વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday, 20 April 2014

વાંચવા જેવું, વિચારવા જેવું… – ડૉ. આઈ. કે. વીજળીવાળા

Image result for thinking pix
[અ] શેતાનની ચાલબાજી
એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા :
[1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો !
[2] એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો !
[3] અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો. અઠવાડિયે એક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !
[4] એમનાં બાળકોને ખૂબ ઠઠારાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતી થવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.
[5] આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં !

[6] ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરાવી દો કે એના વગર એને ચાલે જ નહીં. દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરી દો કે શાંતચિત્તમાં ઊઠતા આત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો.
[7] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભું કરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.
[8] ટેલિવિઝનમાં એને ભ્રમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓથી ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો. એકએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.
[9] ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝચૅનલો રચો. પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.
[10] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો. પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.
[11] લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવું કરી નાખો.
[12] ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભ્રમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની, સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે !
બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા. ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા. દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ વાર !…
.
[બ] એક સાદી કસોટી
તમને હું થોડાક સવાલો પૂછવા માગું છું, તરત જ જવાબ આપવાની કોશિશ કરજો.
[1] 1984ની સાલના દુનિયાના 3 સૌથી ધનવાન માણસોનાં નામ આપો.
[2] 1977નું નોબેલ પ્રાઈઝ મળ્યું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
[3] 1980ની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર ત્રણ એથ્લેટ્સનાં નામ આપો.
[4] હિમાલયન કાર રેલીના 3 વિજેતાઓનાં નામ આપો.
[5] ગુજરાતી સાહિત્યપરિષદનું પ્રથમ પારિતોષિક મેળવનાર પાંચ જણનાં નામ આપો.
કાં ?!! કેમ લાગ્યું ?
જુઓ, આ બધા કોઈ સામાન્ય માણસો નથી જ ! પોતપોતાના ક્ષેત્રમાં માહિર અને પ્રથમ ક્રમની વ્યક્તિઓ છે આ બધી. સર્વશ્રેષ્ઠ તેમજ ઉત્તમ ! છતાં આપણને એ લોકો આટલાં થોડાં વર્ષો બાદ યાદ પણ નથી રહેતાં. તાળીઓના ગડગડાટ તો શમી જ જતા હોય છે. ઈનામો, ઍવૉડ્રઝ કે પ્રમાણપત્રો પણ એમના મેળવનારની સાથે જ ક્યારે આપણી સ્મૃતિમાંથી અતીતમાં સરી જાય છે તેનો ખ્યાલ પણ નથી આવતો.
હવે આ કસોટીનો બીજો ભાગ જોઈએ. નીચેના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ :
[1] એવા 3 શિક્ષકોનાં નામ આપો જેણે તેમને નિશાળ કે કૉલેજકાળ દરમિયાન ખૂબ જ હૂંફ આપી હોય કે આગળ વધવાની પ્રેરણા આપી હોય.
[2] એવા 3 મિત્રોનાં નામ આપો જેમણે કપરા સંજોગોમાં તમને સાથ, સહારો તેમજ હૈયાધારણ આપી હોય.
[3] તમારા સાચા રાહબર બન્યા હોય તેવા 3 વડીલોનાં નામ આપો.
[4] પ્રશંસા કે કદરના શબ્દોથી તમારું દિલ જીતી લીધું હોય તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો.
[5] જેમની સાથે સમય પસાર કરવાનું તમે પસંદ કરતા હો તેવી 3 વ્યક્તિઓનાં નામ આપો !
કાં ?! હવે કેવું લાગ્યું ?? અત્યંત સહેલું ને ?
કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા જીવનમાં જેમની કાળજીથી, હૂંફથી નિખાર આવ્યો હોય તેમને આપણે અજાણપણે જ આપણા હૃદયમાં કાયમી સ્થાન આપી દીધું હોય છે. આપણા દિલ માટે તો સાચા ઍવૉર્ડ વિનર્સ એ લોકો જ હોય છે. દુનિયા એમને જાણતી હોય કે નહીં પરંતુ આપણું હૃદય તો જીવનપર્યંત એમને યાદ રાખે છે !! (મૂળ શીર્ષક : A little perspective)
.
[ક] વિશ્વની સાત અજાયબીઓ
સાતમા ધોરણનો ભૂગોળનો કલાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાની વિદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી :
ઈજિપ્તના પિરામિડ
તાજમહાલ
પિઝાનો ઢળતો મિનારો
પનામા નહેર
એમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિંગ
બેબીલોનના બગીચા
ચીનની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધ્યાનમાં આવ્યું કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને બતાવ્યો નહોતો.
‘કેમ બેટા ! કંઈ તકલીફ છે ? યાદ નથી આવતું ?’ શિક્ષકે પૂછ્યું.
‘નહીં સર ! એવું નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી કહેવાય. એવું મને લાગે છે.’ શિક્ષકને નવાઈ લાગી. સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા, ત્યાં આ છોકરી તો ઘણીબધી અજાયબીઓની વાત કરે છે !
‘ચાલ બોલ જોઉં, તેં કઈ સાત અજાયબીઓ લખી છે ?’ શિક્ષકે કહ્યું.
પેલી બાળકી થોડીક ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી… મારા માનવા મુજબ વિશ્વની સાત અજાયબીઓ છે :
સ્પર્શવું
સ્વાદ પારખવો
જોઈ શકવું
સાંભળી શકવું
દોડી શકવું, કૂદી શકવું
હસવું અને
ચાહવું, પ્રેમ કરવો

શિક્ષક સ્તબ્ધ બની ગયા. કલાસમાં પણ શાંતિ છવાઈ ગઈ. એમને થયું કે ભલે ભૂગોળની દષ્ટિએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી… આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલ અદ્દભુત રચનાઓને સામાન્ય ગણતા હોઈએ છીએ ?! પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શક્તિ આપે.

[‘અંતરનો ઉજાસ’ અને ‘મોતીચારો’ & http://www.readgujarati.com/ માંથી સાભાર.]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 20 April 2014

Saturday, 19 April 2014

સમાનતામૂલક દાંપત્ય.. - સૌજન્ય:’નારી ! તું તારિણી’ -મીરા ભટ્ટ

 
                            મૈત્રેયીદીવીના “ન હન્યતે” પુસ્તકમાં કે સ્થળે નાયિકા પોતાના પતિને કહેછે:’ મને તમારા પગે પડવાનું મન થાય છે, તમે મને કેટલું  બધું સ્વાતંત્ર્ય આપ્યું?” ત્યારે જવાબમાં પતિ કહે છે: “અમૃતા, સ્વાતંત્ર્ય એ શું મારા ખીસ્સાની કોઈ ચીજ છે, જે હું તને આપું !” દાંપત્યજીવનને સદાય મઘમઘતું રાખવું હોય તો  આ સંવાદ પ્રત્યેક દંપત્તીના હૈયે જડાઈ જવો જોઈએ.પતિ-પત્નિનું સખ્યતાભર્યું સહજીવન એ સુખી પરિવારની મૂખ્ય ધરી છે.
                            સ્ત્રી અને પુરુષ સંસારનાં પૈડા તો મનાયાં છે, પરંતુ પુરુષ પ્રાધાન્યે  ધીરે ધીરે સ્ત્રીની ભૂમિકા ભલે એક આંગળ હોય, પણ ઓછી કરવા માંડી. સ્ત્રીનું પોતાનું કોઈ સ્વતંત્ર મૂલ્ય નહીં એનું મૂલ્ય પૂરક, પરિપૂર્તિ કરવા માટેનું ગણાયું.શૂન્ય પોતે એકડાને દશકામાંથી લખકોટિ આંકડા સુધી પહોંચાડી શકે, પરંતુ શૂન્યનું પોતાનું કોઈ મૂલ્ય જ નહીં.
                            સમાજે, શાસ્ત્રોએ ઘર અને પરિવારને જ નારીજીવનનું કેન્દ્ર માન્યું, એટલે એ જ એનો સંસાર અને એજ એની દુનિયા બન્યાં. સ્ત્રીના જીવનની સમગ્ર ચેતના એક જ કેન્દ્રમાં ઘનીભૂત થતી ચાલી, એટલે પતિ-પત્નિના સંબંધમાં ‘પતિ એ જ પરમેશ્વર’નું સુત્ર સ્થાપાયું. પતિ-પત્નિ એકમેકને પરસ્પર પરમેશ્વર ગણે તો હજુય કાંઈ સમજાય, પરંતુ ‘પરમેશ્વર’ કે ‘સૌભાગ્યનાથ’ની ભૂમિકા કેવળ પતિ-પરત્વેજ અંકિત થઈ અને ધીરે ધીરે પત્નિની ભૂમિકા ‘સહચારિણી’માંથી ‘અનુગામિની’ અને’ દાસી’માં પરિવર્તિત થતી ચાલી, સ્ત્રીના જીવનની એક જ ગતિ-’પતિ-પરમેશ્વર!’
                           પતિ ઈચ્છે તો પોતાની પત્નિ કોઈ દાનમાં પણ આપી શકે અને હોડમાં પણ મૂકી શકે. મહાભારતની દ્રોપદીકથા જગવિદિત છે. આવું દાંપત્યજીવન મહોરી ના શકે, હકીકતમાં તો ‘દંપતી’ શબ્દ ખૂબ અર્થભર શબ્દ છે, “દમ-પતિ” એટલે કે એક ઘર જેના બે માલિક છે, તે દંપતી. પતિઅ-પત્નિની સમાન ભૂમિકા મનાઈ છે.
                           પતિને ભાગ્યે આવતાં કાર્યોનું આપણાં સમાજમાં વિશેષ મૂલ્ય ગણવામાં આવ્યું છે , એના માટે વિશેષ આદર  અને પત્નિના ભાગે આવતાં કાર્યોનું ન કોઈ આર્થિક મૂલ્ય કે ના કોઈ  સામાજિક પ્રતિષ્ઠા. સામાજિક સમારંભોના અધ્યક્ષસ્થાને કદી કોઈ કેવળ ઘર સંભાળતી ‘ગૃહિણી’ જોવા મળી છે ? વસતીગણત્રી વખતે પતિ મહાશય લખાવે” એ કાંઈ કામ નથી કરતી” અને પત્નિ પણ  મોં નીચું કરી સંકોચપૂર્વક કહે” હું કાંઈ કરતી નથી” પગાર વગરની નોકરાણીની કક્ષા સુધી કેટલીક સ્ત્રીઓને પહોંચાડી દેવાઈ છે.
                            હવે આવું નહીં ચાલે. લગ્ન કરવાની ઈચ્છા ધરાવનાર પ્રત્યેક લગ્નાર્થી યુવકે સમજવું પડશે કે હું કોઈ વસ્તું ખરીદવા નથી જતો, કે કોઈ દાસી મેળવવા નથી નિકળ્યો કે નથી કોઈ યંત્ર શોધવાનીકળ્યો જે વાસનાઓ તો સંતોષે, સાથોસાથ વંશજ પણ નિર્માણ કરી આપે! એક જીવતી જાગતી હસ્તિ સાથે પોતાનું જીવન જોડવા, પરસ્પરનાં સુખ:દુખ વહેચવા,એકમેકનાં સપનાં, અરમાનો સિદ્ધ કરવા એ જોડાઈ રહ્યો છે.સ્ત્રીનો પોતાનો ધબકાર છે, એનો સ્વતંત્ર અભિપ્રાય નિર્ણય હોઈ શકે, તેને માન-આદર આપવાની તૈયારી નવયુવકે દાખવવી પડશે.
                           સ્ત્રીએ પણ આ ‘સમાન ભૂમિકા’ની કિંમત ચૂકવવી પડશે. જવાબદારીનો સ્વિકાર સહિયારા ભાગે કરવો પડશે. સહિયારી જવાબદારી હશે તો જ પોતાના જીવનસાથીની સાચા અર્થમાં’સહિયર’ બની શકશે.ચૂડી-ચાંદલા કરવા કે ન કરવા, પોતાના નામ પાછળ પતિનું નામ રાખવું કે ન રાખવું, આ બધી  ગૌણ બાબત છે. મૂખ્યવાત છે જવાબદારીની. મૈત્રીસંબંધ એ માનવજીવનનો ઉત્તમ સંબંધ છે.એમાં સહજ સમાનતા કેળવાય છે. પતિ-પત્નિમાં આ સમાનતામૂલક સખ્યસંબંધ સ્થપાય તે માટે જાગૃત પ્રયત્નો થવા જોઈશે.
                          બાળકનો જન્મ થઈ જાય પછી પણ બાળકના સંગોપનની તમામ જવાબદારી ફક્ત જનની ઉપર જ રહે, બાળક એ માત્ર માનો જ પોર્ટફૉલિયો બની રહે એ યોગ્ય નથી. પિતા સાવ અલિપ્ત રહે તે બાળક અને માતા બન્ને માટે, તેમજ પિતા માટે પણ યોગ્ય નથી. આજની નારી પોતાના બાળકના પિતાનો સાથ ઈચ્છે છે. વિદેશમાં તે માટે Parenting શબ્દ યોજાયો છે.મા-બાપનું સહિયારું કર્તુત્વ તે Parenting. રાત્રે બાળક બિછાનું ભીનું કરે ત્યારે ઊંઘમાંથી ઊઠીને બાળોતિયું બદલવાથી માંડીને બાળકની તમામ સારસંભાળમાં પિતા પણ પોતાની જવાબદારી નભાવે તો માનો બોજો થોડો હળવો થાય. સ્ત્રી આજે પોતાની માતૃત્વની સાચી પ્રતિષ્ઠા માંગી રહી છે. એ ઈચ્છી રહી છે કે બાળક એ માબાપનું સંયુકત કર્તુત્વ બની રહે.
                           ‘કેવળ મારું કહ્યું થવું જોઈએ’ આવી વૃત્તિ બિનલોકશાહી છે. સામેની વ્યક્તિના મતનો આદર એને ધ્યાનમાં લેવાની સાચો લાગે તો ગ્રહણ કરવાની તત્પરતા એ સ્વસ્થ લોકત્તત્વોને પણ દાખલ કરવા પડશે. સાંભળ્યું છે કે જંગલમાં બે મોઢાડા સાપ જોવા મળે છે. ધડી  એક અને મોં બેં. બેઉં મોઢા સામસામા ડંખ  મારે તો એની પીડા આખા દેહને થાય, બન્નેને થાય! પ્રેમ કરે તો એનું સુખ પણ આખા દેહને મળે! પતિ-પત્નિનું  દાંપત્યજીવન આવા દ્વિમુખી સાપ જેવું છે, જેમના સુખ:દુખને અલગ કરી શકાતા નથી.
                          સપ્તપદીની  પ્રતિજ્ઞા એ કેવળ શબ્દો ન રહી જવા જોઈ એ. વિવાહ-મંદિરમાં કોઈ પ્રતિમા હોય તો તે પરસ્પર-નિષ્ઠા છે.
                          લગ્ન-બાહ્ય સ્ત્રી-પુરુષ સંબંધ જ ન હોય તેવું તો કેમ ચાલે ? પરંતુ એ સંબંધનું  સૌંદર્ય અને પાવિત્ર્ય કેળવવા સ્ત્રી પુરુષોએ સારી પેઠે કસરત કરવી પડશે. વચમાં’ધર્મયુગ’માં કેટલાક મહાનુભવોને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે- પત્નિ ઉપરાંત પ્રેયસીનું સ્થાન જીવનમાં ખરું કે નહી? ત્યારે કેટલીક જાણીતી વ્યક્તિના ‘હા’ ના જવાબોથી મને આંચકો લાગેલો. એમને સામે પ્રશ્ન પૂછવાનું મન થયેલું કે ,” તો તો પછી પત્નિનો ‘પ્રિયતમ’ મંજૂર કરશોને !” વચ્ચે તો ‘પતિ-પત્ની  ઔર વહ’ની ત્રિસૂટી રટણા એવી ચાલી કે થયું કે સમાજ ક્યાં જઈ રહ્યો છે?
(દાંપત્ય જીવન વિષે આપનો  અમૂલ્ય પ્રતિભાવ આપશોજી…આપનું શું મંતવ્ય છે ?)
સૌજન્ય:’નારી ! તું તારિણી’ -મીરા  ભટ્ટ
સંકલન:વિશ્વદીપ બારડ

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 19 April 2014

ગુડ ફ્રાઈડે - સૌજન્ય: વિકિપીડીયા

બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખિ્રસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખિ્રસ્તી ધર્મનું ખાસ નિશાન છે.

રોમન લોકોમાં ક્રોસે લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ યહૂદીઓના રાજા હતા એટલે તેમણે ક્રોસ પર પાટિયું લખાવડાવેલું: ‘નાઝરેથનો ઇસુ યહૂદીઓનો રાજા.’ યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઇસુને ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે ‘લોકોએ કેવળ અદેખાઇને લીધે જ ઇસુને હવાલે કર્યા હતા.’ છતાં પિલાતે લોકોની બીકે ‘ઇસુને કોરડા મરાવી ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.’ઇસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, ‘પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું નથી, પણ હું જ એને મારી મેળે આપી દઉં છું. મને ઐને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે.’
ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે: ઇસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખિ્રસ્તી લોકો માને છે કે ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી.
ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે કે મૃત્યુમાં ખરેખર જીવન છે.ગુડ ફ્રાઇડે ખરેખર ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે.
સૌજન્ય: વિકિપીડીયા (https://vishwadeep.wordpress.com/ માંથી સાભાર)

Posted By: http://web-sarita.blogspot.com/

Thursday, 17 April 2014

સ્ત્રી-પુરુષની વ્યાખ્યા શી? - ગુણવંત શાહ

Image result for women men pic

સ્ત્રી-પુરુષની વ્યાખ્યા શી?

જરાક થંભી જઈને શાંત ચિત્તે વિચારવા જેવુ છે. સામા માણસ ને છેતરવા માટે ઉચ્ચારાયેલુ પ્રત્યેક જૂઠાણુ આપણા અત્સિત્વને એક જોરદાર તમાચો મારતું જાય છે.

પુરુષની વ્યાખ્યા શી?

સ્ત્રીને સમજે એ જ ખરો પુરુષ. જે પુરુષ સ્ત્રીને ન સમજે તે ક્યાં તો નપુસંક હોય કા તો પછી નરરાક્ષસ હોય.
સ્ત્રીના ભોળપણનો ગેરલાભ લેનારો પુરુષ સાચો પુરુષ નથી. સમર્પિત સ્ત્રીને રંજાડ્વી એ પાપ છે. 
એને વહાલ કરવામા કંજૂસાઈ કરવી એ મહાપાપ છે. એના માધુર્યની મશ્કરી કરવી એ ક્રૂરતા છે.
ક્રૂરતા એ પૌરુષની નિશાની નથી. પૌરુષની ખરી નિશાની પ્રેમ ઢોળવાની આક્રમક અભિપ્સા છે.
પુરુષની હળવી આક્રમક્તા પણ સાચો પ્રેમ હોય ત્યારે શોભે છે.

સ્ત્રીની વ્યાખ્યા શી ?

પુરુષને સમજે એ ખરી સ્ત્રી. ક્યારેક પોતાના પર લટ્ટુ હોય એવા પ્રેમાળ પુરુષને સમજવામાં સ્ત્રી નિષ્ફ્ળ જતી હોય છે.
રુપગર્વિતા બનવાની સ્ત્રી ને છૂટ છે પરંતુ સો ટ્ચ ની લાગણીને ઠેસ પોહચાડનારી સ્ત્રી વેમ્પ બનીને સ્ત્રીત્વનુ અપમાન કરતી હોય છે.
પુરુષની વાણી આક્રમક હોય છે, સ્ત્રીનુ મૌન હિંસક હોય છે.

જીવન સાથી પર પૂરતો પ્રેમ ન ઢોળવો એ પણ એક પ્રકારની ચારિત્ર્યહીનતા જ ગણાય.
પોતાના પર લટ્ટુ હોય એવા પુરુષ પર આફરીન થવામા કંજૂસાઈ કરવી એ પાપ છે અને એની લાગણીને અવગણવી એ મહાપાપ છે.
સમર્પણ હોય ત્યારે જ રિસામણુ શોભે છે. રિસામણુ રાધાનુ શોભે, કૈકેયીનુ નહી.

-  ગુણવંત શાહ

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 17 April 2014

ગર્લફ્રેન્ડ તથા બોય ફ્રેન્ડ - ગુણવંત શાહ

Image result for girl friend in  india pix


હુ ગર્લફ્રેન્ડ તથા બોય ફ્રેન્ડ ની વાત કરુ છુ ત્યારે લફરાબાજો ની વાત નથી કરતો ...

દુનિયાની સવા બે અબજ સ્ત્રીઓમાથી એક સ્ત્રી તમારી પત્ની હોય અને જીવનભર તમને વેઠ્વા તૈયાર હોય એ કલ્પના જ કેટલી રોમા્ચક છે! કેટલીક હકીકતો કોઠે પડી જાય પછી એનુ સૌદર્ય ગુમાવી દે છે.કદાચ 'પત્ની ' નામની હકીક્ત નુ પણ આવુ જ હશે! જો એ હકીકત નુ સૌદર્ય અનુભવવુ હોય તો દર વર્ષે એક મહિનો અને દર દસ વર્ષે છ મહિના એક્બીજા થી દૂર રહેવુ એવી મારી સલાહ છે. તમને ઓચિતુ લાગવુ માડશે કે તમે છેક ફેકી દેવા જેવા માણસ નથી. એક્બીજા ને પામવાની આ સાઈકોથેરાપી અપનાવવા જેવી છે.


હમણા એક અમેરિકન છાપા વાચવા મળ્યુ - "દરેક સફળ માણસ ની પાછળ એક એવુ કુટુબ હોય છે જે એને પહેલા બાથરુમ મા જવા દે " આ સત્ય સાવ ઘરેલુ લાગે તેવુ છે પણ ખાસ્સુ નક્કર છે.
લૂગડાનો જે છેડો કાચ ની ડીશ સાફ કરી નાખે તે જ છેડો ક્યારેક તમારી આખમા ઉભરાતા આસુ પણ લૂછી શકે છે !



પતિત્વ અને પ્ત્નીત્વ ને ઝટ્ઝટ વાસી બની જવાની કુટેવ હોય છે. એકબીજા પ્રત્યેનુ આકર્ષણ જીવનભર જાળવી રાખવુ એ સંસારજીવન ની બહુ મોટી ઉપલબ્ધી છે. તુવેરપાપડી ફોલવામા જ આખો દિવસ ગાળનારી પત્ની અને નોકરીની વાતો માજ રમમાણ એવો પતિ; બંને ઘડપણ તરફ જલ્દી ધકેલાય છે.


પ્રત્યેક પત્નીનો પ્રયત્ન પતિની ગર્લફ્રેન્ડ બનવાનો અને પ્રત્યેક પતિનો પ્રયત્ન પત્ની નો બોયફ્રેન્ડ બનવાનો હોવો જોઈએ. બંને વચ્ચે મૈત્રીભાવ ન કેળવાય ત્યારે કેવળ માલિકી ભાવ બચે છે. આવા માલિકીભાવમા ચોકીપહેરો , મહેણાટૉણા અને ધાક ધમકી હોય છે. જયા ધાક હોય ત્યા ધિકકાર હોવાનો જ અને જ્યા ધિક્કાર હોય ત્યા છેતરપિડી હોવાની જ. મૈત્રીભાવ જ વિશ્વાસ પ્રેરી શકે. ઘણા પતિદેવો પત્ની ને સ્ટીલ ના કબાટ્ને આપે તેટલુ મહત્વ પણ નથી આપતા અને મૈત્રી વગર તેઓ સાથે જીવ્યે રાખે છે.
-  ગુણવંત શાહ
(http://akloatma.blogspot.in/ પરથી સાભાર)

Posted By: http://web-sarita.blogspot.com/

‘ચાલ, કાગળ વાંચીએ –ભગવતીકુમાર શર્મા

‘ચાલ, કાગળ વાંચીએ
ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

–ભગવતીકુમાર શર્મા–
–સુરત–

Posted By: http://web-sarita.blogspot.com/

એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે ત્રણ કાવ્યો- સુરેશ દલાલ

સ્વ. ડો. સુરેશ દલાલ અને એમનાં ત્રણ ડોસા-ડોસી કાવ્યો


કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.
ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?
નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.
કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.
ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.
સુરેશ દલાલ 

 ડોસાએ ડોસીને જીદ કરીકહ્યું:       
 ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કોકના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.
આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;
ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.
તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;
સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!
-સુરેશ દલાલ
(  https://gujaratikavitaanegazal.wordpress.com પરથી સાભાર)
ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.
બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.
ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી
બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.
- સુરેશ દલાલ
છેલ્લે તો આપણે બે જ હોઈશું  
ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બે જ હોઈશું. 
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. 
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 
ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 
સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી  આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
કવિ ‘અજ્ઞાત’
(http://vinodvihar75.wordpress.com/ પરથી સાભાર )

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.