વાંચવા જેવું, વિચારવા જેવું… – ડૉ. આઈ. કે. વીજળીવાળા વેબ સરિતા વેબ સરિતા: વાંચવા જેવું, વિચારવા જેવું… – ડૉ. આઈ. કે. વીજળીવાળા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday, 20 April 2014

વાંચવા જેવું, વિચારવા જેવું… – ડૉ. આઈ. કે. વીજળીવાળા

Image result for thinking pix
[અ] શેતાનની ચાલબાજી
એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા :
[1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો !
[2] એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો !
[3] અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો. અઠવાડિયે એક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !
[4] એમનાં બાળકોને ખૂબ ઠઠારાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતી થવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.
[5] આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં !

[6] ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરાવી દો કે એના વગર એને ચાલે જ નહીં. દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરી દો કે શાંતચિત્તમાં ઊઠતા આત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો.
[7] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભું કરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.
[8] ટેલિવિઝનમાં એને ભ્રમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓથી ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો. એકએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.
[9] ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝચૅનલો રચો. પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.
[10] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો. પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.
[11] લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવું કરી નાખો.
[12] ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભ્રમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની, સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે !
બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા. ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા. દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ વાર !…
.
[બ] એક સાદી કસોટી
તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું, તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.
[1] 1984ની સાલના દુનિયાના 3 સૌથી ધનવાન માણસોનાં નામ આપો.
[2] 1977નું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
[3] 1980ની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર ત્રણ એથ્લેટ્સનાં નામ આપો.
[4] હિમાલયન કાર રેલીના 3 વિજેતાઓનાં નામ આપો.
[5] ગુજરાતી સાહિત્યપરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર પાંચ જણનાં નામ આપો.
કાં ?!! કેમ લાગ્યું ?
જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ ! પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે આ બધી. સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ ! છતાં આપણને એ લોકો આટલાં થોડાં વર્ષો બાદ યાદ પણ નથી રહેતાં. તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઈનામો, ઍવૉડ્રઝ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો.
હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ. નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ :
[1] એવા 3 શિક્ષકોનાં નામ આપો જેણે તેમને નિશાળ કે કૉલેજકાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય.
[2] એવા 3 મિત્રોનાં નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય.
[3] તમારા સાચા રાહબર બન્યા હોય તેવા 3 વડીલોનાં નામ આપો.
[4] પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
[5] જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હો તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો !
કાં ?! હવે કેવું લાગ્યું ?? અત્યંત સહેલું ને ?
કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા ઍવૉર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહીં પરંતુ આપણું હૃદય તો જીવનપર્યંત એમને યાદ રાખે છે !! (મૂળ શીર્ષક : A little perspective)
.
[ક] વિશ્વની સાત અજાયબીઓ
સાતમા ધોરણનો ભૂગોળનો કલાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાની વિદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી :
ઈજિપ્તના પિરામિડ
તાજમહાલ
પિઝાનો ઢળતો મિનારો
પનામા નહેર
એમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિંગ
બેબીલોનના બગીચા
ચીનની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધ્યાનમાં આવ્યું કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને બતાવ્યો નહોતો.
‘કેમ બેટા ! કંઈ તકલીફ છે ? યાદ નથી આવતું ?’ શિક્ષકે પૂછ્યું.
‘નહીં સર ! એવું નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી કહેવાય. એવું મને લાગે છે.’ શિક્ષકને નવાઈ લાગી. સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા, ત્યાં આ છોકરી તો ઘણીબધી અજાયબીઓની વાત કરે છે !
‘ચાલ બોલ જોઉં, તેં કઈ સાત અજાયબીઓ લખી છે ?’ શિક્ષકે કહ્યું.
પેલી બાળકી થોડીક ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી… મારા માનવા મુજબ વિશ્વની સાત અજાયબીઓ છે :
સ્પર્શવું
સ્વાદ પારખવો
જોઈ શકવું
સાંભળી શકવું
દોડી શકવું, કૂદી શકવું
હસવું અને
ચાહવું, પ્રેમ કરવો

શિક્ષક સ્તબ્ધ બની ગયા. કલાસમાં પણ શાંતિ છવાઈ ગઈ. એમને થયું કે ભલે ભૂગોળની દષ્ટિએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી… આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલ અદ્દભુત રચનાઓને સામાન્ય ગણતા હોઈએ છીએ ?! પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શક્તિ આપે.

[‘અંતરનો ઉજાસ’ અને ‘મોતીચારો’ & http://www.readgujarati.com/ માંથી સાભાર.]

Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.