હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે. એના દ્વારા વ્યક્તીને તેમ જ સમુહને વશ કરી શકાય છે. હીપ્નોટીઝમનો પૉઝીટીવ ઉપયોગ પણ થઈ શકે છે અને નેગેટીવ ઉપયોગ પણ થઈ શકે છે. એક વખત સામેની વ્યક્તીને કે સમુહને વશમાં કરી લીધા પછી તેની પાસે આપણે આપણું ધારેલું કાર્ય આસાનીથી કરાવી શકીએ છીએ.
હીપ્નોટીઝમ માત્ર એ જ નથી, જેના સ્ટેજ પર પ્રયોગો બતાવવામાં આવે છે. એમાં તો સામેની વ્યક્તી સભાન હોય છે. તેને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે તેનો ઉપયોગ હીપ્નોટીઝમના પ્રયોગ માટે કરવામાં આવી રહ્યો છે. એ વખતે શરુશરુમાં વ્યક્તી આજ્ઞાંકીત બનીને હીપ્નોટીસ્ટની સુચનાઓ મુજબ વર્તન કરે તો જ તેને વશમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તી બહુ ચંચળ અને મેધાવી હોય તો તેના પર હીપ્નોટીઝમનો પ્રયોગ કરી શકાતો નથી અથવા તો અઘરો પડે છે.
સામાન્ય રીતે રોજીન્દા જીવનવ્યવહારમાં હીપ્નોટીઝમના જે પ્રયોગો થાય છે એ બધા વીચીત્ર હોય છે. પતી–પત્ની, મીત્ર–મીત્ર, નોકર અને માલીક, વેપારી અને ગ્રાહક, ગુરુ અને શીષ્ય, નેતા અને પ્રજા વચ્ચે હીપ્નોટીઝમનો વ્યવહાર સતત ચાલતો જ હોય છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલના ભાવ વધારવાના હોય એના થોડાક દીવસ અગાઉથી અખબારો અને ટીવી પર ન્યુઝ રજુ થતા રહે છે : ટુંક સમયમાં પેટ્રોલમાં લીટરે પાંચ રુપીયા વધશે. બીજા દીવસે વળી એવું સ્ટેટમેન્ટ છપાય છે કે હવે પેટ્રોલનો ભાવવધારો પાછો ઠેલાયો છે. ત્રીજા દીવસે એવા ન્યુઝ આવે કે ઑઈલ–એજન્સીઓ પેટ્રોલના ભાવવધારા માટે સરકાર પર બહારથી દબાણ કરી રહી છે. પ્રજા આવા સમાચારો રોજ–રોજ વાંચીને પેટ્રોલનો ભાવવધારો સ્વીકારી લેવા તૈયાર થઈ જાય છે. આ માસ હીપ્નોટીઝમ છે. પ્રજાના એક વીશાળ સમુહનું માનસ, અમુક ચોક્કસ હેતુ માટે ચોક્કસ દીશામાં વાળવામાં આવે છે.
વેપારીઓ અને બીઝનેસમેનો હીપ્નોટીઝમ દ્વારા પોતાનો વેપાર વધારતા રહે છે. અખબારમાં ઘણી વખત જાહેરાત આવે છે કે ‘લગ્નની મોસમ આવી રહી છે, સોનાના ભાવ વધે એ પહેલાં દાગીના ખરીદવાની આ છેલ્લી તક છે.’ આવી જાહેરાતથી ભોળા લોકો ભરમાય છે અને પછી સસ્તું મેળવવા લાઈનમાં ઉભા રહે છે. વેપારીઓ એનો લાભ લે છે. એક વખત ભીડ જમા થઈ જાય પછી તો ફાવે એમ લુંટ ચલાવી શકાય.
એક વખત અખબારમાં એવા ન્યુઝ છપાયા કે ગુજરાતમાં ફલાણા ગામ પાસે સચીન તેન્ડુલકરે પ્લૉટ ખરીદ્યો છે. વળી બે–ચાર દીવસ પછી ન્યુઝ છપાયા કે સચીન તેન્ડુલકરના પ્લૉટની થોડેક જ દુર અમીતાભ બચ્ચને વીશાળ પ્લૉટ ખરીદ્યો છે. આવા ન્યુઝ વાંચીને શ્રીમંતોને પેલી જગ્યાએ પ્લૉટ ખરીદવાની ચટપટી થાય છે. આટલી મોટી સેલીબ્રીટીઝ જે જગ્યાએ પ્લૉટ ખરીદે ત્યાં ટુંક સમયમાં જમીનના ભાવ વધી જશે એમ વીચારીને શ્રીમંતો મોંમાગી કીંમત ચુકવીને જમીન ખરીદી લે છે. પછી બે મહીના બાદ એવા ન્યુઝ આવે કે ગુજરાતમાં સચીન તેન્ડુલકરે કે અમીતાભ બચ્ચને કોઈ પ્લૉટ ખરીદ્યા નથી. આ તરકીબો હીપ્નોટીઝમનું જ એક સ્વરુપ છે.
ભુવા–બાવા અને તાંત્રીકો શું કરે છે ? તેમની પાસે કોઈ મંત્રતંત્ર કે વીશીષ્ટ મેલી વીદ્યાઓ હોતી જ નથી. તે લોકો ભોટ લોકો પર ખોટેખોટો પ્રભાવ પાડીને તેમના માનસને કન્ટ્રોલમાં લઈ લે છે, ગ્રાહકની માનસીકતા પ્રમાણે જુઠાણાંના ડોઝ પીવડાવવામાં આવે છે અને કેવી તથા કેટલી ગરજ છે એ જાણી લઈને ભુવા–તાંત્રીકો તેને રમાડે છે – ખંખેરે છે. એવા વખતે તમે પેલા ભોટ લોકોને સાચી વાત સમજાવવા જશો તો તેઓ તમારી વાત નહીં ગણકારે. તેના દીમાગમાં પેલા તાંત્રીકે વહેમ અને અંધશ્રદ્ધાનો એટલો બધો કીચડ ઠાંસી–ઠાંસીને ભરી દીધો હોય છે કે તમારી સાચી સલાહ માટે એમાં જરાય જગ્યા નથી હોતી.
મોક્ષનું માર્કેટીંગ :
બાળદીક્ષાની ફેવર કરનારાઓ વાત તો એવી કરે છે કે બાળકને નાની ઉંમરથી જ ધર્મના સંસ્કાર મળે તો મોક્ષમાં તેનું રીઝર્વેશન ફીક્સ થઈ જાય. હકીકતમાં બાળકોનું શોષણ કરવા માટેનું આ ભયંકર ષડ્યંત્ર છે. દીક્ષા પછી તેમના ગુરુએ અથવા તો વડીલ સાધુએ તેમની સાથે કેવા દુર્વ્યવહારો કર્યા હતા એની આપવીતી મેં પાંચેક યુવાન સાધુઓ પાસેથી સાંભળી છે અને તે તમામ સાધુઓ અત્યારે હયાત છે.બાળકને મોક્ષના નામની લાલચ આપીને, બાળકનાં મા–બાપને ક્યારેક મોટી રકમો ચુકવીને દીક્ષાઓ અપાય છે. પછી એ બાળક સાથે સેક્સથી લઈને નોકર જેવી વેઠ કરાવવાના ગોરખ–ધંધા ચાલે છે. જાહેરમાં ગુરુ પેલા બાળકને ‘બાળમુની’, ‘બાળમુની’ કહીને લાડ કરતા હોય અને ખાનગીમાં તેનું કલંકીત શોષણ કરતા હોય એવાં ઉદાહરણો ઓછાં નથી. સાધુઓએ મોક્ષનું માર્કેટીંગ કરવામાં હીપ્નોટીઝમનો જેટલો ઉપયોગ કર્યો છે એટલો તો કદાચ કોઈ મહાન મનોવૈજ્ઞાનીકે પણ નહીં કર્યો હોય. એક વીશાળ જનસમુહને ખોટા રવાડે ચડાવી દેવો એ હીપ્નોટીઝમને દુરુપયોગ જ છે.
કુનેહનો દુરુપયોગ :
આપણે કોઈ મોટા મૉલમાં જઈએ છીએ ત્યારે ત્યાં વ્યવસ્થીત અને સુંદર રીતે ગોઠવેલી ચીજો જોઈને ખરીદવા લલચાઈ ઉઠીએ છીએ અને જેની જરુર ન હોય એવી ચીજોના ઢગલા આપણે ઉપાડી લાવીએ છીએ. તમારી સાથે એક પણ શબ્દ બોલ્યા વગર, તમને કશી જ સુચના કે આદેશ આપ્યા વગર તમને ખંખેરી લેવાની આ કુનેહ હીપ્નોટીઝમનો જ એક પ્રકાર છે.
એક બદચલન સ્ત્રી તેના પતીને હંમેશાં ખુબ સાચવતી. પોતે પતીને ઉંડો પ્રેમ કરે છે એવું બતાવતી. એટલું જ નહીં; હંમેશાં તેના પતીને કહેતી : ‘તમે કેટલા સારા છો ! ઘણા પતીઓ તો તેમની પત્ની પર વહેમ રાખ્યા કરે છે, ચોકી–પહેરા ગોઠવે છે; પણ તમે મારા સાચા પ્રેમની કદર કરો છો, એટલે મને મારું જીવન હર્યું–ભર્યું લાગે છે. મને તો ભવોભવ તમારા જેવો પ્રેમાળ પતી મળે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું !’ તે સ્ત્રીનો પતી સતત હીપ્નોટાઈઝ્ડ થતો રહ્યો… તેની પત્ની ખાનગીમાં રંગરેલીયાં મનાવતી રહી… છેવટે એક વખત પોલીસે રેઈડ પાડી એમાં તે પકડાઈ ગઈ ત્યારે તેના પતીને ભાન થયું કે તેની પત્ની કેવી બદચલન હતી અને પોતાને કેવો બેવકુફ બનાવતી હતી.
હકારાત્મક ઉપયોગ પણ છે :
હીપ્નોટીઝમ બહુ પ્રચંડ શક્તી છે અને એના દ્વારા ઘણાં ઉત્તમ પરીણામો લાવી શકાય છે. હતાશા હોય ત્યાં ઉત્સાહ છલકાવી શકાય છે, ગેરસમજ ટાળી શકાય છે, જીવવાનો નવો તરવરાટ પ્રગટાવી શકાય છે, પોતાના લક્ષ્ય અને મંઝીલ સુધી દોડવાનો થનગનાટ જગાડી શકાય છે, એક વીશાળ જનસમુહને દેશભક્તી, ઈમાનદારી વગેરે માટે મક્કમ બનાવી શકાય છે. હીપ્નોટીઝમનો રચનાત્મક ઉપયોગ થાય તો ઘણા લોકોના રોગો પણ દુર કરી શકાય છે; પરંતુ જો આ જ પ્રચંડ શક્તીનો દુરુપયોગ કરવામાં આવે તો અનેક વીનાશક અને ભયાનક અંજામ જોવા પડે છે અને વેઠવા પણ પડે છે. જેને કશી લાલચ નથી, જેને કોઈ સ્વાર્થ નથી, જેને કશું વધારાનું કે ઝડપથી મેળવી લેવાની વૃત્તી નથી એવી વ્યક્તી હીપ્નોટીઝમથી બચી શકે છે. બાકી તો બેવકુફ બનવા આપણી પ્રજા બાવરી છે.
–રોહીત શાહ
લેખક સંપર્ક : શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com
[અભિવ્યક્તિ http://govindmaru.wordpress.com/ માંથી સાભાર]
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT