આવા પ્રસંગોએ શાંત કેવી રીતે રહેવું, મનને કેવી રીતે સ્થિર અને સ્વસ્થ રાખવું, એ કળા હસ્તગત કરનાર મનુષ્ય જીવનના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે. આ વિજય મેળવવા માટે જીવનની જટિલ પરિસ્થિતિઓમાં શાંતિ કેવી રીતે જાળવવી એ માટેના કેટલાંક સૂત્રો છે.
મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્વનું પરિબળ હોય તો તે છે - ચિંતા. નાનાથી માંડીને મોટાં, સૌ કોઇને - બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને ધનની ચિંતા તો કોઈને તનની ચિંતા, આમ મનુષ્યના મનમાં ચિંતા કાયમી ઘર કરી બેસી ગયેલી છે, જે તેને કોરી ખાય છે. એટલે જ એવું કહેવાયું છે કે ચિતા કરતાં પણ ચિંતા વધારે ખતરનાક છે. કેમ કે ચિતા તો મરેલાંને બાળે છે, જ્યારે ચિંતા તો જીવતાંને બાળી નાંખે છે. જ્યારે ચિંતાથી જીવતાં મનુષ્યો સતત બળી રહ્યાં હોય તો શાંતિ કેવી રીતે મળે ? પરંતુ જ્યારે મનુષ્ય ચિંતાગ્રસ્ત હોય છે, ત્યારે જ તેને સહુથી વધારે શાંતિની જરૂર રહે છે. તો આ પરિસ્થિતિમાં કેવી શાંતિ મેળવવી ?
કોઇપણ પરિસ્થિતિ વિશે ચિંતા કરવાથી તો દુ:ખ અને અશાંતિ વધવાનાં જ પણ તેના ઉપર ચિંતન કરવાથી ચિંતા ઓછી થઈ જશે. ચિંતા ઉપર ચિંતન કરવું, મનન કરવું, તેનું વિશ્લેષણ કરવું. આ વિશ્લેષણ કરવાથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે આપણે જે ચિંતા કરીએ છીએ, તે તદ્દન ખોટી છે. મનોવૈજ્ઞાનિકો તો એમ કહે છે કે આપણી ૮૦ ટકા ચિંતાઓ માત્ર કાલ્પનિક જ હોય છે.
કાલ્પનિક ચિંતાઓથી દુ:ખી થવું એ તો મૂર્ખતા જ ગણાય. જેનું અસ્તિત્વ જ નથી તેના વિશે ચિંતા કરી દુ:ખી થવું કે પછી આનંદિત થવું એ મૂર્ખતા જ નથી પણ પાગલપણાની નિશાની છે. આ સત્ય બધા જ જાણતાં હોવા છતાં આ મટિરિયાલિસ્ટિક વર્લ્ડમાં કાલ્પનિક દુ:ખ કે આનંદની ધારણાઓ કરીને જ લોકો દુ:ખીને આનંદિત થઈ જાય છે, પણ જો આ સમજ જાગૃત થઈ જાય તો પછી ચિંતા ચાલી જાય છે. મન ચિંતામાંથી મુક્ત થયા પછી સમસ્યાઓ હળવી બની જાય છે અથવા તો તે પછી ધ્યાન આપવા જેવી બાબત પણ લાગતી નથી.
(રામકૃષ્ણ મિશન)
Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 11 April 2014