આપણી જૂની શિક્ષણ પદ્ધતિને નાબૂદ કરીને લોર્ડ
મેકૉર્લેનો ૧૮૩૩માં એક શિક્ષણ કાયદો દાખલ કરેલો. આ શિક્ષણ પદ્ધતિને કારણે ભારતમાં
કારકૂનો અને વરિષ્ઠ કારકૂનો પેદા થયા. તેનાથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની ખુમારી
લોકોમાંથી ઓછી થઇ ગઇ, મનની મુક્તિ મળે તેવી વિદ્યાનું કે તેજસ્વિતાનો અંત આવી ગયો. અંગ્રેજોનો જે ઉદ્દેશ હતો તે સફળ થયો મૂઠ્ઠીભર
અંગ્રેજોને આપણા દેશ ઉપર રાજ્ય કરવા ગુલામોનો જથ્થો જોઇતો હતો (એમના
એડમિનિસ્ટ્રેશનને ચલાવવા) તે એમની નવી શિક્ષણ પ્રણાલીમાંથી મળી રહેવા
લાગ્યો.
હવે એ જ શિક્ષણપ્રણાલી ચાલુ રહી છે તેના
કારણે તેજસ્વિતા આવે કે મુક્તપણે કાર્ય કરી શકાય તેવું શિક્ષણ જ નથી રહ્યું.
બીજું એ કે મા-બાપ અને વિદ્યાર્થીને જલ્દી
રોકડી કરવામાં, સરકારોને વિદ્યાર્થીને ગમે ત્યાં ઠેકાણે પાડી
શિક્ષિતોનો આંકડો વધારવામાં અને બેરોજગારીના આંકડા ઘટાડવામાં તથા કહેવાતા
શિક્ષણશાસ્ત્રીઓને ખીસ્સા ભરવામાં જ રસ છે. આ તો શિક્ષણ એક ધંધો બની ગયું છે, અને મેડિકલ, ઇજનેરી કોલેજો રાજાના કુંવરની પેઠે વધવા
માંડી છે તો ઘરાકી તો મળવી જોઇએને !! માટે અત્યારે SSC-HSC
બોર્ડમાંથી પણ
ભરપુર ફાલ બહાર પડાય છે, વ્યવસાઇક વિદ્યાશાખાઓની (જેમાં કોમર્સ માટે MBA, MCA વગેરે વગેરે પણ સામેલ) વાહ વાહ કરી તેને ગ્લોરીફાય કરાય છે. આ અશોકભાઇએ તેમના
પ્રતિભાવમાં ખૂબ જ સત્ય વાત લખી છે.
મારો આગળનો લેખ ‘બેઝિક સાયન્સ કે એન્જિનિયરિંગ?’ એ લેખ લખવાનું કારણ એ હતું કે મારા પતિની
પાસે લગભગ ૨૦ વર્ષથી દર વર્ષે જયારે ૧૨ સાયન્સનું પરિણામ આવે પછી ઘણા માતાપિતા
તેમના બાળકો માટે આગળ ‘કઇ લાઇન લેવડાવવી?’ એવી સલાહ લેવા માટે આવતા હોય છે. મોટા ભાગના મિત્રવર્તુળ કે એ લોકોના
રેફરન્સથી આવતા હોય. એટલે નોલેજના અભાવે દરેક વખતે માતાપિતા કે બાળક માત્ર લોકોના જે અભિપ્રાય હોય તેના આધારે
નિર્ણય લેતા હોય. ઘણીવાર બાળકની ઇચ્છા ના હોય છતાં માતાપિતા અત્યારે સારી લાઇન અને
ફટાફટ રોકડી થાય તે માટે તેમાં જ બાળકને એડમિશન આપાવે. અને હવે તો વિદ્યાર્થીને રસ
નહીં પણ એડમિશન શેમાં મળે છે તેમાં ભણવાનું, મેરિટને આધારે એડમિશન પદ્ધતિને કારણે.
વિદ્યાર્થીને રસ શેમાં છે તેનું કોઇ મહત્વ જ ના રહ્યું.
એટલે થ્રી ઈડિયેટની ફિલ્મની જેમ ઘણા દાખલા પણ
જોવા મળે. તેના એક બે દાખલાઃ એક મિત્રની દીકરી ૧૨માં ધોરણમાં સારા માર્કસથી પાસ
થયેલી, ૧૨ સુધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણેલી ખૂબ જ
હોશિયાર છે. તેને બેઝિક સાયન્સ ફિઝિક્સમાં કરવાની ઇચ્છા હતી. અને રિસર્ચમાં રસ
હતો. પરંતુ તેના પિતાએ તેને એન્જિનિયરીંગ EC માં એડમિશન આપાવ્યું. તે ભણવા તો લાગી પરંતુ
એક દિવસ એમના ઘરે કોઇ મહેમાન આવેલા તેમણે પૂછ્યું કે કેવું ચાલે છે ભણવાનું તો
તેણે કહ્યું કે ‘ અન્કલ બસ રટ્ટા માર કે પઢ રહી હું’ (હિન્દીભાષી છે). બીજા એક મિત્રની દીકરીને એક નવો કોર્સ ચાલુ
થયો છે ગુજરાત યુનિ.માં ત્રણ ચાર વર્ષથી M.Sc.
with IT તેમાં એડમિશન
મળેલું. મારા પતિએ કહેલું કે બહુ સારો કોર્સ છે. પણ તેના માતાપિતાએ બીજા કોઇની
સલાહ માનીને એન્જિનિયરીંગમાં એડમિશન આપાવ્યું છે. મારા પતિ કોઇપણ સલાહ માંગે તો
વિદ્યાર્થીની મરજી જ પહેલાં પૂછે તેની ઇચ્છા શું ભણવાની છે તેને જ મહત્વ આપે.
જાણકારી તો બધી આપે. આજે હવે તે લોકો કહે છે કે તમારી વાત સાચી હતી. ખૂબ જ પસ્તાય
છે.
રાફડાની જેમ કૉલેજો ખુલી ગઇ છે પણ સુવિધાઓ અને નિષ્ણાત પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બને
છે. મારા પતિ દર વર્ષે માત્ર સેવાની ભાવનાથી મિત્રવર્તુળ કે ઓળખીતાના બાળકોને
એન્જિનિયરિંગ સ્ટુન્ડને લાસ્ટ સેમિસ્ટરમાં પ્રોજેક્ટ હોય છે તેના માટે માર્ગદર્શન
આપે છે. (શાહબુદ્દિન રાઠોળ કહે છે ને સમાજને ના નડો તે સમાજસેવા. એ એક અને બીજું દાનમાં ઉત્તમ દાન વિદ્યાદાન આ મારા પતિનો સિદ્ધાંત છે). ત્યારે જે
વિદ્ધાર્થીઓ આવે છે તેમના ચાર વર્ષના ભણતરને જોઇને એમ થાય કે આ લોકો શું ભણ્યા? કોઇ પણ જાતનું બેઝિક નોલેજ પણ નથી હોતું. એટલે પહેલાં તો એમને બિઝિક નોલેજ
આપવું પડે.
આ રીતે સતત દર વર્ષે માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓ અને એમના માતાપિતા સાથે સંપર્ક રહેતો હોવાથી ઘણી
બધી જાણકારી મળતી હોય છે કૉલેજો, પ્રોફેસરો, અને કૉલેજ કેમ્પસમાં પ્લેસમેન્ટ, અને પ્લેસમેન્ટ થઇ ગયા પછી કંપનીમાં ટ્રનિંગ આ બધા વિષય ઉપર વિદ્યાર્થીઓના
અનુભવો જાણવા મળે છે. રમૂજી અને સત્યને ઉજાગર કરતા અનુભવો પણ જાણવા મળે છે.
હવે રહી રિસર્ચની વાત તો જ્યાં સુધી આપણી
શિક્ષણપદ્ધતિ ના બદલાય તો તે અશક્ય છે. બીજું ખાસ મહત્વનું જનતામાં જાગૃતિની જરૂર
છે. આ જ શિક્ષણપ્રણાલી ચાલુ રહે તો આપણે માત્ર સોફિસ્ટિકેટેડ ગુલામ જ બની રહીએ.
બીજું એ કે આપણી ખોટી માન્યતા છે કે આપણો દેશ સમૃદ્ધ નથી કે આપણી પાસે ફંડ નથી. જે
દેશમાં નેતાઓ ભ્રષ્ટાચાર કરીને કરોડોની સંપત્તિ એકઠી કરતા હોય, પ્રજા, અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર કરીને કરોડો ચાઉં કરી
જતા હોય, દેશમાં મંદિરો પાસે કરોડોની સંપત્તિ હોય તે
દેશ ગરીબ ના કહેવાય. અને કરોડોના ખર્ચે હજુ પણ મંદિરો બન્યા જ કરે છે. તેનો અંત
આવતો નથી. પ્રજાનું ગુલામી માનસ પણ જવાબદાર છે. આપણે માત્ર આ કામ નેતાઓ કે મહાન
હસ્તીઓ પર છોડી દઇએ છીએ. કરોડોનું ફંડ મંદિરો માટે ક્યાંથી આવે છે? પ્રજામાંથી જ. પ્રજામાં જાગૃતતા લાવવામાં આવે તો રિસર્ચ માટે પણ ફંડ એકઠું થઇ
શકે છે. અને આજે આપણે માત્ર જે સેવા આપીને આર્થિક સદ્ધર બની રહ્યા છીએ તેનો
વ્યક્તિગત નહીં પરંતુ દેશના હિત માટે ફાયદો ઉઠાવીએ તો ભારતને સુપર પાવર બનતાં કોઇ
ના અટકાવી શકે.
[http://mbhojak.wordpress.com/ માંથી સાભાર]
Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 1 August 2014