેસબુકને
મૂક હવે તડકે
ભીંજાવા માંડ ચાલ, ચોમાસું
હાથમાંથી સરકે
આકાશે વાદળની પોસ્ટ એક મોકલી છે,
એને પણ લાઈક્સ એક આપને
ટેક્નોની દુનિયાથી બહાર સ્હેજ નીકળ,
ને લાગણીનો પંથ હવે કાપને.
સ્માઈલીને છોડ અલ્યા, સાચુકલા
હોઠ અહીં મલકે
ચોમાસું હાથમાંથી સરકે
છબછબને જાણ જરા, ફોરાંને માણ જરા
લથબથ થવાની મોજ માણને
છત્રીને રેઈનકોટ આઘા મે'લીને
જરા નીતરતાં નીતરતાં ચાલને
વીજળી યે કે'છે કે ડાબી આ
આંખ મારી ફડકે
ચોમાસુ હાથમાંથી સરકે !
દિલીપ રાવલની એકદમ તાજી વરસાદી કવિતામાં પલળવાની મોસમ ફાઈનલી આવી ગઈ. લોકોની (આજે મીડિયાની પણ) યાદશક્તિ ટૂંકી છે, બાકી બદલાયેલા ઋતુચક્રમાં હવે ગુજરાતમાં રિયલ ચોમાસું મધ્ય જુલાઈથી જ બેસે અને પાછળ લંબાય, એ કેલેન્ડર આવી ગયું છે. વર્ષાઋતુના વધામણાનો સમય ફર્યા કરે છે, પણ વરસાદ પડે કે ભૂગર્ભ ગટરોના અભાવે રોડ પર નદીઓ વહેવા લાગે કે બત્તી ગુલ થઈ જાય કે સડક પર હિપ્પોપેટેમસના બગાસાં જેવડા ખાડા પડવા લાગે, એ કાળ અવિરત રહે છે !
પણ આપણે નીચેથી જરાક ઉપર જોઈએ તો ચોમેર મેઘ વરસી પડયા પછી ફ્રેશ ફ્રેગરન્સનું સામ્રાજ્ય મહેસૂસ થાય. ધરતીએ લીલુડી ચાદર ઓઢી લીધી હોવાનું રૃપક તો હવે ચવાઈ ગયું, પણ જાણે હોમ સ્ક્રીન પર રેઈનમેકરે ગ્રીન લીફી વોલપેપર સેટ કર્યું હોય, એવું જરૃરથી લાગે ! જાણે બેટરી ઓફ થઈ ગયેલા સૂક્કા ઠૂંઠા રિચાર્જ થઈને સજીવન થઈ ગયા હોય એવું લાગે. નવું કૂણું કૂણું ઘાસ ફૂટી નીકળે અને ઘટાદાર વૃક્ષો નવપલ્લવિત થવા લાગે !
આ મોન્સૂનમેજીકે બિછાવેલી લીલી જાજમ જેવા ઘાસ પર ચાલતી વખતે આપણા પગના તળિયા જો ખુલ્લા હોય, તો કેવો કોમળ સ્પર્શ મળે - એની ખબર પડે છે. પણ આપણા પગે ઘાસને શું થતું હશે, એનો અહેસાસ થાય ખરો ?
વેલ, આજે ભલે સાવ સ્થૂળ જીવદયાના બંધનો પૂરતો સીમિત રહ્યો, પણ મૂળ સૂક્ષ્મદર્શન જૈન ધર્મનું એ હતું જ કે નરી આંખે નિર્જીવ દેખાતી સચરાચરની સૃષ્ટિના કણ કણમાં જીવન છે અને એ ન્યાયે ભલે આંખો કે ચહેરાના હાવભાવ ન હોય, વનસ્પતિ પણ 'લાઈવ એન્ટીટી' છે ! આફટરઓલ, એના ફ્રૂટથી જ તે આદમ-ઈવમાં સેન્સ આવેલી ને ! હીહીહી.
જગદીશચંદ્ર બોઝનો આત્મા પુષ્પવૃષ્ટિ કરે એવું પુસ્તક તેલ અવીવ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના ડાયરેક્ટર ડેનિયલ કેમોવિટ્ઝે લખ્યું છે. ટાઈટલઃ ''વોટ એ પ્લાન્ટ નોઝ.'' ચોમાસાના આરંભનો ઉત્સવ મનાવવા માટે આ પ્રકૃતિ વિજ્ઞાાનની આંગળી પકડવા જેવી છે. જાણે 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'ના બોલતા-ચાલતાં વૃક્ષોની સજીવસૃષ્ટિમાં લીલાંછમ થયા હોઈશું એવું લાગશે, અને કાઉન્ટરટેરર એટેક સિવાય પણ ઈઝરાયેલી સાયન્સ કેટલું વિકસ્યું છે, એ પોઝિટિવ ન્યુઝમાં રસ પડશે !
વેલ, વરસાદી વાયરામાં છોકરીની લહેરાતી લટો સાથે છોકરાનું છલકાતું મન પણ ઉડતું હોય, એ સીઝનમાં કદી વિચાર આવ્યો છે, કે આપણે તો ગુલાબને જોઈએ છીએ - પણ એ ગુલાબ આપણને નિહાળતું હશે ? આપણા શ્વાસમાં પારિજાતની મહેક ભળે છે, પણ પારિજાતને બાજુમાંથી પસાર થતી ગટરની બદબો સહન કરવી પડતી હશે ?
વૃક્ષો અને છોડવાઓ કે જંગલોનું આકર્ષણ આપણને જન્મજાત છે. પણ આ બધા ગજબ જોડીદારો છે, આપણા પૃથ્વી પર ! જીંદગી છુટ્ટે હાથે એમના પર જે કંઈ ઝીંકે, એ મૌન રહીને ચૂપચાપ ઝીલતા રહે છે. એ ખોરાકની તલાશમાં બહાર નીકળતા નથી. તોફાન આવે તો સલામત સ્થળે સંતાઈ શકતા નથી. 'ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે'ની જ અવસ્થામાં આયખું વિતાવતા સાક્ષીભાવે સ્થિતપ્રજ્ઞા તપસ્વીઓ જેવી આ લીલોતરીની તૃણ-છોડ-વૃક્ષની વનસ્પતિસૃષ્ટિ છે !
આંખ, કાન, નાક, મુખ, ત્વચા તો બુદ્ધિશાળી અને લાગણીસભર ગણાતા માણસોને પણ બહુ એડવાન્સ્ડ ફોર્મમાં મળ્યા છે પણ છતાં આપણામાંના ઘણા જડસુઓ એ મૂળભૂત પંચેન્દ્રિયોનો પૂરતો ઉપયોગ કે ઉપભોગ કરતા નથી. પણ 'ટ્રી' પાસે આ બધી 'ટ્રુ' સેન્સીઝ છે. સેન્સિટિવ રહીને સાયન્સના અભ્યાસથી આ અલૌકિક રહસ્ય સુધી પહોંચી શકાય એમ છે. ડૉ. ડેનિયલની આંગળી પકડીને બારી બહાર દેખાતા ફરફરતા પાંદડાને વચ્ચે વચ્ચે તાકતા ચાલો, વૃક્ષેન્દ્રિયોના વૃંદાવનમાં !
* * *
વનસ્પતિ શું નિહાળતી હશે વગર આંખે ? આ સવાલ ભૌતિક છે, પણ એનો વૈજ્ઞાાનિક જવાબ આધ્યાત્મિક છે ઃ પ્રકાશ ! જી હા, ભગવંતો-પયગંબરોની માફક એને ય નૂર, જ્યોતિ, લાઈટ જ નજરે ચડે છે, અને એ ય કોઈ તપસ્યા કર્યા વિના ! (સાક્ષીભાવે સહનશીલ થવાના બદલામાં મળતો સદેહે મોક્ષ હશે ?)
ચાર્લ્સ ડાર્વિને નોંધેલું કે સૂર્યકિરણોની પાછળ ઘેલા છોડવાઓ એની દિશામાં વળે છે. આપણી આંખમાં જેમ પ્રકાશ (અને રંગ) પારખતા ફોટોરિસેપ્ટર્સ છે, એવા જ વનસ્પતિ પાસે છે પણ એમાં એમને મેઘધનુષના બે છેડાઓ બ્લ્યુ એન્ડ રેડ દેખાય છે. અલબત્ત, આપણને ન દેખાય એવા ઈન્ડ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ જેવા શેડ્સ સાથે !
પ્રકાશસંશ્લેષણ (ફોટોસિન્થેસીસ)થી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ અને પાણીનું ગ્લુકોઝમાં રૃપાંતર કરવા ફોટોન એનર્જી સૂરજની વાપરે છે. એ માટે એની પાસે 'ફોટોટ્રોપિન્સ' નામના લાઈટ સેન્સર્સ છે જે બ્લ્યુ લાઈટને સેન્સ કરી, ઓકિઝન હોર્મોનને એક્ટિવેટ કરતી ચેનલ ગોઠવે છે. જેથી છાયામાં રહેલા એના કોષો પ્રકાશની દિશામાં વળે છે.
પણ પાંદડામાં રહેલા ફોટોક્રોન્સ નામના રેડ લાઈટ રિસેપ્ટર તો એથી પણ વધુ કમાલના છે ! એ એકદમ હાઈટેક લાઈટ સેન્સર એકટિવેટેડ સ્વીચ છે, કુદરતે બનાવીને હરિયાળીને ગિફ્ટ કરેલી ! જ્યારે જ્યારે દૂરના લાલ પ્રકાશ કિરણોનો એને અહેસાસ થાય, ત્યારે એ પોતાની કામગીરી ટ્રુ વે સ્વિચની જેમ શરૃ કે બંધ (લાસ્ટ મોડથી ઓપોઝિટ મોડમાં જઈને) કરે. સાંજ પડયે આવી લાલિમા એની કામગીરી બંધ કરે, અને પ્રભાતની રતાશ રીતસર એને જગાડીને ફરી પ્રવૃત્ત કરે ! આ સિગ્નલ ફક્ત 'ફાર રેડ લાઈટ' મતલબ દૂરથી આવતા પ્રકાશ કિરણોના જ એને મળે. ઝળહળતા પ્રકાશની રેડલાઈટ વળી પેલા પાંદડાને લીલા બનાવતા હરિતદ્રવ્ય ક્લોરોફિલને એક્ટિવ કરી સૂર્યની સાક્ષીએ રાંધવાનું રસોડું ચલાવે !
આ બધા રિસેપ્ટર જુદી રીતે પ્રાણીઓ અને મનુષ્યોની આંખમાં પણ હોય, અને બધા પ્રોટીન સપોર્ટેડ હોય પણ કામગીરી જુદી હોય - હા, અકળ સજીવસૃષ્ટિમાં ક્રિપ્ટોક્રોમ નામનું ફોટોરિસેપ્ટર સેઈમ છે, જે અલ્ટ્રાવાયોલેટ અને બ્લ્યુ રેઝને સેન્સ કરી સાર્કેડિયન રિધમ નામે ઓળખાતી ઉંઘવા-જાગવા-સુસ્તી-સ્ફૂર્તિની સાઈકલ નક્કી કરે. દિવસના તાજગી અને રાતના નીંદર આપે, અને એ રીતે વનસ્પતિ પાસે ઘડિયાળ પણ છે, રાત-દિવસ પારખવાની !
વનસ્પતિઓને સંગીત સંભળાવવા બાબતે તો બહુ બધા પ્રયોગો થઈ જ ચૂક્યા છે. જોકે, એમાં એ સંભળાવતા મનુષ્યને જેવું સંગીત ગમે એવા તારણો નીકળે છે. હેવી મેટલ રોકને પણ એ રિસ્પોન્સ કરે છે, અને સૌમ્ય શાસ્ત્રીય સંગીતને પણ ! એમાં કોઈ વાડાબંધી નથી અને જેમ વનસ્પતિની આઈસાઈટની ચકાસણી કંઈ એબીસીડીના ચાર્ટથી ન થાય, એમ હીઅરિંગ કેપેસિટીનો ખ્યાલ કંઈ સંગીતથી જ આવે એવું નથી.
પણ ભંવરે કી ગુંજન જેમ આપણને ફિલ્મગીતો લખવા મજબૂર કરે છે, એવું જ વનસ્પતિઓ સાથે પણ વગર વરસાદી માહોલે કરે છે. જીવડાંઓ-જંતુડાઓના સાઉન્ડ વાયબ્રેશન્સ વનસ્પતિઓ 'સાંભળે' છે, એવું અનુમાન છે. સ્વીત્ઝર્લેન્ડના વનસ્પતિશાસ્ત્રીઓએ તો દુકાળમાં પાઈન અને ઓકના ઝાડ વચ્ચે અલ્ટ્રાસોનિક - સાઉન્ડવેવ્ઝના ટ્રાન્સમિશન નોંધ્યા છે ! કદાચ, પાણી વિના રહેવાની આપણી ચાલીમાં બૂમાબૂમ થાય એવી ચેતવણીઓ હશે ! ઈટાલીમાં ફલોરેન્સની યુનિવર્સિટીની પ્લાન્ટ ન્યુરોબાયોલોજી લેબોરેટરીએ તો વળી છોડના મૂળિયા પણ સાઉન્ડવેવ્ઝ પ્રોડયુસ કરે છે, એવા સંશોધનો હાથ પર લીધા છે. મતલબ, વનસ્પતિની શ્રવણશક્તિ બાબતે હજુ નવા સમાચારો સંભળાઈ શકે છે !
પણ વનસ્પતિ ગંધ અનુભવે છે, એની ખબર તો કાર્બાઈડની ઝેરી પડીકીથી કેરી પકવીને ખાતા કે જોતાં સહુ કોઈને પડી જવી જોઈએ. ૧૯૨૦માં અમેરિકન વિજ્ઞાાનીઓએ શોધેલું કે કાચા ફળોને ઈથીલીન ગેસ પકાવી શકે છે. કુદરતી રીતે એક ફળ પાકે તો તોડો ઈથીલીન મુક્ત કરે, પાડોશી ફળ એ 'સૂંઘે' અને 'હીટ'માં આવી પોતે પણ પાકવા લાગે અને જોતજોતામાં હુક્કા બાર ડાન્સ ફલોર જેવું ચેઈન રિએકશન ફેલાઈ જાય ! ફળ પાકવાનું આ કો-ઓર્ડિનેશન કુદરતના ઓરકેસ્ટ્રાના તાલે છે, જેથી એના સ્વાદ-સુગંધથી આકર્ષાઈ કીટકો એ ખાવા આવે અને એના બીજ એ રીતે ફેલાતા જતાં પ્રજનનથી ઉત્ક્રાંતિનો સિલસિલો વિકસતો રહે ! એમ તો જીવાણુઓથી પરેશાન અમુક વૃક્ષો ખુદ પર જીવાતનો એટેક થાય તો બીજા વૃક્ષોને સાબદા કરતી સ્મેલથી એસએમએસ પાઠવે છે !
'ડોડર' નામની વેલ તો ગ્રીન બેલ્ટનો સ્નીફર ડોગ ગણાય છે ! એની પાસે ક્લોરોફિલ નહિવત છે. એટલે એણે જીવનરસ બીજા છોડવાઓમાંથી ગટગટાવો ફરજીયાત છે. આ માટે ડ્રેક્યુલા ગોરી સુંદરીઓ શોધે, એમ એ હેલ્થી સ્યુગરી 'ફૂડ સ્ટોરેજ' ધરાવતા અન્ય છોડ ગંધના આધારે શોધે છે, અને દુર્ગંધના આધારે જેમ આપણે વાસી શાક પડતું મૂકીએ તેમ 'અનહેલ્થી' છોડવાને પડતા મૂકે છે ! મતલબ, વગર નાકે પણ હવામાં મેલેક્યુલ્સને સૂંઘવાની તાકાત અમુક વનસ્પતિઓમાં છે !
તો પછી વગર જીભે ચાખવાની પણ હોય જ ને ! આમ પણ માણસ જાતમાં સ્મેલ એન્ડ ટેસ્ટ એકમેકમાં ગૂંથાયેલી સેન્સીઝ છે. ભજીયાની સોડમથી ભૂખ નથી લાગતી વરસાદમાં ? આપણા જ નાક અને મોંઢાનાં પોલાણ અંદરથી 'કનેકટેડ' છે. માટે ફૂડ ચાવતી વખતે એના સ્વાદ સાથે વાસ પણ આપણે અનુભવીએ છીએ. હવામાં ભળે એવા ઉડ્ડયનશીલ (વોલેટાઈલ) કેમિકલ્સ ઘ્ર્રાણેન્દ્રિય (નાક) અને પાણીમાં ભળે એવા દ્રાવ્ય (સોલ્યુબલ) કેમિકલ્સ સ્વાદેન્દ્રિય (જીભ) સાથે પનારો પાડે, એનું નામ ભોજનનો આનંદ !
આવા જ ક્રોસકનેકશન વનસ્પતિ વિશ્વમાં પણ છે. કોઈ રોગ-જીવાતના આક્રમણ તળે હવામાં સ્પ્રે થાય એમ પાડોશીઓને સ્મેલ સિગ્નલ મળે, એ વાત તો થઈ ગઈ. પણ ક્યાંક એ સ્વાદ પણ પારખે છે. એક અન્ડર એટેક છોડ મિથાઈલ જેસ્મોનેટ નામનો કેમિકલ હવામાં વહેવડાવે છે. એ બીજાના પાંદડા પર બેસીને એ પાંદડા પરના પરસેવા જેવા પ્રવાહી સાથે ભળી જેસ્મોનિક એસિડમાં રૃપાંતરિત થાય છે. પાંદડામાં રહેલા 'ટેસ્ટ' રિસેપ્ટર્સ ટ્રિગર્ડ થઈને તરત એને 'ચાખી' એનો રિસ્પોન્સ આપે છે !
આ તો 'પાંદડાની જીભ'ની વાત થઈ, પણ ઘણી વનસ્પતિઓ એના મૂળિયામાં સ્વાદેન્દ્રિય ધરાવે છે. આફટરઓલ ત્યાંથી પણ પોષણ મેળવવાનું જ છે - ધરતી અને પાણીના.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anavrut4551
[શતદલ ગુજરાત સમાચારમાંથી સાભાર ]
Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 24 July 2014