હેડિંગ વાંચીને જરાય ભડકશો નહિ. મારા અને તમારા વિચારો ડિફરન્ટ હોઇ શકે છે, નોટ ઓન્લી ડિફરન્ટ, અપોઝિટ પણ હોઇ શકે છે. ‘અપોઝિટ એટલું ખોટું’ એવું સમજીને આપણે સતત ખોટ ખાધી છે. સાચો અનેકાન્ત્વાદી તો અપોઝીટ વિચારમાંથીય સત્ય પામવાનો પુરુષાર્થ કરશે. સૌપ્રથમ ‘બળાત્કાર’ શબ્દના સંકુચિત અર્થમાંથી આપણે બહાર નીકળી જઇએ. બળાત્કાર માત્ર સેક્સ્યુઅલ દુર્ઘટના માટેનો જ પર્યાય નથી. બળાત્કારનો અર્થ શબ્દકોશમાં બતાવ્યા મુજબ કોઇકના પર બળજબરી કરવી કે કોઇકની પાસે તેની મરજી વિરુદ્ધ આપણા સ્વાર્થનું કોઇ કામ કરવવું એવો થાય છે.
હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વિશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફિલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવો એ બળાત્કાર નથી તો બીજું શું છે ? કેટલાક કહેવાતા ‘ગુરુઓ’ ઇરાદાપૂર્વક બાળકોને તથા તેમનાં પૅરન્ટ્સને અજ્ઞાન અને અંધશ્ર્રદ્ધાની લહાણી કરતા રહે છે. ‘સંસાર અસાર છે’, ‘સંસાર કાદવ છે’, ‘સંસાર જ પાપનું મૂળ છે’ – એવી પોપટરટ કરતા રહી ને સંસાર પ્રત્યે નફરત ફેલાવવાનો હૉલસેલ કારોબાર કરતા રહે છે. સંસાર જો અસાર જ હોય તો આટલા તીર્થંકરો, દેવો, સંતો કોણે આપ્યા? મહાવીર પણ સંસારમાંથી જ આવ્યા અને હેમચંદ્રાચાર્ય પણ સંસારે જ આપ્યા છે… સંસાર કાદવ હોય તો ભલે રહ્યો, કાદવ પાસે કમળ ખીલવવાનું સામર્થ્ય છે. જે લોકો કાદવના આ સામર્થ્યને ઓળખી નથી શક્યા, તેઓ સંસારને ધિક્કારતા રહે છે.
આપણે ત્યાં ઠેરઠેર બાળકના ઇનોસન્ટ માઇન્ડમાં એકનું એક જુઠાણું વારંવાર કહીને એની મુગ્ધતાને છેતરવાનું પાપ થતું રહે છે. પૅરન્ટ્સ ઇચ્છાએ કે અનિચ્છા એ પાપ પર પોતાની સંમતિની મહોર લગાવતાં હોય છે. બાળકને લેટેસ્ટ ટેક્નોલોજી દ્વારા ઇન્ટેલિજન્ટ પર્સનાલિટી બનાવવાને બદલે કોઇ અપાસરાના ખૂણામાં ગુરુના પગ દબાવવા, ગુરુનાં કપડાંના કાપ કાઢવા, ગુરુની ગોચરી વહોરવા કે ‘ગુરુદેવો ભવ’ નો મંત્રજાપ કરવા ગોઠવી દેવામાં આવે છે. એનાં આત્માનું કલ્યાણ કેટલું થયું, એની મોક્ષ તરફ ગતિ થઇ કે નહિ એનું તો ક્યાં કોઇ સર્ટિફિકેટ આપવામાં આવે છે ? એ તો બધું માત્ર માની લેવાનું અને ધન્ય ધન્ય થઇ ઊઠવાનું ! સત્યથી તદ્દન વેગળી વાતને પણ સત્ય માની લેવામાં આપણી તોલે કોઇ આવે તેમ નથી ! હું એવા અનેક મુનિઓ- પંન્યાસો સંપર્કમાં આવ્યો છું કે જેઓએ બાળદીક્ષા લીધી હતી અને અત્યારે યુવાન વયના છે. એ સૌ અત્યારે ધોબીના કૂતરા જેવી જિંદગી જીવી રહ્યા છે; નથી સંયમમાં સ્થિર થઇ શકતા, નથી સંસારમાં પાછા આવી શકતા! એક પંન્યાસજીએ પોતાનું નામ જાહેર નહિ કરવાની વિનંતી સાથે કહ્યું કે, ‘સંયમજીવન પવિત્ર છે કે નહિ એ વિશે મારે કશું જ કહેવું નથી, પણ સંસાર છોડ્યા પછી મને એટલું સમજાય ગયું છે કે સંયમજીવન કરતાં સંસારનું જીવન વધારે સુખમય અવશ્ય છે!’ એક વડીલ મુનિ કહે છે, ‘બાળદીક્ષા આપનાર અને અપાવનાર બંને પાપી છે, કારણ કે એમાં દીક્ષા લેનાર વ્યક્તિની પક્વ (મેચ્યોરિટી) સમજણની સંમતિ લેવામાં આવતી નથી પણ તેના ભોળપણ સાથે છેતરપિંડી જ કરવામાં આવે છે.’
એક યુવાન મુનિએ બળાપો કાઢ્યો કે, ‘દીક્ષા લિધા પછી પણ અમારે સંસારની વચ્ચે જ રહેવાનું હોય છે ને ! એટલે મન સંસાર પ્રત્યે આકર્ષાયા વગર રહેતું નથી. સંસાર છોડીને જંગલના એકાંતવાસમાં રહેવાનું હોય તો વાત જુદી છે. વળી અમારા ગુરુઓને હવે ભગવાનની પ્રતિષ્ઠાના નામે પોતાની પ્રતિષ્ઠા કરાવવામાં, વરઘોડા-સામૈયાં કઢાવવામાં વધારે રસ પડે છે. દીક્ષા પછીના અમારા અભ્યાસ અને સ્વાધ્યાય અંગે એમને ભાગ્યે જ ફુરસદ મળે છે. મોટા ભાગે દરેક ગુરુ પાસે પોતાના જાતજાતનાં પ્રોજેક્ટ્સ હોય છે. એ પ્રોજેક્ટ્સ પૂરાં કરવાની લાયમાં ગુરુઓ ઓવરબિઝી રહે છે. નવદીક્ષિતના સંયમ-ઘડતર માટે તેઓ પૂરતો સમય ફાળવી જ નથી શકતા અને એમને એટલી પરવાય હોતી નથી. છેવટે એમ થાય છે કે આના કરતાં તો સંસાર ભોગવ્યો હોત તો સારું હતું !’
ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી નહોતી. ચોવીસ તીર્થકરો પૈકીના કેટલા તીર્થકરોએ બાળદીક્ષા લીધી હતી? બાળદીક્ષા લઇ ને એક વ્યક્તિ હેમચંદ્રાચાર્ય પાકે એટલે દરેક વ્યક્તિ હેમચંદ્રાચાર્ય જ બનશે એમ માની ને હજારો-લાખો બાળકોને મૂંડી નાખવામાં શાણપણ નથી. બાળદીક્ષા સફળ થયાનાં જાહેર ઉદાહરણો કરતાં બાળદીક્ષા નિષ્ફળ ગયાનાં ખાનગી ઉદાહરણોની સંખ્યા વધારે છે. કેટલાક સાધુઓ યુવાનીમાં દીક્ષા છોડીને પાછા સંસારમાં આવી જાય છે. ઘણા પાછા નથી આવી શકતા એનો અફસોસ અનુભવે છે તો ઘણા સાધુઓ પછી પોતાના મન સાથે સમાધાન કરીને સાધુપણામાં જ રહીને ખાનગી ગોરખધંધા શરૂ કરી દે છે.
મારી દ્રષ્ટિએ તો જ્યાં સુધી વ્યક્તિ ગ્રેજ્યુએશન સુધીનો સ્ટડી ન કરે ત્યાં સુધી તેને દીક્ષા આપવી જ ન જોઇએ. જો વ્યક્તિ ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન પામી હોય તો તેનું બૌદ્ધિક સ્તર નક્કર બન્યું હોય, કુદરતી આવેશોને ઓળખી શકે એટલી તેની શારીરિક પુખ્તતા પાંગરી ચૂકી હોય. પુખ્ત વ્યક્તિ જે નિર્ણય લેશે તે પોતાની સમજણથી અને મરજીથી જ લેશે ! કોઇના ઉધાર ગાઇડન્સથી પ્રેરાઇને એ કોઇ ઉતાવળિયો કે ખોટો નિર્ણય નહિ લે.
બાળવયે દીક્ષા લીધા પછી પુખ્તવયે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે ડામાડોળ બને છે. એને સેક્સની સહજ વૃત્તિ જાગે છે અને એ કારણે જ વિવિધ ધર્મોના સાધુ-સમાજનાં સજાતીય-વિજાતીય સેક્સ સ્કેન્ડલોની ઘટનાઓ આપણને મીડિયામાં વારંવાર જોવા-વાંચવા મળે છે ! એવી ઘટનાઓ મીડિયા સુધી ન પહોંચે તે માટે યેનકેન પ્રકારેણ દબાવી દેવામાં આવે છે. મીડિયામાં પ્રગટ ન થયેલી ઘટનાઓની સંખ્યાય આપણે ધારીએ તેટલી ઓછી નથી ! લગ્ન કરવા માટે વ્યક્તિની પુખ્ત વય કમ્પલસરી છે. બાળલગ્ન ગેરકાનૂની છે. જો સંસાર માંડવા માટે પુખ્ત વય કમ્પલસરી હોય તો, સંસાર છોડવા માટે પુખ્ત વય કમ્પલસરી કેમ ન હોય ? સંસાર શું છે એ સમજ્યા વગર વ્યક્તિ સંસાર માંડી ના શકતી હોય તો સંસાર શું છે એ સમજ્યા વગર એને છોડીય કેમ શકે? એની જિંદગીનો મહત્વનો નિર્ણય એની પુખ્ત સમજણને જ કરવા દો ને ! તમે વડીલ ખરા, તમે એના હિતેચ્છુયે ખરા, પણ જો તમે તમારો જ નિર્ણય એના ઉપર લાદી દો તો એ બળાત્કાર જ ગણાય.
સાચા સાધુત્વની ઓળખ સહજ પ્રસન્નતા છે. આવી પ્રસન્નતા સમજણપૂર્વક સ્વીકારેલા સંયમમાંથી જ પ્રગટતી હોય છે. આપણે મિથ્યા અહોભાવને સહેજ બાજુએ રાખીને સ્ટડી કરીએ તો કેટલા સાધુઓના ચહેરા ઉપર સહજ સ્મિત અને સો ટચની પ્રસન્નતા જોવા મળે છે? મોટા ભાગનાં સ્મિત ગણતરીવાળાં હોય છે. મોટી રકમના ફંડફાળા આપનારા ભક્તો પૂરતાં અનામત હોય છે. પોતે ઉભાં કરેલાં ટ્રસ્ટોને સમૃધ્ધ કરવાના ઉધામા, પોતે સ્થાપેલાં તીર્થોના વિકાસ માટેની વ્યૂહરચનાઓ, પોતાનાં જ લખેલાં પુસ્તકોની ‘ઓપન બૂક એક્ઝામ’ દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાની વેપારીવૃત્તિ, વરઘોડા-સામૈયાં-પંચાંગો વગેરે કારોબારોમાં પ્રસન્નતા તો સાવ તળિયે દટાઇ ગયેલી હોય છે. ધર્મની પ્રભાવના કરવા કરતાં પોતાનો વ્યક્તિગત પ્રભાવ પાડવાની મથામણ વિશેષ જોવા મળે છે. વાક્ચતુર સાધુઓ નાનાં બાળકોનાં પૅરન્ટ્સને મોટી રકમો આપીને દીક્ષા અપાવવા માટે લલચાવે છે. ગરીબ પૅરન્ટ્સ મજબૂરીથી કે મરજીથી સોદાબાજી કરી નાખે છે અને એનું પરિણામ આખરે એમનાં સંતાનોએ વેઠવું પડે છે.
બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, ભોળું અને મુગ્ધ હોય છે. એને પોતાના ભવિષ્યની કલ્પના નથી હોતી. આપણે જે બતાવીએ એ જ એ જુએ છે, આપણે સમજાવીએ એવું જ એ સમજે છે, કારણ કે એને કશો અનુભવ નથી હોતો. દીક્ષા લીધા પછી જ્યારે પુખ્તવયે એને સમજાય છે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. અધ્યાત્મની બાબતમાં આપણે પરંપરાથી એક ગેરસમજને બડા જતનથી ઉછેરી રહ્યા છીએ. સુખદ્રોહી થવું એ જ અધ્યાત્મ છે. કારણ વગરનાં કષ્ટ વેઠવાં અ જ ધર્મ છે, સુખ ભોગવવું એ પાપ છે – એવી ગેરસમજ આપણને ગળચટી લાગે છે. આવતા ભવમાં કલ્પનિક સુખો મેળવવા માટે વર્તમાનનાં વાસ્તવિક સુખોને ઠોકર મારવાના મૂર્ખામીભર્યા ઉપદેશો આપણે હોંશેહોંશે સાંભળ્યા કરીએ છીએ. સુખ એટલે શું, સંસાર એટલે શું, સંયમ એટલે શું વગેરે વિશે બાળકના દિમાગમાં પક્વ સમજણ પ્રગટે એટલી તો રાહ જુઓ !
બાળમજૂરી કરાવવી એ ગુનો છે. બાળલગ્ન કરાવવાં એ ગુનો છે. બાળકને પનિશમેન્ટ કરવી એ ગુનો છે. બાળકને શિક્ષણથી વંચિત રાખવું એ પણ ગુનો છે તો પછી બાળકને બાવો બનાવી દેવો એ અપરાધ નથી? બાળદીક્ષા બાબતે કાનૂની પ્રતિબંધ હોય કે ન હોય, દરેક પૅરન્ટ્સે અને સાચા ગુરુઓ એ આ અંગે ગંભીર ચિંતન કરીને ધર્મના હિતમાં બાળદીક્ષા અટકાવવી જ જોઇએ. હિન્દુ શાસ્ત્રોમાં માનવીના આયુષ્યને ચાર ખંડોમાં વહેંચવામાં આવ્યું છે….
(૧) બાલ્યાશ્રમ ; બાળાવસ્થા રમતગમત, શિક્ષણ તેમજ વિવિધ કૌશલ્યો કેળવવા માટે.
(૨) ગૃહસ્થાશ્રમ ; યુવાન-અવસ્થામાં લગ્ન કરીને સાંસારિક ધર્મો (કર્તવ્યો) નું અનુપાલન કરવું.
(૩) વાનપ્રસ્થાશ્રમ ; પ્રૌઢ વયે પોતાનાં સંતાનોને માર્ગદર્શન આપવું અને તેમનો ઉત્સાહ વધારવો.
(૪) સંન્યાસાશ્રમ ; છેલ્લે સંન્યસ્ત જીવન સ્વીકારીને સાંસારિક જવાબદારીઓની પળોજણથી છૂટીને કશાય વળગણ વગરનું મુક્ત જીવન જીવવું. માનવજીવનના આ ચાર તબક્કાઓ કોઇ અજ્ઞની, મૂર્ખ કે બુદ્ધિહીન વ્યક્તિએ નક્કી નથી કર્યા. અત્યંત અનુભવી, ચિંતનશીલ અને પ્રજ્ઞાવાન લોકોએ નક્કી કર્યા છે
(૧) બાલ્યાશ્રમ ; બાળાવસ્થા રમતગમત, શિક્ષણ તેમજ વિવિધ કૌશલ્યો કેળવવા માટે.
(૨) ગૃહસ્થાશ્રમ ; યુવાન-અવસ્થામાં લગ્ન કરીને સાંસારિક ધર્મો (કર્તવ્યો) નું અનુપાલન કરવું.
(૩) વાનપ્રસ્થાશ્રમ ; પ્રૌઢ વયે પોતાનાં સંતાનોને માર્ગદર્શન આપવું અને તેમનો ઉત્સાહ વધારવો.
(૪) સંન્યાસાશ્રમ ; છેલ્લે સંન્યસ્ત જીવન સ્વીકારીને સાંસારિક જવાબદારીઓની પળોજણથી છૂટીને કશાય વળગણ વગરનું મુક્ત જીવન જીવવું. માનવજીવનના આ ચાર તબક્કાઓ કોઇ અજ્ઞની, મૂર્ખ કે બુદ્ધિહીન વ્યક્તિએ નક્કી નથી કર્યા. અત્યંત અનુભવી, ચિંતનશીલ અને પ્રજ્ઞાવાન લોકોએ નક્કી કર્યા છે
અલબત્ત, માનવીના આયૂષ્ય વિશે કોઇ ગેરન્ટી નથી હોતી. તે કેટલું જીવશે તે નક્કી નથી હોતું. એટલે પ્રારંભથી જ ધર્મમય, સંસ્કારી જીવન જીવવું જરૂરી છે. બાલ્યકાળમાં અને યુવાવસ્થામાં પણ ધર્મના પાટા (ટ્રેક) ઉપર સંસારની ટ્રેન ચલાવવી જોઇએ. સંસાર પ્રત્યે દ્વેષ અને ઘૃણા કરવાની જરૂર નથી, સંન્યાસ પ્રત્યે મિથ્યા અહોભાવથી તણાઇ જવાની પણ જરૂર નથી. વૃક્ષ પરનું ફળ પાકે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જરૂરી હોય છે. કાચું ફળ ખાટું લાગશે. બાળક કાચું ફળ છે. તેની મુગ્ધ વય સત્યાસત્યનો વિવેક કરવા સમર્થ હોતી નથી. એટલું જ નહિ, એની પોતાની સ્વસ્થ રુચિ અને તટસ્થ નિર્ણયશક્તિ પાંગરી હોતી નથી. આવા તબક્કે એને આપણી પસંદગી કે રુચિના માળખા તરફ ઢસડી જવો એ બળાત્કાર જ છે.
બાળકને ધર્મના સંસ્કારો આપવા, માનવમૂલ્યોનો પાઠ ભણાવવો એ જુદી વાત છે અને તેને સંસાર પ્રત્યે ઘૃણા કરતો કરી દેવો એ જુદી વાત છે. બાળવયે દીક્ષા લૈ લીધા પછી પુખ્ત વયે પસ્તાવો થાય તોય પાછા વળવાનું ક્યારેક શક્ય નથી બનતું, એટલે છેવટે ખાનગીમાં આચાશિલિલતા પાંગરતી રહે છે. વળી એ કારણે સંયમજીવન અને ધર્મ બંને પ્રદૂષિત થાય છે.
સો વાતની એક વાત, બાળદીક્ષાની ફેવરમાં જેટલી દલીલો થઇ શકે છે એના કરતાં તેની અનફેવરમાં વધારે અને પ્રબળ દલીલો થઇ શકે છે. એ માટે અજ્ઞાન, અંધશ્રદ્ધા ત્યજીને સ્વસ્થ-તટસ્થ સમજ કેળવાય તો નો પ્રૉબ્લેમ.
[કુલ પાનઃ ૧૪૪. કિંમત રૂ. ૧૦૦. પ્રાપ્તિસ્થાન: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]
{રીડ ગુજરાતી માંથી સાભાર}
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT