સમયના વહેણ વણથંભ્યા વહેતા જાય છે. માનવજાતની વિકાસ યાત્રાના વખાણ કરતાં હર કોઈ થાકતું નથી. સત્તા પરની કોંગ્રેસ કહે છે કે ભારતે ઘણો પ્રોગ્રેસ કર્યો છે અને કરતું રહેશે. જ્યારે તેના વિરોધી પાર્ટીઓ પ્રચાર કરે છે કે દેશ અધોગતિના પંથે છે. તો ગુજરાતમાં સત્તાધારી ભાજપ વિકાસના જંડા ગલીએ ગલીએ લહેરાવતું જોવા મળે છે. તો ગુજરાતમા જ વિરોધી પાટલી પર બેસતું કોંગ્રેસ કહે છે કે મોદીનો પ્રચાર ખોટો છે. ભ્રામકતા ફેલાવાઈ રહી છે. કોણ સાચું ? આનો મતલબ એ થયો કે અમે એટલે કે બોલનારા સાચા. અને પરસ્પર વિરોધી વાતો આવે છે એટલે બધાજ ખોટા. હવે આ સાચા ખોટાની લપમાંથી બહાર નિકળીશું ? કારણકે આ રાજકારણીઓ “અમે સાચા અને સામેવાળા ખોટા” એવી જંજટમાંથી આપણને કોઈ દિવસ બહાર નીકળવા નહીં દે.
તો ચાલો આપણે જ તપાસી જોઈએ કે વિકાસની ગાથાની સપાટી ખોતરવાથી શું સચ્ચાઈ સામે આવે છે. પ્રગતિની આડમાં આપણે કેટલું બધુ ગુમાવી બેઠા છીએ..
ઊંચી ઊંચી ઇમારતો બનાવતા આવડી ગયું પણ ટેમ્પર શોર્ટ કરી નાખ્યો. પહોળી ફુટપાથો અને પહોળા રસ્તા બનાવી નાખ્યા પરંતુ વિચારસરણી સાવ સાંકડી કરી નાખી. પરચેસિંગ પાવર વધી ગયો, આથી ખરીદી ખૂબ કરીએ છીએ, વાર તહેવારે ટીવી, ફ્રિજ, ગાડી વગેરે વગેરે તો સામિ બાજુએ આનંદ આવતો નથી. આપણી અંદરની નગ્નતા ઢાંકવા ન જાણે કેટલું કેટલું વસાવીએ છીએ. પરંતુ સાચી ખુશી દૂર ને દૂર ભાગતિ જાય છે. વિશાળ બંગલાઓમાં, મોટા એપાર્ટમેન્ટોમાં, કુંટુંબો નાના થઈ ગયા. સુવિધાઓ ઘણી છે પણ કોઈ પાસે સમય નથી.
ડિગ્રીઓ વધારે છે પરંતુ સમજદારી ઓછી થઈ ગઈ. માહિતી જ્ઞાન ખૂબ ભેગું કરી લીધું સામે ડહાપણ કઈ નથી. અરે! દવાઓ બેસુમાર છે. પણ સામે તન્દુરસ્તી અલ્પ છે. આમ ભૌતિક સંપતિઓનો ગુણાકાર કરીને સદગુણોનો ભાગાકાર કરી નાખ્યો. વાતો કરવાનું એટલું બધુ સારી રીતે શીખી ગયા છીએ કે પૂછો ના, પણ પ્રેમ કરવાની આવડત ખોઈ નાખી, બસ આવડે છે તો ધિકકારતા અને નફરત કરતાં. પૈસા બનાવતા શીખી ગયા અને જિંદગી બનાવતા ભૂલી ગયા. ચંદ્ર પર પંહોચી જઇ પરત આવી ગયા પરંતુ નવા પડોશીને મળવા માટે આપણાં પગ ઉપડ્યા જ નહીં. બહારની દુનિયા જીતી લીધી અને અંદરની (અંતરની) દુનિયા હારી ગયા. રસ્તાઓ, ઘર અને આંગણા ચોખ્ખા કરી નાખ્યા પરંતુ આત્માને અને વાતવારણને પ્રદુષિત કરી નાખ્યા. અત્યારના સમયમાં જડપથી “ફાસ્ટ ફુડ” ખાઈ નાખવાનું પરંતુ પચાવવાના નામે મીંડું. મોટા માણસો , જેના ભારેખમ નામ પણ ચારિત્ર્ય જોયું હોય તો સાવ હલકું. મજબૂત આર.સી.સી. બાંધકામો પરંતુ અંદર વસે છે ભાંગેલા પરિવારો. ઉછીના લેતા આવડી ગયું, પરત કરવાનું ભૂલી ગયા. ઘણી ભાષાઓ આવડી ગઈ પણ બોલાતા વાક્યો જુઠ્ઠા. સમયની આગળ દોડવું છે પણ “જિંદગી” નામની ચીજ પાછળ છુટતી જાય છે. દુનિયાભરનું એકઠું કરી લીધું પણ સંતોષ જરાય નથી.
[https://raol1810pr.wordpress.com/ માંથી સાભાર]Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 19 December 2014