વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday, 21 June 2015

ભગવાને જ્યારે પિતાની રચના કરી…. – ડૉ. આઈ. કે. વીજળીવાળા


ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે જ નાના બાળકને બચી ભરી શકશે. જો આવું જ થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું ?’
ભગવાન હસી પડ્યા અને બોલ્યા : ‘હા ! એ બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત ? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.’ આ ‘ઊંચાઈ’ શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.
એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા ! આંગળીઓ પણ જાડી અને બરછટ ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, ‘ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે ? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહીં જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું ?’
આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, ‘તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે ! એ બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે ! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એ જ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે એ હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે !’ નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, ‘ભગવાન ! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે ? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય ? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે ?’
ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા : ‘અરે ભાઈ ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત છે. આ મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.’ ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, ‘સાચું કહું પ્રભુ ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચ-રચીલાને કચરી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે ! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો !’
મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, ‘અરે નાદાન ફરિશ્તા ! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો ? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક ‘પાગલો પા…. મામાને ઘેર રમવા જા !’ તેમજ ‘ઢીચકા ઢમણ…’ જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકી એ ચાલશે. એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે. અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.’ દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.
રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો આ ચહેરો ન જ આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!’ આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો ! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે !!’
દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો. એ ચૂપ થઈ ભગવાનને વંદન કરતો ઊભો રહી ગયો.
[રીડ ગુજરાતી પ્રકાશિત અને ‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર.]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 21 June 2015

Sunday, 10 May 2015

પુરુષ એટલે શું? - કાજલ ઓઝા વૈદ્ય

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતાની વધુ નજીક હોય છે.
પુરુષ એટલે શું?
-પુરુષ એટલે પત્થરમાં પાંગરેલી કૂંપળ.
-પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ.
-પુરુષ એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ.
-પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ.
-પુરુષ એટલે રફટફ બાઇકમાં ઝૂલતું હાર્ટશેપનું કીચેઇન.
-પુરુષ એટલે બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું.
પુરુષ એ નથી જે ફિલ્મો કે ટી.વી.માં જોવા મળે છે; પુરુષ એ છે જે રોજબરોજની ઘટમાળમાંથી આંખ સામે ઉપસી આવે છે.
પુરુષ એમ કહે કે 'આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી' પણ એમ ના કહે કે 'આજે મન ઉદાસ છે.'
સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકતો પુરુષ પોતાના દર્દ શેર નથી કરી શકતો.
સ્ત્રી પુરુષનાં ખભા પર માથું ઢાળી રડે છે. જ્યારે પુરુષ સ્ત્રીનાં ખોળામાં માથુ છૂપાવી રડે છે.
જેમ દુનિયાભર ની સ્ત્રીઓને પોતાના પુરુષનાં શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે એ જ વખતે એ સ્ત્રીને ગળે લગાડી લેવાનો રોમાંચ પુરુષોને પણ થતો હોય છે.
હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી જગાડે છે ત્યારે પુરુષનો દિવસ સુધરી જાય છે.
જીતવા માટે જ જન્મેલો પુરુષ પ્રેમ પાસે હારી જાય છે અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે મૂળ સોતો ઉખડી જાય છે.
સ્ત્રી સાથે સમજણથી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બનીને રહી શકે પણ...બેવફાઇથી ત્યજાયેલો પુરુષ કચકચાવીને દુશ્મની નિભાવે છે.
ધંધામા કરોડોની નુકશાની ખમી જાતો પુરુષ ભાગીદારનો દગો ખમી નથી શકતો.
સમર્પણ એ સ્ત્રીનો અને સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.
પુરુષ માટે પ્રેમનાં સુંવાળા માર્ગ પર લપસી જવું એ એક થ્રીલ છે અને સહજ પણ છે; પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેકઝોન છે જ્યાંથી પાછી ફરેલી સ્ત્રીને એ ચાહી શકતો નથી.
પરણવું અને પ્રેમ કરવો એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે, પુરુષ માટે નહી.
એક જ પથારીમાં અડોઅડ સૂતા બે શરિરો વચ્ચેની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે પણ ફરિયાદ કરતો નથી.
પુરુષને સમાધાન ગમે છે, પણ જો એ સામે પક્ષેથી થતુ હોય તો.
ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.
સ્ત્રીનું રુદન ફેસબૂકની દિવાલને ભિંજવતું હોય છે પણ પુરુષનું રુદન એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી..!!
કહેવાય છે કે 'સ્ત્રીને ચાહતા રહો સમજવાની જરુર નથી'; હું કહુ છુ પુરુષને બસ.. સમજી લો.. આપોઆપ ચાહવા લાગશો

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 10 May 2015

Friday, 8 May 2015

સ્ત્રી પુરષના મિલન વગર જ થયો કન્યાનો જન્મ...


પ્રકૃત્તિનો નિયમ છે કે સ્ત્રી પુરુષના સંયોગથી જ સંતાનનો જન્મ થાય છે. આ નિયમ મોટેભાગે તમામ જીવો અને જંતુઓમાં પણ જોવા મળે છે. શાસ્ત્રોમાં આ વિશે જે કથાઓ મળે છે તેમાં સૃષ્ટિનો આરંભ બ્રહ્માજી યોગબળથી કરતા હતા પણ તેમને તે ક્રિયામાં ખુબ જ સમય લાગતો હતો.

બ્રહ્માજીએ ભગવાન શિવજીની તપશ્રર્યા કરીને પ્રાર્થના કરી કે સૃષ્ટિના વિકાસ માટેનો બીજો રસ્તો કાઢો. ભગવાન બ્રહ્માના તપથી પ્રસન્ન થયા અને પોતે અર્ધનારીશ્વરના રૂપમાં પ્રગટ થયા. તે પછી સ્ત્રી પુરષના મૈથુનથી સૃષ્ટિનો પ્રારંભ થયો. પણ આજે આપણે એ વિશે વાત કરીશું કે જે સૃષ્ટિના નિયમોથી વિરુધ્ધ શક્ય બન્યું. સ્ત્રી-પુરષના સંયોગ વગર જ એક બાલિકાનો જન્મ થયો. તે બાલિકાને જન્મ એક માછલીએ આપ્યો. 

આપણે જેની વાત કરી રહ્યાં છીએ તે છે ભિષ્મ પિતામહની અપર મા સત્યવતીની છે. તે મત્સ્યકન્યા તરીકે ઓળખાતી હતી. તેનો જન્મ કેવી રીતે થયો તે બહુ જ રસપ્રદ છે. રાજા સુધન્વા એક વખત શિકાર પર ગયા હતા. પાછળથી તેમની પત્ની રજસ્વલા થઈ અને તેને ગર્ભધારણ કરવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. રાણીએ એક શિકારી પક્ષી ગ્વારા રાજાને પોતાનો સંદેશો મોકલી આપ્યો. રાજાએ જવાબમાં એક પાત્રમાં પોતાનું વિર્ય આપીને રાણીને પહોંચાડવા પક્ષીને આપ્યું.

માર્ગમાં અન્ય શિકારી પક્ષી મળી જતા બંને પક્ષીઓ વચ્ચે યુધ્ધ શરૂ થઈ ગયું. દરમિયાન પક્ષી પાસેથી વીર્યપાત્ર છૂટી જતા યમુના નદીમાં પડ્યું. તે સમયે બ્રહ્માજીના શ્રાપથી એક અપ્સરા યમુના નદીમાં રહેતી હતી. તેણે તે વીર્ય ગ્રહણ કરી લીધું. તેનાથી તે ગર્ભવતી થઈ. 

ગર્ભકાળ પૂરો થવા આપ્યો ત્યારે તે એક માછીમારની નેટમાં ફસાઈ ગઈ. તે માછલી અલગ પ્રકારની અને વિશાળ હતી તેથી તેને રાજદરબારમાં લઈ જવામાં આવી. રાજા સુધન્વાએ તેનું પેટ ચીરવા આદેશ આપ્યો ત્યારે તેમાંથી એક બાળક અને એક કન્યા પ્રાપ્ત થઈ. રાજા સુધન્વાએ બાળકને પોતાની પાસે રાખી લીધો જ્યારે કન્યાના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોવાથી તેને માછીમારને સોંપવામાં આવી. ત્યારથી તે કન્યાનું નામ મત્સ્યગંધા પડી ગયું. 

માછીમારે કન્યા મોટી થતાં તેનું સૌંદર્ય ખિલવા લાગ્યું. માછીમારે તેને યાત્રિકોને હોડીમાં યમુના પાર કરાવવાના કાર્યમાં લગાડી દીધી. એક દિવસ ઋષિ પરાશર યમુના પાર કરવા મત્સ્યગંધાની હોડીમાં બેઠા. તેનાથી તે મોહિત થઈ ઉઠ્યા.

તેમણે મત્સ્યગંધા સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો અને તેનાથી સંતાન ઉતપન્ન કરવાની વાત કરી. ત્યારે કન્યાએ ના પાડી દીધી કે આપણુ મિલન કેવી રીતે શક્ય છે? તેનાથી મારું કૌમાર્યભંગ થશે. ત્યારે ઋષિએ તેને વચન આપ્યું કે સંતાન ઉતપન્ન કર્યા પછી પણ કુંવારી જ રહેશે. અને તેના શીરમાંથી આવતી ગંધ પણ ચાલી જશે. ત્યારે તે તૈયાર થઈ. ઋષિએ પોતાના તપોબળથી ઘનઘોર ઘુમ્મસ સર્જી દીધું અને મત્સ્યગંધા સાથે મિલન કર્યું.

તેમના મિલનને પરિણામે મહર્ષિ વ્યાસનો જન્મ થયો. તેના શરીરમાંથી આવતી ગંધ ચાલી ગઈ અને સુગંધ પ્રસરવા લાગી. ત્યારથી તેનું નામ ગંધા અને સત્યવતી પડ્યું. અંતે તે રાજા શાંતનું સાથે લગ્ન કરીને કુરુવંશની રાજરાણી બની.
[ http://www.sandesh.com/article.aspx?newsid=3073307 માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 8 May 2015

Saturday, 7 March 2015

વિશ્વ મહિલા દિન...

આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સહુ સ્ત્રીઓને હાર્દિક અભિનંદન.
આજે અમે women  day ઉજવવા ગયા હતા ..સ્ત્રી અંગેની કેટકેટલીય ચર્ચા  થઈ.એક સ્ત્રી આવતી નવી પઢીને વારસામાં શું આપી શકે? . .સ્ત્રી આપી શકે.. પ્રેમ,સરળતા ,સચોટતા.મક્ક્મતા ,સમજદારી…સમર્પણ..સહનશીલતા અને ..દયા ,કરુણા, માન.,માફી મિત્રતા …સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ,.સ્ત્રી તો દૈવી શક્તિ છે. સ્ત્રી એટલે સેવા,. તો કોઈએ કહું કે સ્ત્રી સપના પણ બીજા માટે જુએ છે .માટે સ્ત્રીને  સંતોષ થાય તો  ઓડકાર  સમાજને આવે છે . જે કુટુંબ, સમાજમાં  દેશ માં સ્ત્રીનો ઉત્કર્ષ  થાય ત્યાં  સફળતા દેખાય છે ..

પહેલા સ્ત્રી વિષે થોડી વાતો ..સ્ત્રી એટલે શું? સ્ત્રી હોવું એટલે શું?……સ્ત્રી એટલે કોણ?…સ્ત્રીમાં એવું તે કયું તત્વ છે કે જે એને સૌથી અલગ પાડે છે??…..આવા અનેક સવાલો ઊઠે છે અને ગૂંજે છે…તેમજ   કેટ્લાય સંશોધનો થાય છે. કેમ ? કારણકે આ સ્ત્રીતત્વજ એવું છે. .”લાગણીઓથી સભર અને સાવ સરળ માનવદેહ એટલે સ્ત્રી.” .સ્ત્રી એટલે પરિપુર્ણતા અને સંપુર્ણતા, સ્ત્રી એટલે સરળતાતો ખરીજ પણ સાથે સચોટતા પણ! balance સ્ત્રી કઠોર હોઇ શકે પણ નિષ્ઠુરતો ન જ હોય.એનાં શરીરનું બંધારણ જોઈ એને અબળા કહી હશે પણ સ્ત્રીનું મન અને હ્ર્દય સાવ સબળ અને મક્ક્મ-સબળશક્તિ. વધુમાં અનુકૂલન અને વિલોપન..ધીરજ,ગંભીરતા,
મમતા,મક્ક્મતાંનો સમન્વય એટલે સ્ત્રી.જેને સ્થિતીની સંપુર્ણ સમજદારી હોય.જે સાથોસાથ ચાલે.અને અડધી જવાબદારી પોતાનાં ખભે ઉપાડે.એટલેજ કદાચ અર્ધાંગની પણ કહી હોય!! જે દુધમાં  ખાંડની જેમ ભળે,પોતાનું અસ્તિત્વ ગુમાવે અને સંપુર્ણતઃ મિઠાશ ફેલાવે. તે સ્ત્રી ..
છે ખરી આધ્યશક્તિ રૂપ, સંસાર મહીં, નારી,
છે સાચી સબળશક્તિ રૂપ, સંસાર મહીં, નારી.
છે પુરી, પ્રબળશક્તિરૂપ, સંસાર મહીં, નારી,
છે સારી પુરણ શક્તિરૂપ, સંસાર મહીં, નારી.
છે ખરી નારાયણી રૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી પરમેશ્વરી રૂપ, સંસાર મહીં, નારી.
છે સાચી પ્રેમ સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે પુરી મમતારૂપ, સંસાર મહીં, નારી.
છે સારી ત્યાગ સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી કરુણા સ્વરૂપ, સંસાર મહીં, નારી.
છે સાચી ક્ષમા સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી માન સ્વરૂપ, સંસાર મહીં, નારી.
by-દેવજી ચૂડાસમા.
-88888888888888888888888888888888888888-
નારી તું નારાયણી
નારી તું નારાયણી હો જગત જનની કહેવાય છે
જગત કેરું તું   સર્જન  કરનાર  તારો મહિમા અપરંપાર
તું જ છે  વિદ્યા ને તું જ છે મહા માયા
ઐશ્વર્યની દેવી ભંડાર ભરનાર  તારો મહિમા અપરંપાર
તું બની સીતા તું  જ બની  દ્રોપદી
કામ ક્રોધી રાક્ષસો ને હણનાર તારો મહિમા અપરંપાર
રામની તું કોઉંશ્લ્યા ને કૃષ્ણ ની દેવકી
જશોદા રૂપે તું જ  પાલનહાર  તારો મહિમા અપરમ્પાર
દીધાં છે  તે રત્નો ભારત ભરમાં
શિવાજી,પ્રતાપ ગાંધી  સરદાર  તારો મહિમા અપરંપાર
ઝુલાવે પારણું તે જગ શાસન કરે
ઇન્દિરા,માર્ગરેટ,હસીના ,મેયર તારો મહિમા અપરંપાર
પધારે ત્યારે ગૃહ લક્ષ્મી પદ પામે
બાળક જન્મે માતૃપદ પામનાર તારો મહિમા અપરંપાર
કદી તું અવકાશે કદી જમીને લડી
દુશ્મનોને તારા દેખાડ્યા અપાર તારો મહિમા અપરંપાર
ગાવે ગોવિદ ને સ્વપ્ન સજાવે
નારી તું જ છે જગતનો શણગાર તારો મહિમા અપરંપાર .
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )
88888888888888888888888888888888888888888888888888888888888

પ્રહલાદ પ્રજાપતિ

સ્ત્રી એક રૂપ અનેક [ કાવ્ય ]

======================

સવાર પડે ને બસ ઉઘડે ભૂખ આ પેટની
શરુ થાય,કોલાહલો જીવન ના દિશાઓ મહી
દ્વાર ઉઘડે, ધમ, ધમતી,ચોમેર જિંદગીઓ ફરે
ધંધા, રોજગારનો અરમાનો લઇ માનવો ફરે
રસ્તાઓ ઉભરે, ભીડના, બઝારો સૌ ધમ ધમે
પોઠિયા બની સૌ સ્ત્રી પુરુષ જીવન રથ ને ખેચે
એમોયે હે નારી તું દિવસનો ભાર ઉચકીને વહે
જગત જનની,રાખે,વંશ,જગતનો કુખે ગર્ભ ધરી
માં,બહેન,બેટી ,સ્ત્રી,નો સર્વે અવતારો તું, નિભાવે
વોચી ન શકયા નર,તુજ લલાટે લખેલ જીન્દગી
કોયડો તું,દેવોને પણ ,દેનારી જન્મ,તું ,હે,સંનારી,
કોટી કોટી વંદન,જન્મોજનમ,હે,વૈતરો,ને,વેઠનારી
888888888888888888888888888888888888888888888888888888888888

વિશ્વના સર્જનહારનું અનોખું, સર્જન છે નારી!

સમાયા એકમાં અનેક ચહેરા, એ દર્પણ છે નારી!!

યુવા-વસંતે કામદેવનું, મોહક નર્તન છે નારી!
તો જરાની પાનખરે, દિલાસાનું દર્શન છે નારી!!
મા-બહેન-પત્ની-પુત્રી, પ્રિયતમાના રૂપમાં!
ન જાણે કેટકેટલા સ્નેહના સગપણ છે નારી!!
સંસારભરના પાપોનું પવિત્ર, તર્પણ છે નારી!
અમૂલ્ય ભેટ ‘નર’ને ‘નારાયણ’ની,અર્પણ છે નારી!!
નટવર કંવારિયા, અમદાવાદ
******************************
નારી હું નવા યુગની,
નારી મુક્તિ,નારી સ્વાંતંત્ર્યના
કરું ભાષણો..
મેળવું બધાની વાહ વાહ!
સમાજમાં પામું એક ચોક્કસ સ્થાન
માન,પાન ઇનામ,અકરામ
પતિ જાહેરમાં ગર્વ લઇ શકે જેને માટે
પત્ની એ બની શકું.
નારી હું નવા યુગની…!!!
ઘરમાં આવું ને ચડવાનું,
વહેવાર ના ચાકડે,
મારે તો બનવાનું…
ભોજયેષુ માતા,કાર્યેષુ મંત્રી ને…શયનેષુ રંભા….
(ઇચ્છા,અનિચ્છાનો કોઇ સવાલ નહીં)
શબ્દોના ઘા કરી ચાલી જાય કોઇ નિરાંતે,
ને હું આખી વેરવિખેર…!!
અસ્તિત્વના થાય લાખ લાખ ટુકડા.. 
હું એ એક એક ટુકડામાં
મને શોધ્યા કરું…શોધ્યા કરું……
નારી હું નવા યુગની!!
નીલમ દોશી.
88888888888888888888888888888888888888888888
નારીને નમન
by:પ્રદીપ બ્રહ્મભટ્ટ
સકળ સૃષ્ટિને મહેંક મળે, જ્યાં નારી ને સન્માન મળે
જીવ જગતની અજબ લીલાએ, નારી થી સંસાર વસે
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
અવની પરના આગમનને, માતા થકી અવતાર મળે
મહેંક જગતમાં મહેંકી રહે, જ્યાં માતાથી સંસ્કાર મળે
અનુસર્યા જ્યાં શ્રીરામને,  ત્યાં જગત સીતારામ ભજે
સંસ્કાર સિંચન મળી રહે,  જ્યાં પતિને નારી વરી રહે
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
પરમકૃપાળુ પરમાત્માને, અવનીપર અવતાર મળ્યો
માતાની મમતા મેળવી લઇને, નારીનો ઉધ્ધાર કર્યો
રામકૃષ્ણનામ લીધાત્યાં,સીતારામ ને રાધેશ્યામ જપે
નારી ને જ્યાં સન્માન મળે,એઅવનીનો આધાર બને
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
આશિર્વાદમળે જ્યાં માતાના, નાજગે જરુર કોઇની પડે
સદા સરળતાના સોપાન દીસે,ને પ્રેમ સૌનો જગે મળે
નારી એ તો નારાયણી રહે,  જ્યાં પ્રભુ ભક્તિએ   સ્નેહ
ના અવધ વિહારી,ના કુંજબિહારી, મળ્યો માતાથી દેહ
….. સકળ સૃષ્ટિને મહેંક મળે
===============================================
પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી
અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ ઘરમાં હો અંધારૂ
તારા વિના તો સૂરજ પણ ના ફાવે, નારી તું નારાયણી
તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી
નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી
મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી
- અમિત ત્રિવેદી
888888888888888888888888888888888
જાગી છે નારી શક્તિ,હવે રણે ચડી સીમા(દુર્ગા)અને અંબિકા,
દુશ્મનના ખૂનથી ખપ્પર એના ભરશે  ચંડિકા અને કાલિકા.
888888888888888888888888888888888888888888888888888888888
જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..
જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…
જ્યાં જુઓ ત્યાં નારી
સર્જનહારનું અનોખું, સર્જન નારી
દિનેશભાઈ નાયક


************************************************
[શબ્દોનું સર્જન... સર્જન ને ઉમંર સાથે સબંધ નથી … https://shabdonusarjan.wordpress.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 7 March 2015

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.