વેબ સરિતા: November 2014
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday, 23 November 2014

બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથી … - ડૉ. ગ્રીવા છાયા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.

 

epilepsy
હમણા જ 16 તારીખે  world epilepsy awareness day ગયો. ઉપરાંત આ અખો નવેમ્બર મહિનો એ આવી સમસ્યા અંગે વધુને વધુ જાગૃતિ કેળવાય તે હેતુથી ‘એપીલેપ્સી અવેરનેસ્સ મંથ’ તરીકે યાદ રખાય છે. તો એ નિમિતે બાળકોમાં ખેંચની સમસ્યા અંગે જાણીએ તેમજ થોડા વધુ જાગૃત થઈએ સારવાર માટે.
ખેંચની સમસ્યા એ દરેક ઉમરની વ્યક્તિને હોઈ શકે. પણ જયારે એ સમસ્યા કુમળી વયમાં જ લાગુ પડી જાય ત્યારે એ બાળકની સાથે સાથે એના બાળપણને પણ અસર કરે છે. એટલે કે એ બાળકના સંપૂર્ણ વિકાસને થોડે ઘણે  અંશે રૂંધાવી શકે છે. 
ખેંચની સમસ્યા, જેને સીઝર ડિસોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમસ્યામાં સામાન્ય રીતે બાળકમાં કોઈ કારણસર ગમે તે સમયે કે સ્થિતિમાં, ફરી ફરીને ખેંચ આવતી હોય છે. અહી, ખૂબ વધારે તાવને પરિણામે આવતી ખેંચની વાત નથી.એ તદન અલગ પ્રશ્ન છે
ખેંચની સમસ્યા લગભગ 5 થી નાની વયના બાળકોમાં વધુ જોવા મળે છે. એમાંથી કેટલાક બાળકોમાં જેમ ઉમર વધે ને બાળક પુખ્ત થાય એટલે આ સમસ્યા જાતે જ ઠીક અથવા તો કાબુમાં આવી શકે છે. ઘણાખરા કિસ્સામાં પુખ્તતા આવ્યા પછી પણ આ પ્રશ્ન ચાલુ જ રહેતો જોવા મળી શકે. ઘણા બાળ દરદીના કિસ્સામાં એમની માતાઓને કાયમ એવી ચિંતા રહ્યા કરતી હોય કે બાળકને સ્કૂલ, પ્રિ  સ્કૂલ કે નર્સરીમાં જ ક્યાંક ખેંચ તો નહિ આવે ને !!! અહી એ ખાસ સમજી લેવું કે થોડી સમયસુચકતા તેમજ જાગૃતિ રાખવાથી તેમજ જે તે સ્કૂલના ટીચરના સહયોગથી પરિસ્થિતિ આરામથી જાણે બાળકને કઈ થયું જ નથી એ રીતે સાંભળી શકાય છે. કેટલાક બાળકોમાં ખેંચની સમસ્યા એ તેમની કેળવણી તેમજ સ્વભાવગત બાબતો પર ઊંડી અસર પડી શકે છે.

ખેંચની સમસ્યા ના કારણો: 

આમ તો મોટાભાગના કિસ્સાઓમાં કોઈ નિશ્ચિત કારણ હોતું નથી. કે એ કોઈ પ્રકારના રીપોર્ટ કરાવવાથી પણ પકડાતું નથી.
સામાન્ય ભાષામાં સમજીએ તો મગજની સંવેદનાઓને એક્સાઈટ  કરતા તેમજ  કાબૂમાં રાખતી પ્રક્રિયાઓમાં થોડું નિયમન ખોરવાય છે. 

કન્જેનીટલ એપીલેપ્સી :

 એટલે કે ખેંચની સમસ્યાઆનુવાંશિક હોઈ શકે.
એટલે કે બાળક ખેંચની સમસ્યા થઇ શકવાની તાસીર કે જનીન લઈને જ  જન્મે છે.

એક્વાયર્ડ એપીલેપ્સી : 

જેમાં જન્મ સમયે કે ડીલીવરી સમયે મગજમાં કોઈ ડેમેજ કારણભૂત હોઈ શકે. જેમકે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો અભાવ, મગજમાં બ્લીડીંગ થવું (જેમ પ્રી મેચ્યોર બાળકમાં જોવા મળે છે એમ ).
ઘણી વખત જન્મ પછી થતા અમુક જોખમી પ્રકારના ચેપને લીધે પણ મગજનો વિકાસ ખોરવાય છે. પરિણામે તે બાળકમાં ખેંચની સમસ્યા ઉદભવી શકે છે. ઉપરાંત, મગજને ઈજા કે મગજમાં ગાંઠ પ્રકારની સમસ્યા પણ કારણભૂત હોઈ શકે.

ખેંચની સમસ્યા(એપીલેપ્સી ) ના પ્રકાર  :

બાળકોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારે આ સમસ્યાને સમજી શકાય …
૧]   જેમાં ખેંચ આવે એ માટે મગજનો આખો ભાગ શરૂઆત થી જ કાર્યરત હોય. જેને generalised seizure કહે છે.   આ પ્રકારની ખેંચમાં બાળક સભાનતા ગુમાવી શકે છે.    તેમજ તેમાં શરીરના મોટાભાગે દરેક સ્નાયુઓને અસર થાય છે. 
૨]   જેમાં ખેંચ શરુ થાય ત્યારે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય. જેને focal /local  seizures કહે છે, જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી.
૩]   જેમાં ખેંચ સમયે મગજનો કોઈ એક જ ભાગ કાર્યરત હોય અથવા બીજા ભાગો ને પણ સમાવેશ થયેલ હોય.  જેને  partial  seiizures  હે છે.   જેમાં બાળક સભાનતા ગુમાવતું નથી તેમજ શરીરના લોકલ ભાગ પર જ અસર થાય છે.   જે સિમ્પલ તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝર એમ બે પ્રકારે વિભાજીત થાય છે. જેમાં  સિમ્પલ પાર્શીયલ સીઝરમાં તો બાળકમાં કોઈ કારણ વિના એકદમથી જ  ભયભીત થઇ જાય  એવા લક્ષણો ઉદ્ભવે છે તેમજ કોમ્પ્લેક્સ પાર્શીયલ સીઝરમાં તો બાળક પોતાની કોઈ પણ એક્શન પરનો કાબૂ ગુમાવી દઈ શકે છે.

ખેંચ આવે તે સમયે શું ધ્યાન રાખશો ?


epilepsy.1
  • બાળકને બિલકુલ શાંત કરવું અને એકદમ સુરક્ષિત જગ્યા એ લઇ જાઓ
  • તીક્ષ્ણ કે સખત હોય તેવી વસ્તુ થી બાળકને દૂર રાખશો
  • માથા નીચે કોઈ પોચી વસ્તુ કે કુશન રાખવું
  • બાળકને એની જમણી બાજુ એ સુવાડવું, જેથી મોમાં થી કઈ પ્રવાહી બહાર નીકળી શકે
  • બાળક શ્વાછોશ્વાસ  બરાબર લઇ રહ્યું જ છે ને એ ચેક કરી લેવું
  • ખેંચ સમયે બાળકના મો માં કોઈ જ પ્રકારની વસ્તુ, લીક્વીડ, ખોરાક કે કશું જ  મુકવાનો પ્રયાસ કરવો નહિ, પણ  હા, એવે સમયે બાળકની જીભને ઈજા ન થાય એ હેતુથી એક મોટું કાપડ કે રૂમાલ વડે મો બંધ કરી શકાય.
  • 30 સેકન્ડ્સ થી વધુ સમય ચાલતી ખેંચ પછી બાળક સાવ જ થાકી જાય  સુવાની ઈચ્છા કરે, થોડી હતાશા અનુભવે કે હેબતાઈ જાય, કે પછી અનિર્ણિત સ્થિતિમાં મૂકી શકે. આ તમામ લક્ષણો થોડો સમય રહે છે, હવે આ સમયે બાળકને એ પોતાની સ્વસ્થ અવસ્થામાં આવી શકે એવું યોગ્ય વાતાવરણ પૂરું પડવું આવશ્યક બની રહે છે.

સમાજમાં પ્રવર્તતી ખેંચ અંગેની કેટલીક ગેર માન્યતાઓ:

અહી સમાજ માં પ્રવર્તતી કેટલીક ગેર માન્યતાઓ સામે હું હસ્તક્ષેપ કરવાનું ચુકીશ નહિ.
૧]   ખેંચની સમસ્યાને વાઈ સાથે કોઈ સંબંધ નથી. ક્યારેક બાળક જીદ થી પ્રેરાઈને પોતાની વાત મનાવવાના બહાના હેઠળ જમીન પર આળોટીને શરીર ખેંચવાનું નાટક કરતુ હોય છે, જે સંપૂર્ણપણે વાઈ જ છે, ખેંચ નહિ
૨]   બીજું કે ખેંચની સમસ્યા એ સંપૂર્ણ પણે મેડીકલ સાયન્સ સંબંધિત રોગ જ છે, એને ક્યાય અંધશ્રદ્ધાનો સહારો આપીને ભગવાનની માનતાઓ રાખીને ભગવાનને ડીસ્ટર્બ ના કરશો એવી મારી મહેચ્છા છે.
 ખેંચની સમસ્યાના ઉપાય:
ખેંચની સમસ્યા એ બાળકને ફક્ત શારીરિક જ નહિ પણ તેના માનસપટ પર, મનઃશારીરિક વિકાસ પર, વર્તણૂક વગેરે પર પણ ઊંડી છાપ છોડી શકે છે. માટે સારવાર પણ એવી જ કરાવવી જોઈએ જે આ બધું જ સ્વસ્થ કરવા સક્ષમ હોય. હોમિયોપેથી એ આ ખેંચ પ્રકારની સમસ્યામાં એક અસરકારક સારવાર પધ્ધતિ સાબિત થાય છે. હોમિયોપેથીક દવાઓ કુદરતી તત્વોમાંથી બનતી હોવાથી એકદમ આડઅસર રહિત હોય છે, તેમજ તે મગજમાં સંવેદનાઓના નિયંત્રણ ને નિયમિત કરી આપે છે. કેટલાક મહિનાઓ માં જ નાની નાની લાગતી હોમિયોપેથીક દવાઓ બધા પ્રકારની ખેંચની સમસ્યામાં બહુ મોટું કામ કરી આપે છે.

કેટલીક નીચે મુજબની દવાઓ એકદમ અકસીર છે … 

Artemisa vulgaris
Arnica
Cicuta
absinthium
Calcarea carb
Stramonium
Belladonna
Cuprum met
Curare
Nux vom
Cina

ખિલખિલાટ:

અલાઈડ સાયન્સમાં ડોક્ટર્સ  વિવિધ પ્રકારની એન્ટીએપીલેપ્ટીક દવાઓ દ્વારા ખેંચની સમસ્યાને કાબુમાં રાખવા પ્રયત્નરત હોય છે.  પરંતુ એ બધી દવાઓથી થતી આડ અસરો અહી ચર્ચીશું તો લીસ્ટ લાંબું બનશે.   ટૂંકમાં કહું તો કુમળી વયમાં જ બાળકની સારવાર જો સંપૂર્ણ આડઅસરરહિત થેરેપી – હોમિયોપેથી થી થશે તો  બાળ શરીર મન રોગમુક્ત તો થશે જ, પણ એને ઇચ્છિતપણે  વિકસવાનો અવકાશ મળશે.
dr.greeva.newડૉ. ગ્રીવા છાયા માંકડ
M.D. (A.M.)BHMS; DNHE.
email : greeva.chhaya@gmail.com
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City   Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft.   Anandnagar Road, Prahladagar, Satellite,  Ahmedabad -380 015
સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના પ્રતિભાવ  ડૉ.ગ્રીવા માંકડ – (લેખિકા) ની કલમને બળ પૂરે છે,  આપના પ્રતિભાવ જાણી અમોને  સ્વાસ્થ્ય અંગેના વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. આભાર ..! ‘દાદીમા ની પોટલી’
“સર્વે પાઠક મિત્રો ને વિનંતી કે આપ આપના પ્રતિભાવો દ્વારા આપના સ્વાસ્થયને અંગે ઉદભવતા પ્રશ્નો બ્લોગ પોસ્ટ પર લખી જણાવી શકો છો. આપને  રોગ બાબતે      Privacy  જાળવવી જરૂરી હોય તો આપની   વિગત –       dadimanipotli@gmail.com   /   greeva.chhaya@gmail.com            અથવા  drparthhomoeopath@gmail.com    ના ઈ મેઈલ દ્વારા મોકલી શકો છો. (આપે  અગાઉ  કોઈ ઉપચાર  કરાવેલ હોય તો તે વિગત – સાથે આપના રીપોર્ટ ની જાણકારી મોકલવી) આપને આપના  email ID દ્વારા યોગ્ય માર્ગદર્શન મોકલી આપવા જરૂર કોશિશ કરીશું. ”  ….આભાર !  ‘દાદીમા ની પોટલી’
[બ્લોગ લીંક: http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’
email: dadimanipotli@gmail.com  માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 23 November 2014

Sunday, 9 November 2014

હીપ્નોટીઝમ દ્વારા આપણને બેવકુફ બનાવનારા લોકોની બહુ મોટી ફોજ છે - રોહીત શાહ


હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે. એના દ્વારા વ્યક્તીને તેમ જ સમુહને વશ કરી શકાય છે. હીપ્નોટીઝમનો પૉઝીટીવ ઉપયોગ પણ થઈ શકે છે અને નેગેટીવ ઉપયોગ પણ થઈ શકે છે. એક વખત સામેની વ્યક્તીને કે સમુહને વશમાં કરી લીધા પછી તેની પાસે આપણે આપણું ધારેલું કાર્ય આસાનીથી કરાવી શકીએ છીએ.
હીપ્નોટીઝમ માત્ર એ જ નથી, જેના સ્ટેજ પર પ્રયોગો બતાવવામાં આવે છે. એમાં તો સામેની વ્યક્તી સભાન હોય છે. તેને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે તેનો ઉપયોગ હીપ્નોટીઝમના પ્રયોગ માટે કરવામાં આવી રહ્યો છે. એ વખતે શરુશરુમાં વ્યક્તી આજ્ઞાંકીત બનીને હીપ્નોટીસ્ટની સુચનાઓ મુજબ વર્તન કરે તો જ તેને વશમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તી બહુ ચંચળ અને મેધાવી હોય તો તેના પર હીપ્નોટીઝમનો પ્રયોગ કરી શકાતો નથી અથવા તો અઘરો પડે છે.
સામાન્ય રીતે રોજીન્દા જીવનવ્યવહારમાં હીપ્નોટીઝમના જે પ્રયોગો થાય છે એ બધા વીચીત્ર હોય છે. પતી–પત્ની, મીત્ર–મીત્ર, નોકર અને માલીક, વેપારી અને ગ્રાહક, ગુરુ અને શીષ્ય, નેતા અને પ્રજા વચ્ચે હીપ્નોટીઝમનો વ્યવહાર સતત ચાલતો જ હોય છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલના ભાવ વધારવાના હોય એના થોડાક દીવસ અગાઉથી અખબારો અને ટીવી પર ન્યુઝ રજુ થતા રહે છે : ટુંક સમયમાં પેટ્રોલમાં લીટરે પાંચ રુપીયા વધશે. બીજા દીવસે વળી એવું સ્ટેટમેન્ટ છપાય છે કે હવે પેટ્રોલનો ભાવવધારો પાછો ઠેલાયો છે. ત્રીજા દીવસે એવા ન્યુઝ આવે કે ઑઈલ–એજન્સીઓ પેટ્રોલના ભાવવધારા માટે સરકાર પર બહારથી દબાણ કરી રહી છે. પ્રજા આવા સમાચારો રોજ–રોજ વાંચીને પેટ્રોલનો ભાવવધારો સ્વીકારી લેવા તૈયાર થઈ જાય છે. આ માસ હીપ્નોટીઝમ છે. પ્રજાના એક વીશાળ સમુહનું માનસ, અમુક ચોક્કસ હેતુ માટે ચોક્કસ દીશામાં વાળવામાં આવે છે.
વેપારીઓ અને બીઝનેસમેનો હીપ્નોટીઝમ દ્વારા પોતાનો વેપાર વધારતા રહે છે. અખબારમાં ઘણી વખત જાહેરાત આવે છે કે ‘લગ્નની મોસમ આવી રહી છે, સોનાના ભાવ વધે એ પહેલાં દાગીના ખરીદવાની આ છેલ્લી તક છે.’ આવી જાહેરાતથી ભોળા લોકો ભરમાય છે અને પછી સસ્તું મેળવવા લાઈનમાં ઉભા રહે છે. વેપારીઓ એનો લાભ લે છે. એક વખત ભીડ જમા થઈ જાય પછી તો ફાવે એમ લુંટ ચલાવી શકાય.
એક વખત અખબારમાં એવા ન્યુઝ છપાયા કે ગુજરાતમાં ફલાણા ગામ પાસે સચીન તેન્ડુલકરે પ્લૉટ ખરીદ્યો છે. વળી બે–ચાર દીવસ પછી ન્યુઝ છપાયા કે સચીન તેન્ડુલકરના પ્લૉટની થોડેક જ દુર અમીતાભ બચ્ચને વીશાળ પ્લૉટ ખરીદ્યો છે. આવા ન્યુઝ વાંચીને શ્રીમંતોને પેલી જગ્યાએ પ્લૉટ ખરીદવાની ચટપટી થાય છે. આટલી મોટી સેલીબ્રીટીઝ જે જગ્યાએ પ્લૉટ ખરીદે ત્યાં ટુંક સમયમાં જમીનના ભાવ વધી જશે એમ વીચારીને શ્રીમંતો મોંમાગી કીંમત ચુકવીને જમીન ખરીદી લે છે. પછી બે મહીના બાદ એવા ન્યુઝ આવે કે ગુજરાતમાં સચીન તેન્ડુલકરે કે અમીતાભ બચ્ચને કોઈ પ્લૉટ ખરીદ્યા નથી. આ તરકીબો હીપ્નોટીઝમનું જ એક સ્વરુપ છે.
ભુવા–બાવા અને તાંત્રીકો શું કરે છે ? તેમની પાસે કોઈ મંત્રતંત્ર કે વીશીષ્ટ મેલી વીદ્યાઓ હોતી જ નથી. તે લોકો ભોટ લોકો પર ખોટેખોટો પ્રભાવ પાડીને તેમના માનસને કન્ટ્રોલમાં લઈ લે છે, ગ્રાહકની માનસીકતા પ્રમાણે જુઠાણાંના ડોઝ પીવડાવવામાં આવે છે અને કેવી તથા કેટલી ગરજ છે એ જાણી લઈને ભુવા–તાંત્રીકો તેને રમાડે છે – ખંખેરે છે. એવા વખતે તમે પેલા ભોટ લોકોને સાચી વાત સમજાવવા જશો તો તેઓ તમારી વાત નહીં ગણકારે. તેના દીમાગમાં પેલા તાંત્રીકે વહેમ અને અંધશ્રદ્ધાનો એટલો બધો કીચડ ઠાંસી–ઠાંસીને ભરી દીધો હોય છે કે તમારી સાચી સલાહ માટે એમાં જરાય જગ્યા નથી હોતી.
મોક્ષનું માર્કેટીંગ :
બાળદીક્ષાની ફેવર કરનારાઓ વાત તો એવી કરે છે કે બાળકને નાની ઉંમરથી જ ધર્મના સંસ્કાર મળે તો મોક્ષમાં તેનું રીઝર્વેશન ફીક્સ થઈ જાય. હકીકતમાં બાળકોનું શોષણ કરવા માટેનું આ ભયંકર ષડ્યંત્ર છે. દીક્ષા પછી તેમના ગુરુએ અથવા તો વડીલ સાધુએ તેમની સાથે કેવા દુર્વ્યવહારો કર્યા હતા એની આપવીતી મેં પાંચેક યુવાન સાધુઓ પાસેથી સાંભળી છે અને તે તમામ સાધુઓ અત્યારે હયાત છે.બાળકને મોક્ષના નામની લાલચ આપીને, બાળકનાં મા–બાપને ક્યારેક મોટી રકમો ચુકવીને દીક્ષાઓ અપાય છે. પછી એ બાળક સાથે સેક્સથી લઈને નોકર જેવી વેઠ કરાવવાના ગોરખ–ધંધા ચાલે છે. જાહેરમાં ગુરુ પેલા બાળકને ‘બાળમુની’, ‘બાળમુની’ કહીને લાડ કરતા હોય અને ખાનગીમાં તેનું કલંકીત શોષણ કરતા હોય એવાં ઉદાહરણો ઓછાં નથી. સાધુઓએ મોક્ષનું માર્કેટીંગ કરવામાં હીપ્નોટીઝમનો જેટલો ઉપયોગ કર્યો છે એટલો તો કદાચ કોઈ મહાન મનોવૈજ્ઞાનીકે પણ નહીં કર્યો હોય. એક વીશાળ જનસમુહને ખોટા રવાડે ચડાવી દેવો એ હીપ્નોટીઝમને દુરુપયોગ જ છે.
કુનેહનો દુરુપયોગ :
આપણે કોઈ મોટા મૉલમાં જઈએ છીએ ત્યારે ત્યાં વ્યવસ્થીત અને સુંદર રીતે ગોઠવેલી ચીજો જોઈને ખરીદવા લલચાઈ ઉઠીએ છીએ અને જેની જરુર ન હોય એવી ચીજોના ઢગલા આપણે ઉપાડી લાવીએ છીએ. તમારી સાથે એક પણ શબ્દ બોલ્યા વગર, તમને કશી જ સુચના કે આદેશ આપ્યા વગર તમને ખંખેરી લેવાની આ કુનેહ હીપ્નોટીઝમનો જ એક પ્રકાર છે.
એક બદચલન સ્ત્રી તેના પતીને હંમેશાં ખુબ સાચવતી. પોતે પતીને ઉંડો પ્રેમ કરે છે એવું બતાવતી. એટલું જ નહીં; હંમેશાં તેના પતીને કહેતી : ‘તમે કેટલા સારા છો ! ઘણા પતીઓ તો તેમની પત્ની પર વહેમ રાખ્યા કરે છે, ચોકી–પહેરા ગોઠવે છે; પણ તમે મારા સાચા પ્રેમની કદર કરો છો, એટલે મને મારું જીવન હર્યું–ભર્યું લાગે છે. મને તો ભવોભવ તમારા જેવો પ્રેમાળ પતી મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું !’ તે સ્ત્રીનો પતી સતત હીપ્નોટાઈઝ્ડ થતો રહ્યો… તેની પત્ની ખાનગીમાં રંગરેલીયાં મનાવતી રહી… છેવટે એક વખત પોલીસે રેઈડ પાડી એમાં તે પકડાઈ ગઈ ત્યારે તેના પતીને ભાન થયું કે તેની પત્ની કેવી બદચલન હતી અને પોતાને કેવો બેવકુફ બનાવતી હતી.
હકારાત્મક ઉપયોગ પણ છે :
હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે અને એના દ્વારા ઘણાં ઉત્તમ પરીણામો લાવી શકાય છે. હતાશા હોય ત્યાં ઉત્સાહ છલકાવી શકાય છે, ગેરસમજ ટાળી શકાય છે, જીવવાનો નવો તરવરાટ પ્રગટાવી શકાય છે, પોતાના લક્ષ્ય અને મંઝીલ સુધી દોડવાનો થનગનાટ જગાડી શકાય છે, એક વીશાળ જનસમુહને દેશભક્તી, ઈમાનદારી વગેરે માટે મક્કમ બનાવી શકાય છે. હીપ્નોટીઝમનો રચનાત્મક ઉપયોગ થાય તો ઘણા લોકોના રોગો પણ દુર કરી શકાય છે; પરંતુ જો આ જ પ્રચંડ શક્તીનો દુરુપયોગ કરવામાં આવે તો અનેક વીનાશક અને ભયાનક અંજામ જોવા પડે છે અને વેઠવા પણ પડે છે. જેને કશી લાલચ નથી, જેને કોઈ સ્વાર્થ નથી, જેને કશું વધારાનું કે ઝડપથી મેળવી લેવાની વૃત્તી નથી એવી વ્યક્તી હીપ્નોટીઝમથી બચી શકે છે. બાકી તો બેવકુફ બનવા આપણી પ્રજા બાવરી છે.
 –રોહીત શાહ
લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com
[અભિવ્યક્તિ http://govindmaru.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 9 November 2014

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.