વેબ સરિતા: 04/19/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday, 19 April 2014

સમાનતામૂલક દાંપત્ય.. - સૌજન્ય:’નારી ! તું તારિણી’ -મીરા ભટ્ટ

 
                            મૈત્રેયીદીવીના “ન હન્યતે” પુસ્તકમાં કે સ્થળે નાયિકા પોતાના પતિને કહેછે:’ મને તમારા પગે પડવાનું મન થાય છે, તમે મને કેટલું  બધું સ્વાતંત્ર્ય આપ્યું?” ત્યારે જવાબમાં પતિ કહે છે: “અમૃતા, સ્વાતંત્ર્ય એ શું મારા ખીસ્સાની કોઈ ચીજ છે, જે હું તને આપું !” દાંપત્યજીવનને સદાય મઘમઘતું રાખવું હોય તો  આ સંવાદ પ્રત્યેક દંપત્તીના હૈયે જડાઈ જવો જોઈએ.પતિ-પત્નિનું સખ્યતાભર્યું સહજીવન એ સુખી પરિવારની મૂખ્ય ધરી છે.
                            સ્ત્રી અને પુરુષ સંસારનાં પૈડા તો મનાયાં છે, પરંતુ પુરુષ પ્રાધાન્યે  ધીરે ધીરે સ્ત્રીની ભૂમિકા ભલે એક આંગળ હોય, પણ ઓછી કરવા માંડી. સ્ત્રીનું પોતાનું કોઈ સ્વતંત્ર મૂલ્ય નહીં એનું મૂલ્ય પૂરક, પરિપૂર્તિ કરવા માટેનું ગણાયું.શૂન્ય પોતે એકડાને દશકામાંથી લખકોટિ આંકડા સુધી પહોંચાડી શકે, પરંતુ શૂન્યનું પોતાનું કોઈ મૂલ્ય જ નહીં.
                            સમાજે, શાસ્ત્રોએ ઘર અને પરિવારને જ નારીજીવનનું કેન્દ્ર માન્યું, એટલે એ જ એનો સંસાર અને એજ એની દુનિયા બન્યાં. સ્ત્રીના જીવનની સમગ્ર ચેતના એક જ કેન્દ્રમાં ઘનીભૂત થતી ચાલી, એટલે પતિ-પત્નિના સંબંધમાં ‘પતિ એ જ પરમેશ્વર’નું સુત્ર સ્થાપાયું. પતિ-પત્નિ એકમેકને પરસ્પર પરમેશ્વર ગણે તો હજુય કાંઈ સમજાય, પરંતુ ‘પરમેશ્વર’ કે ‘સૌભાગ્યનાથ’ની ભૂમિકા કેવળ પતિ-પરત્વેજ અંકિત થઈ અને ધીરે ધીરે પત્નિની ભૂમિકા ‘સહચારિણી’માંથી ‘અનુગામિની’ અને’ દાસી’માં પરિવર્તિત થતી ચાલી, સ્ત્રીના જીવનની એક જ ગતિ-’પતિ-પરમેશ્વર!’
                           પતિ ઈચ્છે તો પોતાની પત્નિ કોઈ દાનમાં પણ આપી શકે અને હોડમાં પણ મૂકી શકે. મહાભારતની દ્રોપદીકથા જગવિદિત છે. આવું દાંપત્યજીવન મહોરી ના શકે, હકીકતમાં તો ‘દંપતી’ શબ્દ ખૂબ અર્થભર શબ્દ છે, “દમ-પતિ” એટલે કે એક ઘર જેના બે માલિક છે, તે દંપતી. પતિઅ-પત્નિની સમાન ભૂમિકા મનાઈ છે.
                           પતિને ભાગ્યે આવતાં કાર્યોનું આપણાં સમાજમાં વિશેષ મૂલ્ય ગણવામાં આવ્યું છે , એના માટે વિશેષ આદર  અને પત્નિના ભાગે આવતાં કાર્યોનું ન કોઈ આર્થિક મૂલ્ય કે ના કોઈ  સામાજિક પ્રતિષ્ઠા. સામાજિક સમારંભોના અધ્યક્ષસ્થાને કદી કોઈ કેવળ ઘર સંભાળતી ‘ગૃહિણી’ જોવા મળી છે ? વસતીગણત્રી વખતે પતિ મહાશય લખાવે” એ કાંઈ કામ નથી કરતી” અને પત્નિ પણ  મોં નીચું કરી સંકોચપૂર્વક કહે” હું કાંઈ કરતી નથી” પગાર વગરની નોકરાણીની કક્ષા સુધી કેટલીક સ્ત્રીઓને પહોંચાડી દેવાઈ છે.
                            હવે આવું નહીં ચાલે. લગ્ન કરવાની ઈચ્છા ધરાવનાર પ્રત્યેક લગ્નાર્થી યુવકે સમજવું પડશે કે હું કોઈ વસ્તું ખરીદવા નથી જતો, કે કોઈ દાસી મેળવવા નથી નિકળ્યો કે નથી કોઈ યંત્ર શોધવાનીકળ્યો જે વાસનાઓ તો સંતોષે, સાથોસાથ વંશજ પણ નિર્માણ કરી આપે! એક જીવતી જાગતી હસ્તિ સાથે પોતાનું જીવન જોડવા, પરસ્પરનાં સુખ:દુખ વહેચવા,એકમેકનાં સપનાં, અરમાનો સિદ્ધ કરવા એ જોડાઈ રહ્યો છે.સ્ત્રીનો પોતાનો ધબકાર છે, એનો સ્વતંત્ર અભિપ્રાય નિર્ણય હોઈ શકે, તેને માન-આદર આપવાની તૈયારી નવયુવકે દાખવવી પડશે.
                           સ્ત્રીએ પણ આ ‘સમાન ભૂમિકા’ની કિંમત ચૂકવવી પડશે. જવાબદારીનો સ્વિકાર સહિયારા ભાગે કરવો પડશે. સહિયારી જવાબદારી હશે તો જ પોતાના જીવનસાથીની સાચા અર્થમાં’સહિયર’ બની શકશે.ચૂડી-ચાંદલા કરવા કે ન કરવા, પોતાના નામ પાછળ પતિનું નામ રાખવું કે ન રાખવું, આ બધી  ગૌણ બાબત છે. મૂખ્યવાત છે જવાબદારીની. મૈત્રીસંબંધ એ માનવજીવનનો ઉત્તમ સંબંધ છે.એમાં સહજ સમાનતા કેળવાય છે. પતિ-પત્નિમાં આ સમાનતામૂલક સખ્યસંબંધ સ્થપાય તે માટે જાગૃત પ્રયત્નો થવા જોઈશે.
                          બાળકનો જન્મ થઈ જાય પછી પણ બાળકના સંગોપનની તમામ જવાબદારી ફક્ત જનની ઉપર જ રહે, બાળક એ માત્ર માનો જ પોર્ટફૉલિયો બની રહે એ યોગ્ય નથી. પિતા સાવ અલિપ્ત રહે તે બાળક અને માતા બન્ને માટે, તેમજ પિતા માટે પણ યોગ્ય નથી. આજની નારી પોતાના બાળકના પિતાનો સાથ ઈચ્છે છે. વિદેશમાં તે માટે Parenting શબ્દ યોજાયો છે.મા-બાપનું સહિયારું કર્તુત્વ તે Parenting. રાત્રે બાળક બિછાનું ભીનું કરે ત્યારે ઊંઘમાંથી ઊઠીને બાળોતિયું બદલવાથી માંડીને બાળકની તમામ સારસંભાળમાં પિતા પણ પોતાની જવાબદારી નભાવે તો માનો બોજો થોડો હળવો થાય. સ્ત્રી આજે પોતાની માતૃત્વની સાચી પ્રતિષ્ઠા માંગી રહી છે. એ ઈચ્છી રહી છે કે બાળક એ માબાપનું સંયુકત કર્તુત્વ બની રહે.
                           ‘કેવળ મારું કહ્યું થવું જોઈએ’ આવી વૃત્તિ બિનલોકશાહી છે. સામેની વ્યક્તિના મતનો આદર એને ધ્યાનમાં લેવાની સાચો લાગે તો ગ્રહણ કરવાની તત્પરતા એ સ્વસ્થ લોકત્તત્વોને પણ દાખલ કરવા પડશે. સાંભળ્યું છે કે જંગલમાં બે મોઢાડા સાપ જોવા મળે છે. ધડી  એક અને મોં બેં. બેઉં મોઢા સામસામા ડંખ  મારે તો એની પીડા આખા દેહને થાય, બન્નેને થાય! પ્રેમ કરે તો એનું સુખ પણ આખા દેહને મળે! પતિ-પત્નિનું  દાંપત્યજીવન આવા દ્વિમુખી સાપ જેવું છે, જેમના સુખ:દુખને અલગ કરી શકાતા નથી.
                          સપ્તપદીની  પ્રતિજ્ઞા એ કેવળ શબ્દો ન રહી જવા જોઈ એ. વિવાહ-મંદિરમાં કોઈ પ્રતિમા હોય તો તે પરસ્પર-નિષ્ઠા છે.
                          લગ્ન-બાહ્ય સ્ત્રી-પુરુષ સંબંધ જ ન હોય તેવું તો કેમ ચાલે ? પરંતુ એ સંબંધનું  સૌંદર્ય અને પાવિત્ર્ય કેળવવા સ્ત્રી પુરુષોએ સારી પેઠે કસરત કરવી પડશે. વચમાં’ધર્મયુગ’માં કેટલાક મહાનુભવોને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે- પત્નિ ઉપરાંત પ્રેયસીનું સ્થાન જીવનમાં ખરું કે નહી? ત્યારે કેટલીક જાણીતી વ્યક્તિના ‘હા’ ના જવાબોથી મને આંચકો લાગેલો. એમને સામે પ્રશ્ન પૂછવાનું મન થયેલું કે ,” તો તો પછી પત્નિનો ‘પ્રિયતમ’ મંજૂર કરશોને !” વચ્ચે તો ‘પતિ-પત્ની  ઔર વહ’ની ત્રિસૂટી રટણા એવી ચાલી કે થયું કે સમાજ ક્યાં જઈ રહ્યો છે?
(દાંપત્ય જીવન વિષે આપનો  અમૂલ્ય પ્રતિભાવ આપશોજી…આપનું શું મંતવ્ય છે ?)
સૌજન્ય:’નારી ! તું તારિણી’ -મીરા  ભટ્ટ
સંકલન:વિશ્વદીપ બારડ

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 19 April 2014

ગુડ ફ્રાઈડે - સૌજન્ય: વિકિપીડીયા

બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખિ્રસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખિ્રસ્તી ધર્મનું ખાસ નિશાન છે.

રોમન લોકોમાં ક્રોસે લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ યહૂદીઓના રાજા હતા એટલે તેમણે ક્રોસ પર પાટિયું લખાવડાવેલું: ‘નાઝરેથનો ઇસુ યહૂદીઓનો રાજા.’ યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઇસુને ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે ‘લોકોએ કેવળ અદેખાઇને લીધે જ ઇસુને હવાલે કર્યા હતા.’ છતાં પિલાતે લોકોની બીકે ‘ઇસુને કોરડા મરાવી ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.’ઇસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, ‘પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું નથી, પણ હું જ એને મારી મેળે આપી દઉં છું. મને ઐને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે.’
ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે: ઇસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખિ્રસ્તી લોકો માને છે કે ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી.
ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે કે મૃત્યુમાં ખરેખર જીવન છે.ગુડ ફ્રાઇડે ખરેખર ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે.
સૌજન્ય: વિકિપીડીયા (https://vishwadeep.wordpress.com/ માંથી સાભાર)

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.