જન્માષ્ટમી : માધવ કથા કે માનવ કથા ! - પરિમલ નથવાણી વેબ સરિતા વેબ સરિતા: જન્માષ્ટમી : માધવ કથા કે માનવ કથા ! - પરિમલ નથવાણી
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday, 17 August 2014

જન્માષ્ટમી : માધવ કથા કે માનવ કથા ! - પરિમલ નથવાણી



શિવ, રામ અને કૃષ્ણ ભારતીય જન-જીવનનાં અભિન્ન તત્ત્વો છે. શિવ તો મહાદેવ કહેવાય જ છે, રામ અને કૃષ્ણને પણ આપણે ઈશ્વરી તત્ત્વ તરીકે પૂજીએ છીએ. શિવરાત્રી, રામનવમી અને જન્માષ્ટમી માટે આપણી આસ્થા એક સરખી છે, તેની ઉજવણીના પ્રકાર ભલે અલગ હોય. તેના ઉલ્લાસ અને ઉમંગ વધતા-ઓછા હોઈ શકે છતાં આ ત્રિદેવ યુગોથી આપણા આરાધ્ય ઈશ્વર રહ્યા છે. છતાં આપણે શિવશંકર, રામચંદ્ર કે કૃષ્ણચંદ્ર જેવાં નામો ધરાવતા સંખ્યાબંધ માણસો હિન્દુસ્તાનમાં શોધી શકીએ, એટલું જ નહીં, આ મૂળ તત્ત્વોનાં નામોની વિભિન્ન અર્થછાયાઓ અને વિભિન્ન નામ છાયાઓ ધરાવતાં નામો પણ છે. જેમ કે શિવજી, રામજી, કાનજી વગેરે. દક્ષિણ ભારતમાં તો એક જ વ્યક્તિ 'શિવરામકૃષ્ણન્' હોઈ શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે, આપણા લોહીમાં, આપણી નસોમાં, આપણા હોર્મોન્સ અને જીન્સમાં આ નામો એવાં ભળી ગયાં છે, એટલાં ભળી ગયાં છે કે, કોઈ કાળે તે અલગ ન થઈ શકે. આ દેવોને આપણે કથા, કવિતા અને સાહિત્યમાં દેવો કે ઈશ્વર ઉપરાંત ઇતિહાસ પુરુષો તરીકે, અવતાર પુરુષો તરીકે અને માનવ-સહજ લીલા કરતાં દૈવી પુરુષો તરીકે પણ નિરુપ્યા છે. આ પણ આ દેવો પ્રત્યે, આ ઈશ્વરી તત્ત્વો પ્રત્યે આપણી આસ્થા, શ્રદ્ધા, ભાવના, ભક્તિ અને પ્રેમ પ્રર્દિશત કરવાનો એક પ્રકાર છે. તેથી જ યુગોથી આપણે તેમના જન્મ-દિવસો ઊજવીએ છીએ.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એક એવો જ રાષ્ટ્રીય તહેવાર છે. રાષ્ટ્રીય એટલા માટે કે, આખા દેશમાં તે ઊજવાય છે. કૃષ્ણના જીવનનો પ્રભાવ એટલો વિશદ્ અને એટલો ગહન છે કે, આપણે અચંબિત થઈ જઈએ. તેની સાથેનું આપણું તાદાત્મ્ય અદ્ભુત છે- 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ' કહેનાર નરસિંહ કૃષ્ણને મોંઢે મોંઢ ચોપડાવી શકે કે, 'કાનજી તારી મા કહેશે, પણ અમે કાનુડો કહેશું...' આ એ જ નરસિંહ કે જે તળાજા પાસેના ગોપનાથના શિવમંદિરમાં ભગવાન શંકરને પ્રસન્ન કરી તેમની પાસે શ્રીકૃષ્ણની રાસલીલાનું દર્શન કરવાની માગણી કરે અને શંકર તે પૂરી પણ કરે. આ એ જ શ્રીકૃષ્ણ જે જાતે ગીતામાં એમ કહે કે, 'શસ્ત્રધારીઓમાં હું રામ છું.' આ એ જ રામ કે જે મહાન શિવભક્ત રાવણની સાથે યુદ્ધ કરવા જતાં પહેલાં રામેશ્વરમ્માં શિવની સ્થાપના કરે. આ એ જ શિવ જે પાર્વતીજીને રામચરિતનું રસપાન કરાવે. આ એ જ શિવ જે બાળકૃષ્ણનાં દર્શન માટે જોગીનું રૃપ લઈ ગોકુળમાં નંદ-જશોદાને આંગણે અડિંગો જમાવે. જગતભરનાં ધર્મોમાં, સાહિત્યમાં કે લોકજીવનમાં બાળકને ઈશ્વર તરીકે ભજવાના, તેને લાડ લડાવવાના, તેનાં ગુણગાન ગાવાના, તેની પૂજા કરવાના કે તેને યાદ કરવાના ભાગ્યે જ કોઈ દાખલા મળશે જેટલા બાળ કૃષ્ણના મળે છે. 'વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ્ બાલ મુકુન્દમ્ મનસા સ્મરામિ.' આપણે વડનાં પાનના સંપુટમાં સૂતેલા બાલ કૃષ્ણને મનથી યાદ કરીએ છીએ. 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ' એમ કહીને મીરાંબાઈ છડેચોક જાહેર કરે કે, 'જા કે સંગ લોકલાજ મેરો પતિ સોઈ...' એક નારીની ખુદ્દારીનું આટલું ડંકે કી ચોટ પર કહેવાયેલું ઉદાહરણ દુનિયાની મહિલાઓના ઇતિહાસમાં ક્યાંય જડે નહીં, કારણ કે કૃષ્ણ મીરાંની આંતરિક તાકાત છે.
પુષ્કળ ઐશ્વર્ય, શારીરિક ક્ષમતા, ધન સંપત્તિ, અસ્ત્ર-શસ્ત્ર અને સૈન્ય બળ ધરાવતા દ્વારકાધીશ શ્રીકૃષ્ણને આપણે એટલા માટે પૂજીએ છીએ કે, તમામ ઈશ્વરી તાકાત અને ચમત્કારિક શક્તિઓ ધરાવતા શ્રીકૃષ્ણ એક ઝંઝાવાતી માનવસહજ જીવનનું દૃષ્ટાંત પણ પૂરું પાડે છે. આ એક એવો ઈશ્વર છે જે વાંસળી પણ વગાડે અને ગાયો પણ ચારવા જાય. માખણની ચોરી કરે અને મલ્લ-કુસ્તી પણ કરે. ગેડીદડો પણ રમે અને જમુનાનાં નીર ભરવા જતી પાણિયારીઓનાં માટલાં પણ ફોડે. ગોપીઓનાં વસ્ત્રો પણ હરે અને તેમની સાથે રાસ પણ રમે. સુદર્શન ચક્રથી દુષ્ટોનો સંહાર કરે અને વરદ્-હસ્તે દ્રૌપદીનાં ચીર પૂરે અને સુદામાનું દારિદ્રય હરે. મામાનો વધ કરી જન્મ-દાતા માતા-પિતાને કેદમાંથી છોડાવે અને પાલક માતા-પિતાને ગોકુળમાં ત્યજીને મથુરા અને દ્વારકા પહોંચી જાય. દુર્યોધન સાથે એક રાજવી તરીકે સંધિ-વિગ્રહ માટે ચર્ચા કરે, પણ વિદૂરને ત્યાં ભાજીનું ભોજન કરે. કર્ણનાં કવચ-કુંડળ ઊતરાવી લે અને અર્જુનના રથની લગામ પણ સંભાળે. કૃષ્ણનું સમગ્ર જીવન જાણે ઘટનાઓની એક વણથંભી વણઝાર છે. કેટલાં બધાં કષ્ટો, કેટલી બધી વિષમતાઓ, કેટલાં બધાં ઘર્ષણ, કેટલાં બધાં ઉત્તરદાયિત્વો, કેટલી અવમાનનાઓ, કેટલા સંઘર્ષ, કેટલાં દુઃખો, કેટલાં કષ્ટો! બેસુમાર, પારાવાર.
કષ્ટો સહેવાથી કૃષ્ણ મળે તેમ આપણે કહીએ છીએ. કદાચ તેથી જ કૃષ્ણ આપણને આપણા પોતાના લાગે છે. તેથી જ આપણે તેમનાં ગુણગાન કરીએ છીએ. તેથી જ આપણે તેમની સ્તુતિ કરીએ છીએ. તેથી જ આપણે તેમની કથાઓ કરીએ છીએ. તેથી જ આપણે તેમની કવિતાઓ કરીએ છીએ. તેથી જ આપણે તેમનું રટણ કરીએ છીએ. તેથી જ તેમનું ભજન કરીએ છીએ. તેથી જ આપણે તેમને ભણીએ છીએ અને તેથી જ તેમને ભજીએ છીએ. એકવાર નહીં, અનેકવાર, વારંવાર.
ટૂંકમાં, કૃષ્ણ એક કલ્પના નથી- એત મિથ નથી- પણ વસ્તુતઃ એક હકીકત છે. મહાભારત, સ્કંદ પુરાણ, હરિવંશ વગેરેમાં સવિસ્તાર ર્વિણત કૃષ્ણ એક વાસ્તવિકતા છે, એક સચ્ચાઈ છે. કૃષ્ણ જો કે કાલાતીત છે, પરંતુ વિવિધ વિદ્વાનોએ શ્રીકૃષ્ણના જીવન-કાળને પાંચ હજાર વર્ષ જેટલો પ્રાચીન પ્રમાણિત કર્યો છે. આપણી ભારતીય શક સંવત ચૈત્ર માસથી શરૃ થાય છે. હાલ શક સંવતનું ૧૯૩૫મું વર્ષ ચાલે છે. જ્યોતિષશાસ્ત્રીઓના કહેવા મુજબ કળિયુગનો આરંભ ચૈત્ર સુદ પડવાના દિવસે શક પૂર્વે ૩૧૭૬ વર્ષ એટલે કે ૫૧૧૧ વર્ષ પહેલાં થયો હતો. તેની અગાઉ છ મહિના પહેલાં માગશર સુદ-૧૪ના રોજ મહાભારતનું યુદ્ધ થયું હતું જે અઢાર દિવસ ચાલ્યું હતું (ગીતાના અધ્યાય અઢાર છે, કૌરવો-પાંડવો બંનેની સેનાઓ મળીને અઢાર અક્ષૌહિણી સૈન્યનું આ યુદ્ધ હતું). ત્યારે શ્રીકૃષ્ણની ઉંમર ૮૩ વર્ષની હતી. શ્રીકૃષ્ણના સમયમાં માગશર મહિનાથી વર્ષની શરૃઆત ગણવાનો રિવાજ હશે તેવાં પ્રમાણ મળે છે. મહાભારતમાં માગશર મહિનામાં વસંતનું આગમન ગણવામાં આવ્યું છે. ગીતામાં શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં 'માસાનાં માર્ગશીર્ષોહમ્' અને 'ઋતુનાં કુસામાકર' અર્થાત્ 'મહિનાઓમાં હું માગશર છું' અને 'ઋતુઓમાં વસંત' એમ કહ્યું છે. જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનોએ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં માગશર માસમાં વસંતની શરૃઆત થતી હોવાનું નોંધ્યું છે.
શ્રીકૃષ્ણ દ્વાપર યુગના અંત અને કળિયુગના આરંભના સંધિકાળ સુધી વિદ્યમાન હતા. પ્રભાસ પાટણ (સોમનાથ/ વેરાવળ ક્ષેત્ર)માં યાદવાસ્થળી બાદ તેમણે બચી ગયેલા સૌને તત્કાળ દ્વારકા છોડી જવા કહ્યું. પોતે પારધીના બાણથી વીંધાઈને ૧૧૯ વર્ષનું આયુષ્ય ભોગવી દેહ છોડયો અને સુવર્ણનગરી દ્વારિકાને દરિયો ગળી ગયો. શ્રીકૃષ્ણનો જીવનકાળ શક સંવત પૂર્વે ૩૨૬૩ અને ૩૧૪૪ વચ્ચેનો છે.
પુરાતત્ત્વવિદો જણાવે છે કે, પાંચ હજાર વર્ષ પહેલાં આખી પૃથ્વી ઉપર એવો પ્રલય થયો હતો કે, ભયંકર ધરતીકંપ, સમુદ્રી તોફાનો અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ ઘટી. નદીઓના પ્રવાહો બદલાયા. સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ થયું. આવી ભયાનક દુર્ઘટનાઓ તે સમયે વર્તમાન ઇરાનના બગદાદ તથા મેક્સિકોમાં પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી. હસ્તિનાપુર, દ્વારકા વગેરેમાં આ પ્રકારના પ્રલયનાં વર્ણનો મહાભારત અને શ્રીમદ્ ભાગવત્ સહિતનાં પુરાણોમાં મળે છે. એમ મનાય છે કે, તે સમયની ભૂગોળમાં બગદાદ, મેક્સિકો, હસ્તિનાપુર અને દ્વારકા લગભગ એક જ અક્ષાંશ રેખા ઉપર કે તેની આજુબાજુ સ્થિત હતાં,જેમ આજે પણ આ સ્થળોના અક્ષાંશમાં બહુ ઝાઝો ફેર નથી. એટલે કૃષ્ણ તથા દ્વારકાની કથા પાંચ હજાર વર્ષ જૂની તો છે જ તે પુરાતત્ત્વીય પ્રમાણેની રીતે પણ ર્નિવાદ છે.
આમ, સૌ કોઈનાં મન મોહી લેનાર આ માધવ કથા એ માનવ કથા છે. કૃષ્ણની કથા છે. દ્વારકાની કથા છે. દ્વારકાધીશની કથા છે. જય દ્વારકાધીશ.

(લેખક દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તથા રાજ્યસભાના સાંસદ છે)
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.