વરસોથી, દાયકાઓથી, સદીઓથી ભારતમાં અતીશ્રદ્ધાળુ ભક્તો પોતપોતાના આરાધ્ય દેવના મન્દીરમાં સોના–રુપાના દાગીનાઓ ચડાવતા રહે છે. શહેરી અને શ્રીમન્ત લોકો મોટી ભેટ ચડાવે છે. પણ તેમની સંખ્યા ઓછી છે. ગામડાની અતી ગરીબ ઘરની સ્ત્રીઓ પોતપોતાની માનતા પુરી કરવા માટે દેવ દ્વારે પોતાના હાર, બંગડી, એરીંગ અને ચુંક ચડાવતી આવી છે. આ ભંડાર કેટલો છે તે જાણવા માટે થોડા વરસ અગાઉ રીઝર્વ બૅન્કે ભારતનાં તમામ મોટાં મન્દીરોને પોતાના ભંડારોનો હીસાબ રજુ કરવાની નોટીસો કાઢી હતી. પણ શ્રદ્ધાળુઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉગ્ર વીરોધને કારણે રીઝર્વ બૅન્કે પોતાની નોટીસો પાછી ખેંચી લેવી પડી. આવા ભંડારોની વાત બાજુએ મુકીએ તો પણ; ભારતનાં નાનાં મોટાં તમામ મન્દીરોએ અઢળક કમાણી કરતી પ્રવૃત્ત્તી મોટા પાયા પર ઉપાડી છે. તેમાં ભક્તી કે પુજા કરતાં પણ કમાણીની ગણતરી વધારે હોય છે અને આ ગણતરી હમ્મેશાં સાચી ઠરે છે.
ભારતીય સમાજમાં મંદિરો કમાણી કરાવી આપતો સર્વશ્રેષ્ઠ ધંધો છે, તેમાં સમ્પ્રદાયો કે સ્વામીઓએ કશું મુડી–રોકાણ કરવું પડતું નથી; કારણ કે મંદિરો બાંધવાનું ભંડોળ બારોબાર (ફંડફાળા, ઉઘરાણાં, દાનથી) નીકળી જાય છે. મંદિરો બંધાયા પછી જે મબલખ કમાણી થાય છે તેમાં મુડી–રોકાણ કરનારને કશો હીસ્સો મળતો નથી અને આવો હીસ્સો મેળવવાની કશી અપેક્ષા પણ રાખવામાં આવતી નથી.
મુડી કોઈની અને કમાણી પોતાની એવો ધંધો ધર્મપુરુષોને સારો ફાવી ગયો છે. ગમે તેટલી કમાણીનો કશો હીસાબ રખાતો નથી. તેના પર કશો કર કે વેરો ચુકવાતો નથી અને આવેલાં નાણાં ક્યાં જાય છે, કોણ વાપરે છે અને શી રીતે વપરાય છે તેની સીધીસાદી પુછપરછ પણ કદી કરવામાં આવતી નથી. ભારતનાં મોટાભાગનાં મન્દીર આજે અધર્મનાં મોટામાં મોટાં કેન્દ્રો બની ગયાં છે. વગર મહેનતે મેળવાયેલી અસ્ક્યામતો હમ્મેશાં અનેક પ્રકારનાં દુષણો જન્માવે છે. નશાકારી પદાર્થો, વ્યભીચાર અને ગુનાખોરીમાં આજે આપણા લગભગ તમામ સમ્પ્રદાયો ગળાડુબ છે. આસારામ (બાપુ ?) તો દયાપાત્ર છે; કારણ કે તે પકડાયો છે અને પોતાની કરણીનું ફળ ભોગવે છે. પણ વગર પકડાયેલા ધાર્મીક આગેવાનોની મોટી જમાત હજુ તાગડધીન્ના કરે છે.
આમાં ધર્મનો કે ધર્મશ્રદ્ધાનો કશો દોષ નથી. સમાજમાં ચોમેર વ્યાપેલી અન્ધશ્રદ્ધા અને ભગવાન જોડે લાભ મેળવવા માટે સોદાબાજી કરવાની વૃત્ત્તી આ પાપ માટે જવાબદાર છે. ભગવાન દીકરો આપે, પરીક્ષામાં પાસ કરાવે, ધંધા–પાણીમાં બરકત આપે તો ભેટ ચડાવવી તે ઈશ્વર જોડે કરવામાં આવેલી સોદાબાજી છે અને મોટા ભાગે ચડાવવામાં આવેલી ભેટ શ્રદ્ધાનું નહીં; પણ આવી સોદાબાજીનું પરીણામ છે. ઈશ્વરની કૃપા તો ચારીત્ર્યથી કે ત્યાગથી જ મળે છે તે હકીકતને ખુણે– ખાંચરે ધકેલી દેવામાં આવી છે.
કારણ ગમે તે હોય; પણ મંદિરોમાં સદીઓથી નકામું પડી રહેલું આ દ્રવ્ય સમાજોપયોગી કાર્ય માટે વાપરવું તે આજના જમાનાની તાકીદ છે. આ નાણાં દેશના ગરીબોના પરસેવાની કમાણી છે અને તેમનાં કલ્યાણ માટે આ ભંડારો વપરાવા જોઈએ; પણ આ ભંડારો હાથવગા કરવા એ અશક્ય દેખાય છે. ઓછામાં ઓછું આ ભંડાર કેટલા છે અને કેવડા છે તેની જાણકારી એકઠી કરવી જોઈએ. જુના હોય કે નવા હોય; પણ દરેક મન્દીરે પોતાની વાર્ષીક આવકજાવકના અધીકૃત હીસાબો જનતાની જાણકારી માટે પ્રસીદ્ધ કરવાનું ફરજીયાત બનાવવું જોઈએ. આવા હીસાબ આપવાનો કે છાપવાનો ઈન્કાર કરનાર મંદિરોને પાણી, વીજળી, સફાઈ જેવી મ્યુનીસીપલ સેવા આપવાનું બંધ કરવામાં આવે તો પુજારીઓ, પંડાઓ, અને મહંતોએ નમવું પડશે. આમાં દેવ કે શ્રદ્ધાને આંગળી પણ અડવાની નથી અને મન્દીરની આવકમાં કશી દખલગીરી નથી. માત્ર હીસાબ આપવાનો છે. જુના ભંડારોની વાત પછીથી કરી શકાય; પણ ચાલુ કમાણીની જાણકારી જનતાને મળવી જોઈએ. અદના નાગરીકે પોતાની આવક સરકારને દેખાડવી પડે છે; તો પછી દેવાધી દેવે પોતાની આવક છુપાવી પડે તેવું કોઈ કારણ નથી.
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 22 ડીસેમ્બર, 2014ની રવીવારીય પુર્તીમાં, એમની સાપ્તાહીક કટાર ‘સોંસરી વાત’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી દાદીમાની પોટલી માંથી સાભાર…
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT