વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday, 2 October 2014

વિજયા દશમી … દશેરા …

પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં

રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો.

શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી

ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો.

આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે,

તેથી ભગવાન શ્રીરામે દૈવીશક્તિને જાગ્રત કરવાનો નિર્ણય લીધો.

આસો માસના સુદ પક્ષમાં

પ્રતિપદા (એકમ)થી લઈને નવમી સુધી નવ દિવસ

ભગવતી મહાશક્તિની આરાધના કરીને

શ્રીરામે તેમને પ્રસન્ન કરી લીધાં.

તેના ફળસ્વરૂપ તેમને દેવી પાસેથી રાવણ પર વિજય

મેળવવાનું વરદાન મળ્યું.

ત્યારબાદ ભગવાન શ્રીરામે આસો સુદ દશમી (વિજયાદશમી)ના દિવસે

વિજય મુહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો.

[Source: http://www.sandesh.com/article.aspx?newsid=94592 ]

વિજયા દશમી …  દશેરા …
 
ભારતીય સંસ્કૃતિ વૈદિક યુગથી વીરતાની પૂજક રહી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ થકી સમાજમાં વીરતા પ્રગટે તે માટે દશેરા- વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય છે. રાજનીતિ કહે છે કે રાષ્ટ્ર હિત અંગે જો યુધ્ધ અનિવાર્ય જ હોય તો વગર વિલંબે શત્રુઑ પર હુમલો કરવો જોઈએ જેથી શત્રુઓનો પગપેસારો અટકી જાય. વિજયની ભાવના દરેક યુગમાં રહી છે. ભગવાન વિષ્ણુનાં લીધેલા દરેક અવતારોમાં એક એક અસૂરો પર પ્રભુએ વિજય મેળવીને સમાજને દૂષિત થતાં અટકાવ્યો છે. મધ્યકાલીન યુગ પણ પ્રજાપરાયણ અને વીર રાજવીઑ દ્વારા સંસ્કૃતિની રક્ષા કરી વિજય પતાકા ફરકાવવામાં આવી છે.
આ દિવસ અંગે એમ કહી શકાય કે નવ નવ દિવસ શક્તિની ઉપાસના કર્યા બાદ દશમે દિવસે શત્રુનો સંહાર કરવા શક્તિ પ્રેરે છે. પ્રભુ રામચંદ્રના યુગથી જ વિજયા દશમીનો દિવસ એ વિજયનું પ્રતિક બન્યો છે. ભગવાન રામના પૂર્વજ રઘુ રાજાનો ઇતિહાસ શમી વૃક્ષ સાથે સંકળાયેલ છે. ઇતિહાસ કહે છે કે રઘુ રાજાને ત્યાં કૌત્સ નામનો વ્રતસ્નાતક આશ્રમ માટે ગુરુદક્ષિણાનાં રૂપમાં ચૌદ કરોડ સોનામહોર લેવા માટે આવ્યો ત્યારે રઘુરાજાએ પોતાનો સમગ્ર ભંડાર દક્ષિણામાં આપી દીધો ત્યારે તે વ્રતસ્નાતકે કહ્યું કે આપનો ભંડાર તો ખાલી થયો રાજન પરંતુ અમારે તો હજુ વધુ ધન જોઈએ છે. વ્રતસ્નાતકની વાત સાંભળીને રઘુરાજાને લાગ્યું કે ઋષિવર શિષ્ય શ્રી આમ હતાશ થઈને વળે તે સારું ન કહેવાય આથી રઘુરાજાએ દેવરાજ કુબેરને આજ્ઞાકારી કે આપની પાસે સંસારનું અખૂટ ધન છે તે આપો પ્રથમ તો કુબેરે ના કહી પરંતુ રઘુરાજા લડવા તૈયાર થયાં ત્યારે કુબેરે વિચાર્યું કે આ વંશમાં તો સ્વયં ભગવાન વિષ્ણુ અવતાર લેવાના છે એ કુળને હું ના કેવી રીતે કહી શકું? ત્યારે દેવરાજ કુબેરે રઘુરાજાના બગીચામાં રહેલ શમીવૃક્ષ પર ધનનો વરસાદ વરસાવ્યો. તે દિવસથી આજ દિવસ સુધી શમીનાં વૃક્ષને ધનના વૃક્ષની માન્યતા મળી છે. 
મહારાષ્ટ્રમાં વિજયાદશમીને દિવસે શમી વૃક્ષના પાંદડા વહેંચવાનો રિવાજ રહેલો છે. પાંડવોનો પણ શમીવૃક્ષ સાથે સંબંધ રહેલો છે તેમ ઇતિહાસ જણાવે છે. મહાભારતમાં કહ્યું છે કે દશેરાને દિવસે પાંડુપુત્રોએ શમીના વૃક્ષ પર સંતાડેલા પોતાના આયુધો પાછા મેળવી તેનું પૂજન કર્યું તેમજ પોતાના આયુધોને કુશળતાપૂર્વક સંતાડવા બદલ શમીવૃક્ષનો આભાર માનીને તેનું પૂજન કર્યું હતું. રામાયણમાં કહ્યું છે કે ભગવાન રામચંદ્રએ રાવણને મહાત કરવા આજ દિવસે પ્રસ્થાન કર્યું હતું, મધ્યકાલીન યુગમાં શિવાજી મહારાજે પણ ઔરંગઝેબ સામે હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે વિજયાદશમીનો દિવસ પસંદ કર્યો હતો.
આપણે ત્યાં વિજયા દશમીનાં દિવસે ગલગોટાનાં ફૂલોનું તોરણ અને લીંબુ તથા મરચાંનો જૂડો બાંધવામાં આવે છે અને વાહનોનું પૂજન કરવામાં આવે છે. ગલગોટાનું ફૂલ એ એક સમાજનું પ્રતિક છે. ગલગોટામાં અનેક પાંદડીઓ એક જૂથ થઈને ફૂલ સાથે બંધાયેલી છે આ પાંદડીઓ તે વિવિધ સ્વભાવ અને ભાવ ધરાવતી વ્યક્તિઓનું સ્વરૂપ છે. જે એક જૂથ થઈ સમાજને ફૂલ સ્વરૂપે બનાવવામાં મદદ રૂપ થાય છે. આમ ગલગોટાનું ફૂલ એ સમાજ અને સમાજની પ્રત્યેક વ્યક્તિઑ અને તેના કાર્ય રૂપી સુગંધનું પ્રતિક છે. જ્યારે મરચાં અને લીંબુએ બહારથી આવતી નકારાત્મક શક્તિનું દમન કરે છે આથી પોતાના ઘર તરફ આવતી નેગેટિવ એનર્જી ઘરની બહાર રહે તે હેતુથી આપણે ત્યાં ઘરનાં બારણે મરચાં અને લીંબુ પણ બાંધવામાં આવે છે.
જેમ પાંડવોએ પોતાના આયુદ્ધો રૂપી ધનનું પૂજન કર્યું હતું તેમ તેમ સમયાંતરે આયુધો યુગ સાથે બદલાતા રહ્યાં છે. મધ્યકાલીન યુગમાં કોઈ ખેડૂતનું આયુધ બળદ, બળદ ગાડું અને તેના ખેતી કરવાનાં સાધનો હતાં, વણિક લોકોનું સાધન ત્રાજવા અને લક્ષ્મી હતાં તેથી તેઓ તેનું પૂજન કરતાં, લુહાર લોકોનું સાધન એરણ હતું તેથી તેઓ તેનું પૂજન કરતાં, ક્ષત્રિય લોકોનું આયુધ શસ્ત્ર છે તેથી તેઓ તેની પૂજા કરતાં આમ સમાજમાં બદલાતા યુગ સાથે આયુધો બદલાતા રહ્યાં છે. આજનાં યાંત્રિક યુગમાં લોકોનું આયુધ પોતાના ગૃહમાં રહેતા વાહનો છે તેથી તેનું પૂજન થાય છે આને આજ કારણસર વિજયાદશમીને દિવસે નવા વાહનોની ખરીદી પણ કરવામાં આવે છે.
વિજયા દશમી વિષે ઉપનિષદમાં કહ્યું છે કે જેમ દેશ, રાજ્ય, નગર વગેરે પર બાહ્ય શત્રુઓના વિનાશ માટે શારીરિક અને માનસિક શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ મનુષ્ય મનની અંદર પણ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, રૂપી ઘણા આંતર શત્રુઑ રહેલા છે. વિજયા દશમીનાં દિવસે તે આંતર શત્રુઓની મનુષ્ય મન પર હાવી થવાની ચાલને સમજી લઈને તેને અટકાવવા જોઈએ અને પોતાના મન પર સદગુણો રૂપી સેના દ્વારા વિજય મેળવવો જોઈએ.
ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સમાજમાં વ્યક્તિઑ રૂપે રહેલ દીન, હીન, લાચાર, લાલચી એવી આપની ભોગ વૃતિને નાથવા માટે મનની સદગુણોરૂપી શક્તિથી કટિબધ્ધ થવાનો દિવસ, એક જૂથ થઈ યોગ્ય સમાજ બનાવવાનો તેમજ તે સમાજને પોતાના કાર્ય રૂપી સુગંધથી મહેંકાવવાનો દિવસ, પરાક્રમને પૂજવાનો દિવસ, મન રૂપી શૌર્યનો શૃંગાર કરવાનો દિવસ અને ભક્તિ શક્તિનું મિલન કરાવતો દિવસ તે વિજયા દશમીનો દિવસ છે.
સૌજન્ય : સાભાર : પૂર્વી મોદી મલકાણ - યુ એસ એ
[‘દાદીમા ની પોટલી’ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 2 October 2014

નવરાત્રી એક ઉપાસના, આરાધનાનો તહેવાર - વેબદુનિયા


નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રધ્ધાનુ જ એક રૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યા પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે છે. 

માતાની આરાધના કરવાની બીજી રીત છે ઉપવાસ કરવા, નવ દિવસ સુધી માતાની ભક્તિ કરવી. ઘણા લોકો નવરાત્રીમાં નવ દિવસ નકોરડાં ઉપવાસ કરે છે. ઘૂપ-દીપ કરીને માતાજીની ભક્તિ-અર્ચના કરે છે. કેટલાક તો પાછા પગપાળા માતાજીના સ્થાનકો પર જઈને પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે. જેવી જેની શક્તિ અને શ્રધ્ધા એવી તેની ભક્તિ. 
નવરાત્રિ એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા માતાનું મહત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. 

આમ નવરાત્રિ મુખ્યત્વે માઁ ની છે. નવરાત્રી દરમિયાન મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો પણ ઉલ્લેખ થાય છે. કારણ કે આસો સુદ નવમીના દિવસે શ્રીરામે આદ્યશક્તિની આરાધના કરીને વિજયાદશમીના દિવસે રાવણ સાથે યુધ્ધ કરવા સમુદ્ર તટ પરથી પ્રયાણ કર્યુ હતુ. 

ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 ચેત્ર નવરાત્રી માતાના અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. આસો સુધ 1 થી આસો સુદ 9 શરદ નવરાત્રી, માતાના ભક્તિપૂર્ણ ગીતો ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે. 

ૐ શક્તિ ૐ શક્તિ ૐ શક્તિ ૐ 
બ્રહ્મ શક્તિ, વિષ્ણુશક્તિ શિવશક્તિ ૐ 
આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ ૐ 
ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ૐ



નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ (જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે.) બીજો રજો ગુણ(જે દયા દર્શાવે છે.) ત્રીજો ગુણ સત્‍વગુણ (જે સત્‍ય, સ્‍વચ્‍છતા, શાંતિ સ્‍વભાવ દર્શાવે છે.) આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુંઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતિક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.

આ તહેવાર અબાલ-વૃદ્ધ દરેક ઉમરનો તફાવત ભૂલીને હળીમળીને ઉજવે છે. આ દિવસ દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતની પરંપરા અને સંસ્‍કૃતિને માણવા માટે આવે છે.

‘‘ગરબો’’ કે ‘‘ગરબા’’ શબ્‍દ સંસ્‍કૃત શબ્‍દ ‘ગરબદીપ’ પરથી આવ્‍યો જેનો અર્થ ગોળાકાર માટલું જે માનવીય શરીરમાં રહેલ આત્‍માના પ્રતિક છિદ્રોવાળું રૂપ છે.
તહેવાર જીવનમાં આવતા સંઘર્ષનો હિમ્‍મતથી સામનો કરવાનો સંદેશ આપે છે. દુર્ગાની સત્‍યના અસત્‍ય પરના વિજય અપાવે છે. સરસ્‍વતી જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરે છે. અને ‘મા’ લક્ષ્‍મી સુખ અને સમૃદ્ધિ આપે છે.

પુરાણો અનુસાર કૃષ્‍ણ ભગવાન વાંસળી વગાડતા અને ગોપીઓ તેમની ચારે તરફ ગોળાકાર માર્ગમાં રાસ રમતી હતી. આ રાસ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ પ્રખ્‍યાત છે.
નવરાત્રીમાં ગરબા રમવા માટેની ઘણા પ્રકાર છે. કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન દાંડિયા દ્વારા રાસ રમવામાં આવે છે. ગરબા દોડીયું, સાદી પાંચ, સાદીસાત, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી, ત્રણ તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે. 

દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પૌશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે. 

ગુજરાત ‘નવરાત્રી જ્યાં જીવન તહેવારોના રૂપે જીવાય છે.’ ઉજવે છે. આ નવદિવસ દરમિયાન નૃત્‍ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઇને જાય છે.
[વેબદુનિયા.કોમ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Sunday, 21 September 2014

તરસ... - 'અમૃત' આહીર

       
જીવનમાં કયાંક ના છીપાતી કેમ આ તરસ ?
છતાં રણને શા માટે બદનામ કરતી આ તરસ...
વહી જતું કેવું આ બાળપણ રમત રમતમાં જ,
ને ફરી ફરી લાગ્યા કરે પેલું બાળપણ પામવાની તરસ...
યૌવનની વસંત આવીને લ્હેરાતી જીવન પથમાં,
પાનખરમાં સદા સ્મરાતી રહેતી યૌવનની તરસ...
કયારેક કોઇને સતત જોતી રહેતી નજર,
છતાંયે કયાં કોઇ દિવસ સંતોષાતી આ તરસ...
કયારેક જિંદગી સતત કોઇને રહે કેમ ચાહતી,
ને એ ચાહતની ચાહતમાં જ સમાઇ જતી તરસ...
જેનો કોઇ ઉત્તર નથી એનો જવાબ શોધે જિંદગી,
મળે જવાબ તો એનો ઉત્તર બની જતી આ તરસ...
જીવતરમાં રોજ જાગતી રહેતી નવી નવી આશાઓ,
લાગ્યા કરે રોજ આશાને આશાથી પામવાની તરસ...
તરસ... તરસ... ને સતત વધતી જતી તરસને,
જો મળે ‘અમૃત’ તો એને પીવાની લાગી છે મોટી તરસ... !?
- 'અમૃત' આહીર 
  [મ.શિ.,કે.એન્ડ એમ.પી.પટેલ સાર્વ. વિદ્યાલય , અમરોલી ]
  મો.નં. 9909163287 

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 21 September 2014

Saturday, 13 September 2014

સૌભાગ્યવતી મહિલાઓ સેંથામાં સિંદૂર કેમ પૂરે છે? સંકલિત : પૂર્વીબેન મોદી મલકાણ – ‘દાદીમા ની પોટલી’

આદિ માનવ જ્યાં સુધી સભ્ય અવસ્થામાં આવ્યો ન હતો અને તેણે સમાજની રચના કરી ન હતી ત્યાં સુધી કુટુંબની વ્યવસ્થા તેણે બનાવી ન હતી. સૌ માનવો એક સાથે રહેતા હતા અને નવા જન્મતાં બાળકો સમૂહની જવાબદારી હતી. આ વ્યવસ્થાએ ઘણા અટપટા પ્રશ્નો ઊભા કર્યાં હતા. આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માનવે સમાજની રચના કરી. નગર વસાવ્યું અને તેની સાથે આવી કુટુંબની ભાવના. માનવે તેના બંધુઓની કાર્યશક્તિ પ્રમાણે સૌને વિવિધ કામો સોંપ્યાં અથવા કહો કે દરેક માનવે પોતાને ગમતી કે આવડતી વિદ્યામાં કામ કરવા માંડ્યું.
કુટુંબની સાથે આવી પતિ-પત્નીની ભાવના, મા-બાપની ભાવના, બાળકોની સારસંભાળની ભાવના. એક માનવ, એક જ સ્ત્રીને પરણીને કુટુંબ સાથે રહેવા લાગ્યો. આ સ્ત્રી તે માનવની પત્ની બની જેને આપણા પૂર્વજોએ ‘સૌભાગ્યવતી’ નું બિરુદ આપ્યું. બીજી મહિલાઓથી અલગ પાડવા આ સૌભાગ્યવતી સ્ત્રી કે જેનો પતિ હયાત છે, તેની ઓળખ માટે કપાળમાં મધ્યભાગમાં લાલ તિલક અને માથામાં વાળ જ્યાંથી બે ભાગ જુદા પડે તે ભાગને સેંથો કહી, તે સેંથાની શરૂઆતમાં સિંદૂર પૂરવાનું સૂચન કર્યું. આ બંને ચિહનો એ સૌભાગ્યવતી સ્ત્રીની ઓળખ બની ગયા. પૌરાણિક તથ્ય પ્રમાણે આ થઈ સેંથામાં સિંદૂર પૂરવાની મહત્વતા. ભારતમાં આ પરંપરા હજારો વર્ષો પછી આજે પણ ચાલુ રહી છે તે ફક્ત ગૌરવની વાત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં તે અદ્વિતીય પ્રથા પણ ગણાય છે.
પરદેશમાં પણ કપાળમાં તિલક અને સેંથામાં સિંદૂર લગાવેલ મહિલાને જોઈને સામેની વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય છે કે આ મહિલા પરણીત છે.
જે મહિલાનો પતિ મૃત્યુ પામ્યો છે તે મહિલા તે પછી બંને ચિહનનો ઉપયોગ બંધ કરે છે. સમાજ આવી મહિલા પ્રત્યે અનુકંપા રાખે છે અને તેને આદર અને લાગણી સાથે જુએ છે.
સિંદૂરને કુમકુમ પણ કહેવામાં આવે છે અને તેનો રંગ ઉત્સાહ અને શક્તિના ગુણો સૂચવે છે. આ જ કારણસર સિંદૂર એટલે કે કુમકુમને શુભ માનવામાં આવે છે.
આપણી પુરાણી પરંપરામાં પરિણીત સ્ત્રીને સૌભાગ્યવતી સ્ત્રી ગણવામાં આવે છે અને તેના કર્તવ્યમાં બે વાત આવે છે – તે પતિમનરંજની હોય છે અને પુત્રફળદાયિની હોય છે. કહે છે કે આ બંને વિશિષ્ટ લક્ષણોને બાહ્ય રીતે દર્શાવવા આવી સ્ત્રીના સેંથામાં સિંદૂર પૂરવામાં આવે છે. સેંથો એ પણ શણગાર છે અને તેમાં પૂરવામાં આવેલ સિંદૂર સોનામાં સુગંધ ઉમેરાયું હોય તેવું અનુપમ ર્દશ્ય ખડું કરે છે.
સૌજન્ય :  રાજેશ બારોટ …

એક ચપટી સિંદૂરની કિંમત   …

sindoor.1
સ્ત્રીઓ માટે આ ચપટી સિંદૂરનું માત્ર ધાર્મિક કે વૈજ્ઞાનિક મહત્ત્વ જ ના રહેતાં તેના જીવનના એક મહત્ત્વના તબક્કાનું, એક નવા જ અધ્યાયની શરૂઆતનું સાક્ષી બની રહેતું હોય છે. લગ્ન એ પુરૂષ માટે નવલી જવાબદારીનું બંધન હોય છે તો સ્ત્રી માટે નવલા બંધનની જવાબદારી હોય છે…
આપણા દરેક સમાજમાં લગ્ન કરતી સ્ત્રીઓ માટે સૌભાગ્યના પ્રતીકરૂપે અમુક ચિહ્નો ધારણ કરવાં લગભગ ફરજિયાત છે. જેમ કે ચૂડી, ચાંદલો, મંગળસૂત્ર, સેંથીમાં સિંદૂર વગેરે વગેરે. આનાથી એવું મનાય છે કે, આવો શણગાર કરનાર સ્ત્રીને એક ચોક્કસ સામાજિક મહત્ત્વ, સ્થાન અને સલામતી મળે છે.
જો કે, આજે હવે દરેક જ્ઞાતિ-સમાજની આધુનિક વિચારસરણી વિકસાવી ચૂકેલી સ્ત્રીઓએ આ રિવાજને, ચલણને મરજિયાત બનાવી દીધો છે તે અલગ વાત છે.
સિંદૂરની વાત કરીએ તો લગ્ન સમયે હજુ પણ નવવધૂની સેંથીમાં વરરાજા સિંદૂર પૂરી તેનો સ્વીકાર કર્યાનું જાહેર કરે તેવો સરસ રિવાજ યથાવત્ છે અને રહેશે પણ કરો.
હા, એ ચપટી સિંદૂરની કિંમત તેને વેચનાર વેપારી માટે શૂન્ય બરાબર હશે. લગ્નમંડપમાં હાજર મહેમાનો માટે કન્યાની સેંથીમાં પૂરાતું એ સિંદૂર એક યાંત્રિક પ્રક્રિયા સમાન હશે, પણ જેની સેંથીમાં તે પૂરાઈ રહ્યું હોય છે તે સ્ત્રી માટે તે બહુમૂલ્ય હોય છે.ળસ્ત્રીઓ માટે આ ચપટી સિંદૂરનું માત્ર ર્ધાિમક કે વૈજ્ઞાનિક મહત્ત્વ જ ના રહેતાં તેના જીવનના એક મહત્ત્વના તબક્કાનું, એક નવા જ અધ્યાયની શરૂઆતનું સાક્ષી બની રહેતું હોય છે. લગ્ન એ પુરૂષ માટે નવલી જવાબદારીનું બંધન હોય છે તો સ્ત્રી માટે નવલા બંધનની જવાબદારી હોય છે.
લગ્ન કરતી યુવતીના ચહેરા પર ઝીણવટથી જોશો તો ખુશીઓની અનેક લકીરો વચ્ચે એક અજાણ્યા ડરની બારીક લકીર પણ જોવાશે.
બાળપણથી આજ સુધીની એની પોતીકી દુનિયા, તેમાં ઉછેરેલાં સપનાં અને મનપસંદ સ્વતંત્રતા એ બધું છોડી તે જે અજાણી દુનિયામાં, અજાણ્યા લોકો વચ્ચે વસવા જઈ રહી છે તે તેને ગમશે તો ખરીને ! પત્ની, પુત્રવધૂ અને પછી માતા તરીકેની અઢળક જવાબદારીઓ નિભાવવામાં તેને સૌનો સાથ અને પ્રેમ મળશે તો ખરો ને ? આવા અનેક ડર વચ્ચે તે પતિના ઘરે ડગલા માંડતી હોય છે.
તાજેતરમાં જ જેના લગ્ન થયાં છે તેવી એક યુવતી કહે છે, “મેં લગ્ન શું કર્યાં, મારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ. મને એમ વિચારીને રડવું આવતું કે મારૂ તો બધું જ ખોવાઈ ગયું ! લગ્ન તથા સહજીવન માટે મેં કરેલી કલ્પનાઓ, સપનાં એ બધું જ ધાર્યાં કરતાં તદ્દન અલગ. સાસરિયાં સમજદાર તો લાગે છે છતાં બધું સેટ થતાં મને સમય જરૂર લાગશે.”
જો કે દરેક પરિણીતા માટે આમ સમજુ સાસરિયાં મળવાનું નસીબ નથી પણ હોતું અને ત્યારે જ લગ્નજીવન તેના માટે ત્રાસદાયક કસોટી બની અનેક પ્રશ્નાર્થ ઊભાં કરી દેતું હોય છે.
એક પુરૂષ જ્યારે લગ્ન કરે છે ત્યારે તેના ઘરમાં અને જીવનમાં નવા પાત્રના આગમન અને પત્નીલક્ષી જવાબદારીઓ ઉઠાવવા સિવાય ઝાઝો ફરક નથી પડતો. તેને તો ઘર, નોકરી-વ્યવસાય, સ્વજનો, મિત્રવર્તુળ એમ બધું તે જ રહે છે જેવું લગ્ન અગાઉ હતું. ફરક પડે છે સ્ત્રીને. તેની પાસે તો આમાંનું કંઈ બચતું નથી. નવેસરથી જિંદગીનો એકડો ઘૂંટવાનું તેના ભાગે આવે છે.
કેમ કે પુરૂષ માટે તો તેના નાના-મોટા પ્રશ્નો, જરૂરતો અને અનેકવિધ સમસ્યાઓનો લગ્ન પછી અંત આવી જતો હોય છે. પણ સ્ત્રીની તો ખરી સમસ્યાઓ અને થકવી દેતાં પ્રશ્નો લગ્ન બાદ જ શરૂ થતાં હોય છે અને મોટાભાગે તો લગ્નના અમુક વર્ષો પછી પતિ નામનો એ પુરૂષ તેની જવાબદારીઓ નિભાવવામાં ઠાગાઠૈયા જ કરતો જોવાય છે. પત્ની મૂંઝાય, અકળાય કે ફરિયાદ કરે તો પણ તેને સમજવા અને સાંભળવાની કોઈને પડી નથી હોતી.
તેથી જ લગ્ન એ મોટાભાગની સ્ત્રીઓ માટે જિંદગીનો મોટો જુગાર હોય છે, કેમ કે અહીં તેણે તેનું સઘળું દાવ પર મૂકવાનું આવે છે. તેનું સ્વમાન, તેના અંગત ગમા-અણગમા, નારી સહજ ગૌરવ અને સ્વતંત્ર અસ્તિત્વ પણ. તેનો અભિપ્રાય પૂછાતો નથી તો તેના નિર્ણયો પણ ભાગ્યે જ સ્વીકારાય છે. ચૂટકી સિંદૂરના ભાર નીચે તેનો અવાજ પણ દબાઈ જાય તેવી ગૂંગળામણ તેને મળે છે.
આ જુગારમાં જો રમવામાં થોડી કચાશ રહી જાય કે પત્તાં અનાડી નીકળે તો તેને આકરી હાર મળી શકે છે. બહુ ઓછી સ્ત્રીઓ માટે લગ્ન એ ફૂલોની પથારી જેવું સાબિત થતું હોય છે. બાકી તો પતિ અને પત્નીના મનનો મેળાપ થતાં નાકે દમ આવી જાય છે. ઘણીવાર તો અડધું આયખું એક છત નીચે સાથે વિતાવ્યા પછી પણ પેલા રેલવેના પાટાની જેમ રહેતાં હોય છે. થોડાં મહિના અગાઉ મુંબઈમાં એક સ્ત્રીએ છૂટાછેડાની અરજી દાખલ કરી છે. તેનું કહેવું છે કે, તેનો પતિ કે જે તેને લગ્ન પહેલાં ચાંદ પર લઈ જવા થનગનતો હતો તે હવે તેને ‘ધોળા દિવસે ચાંદ-તારા’ દેખાડી દેતાં અચકાતો નથી. તેનાં સાસરિયાં પણ એવાં સ્વાર્થી અને કપટી નીકળ્યાં જેની તેને કલ્પના પણ નહોતી.
 તે કહે છે આ બધાથી મારા મનમાં ડરની તલવાર સતત લટકતી રહેતી. જો પતિ છોડી દેશે તો ? સાસરિયાં જાકારો આપી દેશે તો ? તે ક્યાં જશે અને શું કરશે ? તેના પિયરિયાં અપનાવશે નહીં તો તેના ભાવિનું શું ? વગેરે પ્રશ્નોથી કોઈ નિર્ણય લેતાં અચકાતી હતી, પણ એક દિવસ હદ થઈ ગઈ અને મેં એ ચપટી સિંદૂર મારી માંગને વધુ દઝાડે તે પહેલાં અલગ થવાનો નિર્ણય લઈ લીધો.
આવી દરેક પ્રક્રિયામાં મહદ્અંશે જોવાય છે કે, તે પુરૂષ માટે જેટલી પીડાદાયક બને છે તેનાથી અનેકગણી ત્રાસદાયક સ્ત્રી માટે સાબિત થતી હોય છે.
કેમ કે લગ્ન થયાના દિવસથી જ તે એ નવી ધરતી સાથે તેના સમગ્ર અસ્તિત્વથી, તેના તન-મન અને આત્માથી જોડાઈ ચૂકી હોય છે. એ દુનિયા હવે તેના જીવન સાથે એટલી હદે જોડાઈ ચૂકી હોય છે કે જેનાથી છૂટવું કે તૂટવું તેના માટે સજા બની રહે છે. પુરૂષો ક્યારેય આ મનોભાવને સમજી નહીં શકે તે પણ હકીકત છે.
કોઈપણ કારણોસર છૂટી પડતી સ્ત્રી પછી ત્યક્તા અને ડિવોર્સી તરીકે જ ઓળખાય છે. તેને ફરીથી ‘કુંવારી’નું લેબલ ક્યારેય નથી મળતું. તે પછી નથી તો તેની પેલી ખોવાયેલી દુનિયા તેને યથાવત્ પાછી મળતી કે ના તો તે મથવા છતાં પણ પરિણીત જિંદગીની સારી-માઠી યાદોથી પીછો છોડાવી શકતી.
આમ ચપટીભર સિંદૂરની ઘણી મોટી કિંમત તે જીવનભર ચૂકવતી રહે છે.
આની સામે આજે દરેક જ્ઞાતિ-સમાજમાં આધુનિક વિચારસરણી ધરાવતી એવી અસંખ્ય સ્ત્રીઓ મળી આવશે જેમના માટે મંગળસૂત્ર અને સિંદૂર માત્ર લગ્નના લાઈસન્સ જેટલું જ મહત્ત્વ ધરાવતાં હોય. તેઓ પોતાના અધિકારો અને ખુશીઓ માટે પતિ કે સાસરિયાં પર નિર્ભર ના રહેતાં સ્વબળે પોતાના ભાગનું આકાશ મેળવી લઈ તેમાં હિંમતથી પાંખો ફેલાવીને ઊડી રહી હોય.
પતિ અને પરિવારની તથા સામાજિક જવાબદારીઓ પોતાની શરતો પર નિભાવતી રહીને પણ પોતાની મરજીનું બંધનમુક્ત જીવન આદર્શ ગણાય તેવી રીતે જીવી રહેલી આવી સ્ત્રીઓ માટે લગ્નનું મહત્ત્વ પણ જરાય ઓછું નથી હોતું. સલામ છે આવી સ્ત્રીઓને.
આની સામે બીજી પણ હકીકત દર્પણ સમાન છે કે, ઘણી સ્ત્રીઓ પોતાની મનમાનીથી જીવવા માટે લગ્નની પવિત્રતા, ગંભીરતા અને ફરજોને અવગણતી હોય છે. તેમની બેદરકારી કહો કે નાદાનિયત ગણાવો, પણ નથી તે મંગળસૂત્રનો મહિમા સમજતી કે ના તો સિંદૂરની લાજ રાખતી. તેઓ લગ્નને એક મજાક બનાવીને મૂકી દે છે.
આ સામાજિક કે પારિવારિક દૃષ્ટિને સહેજ બાજુ પર મૂકી સિંદૂરનું વૈજ્ઞાનિક મહત્ત્વ જોઈએ તો બહુ ઓછા લોકોને ખબર હશે કે, સિંદૂરમાં પારાનું અમુક પ્રમાણ પણ સામેલ હોય છે અને સેંથીના જે ભાગમાં સિંદૂર ભરાય છે ત્યાં બ્રહ્મરંધ્ર નામની એક સંવેદનશીલ ગ્રંથિ આવેલી હોય છે. એક માન્યતા અનુસાર સ્ત્રીઓમાં લગ્ન પછી આવતાં મનોશારીરિક ફેરફારો, વધતી જવાબદારીઓ અને તેના પગલે ઉદ્ભવતા થાક, ચિંતા અને તણાવ વગેરેને દૂર કરવામાં આ પારો ઔષધિનું કામ આપે છે.
ટૂંકમાં, લગ્ન એ સુવ્યવસ્થિત સામાજિક માળખા માટેની અનિવાર્ય પ્રક્રિયા છે. સ્ત્રી અને પુરૂષ બેઉ માટે તે ગમતું બંધન પણ છે.
લગ્નના આ અર્થને મજબૂત બનાવતા અન્ય પ્રતીકોની જેમ સિંદૂર પણ પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક માત્ર છે.
જરૂર છે તો બેઉ પાત્રો તેના મહત્ત્વને અને તેની પાછળ જ જન્મ લેતી, આકાર પામતી પ્રત્યેક જવાબદારીઓને સમજે અને ખુશી ખુશી નિભાવે અને તો જ તેનો રંગ ખીલી ઊઠે.
સૌજન્ય : સંદેશ દૈનિક 

સ્ત્રીના સૌભાગ્યના સંકેતરૃપ સિંદૂરની શાનદાર સફર …

sindoor.2
કૃષ્ણપ્રિયા રાધાના ભાલથી લઈને દેવ-દેવીઓની મૂર્તિઓ પર અને ફિલ્મ-ટીવી સિરિયલોની અભિનેત્રીઓ સુધી ‘સિંદૂર’ વિવિધ સ્વરૃપે સદા શૃંગારમાં શિરમોર રહ્યું છે ‘સિંદુર’ ત્રણ અક્ષરનો આ લાલ રંગનો પાવડર વિવાહિત નારીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે.સેથીમાં સિંદૂર પૂરેલી સ્ત્રી સૌભાગ્યવતીનું સૂચક છે.
ભારતની ઘણી જ્ઞાતિઓમાં તો નારીનો સેંથો સિંદૂર વગરનો નથી હોતો. ઘણા ગામડાઓની સ્ત્રીઓ પીળા રંગના સિંદૂરને અસલી માને છે. જ્યારે શહેરની આધુનિક નારી સિંદૂર તરીકે લિપસ્ટીકનો ઉપયોગ કરે છે.   જે લગાડવું સરળ પડે છે અને જલદી ફેલાઇ નથી જતું. બોલીવૂડમાં ‘સિંદૂર’ નું મહત્વ દર્શાવતી ઘણી ફિલ્મો બની છે જેવી કે, ‘માંગ ભરો સજના’, ‘સુહાગ’, ‘સદા સુહાગન’, ‘સિંદુર’,’ ઉધાર કા સિંદુર’ વગેરે. આ ફિલ્મની વાર્તા સ્ત્રીના સૌભાગ્યની આસપાસ જ રહેતી. તેમજ ‘ઓમ શાંતિ ઓમ’નો ‘એક ચૂટકી સિંદર…’ ડાયલોગ પણ ઘણો લોકપ્રિય છે. સિંદૂર અને કુમકુમ લગાડવાનો ઇતિહાસ સદીઓથી ચાલ્યો આવે છે.
કહેવાય છે કે હિંદુ સંસ્કૃતિમાં ૫૦૦૦ વર્ષોથી આ રિવાજ હજી સુધી યથાવત છે. ઇતિહાસ સાક્ષી છે કે, હડપ્પા કાળમાં પણ સેંથામાં સિંદૂર પૂરવાનો રિવાજ હતો. આપણા પુરાણોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે, શ્રીકૃષ્ણની પ્રેમિકા રાધા પોતાના કપાળ પર જ્વાળાના આકારનો સિંદૂર લગાડતી હતી. તો પાંડવોની પત્ની દ્રોપદીના ચીરહરણ વખતે પોતાના પતિઓની નિસહાય સ્થિતિ અને પૌરુષહીનતાથી નિરાશ થઇ દ્રૌપદીએ ક્રોધે ભરાઇને લલાટ પરનું સિંદૂર ભૂંસી નાખ્યું હતું.
પંડિતોનું માનવું છે કે, સેથો પૂરવાનો મતલબ સૌભાગ્યસૂચક છે. આ ઉપરાંત સિંદૂર શક્તિની દેવી પાર્વતીનું પ્રતીક છે. પરંતુ આજે સિંદૂર અને ચાંદલા માટે લોકો કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આજે સિંદૂર અને ચાંદલો ફક્ત ફેશનમાં જ ગણાય છે. રંગબેરંગી વેલ્વેટમાંથી બનાવવામાં આવતા ચાંદલા એ પોતાનું અસલી મહત્વ ગુમાવી દીધું છે. પ્રાચીન કાળમાં ફક્ત ફૂલોની માળાઓનો જ સાજ-શણગારમાં ઉપયોગ થતો હતો. 
સિંદૂર અને ચાંદલા કરવાનું એક સામાજિક અને ધાર્મિક મહત્વ છે. મંદિરોમાં લક્ષ્મી,પાર્વતી, વિષ્ણુ અને હનુમાનજી પર સિંદૂર ચડાવવામાં આવે છે. ઘણા લોકો એવું માને છે કે ખરાબ ગ્રહોની અસરને નાથવા માટે મંદિરોમાં સિંદૂર ચઢાવવું. સિંદૂર બનાવવામાં હળદર અને ફટકડીનો ઉપયોગ થાય છે.  જ્યારે હળદરને લીંબુના રસ સાથે અથવા તો લીંબુના પાવડરમાં ભેળવવામાં આવે છે ત્યારે તેનો રંગ લાલ થઇ જાય છે. પછી તેમાં પાણી અથવા તેલ ભેળવવામાં આવે છે. પહેલાં સમુદ્રી મીઠું,અગરુ, ચંદન, કસ્તૂરી ભેળવી સિંદૂર તૈયાર કરવામાં આવતુ હતું. સિંદૂરને ચંદનની લાકડી અથવા પાવડરમાં કસ્તૂરી કે કુસુમના ફૂલ ભેળવીને પણ બનાવવામાં આવતું હતું.
પ્રાચીન કાળમાં સિંદૂર એક ખાસ પ્રકારનના લાલ માર્બલના પથ્થરમાંથી પણ બનાવવામાં આવતુ હતું. આ લાલ માર્બલને હળદર અથવા તેલમાં લપેટી થોડા દિવસો સુધી રાખવામાં આવતું અને પછી સિંદૂર બનાવવામાં આવતું. આજે જે સિંદૂર બજારમાં વેંચાય છે, તે સિંથેટિક મટિરિયલમાંથી બનાવવામાં આવે છે, જેમાં સીસા, જિંક અને ડાઇ ભેળવવામાં આવે છે. હવે તો સિંદૂર પ્રવાહી રૃપે પણ મળે છે.
વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આજકાલના સિંદૂરનો લાલ રંગ રોહોડમાઇન બી ડાઇ ભેળવવાથી થાય છે જે ત્વચાને નુકસાનદાયક છે. લાંલ રંગ માટે તેમાં પારો તેમજ અન્ય રસાયણ ભેળવવામાં આવે છે જેનાથી ત્વચાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.  તેમજ માથાના વાળ પણ ખરવા લાગે છે. તેમજ ત્વચા રોગ થવાન ીસંભાવના રહે છે. હવે તો બજારમા ંબ્રાન્ડેડ સિંદૂર પણ મળવા લાગ્યા છે. પરંતુ તેની બનાવટમાં ક્યા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની કોઇ પણ જાતની માહિતી આપવામાં આવતી નથી.
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, બજારમાં મળતા સિંદૂરથી બળતરા, ખંજવાળ,રેસિસ, તેમજ પિગમેન્ટેશનની તકલીફ થવાની શક્યતા રહે છે.તેમજ સ્ટિકર ચાંદલા કરવાથી એગ્જીમા અને લ્યૂકોડર્મા થઇ શકે છે. હવે તો બજારમાં મળતા અનેક સિંદૂર હર્બલ હોવાનો દાવો કરવામાં આવે છે. જે દુર્લભ જડીબુટ્ટીઓ અને ફૂલોથી તૈયાર કરવામાં આવે છે. હર્બલ સિંદૂર તૈયાર કરતી વખતે તેમાં ગલગોટા, સૂરજમુખી તેમજ ચંદન તથા અન્ય સામગ્રીઓ મેળવવામાં આવે છે. નારીના સૌભાગ્યના પ્રતીક સમું સિંદૂરનું મહત્વ આધુનિક યુગમાં વધી રહેવામાં ટેલિવૂડ-બોલીવૂડનો મહત્વનો ફાળો રહ્યો છે. ઘણી સિરીયલોની મુખ્ય અભિનેત્રી સેંથીમાં સિંથૂર પૂરતી હોવાથી યુવતીઓ પણ સિંદૂરના મહત્વને જાણવાની પરવા કર્યા વિના સિંદૂર પૂરવાની આંધળી ફેશનને અનુસરે છે.
સૌજન્ય “ દિવ્યભાસ્કર દૈનિક …
સંકલિત :   પૂર્વીબેન મોદી મલકાણ – ‘દાદીમા ની પોટલી’

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 13 September 2014

Thursday, 4 September 2014

આજના આધુનિક ગુરુઓ... - પૂર્વી મોદી મલકાણ (યુ.એસ.એ)

      
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર, 
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ: ll
આપણી ભારતીય સંસ્કૃતિમાં જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ સ્થાન છે અને આપણા શાસ્ત્રોએ પણ વિવિધ રીતે ગુરુનો મહિમા દર્શાવ્યો છે. આપણે જો પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોનું અધ્યયન કરીએ તો આજે પણ ગુરુ મહિમા વિષેના તાર્કિક અને માર્મિક વર્ણન જાણવા મળે છે. ગુરુ એ મૂળ શબ્દ ગુ+રુ એ બે શબ્દોથી મળેલો છે. જેમાં ગુ અર્થાત અંધકાર અને રુ અર્થાત જે પ્રકાશનું કિરણ લાવે છે તે. આખા શબ્દનો અર્થ જે અંધકાર હટાવીને પ્રકાશની કિરણ લાવે છે તે ગુરુ છે. ભગવાન રામ સીતાને કહે છે હું કેળવાયો છુ કારણ કે મારી ઉપર ગુરુ વશિષ્ઠનો પ્રેમાળ હસ્ત ફરતો હતો. જ્યારે સપ્તર્ષિઓના સદ્ગુણોને જોતાં ભગવાન શિવ પણ બોલી ઊઠે છે કે જે ગુરુ પાસે પહોંચતા જ બુધ્ધિ ગ્રહણશીલ બને છે, જે ગુરુના સહવાસમાં જતાં જ તેમનાથી છૂટા પડવાનું મન નથી થતું, જે ગુરુની એક અમી ભરેલી દૃષ્ટિ શિષ્યોના મનહૃદયને નદીના નીર સમાન પવિત્ર કરી નાખે છે તેવા ગુરુનો મહિમા અપરંપાર છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે જે અજ્ઞાનનું નિવારણ કરી ધર્મ તરફ દોરીને લઈ જાય છે તે ગુરુ છે. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિને કહે છે કે મને જે વિશ્વાસ દેવતાઓ મિષે છે તેનાથી અનેક ગણો વિશ્વાસ મને ગુરુશરણમાં, ગુરુચરણમાં અને ગુરુવાણીમાં છે. હું જે આજે આગળ વધ્યો છુ અને જીવન વિષે જે કાંઇ જાણી શક્યો છુ તે સમસ્ત જ્ઞાન મારા ગુરુને કારણે છે. ગુરુશિષ્યની આજ પરંપરા આપણે ત્યાં પ્રાચીન યુગથી ચાલી આવે છે, જેનું મહત્વ કેવળ ગુરુદક્ષિણા સમર્પી  દેવાથી ઓછું નથી થતું. અમેરિકન આર્મીમેનનું એક સૂત્ર છે કે એકવાર જે સોલ્જર થયો તે હંમેશા સોલ્જર જ રહે છે. એક સામાન્ય સોલ્જરમાંથી તે વ્યક્તિ મેજર, લેફટન્ટ, જનરલ, ઓફિસર એમ બધી જ પદવી લેશે પણ તેની અંદરનો સોલ્જર ક્યારેય નહીં જાય. જ્યાં જે આર્મીસ્કૂલમાંથી તે સોલ્જર થઈ બહાર નીકળ્યો છે તે સ્કૂલનો જ તે હંમેશા રહેશે. ગુરુ માટે પણ કશુક એવું જ છે. બાળક જે ગુરુ પાસેથી શિક્ષા લેશે તે ગુરુનો તે હંમેશા થઈ રહેશે. તે બાળક આગળ જતાં મોટી હસ્તી પણ બનશે તો પણ તે પોતાના હૃદયની અંદર રહેલા વિદ્યાર્થીને કે ગુરુને ક્યારેય બહાર કાઢી નહીં શકે. આથી જ આપણાં શાસ્ત્રો કહે છે જીવનને રસદર્શન કરાવનાર આ ગુરુઓનું મહત્વ કેવળ એક ગુરુપૂર્ણિમાનું નથી બલ્કે રોજેરોજ ગુરુના વિચારોને તેમની આપેલ શિક્ષાને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો ખરા અર્થમાં આપણે આપણા ગુરુનું સન્માન કરી શકીશું. વળી આપણી ભારતીય સંસ્કૃતિમાં તો જીવનને સમુધુર બનાવનાર ગુરુનું એક અલગ જ સ્થાન છે. આપણાં શાસ્ત્રોએ આપણા જીવનને સાચી દિશા ચિંધાડનાર આ ગુરુનું સ્મરણ કરાવવા માટે અષાઢ માસની પૂર્ણિમાને ગુરુચરણે ધરી છે. ગુરુ પૂર્ણિમા વર્ષાઋતુના આરંભમાં આવે છે. આ દિવસથી ચાર મહિના સુધી પરિવ્રાજક સંતો એક સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે, (જેને આપણે ચતુર્માસ તરીકે ઓળખીએ છીએ) અને સમાજમાં ચારે તરફ જ્ઞાનની ગંગા વહાવે છે. ઋતુશાસ્ત્ર અનુસાર આ ચતુર્માસ એ વર્ષનો સર્વોત્તમ અને સર્વોશ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. કારણ કે આ સમયમાં વધારે ગરમી નથી, કે વધારે ઠંડી નથી. બસ ચારે તરફ ગગન મેઘાચ્છાદિત વાદળોથી ઘેરાયેલું હોય, નાની નાની વર્ષાની લડીઑ ઝરી રહી હોય, ગુલાબી પવન લહેરાતો હોય તેવા સમયને અધ્યયન માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ઋષિવર ભૃગુ શિવપુરાણમાં કહે છે કે જે રીતે સૂર્યના તાપથી ગરમ થયેલ ધરતીને બરખાની લડીઓથી શીતળતા મળે છે તેમ ગુરુચરણમાં બેસેલા શિષ્યને જ્ઞાન, ભક્તિ, બુધ્ધિ, સિધ્ધી, શક્તિ, શાંતિ અને ધૈર્ય મળે છે. આપણાં શાસ્ત્રોએ શિક્ષા પ્રદાન કરનાર અનેક ગુરુઓ વિષે જણાવેલ છે. જેમાં માતા, પિતા, ગુરુ, વડીલજનો વગેરેનો સમાવેશ થાય છે પરંતુ આજનો સમય કહે છે કે સમય અને યુગ અનુસાર ગુરુ બદલાતા રહ્યા છે. પ્રાચીન ગુરુ પરંપરાની સાથે અર્વાચીન નવી ગુરુ પરંપરાનો પણ ઉદ્ભવ થયો છે. પણ અહીં પ્રશ્ન એ છે કે આપણે શું આપણાં એ નવા ગુરુઓને ઓળખી શક્યા છીએ? આદ્ય ગુરુશંકરાચાર્ય કહે છે કે એક લોઢાના ટુકડાને પારસમણિ સોનામાં ફેરવી શકે છે, પણ પોતાના સમાન પારસમણિ નથી બનાવી શકતો, પણ ગુરુનું તેજ, ગુરુનો હસ્ત અલગ હોય છે. ગુરુ પોતાના સમસ્ત ગુરુત્વનો નિચોડ શિષ્યની અંદર પ્રસ્થાપિત કરે છે, જેથી કરીને ભવિષ્યમાં એક બીજો ઉત્તમ ગુરુ સમાજને માટે ઊભો થઈ શકે. ઉપનિષદમાં કહ્યું છે કે જે ગુરુ પાસે શિષ્ય પોતાના દોષ ગણાવી શકે છે તે શિષ્ય તો મહાન છે, પણ  શિષ્યના દોષ જાણ્યા પછી જે ગુરુ પંક (કાદવ) સમાન શિષ્યને પંકજ (કમળનું ફૂલ) બનાવે છે તે ગુરુનું સ્થાન તો વિશ્વમાં કોઈ લઈ શકે તેમ નથી. જે ગુરુનો મહિમા આપણે ત્યાં યુગોયુગોથી ગવાયેલ છે તે ગુરુ કેવા હોવા જોઈએ અને કેવા ગુરુ બનાવવા જોઈએ તે પ્રશ્ન હંમેશાથી રહ્યો છે. પ્રથમ પ્રશ્નના જવાબમાં શ્રી પાડુંરંગ શાસ્ત્રી આઠવલે કહે છે કે પરમ પિતા બ્રહ્માની જેમ સદ્ગુણોને જે સર્જે છે, ભગવાન વિષ્ણુની જેમ જે સદ્વૃતિના પાલક બને છે અને ભગવાન ભોળાનાથની જેમ જે જીવોમાં રહેલા દુર્ગુણો અને ર્દુબુધ્ધિનો જે સંહાર કરે છે તેવા ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. જ્યારે બીજા પ્રશ્નના જવાબ શુકદેવજી શ્રીમદ્ ભાગવતમાં આપતા કહે છે કે જીવનમાં સુખ દુઃખ શું, જીવનનો શો સાર છે, ક્યાં માર્ગે જતાં જીવને સાચો રાહ મળે છે, આપણાંમાં રહેલા મોહ-માયાના વિષયોથી આપણને સાવચેત કરનાર, આપણામાં રહેલી ભૂલોને શોધી કાઢવા સતત તત્પર રહે તેવું ગુરુ આપના જીવનમાં હોવા જોઈએ, અને જ્યારે આવા ગુરુનો સાથ હોય ત્યારે તે શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. એક સમય એવો હતો કે જ્યારે નદીને કિનારે વસેલ આશ્રમમાં વૃક્ષોની છાયામાં ગુરુઓ શિષ્યોને જ્ઞાન આપતા હતાં, પણ આજે સમય બદલાયો છે. આજની ભાષામાં પૂછીએ તો ગુરુ કોણ છે તો તેના કદાચ અનેક જવાબો મળી આવશે, પણ સમય અનુસાર આજે આપણા આ ગુરુઓ બદલાઈ ગયા છે તો ચાલો આજે આપણે આપણા એ આજના આધુનિક ગુરુઓને મળીએ.
આજના ગુરુમાં જે સૌ પ્રથમ આવે છે તે છે આપણું ઘર. આપણાં ઘરમાં રહેલા પ્રત્યેક બાળકો અને પ્રત્યેક વડીલો, કુટુંબમાં રહેલ એક એક વ્યક્તિ તે આધુનિક ગુરુના પ્રથમ ચરણમાં આવે છે. એક સમય હતો કે આપણે ત્યાં વડીલો જ ગુરુનું સ્થાન દીપાવતા હતા તેથી કહેતા કે માતા દેવ, પિતા દેવ, દેવ આખોયે સમાજ. આ વાત આજે પણ પ્રાચીન સમય જેટલી જ સાચી છે. માતા-પિતા ક્યારેય બાળકનું ખરાબ ઈચ્છે જ નહીં તેથી તેઓ પોતાની સમજણ મુજબ બાળકને સારા-ખરાબ વચ્ચેનો ભેદ સમજાવતા જાય છે, ઘરમાં રહેલા વડીલો પણ આ કાર્યમાં મદદ કરે છે. આથી એમ કહી શકાય કે આપણું ઘર અને કુટુંબ એ આપણાં પ્રથમ ગુરુ છે.
આપણા બીજા ગુરુ તે આપણા ઘરની આસપાસનું વાતાવરણ છે. મોટા થતાં બાળકો પોતાના કુટુંબ પાસેથી તો જીવનના પાઠ શીખે જ છે પણ એજ કુટુંબ જે નથી શીખવાડી શકતું તે વસ્તુતઃ આપણે આપણા વાતાવરણમાંથી શીખી જઈએ છીએ. ભલે કહેવાય કે પહેલો તે સગો પાડોશી, પણ આ પાડોશી પાસેથી તેની ભાષા ઉપરથી, તેના વિચાર અને વ્યવહાર ઉપરથી આપણે ઘણી વાતો શીખી જઈએ છીએ. જેમાં સારી અને ખરાબ બંને બાબતો રહેલી છે તેથી જ સંગ તેવો રંગની કહેવત પડેલી છે.
આપણા જીવનમાં ત્રીજા ગુરુ તે આપણા સંજોગો છે. આ સારા અને ખરાબ સંજોગો આપણને વિવિધ પાઠ શીખવતા જાય છે.
આપણા ચોથા ગુરુ તે બાળકો છે. મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી મમ્મી મને હંમેશા કહેતી કે મોટા સાથે રહીએ તો મોટી અને નાના સાથે રહીએ તો નાની બુધ્ધિ આવે. પણ આજના સમય મુજબ આ વાતનું કોઈ તાત્પર્ય રહ્યું નથી. હું મારા જીવનની ઘણી બધી વાતોને મારા બાળકોની પાસેથી શીખી છુ. આથી મારુ માનવું છે કે આ બાળકો જ આજે આપણને ઘણું બધુ શીખવી જાય છે. એક યુગલ જ્યારે પ્રથમવાર માતા-પિતા બને છે તે જ દિવસથી તેમના જીવનનો મોટો પાઠ ચાલુ થઈ જાય છે. પછી જેમ જેમ બાળક માતા-પિતા પાસેથી શીખે છે તેમ માતા-પિતા પણ બાળકો પાસેથી કશું ને કશું શીખતા જ રહે છે. પણ એટલું ખરું કે બાળક પાસેથી નવું શીખવા માટે માબાપે પોતાનો મોટા હોવાના અહંને સાઈડમાં મૂકી દે તો તેમના આ બાળકો રૂપી ગુરુઓ પાસેથી ઘણુંબધુ શીખી શકે છે.
આપણા પાંચમા ગુરુ તે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ છે. નવા જમાનાનો આ ઇન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્યનાસંબંધને ક્યારેય શાંતિથી નિહાળ્યો છે?આજે ઇન્ટરનેટ એ એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે શિક્ષણ અને સાયન્સથી માંડીને અનેક વસ્તુઓ શીખીએ છીએ. આમાં ક્યારેક એવું પણ બને છે કે ઈન્ટરનેટ ગુરુ અને યુઝર શિષ્ય ક્યારેય પ્રત્યક્ષ મળતા નથી તેમ છતાં પણ આ વિશ્વ આખો દિવસ આપની સાથે ચાલે છે. ટૂંકમાં કહીએ તો આ વિશ્વ પણ વાતાવરણની જેમ જ હોય છે. આ બંને તત્ત્વો આપણને સારાખોટાનો ભેદ તો શીખવે છે, સાથે સાથે આપણા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક માનસિક, આધિભૌતિક, રાજનૈતિક સમસ્યાઓને પણ હલ કરી શકે છે અને આપણને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે, પણ તેમ છતાં આ આજના સર્વે ગુરુઓ પાસેથી આપણે શું શીખી શકીએ છીએ તે આપણા ઉપર છે.
अज्ञान तिमिरान् धस्य ज्ञानाम् जन शलाक्य

चक्षु रुन् मिलीतम् येन तस्मै श्री गुरुवे नमः

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

CopyRight:-ISBN-10:1500299901 

[http://pareejat.wordpress.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 4 September 2014

શિક્ષક દિન કે દીન? (અલ્પવિરામ -- રાજેન્દ્ર રાવલ)

શિક્ષકોનો આજે દિવસ છે. શિસ્ત, ક્ષમા અને કલ્યાણના આરાધકોને યાદ કરી, તેમની નિઃસ્વાર્થ અને તટસ્થ કર્મયોગિતાને વંદન કરવા માટે દેશના વિદ્યાપ્રેમીઓ ગુરુઓને વંદન કરે છે. ખાસ કરીને પાંચમી સપ્ટેમ્બરને એટલે જ શિક્ષકોના ગુણગાન કરવા માટે શિક્ષકદિન (દીન) તરીકે ઉજવવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ની યાદમાં પાંચમી સપ્ટેમ્બર પસંદ કરવામાં આવી. ભારતનો એક શિક્ષક રાષ્ટ્રપતિ થઈ શકે છે, આ ઘટનાને શિક્ષકના સાર્મ્થ્ય સાથે જોડીને શિક્ષકોને ઉત્સાહિત કરવામાં આવે છે.
ડો. રાધાકૃષ્ણન્ શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યા. વર્ષોથી આદરપૂર્વક ડો. રાધાકૃષ્ણન્ને ભારતીય પ્રજા સગર્વ યાદ કરે છે, પરંતુ રાધાકૃષ્ણન્ પછી અનેક શિક્ષકો સત્તા ઉપર આવ્યા. દેશ અને દુનિયામાં ઘણા શિક્ષકોએ કાઠું કાઢયું, પણ ડો. સર્વપલ્લીની જેમ તેમને દુનિયા કેમ યાદ કરતી નથી? હા, શિક્ષકો સામે ફરિયાદો છે. જે શિક્ષકોને સમાજના ગુરુનું બિરુદ પ્રાપ્ત થયું છે તે ગુરુઓનું ગુરુત્વાકર્ષણ ઘટી રહ્યું છે. તેના માટેનાં અનેક કારણો જવાબદાર છે. રાજકીય હસ્તક્ષેપ, બિનઆવડતવાળું પ્રશાસનતંત્ર અને શિક્ષણમાં થતાં આડેધડના અર્થહીન અખતરાઓથી શિક્ષક અને શિક્ષણની પ્રતિભા નંદવાઈ છે.
આઝાદી પછીનાં વર્ષોનું શિક્ષણ અને આજનું શિક્ષણ! સ્થિતિ વિચિત્ર છે, શિક્ષણની અને શિક્ષકોની. "શિક્ષણમાંથી સાદગી નષ્ટ થઈ ચૂકી છે અને શિક્ષકોમાંથી વિનમ્રતા." શિક્ષકને ગુરુમાંથી નોકર બનાવવાની રાજકીય પ્રવૃત્તિઓ અને પ્રવિધિઓએ શિક્ષકને આડે પાટે ચડાવી દીધો છે. એક જમાનામાં ગુજરાતી શાળાના શિક્ષકને લોકો ગુરુજી કહેતા. આજે પણ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ અને વાલીઓ ગુરુજ કહીને સંબોધે છે. આ ગુરુઓ વિનમ્ર, સંયમી અને સાદગીને સર્મિપત હતા. થોડાંક વર્ષો પછી જ્યારે ગાયકવાડી સ્ટેટ થયાં ત્યારે વર્નાક્યુલર મેટ્રિક પાસ શિક્ષકોને વાલીઓ માસ્તર કહેવા માંડયા. ગામનો માસ્તર એટલે સર્વેસર્વા, લોકોનો આદર પ્રાપ્ત વ્યક્તિ. પછી આજ માસ્તર, ગુરુને પંથસુજી કહેનારો એક વર્ગ તેમને પંતુજી કહેવા માંડયો. કેમ? શિક્ષકની પ્રતિષ્ઠાને બગાડવામાં ફાળો કોનો? સમાજનો? સંસ્કારનો? કે ખુદ શિક્ષકોનો જ? આ પ્રશ્નનો જવાબ માત્ર શિક્ષકો જ આપી શકે. આજે પણ લોકો સરકારી શાળાઓનું નામ પડતાં જ મોં મચકોડે છે! ગામડાનાં બાળકો શહેરની ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવવા જાય છે. સરકારના મફ્ત શિક્ષણની ઐસી-તૈસી કરીને ખાનગી શાળામાં મોંઘીદાટ ફી આપીને બાળક પ્રવેશ મેળવે છે. તેના માટે જવાબદાર કોણ?
ક્યાંક શિક્ષકો પાસે વિષયની કૌશલ્યતા નથી. જે કુશળ છે તેમને કોઈ સાંભળતું નથી. કામ કરનારા અને રખડી ખાનારા એમ શિક્ષકોના બે ભાગ છે. સરકારના શિક્ષકો માટેના નિયમો એવા બોગસ છે, જેનાથી શિક્ષકો ત્રાહિમામ્ છે. આવા નિયમોને અટકાવવા માટે શિક્ષકોનાં સંગઠનો સંપૂર્ણ સફળ નથી. શિક્ષકોની પવિત્રતાને અભડાવવામાં આવી છે. જેના માટે ક્યાંક શિક્ષકો પણ જવાબદાર છે. વ્યવસાયની નિષ્ઠા અને ભારતનું ભાવી ઘડનારો શિક્ષક, કલ્યાણ ભાવનાને વરેલો હોવો જોઈએ, પણ દેશમાં શિક્ષણની દશા બગડેલી છે. અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોને કામ ગમતું નથી. રાજસ્થાનમાં ૪૭૦ શાળાઓમાં શિક્ષક જ નથી. જે શિક્ષકોની બદલી થઈ હતી, તેમણે રાજકીય વગ વાપરીને નજદીકનાં શહેરોમાં બદલીની ગોઠવણી કરી દીધી. દૂરના અંતરિયાળ ગામડાંઓમાં સારા શિક્ષકો ટકતા કેમ નથી? હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજકીય (સરકારી) શાળાઓ અને તેમાંય ખાસ કરીને ગામડાંની શાળાઓ પડી ભાંગી છે.
ગુજરાતમાં શિક્ષણની ખાસ કરીને પ્રાથમિક શિક્ષણની દશા આજે કફોડી છે. તેના માટે સરકાર અને શિક્ષકો બંને જવાબદાર છે. શિક્ષકોને ભણાવવા માટેનો પૂરતો સમય મળતો નથી અને સરકાર ગુણવત્તા પ્રગટાવવાની વાતો કરે છે, પણ ગુણનું પ્રાગટય કરવા માટેનો સમય જ શિક્ષકોને આપતી નથી. રાજકીય ખીચડી પકવવા માટે શિક્ષણ અને શિક્ષકોને હાથા બનાવવાના પ્રયોગો થઈ રહ્યા છે. શિક્ષણના અધિકારીઓ પૂરતા પ્રમાણમાં સ્વતંત્ર નથી. ગુજરાતનું શિક્ષણ ખાતું નિવૃત્ત અધિકારીઓથી ચાલે છે. ક્યાંક કેટલાક શિક્ષકો પણ શિક્ષણ અને શિક્ષકની ગરિમાને તોડવા માટે જવાબદાર છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો શ્રદ્ધાના પાઠ ભણાવવાને બદલે અંધશ્રદ્ધાનાં કાવતરાં કરે છે. ઈકોતેરનો ઘડિયો ભણાવવાને બદલે ચિકોતર (ભૂતપ્રેત)ના પાઠ ભણાવે છે. એક આખા ગામે ફરિયાદ કરી છે કે સાહેબ આ શિક્ષક ભૂવો છે, પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.
કેટલાય શિક્ષકો વ્યસની છે. શાળામાં ગુટકા કે મસાલો ચાવીને શિક્ષકો ભણાવે છે. કોઈ રોકતું નથી, ટોકતું નથી. શાળામાં મોબાઇલ લઈ જવાનો પ્રતિબંધ છે! તંત્ર-ધૃતરાષ્ટ્ર છે. ગુણોત્સવ વખતે એક શાળામાં ગયેલા એક ઉચ્ચ અધિકારી અને શાળાનો શિક્ષક નશામાં હતા, આ વાત પર પડદો પડી ગયેલો. શિક્ષકોને કક્કો બારાખડી આવડતું નથી, એટલે થોડાંક વર્ષો પહેલાં લેખન-ગણનની તાલીમ આપવી પડેલી. શિક્ષકોની બદલીઓમાં સાટાંપદ્ધતિ શરૂ થઈ છે. બદલીના કડક નિયમોને કારણે શિક્ષકો અંદરો-અંદર લાખો રૂપિયાના વેપાર કરીને બદલી કરાવે છે. જિલ્લા ફેર અરસપરસ બદલીઓના ભાવો શિક્ષણમંત્રીને ખબર છે? પ્રાથમિક શિક્ષકો બગડેલા નથી. તેમને બગાડવામાં આવી રહ્યા છે. શિક્ષકનું ચારિત્ર્ય કેમ નબળું પડયું છે? આજે શિક્ષકનો દિવસ છે. હૃદયથી જે શિક્ષક સંપન્ન છે, વ્યવસાયને સર્મિપત છે, તેને જ વંદન હોય. બાકી કાંઠા-કબાડિયાઓએ આજના દિવસે પ્રેરણા લેવાની હોય કે બહુ થયું હવે.

નિષ્ઠાવાન શિક્ષકોને જ સલામ. ખાસ કરીને પેલા ટોપીવાળા, સોટીવાળા શિક્ષકોને સલામ.   
- રાજેન્દ્ર રાવલ email : rajendrarvl@gmail.com
[સંદેશ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.