તમારી શક્તિને જાણો, ઓળખો અને એનાં પર વિશ્વાસ રાખો :
દુનિયામાં કોણ એવું છે કે જેનાં મનમાં, હ્રદયમાં મહત્વાકાંક્ષાં નથી હોતી? દરેકનાં મનમાં કોઇને કોઇ ઇચ્છા અવશ્ય હોય જ છે. હરકોઇ કંઇક ને કંઇક મેળવવા ઇચ્છે છે. પરંતુ શું માત્ર ઇચ્છા રાખવાથી જ તમે તે સ્થાન કે તમારી મહત્વાકાંક્ષાને મેળવી શકશો? પામી શકશો? દરેક મહત્વાકાંક્ષા અત્યંત પરિક્ષમ માંગે છે. હવે ખેડૂતનું જ ઉદાહરણ લઇ લો. પોતાની ખેતી કે ફસલ માટે એ કેટલી મહેનત કરે છે, પરિક્ષમ કરે છે. ફુલ-ફળ શું આપમેળે ઉગે છે? એને ઉગાડવાવાળાં લોકો પાસેથી જ આપણે જાણી શકીએ છીએ કે આ બધું ઉગાડવા કે મેળવવા તેમણે કેટલી મહેનત કરેલી, કેટલો સખત પરિક્ષમ કરેલો. મહત્વાકાંક્ષા પણ આમા અપવાદ નથી.
મહેનત કરો. તમારી હર એક મહત્વાકાંક્ષા હરેક ઇચ્છા પુરી થશે. પણ એ માટે પહેલી શરત છે, મહેનત કરવાની, પરિક્ષમ કરવાની અને એ પણ સખત. મહેનત કરવાથી તમને બધું મળી શકે છે. બસ જરૂર છે યોગ્ય દિશામાં મહેનત કરવાની.
આ માટે અમુક નિયમો કે સુચનાઓ પર નજર દોડાવીએ.
મનોદશા કે ચિત્તને સ્થિર રાખો –
તમારા કામ પર તમારા મનને એકાગ્ર કરો. સ્થિર કરો. તમારી જ જીત થશે અને મનોવાંછીત ફળ પણ મળશે જ એવાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મચી પડો. દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાની તમામ શક્તિઓને તમારા લક્ષ પર એકાગ્ર કરી દો તો જ સફળતા મળશે. આશા, દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવનારાઓની ક્યારેય હાર થતી નથી. પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ પોતાનાં મનને સ્થિર મનોદશાને સ્થિર રાખો. પછી જુઓ ચમત્કાર…!
આત્મ શ્રધ્ધા રાખો –
તમે જે લક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો એ મેળવવા માટે જો તમને તમારી જાત પર જ વિશ્વાસ નહીં હોય શ્રધ્ધા નહીં હોય તો એ તો પેલી વાત જેવું થયું કે તમે ચાલો છો તો પશ્ચિમ બાજુ પણ પૂર્વ પર પહોંચવા ઇચ્છો છો. સફળ થવા માટેનો સૌથી મોટો અને સીધો સાદો સિદ્ધાંત છે કે તમે જે લક્ષને મેળવવા ઇચ્છો છો તેને મેળવવાની પ્રબળ આશા પણ રાખો તેમજ એ માટેની જરૂરી એવી શક્તિ અને આત્મવિશ્વાસ તમારા મનમાં ભરી દો. જો તમે જ તમારી યોગ્યતા પર અને લક્ષની પ્રાપ્તિ હેતુ શક્તિ અને સામર્થ્ય પર વિશ્વાસ નહીં રાખો શ્રદ્ધા નહીં રાખો તમે લખી રાખજો કે મનચાહી સફળતાને તમે કદી તમારી પ્રત્યે આકર્ષી નહીં શકો.
મનોવૃત્તિ બદલો –
આપણાં વિચારોની ગરીબી, નિરાશાની ભાવના, પોતાની શક્તિઓ પર સંદેહ અને ભયની ભાવના, આત્મવિશ્વાસની કમી અને કાર્યહિન બેસી રહેવાની વૃત્તિ જ આપણને ગરીબ બનાવી રાખે છે.
તમે તમારી મનોવૃત્તિને એક ધનાઢ્ય વ્યક્તિની મનોવૃત્તિ જેવી બનાવો. તમારી કોઇ પણ ચેષ્ટા કે અભિનયથી તમારી ગરીબી દેખાવી ન જોઇએ. જ્યાં સુધી તમારી આસપાસનું વાતાવરણ જ તમને ગરીબીની માનસિકતા તરફ ખેંચતું રહેશે ત્યાં સુધી તમે મનથી પણ ક્યારેય ધનાઢ્યની જેમ વર્તી નહીં શકો. તમારા ઉદ્દેશપૂર્તી હેતુ જે કરવું પડે તે જ કરો. ઘણીવાર પોતાનાં વર્તનથી જ માણસ સફળ થતો હોય છે. પોતાનું દુઃખડું કોઇપાસે રડો નહીં. પોતાની જાતને મજબૂત બનાવો. માર્ગમાં આવનારા વિધ્નથી જરા પણ વિચલીત થયા વિના લક્ષ્ય પર દ્રષ્ટિ રાખો અને આગળ વધો. તમે જરૂર સફળ થશો.
ખાસમખાસ નેગેટીવ પ્રોગ્રામિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું અને આવા લોકોથી હરહંમેશ સાવચેત રહેવું. આ એ લોકો છે જેમની મનોદશા ગરીબ છે. તમારે એમનાં જેવું રહેવું હોય તો અને તો જ આવા લોકોનાં સંપર્કમાં રહેજો.
વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો શ્વાસ છે –
વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો પિતા છે. વિશ્વાસથી માનસિક શક્તિઓને સહારો મળે છે અને આ શક્તિઓમાં વધારો પણ થાય છે. વિચારોની તિવ્રતા કેવળ ધારણાઓથી મળે છે. એનામાં સ્થિરતા કેવળ દ્રઢ નિશ્ચયથી આવે છે. એને શક્તિ માત્ર અને માત્ર પ્રચંડ આત્મવિશ્વાસમાંથી મળે છે. જો તમારો આ ગુણ નબળો પડશે તો વિચાર પણ નબળો પડશે અને તમે તમારી કાર્યસિદ્ધિ માટે અસમર્થ થઇ જશો. માટે વિચારો પર વિશ્વાસ રાખો.
દુનિયામાં કોઇપણ વ્યક્તિ ત્યાં સુધી કંઇ નથી કરી શક્તો કે સફળ થતો જ્યાં સુધી એને પોતાનાં હાથમાં લીધેલા કામનાં વિષયમાં અને એ કામને પુરી કરી શકવાનાં પોતાના સામર્થ્ય પર દ્રઢ વિશ્વાસ ન હોય. જો આ દ્રઢ વિશ્વાસ હોય તો એવા લોકોનું પોતાનાં લક્ષ સાધ્ય હેતુ પાછીપાની કરવાનું અસંભવ હોય છે. એને પોતાનાં પર અને પોતાની શક્તિ અને સામર્થ્ય પર પૂર્ણતઃ દ્રઢ વિશ્વાસ હોય કે જે કામ એને કરવાનું છે એ કામ એ કરી શકે એમ છે. એ માટે એનાં માર્ગમાં આવનારા તમામ વિઘ્નોનો સામનો કરવાની હિંમત પણ ધરાવે છે.
કોઇનું અનુકરણ ન કરવું –
જે લોકો પોતાનાથી વધુ સામર્થ્ય ધરાવતા લોકોનું અનુકરણ કરવાનું શરૂ કરે ત્યાં એ પોતાની આગવી ઓળખ ગુમાવી લેતા હોય છે. ત્યારબાદ તેઓ માત્ર તેટલું જ જોઇ શકે છે કે વિચારી શકે છે જેટલું પેલી વ્યક્તિ જેનું એ અનુકરણ કરતાં હોય. એક રીતે કહું તો આવા લોકો કૂપમંડૂક બનીને પુરૂ જીવન વ્યતિત કરતાં હોય છે. પોતાનું જીવનમાં ક્યારેય તેઓ પ્રગતિ કરી શકતાં નથી. એમનું જીવન એક ઘોર અંધકારની ગર્તામાં ધકેલાઇ જાય છે, અને એનો આવા લોકોને જરા પણ અહેસાસ હોતો નથી.
ઉઠો, જાગો અને આગળ વધો! આગળ વધીને દોડો ત્યારે જ તમને તમારી મનચાહી મંઝીલ મળશે. ભગવાને રસ્તો તો બનાવ્યો જ છે. પણ ઉઠીને એ રસ્તા પર ન ચાલો તો આમાં દોષ કોનો? સ્વાભાવિક છે કે આપણો જ દોષ છે.
શ્રેષ્ઠ પરિણામની જ આશા સેવો –
પ્રત્યેક કાર્ય પ્રત્યે રચનાત્મક દ્રષ્ટિથી જોવું, એની સારી બાજુ જોવી, આશા ભરી નજરોંથે જોવું, સફળતાનો ભરોસો રાખવો અને મનમાં વારંવાર સફળ થશું જ એવા જ ભાવ લાવવા. સંદેહ અને સંશય જેવા નિર્બળ કરનારા ભાવોને મનથી અને પોતાનાથી દુર રાખવા, આ તમામ કાર્યો એવા છે કે જેના કારણે મનુષ્ય પોતાના તમામ કામો અને ચેષ્ટાનું સર્વોત્તમ અને શ્રેષ્ઠ પરિણામ જ મેળવે.
આશાવાદથી તમામ માનસિક યોગ્યતાઓમાં વૃદ્ધિ થાય છે વિકાસ થાય છે ઠીક એમ જ જેમ સુર્યોદય થવાથી ફુલ-છોડ અને વૃક્ષોની વૃદ્ધિ થાય છે. નિરાશાવાદ એક નકારાત્મક બાજુ છે, એક વિચાર છે, સોચ છે. નિરાશાવાદ ઘોર અંધકાર ભર્યું નરક છે. જ્યાં મનુષ્યની તમામ શક્તિઓ અને તમામ યોગ્યતાઓ અપંગ બની જાય છે અને તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. જેમને ચારેકોર નિરાશા જ નિરાશા દેખાતી હોય એમનું ભવિષ્ય અંધકારમય છે.
સિદ્ધિનાં અવસરો –
એક વાતને તમે ગાંઠે બાંધી લો કે હાલની પરિસ્થિતિવશ તમે કેટલા નિર્ધન અને ગરીબ શા માટે ન હો પણ ભવિષ્યમાં તમે ધનાઢ્ય બની શકો છો. જો કોઇ વ્યક્તિ પોતાની જાત પર ભરોસો રાખે, જો નિરંતર પોતાના ઉદ્દેશ્યની વિશે જ વિચારતો હોય, જે પોતાની કાર્ય કરવાની યોગ્યતાઓ પર ભરોસો રાખતો હોય, જે પોતાની દ્રષ્ટિ નિરંતર પોતાનાં લક્ષ્ય પર એકાગ્ર કરીને રાખતો હોય, જે વ્યક્તિ પોતાનાં પર વિશ્વાસ રાખી અને ઘોર પરિક્ષમ અને સંઘર્ષ કરવાની ઇચ્છા અને સંકલ્પ રાખતો હોય એવા લોકોની જીત હંમેશા થતી હોય છે. આવા લોકો જ પોતાનું ઇચ્છીત ફળ, ઇચ્છીત હેતુંને પાર પાડી શકતા હોય છે.
તમે જે કાર્યો પુરા કરવાનો મનોમન સંકલ્પ કર્યો હોય એ કાર્યોની સિદ્ધિ પર તમને પૂર્ણતઃ વિશ્વાસ હોવો જરૂરી છે. આશાવાદ જેટલો તિવ્ર હશે એટલો જ ઉત્સાહ પણ ઉગ્ર હશે. ઉત્સાહ જેટલો ઉગ્ર હશે એટલો જ માનસિક પ્રયત્ન પ્રચંડ હશે. માનસિક પ્રયત્ન જેટલો પ્રચંડ હશે એટલી જ તિવ્રતાથી સફળતા પ્રાપ્ત થશે.
નિશ્ચયમાં દ્રઢતા –
જે વસ્તુને આપણુ હ્રદય ઇચ્છે છે ચાહે છે તે સ્વરૂપનું નિર્માણ આપણી આશા-આકાંક્ષા, આપણો વિશ્વાસ, આપણો દ્રઢ સંકલ્પ અને આપણાં પ્રયત્નો થકી જ થાય છે. જો આપણે આપણાં લક્ષની સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય કરી લઇએ પછી એ પ્રાપ્તિ હેતુ માર્ગમાં ગમે એવાં વિઘ્નો આવે કે અડચણ આવે આપણે આપણાં સંકલ્પ બળના આધારે આ તમામ વિઘ્નો અને અડચણોને દુર કરી સફળતા મેળવી ને જ રહીએ છીએ.
[http://jignesh1976.blogspot.in/ વિચારોનું મેધધનુષ માંથી સાભાર]
Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday, 5 August 2014