આપણા મૂર્ધન્ય કવિ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે કે :
વિશાળ જગ વિસ્તારે, નથી એક જ માનવી
પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતી.
તાત્પર્ય એ છે કે અદભુત, અદ્વૈત, દિવ્ય સૃષ્ટિમાં માનવી સાથે અસંખ્ય પશુ, પંખી, જંતુઓ, વનસ્પતિ વગેરે છે. સૃષ્ટિની સંપત્તિ એકલા મનુષ્ય માટે નથી. અન્ય જીવો માટે પણ છે. મનુષ્ય સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. એટલે તેણે આ બાબત ધ્યાનમાં રાખીને સાચા, સારા, જાગૃત માનવ બનીને અન્ય જીવોના, કલ્યાણ અર્થે ‘જીવો, જીવવા દો અને જિવાડો’ ને જીવનમંત્ર બનાવવો જોઈએ. પણ મોટા ભાગના માણસો માનવ બની ઉત્કૃષ્ટ જીવન જીવતા નથી. માનસ અને માનવમાં ઘણો ફેર છે. વિમલાજીના મત પ્રમાણે દેહ ધારણ કરનારા બધાં માણસો છે પરંતુ જેનામાં ચેતનાનું જીવંત વહન થતું હોય તે માનવી. જે મનુષ્ય હર ક્ષણે જાગૃત, ચેતનામય રહી પોતાનો ધર્મ, કર્તવ્ય બજાવે છે તે જ મનુષ્યમાંથી માનવ બંને છે. આ મુશ્કેલ તો છે જ પરંતુ અશક્ય નથી.
આચાર, વિચાર, વાણી, વર્તન કરતાં પહેલાં માણસ જાગૃત રહી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે છે આમ માણસને વ્યવહારની પસંદગીનો અધિકાર છે. જીવનદાતાની આ અણમોલ ભેટનો ઉપયોગ માણસે પૂરતી સભાનતાથી કરવો જોઈએ.
પ્રભુએ માણસને વિવેક બુદ્ધિ, મધુર વાણી, ધર્મ, શિક્ષણ, સંસ્કાર, પ્રેમ, આધ્યાત્મિક વિચારો અને પ્રગતિ માટેની પસંદગીની બધી જ શારીરિક, માનસિક અને સામાજિક તકો આપી છે છતાં તે પોતે પોતાને ‘સ્વ’ ને ઓળખતો નથી. માણસને આખી દુનિયા સારી જોઈએ છે પણ પોતાને સારું થવું નથી.
દરેક જીવો એક બીજા પર પરસ્પરાવલંબી જીવન જીવે છે. દરેક જીવના જીવનનો આધાર અન્ય અસંખ્ય જીવન પર છે. મારા મત પ્રમાણે સમગ્ર સૃષ્ટિનું સમતુલન અને પર્યાવરણનું જતન કરીને અન્ય જીવોના ક્ષેમકુશળનું રક્ષણ કરવું તથા ‘જીવો, જીવવા દો અને જિવાડો’ ના કુદરતી ન્યાયથી સૌને સ્વતંત્રા અને ગૌરવથી પોતપોતાની રીતે જીવવાં દેવાં તે જ માણસનું મૂળભૂત કર્તવ્ય છે. આ કર્તવ્ય બજાવવા તેમજ જવાબદારી નિભાવવા માટે જ પ્રભુએ તેને શ્રેષ્ઠતા બક્ષી છે. માણસમાંથી માનવી બનવાનું આ જ પ્રેરક બળ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં માણસ આ ફરજ ચૂક્યો છે. પોતાની ભૌતિક સુખસગવડો માટે વિકાસને નામે પર્યાવરણને પ્રદુષિત કરી દિવસે દિવસે સૃષ્ટિને વિનાશ તરફ લઇ જઈ રહ્યો છે.
પરમ કૃપાળુ પરમાત્માએ આ સમગ્ર ગતિશીલ, સતત પરિવર્તનશીલ અને સાપેક્ષ સૃષ્ટિમાં સારાં કર્મો કરી શકે તે હેતુથી માનવને અમોઘ મંત્ર આપ્યો કે હાથથી દાન કરજે, હિંસા નહિ. કાનથી સદવિચારો કરજે, ભંભેરણી નહીં. આંખમાં કરુણા દ્રષ્ટિ રાખજે, ઈર્ષ્યા નહીં. તારા વિશાળ હૃદયમાં અનેકને સમાવજે, એને ખાલી રાખીશ નહીં. આવી દુર્લભ ઇન્દ્રિયો ઈશ્વરે મનુષ્ય સિવાય કોઈ પ્રાણીને બક્ષી નથી. સત્કર્મો કરવાની શક્તિ અને શ્રદ્ધા મનુષ્ય સિવાય કોઈ પ્રાણીને બક્ષી નથી. પોતાનું કર્તવ્ય સમજીને માણસે આ શ્રદ્ધાને ફળીભૂત કરવાની છે. માણસે માનવી બનવા માટે આ માર્ગદર્શક પ્રેરકબળ પૂરતું નથી ?
માનવ ધર્મ એટલે શું ? સંસ્થાગત ધર્મો એક બીજાના વિરોધી નહીં એકબીજાના પૂરક છે. વિવેકાનંદના વિચાર પ્રમાણે ધર્મો બધાં સત્ય નથી, પણ બધાં ધર્મોમાં સત્ય છે. તુકારામનું કથન છે કે બધાં ધર્મો હરિનાં ચરણ જ છે. બધાં ધર્મો એકબીજાના પૂરક છે. એટલે માણસે દરેક ધર્મગ્રંથોનું વાચન કરી, દરેકનો ઉત્તમ સાર જ ગ્રહણ કરવો જોઈએ. આપણા ધર્મનું પાલન કરતાં કરતાં અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા, સમભાવ રાખવાનો છે. માણસ આવું વિચારે તો ધર્મોના ઝઘડાનું અસ્તિત્વ ના રહે.
પૃથ્વીમાતા જેવી મનની અવસ્થા રાખો …
‘દિવ્ય વસુંધરા બધાંને ધારણ કરે છે. સહનશીલ છે. એ પ્રતિકાર કરતી નથી. ચુપચાપ એ બધાને પ્રતિભાવ આપે છે. કોઈ એના પર ગંદકી કરે છે, થૂંકે છે તો પણ તે કોઈને ધિક્કારતી નથી. બધાને જ સ્વીકારે છે. પોતાના ગમાઅણગમાથી એ પોતાને કે બીજાને પજવતી નથી. એ સમભાવી, સદભાવી છે. કરુણાથી સૌનો સ્વીકાર કરે છે. સ્વીકૃતિ એ પૃથ્વીની પ્રકૃતિ છે. કશાયનો નકાર નહીં. સૌનો, સર્વનો સ્વીકાર.’
મહાન ચિંતકો, મહાત્માઓએ જીવન-સંદેશ આપ્યો છે કે ‘આપણા વિચારો જ આપણું જીવનઘડતર કરે છે.’સ્વામી ચિદાનંદજીનો શાશ્વત સંદેશ છે કે ‘દરેક વ્યક્તિના હૃદયમાં શાશ્વત પરમાનંદનું પરમધામ, પ્રસન્નતાનો અખૂટ સ્તોત્ર અમૃતનો ભંડાર તથા દિવ્ય કેન્દ્ર હોય છે. ઉદાત્ત અને દિવ્ય વિચારોને હૃદયમાં સ્થાન આપો જેથી તમારી પરિસ્થિતિ તથા વાતાવરણ તમારા માટે નિ:સંદેહ સદાય અનૂકુળ રહેશે.’ આ માટે જરૂર છે વિચારના ખેતરમાં સતત ગોડ (શોધ/ખોજ) કરતા રહેવાની. એ માટી જેમાં વિચાર ઊગે છે, પુષ્ટ થાય છે તેને યોગ્ય ખાતર આપવાની અને બંધિયારને બદલે મોકળું વાતાવરણ આપવાની. વિચારણા ઘણા સ્તોત્ર છે. જીવન-ઘડતર કરે તેવું વાચન, ચિંતન, સંવાદ, પ્રવચન – દર્શન, નિરીક્ષણ, સત્સંગ, ચર્ચા … વગેરે. અદભૂત પ્રકૃતિનું દર્શન-નિરીક્ષણ પણ મન, હૃદય અને આત્માને પુલકિત –પ્રસન્ન કરશે. હંમેશાં સકારત્મક વિચાર કરો તો જીવનપથ આપોઆપ રળિયામણો બનશે જ. આમ માણસ માનવી બંને તો કુટુંબ, સમાજ, રાષ્ટ્રમાં સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધિ પ્રગટે. આપણી પ્રજાનું અનેક અનિષ્ટોનું મૂલ કદાચ વિચાર શૂન્યતામાંથી જડશે. સામાન્ય રીતે જુદા જુદા વિષયોમાં પરીક્ષાઓ પાસ કરી ઉચ્ચ પદવીઓ મેળવેલ માણસ ભણેલો કહેવાય પરંતુ તે શિક્ષિત કે કેળવાયેલો ન કહેવાય. એનું વ્યકતિત્વ, ચારિત્ર્ય કે સંસ્કારઘડતર થયું હોય અને વિશ્વબંધુત્વ, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિની ભાવના પ્રગટી હોય અને સૃષ્ટિના અદ્વૈત અંશ સ્વરૂપે પોતાને પામવાની શક્તિ અને સમજણ એનામાં પ્રગટી હોય તો જ, આવો કેળવાયેલો માણસ જ, શિક્ષિત માનવ કહેવાય. આપણા ગુજરાતના મૂક સેવક પૂ.રવિશંકર દાદાનોજીવનસંદેશ છે કે ‘ઘસાઈને ઊજળા થઈએ, બીજાને ખપમાં આવીએ.’ સાદું પરોપકારી, પ્રામાણિક જીવન અને ઉચ્ચ વિચારો જ માનવીનો સાચો વૈભવ છે.
ભગવાન બુદ્ધ કરુણાની મૂર્તિ હતા. તેમણે ઉપદેશ આપ્યો છે કે, ‘માનવીમાં જ્યારે કરુણા, પ્રેમ અને સદભાવના જાગે છે ત્યારે સમગ્ર સૃષ્ટિના અન્ય જીવોના અંતરાત્માને ઓળખે છે અને સમજે છે કે સૌનો આત્મા એક જ છે.’ વળી તેઓશ્રીએ કહ્યું છે કે પૃથ્વિમાતા જેવી મનની અવસ્થા રાખો.
આમ ભગવાન બુદ્ધનો સંદેશ છે કે ‘વસુધૈવ કુટુમ્બકમ્’. સમગ્ર વિશ્વ એક અદ્વૈત સ્વરૂપ કુટુંબ છે. આવી ઊંડી સમજ સૌ કેળવે અને ‘પરસ્પર દેવો ભવ’ ની ભાવના રાખે તો સૌના દિલમાં રામ વસે જેથી સૌને પરમ સુખ, શાંતિ, આનંદ મળે. સૌના હૃદયમાંથી દૂર્યોધાનના અવગુણો ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અહમ્ … વગેરે દૂર થાય અને સત્ય, પ્રેમ, અહિંસા, કરુણા જેવા ગુણો પ્રગટ થાય. આમ મન ધર્મક્ષેત્ર પણ છે અને કુરુક્ષેત્ર પણ છે. મન કૌરવ અને પાંડવ બંને છે. માટે જીવનમાં કૃશ જેવો સારથી મળે તો ઊગરી જવાય. અહમમાંથી સોહમ્ તરફની ગતિ એ સ્થૂળ પ્રવાસ નથી પણ પવિત્ર યાત્રા છે. ખલિલ જિબ્રાનનું એક વાક્ય છે : આખા વૃક્ષની સંમતિ વિના એનું એક પાંડુ પણ પીળું પડતું નથી તેમ આપણામાં ઊંડે લપાઈને પડેલી ઈચ્છાઓ અને અપેક્ષાઓને કારણે આ સંકટનું નિર્માણ તો નથી થયું !!! ? માણસે તમામ પ્રવૃત્તિ સમાજ, દેશ અને સૃષ્ટિના હિતને લક્ષમાં રાખીને જ કરવી જોઈએ.
માનવીની સભ્યતાનો આરંભ થયો ત્યારે ‘જીવો જીવસ્ય જીવનમ્’ નો વિચાર સિદ્ધાંત તરીકે સ્વીકારી લેવામાં આવ્યો. પરંતુ સભ્યતાનો આગળ વિકાસ થતો ગયો તેમ તેમ સહઅસ્તિત્વનો એટલે કે ‘જીવો અને બીજાને જીવવા દો’ એ સિદ્ધાંત સાથ્પાયો. એથી પણ સમય જતાં સભ્યતા વાસ્તવિક અર્થમાં સભ્યતા બની ત્યારે અનુભવાયું કે કેવળ સહઅસ્તિત્વ પૂરતું નથી, એનાથી તો સ્વાર્થપરાયણતા જ વધશે. સિદ્ધાંત આગળ વધ્યો : પોતે જેવો, અન્યને જીવવા દો અને બીજા પણ માનભેર ગૌરવથી જીવી શકે તે માટે તેમને મદદ કરો. એમાં માનવતા રહેલી છે કે બીજાની સાથે, અન્ય જીવોની સાથે સહકાર, સદભાવ, પ્રેમથી જીવવું. દરેક માણસ એકબીજાનો સાથી અને સહયોગી હોય, દરેક માણસ માત્ર ‘સ્વ’ નો જ વિચાર ના કરે પરંતુ સર્વોદયનો વિચાર કરતો હોય એ જ સભ્યતાના વિકાસની પ્રક્રિયા છે. આ જ માનવતાનું પરમ મૂલ્ય છે.
માનવી ગોઠવાય તો ઘર –કુટુંબ, સમાજ અને દુનિયા ગોઠવાય. પણ આજના રોકેટ યુગમાં માનવી અવકાશમાં ઊડે છે, મહાસાગરના તળિયે માછલીની માફક ફરે છે પણ જે ધરતીમાતા પર તે જન્મ્યો છે તેના પર તેને માનવ બનીને જીવતાં આવડતું નથી.
સૌ જાગૃત, સજ્જન અને વિચારશીલ માણસો માટે આજના પ્રવર્તમાન જ્ઞાન-વિજ્ઞાનના સમયમાં આ જ મોટી વિડંબણા છે. પ્રભુ સૌને સદબુદ્ધિ આપે.
- સંકલિત
['દાદીમાની પોટલી માંથી સાભાર]
Like the Post? Share with your Friends:-
Very good article. Useful to school college students નિબંધની તૈયારી માટે.
ReplyDeleteસુંદર વાંચન ભાથું.