માતૃત્વ - જય વસાવડા વેબ સરિતા વેબ સરિતા: માતૃત્વ - જય વસાવડા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Friday, 16 May 2014

માતૃત્વ - જય વસાવડા

Image result for Modern women pic
માતૃત્વનો સંબધ જીન્સ ( જનીન ) સાથે છે , એને જીન્સ ( વસ્ત્ર ) સાથે શું સંબંધ ? આવું વારંવાર કહી ચુક્યો છું, ને વારંવાર કહેતો રહીશ...કારણ કે, હજુ માતૃપ્રેમ આપણે સાડલા-ચાંદલા-રોટલાનાં કુંડાળામાં જ આપણે રાખ્યો છે. આપણને એવો ફાંકો છે કે માતાને પ્રેમ કરવાનું વરદાન ફક્ત આપણે ભારતીયો - એમાં ય પરંપરાગત પરિવારોને જ મળેલું છે. ટૂંકી ચડ્ડી કે બિકીની પહેરેલી આધુનિક નારીને તો જાણે મમ્મી ફીલિંગ હોય જ નહિ. એને માતા તરીકે આદરસન્માન આપવાનું જ ના હોય. માતાને આપણે ફક્ત પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ના હોય એવી ત્યાગમૂર્તિ તરીકે જ જોયા કરીએ છીએ. જાણે મમ્મી પોતાની પર્સનલ લાઈફમાં ( જો આપણા સમાજમાં એવું કંઈ હોય તો ) સેક્સી હોય, રોમેન્ટિક હોય, સ્ટાઈલીશ હોય, ફનલવિંગ હોય - એ આપણા મા પર પરોપજીવી પુણ્યજીવી આત્માને સહન જ નથી થતું !
માનાં નામે હંમેશા ( ઓપરેટિવ વર્ડ છે : હંમેશા, કાયમ ) આંસુ જ સાર્યા કરવાનું આપણને બહુ ગમે છે. પણ મમ્મી વોટર પાર્કમાં બિન્દાસ ધુબાકા મારતી હોય કે કોમ્પ્યુટર પર ચેટ કરતી હોય કે નવી ફેશનનું સ્કર્ટ-ટોપ પહેરી ડાન્સ કરતી હોય કે બચ્ચાંની સાથે સાયન્સ ફિક્શન-એક્શન-બ્રેક અપ-ટીન એજ કોમેડીની ફિલ્મ્સ જોતી હોય કે બાળકો સંગાથે ધાર્મિક દર્શન સિવાય એડવેન્ચર માટે પહાડ ચડતી હોય કે ઇકોનોમિકસ -ફિલોસોફીની બૂક્સમાંથી કોઈ વિચાર સંતાનો સાથે શેર કરતી હોય એવો માહોલ આપણે બનાવતા નથી. એવું નથી કે માતૃત્વમાં દર્દ અને ઈમોશન્સ ના હોય, પણ એવું તો હરગીઝ નથી કે મધરહૂડમાં ફક્ત આ જ હોય... એટલે કદાચ આપણો માવડિયો સમાજ આ રીતે ઉછરીને આટલો ભીરુ અને વેવલો થતો જાય છે ! અને બાકીનું કામ પછાત ચોવટિયાઓ પૂરું કરે છે - જે એવું કહ્યા કરે છે કે - પાણીપૂરી ખાનારી માતાઓ ક્યાંથી શિવાજી પેદા કરે ? બા માં જે મીઠાશ છે એ મમ્મીમાં ક્યા છે....
ધૂળ ને રાખ. વાત જ રબ્બીશ છે. શિવાજીના હાલરડાં સાંભળ્યે પણ ક્યાં છેલ્લા સાઠ વરસમાં શિવાજી પેદા થયા ? અને ફક્ત શિવાજી જ પેદા કર્યા કરવા કોઈ ફરજીયાત પરાક્રમ છે ? સ્ટીવ જોબ્સ ક્યારે પેદા કરશું ? ફાસ્ટ ફૂડ ખાનારી કે મોડર્ન ફેશન કરનારી માતાઓ શું અમેરિકા, ફ્રાન્સ, જાપાન, સાઉથ કોરિયા, રશિયા, જર્મની વિગેરેમાં લડાયક સૈનિકો કે જાંબાઝ સ્પોર્ટ્સચેમ્પિયન્સને જન્મ નથી આપતી ? બા કહેવામાં વધે ને, મમ્મી કહેવામાં મા નો પ્રેમ ઘટી જાય એ માપવાના કોઈ મીટર છે ? રૂઢિચુસ્ત ગલ્ફના દેશોની માફક ભારત-ગુજરાતમાં ય માતાના ફક્ત ચીકણા વખાણ કરી; અમુક દબંગ પતિ કે પુત્રોએ તો એને ઘણી વાર રિયલ લાઈફમાં ઘરનું એક પેસિવ ફર્નિચર બનાવી દીધી છે. અને ઘણી સાસુઓને એવું જ લાગે છે કે પોતે જ સાચી હાડમાંસની માતા છે, એમની યુવાન પુત્રવધૂ તો પ્લાસ્ટિકની નકલી માતા છે.

માતૃત્વ બાળક માટેની ભાવનાની એવી ભરતી છે, જેમાં મા પોતાનું અસ્તિત્વ બાળકમાં ઓગાળી આપમેળે રાજી થાય - અને એને ઉંમર, પહેરવેશ, ખોરાક , દેશ, ભાષા કે કે કાળનાં કોઈ ભેદ નથી. એ સત્યનો સ્વીકાર કરી સ્ટેજ પર બેધડક કમર લચકાવતી કામણગારી પોપસિંગર શાકિરાનાં આ "મોમ-રોમ" (મમ્મી રોમાન્સ)ના સ્વીટ ફોટોઝ સાથે જગતભરની મમ્મીને સ્મરણ કરી સલામી આપીએ ને આપણો અભિગમ પરનો કાટ જરાક ખંખેરીએ...આફ્ટરઓલ, મધર્સ ડે એના માટે તો છે ! 
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.