વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday, 7 August 2014

કઈ પ્રવૃત્તિથી બાળકની મેમરી ડેવલપ કરાય?

પેરેન્ટિંગ - મોક્ષદા વ્યાસ
 
બાળક સતત મહેનત કરતું હોય,
દિવસ-રાત પુસ્તકોમાં જ મોં રાખીને બેસી રહેતું હોય તોપણ કેટલીક વાર ધાર્યું પરિણામ નથી આવતું અથવા તો તે જેટલી મહેનત કરે છે તે પ્રમાણમાં તેને માર્ક્સ નથી મળથા. બાળક મહેનત કરે છે છતાં તેને જોઈએ તેટલી સફળતા નથી મળતી એ જોઈને પેરેન્ટ્સ દુઃખી થઈ જતાં હોય છે, પણ આ નિષ્ફળતા પાછળ બાળકની નબળી યાદશક્તિ જવાબદાર હોય છે. જો બાળકની યાદશક્તિ ઓછી હોય તો વધુ મહેનતે ઓછું ફળ મળે છે. આ સમસ્યામાં બાળકની મેમરી સ્કિલ વધારવી બહુ જ અનિવાર્ય બની જાય છે. એવી અનેક પ્રવૃત્તિ છે જેનાથી બાળકની મેમરી સ્કિલ વધારી શકાય છે.
ભાષા શીખવો
યાદશક્તિ ઓછી હોવી તે એક કુદરતી ખામી છે. જોકે આવા બાળક પ્રત્યે બાળપણથી પેરેન્ટ્સ થોડું વિશેષ ધ્યાન આપે તો મેમરી સ્કિલને ડેવલપ કરી શકાય છે. ભાષા માઇન્ડને એક્સરસાઇઝ કરાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. જો બાળકને નવી ભાષા શીખવવામાં આવે તો તેનાથી તેનું મગજ થોડું સક્રિય બને છે અને તેનાથી માઇન્ડ કોઈ એક વિષય પર એકાગ્ર થવાનું શીખે છે. આ બધી જ બાબતો મેમરી સ્કિલ ડેવલપ કરવામાં મદદરૂપ બને છે.
માઇન્ડ ગેઇમ
આજકાલ એવી અનેક ગેઇમ બજારમાં મળે છે જેમાં બાળકના માઇન્ડને સારી એવી એક્સરસાઇઝ મળે છે. મગજના જ્ઞાનતંતુને મજબૂત બનાવવા માટે આવી ગેઇમ બાળકને ગમ્મત સાથે માઇન્ડ પાવર પણ આપે છે. આ પ્રકારની ગેઇમ માઇન્ડને વિટામિન પૂરંુ પાડવા જેવું કામ કરે છે. આ માટે શરૂઆતમાં બાળકને સરળ ગેઇમ આપવી, જે વધુ જટિલ ન હોય. પછી સ્ટેપ બાય સ્ટેપ થોડી કોમ્પ્લિકેટેડ ગેઇમ આપવી જેથી તેનું માઇન્ડ ધીરે ધીરે ડેવલપ થતું જશે. આવી ગેઇમ રમવાથી બાળકમાં એક પ્રકારનો કોન્ફિડન્સ પણ ક્રિએટ થશે, જેનો ફાયદો લર્નિગ પ્રોસેસમાં જોવા મળશે.
પઝલ્સ
એવી ઘણી પઝલ્સ હોય છે, જેનાથી બાળક વિચારતાં શીખે છે. તેની થિન્કિંગ પ્રોસેસ હેલ્ધી બને છે. કોયડાનો ઉકેલ મેળવવા માટે તે એક વિષય પર ઊંડાણપૂર્વક વિચારતાં શીખે છે અને જ્યારે તે કોયડાનો ઉકેલ મેળવી લે છે ત્યારે તેને પોતાની જાત પર વિશ્વાસ બેસે છે. એવી અનેક પઝલ્સ હોય છે, જે ખરેખર ચેલેન્જિંગ હોય છે. બાળક રમતમાં ને રમતમાં કોયડાના ઉકેલ માટે જેટલું વિચારે છે તેટલું જ તેના માઇન્ડ પાવર માટે સારું સાબિત
થાય છે.
કોર્ડિનેટિંગ એક્ટિવિટી

કોર્ડિનેટિંગ એક્ટિવિટી પણ મેમરી વધારે છે. કોર્ડિનેટિંગ એક્ટિવિટી એટલે એવી પ્રવૃત્તિ, જેમાં માઇન્ડની સાથે હાથ-પગની પણ જરૂર પડે છે. આ માટે બાસ્કેટ બોલ, ક્રિકેટ, વોલીબોલ, વીડિયો ગેઇમ જેવી રમતો પણ બાળકને રમાડવા માટે પ્રોત્સાહિત કરો, જેનાથી પણ તે એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખશે અને તેની મેમરી સ્કિલ પણ વધારી શકાશે.
યોગ અને મેડિટેશન

યોગ અને મેડિટેશનથી પણ માઇન્ડ પાવરને વધારી શકાય છે. વહેલી સવારમાં બાળકને જગાડીને તેને ટેરેસ પર કે ઘરના આંગણામાં સુંદર શાંત વાતાવરણમાં પ્રકૃતિના સાંનિધ્યમાં મેડિટેશન કરાવવાની આદત પાડો. તેનાથી મગજની શક્તિ વધે છે અને મેમરી સ્કિલ આપોઆપ ડેવલપ થાય છે. તદુપરાંત યોગનો પણ સહારો લઈ શકાય. નાદ યોગ જેમાં સંગીતના તરંગો સાથે ધ્યાન કરાવવામાં આવે છે, જે પણ માનસિક શાંતિ આપવાની સાથે બાળકના માઇન્ડને પ્રફુલ્લિત કરીને મેમરીને વધારે છે.

Sandesh - Leading Gujarati Daily

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 7 August 2014

વ્યક્તિત્વ વિકાસ : કેવો હોવો જોઈએ ? - Raol pradipkumar R.

માનવ જીવનમાં વ્યક્તિત્વ વિકાસ માટે ઘણી બધી એટલે કે સમજોને દુનિયાભરની વાતોનો સમાવેશ થઈ શકે. અનાદીકાલના ગ્રંથોથી લઈને આજના યુગ સુધીમાં હજારો,  લાખો પુસ્તકો બહાર પડી ગયા છે. શું સમજવું શું જતું કરી દેવું માનવ મન સતત મુંજવણ  અનુભવે છે. કેટલાય યુગ પુરુષો, ફિલોસોફરો, અરે ! ભગવાનો, લાખો મહાત્માઑ થઈ ગયા.  માનવતાને તેની ઊચ કોટિ માં લઈ જવા માટે ધર્મો સ્થાપ્યા, સંપ્રદાયોની રચના કરી. પૂજનીય ગીતા જેવો મહા ગ્રંથ ઘરોમાં ધૂળ ખાતો પડ્યો રહે છે. અને લોકો દુન્યવી સુખો માટે નિર્મળ બાબા જેવા ઢોંગીઓ પાસે હાથ જોડીને ભીખ માંગતા જોવા મળે છે. શું આ છે આપણો  વ્યક્તિત્વ વિકાસ ?  ભારત જેવો ભવ્ય દેશ અત્યારે મને સાવ ભિખારી લાગે  છે. અને નિર્માલ્ય પણ ખરો.
  
પર્સનાલિટી ડેવલપમેન્ટ, માઇન્ડ મેનેજમેંટ, બોડી બિલ્ડીંગ વિષે ઘણું બધુ સંશોધન થઈ ગયું છે અને રોજે રોજ નવું નવું બહાર પડતું રહે છે. સેલ્ફ કોન્ફિડન્સ, વિલ  પાવર, માઇન્ડ ટ્રેનીંગ વગેરે શબ્દો ફક્ત કિતાબોમા પડ્યા રહે છે.
            વ્યક્તિત્વ વિકાસ ફક્ત વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોવો જોઈએ. તમારું માઇન્ડ તેજસ્વી હોય, તમારી પર્સનાલિટી પડતી હોય, તમારો વિલ પાવર સારો હોય, તમે ઇન્ટરવ્યૂમાં ફટાફટ પાસ થઈ જતાં હોવ, તમારા પ્રમોસન જલ્દીથી મલી જતાં હોય, તમારો પ્રોગ્રેસ સારો હોય, ગાડી હોય, બંગલો હોય , બધીજ સગવડો હોય. પરંતુ તમે સ્વાર્થથી ભરેલા હોવ, બીજાની લાગણીઓની કદર કે પરવા  ન હોય, બસ તમારામાંજ રચ્યા પચ્યા રહેતા હોવ તો મને નથી લાગતું કે તમારું  વ્યક્તિત્વ ઘડતર બરાબર થયું છે. સમાજને તમારાથી શું ફાયદો ? ઘણા સફળ પુરુષો અભિમાની હોય છે. બીજાને તુચ્છ સમજી ઉતારી પાડવાની કોશિશ કરતાં જોવા મળે છે. તો અમુક લોકોમાં પ્રેમનો અભાવ હોય છે.
આમ સ્ત્રી કે પુરુષે સર્વાંગ વ્યક્તિત્વ વિકાસ સાધવા /પ્રાપ્ત કરવા માટે બહુમુખી પ્રતિભાની સાથોસાથ માનવીય ગુણો પણ વિકસાવવા જોઈએ. તો જ સાચા અર્થમાં સારો વ્યક્તિત્વ વિકાસ થયો ગણાય. એક જાહેરાત આવતી તેમાં એક શબ્દ વપરાતો  “A complete man” જે આ બાબત તરફ ઈશારો કરે છે.
       દરેક વ્યક્તિને ત્રણ મોરચે લડવાનું હોય છે. પ્રોફેશનલ લાઈફ, સામાજિક લાઈફ, અને ફેમિલી લાઈફ. એ જુદી વાત છે કે ઘણા ચોથા અને પાંચમા મોરચે પણ લડતા હોય છે. આ દરેક મોરચે લડવા માટે જુદા જુદા હથિયાર જોઈએ તે એક સ્વાભાવિક વાત છે. કોઈ એક મોરચે નિસ્ફળ જવાય તો ખોટ કહેવાય.
      એક ટીવી પ્રોગ્રામમાં થોડા સમય પહેલા જોયું કે એક યુવાનને ચેનલવાળાઓએ આગળ કર્યો અને શાબાશી આપી. શું કામ કર્યું હતું તેણે ? તે યુવાન સુનિલ શેટ્ટીનો ફેન હતો, તેણે તેના તમામ ફોટાના કટિંગ ભેગા કર્યા હતા તેમજ સુનિલ શેટ્ટીનું નામ એક કરોડ વખત લખ્યું હતું. પ્રોગ્રામમાં હાજર દર્શકોએ તેને  તાલીઓથી વધાવી લીધો. આ થઈ વ્યક્તિ પુજા. જો તે યુવાને તેટલુજ માન,સન્માન પોતાના માં-બાપ કે વડીલોને આપ્યું હોત તો સરાહનીય ગણાત.
          આત્મવિશ્વાસનો અભાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. નાપાસ થવાની બીકે આત્મહત્યા. ઝગડો થયો આત્મહત્યા, જુગારમાં, શેરમાં, કે ધંધામાં ખોટ ગઈ આત્મહત્યા. પ્રેમમાં નિષ્ફળતા તો આત્મહત્યા. આવું નબળું મનોબળ જલ્દીથી હારી જાય છે, પોતાની સમસ્યાઓનો સામનો કરી શકતું નથી. આપણને ફક્ત રિજલ્ટ જ જોવા મળે છે. અને બાળકના ઘડતરમાં રહી જતી ખામીઓ પરત્વે ધ્યાન જતું નથી. સમાજ આવા નાગરિકો પાસેથી શું આશા રાખી શકે.
         આજની યુવા પેઢી કાનમાં નાના નાના ભૂંગળા ભરાવીને ગીતો જ સાંભળતા જોવા મળે છે. પિજા, બર્ગર , ચાઇનિજ  એ તેમનો આહાર છે. ફિલ્મી હીરો તેમના આદર્શ છે. ઇન્ટરનેટ પર ચેટિંગ તેમનો પાસ ટાઈમ અને શોખ છે. માં-બાપે આપેલો ભોગ અને સગવડો વિસરાતી જાય છે.
           બધો દોષ યુવાનોનો કાઢવો યોગ્ય નથી. એક હાથે તાલી  ન પડે. માતા- પિતા પોતપોતાનામાં પડ્યા છે. કોઇની પાસે સમય નથી, બાળકો સમાજમાંથી જોઈને શિખે છે. મફત કાઇપણ મળી જાય તો તેમાં રસ છે. મહેનત અને સંઘર્ષના પાઠ ભુલાઈ ગયા છે. સારા ગણાતા પરિવારોના છોકરાઓ કાર, મોબાઈલ, અને બાઈકની ચોરીમાં પકડાતાં જોવા મળે છે. કારણકે ગમે તે ભોગે મોજ – શોખ કરવા છે.
         વ્યક્તિત્વ વિકાસના પાયા બાળપણમાથી જ  ચણાવા જોઈએ, કુમળો છોડ વળી શકે છે. વૃક્ષો વળતાં નથી. એક નામ યાદ આવે છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી, આપણા વડાપ્રધાન હતા. ટૂંકા કદના પણ વિશાળ વ્યક્તિત્વ. અત્યારે “અંડર ટેઇકર” કે  “ખલી”ને જોઈને લોકો તાળીઓ પાડે છે. કોઈને ભારતમાં થઈ ગયેલા મહામાનવો વિષે વાંચવામાં રસ નથી. કે જેમના જીવનમાથી થોડુક પણ શીખી શકાય.
       અત્યારે હાઇટ, બોડી, સિક્સ પેકને મહત્વ અપાય છે. તેને સારું  વ્યક્તિત્વ એટલેકે ગુડ પર્સનાલિટી  માનવામાં આવે છે. ચીફ મિનિસ્ટર મોદી સાહેબ ભલે રાડો પાડે, “વાંચે ગુજરાત” પણ મને નથી લાગતું કે કોઈ માતા પિતાએ પોતાના બાળકોને વાંચવાની સલાહ આપી હોય કે બેટા એક વાર તું સ્વામિ વિવેકાનંદનું કોઈ પુસ્તક વાંચી લે.
    વ્યક્તિથી સમાજ બને છે. સમાજથી દેશ બને છે. અને દેશથી દુનિયા બને છે. પરંતુ કેવો દેશ ? અને કેવી દુનિયા બનાવવી છે ? તે આપણાં સૌના હાથની અને ઈચ્છાની વાત છે.  આ પ્રશ્ન દરેક  વ્યક્તિએ મનમાં પોતાને પુછવો જોઈએ. તો પછી મને નથી લાગતું કે લોકપાલ બિલ માટે કે ભ્રષ્ટાચાર અટકાવવા અનશન ઉપર ઊતરવું પડે. આતો બધુ રોગ ઘર કરી ગયો હોય તે પછીના ઉપચારો છે. “પ્રીવેન્સન ઈજ બેટર ધેન ક્યોર” તે સૌ કોઈ જાણે છે.          
   વ્યક્તિત્વ વિકાસ પછી ચારિત્ર્ય નિર્માણ આવે છે. કેરી ગમે તેટલી સારી દેખાતી હોય પરંતુ અંદરનો રસ ખાટો હોય તો તેનું મહત્વ રહેતું નથી.તેમ ઉચ્ચ ચારિત્ર્ય વિના વ્યક્તિત્વ નિખરતું નથી.
 વ્યક્તિત્વ વિકાસમાં નીચેના મુદ્દા ઉપયોગી થઈ પડસે,  
  •        ગુસ્સા ને કાબુમાં રાખવો, તેના પરિણામો ખુબજ ખરાબ આવતા હોય છે. આજ શક્તિને જો નાથવામાં આવે અને બીજા રચનાત્મક કામમાં વાળવામાં આવે તો દુનિયા હલાવી શકો છો.
  •        સમાનતા :  દરેક વ્યક્તિને સમાનતાની દ્રષ્ટિથી જોવા જોઈએ. કોઈને તુચ્છ કે હિન ન સમજવા . આમ કરવાથી તમારું પણ સન્માન થસે અને ઇજ્જત વધશે
  •       સંઘ ભાવના : સાથે મળીને દુષ્કર કાર્યો સહેલાયથી થઈ શકે છે. તે પછી પોતાના ઘર માટે હોય, સમાજ માટે હોય કે પછી રાષ્ટ્ર માટે હોય. પોતાના પર્સનલ વિચારો ને એક બાજુએ રાખીને, પોતાનો ઇગો ભૂલીને  કોમન ગોલ માટે સંઘર્ષ કરી કાર્ય  સિધ્ધ કરવું જોઈએ.
  •       માફ કરવાનો ગુણ એટલે કે જતું કરવું. : આમ કરવાથી ઘણી બધી શક્તિ અને સમય બચી જસે અને પોતાના કામોમાં ધ્યાન આપી શકશો. વધુમાં તમારો આત્મા પણ મજબૂત થશે. જેમ હથિયાર ઉઠાવતા આવડવું જોઈએ તેમ નાની નાની વાતોમાં માફ કરતાં શીખવું જોઈએ.
  •        સંસ્કારિતા : સાહિત્ય, સંગીત અને કલા વિનાનો માણસ એ શિંગડા અને પુંછડા વગરનો પશુ જ છે.
  •       આત્મનિરિક્ષણ : આ વિનાની જિંદગી જીવવા લાયક હોતી નથી. જીવનના સારા માઠા અનુભવોમાં થી શિખીને માનવે આગળ વધવાનું હોય છે. અને જીવનપર્યત શીખવાનું હોય છે.  The secret of life  is education through experience – swami vivekanand   
  •        ભય ; ઘણા વ્યક્તિઓ નાની નાની બાબતો અંગે વ્યર્થ ચિંતાઓ કરીને ડરતા હોય છે. સમય અને શક્તિ બંને બગાડે છે. તેમજ નાની મોટી શારીરિક અને માનસિક બીમારીઓમાં સપડાઈ જાય છે. ઘણીવાર ભય એટલો બધો વધી જાય છે કે સમસ્યાથી બચવા આપઘાત સુધી પહોચી જાય છે. વ્યક્તિત્વ વિકાસમા નીડરતા ખુબજ મહત્વની છે.
  •        સારી સોબત : હાં, આ પણ જરૂરી છે સારી સોબતથી સારા ગુણો વિકસાવવામાં મદદ થાય છે.
  •       નિયમિતતા : કોઈ પણ સારો નિયમ નિયમિત કરવાથી ગુણ બની જાય છે. એક વિદ્યાર્થી હરરોજ સમયે નિશાળમાં જાય છે. તો તેને આપણે પંક્ચુયલ એટલેકે નિયમિત કહીશું. રોજ ક્રિકેટ રમવાથી તેમાં નિપુણ થવાસે. ઘણા એવી દલીલ કરે છે કે એ તો મહાન છે તે કરી શકે. ના એમ નથી તે તેમ કરી શકે છે એટલે મહાન છે. દા. ત. તેંદુલકર નિયમિત રીતે રનના ઢગલા કરે છે એટલે મહાન છે નહિ કે મહાન છે  એટલે રન કરે છે.
  •        મજબૂત મનોબળ : વિલપાવર જીવનમાં અતિશય ઉપયોગી છે. આજના જમાનામાં માનસિક તાકાત વિના સફળ થવાસે નહીં . જીવનમાં ઘણી ઉપાધિઓ આવે છે ડગલેને પગલે. નિષ્ફળતા થી હારી ન જવાય. વ્યક્તિત્વની મહાનતા ભૂલો ન કરવી તેમાં નથી પણ દરેક ભૂલ કે  નિષ્ફળતા પછી ફરીથી ઊભા થવું તેમાં છે.
  •         પ્રેમ અને ભરોષો : આ બે ફેક્ટર સિવાય જીવન અધૂરું છે. ખાલી છે. સૂકા તળાવ જેવુ નીરસ , અને બોરિંગ.  આ બે ગુણો  ના હોય તો માણસ મીઠા વગરનું શાક છે. ભલે નોલેજ ના હોય, ચાલસે. ભણતર નહીં હોય ચાલસે. આવડત નહીં હોય ચાલસે. પરંતુ પ્રેમ આપવાની અને પ્રેમ કરવાની કેપેસિટી નહીં હોય તો હરગિજ નહીં ચાલે. તેજ રીતે ભરોશો કરવાની અને ભરોશો રાખવાની કેપેસિટી નહીં હોય તો નહીં ચાલે. આ બે ગુણો સિવાય માણસ કે સ્ત્રીની કલ્પના કરવી જ અસંભવ છે. તેના થકીજ  પરિવાર અને સમાજ બને છે અને ચાલે છે નહીં કે પૈસાથી. આ વસ્તુ સમજી લેવા નમ્ર અરજ છે. નહિતર બહુ મોટો માર ખાઈ જશો. સ્વાર્થ અને અવિશ્વાસ થી બને તેટલા દૂર રહેજો.. તમારા  વ્યક્તિત્વ વિકાસના આ બે મહત્વના પાસા છે. સમજદારકો ઇસારા કાફી : પ્રમોદ મહાજનને તેનાજ સગા ભાઈએ ગોળી મારીને પતાવી દીધો. આ પ્રસંગ શું દર્શાવે છે. દાંપત્ય જીવનમાં આ બંને ગુણો અતિ મહત્વના છે. તેજ રીતે મિત્રતામાં પણ ખરા .          
બસ આ અગીયાર  મુદ્દા તો ઘણા થઈ ગયા,  હર એક મે દસકા દમ હૈ . કોઈ થોથા ઉથલાવવાની જરૂર નથી.    
[LANDSCAPE OF TRUTH:THE POSITIVE POWER: http://raol1810pr.wordpress.com/ માંથી સાભાર ]     

Posted By: http://web-sarita.blogspot.com/

માત્ર 4 પંક્તિઓ... આપે છે જોરદાર માઇન્ડ પાવર અને સક્સેસ

 
આજના યુગમાં માણસના જીવન ઉપર ભૌતિકવાદ અર્થાત્ સુખ-સુવિધાઓ, વૈભવની લાલસા, અતિ મહત્વાકાંક્ષાઓ એટલી હાવી થઈ છે કે ઇચ્છા-અનિચ્છાએ દરેક માણસ તેનાથી પ્રભાવિત થયા વગર નથી રહેતો. જેનાથી જીવન સાથે જોડાયેલી ભાવનાત્મક પક્ષ દરકિનાર થઈ જાય છે. જ્યારે ધર્મની દ્રષ્ટિએ સુખી અને શાંત જીવન માટે ભાવનાઓ અને ભૌતિકવાદની વચ્ચે યોગ્ય તાલમેળ જરૂરી છે.

માણસ પછી પરિવારમાં રહે, સમાજમાં કે કાર્યક્ષેત્રમાં સુખ-સુવિધાઓનો મોહ, સ્વાર્થ કે અતિમહત્વાકાંક્ષાઓને લીધે સંવેદાનાઓ અને ભાવનાઓથી દૂર ન જાય. કારણ કે ભાવનાઓ જોડનારી હોય છે, જેનાથી પારિવારિક અને સામાજિક દાયિત્વો અને કાર્યોને લક્ષ્યોને પૂરા કરવા ખૂબ જ આસાન થઈ જાય છે.

સારા-ખરાબ વિચારોને નિરંતર ઊતાર-ચઢાવ લાવનાર સ્પર્ધાના આ દોરમાં પણ ભાવનાઓની એવી જ તાકાત આપે છે, ધાર્મિક કર્મના છેલ્લા બોલાતી 4 પંક્તિઓ, ધર્મ ભાવોથી ઓતપ્રોત આ માત્ર ચાર પંક્તિઓ વ્યાવહારિક જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ સમય, સુવિધા અને ખરાબ વિચારોથી છૂટકારા પ્રાપ્ત કરવાનો ખૂબ જ સરળ ઉપાય પણ છે. જાણો આ 4 પંક્તિઓ....

धर्म की जय हो,

अधर्म का नाश हो,

प्राणियों में सद्भाव हो,

विश्व का कल्याण हो।


આ પંક્તિઓમાં ધર્મની મહિમાને ઊજાગર નથી કરતી, પણ સફળતા માટે મનોબળને ઊંચો પણ કરે છે. કારણ કે તેમાં ધર્મનો જયકાર કાર્યની પ્રત્યે સત્ય, નિષ્ઠા, સમર્પણ તો અધર્મથી દૂરી ઈર્ષા, દ્વેષ, સ્વાર્થથી પર થવા માટે સંકલ્પિત કરે છે. ત્રીજી પંક્તિ સદભાવ અર્થાત્ મેળાપથી કામ અને જીવનને સાધવાનું સૂત્ર. કાર્યક્ષેત્રમાં આ ટીમ વર્ક પણ કહેવામાં આવે છે. કલ્યાણ અર્થાત્, પહેલી ત્રણ વાતોનો સંકલ્પની સાથે અપનાવવાથી લક્ષ્યને જોરદાર રીતે ભેદી અને સફળતાની ઊંચાઈઓ પાર કરવી નક્કી હોય છે.

[http://religion.divyabhaskar.co.in/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

Tuesday, 5 August 2014

સંકલ્પ શક્તિ શું છે? Know your Strength...-જિજ્ઞેશ ઉપાધ્યાય

તમારી શક્તિને જાણો, ઓળખો અને એનાં પર વિશ્વાસ રાખો :

        દુનિયામાં કોણ એવું છે કે જેનાં મનમાં, હ્રદયમાં મહત્વાકાંક્ષાં નથી હોતી? દરેકનાં મનમાં કોઇને કોઇ ઇચ્છા અવશ્ય હોય જ છે. હરકોઇ કંઇક ને કંઇક મેળવવા ઇચ્છે છે. પરંતુ શું માત્ર ઇચ્છા રાખવાથી જ તમે તે સ્થાન કે તમારી મહત્વાકાંક્ષાને મેળવી શકશો? પામી શકશો? દરેક મહત્વાકાંક્ષા અત્યંત પરિક્ષમ માંગે છે. હવે ખેડૂતનું જ ઉદાહરણ લઇ લો. પોતાની ખેતી કે ફસલ માટે એ કેટલી મહેનત કરે છે, પરિક્ષમ કરે છે. ફુલ-ફળ શું આપમેળે ઉગે છે? એને ઉગાડવાવાળાં લોકો પાસેથી જ આપણે જાણી શકીએ છીએ કે આ બધું ઉગાડવા કે મેળવવા તેમણે કેટલી મહેનત કરેલી, કેટલો સખત પરિક્ષમ કરેલો. મહત્વાકાંક્ષા પણ આમા અપવાદ નથી.

        મહેનત કરો. તમારી હર એક મહત્વાકાંક્ષા હરેક ઇચ્છા પુરી થશે. પણ એ માટે પહેલી શરત છે, મહેનત કરવાની, પરિક્ષમ કરવાની અને એ પણ સખત. મહેનત કરવાથી તમને બધું મળી શકે છે. બસ જરૂર છે યોગ્ય દિશામાં મહેનત કરવાની.

આ માટે અમુક નિયમો કે સુચનાઓ પર નજર દોડાવીએ.

મનોદશા કે ચિત્તને સ્થિર રાખો –
        તમારા કામ પર તમારા મનને એકાગ્ર કરો. સ્થિર કરો. તમારી જ જીત થશે અને મનોવાંછીત ફળ પણ મળશે જ એવાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મચી પડો. દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાની તમામ શક્તિઓને તમારા લક્ષ પર એકાગ્ર કરી દો તો જ સફળતા મળશે. આશા, દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવનારાઓની ક્યારેય હાર થતી નથી. પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ પોતાનાં મનને સ્થિર મનોદશાને સ્થિર રાખો. પછી જુઓ ચમત્કાર…!

આત્મ શ્રધ્ધા રાખો –
        તમે જે લક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો એ મેળવવા માટે જો તમને તમારી જાત પર જ વિશ્વાસ નહીં હોય શ્રધ્ધા નહીં હોય તો એ તો પેલી વાત જેવું થયું કે તમે ચાલો છો તો પશ્ચિમ બાજુ પણ પૂર્વ પર પહોંચવા ઇચ્છો છો. સફળ થવા માટેનો સૌથી મોટો અને સીધો સાદો સિદ્ધાંત છે કે તમે જે લક્ષને મેળવવા ઇચ્છો છો તેને મેળવવાની પ્રબળ આશા પણ રાખો તેમજ એ માટેની જરૂરી એવી શક્તિ અને આત્મવિશ્વાસ તમારા મનમાં ભરી દો. જો તમે જ તમારી યોગ્યતા પર અને લક્ષની પ્રાપ્તિ હેતુ શક્તિ અને સામર્થ્ય પર વિશ્વાસ નહીં રાખો શ્રદ્ધા નહીં રાખો તમે લખી રાખજો કે મનચાહી સફળતાને તમે કદી તમારી પ્રત્યે આકર્ષી નહીં શકો.

મનોવૃત્તિ બદલો –
        આપણાં વિચારોની ગરીબી, નિરાશાની ભાવના, પોતાની શક્તિઓ પર સંદેહ અને ભયની ભાવના, આત્મવિશ્વાસની કમી અને કાર્યહિન બેસી રહેવાની વૃત્તિ જ આપણને ગરીબ બનાવી રાખે છે.

        તમે તમારી મનોવૃત્તિને એક ધનાઢ્ય વ્યક્તિની મનોવૃત્તિ જેવી બનાવો. તમારી કોઇ પણ ચેષ્ટા કે અભિનયથી તમારી ગરીબી દેખાવી ન જોઇએ. જ્યાં સુધી તમારી આસપાસનું વાતાવરણ જ તમને ગરીબીની માનસિકતા તરફ ખેંચતું રહેશે ત્યાં સુધી તમે મનથી પણ ક્યારેય ધનાઢ્યની જેમ વર્તી નહીં શકો. તમારા ઉદ્દેશપૂર્તી હેતુ જે કરવું પડે તે જ કરો. ઘણીવાર પોતાનાં વર્તનથી જ માણસ સફળ થતો હોય છે. પોતાનું દુઃખડું કોઇપાસે રડો નહીં. પોતાની જાતને મજબૂત બનાવો. માર્ગમાં આવનારા વિધ્નથી જરા પણ વિચલીત થયા વિના લક્ષ્ય પર દ્રષ્ટિ રાખો અને આગળ વધો. તમે જરૂર સફળ થશો.

        ખાસમખાસ નેગેટીવ પ્રોગ્રામિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું અને આવા લોકોથી હરહંમેશ સાવચેત રહેવું. આ એ લોકો છે જેમની મનોદશા ગરીબ છે. તમારે એમનાં જેવું રહેવું હોય તો અને તો જ આવા લોકોનાં સંપર્કમાં રહેજો.

વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો શ્વાસ છે –
        વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો પિતા છે. વિશ્વાસથી માનસિક શક્તિઓને સહારો મળે છે અને આ શક્તિઓમાં વધારો પણ થાય છે. વિચારોની તિવ્રતા કેવળ ધારણાઓથી મળે છે. એનામાં સ્થિરતા કેવળ દ્રઢ નિશ્ચયથી આવે છે. એને શક્તિ માત્ર અને માત્ર પ્રચંડ આત્મવિશ્વાસમાંથી મળે છે. જો તમારો આ ગુણ નબળો પડશે તો વિચાર પણ નબળો પડશે અને તમે તમારી કાર્યસિદ્ધિ માટે અસમર્થ થઇ જશો. માટે વિચારો પર વિશ્વાસ રાખો.

        દુનિયામાં કોઇપણ વ્યક્તિ ત્યાં સુધી કંઇ નથી કરી શક્તો કે સફળ થતો જ્યાં સુધી એને પોતાનાં હાથમાં લીધેલા કામનાં વિષયમાં અને એ કામને પુરી કરી શકવાનાં પોતાના સામર્થ્ય પર દ્રઢ વિશ્વાસ ન હોય. જો આ દ્રઢ વિશ્વાસ હોય તો એવા લોકોનું પોતાનાં લક્ષ સાધ્ય હેતુ પાછીપાની કરવાનું અસંભવ હોય છે. એને પોતાનાં પર અને પોતાની શક્તિ અને સામર્થ્ય પર પૂર્ણતઃ દ્રઢ વિશ્વાસ હોય કે જે કામ એને કરવાનું છે એ કામ એ કરી શકે એમ છે. એ માટે એનાં માર્ગમાં આવનારા તમામ વિઘ્નોનો સામનો કરવાની હિંમત પણ ધરાવે છે.

કોઇનું અનુકરણ ન કરવું –
        જે લોકો પોતાનાથી વધુ સામર્થ્ય ધરાવતા લોકોનું અનુકરણ કરવાનું શરૂ કરે ત્યાં એ પોતાની આગવી ઓળખ ગુમાવી લેતા હોય છે. ત્યારબાદ તેઓ માત્ર તેટલું જ જોઇ શકે છે કે વિચારી શકે છે જેટલું પેલી વ્યક્તિ જેનું એ અનુકરણ કરતાં હોય. એક રીતે કહું તો આવા લોકો કૂપમંડૂક બનીને પુરૂ જીવન વ્યતિત કરતાં હોય છે. પોતાનું જીવનમાં ક્યારેય તેઓ પ્રગતિ કરી શકતાં નથી. એમનું જીવન એક ઘોર અંધકારની ગર્તામાં ધકેલાઇ જાય છે, અને એનો આવા લોકોને જરા પણ અહેસાસ હોતો નથી.

        ઉઠો, જાગો અને આગળ વધો! આગળ વધીને દોડો ત્યારે જ તમને તમારી મનચાહી મંઝીલ મળશે. ભગવાને રસ્તો તો બનાવ્યો જ છે. પણ ઉઠીને એ રસ્તા પર ન ચાલો તો આમાં દોષ કોનો? સ્વાભાવિક છે કે આપણો જ દોષ છે.

શ્રેષ્ઠ પરિણામની જ આશા સેવો –
        પ્રત્યેક કાર્ય પ્રત્યે રચનાત્મક દ્રષ્ટિથી જોવું, એની સારી બાજુ જોવી, આશા ભરી નજરોંથે જોવું, સફળતાનો ભરોસો રાખવો અને મનમાં વારંવાર સફળ થશું જ એવા જ ભાવ લાવવા. સંદેહ અને સંશય જેવા નિર્બળ કરનારા ભાવોને મનથી અને પોતાનાથી દુર રાખવા, આ તમામ કાર્યો એવા છે કે જેના કારણે મનુષ્ય પોતાના તમામ કામો અને ચેષ્ટાનું સર્વોત્તમ અને શ્રેષ્ઠ પરિણામ જ મેળવે.

        આશાવાદથી તમામ માનસિક યોગ્યતાઓમાં વૃદ્ધિ થાય છે વિકાસ થાય છે ઠીક એમ જ જેમ સુર્યોદય થવાથી ફુલ-છોડ અને વૃક્ષોની વૃદ્ધિ થાય છે. નિરાશાવાદ એક નકારાત્મક બાજુ છે, એક વિચાર છે, સોચ છે. નિરાશાવાદ ઘોર અંધકાર ભર્યું નરક છે. જ્યાં મનુષ્યની તમામ શક્તિઓ અને તમામ યોગ્યતાઓ અપંગ બની જાય છે અને તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. જેમને ચારેકોર નિરાશા જ નિરાશા દેખાતી હોય એમનું ભવિષ્ય અંધકારમય છે.

સિદ્ધિનાં અવસરો –
        એક વાતને તમે ગાંઠે બાંધી લો કે હાલની પરિસ્થિતિવશ તમે કેટલા નિર્ધન અને ગરીબ શા માટે ન હો પણ ભવિષ્યમાં તમે ધનાઢ્ય બની શકો છો. જો કોઇ વ્યક્તિ પોતાની જાત પર ભરોસો રાખે, જો નિરંતર પોતાના ઉદ્દેશ્યની વિશે જ વિચારતો હોય, જે પોતાની કાર્ય કરવાની યોગ્યતાઓ પર ભરોસો રાખતો હોય, જે પોતાની દ્રષ્ટિ નિરંતર પોતાનાં લક્ષ્ય પર એકાગ્ર કરીને રાખતો હોય, જે વ્યક્તિ પોતાનાં પર વિશ્વાસ રાખી અને ઘોર પરિક્ષમ અને સંઘર્ષ કરવાની ઇચ્છા અને સંકલ્પ રાખતો હોય એવા લોકોની જીત હંમેશા થતી હોય છે. આવા લોકો જ પોતાનું ઇચ્છીત ફળ, ઇચ્છીત હેતુંને પાર પાડી શકતા હોય છે.

        તમે જે કાર્યો પુરા કરવાનો મનોમન સંકલ્પ કર્યો હોય એ કાર્યોની સિદ્ધિ પર તમને પૂર્ણતઃ વિશ્વાસ હોવો જરૂરી છે. આશાવાદ જેટલો તિવ્ર હશે એટલો જ ઉત્સાહ પણ ઉગ્ર હશે. ઉત્સાહ જેટલો ઉગ્ર હશે એટલો જ માનસિક પ્રયત્ન પ્રચંડ હશે. માનસિક પ્રયત્ન જેટલો પ્રચંડ હશે એટલી જ તિવ્રતાથી સફળતા પ્રાપ્ત થશે.

નિશ્ચયમાં દ્રઢતા –
        જે વસ્તુને આપણુ હ્રદય ઇચ્છે છે ચાહે છે તે સ્વરૂપનું નિર્માણ આપણી આશા-આકાંક્ષા, આપણો વિશ્વાસ, આપણો દ્રઢ સંકલ્પ અને આપણાં પ્રયત્નો થકી જ થાય છે. જો આપણે આપણાં લક્ષની સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય કરી લઇએ પછી એ પ્રાપ્તિ હેતુ માર્ગમાં ગમે એવાં વિઘ્નો આવે કે અડચણ આવે આપણે આપણાં સંકલ્પ બળના આધારે આ તમામ વિઘ્નો અને અડચણોને દુર કરી સફળતા મેળવી ને જ રહીએ છીએ.
[http://jignesh1976.blogspot.in/ વિચારોનું મેધધનુષ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday, 5 August 2014

આજીવન વિદ્યાર્થી રહો, જિંદગી રોજે રોજ શીખવાડે - નવગુજરાત સમય


students
એક પિતા પુત્રને લડતા હતા.. 'તારા ભેજામાં વાત કેમ બેસતી નથી? જ્યારે જુઓ ત્યારે તે જ ભૂલ'. ગુસ્સામાં પિતાનું મોં લાલ થઈ ગયું. અંતે થાકીને તે ઘરની અંદર ચાલ્યા ગયા. બાળક ફરીથી રમવા લાગ્યો. તેના પર તો તેના પિતાની સલાહની કોઈ અસર જ થઈ નહીં. એવું લાગતું હતું કે પિતા ઉતાવળમાં હતા અથવા તેઓ જાણતા હતા કે આનો કોઈ ફાયદો થવાનો નથી.
આપણે દરેક વાતનો ઉકેલ અને દરેક પ્રશ્નનો જવાબ તાત્કાલિક ઈચ્છીએ છીએ. પરંતુ આવું થતું નથી. સલાહ ધીરે-ધીરે પોતાની અસર દેખાડે છે. જીવન પણ ધીરે-ધીરે શિખવાડે છે અને એ શીખીને આપણે મજબૂત થતા જઈએ છીએ. આખરી ક્ષણો સુધી આપણે વિદ્યાર્થી બની રહીએ છીએ. જ્યારે લાગે છે કે જીવન પૂરું થયું, તે સમયે કોઈ નવી સમસ્યા નવી શીખામણની જેમ ટકોરા મારતી જાય છે.

પૂર્ણતા ક્યારેય આવતી નથી. સાધક હંમેશા સાધના કરીને પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી સતત અભ્યાસ કરીને પરીક્ષામાં સફળ થાય છે. હાર એ જ માને છે કે જે કર્મહીન ઉપદેશક હોય છે. બોદા ઉપદેશકોને લાગે છે કે તેમને શીખવાડવાથી કંઈ લાભ નથી. અને બિનગંભીર સાધકને લાગે છે કે આનાથી વધારે શીખવાથી કોઈ ફાયદો નથી. ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો છે. શ્રમ કરવો અર્થહીન છે કારણ કે તે કર્મ કરવા ઈચ્છતો નથી.
જીવનમાં માત્ર ફાયદો કે નુકસાન જ નથી જોવામાં આવતું, તેના સિવાયની પણ એક ભાવના હોય છે- કર્તવ્યની ભાવના- જે પ્રાણીના જીવનને ઉદેશ્ય આપે છે. અંધારું કેટલુંય કાળું કેમ ન હોય- પ્રકાશને હંમેશા અવકાશ રહે જ છે. જો આવું ન હોત, તો કોઈ વાલ્મિકી ફરીથી ઋષિ બનત નહીં.
અંગુલિમાલનો ઉદ્ધાર થાત નહીં. અને બુદ્ધ પણ રાજકુમાર સિદ્ધાર્થ બનીને રહી જાત. તેઓ જે હતા તેનાથી શ્રેષ્ઠ બન્યા, કારણ કે એક ઊંચાઈ સુધી પહોંચી જવા છતાં તેમણે જીવનભર સતત શીખતા રહેવાનો પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
[http://navgujaratsamay.indiatimes.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

વિદ્યાર્થી જીવન - શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણ


વિદ્યાર્થી જીવન, જીવનનો એ સુવર્ણકાળ છે, જ્યારે ઉમંગો, આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓનાં અંકુર ફૂટે છે, નવી આશાઓ કૂં૫ળની જેમ ઊગી નીકળે છે, નવી ઉ૫લબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઊઠે છે. દિવાસ્વપ્નોમાં ડૂબેલા ૫રંતુ શક્તિ અને સંભાવનાઓથી ભરપૂર આ જીવન ૫ર વાલીઓનું જ નહિ આખા ૫રિવાર અને સમાજનું ધ્યાન કેન્દ્રિત રહે છે. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે.
દરેક વિદ્યાર્થીએ એવો અનુભવ કરવો જોઈએ કે તે એક એવા સમયગાળામાંથી ૫સાર થઈ રહ્યો છે, જે તેના ભાગ્ય અને ભવિષ્ય નિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર, સદ્દભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવતો રહે તો તેનો પ્રભાવ જીવનભર રહે છે અને સુખશાંતિની સંભાવનાઓ સાકાર થાય છે.
આ દિવસોમાં મિત્રોનું આકર્ષણ તેની ચરમસીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પ્રસન્નતાની વૃદ્ધિમાં સહાયતા જ મળે છે. પ્રત્યેક સમજદાર વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતાં ૫હેલાં હજાર વખત વિચારે. સચ્ચરિત્ર મિત્રો, શ્રેષ્ઠ પુસ્તકો અને સર્વશક્તિમાન ૫રમાત્માનો જ સંગ કરો. સદ્દવિચારોની નોટબુક બનાવો. જ્યારે ૫ણ કોઈ સારી વાત વાંચો, સાંભળો તો નોંધી લો. સમયાંતરે તે દોહરાવો. આદર્શ વ્યક્તિઓનું, મહાપુરુષોનું ધ્યાન અને તેમના ચરિત્રનું ચિંતન-મનન કરો.
સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર-વિહાર, સૂવા-જાગવાનું વગેરે બાબતોનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે.
મોટે ભાગે અકુશળ વિદ્યાર્થીઓ જ અનુશાસનહીન  જોવા મળતા હોય છે. વાંચવા ભણવામાં તેમનું મન લાગતું નથી. સારા વિદ્યાર્થીઓના લક્ષણોથી રહિત હોવાના કારણે ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા નથી હોતી, શ્રેણી, શ્રેય કે પ્રશંસાને યોગ્ય હોતા નથી. આગામી જીવનની જવાબદારીથી બેખબર રહે છે, જીવનનું કોઈ વિશેષ લક્ષ્ય હોતું નથી. આ પ્રકારની માનસિક શૂન્યતાઓમાંથી જન્મેલી હીનભાવનાને દબાવવા માટે અકુશળ અને અયોગ્ય વિદ્યાર્થી અનુશાસનહીનતાને શાન સમજવા માંડે છે. જે વિદ્યાર્થીઓનાં લક્ષણો ભણવાનાં હોય છે, તેઓ ભણવા સિવાય નકામી જંજાળમાં ૫ડતા નથી.
આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુ૫યોગ, સમયનું સંનિયોજન અને સદુ૫યોગ, માનસિક સંતુલન, સત્સાહિત્યનો સ્વાધ્યાય, કઠિન ૫રિશ્રમ, દ્રઢ સંકલ્પ, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સત્સંગતિ, સકારાત્મક વિચાર, સ્વસ્થ જીવન, શાલીનતા, સજ્જનતા, હસતું મુખ, શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનારા સદ્ગુણો છે. અર્થ ઉપાર્જનનો અભ્યાસ નવયુવક જો કરવા લાગે તો તેની અંદર એવી વિશેષતાઓ ઉદ્ભવતી જશે, જેના દ્વારા તેનું ભવિષ્ય,સોનેરી અને શાનદાર બની જશે.
[શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણ: http://rushichintan.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

આજનો વિદ્યાર્થી... - પ્રવિણા


વિદ્યાર્થી જીવન એ માનવના જીવનનો સુવર્ણકાળ છે. એ સમય દરમ્યાન
જેટલું જાણીએ, પામીએ અને વિચારીએ તે ભવિષ્યના જીવન ઘડતરમાં
પાયાનું કાર્ય કરે છે. જેટલો પાયો મજબૂત એટલી ઈમારતની ભવ્યતા.
આપણે સંસ્કૃતને દેવ ભાષા જેવું સુંદર પદ આપ્યું છે.
સંસ્કૃતમાં  સુભાષિત છે
काकचेष्टा  बकोध्यानं  श्वाननिद्रा  तथैव च
सदाचारी  सत्यभाषी  विद्यार्थी  पंचलक्षणम
એનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ છે.
કાગડાની માફક મંડી પડનાર,  બગલાની માફક ધ્યાન
કરનાર, કૂતરા જેવી ઉંઘ લેનાર, સદાચારથી વર્તનાર
અને હંમેશા  સત્યને ઉચ્ચારનાર. વિદ્યાર્થીના આ પાંચ
લક્ષણ વર્ણવામાં આવ્યા છે.
હવે આજનો ૨૧મી સદીનો વિદ્યાર્થી  તપાસીએ.
कमप्युटरचेष्टा  आईफोनध्यानं  सूर्यवंशीनिद्रा तथैव च
सदाफेशनेबल  अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम
આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે,  આઈ ફોનનું
ધ્યાન ધરે, સૂર્ય ઉગે પછી ઉઠે, ટાપટીપમાં  (ફેશનનો ફરિશ્તો)
અને  અંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ.
૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. તેથી
કમપ્યુટરની આવડત કેળવવી અને મગજને ગિરવે મૂકવું એવું
તો નથી. તેનામાં સારા નગરિકની ભાવના હોવી જરૂરી છે.
[http://pravinash.wordpress.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.