આપણે મોટેભાગે આપણા સંબંધમાં આવતા લોકોનાં વાણી-વર્તન તરફ ઘ્યાન આપતા હોઈએ છીએ પણ ભાગ્યે જ તટસ્થ રહીને આપણાં વાણી વર્તનનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ. જો આપણે આપણું નિરીશ્રણ કરતા હોઈએ છીએ. જો આપણે આપણું નિરીક્ષણ કરવાની ટેવ પાડીએ તો આપણો વ્યવહાર અને પરમાર્થ બંને ઘણાં સુધરી જાય. એનો અર્થ એ થયો કે આપણા આલોક અને પરલોકને સુધારવાનો માર્ગ બહારથી અંદર તરફ જતો હોય છે પણ દુર્ભાગ્યે આપણી નજરમાં તે આવતો નથી પરિણામે આપણાં બેય બગડે છે.
હવે આપણે વિચાર કરીએ કે આપણાં વાણી વર્તનને કોણ ઘડે છે ? આપણાં વાણી વર્તનનો જે વ્યવહાર છે તે આપણી અંદર પડેલી વૃત્તિઓને કારણે હોય છે. આપણે ધર્મમાર્ગમાં આગળ વધવું હોય કે સ્વસ્થ રહીને જીવવું હોય તો સૌ પહેલાં આપણે આપણી વૃત્તિઓનું નિરીક્ષણ કરવાની ટેવ પાડવી જોઈએ. વાત એકલા નિરીક્ષણની નથી પણ તેનાથી શરૂઆત કરીને સૌ પહેલાં આપણે આપણને બદલવાના છે. આપણને ઓળખવાના છે. દુનિયાને બદલવા નીકળેલા આપણે આપણને બદલવાનું જ ભૂલી જઈએ છીએ. સૌનો વાંક કાઢનારા આપણે આપણો જ વાંક જોઈ શકતા નથી. તેને લીધે આપણે આપણું મોંઘામૂલું જીવન હારી જઈએ છીએ.
પ્રથમ તો આપણે એ વાત સમજી લેવાની જરૂર છે કે આપણે દુનિયાને નહિ બદલી શકીએ પણ આપણે આપણને બદલીને દુનિયામાં જે તે રીતે સમાવેશ કરી લેવાનો છે અને એ જ સુખ શાન્તિનો માર્ગ છે.
હવે આપણે એ વિચાર કરીએ કે આ વૃત્તિઓ ઉત્પન્ન કેવી રીતે થાય છે અને માણસના જીવન ઉપર તે કેવી રીતે અસર કરે છે. આપણું મન સતત વિચાર કરતું રહે છે. આપણા મનમાં સદાય વિચારોના તરંગો ઉઠતા જ રહે છે. આપણું અંતઃમન ઉંઘમાં પણ તરવરાટ કરે છે તેને કારણે આપણે ભાત-ભાતનાં સ્વપ્નાં જોઈએ છીએ. મન વિચારોનું બીજું નામ છે, વિચાર જ્યારે ગાઢ બને છે ત્યારે તે વૃત્તિ બને છે. આ વૃત્તિઓ બીજ જેવી છે. તેમાં આપણા રાગ-દોષનું સિંચન થતાં તે ફૂલેફાલે છે અને પછી આપણાં વાણી-વર્તન તરીકે તે બહાર આવે છે અને તેનાં જે તે પરિણામો આપણે ભોગવવાં પડે છે. તેથી માણસે પોતાની વૃત્તિઓને ઓળખવી જોઈએ અને જો તે બરોબરન હોય તો તેને પુરૂષાર્થ કરીને બદલવી જોઈએ. વૃત્તિઓને બદલવા માટે જરૂર રહે છે આંતરિક પુરૂષાર્થની.
વૃત્તિઓ આપણા કર્મબંધનું કારણ છે. વૃત્તિઓ જ આપણને પાપ-પુણ્યમાં જોડે છે.
માણસ માત્રની વૃત્તિઓનો ત્રણ ભાગમાં સમાવેશ થઈ જાય છે. સાત્ત્વિક, રાજસી અને તાપસી. સાત્ત્વિક એ સ્વસ્થતાની પ્રકૃતિ છે. રાજસી ભોગ અને ચંચળતાની પ્રકૃતિ છે, તાપસી એ ક્રોધ-કપટ અને હિંસાની પ્રકૃતિ છે. આ પ્રકૃતિમાં નિરંતર ફેરફાર થતા રહે છે અને આ ફેરફાર કરનાર પરિબળ વૃત્તિઓ છે. હવે જો વૃત્તિઓ બદલાય તો પ્રકૃતિ બદલાય, પ્રકૃતિ બદલાય તો વાણી-વર્તન બદલાય અને જીવન બદલાય. વૃત્તિઓ જ કર્મબંધનું મૂળકારણ છે તેથી માણસેસતત પોતાની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ અને વિવેકબળથી અને વિચાર બળથી તેમાં ફેરફાર કરતા રહેવું જોઈએ. આત્મજાગૃતિ હોય તો જ આ થઈ શકે. આ એક સાધના છે. મંદિરોમાં જઈને દર્શન-પૂજા કરવા કરતાંય આ કામ કઠિન છે. વાસ્તવિકતામાં આપણા ધર્મની સઘળી ક્રિયાઓનું લક્ષ્ય પરિવર્તન છે પણ જ્યાં આપણે વૃત્તિઓનું નિરીક્ષણ જ ન કરતા હોઈએ, તેના સારાસારનો વિવેક રાખતા ન હોઈએ ત્યાં તેમાં પરિવર્તન કેવી રીતે કરવાના ?
જો આપણું જીવન કેવળ સ્વાર્થી લાગણીઓવાળું, વાસનાને પોષણ આપનારું અને તે મેળવવા માટે રૌદ્ર પ્રવૃત્તિવાળું હોય, અનેક જીવોનો સંહાર કરનારું અને તેમને દુઃખ આપનારું હોય તો આપણી મનોવૃત્તિઓ તાપસી ભાવનું પોષણ પામીને આપણા બીજા જન્મને ઘણો દુઃખ રૂપ ઉત્પન્ન કરે છે.
એનો અર્થ એ થયો કે આપણા આલોકને અને પરલોકને સુખી અને સ્વસ્થ રાખવા માટે આપણી વૃત્તિઓનું જ મહત્ત્વ છે. તેથી જીવનમાં કોઈ પુરુષાર્થ કરવાનો છે તો તે આપણી વૃત્તિઓનું નિરીક્ષણ કરી, તેમની વચ્ચે વિવેક કરીને હલકી પ્રકૃતિમાંથી સારી પ્રકૃતિમાં જવાનો. જો આપણા ઉપર તામસી પ્રકૃતિનો પ્રભાવ હોય તો રાજસી પ્રકૃતિમાં જવા પ્રયાસ કરવો રહ્યો. રાજસી પ્રકૃતિનો પ્રભાવ આપણા ઉપર હોય તો આપણી અંતરમનની વૃત્તિઓને બદલીને સાત્ત્વિક પ્રકૃતિમાં જવા માટે પુરૂષાર્થ કરવાનો છે અને જો સાત્ત્વિક પ્રકૃતિમાં હોઈએ તો ત્રણેય પ્રકૃતિઓથી પર થઈ જવાનો પુરૂષાર્થ કરવાનો છે.
આત્માની અધોગતિને બદલે ઉન્નતિ ગતિમાં જવાનું સામર્થ્ય આપણા હાથમાં જ છે. જીવનમાં જ્યારે અને જ્યાં તક મળે ત્યારે તેને ઝડપી લઈને આપણે જે પ્રકૃતિમાં હોઈએ તેનાથી ઉચ્ચ પ્રકૃતિમાં જવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. ભગવદ્ ગીતામાં આ વાત વિગતે કહેવાયેલી છે. વૃત્તિ નિરીક્ષણ એ ધર્મનું આવશ્યક અંગ છે. જેના તરફ આપણે ઓછું લક્ષ આપીએ છીએ પરિણામે ઘણી બધી ધર્મપ્રવૃત્તિઓ કરવા છતાંય આપણે ધર્મથી વેગળા ને વેગળા રહીએ છીએ. જીવનમાં વૃત્તિ નિરીક્ષણ કરવાનો અભિગમ રાખ્યો હશેતો આપણી ઉત્તરોત્તર ઉન્નતિ જ થતી રહેવાની.
- ચંદ્રહાસ ત્રિવેદી
[ગુજરાત સમાચાર માંથી સાભાર]
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT