વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday, 4 September 2014

આજના આધુનિક ગુરુઓ... - પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)

      
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર, 
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ: ll
આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ સ્થાન છે અને આપણા શાસ્ત્રોએ પણ વિવિધ રીતે ગુરુનો મહિમા દર્શાવ્યો છે. આપણે જો પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો આજે પણ ગુરુ મહિમા વિષેના તાર્કિક અને માર્મિક વર્ણન જાણવા મળે છે. ગુરુ એ મૂળ શબ્દ ગુ+રુ એ બે શબ્દોથી મળેલો છે. જેમાં ગુ અર્થાત અંધકાર અને રુ અર્થાત જે પ્રકાશનું કિરણ લાવે છે તે. આખા શબ્દનો અર્થ જે અંધકાર હટાવીને પ્રકાશની કિરણ લાવે છે તે ગુરુ છે. ભગવાન રામ સીતાને કહે છે હું કેળવાયો છુ કારણ કે મારી ઉપર ગુરુ વશિષ્ઠનો પ્રેમાળ હસ્ત ફરતો હતો. જ્યારે સપ્તર્ષિઓના સદ્ગુણોને જોતાં ભગવાન શિવ પણ બોલી ઊઠે છે કે જે ગુરુ પાસે પહોંચતા જ બુધ્ધિ ગ્રહણશીલ બને છે, જે ગુરુના સહવાસમાં જતાં જ તેમનાથી છૂટા પડવાનું મન નથી થતું, જે ગુરુની એક અમી ભરેલી દૃષ્ટિ શિષ્યોના મનહૃદયને નદીના નીર સમાન પવિત્ર કરી નાખે છે તેવા ગુરુનો મહિમા અપરંપાર છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે અજ્ઞાનનું નિવારણ કરી ધર્મ તરફ દોરીને લઈ જાય છે તે ગુરુ છે. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિને કહે છે કે મને જે વિશ્વાસ દેવતાઓ મિષે છે તેનાથી અનેક ગણો વિશ્વાસ મને ગુરુશરણમાં, ગુરુચરણમાં અને ગુરુવાણીમાં છે. હું જે આજે આગળ વધ્યો છુ અને જીવન વિષે જે કાંઇ જાણી શક્યો છુ તે સમસ્ત જ્ઞાન મારા ગુરુને કારણે છે. ગુરુશિષ્યની આજ પરંપરા આપણે ત્યાં પ્રાચીન યુગથી ચાલી આવે છે, જેનું મહત્વ કેવળ ગુરુદક્ષિણા સમર્પી  દેવાથી ઓછું નથી થતું. અમેરિકન આર્મીમેનનું એક સૂત્ર છે કે એકવાર જે સોલ્જર થયો તે હંમેશા સોલ્જર જ રહે છે. એક સામાન્ય સોલ્જરમાંથી તે વ્યક્તિ મેજર, લેફટન્ટ, જનરલ, ઓફિસર એમ બધી જ પદવી લેશે પણ તેની અંદરનો સોલ્જર ક્યારેય નહીં જાય. જ્યાં જે આર્મીસ્કૂલમાંથી તે સોલ્જર થઈ બહાર નીકળ્યો છે તે સ્કૂલનો જ તે હંમેશા રહેશે. ગુરુ માટે પણ કશુક એવું જ છે. બાળક જે ગુરુ પાસેથી શિક્ષા લેશે તે ગુરુનો તે હંમેશા થઈ રહેશે. તે બાળક આગળ જતાં મોટી હસ્તી પણ બનશે તો પણ તે પોતાના હૃદયની અંદર રહેલા વિદ્યાર્થીને કે ગુરુને ક્યારેય બહાર કાઢી નહીં શકે. આથી જ આપણાં શાસ્ત્રો કહે છે જીવનને રસદર્શન કરાવનાર આ ગુરુઓનું મહત્વ કેવળ એક ગુરુપૂર્ણિમાનું નથી બલ્કે રોજેરોજ ગુરુના વિચારોને તેમની આપેલ શિક્ષાને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો ખરા અર્થમાં આપણે આપણા ગુરુનું સન્માન કરી શકીશું. વળી આપણી ભારતીય સંસ્કૃતિમાં તો જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ જ સ્થાન છે. આપણાં શાસ્ત્રોએ આપણા જીવનને સાચી દિશા ચિંધાડનાર આ ગુરુનું સ્મરણ કરાવવા માટે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુચરણે ધરી છે. ગુરુ પૂર્ણિમા વર્ષાઋતુના આરંભમાં આવે છે. આ દિવસથી ચાર મહિના સુધી પરિવ્રાજક સંતો એક સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે, (જેને આપણે ચતુર્માસ તરીકે ઓળખીએ છીએ) અને સમાજમાં ચારે તરફ જ્ઞાનની ગંગા વહાવે છે. ઋતુશાસ્ત્ર અનુસાર આ ચતુર્માસ એ વર્ષનો સર્વોત્તમ અને સર્વોશ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. કારણ કે આ સમયમાં વધારે ગરમી નથી, કે વધારે ઠંડી નથી. બસ ચારે તરફ ગગન મેઘાચ્છાદિત વાદળોથી ઘેરાયેલું હોય, નાની નાની વર્ષાની લડીઑ ઝરી રહી હોય, ગુલાબી પવન લહેરાતો હોય તેવા સમયને અધ્યયન માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ઋષિવર ભૃગુ શિવપુરાણમાં કહે છે કે જે રીતે સૂર્યના તાપથી ગરમ થયેલ ધરતીને બરખાની લડીઓથી શીતળતા મળે છે તેમ ગુરુચરણમાં બેસેલા શિષ્યને જ્ઞાન, ભક્તિ, બુધ્ધિ, સિધ્ધી, શક્તિ, શાંતિ અને ધૈર્ય મળે છે. આપણાં શાસ્ત્રોએ શિક્ષા પ્રદાન કરનાર અનેક ગુરુઓ વિષે જણાવેલ છે. જેમાં માતા, પિતા, ગુરુ, વડીલજનો વગેરેનો સમાવેશ થાય છે પરંતુ આજનો સમય કહે છે કે સમય અને યુગ અનુસાર ગુરુ બદલાતા રહ્યા છે. પ્રાચીન ગુરુ પરંપરાની સાથે અર્વાચીન નવી ગુરુ પરંપરાનો પણ ઉદ્ભવ થયો છે. પણ અહીં પ્રશ્ન એ છે કે આપણે શું આપણાં એ નવા ગુરુઓને ઓળખી શક્યા છીએ? આદ્ય ગુરુશંકરાચાર્ય કહે છે કે એક લોઢાના ટુકડાને પારસમણિ સોનામાં ફેરવી શકે છે, પણ પોતાના સમાન પારસમણિ નથી બનાવી શકતો, પણ ગુરુનું તેજ, ગુરુનો હસ્ત અલગ હોય છે. ગુરુ પોતાના સમસ્ત ગુરુત્વનો નિચોડ શિષ્યની અંદર પ્રસ્થાપિત કરે છે, જેથી કરીને ભવિષ્યમાં એક બીજો ઉત્તમ ગુરુ સમાજને માટે ઊભો થઈ શકે. ઉપનિષદમાં કહ્યું છે કે જે ગુરુ પાસે શિષ્ય પોતાના દોષ ગણાવી શકે છે તે શિષ્ય તો મહાન છે, પણ  શિષ્યના દોષ જાણ્યા પછી જે ગુરુ પંક (કાદવ) સમાન શિષ્યને પંકજ (કમળનું ફૂલ) બનાવે છે તે ગુરુનું સ્થાન તો વિશ્વમાં કોઈ લઈ શકે તેમ નથી. જે ગુરુનો મહિમા આપણે ત્યાં યુગોયુગોથી ગવાયેલ છે તે ગુરુ કેવા હોવા જોઈએ અને કેવા ગુરુ બનાવવા જોઈએ તે પ્રશ્ન હંમેશાથી રહ્યો છે. પ્રથમ પ્રશ્નના જવાબમાં શ્રી પાડુંરંગ શાસ્ત્રી આઠવલે કહે છે કે પરમ પિતા બ્રહ્માની જેમ સદ્ગુણોને જે સર્જે છે, ભગવાન વિષ્ણુની જેમ જે સદ્વૃતિના પાલક બને છે અને ભગવાન ભોળાનાથની જેમ જે જીવોમાં રહેલા દુર્ગુણો અને ર્દુબુધ્ધિનો જે સંહાર કરે છે તેવા ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. જ્યારે બીજા પ્રશ્નના જવાબ શુકદેવજી શ્રીમદ્ ભાગવતમાં આપતા કહે છે કે જીવનમાં સુખ દુઃખ શું, જીવનનો શો સાર છે, ક્યાં માર્ગે જતાં જીવને સાચો રાહ મળે છે, આપણાંમાં રહેલા મોહ-માયાના વિષયોથી આપણને સાવચેત કરનાર, આપણામાં રહેલી ભૂલોને શોધી કાઢવા સતત તત્પર રહે તેવું ગુરુ આપના જીવનમાં હોવા જોઈએ, અને જ્યારે આવા ગુરુનો સાથ હોય ત્યારે તે શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. એક સમય એવો હતો કે જ્યારે નદીને કિનારે વસેલ આશ્રમમાં વૃક્ષોની છાયામાં ગુરુઓ શિષ્યોને જ્ઞાન આપતા હતાં, પણ આજે સમય બદલાયો છે. આજની ભાષામાં પૂછીએ તો ગુરુ કોણ છે તો તેના કદાચ અનેક જવાબો મળી આવશે, પણ સમય અનુસાર આજે આપણા આ ગુરુઓ બદલાઈ ગયા છે તો ચાલો આજે આપણે આપણા એ આજના આધુનિક ગુરુઓને મળીએ.
આજના ગુરુમાં જે સૌ પ્રથમ આવે છે તે છે આપણું ઘર. આપણાં ઘરમાં રહેલા પ્રત્યેક બાળકો અને પ્રત્યેક વડીલો, કુટુંબમાં રહેલ એક એક વ્યક્તિ તે આધુનિક ગુરુના પ્રથમ ચરણમાં આવે છે. એક સમય હતો કે આપણે ત્યાં વડીલો જ ગુરુનું સ્થાન દીપાવતા હતા તેથી કહેતા કે માતા દેવ, પિતા દેવ, દેવ આખોયે સમાજ. આ વાત આજે પણ પ્રાચીન સમય જેટલી જ સાચી છે. માતા-પિતા ક્યારેય બાળકનું ખરાબ ઈચ્છે જ નહીં તેથી તેઓ પોતાની સમજણ મુજબ બાળકને સારા-ખરાબ વચ્ચેનો ભેદ સમજાવતા જાય છે, ઘરમાં રહેલા વડીલો પણ આ કાર્યમાં મદદ કરે છે. આથી એમ કહી શકાય કે આપણું ઘર અને કુટુંબ એ આપણાં પ્રથમ ગુરુ છે.
આપણા બીજા ગુરુ તે આપણા ઘરની આસપાસનું વાતાવરણ છે. મોટા થતાં બાળકો પોતાના કુટુંબ પાસેથી તો જીવનના પાઠ શીખે જ છે પણ એજ કુટુંબ જે નથી શીખવાડી શકતું તે વસ્તુતઃ આપણે આપણા વાતાવરણમાંથી શીખી જઈએ છીએ. ભલે કહેવાય કે પહેલો તે સગો પાડોશી, પણ આ પાડોશી પાસેથી તેની ભાષા ઉપરથી, તેના વિચાર અને વ્યવહાર ઉપરથી આપણે ઘણી વાતો શીખી જઈએ છીએ. જેમાં સારી અને ખરાબ બંને બાબતો રહેલી છે તેથી જ સંગ તેવો રંગની કહેવત પડેલી છે.
આપણા જીવનમાં ત્રીજા ગુરુ તે આપણા સંજોગો છે. આ સારા અને ખરાબ સંજોગો આપણને વિવિધ પાઠ શીખવતા જાય છે.
આપણા ચોથા ગુરુ તે બાળકો છે. મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી મમ્મી મને હંમેશા કહેતી કે મોટા સાથે રહીએ તો મોટી અને નાના સાથે રહીએ તો નાની બુધ્ધિ આવે. પણ આજના સમય મુજબ આ વાતનું કોઈ તાત્પર્ય રહ્યું નથી. હું મારા જીવનની ઘણી બધી વાતોને મારા બાળકોની પાસેથી શીખી છુ. આથી મારુ માનવું છે કે આ બાળકો જ આજે આપણને ઘણું બધુ શીખવી જાય છે. એક યુગલ જ્યારે પ્રથમવાર માતા-પિતા બને છે તે જ દિવસથી તેમના જીવનનો મોટો પાઠ ચાલુ થઈ જાય છે. પછી જેમ જેમ બાળક માતા-પિતા પાસેથી શીખે છે તેમ માતા-પિતા પણ બાળકો પાસેથી કશું ને કશું શીખતા જ રહે છે. પણ એટલું ખરું કે બાળક પાસેથી નવું શીખવા માટે માબાપે પોતાનો મોટા હોવાના અહંને સાઈડમાં મૂકી દે તો તેમના આ બાળકો રૂપી ગુરુઓ પાસેથી ઘણુંબધુ શીખી શકે છે.
આપણા પાંચમા ગુરુ તે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ છે. નવા જમાનાનો આ ઇન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્યનાસંબંધને ક્યારેય શાંતિથી નિહાળ્યો છે?આજે ઇન્ટરનેટ એ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે શિક્ષણ અને સાયન્સથી માંડીને અનેક વસ્તુઓ શીખીએ છીએ. આમાં ક્યારેક એવું પણ બને છે કે ઈન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્ય ક્યારેય પ્રત્યક્ષ મળતા નથી તેમ છતાં પણ આ વિશ્વ આખો દિવસ આપની સાથે ચાલે છે. ટૂંકમાં કહીએ તો આ વિશ્વ પણ વાતાવરણની જેમ જ હોય છે. આ બંને તત્ત્વો આપણને સારાખોટાનો ભેદ તો શીખવે છે, સાથે સાથે આપણા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક માનસિક, આધિભૌતિક, રાજનૈતિક સમસ્યાઓને પણ હલ કરી શકે છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે, પણ તેમ છતાં આ આજના સર્વે ગુરુઓ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ તે આપણા ઉપર છે.
अज्ञान तिमिरान् धस्य ज्ञानाम् जन शलाक्य

चक्षु रुन् मिलीतम् येन तस्मै श्री गुरुवे नमः

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

CopyRight:-ISBN-10:1500299901 

[http://pareejat.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 4 September 2014

શિક્ષક દિન કે દીન? (અલ્પવિરામ -- રાજેન્દ્ર રાવલ)

શિક્ષકોનો આજે દિવસ છે. શિસ્ત, ક્ષમા અને કલ્યાણના આરાધકોને યાદ કરી, તેમની નિઃસ્વાર્થ અને તટસ્થ કર્મયોગિતાને વંદન કરવા માટે દેશના વિદ્યાપ્રેમીઓ ગુરુઓને વંદન કરે છે. ખાસ કરીને પાંચમી સપ્ટેમ્બરને એટલે જ શિક્ષકોના ગુણગાન કરવા માટે શિક્ષકદિન (દીન) તરીકે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ની યાદમાં પાંચમી સપ્ટેમ્બર પસંદ કરવામાં આવી. ભારતનો એક શિક્ષક રાષ્ટ્રપતિ થઈ શકે છે, આ ઘટનાને શિક્ષકના સાર્મ્થ્ય સાથે જોડીને શિક્ષકોને ઉત્સાહિત કરવામાં આવે છે.
ડો. રાધાકૃષ્ણન્ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા. વર્ષોથી આદરપૂર્વક ડો. રાધાકૃષ્ણન્ને ભારતીય પ્રજા સગર્વ યાદ કરે છે, પરંતુ રાધાકૃષ્ણન્ પછી અનેક શિક્ષકો સત્તા ઉપર આવ્યા. દેશ અને દુનિયામાં ઘણા શિક્ષકોએ કાઠું કાઢયું, પણ ડો. સર્વપલ્લીની જેમ તેમને દુનિયા કેમ યાદ કરતી નથી? હા, શિક્ષકો સામે ફરિયાદો છે. જે શિક્ષકોને સમાજના ગુરુનું બિરુદ પ્રાપ્ત થયું છે તે ગુરુઓનું ગુરુત્વાકર્ષણ ઘટી રહ્યું છે. તેના માટેનાં અનેક કારણો જવાબદાર છે. રાજકીય હસ્તક્ષેપ, બિનઆવડતવાળું પ્રશાસનતંત્ર અને શિક્ષણમાં થતાં આડેધડના અર્થહીન અખતરાઓથી શિક્ષક અને શિક્ષણની પ્રતિભા નંદવાઈ છે.
આઝાદી પછીનાં વર્ષોનું શિક્ષણ અને આજનું શિક્ષણ! સ્થિતિ વિચિત્ર છે, શિક્ષણની અને શિક્ષકોની. "શિક્ષણમાંથી સાદગી નષ્ટ થઈ ચૂકી છે અને શિક્ષકોમાંથી વિનમ્રતા." શિક્ષકને ગુરુમાંથી નોકર બનાવવાની રાજકીય પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓએ શિક્ષકને આડે પાટે ચડાવી દીધો છે. એક જમાનામાં ગુજરાતી શાળાના શિક્ષકને લોકો ગુરુજી કહેતા. આજે પણ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ અને વાલીઓ ગુરુજ કહીને સંબોધે છે. આ ગુરુઓ વિનમ્ર, સંયમી અને સાદગીને સર્મિપત હતા. થોડાંક વર્ષો પછી જ્યારે ગાયકવાડી સ્ટેટ થયાં ત્યારે વર્નાક્યુલર મેટ્રિક પાસ શિક્ષકોને વાલીઓ માસ્તર કહેવા માંડયા. ગામનો માસ્તર એટલે સર્વેસર્વા, લોકોનો આદર પ્રાપ્ત વ્યક્તિ. પછી આજ માસ્તર, ગુરુને પંથસુજી કહેનારો એક વર્ગ તેમને પંતુજી કહેવા માંડયો. કેમ? શિક્ષકની પ્રતિષ્ઠાને બગાડવામાં ફાળો કોનો? સમાજનો? સંસ્કારનો? કે ખુદ શિક્ષકોનો જ? આ પ્રશ્નનો જવાબ માત્ર શિક્ષકો જ આપી શકે. આજે પણ લોકો સરકારી શાળાઓનું નામ પડતાં જ મોં મચકોડે છે! ગામડાનાં બાળકો શહેરની ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવવા જાય છે. સરકારના મફ્ત શિક્ષણની ઐસી-તૈસી કરીને ખાનગી શાળામાં મોંઘીદાટ ફી આપીને બાળક પ્રવેશ મેળવે છે. તેના માટે જવાબદાર કોણ?
ક્યાંક શિક્ષકો પાસે વિષયની કૌશલ્યતા નથી. જે કુશળ છે તેમને કોઈ સાંભળતું નથી. કામ કરનારા અને રખડી ખાનારા એમ શિક્ષકોના બે ભાગ છે. સરકારના શિક્ષકો માટેના નિયમો એવા બોગસ છે, જેનાથી શિક્ષકો ત્રાહિમામ્ છે. આવા નિયમોને અટકાવવા માટે શિક્ષકોનાં સંગઠનો સંપૂર્ણ સફળ નથી. શિક્ષકોની પવિત્રતાને અભડાવવામાં આવી છે. જેના માટે ક્યાંક શિક્ષકો પણ જવાબદાર છે. વ્યવસાયની નિષ્ઠા અને ભારતનું ભાવી ઘડનારો શિક્ષક, કલ્યાણ ભાવનાને વરેલો હોવો જોઈએ, પણ દેશમાં શિક્ષણની દશા બગડેલી છે. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને કામ ગમતું નથી. રાજસ્થાનમાં ૪૭૦ શાળાઓમાં શિક્ષક જ નથી. જે શિક્ષકોની બદલી થઈ હતી, તેમણે રાજકીય વગ વાપરીને નજદીકનાં શહેરોમાં બદલીની ગોઠવણી કરી દીધી. દૂરના અંતરિયાળ ગામડાંઓમાં સારા શિક્ષકો ટકતા કેમ નથી? હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજકીય (સરકારી) શાળાઓ અને તેમાંય ખાસ કરીને ગામડાંની શાળાઓ પડી ભાંગી છે.
ગુજરાતમાં શિક્ષણની ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની દશા આજે કફોડી છે. તેના માટે સરકાર અને શિક્ષકો બંને જવાબદાર છે. શિક્ષકોને ભણાવવા માટેનો પૂરતો સમય મળતો નથી અને સરકાર ગુણવત્તા પ્રગટાવવાની વાતો કરે છે, પણ ગુણનું પ્રાગટય કરવા માટેનો સમય જ શિક્ષકોને આપતી નથી. રાજકીય ખીચડી પકવવા માટે શિક્ષણ અને શિક્ષકોને હાથા બનાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. શિક્ષણના અધિકારીઓ પૂરતા પ્રમાણમાં સ્વતંત્ર નથી. ગુજરાતનું શિક્ષણ ખાતું નિવૃત્ત અધિકારીઓથી ચાલે છે. ક્યાંક કેટલાક શિક્ષકો પણ શિક્ષણ અને શિક્ષકની ગરિમાને તોડવા માટે જવાબદાર છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો શ્રદ્ધાના પાઠ ભણાવવાને બદલે અંધશ્રદ્ધાનાં કાવતરાં કરે છે. ઈકોતેરનો ઘડિયો ભણાવવાને બદલે ચિકોતર (ભૂતપ્રેત)ના પાઠ ભણાવે છે. એક આખા ગામે ફરિયાદ કરી છે કે સાહેબ આ શિક્ષક ભૂવો છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.
કેટલાય શિક્ષકો વ્યસની છે. શાળામાં ગુટકા કે મસાલો ચાવીને શિક્ષકો ભણાવે છે. કોઈ રોકતું નથી, ટોકતું નથી. શાળામાં મોબાઇલ લઈ જવાનો પ્રતિબંધ છે! તંત્ર-ધૃતરાષ્ટ્ર છે. ગુણોત્સવ વખતે એક શાળામાં ગયેલા એક ઉચ્ચ અધિકારી અને શાળાનો શિક્ષક નશામાં હતા, આ વાત પર પડદો પડી ગયેલો. શિક્ષકોને કક્કો બારાખડી આવડતું નથી, એટલે થોડાંક વર્ષો પહેલાં લેખન-ગણનની તાલીમ આપવી પડેલી. શિક્ષકોની બદલીઓમાં સાટાંપદ્ધતિ શરૂ થઈ છે. બદલીના કડક નિયમોને કારણે શિક્ષકો અંદરો-અંદર લાખો રૂપિયાના વેપાર કરીને બદલી કરાવે છે. જિલ્લા ફેર અરસપરસ બદલીઓના ભાવો શિક્ષણમંત્રીને ખબર છે? પ્રાથમિક શિક્ષકો બગડેલા નથી. તેમને બગાડવામાં આવી રહ્યા છે. શિક્ષકનું ચારિત્ર્ય કેમ નબળું પડયું છે? આજે શિક્ષકનો દિવસ છે. હૃદયથી જે શિક્ષક સંપન્ન છે, વ્યવસાયને સર્મિપત છે, તેને જ વંદન હોય. બાકી કાંઠા-કબાડિયાઓએ આજના દિવસે પ્રેરણા લેવાની હોય કે બહુ થયું હવે.

નિષ્ઠાવાન શિક્ષકોને જ સલામ. ખાસ કરીને પેલા ટોપીવાળા, સોટીવાળા શિક્ષકોને સલામ.   
- રાજેન્દ્ર રાવલ email : rajendrarvl@gmail.com
[સંદેશ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Tuesday, 2 September 2014

“ઉપરવાળો સૌ સારાં વાના કરશે” – ડો.આઇ.કે.વીજળીવાળા

‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થઇ જાય તેવો જ કંઇક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો. હવે શું થશે? – એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ઘરનાં એક ખુણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલકચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો.
વાત એમ બની હતી કે મને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો ! આમ તો આવો કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય. એક ગરીબ છાપાવાળાની ઝૂંપડીમાં મોટા થયેલા અને દારુણ ગરીબીમાં ઉછરેલાં વિધાર્થીને મહેનત અને મેરીટથી જ મેડીકલ કોલેજમાં એડમિશન મળે એ ખરેખર ગૌરવ લેવા જેવી બીના હતી. અમારા ઘરમાં પણ ઘડીક આનંદની લહેરખી ફેલાઇ ગઇ હતી. પણ મજુરને કોઇ મર્સિડિઝ ભેટમાં આપે પછી બીજી ક્ષણે જ પેટ્રોલ કેમ પુરાવવું એ પણ એક પ્રશ્ન હોય તેવી જ દશા અમારા સૌની થયેલી.
એડમિશનના લેટરમાં સૌથી પહેલા પાને જ લખેલું હતું કે, ‘7 જુલાઇ 1978ના રોજ બી.જે.મેડીકલ કોલેજમાં સવારે 11.00 કલાકે હાજર રહેવું.સાથે રૂપિયા 268/- અંકે રૂપિયા બસો ને અડસઠ ટર્મફીસના એ જ દિવસે ભરવા પડશે.’ અને આ બીજા વાક્યથી જ અમને તકલીફ થઇ રહી હતી. અતિ ગરીબાઇના એ દિવસો હતા. બાપુ છાંપા વેચીને ગુજરાન ચલાવે. હાંડલામાં કંઇ પણ પડ્યાં ભેગું જ સાફ કરી નાખતાં અમે ઘેરોએક માણસ. ઘરમાં કાયમ અછતના ઓળાઓ જ આંટાફેરા કરતા હોય. બે પૈસાની બચત હોય એવું એવું તો ક્યારેય સપનું પણ ના આવે. આખર તારીખે તાવડી ટેકો લઇ જાય તેવા દિવસો હોય તેમાં બસો ને અડસઠ રૂપિયા કાઢવા ક્યાંથી ? કેટલાય ઉછીના-પાછીના થાય ત્યારે તો મહિનો પૂરો થાય. તેમાં આટલી મોટી રકમતો સાવ અણધારી જ હતી. એમ કહી શકાય કે અમારી તેવડ અને ગજા બહારની એ વાત હતી. બાપુએ પણ એટલા બધા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા કે હવે એમને કોઇ 10 રૂપિયા આપવા પણ તૈયાર નહોતું. તો આ રકમ તો એનાથી 30 ગણી હતી. કોણ આપે ?
એટલે ક્યાંયથી ઉછીના પૈસા મળશે એવી ખોટી આશા પણ રાખી શકાય તેમ નહોતું. અને જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો એડમિશન કેન્સલ થાય તે પણ બધા જાણતા હતા. એટલે આ વ્યવસ્થા કઇ રીતે થશે એ યક્ષપ્રશ્ન અમને ગળેથી પકડીને ગૂંગળાવી રહ્યો હતો. અને કદાચ વ્યવસ્થા ન થઇ શકી તો શું થશે ? આ ‘શું થશે?’ એ પ્રશ્ન જ અમને આજે અકળાવતો હતો. ખુદા હશે કે કેમ એ અંગે હંમેશા સાશંક રહેતાં. પણ મારાં દાદીમા અત્યંત શ્રધ્ધાળુ હતાં. અમારી મૂંઝવણ જોઇને વારંવાર એ બોલતાં હતાં કે, ‘ખુદા સૌનું ભલું કરશે! સૌ સારાં વાના જ થશે. તમે બધા ચિંતા ના કરો.’ પરંતુ અમારામાંથી બીજાં કોઇને એ સમયે આ શબ્દો પર રતીભાર પણ વિશ્વાસ નહોતો.
ઝાંઝવાના જળ ઢીંચવાના જ જેનાં નસીબ હોય તેને મીઠા પાણીની આશા આપવા જેવા આ શબ્દો હતાં. સહરાના રણની વચ્ચોવચ્ચ આવતા વરસે મીઠામધ જેવા પાણીનું સરોવર હશે એમ કોઇ કહે અને રણમાં રહેતા માણસને જરાય વિશ્વાસ જ ન આવે એવું કંઇક અમારું પણ હતું. પરંતુ તરણું મળે તો તરણું, બચી જવા માટે કંઇક પ્રયત્ન તો કરવો જ રહ્યો એ ન્યાયે બાપુ, ‘ચાલો ! હજુ બે ચાર જણને મળતો આવું, કદાચ ક્યાંકથી મેળ પડી જાય!’ કહી સાઇકલ લઇને મારા ભાગ્યની શોધમાં ગયા. ઘરનાં સૌ પોતપોતાનાં કામે વળગ્યાં.
અમારી કાચી માટીની તેમ જ પતરાંના છાપરાવાળી ઝૂંપડીનું ફળિયું ખૂબ વિશાળ હતું. ઉનાળાના ઉત્તરાર્ધના એ ગરમ દિવસોથી આખો દિવસ શેકાયા બાદ અમે ફળિયામાં રહેવાનું પસંદ કરતાં. અલકમલકની વાતો કરતાં કોઇ જુદાં જ પ્રદેશની સફરે પહોંચી જતાં. તે દિવસે પણ રાત્રે સાડા દશ સુધી અમે બધા બાપુની વાટ જોઇ બેઠાં હતાં. વાતો તો ત્યારે પણ અલકમલકની જ ચાલતી હતી પણ બધાયનાં મન પેલા સવાલની આસપાસ જ ઘુમરાતાં હતાં. છેક પોણા અગિયાર વાગ્યાં ત્યારે બાપૂજી આવ્યાં. એમનાં અમારી સામે દષ્ટિ માંડવાનાં અંદાજથી એ ખાલી હાથે પાછા આવ્યા છે એ અમે સમજી ગયાં. એમને કોઇએ કંઇ પણ પુછ્યું નહીં. ફક્ત દાદીમાં એક જ બોલ્યાં કે, ‘ખુદા સૌ સારા વાનાં કરશે. હવે વાતો બંધ કરીને બધા સુઇ જાવ.’
બસ, હવે એક જ દિવસ બાકી રહ્યો હતો. બીજો દિવસ ઉગ્યો. એ પણ દર સાઠ મિનિટે એક કલાકની ઝડપે જ ભાગતો હતો. સાંજના પાંચ વાગી ચુક્યાં હતાં. હવે અકળામણનું સ્થાન મૂંઝવણે લઇ લીધું હતું. મારાથી બોલાઇ ગયું, ‘એ લોકો ફી બાકી ના રાખે ? આપણને અત્યારે એડમિશન આપી દે અને પછી આપણે આવતા મહિના સુધીમાં પૈસા ભરી દઇએ તો ના ચાલે?’ પણ કોઇએ મારા સવાલનો જવાબ જ ના આપ્યો એટલે હું સમજી ગયો કે એમ નહીં જ ચાલતું હોય. અચાનક બાપૂ ઉભા થયા. મને કહે કે, ‘ચાલ! તારા એડમિશનના કાગળની અને બારમાની માર્ક્શીટની કોપી જોડે લઇને મારી ભેગો ચાલ.’
દલીલને કોઇ અવકાશ જ નહોતો. ડૂબતા માણસે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો ન જ છોડવાના હોય. કંઇ પણ બોલ્યા વગર હું એ બધી વસ્તુઓ લઇને નીકળી પડ્યો. અમે બંને બાજુનાં ગામ તરફ સોનગઢ ગયાં. ત્યાં જઇને જે કોઇ વ્યક્તિ ઉછીના પૈસા આપી શકે તેવી લાગે તેને બાપુજી વાત કરતાં. હું ‘નમસ્તે!’ કહીને મારી માર્ક્શીટ અને એડમિશનનો કાગળ બતાવતો. દરેક વ્યકિત મારી સફળતા જોઇને ખુશ થતી અને શાબાશી આપતી. પણ પૈસા તો કોઇ કરતાં કોઇયે ના આપ્યાં. બાપુજી માંગતા, પણ દરેક વ્યક્તિ કંઇ ને કંઇ બહાનું કાઢીને પૈસા આપવાનું ટાળતી. દરેકને થતું કે આ પૈસા કોને ખબર ક્યારે પાછા મળે ! આમ ને આમ છેક સાંજ પડી ગઇ. અમે બાપ-દિકરો થોડા ઢીલા પડી ગયાં. ‘હવે શું થશે?’ એ પ્રશ્ને ફરીથી અમારા મનમાં હથોડા મારવાનું શરૂ કરી દીધું. અમે થોડીક વાર સોનગઢના બસ સ્ટેન્ડમાં મૂંગા મૂંગા બેઠાં. હાથમાં આવેલી બાજી હારી જતી વેળા વખતે માણસને જેવી વેદના થાય તેવી વેદનાની રેખાઓ મારા બાપુના ચહેરા પર ઉપસી આવી હતી. આખી જિંદગી જેણે સાઇકલ પર ફેરી કરી હોય તે માણસના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જતો લાગે તો કેવું થાય તે તો એ જ જાણી શકે, જેના પર આવી વીતી ચૂકી હોય.
જેમ દિવસ એના ક્રમ મુજબ ઢળી ગયો તેમ સાંજ પણ હવે ધીમે ધીમે રાત્રિનું સ્વરૂપ લઇ રહી હતી. ઉનાળાના દિવસોમાં સાંજ થોડીક લાંબી રહેતી હોય છે. આછું આછું અંધારુ થવા લાગ્યું. બાપુએ એક નિસાસો નાંખ્યો. એમનામાં હવે સાઇકલ ચલાવાની પણ હામ નહોતી રહી. અમે બંને એ ધીમે ધીમે અમારા ગામની વાટ પકડી. મારું ગામ સોનગઢથી ફક્ત બે જ કિલોમિટર દુર છે. કંઇ પણ બોલ્યાં વિના પણ અમે લોકો ઘણી વાતો કરી શકતાં હતાં. સમય અભિવ્યક્તિની બધી જ પરિભાષા માણસને શીખવી જ દેતી હોય છે. અમે પણ એક્બીજાના ભાવ સમજી-વાંચી શક્તાં હતાં. નિરાશા અનુભવતું મારું મન વારંવાર દાદીમાનાં શબ્દો યાદ કરતું હતું કે, ‘સૌ સારા વાનાં થશે.’ પછી મનોમન જ સવાલ ઊઠતો હતો કે, ‘શું ખરેખર સૌ સારાં વાનાં થશે?’ સાંજના ઊતરી રહેલા ઓળાઓ તો એવું નહોતાં કહેતાં.
સોનગઢ ગામ પૂરું થાય પછી રાજકોટ જવાના રોડ પર દક્ષિણ તરફ પાલિતાણાનો રસ્તો ફંટાય છે. એ વિસ્તારમાં ઘણા બધાં જૈન કુટુંબો રહે. હતોત્સાહ એવા અમે બાપદીકરો ત્યાંથી નીકળ્યાં એ જ વખતે શ્રી હિંમતભાઇ નામના એક ભાઇ ત્યાંથી નીકળ્યાં. મારાં બાપુજીને જોતાં જ એમણે બૂમ મારી, ‘કેમ કાસમ? આજે આમ ચાલતાં ચાલતાં જાય છે?’ (મારાં બાપુને ત્યારે અમે ખૂબ ગરીબ હોવાથી બધા તુકારે જ બોલાવતાં. આજે આ બધા જ માણસો એમને કાસમભાઇ કરીને બોલાવે છે. પૈસામાં આદર ખરીદવાની પણ વણદેખી શક્તિ રહેલી હોય છે તે અમને સમયે બરાબર સમજાવ્યું.
‘બસ એમ જ !’ મારા બાપુજીએ ફક્ત એટલો જ જવાબ વાળ્યો.
‘મજામાં તો છે ને?’ હિંમતભાઇએ ફરીથી પુછ્યું.
‘હોવે! મજામાં જ છું!’ બાપુજીએ આટલો જવાબ ઉપલક મનથી જ દીધો. પછી અમે આગળ ચાલ્યાં. હજુ થોડાક જ આગળ ગયાં હોઇશું ત્યાં જ પાછળથી બૂમ પડી, ‘અરે કાસમ ! એક મિનિટ, આ તારી સાથે છે તે તારો દિકરો એ જ છે, જે બોર્ડમાં પણ એકાદ વિષયમાં નંબર લાવ્યો છે?’
‘હા, એ જ છે!’
‘અરે તો તો પાછો આવ!’ હિંમતભાઇએ અતિ ઉત્સાહથી કહ્યું, ‘અને એના માર્ક્સનો કાગળ કે કોપી કે એવું કંઇ છે તમારી સાથે?’
‘હા !,’ બાપુજીએ પાછા ફરતાં ટુંકો જવાબ આપ્યો, કારણકે આવું બધું તો સાંજથી લગભગ દસ વાર અમારે જોડે બની ચુક્યું હતું. અમે હિંમતભાઇ પાસે પહોંચ્યા. એમણે મારાં હાથમાં રહેલા કાગળો જોયાં. જોતાં જ એમણે આશ્ચર્ય વ્યકત કર્યું, ‘અરે! ભલા માણસ ! તું તો વાત પણ નથી કરતો કે આને તો મેડીકલમાં એડમિશન મળી ગયું છે.’
‘આજે સવારથી બધાને વાત કરતો હતો. પછી અત્યારે કંટાળીને તમને વાત ના કરી !’ મારા બાપુજી બોલ્યાં.
‘અરે, તું અત્યારે જ મારી સાથે ચાલ. તારા આ દીકરાને મારા ઘરે આવેલા એક મહેમાનને મેળવવો છે. આજે મારે ત્યાં પૂનાના એક ઉધોગપતી આવેલા છે. એમને આ છોકરાં સાથે મુલાકાત કરાવાની મારી ઇચ્છા છે. એક ગરીબ માણસનો છોકરો બારમાં ધોરણમાં આટલું સરસ રીઝલ્ટ લાવે અને મેરીટ પર મેડીકલમાં એડમિશન મેળવે એ જાણીને એમને ખૂબ આનંદ થશે. આમેય તારે આના માટે કંઇક મદદની જરૂર તો પડશે જ ને?’ આટલું બોલીને મારા સર્ટિફિકેટની કોપીમાંથી માથું ઊંચું કરી હિંમતભાઇએ મારા બાપુજી સામે જોયું. ચાર આંખ મળતાં જ એ સમજી ગયાં કે ‘જરૂર પડશે’ નહીં, જરૂર પડી જ ગઇ છે. આગળ કંઇ પણ કોઇ ન બોલ્યું. અમે ઉતાવળે હિંમતભાઇ ના ઘરે ગયાં. એમને ત્યાં મહેમાન તરીકે આવેલા પૂનાવાળા પેલા શેઠ ફળીયામાં હિંચકા પર બેઠાં હતાં. અમે એમને નમસ્તે કર્યુ, પછી બાપ દીકરો ત્યાં બાંકડા પર બેઠા. હિંમતભાઇએ મહેમાનને બધી વાત કરી. પેલા શેઠે મારા બધા સર્ટિફિકેટસ તેમજ એડમિશનના કાગળ જોયાં. એમના ચહેરા પરથી જ એ ખૂબ ખુશ થયા હોય તેવું લાગ્યું. એમણે મને પોતાની પાસે બોલાવ્યો. પછી મારી પીઠ થાબડી. ખિસ્સામાં હાથ નાંખીને એમણે 300 રૂપિયા કાઢ્યાં. મારા હાથમાં મૂક્યાં. હું ને મારા બાપુ સ્તબ્ધ થઇ ગયાં. જે રકમને માટે અમે બબ્બે દિવસથી ઝાંવા નાંખતા હતાં. તેને ઇશ્વર આમ એક શેઠના રૂપમાં અમારાં હાથમાં મૂકી રહ્યો હતો. મારી મૂંઝવણ પારખી ગયાં હોય તેમ એ શેઠ બોલ્યાં, “જો દિકરા ! આ પૈસા હું તને મારી ખુશીના આપુ છું. એ તારે ક્યારેય પાછા નથી આપવાનાં. પણ તું મોટો થા, ભણીને ડોક્ટર બની જા, પછી આવા કોઇ ગરીબ વિધાર્થીને મદદ જરૂર કરજે. અને હવે પછી દર છ મહીને તારે મને કાગળ લખવાનો. તારું બોનાફાઇડ સર્ટિફિકેટ મોકલવાનું અને હું તને નિયમિત પૈસા મોકલીશ. આ લે મારું કાર્ડ. આમાં મારું સરનામું છે.’ એમણે મને એમનું કાર્ડ આપ્યું.
થોડી વાર વાતો કર્યા પછી અમે ઊઠયાં. ઘરે જવા માટે હવે પગમાં પૂરી તાકાત આવી ગઇ હતી. મેં ભગવાનને કે એવી કોઇ પણ શક્તિને ક્યારેય જોઇ નથી પણ કોઇ ને કોઇ સ્વરૂપમાં એ આવીને મને મદદ કરી જતી હોય એવું એ વખતથી પ્રતીત થઇ રહ્યું છે. અમે બાપદિકરો તો જાણે પગ નીચે કઠણ અને ખરબચડી જમીન નહીં પણ પોચા પોચા રૂ ના વાદળો હોય તેમ ચાલતા હતાં. ઘરે પહોંચ્યા ત્યારે અંધારૂ પૂરેપુરું જામી ચૂક્યું હતું. બધાં અમારી જ વાટ જોતાં હતાં. આજે વાળું તૈયાર હતું પણ કોઇએ એક પણ દાણો ચાખ્યો નહોતો. અમે લોકોએ બધી વાત કરી ત્યારે આખા ઘરમાં ખૂશીની લહેર દોડી ગઇ. જાણે આજે જ એડમિશન મળી ગયાનો સાચો આનંદ બધાએ માણ્યો હોય તેમ લાગ્યું. હાસ્યને જાણે કોઇએ જાદુઇ ડાબલીમાંથી બહાર કાઢીને વેરી દીધું હોય તેમ ઘરનો ખૂણેખૂણો તાણમૂકત થઇ હાસ્યભેર બની ગયો હતો. બધાએ સાથે બેસીને વાળું કર્યું. બાપૂજીએ બધી માંડીને વાત કરી. એક પ્રકારની શાંતિ છવાઇ ગઇ. થોડીક વાર સુધી કોઇ કંઇ પણ બોલી શક્યું નહી. પછી દાદીમાં બોલ્યાં, ‘હું નહોતી કહેતી? ખુદા સૌ સારાં વાનાં જ કરશે. કર્યા ને?’…….
(હું એમ.બી.બી.એસ. થઇ ગયો ત્યાં સુધી પૂનાવાળા એ માનનીય શેઠશ્રી તરફથી મને નિયમિત મદદ મળેલી.)
ડો.આઇ.કે.વીજળીવાળા નાં પુસ્તક સાયલન્સ પ્લીઝ માંથી છે જે તેઓનાં જીવનમાં બનેલાં પ્રસંગો પર આધારિત છે...

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday, 2 September 2014

ખોટો સિક્કો – આશા વીરેન્દ્ર


અચાનક જ દિલ્હીના વેપારીને મળવાનું ગોઠવાયું. મુંબઈથી દિલ્હીનો લાંબો પ્રવાસ એકલા એકલા કરવાનો કંટાળો તો આવતો હતો પણ શું થાય ? છાપાં-મેગેઝીન વાંચવામાં થોડો સમય તો કાઢ્યો, પછી આજુબાજુ નજર કર લાગ્યો. સામેની બર્થ પર બેઠેલા 80-85 વર્ષના લાગતા વડીલે મારી સામે જોઈને માયાળુ સ્મિત કર્યું અને પૂછ્યું, ‘એકલા જ છો ?’ મેં હકારમાં ડોકું ધુણાવ્યું. વળી પાછું હસીને એમણે કહ્યું, ‘હું પણ એકલો જ છું. ચાલો, એકસે દો ભલા.’
પછી તો દાદાએ ધર્મ, રાજકારણ, ક્રિકેટ, વેપાર-ધંધા એવા કેટલાય વિષયો પર વાતો કરવાનું શરૂ કર્યું. ભલે આટલી ઉંમર હોય પણ એમની વાત કરવાની ઢબ રસ પડે એવી હતી. વળી દરેક વિષયનું એમને સારું એવું જ્ઞાન હોય એવું પણ જણાઈ આવતું હતું. મુસાફરીમાં બધાને જ ટાઈમ પાસ કરવો હોય એટલે ધીમે ધીમે આજુબાજુના મુસાફરો પણ અમારી વાતમાં જોડાતા જતા હતા. થોડી વારમાં જ મને ખ્યાલ આવ્યો કે, દાદા પાસે કહેવતોનો ભંડાર હતો. જે પ્રસંગની તેઓ વાત કરતા હોય એને અનુરૂપ કહેવાત કે ઉક્તિઓ અનાયાસ જ એમની વાતોમાં આવી જતી.

‘ચાય, ચાય, ગરમ મસાલેદાર ચાય….’ કરતો ચા વાળો છોકરો નીકળ્યો. એને મેં કહ્યું, ‘દો ચાય દેના.’ મેં અને દાદાએ ચા પીધી અને હું પૈસા આપવા ગયો ત્યારે મેં જોયું કે, મારી પાસે જે એક પાંચ રૂપિયાનો સિક્કો હતો એ તદ્દન કાળો પડી ગયેલો અને વજનમાં સાવ હલકો હતો. હું બારીમાંથી એ સિક્કો ફેંકવા જતો હતો ત્યાં દાદાએ મને રોક્યો.
‘
ફેંકશો નહીં. રાખી મૂકો ભાઈ, સંઘર્યો સાપ પણ કામ લાગે.’
‘
શું દાદા તમે પણ ! આ ખોટો સિક્કો વળી શું કામ લાગવાનો ?’
‘
જુઓ ભાઈ, એવું કહેવાય છે કે, ક્યારેક ખોટો સિક્કો અને નાલાયક બેટો પણ તમને બચાવી લેતા હોય છે.’ દાદાની વાત સાંભળીને મને રમૂજ થઈ. મેં કહ્યું :
‘
આવી બધી વાતો કહેવતોમાં જ હોય દાદા. હકીકતમાં કંઈ આવું થોડું હોય ?’ થોડી પળો માટે દાદા કંઈક વિચારમાં ખોવાઈ ગયા હોય એવું લાગ્યું. પછી હસતાં હસતાં એમણે પૂછ્યું :
‘
એ કહેવતને અક્ષરશઃ સાચી પાડનાર મારા અનુભવની વાત સાંભળવી છે ?’
‘
હા, હા, ચોક્કસ.’ મેં ઉત્સાહથી કહ્યું. સાથી મુસાફરો પણ કાન માંડીને સાંભળવા લાગ્યા.
‘જ્યારે હું બાવીસ-પચીસ વર્ષનો હતો ત્યારની આ વાત છે. મારા વતન સિયાલકોટથી મારે લાહોર જવાનું થયેલું. છ કલાકની, થકવી દે એવી ટ્રેનની મુસાફરી કરીને લાહોર પહોંચ્યો ત્યારે કકડીને ભૂખ લાગેલી. સ્ટેશનની નજીકમાં જ એક હોટેલ શોધી કાઢી. હોટેલમાં જઈને થાળીનો ઓર્ડર આપ્યો. નિરાંતે પેટ ભરીને જમ્યા પછી પૈસા ચૂકવવા માટે જ્યાં ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે, ખિસ્સું તો કપાઈ ગયેલું.’
‘
આ તો ભારે થઈ દાદા ! પછી તમે શું કર્યું ?’ એક જુવાનિયાએ પૂછ્યું.
‘
હું તો એકદમ મૂંઝાઈ ગયો. આ અજાણ્યા શહેરમાં હોટેલના પૈસા શી રીતે ચૂકવું. મેં લેંઘાનું બીજું ખીસું, કફનીનાં ખિસ્સાં બધું ફંફોસ્યું તો એક રૂપિયાનો સિક્કો મળ્યો તો ખરો પણ ખોટો.’
‘
ધારો કે સિક્કો સાચો હોત તો યે એક રૂપિયામાં શું થાય ?’ મેં કહ્યું.
‘
ના ભાઈ, ત્યારે તો ઘણી સસ્તાઈ હતી. ચાર આનામાં થાળી મળતી.’
‘
જાવ જાવ દાદા, તમે મજાક કરો છો. ચાર આનામાં વળી થાળી મળતી હશે ?’
‘
આજે તમે ભલે ન માનો પણ હું 60-62 વર્ષ પહેલાંની આ વાત કરું છું. મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો એટલે મને થયું, નસીબ અજમાવી જોવા દે. વાગ્યું તો તીર નહીં તો તુક્કો. હોટેલમાં એટલી બધી ભીડ હતી કે, કાઉન્ટર પર બેઠેલા માલિકે મારી પાસેથી જોયા વગર જ ખોટો સિક્કો લઈને ટેબલના ખાનામાં મૂકી દીધો ને ઉપરથી મને બાર આના પાછા આપ્યા તે જુદા.’ દાદાની આ વાત સાંભળીને અમે સૌ હસી પડ્યા.
‘હવે સાંભળો કહેવતનો બીજો એટલે કે, નાલાયક બેટાવાળો ભાગ. મારા બે દીકરાઓ સાવ નાના હતા ત્યારે એમની મા ગુજરી ગઈ. મેં ફરી લગ્ન ન કર્યાં અને એકલે હાથે છોકરાઓને મોટા કર્યા.’
‘
તમારા બંને દીકરાઓ શું કરે છે દાદા ?’ મને જાણવાની ઈંતેજારી થઈ.
‘
એ જ વાત કરું છું. મારો મોટો દીકરો પહેલેથી ભણવામાં ખૂબ હોંશિયાર. મેં ખૂબ મહેનત કરીને, ખેતર ગીરવે મૂકીને એને ડૉક્ટર બનાવ્યો પણ નાનો દીકરો સાવ મોજીલો. ભણવામાં જીવ લાગે નહીં. જેમતેમ મેટ્રીક પાસ થયો. એની ગેરહાજરીમાં હું એને માટે હંમેશા, ‘નાલાયક, બેજવાબદાર’ એવાં વિશેષણો વાપરતો. આજે દસ વર્ષ થયાં, મોટો દીકરો અમેરિકા જઈને વસી ગયો છે. અમેરિકન છોકરીને પરણ્યો છે અને મેં એને માટે જાત ઘસી નાખી એ વાત સાવ જ ભૂલી ગયો છે.’ વાત કરતાં કરતાં દાદાનું મન ભરાઈ આવ્યું. મેં એમને પાણી આપતાં પૂછ્યું :
‘
અને તમારો નાનો દીકરો ? હજીય એ કંઈ કામકાજ નથી કરતો ?’
‘
એની જ વાત કરું છું. ભલે એ ભણ્યો નહીં પણ મશીનો સાથે કામ કરવામાં એને બહુ રસ પડતો. સ્કૂટર અને મોટરના પાર્ટ્સ ઝીણવટથી જોતો ને બગડેલાં વાહન રીપેર કરવાની મહેનત કર્યા કરતો. એમ કરતાં કરતાં આજે એ ધમધોકાર ચાલતા ગેરેજનો માલિક બની ગયો છે. આ બધું કરવામાં એણે કોઈ દિવસ, મારી કોઈપણ પ્રકારની મદદની અપેક્ષા રાખી નથી. એણે શૂન્યમાંથી સર્જન કર્યું છે એમ કહીએ તો ચાલે. એના હાથ નીચે દસ મીકેનીક કામ કરે છે. એના ગેરેજ આગળ ગાડીઓની લાઈન લાગે છે.’
‘એ બધું બરાબર. પણ દાદા, એ તમારું ધ્યાન રાખે છે કે નહીં ?’
‘
અરે, એ અને એની ગુણિયલ પત્ની મારો પડ્યો બોલ ઝીલે છે. મોટા દીકરાને ડૉક્ટર બનાવવાની ધૂનમાં મેં એની તરફ પૂરતું ધ્યાન ન આપ્યું અથવા એને અન્યાય કર્યો એવો કોઈ રંજ એના મનમાં નથી. માટે જ કહું છું કે, ખોટો સિક્કો અને નાલાયક દીકરો પણ તમને બચાવી લેતા હોય છે.’

(એ.સી. તુલીની અંગ્રેજી વાર્તાને આધારે)
[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર. આપ આશાબેનનો (વલસાડ) આ નંબર પર +91 9428541137 સંપર્ક કરી શકો છો.]

Posted By: http://web-sarita.blogspot.com/

શિક્ષિત સસલું – કર્દમ ર. મોદી

એક સસલો હતો. તેનું મગજ જરા તેજ હતું. આથી નાનપણથી શિક્ષણ મેળવવાની ઝંખના વધારે પડતી હતી. આથી એને સારી શાળામાં દાખલ કરવામાં આવ્યો અને એ ખૂબ મહેનત કરતો અને ખૂબ સારા પરિણામો લાવતો. આથી ભણવામાં હંમેશાં એ મોખરે રહેતો. ભણવામાં મોખરે રહેવું એ ઘણી સારી વાત ગણાય પરંતુ સસલાની તકલીફ એ હતી કે સારું ભણવાને લીધે એ અભિમાની બની ગયો. અને જ્યાં ને ત્યાં એવું જ બતાવ્યા કરે કે પોતે જ બુદ્ધિશાળી છે અને બીજા બધા મૂર્ખ અથવા અજ્ઞાની છે. જેણે શિક્ષણ નથી લીધું તેનું જીવન એળે ગયું છે વગેરે વગેરે.
જ્યારે એ ભણીને ઘેર પાછો આવતો હતો ત્યારે પોતે બધાનાથી વિશેષ છે એવો ભાવ એના મનમાં રમ્યા કરતો હતો. એવામાં સામે એક મગર મળ્યો. સસલાને થયું કે ચાલ મગર સાથે થોડી વાતો કરીને માઈન્ડ ફ્રેશ કરું. એટલે એ મગર સાથે વાતે વળગ્યો. એણે મગરને પહેલાં જ પૂછ્યું કે, ‘તું શું ભણ્યો છે ?’ મગર કહે, ‘ભાઈ એ મારું કામ નહીં. આપણે તો બસ જીવન ગુજારીએ છીએ. ભૂખ લાગે ત્યારે નદીમાં પડવાનું, શિકાર શોધવાનો અને પેટ ભરાઈ જાય એટલે નદીના કાંઠે ઝાડ નીચે પડ્યા રહેવાનું. સસલો કહે, ‘અરે યાર, આ તે કંઈ જીવન છે. જે ન ભણ્યા એની જિંદગી પાણીમાં ગઈ અને તારી જિંદગી તો આમેય પાણીમાં જ પસાર થાય છે. તમને ખબર નથી પડતી કે તમે ભણ્યા વગર કેટલું ગુમાવો છો ! ભણો તો ખબર પડે કે આ દુનિયા કેટલી મોટી છે ? તમારામાં અને કૂવામાંના દેડકામાં કશો ફરક નથી. વળી, અભણ અને આંધળો બંને સરખા. કંઈક ભણો તો બુદ્ધિનો વિકાસ થશે.’ એમ કહીને સસલાએ શિક્ષણના મહત્વ પર લાંબુ લચાક ભાષણ આપી દીધું. મગર બિચારો સસલાના શિક્ષણ પરના આંતરરાષ્ટ્રીય કક્ષાના વિચાર સાંભળીને સૂઈ ગયો.

સસલાને થયું કે, ‘આ ઘનચક્કરને મેં ક્યાં શિક્ષણની વાતો કરી. આ જાડી ચામડીવાળાને આ વાતોની જરૂર જ ક્યાં છે ?’ એમ વિચારીને સસલો આગળ ગયો તો આગળ નદી પાર કરવાની આવી. હવે સસલાને તરતા આવડે નહિ એટલે શું કરે ? એટલે તરત જ એને મગરની યાદ આવી ગઈ. એ દોડતો દોડતો મગર પાસે આવ્યો. મગરને જગાડ્યો અને મગરની પીઠ પર બેસીને નદી પાર કરી. સસલાને થયું કે આ અભણ લોકો તો આ કામ માટે જ જન્મ્યા છે.
કાંઠાની પેલે પાર જઈ રસ્તામાં સસલાને વાંદરો મળ્યો. એટલે સસલાએ વાંદરાને પૂછ્યું કે, ‘તું ભણેલો છે ?’ વાંદરો કહે કે ‘ના.’ એટલે સસલાએ વાંદરાને પણ ઊભો રાખીને શિક્ષણ વિષે લાંબુલચાક ભાષણ આપી દીધું. એવામાં વરસાદ પડવા લાગ્યો. રાત કાઢવાનો પ્રશ્ન ઊભો થયો. સસલો ગભરાઈ ગયો. વાંદરો કહે, ‘હું વ્યવસ્થા કરી આપું છું.’ અને વાંદરાએ ઝાડ પર ચઢીને થોડી ડાળીઓ અને પાંદડા તોડીને નાની એવી સુંદર જગ્યા બનાવી દીધી કે જેની અંદર સસલાની રાત સારી રીતે પસાર થાય. જાણે કે એક નાની ઝૂંપડી. સસલાએ ચૂપચાપ રાત પસાર કરી અને સવારે શાંતિથી નીકળી ગયો. તેને થયું કે વાંદરાએ ઝૂંપડી ન બનાવી આપી હોત તો મારું આવી જ બનત.
પછી તેને કાબરો મળી. સસલાએ જાણી લીધું કે કાબરો પણ ભણી નથી. એટલે એણે વળી શિક્ષણના મહત્વની કેસેટ વગાડવા માંડી. વાત કરતાં કરતાં બપોર પડી. સસલાભાઈને ખૂબ ભૂખ લાગી. આજુબાજુ ક્યાંય ઘાસ નહોતું. એટલે કાબરો ઉડીને નદી કાંઠે જઈને લીલુછમ ઘાસ સસલા ભાઈ માટે લઈ આવી કે સસલાભાઈ આટલું ભણેલા છે તો આપણે એમની સેવા કરવી જોઈએ. વળી સસલું આગળ ગયું તો વાઘ મળ્યો. સસલાએ વાઘને પણ શિક્ષણની વાતો કરી અને આગળ વધ્યું. એવામાં સામેથી બે શિકારી કૂતરા સસલા તરફ ધસી આવતા હતા. સસલાને લાગ્યું કે, ‘હવે મર્યા.’ જીવ બચાવવા તે દોડ્યો સીધો વાઘ પાસે. વાઘે સસલાને શિકારી કૂતરાના પંજામાંથી છોડાવ્યું અને સસલું આગળ વધ્યું.
હવે સસલાને ખબર પડી કે પોતે બુદ્ધિ અને દિમાગના જોર પર ભણી તો કાઢ્યું પરંતુ પોતાની પાસે માત્ર પુસ્તકીયું જ્ઞાન જ છે, વ્યવહારુ જ્ઞાન તો છે જ નહિ. જીવન જીવવા માટે વ્યવહારુ જ્ઞાન જરૂરી છે. મગરની પાણીમાં તરવાની આવડત, વાંદરાની ઝૂંપડી બનાવવાની આવડત, કાબરની ઉડવાની આવડત અને વાઘની રક્ષણ કરવાની આવડત આગળ પોતાનું પુસ્તકીયું જ્ઞાન સસલાને થોડું ઉતરતું લાગવા માંડ્યું. એને થયું કે મગજની સાથે સાથે આપણા શરીરના અન્ય અંગો પણ કામ કરવા જોઈએ. ત્યારથી સસલાએ કમ સે કમ નહીં ભણેલા પ્રાણીઓને ઉતારી પાડવાનું અને મશ્કરી કરવાનું છોડી દીધું. એને થયું કે આ દુનિયા બધાથી ચાલે છે, માત્ર ભણેલાથી નહીં.

માણસે બૌદ્ધિક બનવા કરતાં હાર્દિક બનવું જોઈએ. બીજાને મૂલવવાની ગણતરીઓ છોડીને બીજાના સત્યનો સ્વીકાર કરવાની વાત જ માણસને સાચા અર્થમાં શિક્ષિત બનાવે છે. પરંતુ તર્ક-વિતર્કમાં ફસાયેલું આજનું શિક્ષણ આ બાબતથી જોજનો દૂર છે, એની વાત લેખકે અહીં આ પ્રાણીકથાના માધ્યમથી સુંદર રીતે વર્ણવી છે.
– કર્દમ ર. મોદી [આચાર્ય, પી.પી. પટેલ હાઈસ્કૂલ, ચાણસ્મા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9429671298 સંપર્ક કરી શકો છો.]
[રીડગુજરાતી માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Saturday, 30 August 2014

ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે ? -વેબદુનિયા


ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. 

શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. 

શ્રીગણેશ ચતુર્થીનું વ્રત  શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. તૃતીયા તિથિનો ક્ષય થવાને કારણે દ્વિતીયા યુક્ત ચતુર્થીમા આ વ્રત કરવામાં આવશે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી. 

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.`

[http://gujarati.webdunia.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 30 August 2014

Sunday, 24 August 2014

લગ્નની વ્યાખ્યા બદલાય છે….– અવંતિકા ગુણવંત

શાસ્તા અને તન્વય , લગ્ન થયાં ત્યારે બેઉ આસમાનમાં ઊડતાં હતાં. તન્વય સગર્વ કહેતો. ‘મારે જોઇતી હતી એવી જ પત્ની મને મળી, ભણેલી ગણેલી, પ્રોફેશનલ ડિગ્રીવાળી ઉપરાંત એની લાઇનમાં આગળ વધેલી’
શાસ્તા કહેતી હતી, ‘મને સમજી શકે, મારી કદર કરી શકે ને મારી કેરિયર ખીલવા દે એવો પતિ મારે જોઇતો હતો. તેથી તો આટલાં વરસો સુધી રાહ જોઇ. અંતે મારી પ્રતીક્ષા સાર્થક થઇ ગઇ.’
બેઉ એકબીજાને કહેતાં,’આપણે અન્યોન્ય માટે જ સર્જાયાં છીએ. આપણું જીવન એક આદર્શ જીવન હશે – સુખ અને સુંદરતાથી છલકાઇ જતું.’ બેઉ સમાન સ્વપ્નો જોતા હતાં. પણ એમનાં આ સ્વપ્નાં સાકાર નાં થયાં. એકાદ બે મહિનામાં જ એમના પ્રેમના મહેલમાં તિરાડો પડવા માંડી. ગીત-સંગીતના સ્થાને ઘાંટાઘાંટા અને ફૂંફાડા સંભાળાવા માંડ્યાં.
શાસ્તાની મોડા ઊઠવાની ટેવ, બહાર જવાની વખતે જ નહાવાની ટેવ, મન થાય ત્યારે જ રસોડામાં જવાની ટેવ, ઘડિયાળના કાંટે નહીં પણ મૂડ પ્રમાણે કામ કરવાની આદત તન્વયને ના ગમે. તન્વય શિસ્તબદ્ધ શૈલીમાં ઊછર્યો હતો. તેથી એ કચકચ કરતો, તો શાસ્તા કહે, ‘તારે દસ વાગે જમવાનું જોઇએ છે ને, ત્યારે તને મળી રહે છે, પછી હું રસોડામાં સાત વાગે પેસું કે નવ વાગે, તું શું કામ ચિંતા કરે છે?’
‘પણ મમ્મી તો સવારથી રસોડમાં જ હોય છે.’ તન્વય દલીલ કરતો.
‘મેં મમ્મીને કહ્યું છે, હું રસોઇ કરીશ. મેં જવાબદારી લીધી પછીય તેઓ રસોડામાં જાય તો હું શું કરું ?’
‘પણ તું મોડે સુધી બહાર બેસી રહે તો એમનો જીવ કેમ ઝાલ્યો રહે ? સવારે તો રસોડું સંભાળવું જ જોઇએ !’
‘રસોડું નહી રસોઇ; અને હું ક્યારે એ શરૂ કરું, કેવી રીતે કરું એ મારી પર છોડી દેવાનું હોય, તમારે તો ખાવા સાથે જ મતલબ રાખવાનો હોય.’ શાસ્તા કહેતી.
શાસ્તાની વાત સાચી હતી પણ પોતાની મમ્મી વરસોથી જે કાર્યપદ્ધતિથી ટેવાઇ ગઇ હોય એ રીતે શાસ્તા અનુસરે એવો તન્વય આગ્રહ રાખે ને શાસ્તાને એ વાત સ્વીકાર્ય નહીં. એ એની રીતને જ વળગી રહે. આમ મતભેદ ની શરૂઆત પછી તો શાસ્તાના દરેક કામમાં સાસુને ખામી દેખાવા માંડી ને એમનો બડબડાટ શરૂ થઇ ગયો.

દાળ બરાબર ઊકળી નથી, કયાંથી ઊકળે ? નવ વાગે તો કૂકર મુકાય છે. રોટલી ચવડ છે. શાક સરખું સીજ્યું નથી. રાયતું હજી બનાવ્યું નથી ? કચુંબરમાં લીંબુ નિચોવ્યું ને ! મને ખબર જ હતી. મન વગરનાં કામમાં ભલીવાર જ શું હોય ?’ શાસ્તાની રસોઇ માં ખામી કાઢવાની જ એવો ઘરનો જાણે નિયમ થઇ પડ્યો હતો. શાસ્તા રસોઇમાં બેદરકાર ન હતી, પરંતુ એના પિયરના અને અહીંના ટેસ્ટ અલગ હતા, રીત અલગ હતી તેથી એ નિખાલસતાથી કહેતી, ‘અહીંની રીત હાથે ચડતાં થોડી વાર તો લાગે ને !’ ‘વાર શું, તને રસોઇમાં રસ જ નથી.’ તન્વય તાડૂક્યો. તન્વય શાસ્તાને સમજવા પ્રયત્ન કરતો જ નહીં. શાસ્તા ડઘાઇ જતી. જે તન્વયને હું સંસ્કારી સમજતી હતી એ આવા સૂરે બોલે ? મારું અપમાન કરે ? સાસુ – સસરા બોલે તો એ જૂની પેઢીનાં છે એમ સમજી ને ચલાવી લેવાય. પણ તન્વયથી તો આમ બોલાય જ કેવી રીતે ? એણે તો બેઉ પક્ષ વચ્ચે સમતોલન રાખવું જોઇએ. બેઉને સાચવવા જોઇએ.
શાસ્તા ચા બનાવવા જતી હોય તોય તન્વય મોટેથી બોલે, ‘ચા બનાવજે.’ આ સાંભળે ને શાસ્તાનું મગજ ફરી જાય. એ કંઇ જવાબ આપતી નહી, પણ મોં પર ચોખ્ખો અણગમો પ્રદર્શિત કરતી. એના મનોભાવ જોઇને શાંત રહેવાના બદલે તન્વય બોલે જતો, ‘પાણી જેટલું જ દૂધ નાખજે, આદુ છે ને ? આદુ ના હોય તો એલચી નાખજે. બરાબર ઉકાળજે.’
ઓહો, એકસામટી આટલી બધી સૂચનાઓ ? ઘરમાંથી આવી સૂચનાઓ આ પહેલાં અપાઇ તો ગઇ જ છે, છતાં તન્વય શું કામ આવું બધું કહે છે ? એનાં મમ્મી પપ્પા ને ખુશ કરવા ? એ મારી પર હુકમ કરી શકે છે એવું બતાવવા ? તન્વય આટલો સામાન્ય છે ! શાસ્તા ખીજવાઇ ઊઠતી. એ તન્વયને કહેતી, ‘ તારા મોં એ આવું શોભતું નથી. નોકરનેય કોઇ વારંવાર સૂચના નથી આપતું અને આજે મારો આ પહેલો દિવસ નથી. તમારા ટેસ્ટ મુજબની ચા હું બનાવું છું એ તું જાણે છે.’
‘મેં તને કહ્યું ને તે સાંભળ્યું એમાં તારું કંઇ બગડી ગયું ? તું નાના બાપાની થઇ ગઇ ?’ તન્વય રુક્ષતાથી બોલ્યો.
આવી થર્ડક્લાસ ભાષા ? શાસ્તા સ્તબ્ધ થઇ ગઇ. એના ઘરમાં કોઇ આવી રીતે બોલતું નહીં. સંસ્કારી વિસ્તારમાં એનું ઘર હતું તેથી આવી તોછડાઇવાળી ભાષા કદી સાંભળી ન હતી. તે કંઇ બોલી નહીં. આવા સવાલનો શો જવાબ આપવાનો ? હવે તન્વયના અવાજમાં વારંવાર પુરુષનો હુંકાર સંભળાવા માંડ્યો. જાણે એ શાસ્તાને સતત યાદ દેવડાવા માંગતો હોય કે આ ઘરમાં તન્વયની ઇચ્છા પ્રમાણે જ બધું થાશે. શાસ્તાએ એ કહે એમ જ કરવું પડશે.
શાસ્તાએ પુરુષોની આ ગ્રંથિ વિશે ઘણું સાંભળ્યું હતું. સરખેસરખી બહેનપણીઓ તો હસતાં હસતાં કહેતીય ખરી કે હા એ હા કરવાનું પછી આપણું ધાર્યું કરવાનું, થોડું ફોસલાવતાં શીખી જવાનું. એની મમ્મીએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે ‘પુરુષ પોતાનો કક્કો ખરો કરવા માંગતો હોય ત્યારે મૌન જ રહેવું. કોઇ દલીલ ના કરવી. જો ને આ ઉંમરે આટલાં વરસો પછીય હું જ્યારે તારા પપ્પા આગ્રહપૂર્વક કંઇ કહેતા હોય ત્યારે ચૂપ જ રહું છું ને !’ શાસ્તાને માની આ શિખામણ બરાબર યાદ હતી છતાંય એ તન્વયને આટલું તો કહી જ કાઢતી કે, ‘ધીમે બોલેલું મને સંભળાય છે, એક વાર સાંભળેલું મને યાદ રહે છે.’
આવું સાંભળે ને તન્વય ગુસ્સાથી રાતોપીળો થઇ જતો. આમે એ ઝટ ગુસ્સે થઇ જતો ને આવેશમાં આવીને પોતે શું બોલે છે એનું ભાન રહેતું નહીં, ક્યારેક તો સામાન્ય વિવેક, રીતભાત ભૂલીને ડોળા કાઢતો, હાથ ઉગામીને શાસ્તાને ડરાવવા પ્રયત્ન કરતો. પછી તો શાસ્તા પોતાનો સંયમ છોડી ને ઇંટનો જવાબ પથ્થરથી આપતી. ઘડીકમાં વાતાવરણ ભારેલા અગ્નિ જેવું થઇ જતું. ઘરમાં બધાં ખળભળી ઊઠતાં. ઘરમાં સાસુ – સસરા પરંપરાગત ખ્યાલોવાળાં હતાં. તેઓ તો દ્રઢપણે માનતાં હતાં કે પત્નીએ પતિ કહે એમ કરવું જ જોઇએ. પતિની સામે બોલવું એ સંસ્કારની ખામી જ ગણાય. એમને શાસ્તા તરફ અણગમો આવી ગયો. શાસ્તા તરફના એમના વ્યવહારમાંથી હેતને ઉષ્મા અદ્ર્શ્ય થઇ ગયાં. તેઓએ શાસ્તાથી અળગા રહેવા માંડ્યું.
તેઓએ તન્વયને કહેવા માંડ્યું, ‘શાસ્તા વધારે પડતી આઝાદ છે, એની પર તો કડકાઇ રાખવી જ પડે. એ કમાય છે તો શું થઇ ગયું ? એનો રુઆબ એની ઓફીસમાં. ઘરમાં તો સ્ત્રીએ સ્ત્રીની રીતે જ રહેવું પડે. ભલે ને આજે આ વાતો નાનીને તુચ્છ લાગે પણ એનો આ સ્વભાવ ? – કાલે તો તન્વય, એ તારીયે પરવા નહીં કરે.’
તન્વયે શાસ્તાની વિરુદ્ધ થઇ ગયો. સંવેદનશીલ શાસ્તા માટે આ બધું અસહ્ય થઇ પડ્યું. આવું તો એણે કદી ધાર્યું જ ન હતું. એ વિચારે છે, ‘મારે આટલું બધું દબાતા રહેવાનું ? શું કામ ? શું કામ હું મારી જાતનું શોષણ થવા દઉં ? દામપત્ય જીવનનું આટલું બધું મૂલ્ય ચૂકવવાનું ?’
શાસ્તા રડતી, મેં ભૂલ કરી છે, તન્વયને ઓળખવામાં મેં ભૂલ કરી છે. પણ હવે શું ? કોઇ અંતિમ પગલું લેવાની એની ઇચ્છા ન હતી. તૈયારી ન હતી. એ જાણતી હતી કે એના લગ્નમાં ભંગાણ પડે તો એનાં માબાપ ને દુઃખનો પાર ના રહે. અને એમ એ ઝટ નિરાશ થાય એવી ન હતી. તેથી વડિલોની શિખામણ પ્રમાણે એ શાંત રહેતી. ચૂપચાપ તન્વયના ઘરની રીત પ્રમાણે રહેવા પ્રયત્ન કરતી પણ જેમ જેમ એ શાંતિ જાળવવા પ્રયત્ન કરતી એમ એમ એનાં સાસુ – સસરા વધારે જોર કરવા માંડ્યાં. શાસ્તાને પ્રેમથી સહકાર આપવાના બદલે શાસ્તા નોકરડી હોય એમ એને વધારે લાચાર પાડવા લાગ્યાં. હેતપ્રેમ તો શું એમની ફરજ અને વિવેકે વિસરી ગયાં. પરિસ્થિતિ સુધરવાનાં કોઇ ચિહન ન જણાતાં શાસ્તા પિયર જતી રહી. એના મનમાં હતું કે એની ગેરહાજરીમાં તન્વયને એની કિંમત સમજાશે, એની યાદ આવશે અને કડવાશ ઓછી થશે. પણ તન્વય તો શાસ્તાને તેડવા શું એક વાર મળવાય ન આવ્યો. આડકતરી રીતેય સંપર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો. શાસ્તાને માનભેર તેડી લાવવા કે એને મનાવવાની સાસુ –સસરાએ પણ દરકાર ના કરી. વટના સવાલ પર અડગ રહ્યાં.
શાસ્તા પિતાના ઘેર હતી, પણ તન્વય સાથેના અણબનાવના લીધે એ બહુ તંગ રહેતી. કોઇ કામમાં એનું દિલ ચોંટતુ નહીં. ચિડાયેલી ને અકળાયેલી માનસિક સ્થિતએ એનું શરીરે બગડ્યું. શાસ્તા એનું સત્વ ગુમાવવા માંડી. અને એ યંત્રણા રિબામણીથી છૂટકારો મેળવવા એણે છૂટાછેડા લઇ લીધા.
છૂટાછેડા થયા ને તન્વયનાં મા બાપ નું તો જાણે નાક જ કપાઇ ગયું; આબરૂ જતી રહી. તેઓ ધૂંઆપૂંઆ થઇને માત્ર શાસ્તાને જ નહીં સર્વિસ કરતી સમસ્ત સ્ત્રી આલમને બોલવા માંડ્યાં. કહેવા માંડ્યું કે ‘સર્વિસ કરતી છોકરીને ઘરમાં લવાય જ નહીં. એ પૈસા કમાય એની એટલી રાઇ હોય છે કે પોતાના ઘરનેય પોતાનું નથી ગણતી. પોતાના માણસનીય એને પડી નથી હોતી.’ પોતાની વાતના સમર્થનમાં તેઓએ સીધીસાદી દેખાતી, સર્વિસ ન કરતી ઘરેળુ છોકરી કૃતિની વહુ તરીકે પસંદગી કરી. એમને હતું કે કૃતિ બધી રીતે તન્વયને અનુકૂળ થઇને રહેશે. ઘરને સાચવશે પણ એવું ના થયું. કૃતિ ભલે કેરિયર વુમન ન હતી. પણ એને પોતાના ખ્યાલો હતા, અપેક્ષાઓ હતી. જીવન જીવવાની રીત હતી. એમાં બાંધછોડ કરવા એ તૈયાર ન હતી.
તન્વય હકૂમતભર્યા સૂરે એને કંઇ કહે તો મોં પર સખતાઇ લાવીને એ સ્થિર નજરે એની સામે જોઇ રહેતી. એ નજરનો અર્થ વાંચવાના બદલે તન્વય ખિજાઇને બોલતો, ‘તને સંભળાયું નહીં કે મેં શું કહ્યું એ ?’
ત્યારે કૃતિ જરાયે દબાયા વગર નિશ્ચલતાથી કહેતી, ‘સંભળાયું, બરાબર સંભળાયું પણ હું જે સાંભળું એ પ્રમાણે કરવા બંધાયેલી નથી.’
‘એટલે, એટલે તું શું કહેવા માગે છે?’
‘હું કહેવા માગું છું કે તમે તમારી રીતે જીવો. હું મારી રીતે જીવવા ટેવાયેલી છું. એમાં કોઇ ખલેલ પહોંચાડે એ મને પસંદ નથી.’
ગાલ પર તમાચો પડ્યો હોય એમ તન્વય વળ ખાઇ જતો. ગુસ્સામાં એ કૃતિ તરફ ધસી જતો.કૃતિ ડોક ટટ્ટાર કરીને પહેલાં કરતાંય વધારે કડકાઇથી બોલતી. ‘દૂર ઊભા રહો. મને આવેશમાં ભાન ગુમાવી બેસનાર માણસ પસંદ નથી.’
તન્વય ડઘાઇ જતો. ‘આના અવાજમાં તો જરાય નરમાશ નથી. આ તો મોટી સાર્જન્ટ છે. આની સાથે કેમ કરીને રહેવાય ?’ તન્વય મા આગળ હૈયાવરાળ કાઢતો. પૂછતો. ‘મમ્મી, આ તો કેમ સહન થાય?’ મા યે હવે તો પાઠ ભણી ચૂકી હતી. નવી પેઢીના બદલાતા આચારવિચારથી માહિતગાર થઇ ચૂકી હતી. એ કહેતી, ‘ બેટા, હવે તો સમય બદલાઇ ગયો છે. આજકાલની છોકરીઓ છોકરાઓ કરતાંય વધારે મિજાજી થઇ ગઇ છે, એ કોઇની દાબી નથી દબાતી. એમની રીતે જ વર્તે છે. એ કોઇને ગાંઠતી નથી.’
તન્વય કહેતો, ‘ પણ આના કરતાં તો શાસ્તા સારી હતી. કેટલીય વાર એ ગમ ખાઇ જતી. કોઇ વાર નાહકનો હું ગુસ્સે થઇ જતો તો’યે એ મારું અપમાન નહોતી કરતી. વિવેક ભૂલતી નહીં. એ રડતી પણ રિસાતી નહીં કે મનમાં ડંખ રાખતી નહીં. એ મારો, આપણા બધાંનો વિચાર કરતી.’
‘હા, સુમેળ સાધવા તરફ એનું વલણ રહેતું. એ કદી મહેણાં મારતી નહીં કે કટાક્ષમાં બોલતી નહીં. ઘરની વાત બહાર કરતી નહીં.’
‘એ આપણી રીતે રહેવા પ્રયત્ન કરતી હતી. પાછળ થી તો એ કેટલી ઢીલી થઇ ગઇ હતી. પોતાની જીદ અને આગ્રહ સાવ છોડી દીધાં હતાં.’ તન્વયના પિતા બોલ્યા.
‘આપણે થોડુંક સમજ્યાં હોત તો એ જતી ના રહેત. આપણે થોડી છૂટ મૂકવા જેવી હતી.’
ઘરમાં દરેક ને હવે શાસ્તાના ગુણ અને પોતાનાં વાંક દેખાવા માંડ્યા. તન્વયને તો પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. એ જીવ બાળતો કે પોતાની ભૂલ, અણસમજ અને નાદાનીના લીધે સદગુણી સોનાની પૂતળી જેવી શાસ્તા ગુમાવી. હવે એ દરેક વાતમાં કૃતિને શાસ્તા સાથે સરખાવતો ને એને કૃતિમાં દોષ અને ઊણપો જ દેખાવા માંડ્યાં. કૃતિ એના મનમાંથી ઊતરવા માંડી. એનું અસંતુષ્ટ મન કૃતિ સાથે ઝઘડી પડતું. એ એવા ઝનૂનમાં રહેતો કે ઘડી પછીય કૃતિને સોરી કહીને વાતાવરણ હલકું કરવાનું સૂઝતું નહીં. કૃતિ પણ શાસ્તાની જેમ છોડીને જતી રહેશે એવો વિચારે આવતો નહીં. શાસ્તા ગઇ એની અકળામણ, એનો પસ્તાવો બધું કૃતિ પર ગુસ્સારૂપે ઠલવાતું. પરિણામે કૃતિ એ સામે ચાલીને તન્વયને છૂટો કર્યો. કોઇ પૂછે તો એ વગર ખચકાયે કહેતી. ‘તન્વય પૂરો મેચ્યોર નથી. ક્યારેક અસ્થિર મગજનો હોય એવું લાગતું. એનાં સંસ્કારમાં ઊણાં છે. એના ત્યાંનું વાતાવરણ જ એબનોર્મલ છે. ત્યાં રહેવાય જ નહીં.’
આવું બધું ન તન્વય પાસે પહોંચતું ને એ સળગી ઊઠતો. એનું હ્રદય શાંતિ અને શાતા ઝંખતું પણ ક્યાં મળે એ ચેન ? એ રાહત ? એ નિરાંત ? ઘરમાં તો સૂનકાર એણે જ સર્જયો હતો. માબાપ પર હવે અભાવો આવી ગયો છતાં એનું મન પ્રેમપાત્ર તો ઝંખે છે.
ધીરે ધીરે એ પ્રેમપાત્રમાં શાસ્તાની આકૃતિ સ્પષ્ટ થવા માંડી. એના હ્રદય મનમાંથી શાસ્તા માટે પોકાર ઊઠ્યો. એણે માહિતી મેળવી હતી જે શાસ્તાએ ફરીથી લગ્ન કર્યાં નથી. એ તન્વય કે એનાં માબાપ વિશે જરાય ધસાતું બોલતી નથી. એણે વિચાર્યું તો તો શાસ્તાને જરૂર મારા માટે પ્રેમ જળવાઇ રહ્યો છે. કદાચ એ મારી વાટ જોતી હશે, પણ કેવી રીતે જવું એની પાસે ? અપરાધબોલથી એ એટલો પીડાતો હતો કે શાસ્તા પાસે જવાની હિંમત ચાલતી ન હતી.
એક વરસ ગયું, બે ત્રણ ને ચાર વરસ પછી એણે એક સમારંભમાં શાસ્તાને જોઇ. ને એનાં અવઢવ, સંકોચ સરી પડ્યાં. એ ઉતાવળા પગલે સામે ગયો. એનું મો ખીલી ઊઠ્યું હતું. આનંદ અને આશ્ચર્યથી આંખો ચમકતી હતી. પણ સામે જઇને ઊભો ને વાચા હણાઇ ગઇ. શું બોલવું, કેવી રીતે શરૂઆત કરવી ?
પણ એને સામેથી આવેલો જોઇને શાસ્તાએ વિવેકથી પૂછ્યું, ‘કેમ છો?’
’બસ તારી રાહ જોઉં છું.’ પોતાના માનસનો અહેવાલ તન્વયે આપી દીધો. પણ શાસ્તા કંઇ સમજી ના શકી. એને તો તન્વયના પરિવર્તનનો તાગ ન હતો તેથી પૂછ્યું, ‘એટલે ?’
‘હું તને તેડવા આવું ? તું આપણા ઘેર ચાલ. ‘તન્વયે મનમાં ઘૂંટાતી વાત પૂછી કાઢી.
‘હવે એ ઘર મારું ના કહેવાય.’ સંયતસૂરે શાસ્તા બોલી.
‘શાસ્તા, એ ઘર તારું જ છે. હું અને મમ્મી પપ્પા તારી રાહ જોઇએ છીએ. તું ચાલ.’
શાસ્તા ગંભીર અને ધીર પકૃતિની હતી. લાગણીમાં તણાયા વગર એ બોલી, ‘બીજી વાર કેમ એવું થયું ?’ તન્વયના બીજી વારના છૂટાછેડાની એને ખબર હતી.
‘શાસ્તા, સાચું કહું, તું મારી સાથે હતી ત્યારે મને કંઇ ભાન ન હતું કે હું તને કેટલો ચાહું છું, તું મારા ઊંડાણમાં કેટલી ઊતરી ગઇ છે, ત્યારે હું તારી સાથે ઝઘડતો હતો પણ તું ગઇ ને હું પાગલ થઇ ગયો છું. સ્વપ્નમાંય તને જોઉ છું ને મનોમન તારી સાથે વાતો કરું છું. મારા વાંકે જ આપણે જુદાં પડ્યાં. મને સાથે રહેતાં ના આવડ્યું. હું મારી જાતને નફરત કરું છું. હું મારી ભુલો, અણઆવડત કબૂલ કરું છું.’ તન્વય લાગણીવશ બોલે જતો હતો પણ શાસ્તા એ લાગણીના પૂરમાં ઘસડાયા વગર નિર્લેપભાવે બોલી, ‘જુદાં પડ્યાં પછી મોટા ભાગનાં પતિ-પત્ની આવું જ ફીલ કરતાં હોય છે. લગ્નની નિષ્ફળતામાં એમને પોતાનો જ વાંક દેખાય છે.’
શાસ્તાનો આવો અનાસક્ત ઉતર સાંભળ્યા છતાં તન્વય એવા જ આર્દ્રસૂરે બોલ્યો, ‘શાસ્તા, હું જે કહું છું એ સાચા મન થી કહું છું. મને મારી ભૂલ સ્પષ્ટ દેખાય છે, હવે ફરીથી અવું નહીં થાય એનું વચન આપું છું. ચાલ આપણે કોર્ટમાં લગ્ન કરી લઇએ.’
‘તમને તમારી ભૂલનો અહેસાસ થયો એ બરાબર છે, પણ ફરીથી લગ્ન કરવાને સાથે રહેવા આટલું પૂરતું નથી.’ શાસ્તા એ કહ્યું.
‘તો તું બીજી કોઇ ગેરંટી માંગે છે, કઇ શરત કરવા ઇચ્છે છે ? હું બધા માટે તૈયાર છું.’
‘હું લગ્ન વિશે શું માનું છું એ તો તમે જાણો છો, પહેલી વારે મેં તમને કહ્યું હતું ને આજે પણ એ પ્રમાણે જ માનું છું , કદાચ પહેલાં કરતાં પણ વધારે દ્રઢતાથી, મારી માન્યતા અને આદર્શમાં જરાય ફરક નથી પડ્યો.’
‘તારાં એ માન્યતા અને આદર્શ હવે મારાં થઇ ગયાં છે કે લગ્ન એટલે સ્ત્રીની જિંદગીને પુરુષની જિંદગીના ચોકઠામાં ઢાળી દેવાની નહીં. લગ્ન એટલે હેતપ્રેમ અને સમજપૂર્વકનું સહજીવન. કોઇએ કોઇ પ્રકારનાં આગ્રહ કે અપેક્ષા નહીં રાખવાનાં. બેઉની રીત, માન્યતા, ટેવ, આચારવિચાર, આહાર વિહાર, અલગ અલગ હોઇ શકે.’ મૌખિક પરીક્ષામાં સવાલનો જવાબ આપતો હોય એમ તન્વય કડકડાટ બોલી ગયો.
‘ઓહ, તમને તો બધું યાદ છે. પણ આની સાથે તમે હ્રદયમનથી સંમત થાઓ છો ?’
‘હા, હા, કેમ નહીં ? તારી વાત તદ્દન સાચી છે. દંપતી એવી રીતે જીવે તો જ જીવનમાં વિકાસ સધાય. આવી રીતે જ જીવવું જોઇએ.’ ઉત્સાહ થી તન્વય બોલ્યો.
‘પણ તમે એવી રીતે જીવી શકશો ?’
’હા, હું એવી રીતે જીવવા આતુર છું. શાસ્તા, સો સો વાર હું તને વચન આપું છું. આપણે એ રીતે જ જીવીશું. આપણા વિચ્છેદના અનુભવે મને ઘણું શિખવાડ્યું છે. શાસ્તા, હું ફરી વખત ભૂલ કરવા નથી માગતો. તને મારી પર વિશ્વાસ નથી આવતો ?’
‘તન્વય, સાચું કહું તો હું ફરી લગ્ન કરવાનું વિચારતી જ નથી. એક વખતનાં એ અનુભવે મને એવી છિન્નભિન્ન કરે નાખી હતી, માંડ હું એ બધામાંથી બહાર આવી છું, હવે ફરીથી એ દિશામાં ડગ ભરવાનું સાહસ ના કરી શકાય.’
‘આપણે છૂટાં પડ્યાં ત્યારે તું કેટલી વેદનાગ્રસ્ત હતી એ વખતનો તારો મૂરઝાયેલો ચહેરો હજીય મને બરાબર યાદ છે, એ યાદ આવે છે ને અંદરથી હું કોરાઉ છું. શાસ્તા, તું મને સતત યાદ આવતી હતી, તને હું યાદ નહોતો આવતો ? લાગણીસભર કંઠે તન્વયે પૂછ્યું.
‘વીતી ગયેલી જિંદગી ઝટ ભુલાય તો નહીં ને.’ શાસ્તાના અવાજમાં પણ ભીનાશ હતી.
‘તો તું મને મળવા કેમ ના આવી ? મને એક વાર કહેવડાવ્યું હોત તો ?’ તન્વય સરળતાથી બોલતો હતો. શાસ્તા એને પોતાની લાગતી હતી.
જવાબમાં શાસ્તા માત્ર હસી.
તન્વયે આગ્રહપૂર્વક પૂછ્યું, ‘આપણે ફરીથી ક્યારે મળીશું ?’
શાસ્તા મૌન જ રહે છે. તન્વય આજીજીપૂર્વક કહે જાય છે. ‘શાસ્તા, પ્લીઝ, તું પોઝીટીવ વિચાર કર. તું મળવાનું નક્કી કર. આપણે ફરી મળીશું નહીં તો મનમાં ઊઠતી શંકાઓનું નિરાકરણ કેવી રીતે આવશે ? આપણે એક કેવી રીતે થઇશું ?’
શાસ્તા વિચારે છે કે તન્વય પરિવર્તન પામ્યો છે પણ સાથે રહેતાં ફરી એક વાર એનું અસલી સ્વરૂપ દેખા દે તો ? એ ચલાવી લેવાની મારામાં સહિષ્ણુતા છે ? એક વાર એ લાચારીમાંથી છૂટી છું તો ફરી વાર એમાં સપડાવાની જરૂર ખરી ?
શાસ્તાને વિચારમગ્ન જોઇને તન્વય ફરીથી બોલે છે, ‘તારા મનમાં હજીય શું શંકા છે ?’
‘તન્વય હવે જીવન વિશેની મારી સમજ ધરમૂળથી બદલાઇ ગઇ છે. પહેલાં હું સુખી જીવન માટે લગ્ન અનિવાર્ય, આવશ્યક માનતી હતી. સંસાર, પોતાનો સંસાર રચાય તો જ પરમ સુખ મળે એવાં સંસ્કાર મને ગળથૂથીમાં મળ્યાં હતા. પણ અનુભવે સમજાય છે કે સુખ અનેક પ્રકારનાં હોય છે, સુખી થવાના અનેક માર્ગો છે, ક્યા માર્ગે સુખી થવાય એ માણસે પોતે, જાતે નક્કી કરવું જોઇએ. અને મને અનુભવે સમજાયું છે કે હું લગ્ન માટે નથી સર્જાઇ. મને મારી રીતે જીવતાં આવડી ગયું છે. લગ્નના નામે હું કંઇ છોડવા નથી ઇચ્છતી. ખંડિત થવા નથી માંગતી.’
‘શાસ્તા, લગ્નના નામે મારે કોઇ હક કે અધિકાર નથી જોઇતા.’
‘તો શું જોઇએ છે ?’
’સંગ, તારો સંગ. તું આપી શકે એટલો જ સાથ. શાસ્તા, હું તને એટલું જ કહેવા માગું છું કે હું તને પ્રેમ કરું છું. હું તારી રાહ જોઉં છું ને ચિરકાળ જોયા કરીશ.’ આટલું કહીને તન્વય ગયો.
શાસ્તાનાં મનમાં ઊથલપાથલ મચી. શું કરું ? હું શું કરું ? એનાં મમ્મી – પપ્પાને પૂછ્યું. મમ્મી બોલી, ‘તું આટલી બધી ડિસ્ટર્બ થઇ ગઇ છે એ પરથી તને નથી સમજાતું કે તુંયે તન્વયને ઝંખે છે ?’
‘પણ ફરીથી એવું જ બને તો ?’
‘પણ, પણ શું ? શાસ્તા, તું મનમાં જરાય સંદેહ ના રાખ. તારા જીવનમાં મંગળ ઘટના ઘટે છે, એને રોકવા નકામા ફાંફાં ના માર. ફૂલ ખીલે છે, એમ જ જીવનમાં પ્રેમ પાંગરે છે, એને પાંદરવા દે. તું ભાગ્યશાળી છે દીકરી, અંતે તન્વય તને સમજી શક્યો છે. અને માનભેર, પ્રેમથી એ તને બોલાવે છે. હવે તું સમય ના બગાડ.’
શાસ્તા સમય બગાડ્યા વગર તન્વય સાથે ફરીથી પરણી ગઇ.
[રીડ ગુજરાતી માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 24 August 2014

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.