નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રધ્ધાનુ જ એક રૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યા પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે છે.
માતાની આરાધના કરવાની બીજી રીત છે ઉપવાસ કરવા, નવ દિવસ સુધી માતાની ભક્તિ કરવી. ઘણા લોકો નવરાત્રીમાં નવ દિવસ નકોરડાં ઉપવાસ કરે છે. ઘૂપ-દીપ કરીને માતાજીની ભક્તિ-અર્ચના કરે છે. કેટલાક તો પાછા પગપાળા માતાજીના સ્થાનકો પર જઈને પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે. જેવી જેની શક્તિ અને શ્રધ્ધા એવી તેની ભક્તિ.
નવરાત્રિ એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા માતાનું મહત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્વ છે.
આમ
નવરાત્રિ મુખ્યત્વે માઁ ની આરાધનાનો તહેવાર છે. નવરાત્રી દરમિયાન મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો પણ ઉલ્લેખ થાય છે. કારણ કે આસો સુદ નવમીના દિવસે શ્રીરામે આદ્યશક્તિની આરાધના કરીને વિજયાદશમીના દિવસે રાવણ સાથે યુધ્ધ કરવા સમુદ્ર તટ પરથી પ્રયાણ કર્યુ હતુ.
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 ચેત્ર નવરાત્રી માતાના અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. આસો સુધ 1 થી આસો સુદ 9 શરદ નવરાત્રી, માતાના ભક્તિપૂર્ણ ગીતો ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે.
ૐ શક્તિ ૐ શક્તિ ૐ શક્તિ ૐ
બ્રહ્મ શક્તિ, વિષ્ણુશક્તિ શિવશક્તિ ૐ
આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ ૐ
ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ૐ
નવરાત્રી એ એકતા અને અસત્ય પર સત્યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ (જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે.) બીજો રજો ગુણ(જે દયા દર્શાવે છે.) ત્રીજો ગુણ સત્વગુણ (જે સત્ય, સ્વચ્છતા, શાંતિ સ્વભાવ દર્શાવે છે.) આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુંઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્ય પર સત્યની જીતના પ્રતિક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે. |
|
આ તહેવાર અબાલ-વૃદ્ધ દરેક ઉમરનો તફાવત ભૂલીને હળીમળીને ઉજવે છે. આ દિવસ દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિને માણવા માટે આવે છે. |
|
‘‘ગરબો’’ કે ‘‘ગરબા’’ શબ્દ સંસ્કૃત શબ્દ ‘ગરબદીપ’ પરથી આવ્યો જેનો અર્થ ગોળાકાર માટલું જે માનવીય શરીરમાં રહેલ આત્માના પ્રતિક છિદ્રોવાળું રૂપ છે. |
|
તહેવાર જીવનમાં આવતા સંઘર્ષનો હિમ્મતથી સામનો કરવાનો સંદેશ આપે છે. દુર્ગાની સત્યના અસત્ય પરના વિજય અપાવે છે. સરસ્વતી જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરે છે. અને ‘મા’ લક્ષ્મી સુખ અને સમૃદ્ધિ આપે છે. |
|
પુરાણો અનુસાર કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા અને ગોપીઓ તેમની ચારે તરફ ગોળાકાર માર્ગમાં રાસ રમતી હતી. આ રાસ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ પ્રખ્યાત છે.
નવરાત્રીમાં ગરબા રમવા માટેની ઘણા પ્રકાર છે. કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન દાંડિયા દ્વારા રાસ રમવામાં આવે છે. ગરબા દોડીયું, સાદી પાંચ, સાદીસાત, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી, ત્રણ તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે.
દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્ય, પૌશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્કૃતિ પણ અકબંધ રહે છે.
ગુજરાત ‘નવરાત્રી જ્યાં જીવન તહેવારોના રૂપે જીવાય છે.’ ઉજવે છે. આ નવદિવસ દરમિયાન નૃત્ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઇને જાય છે.
[વેબદુનિયા.કોમ માંથી સાભાર]
|
|
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT