વેબ સરિતા: October 2014
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday, 2 October 2014

વ્યક્તિનો દેખાવ નહીં, કર્મોનું મહત્ત્વ હોય છે...

socretis
વિશ્વવિખ્યાત ફિલોસોફર સોક્રેટીસ એક વખત તેમના રૂમમાં બેઠા હતા અને અરીસામાં પોતાનો ચહેરો જોઈ રહ્યા હતા. તેઓ અત્યંત ધ્યાનપૂર્વક અરીસામાં ચહેરો નિહાળી રહ્યા હતા. બરાબર એ જ સમયે તેમનો સૌથી પ્રિય શિષ્ય ત્યાં આવી પહોંચ્યો. ગુરુજીને આ રીતે અરીસામાં જોતા જોઈને તેને આશ્ચર્ય તો થયું, પરંતુ કશું બોલ્યો નહીં, માત્ર સ્મિત કર્યું. શિષ્યને સ્મિત કરતો જોઈએ સોક્રેટીસ તેની મુંઝવણ સમજી ગયા.

શિષ્ય કંઈ પૂછે તે પહેલા સોક્રેટીસે તેને કહ્યું કે મને ખ્યાલ છે કે શા માટે સ્મિત કરે છે? શિષ્ય ચૂપ રહ્યો. ગુરુજી સમજી ગયા હતા એ જાણીને તેણે થોડી શરમ અનુભવી અને નીચું જોઈને ઊભો રહ્યો.

સોક્રેટીસે કહ્યું, તને ખ્યાલ નથી કે હું શા માટે અરીસામાં જોઉં છું. વાસ્તવમાં હું અત્યંત કદરૂપો છું એટલે દરરોજ અરીસામાં જોઉં છું. શિષ્યને આ સાંભળી આશ્ચર્ય થયું. પણ એવું શા માટે? તેણે પૂછી લીધું. સોક્રેટીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હું નિમયિત આવું કરું છું જેથી મને ખાતરી થઈ જાય કે હું કદરૂપો છું. હું મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખું છું. આવું દરરોજ એટલા માટે કરું છું કે મને સારા કામ કરવાની પ્રેરણા મળે અને સાથે મારી કુરૂપતા ઢંકાઈ જાય.
તેમના આવા જવાબથી શિષ્યે કૂતુહલ સાથે પૂછ્યું, તો શું એનો અર્થ એ કે સારા દેખાતા લોકોએ અરીસામાં ન જોવું જોઈએ? તેના જવાબમાં સોક્રેટીસે કહ્યું, સુંદર લોકોએ પણ અરીસો તો જોતાં જ રહેવું જોઈએ જેથી તેમને યાદ રહે કે તેઓ જેટલા સુંદર દેખાય છે એટલાં જ સારા કામ પણ તેમણે કરવાના છે. સુંદર દેખાતા લોકો સાથેસાથે સારાં કામ પણ નહીં કરે તો તેમની એ સુંદરતાને લાંછન લાગી જશે.

સોક્રેટીસના કહેવાનું તાત્પર્ય એટલું જ હતું કે વાસ્તવમાં વ્યક્તિનો દેખાવ નહીં પરંતુ તેમના કામ મહત્ત્વના હોય છે. પોતે કેવાં કામ કરે છે તેના આધારે તેમની છબી ઘડાતી હોય છે.
[http://navgujaratsamay.indiatimes.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 2 October 2014

શું માણસ ખરેખર સુસભ્ય (Civilised) થયો છે ખરો?


અરે સાંભળી સાંભળીને થાક્યા નથી, કે
જમાનો બદલાયો છે!

શું સૂરજ પૂર્વને બદલે પશ્ચિમ થી ઉગે છે?
શું નદી સમુદ્રને મળતી નથી?
શું વરસાદ ધરતી પર નથી વરસતો?

શું બીજમાંથી થતું છોડવું જમીન ઉપર નથી આવતું?
શું હર માતા બાળકને નવ મહિના ઉદરે નથી ધરતી?
ભરતી અને ઓટ સમુદ્રમાં જ ઉદભવે છે કે નહીં?
પિતા બાળકને દૂધ પિવડાવવા અસમર્થ જ છે.

Where do you find change?
ખરું જોતા વ્યક્તિની દૃષ્ટિ અને વિચારસરણી બદલાઈ  છે.
નૈતિક મૂલ્યો  હેમખેમ છે. સત્ય સનાતન સત્ય છે.


'માનવ આ એક બુદ્ધિશાળી પ્રાણી છે.' પોતાની બુદ્ધિના ઉપયોગથી માનવે આજે વિવિધ ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે. ઔદ્યોગિક ક્રાંતિ થઇ, વ્યાપારી ક્રાંતિ થઇ ગઈ, વિજ્ઞાન અતિશય આગળ વધ્યું છે. માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો છે પણ મોટો પ્રશ્ન એ છે કે શું માણસ સુસભ્ય (Civilised) થયો છે ખરો? જયારે આપણે એમ કહીએ કે ૨૧મી સદીમાં અમે સુધરેલા છીએ, ત્યારે પ્રશ્ન થાય છે કે ૨૦૦૦ વર્ષ પહેલાંના માનવ કરતાં આજનો માનવ સુધર્યો એટલે શું થયું છે?

આપણાં બાહ્ય સુખોપભોગ વધ્યાં છે, પણ શું આપણે નૈતિક દૃષ્ટિએ સુધર્યા છીએ ખરા? નૈતિકતા શબ્દનો અર્થ કેવળ સ્ત્રી-પુરુષના સંબંધ પૂરતો જ મર્યાદિત નથી. નૈતિકતાનો અર્થ થાય- અસ્મિતા જાગરણ. ઉપનિષદની વાર્તા પ્રમાણે જેમ ઘેટાના ટોળામાં જીવતું સિંહનું બચ્ચું પોતાની ઓળખ વિસરી ગયું હતું, તેવું આજે આપણું થયું છે. આપણે પ્રભુનાં સંતાન હોવાનું ગૌરવ ભૂલી ગયા છીએ. 'હું ભગવાનનો અંશ છું,' આ સ્વની ઓળખ અંદર ઊભી થઇ કે માણસ બદલાય છે. હું પ્રવાહપતિત નહીં થાઉં. મને કોઈ પણ વાસના ખેંચી નહીં શકે.

મારા જીવનની સ્વ-તંત્ર બેઠક છે, મારું સ્વ-ત્વ છે. એ સમજે તો માણસ ખરો નીતિમાન ! નીતિમત્તાની આ પહેલી કસોટી છે. હું કોઈને મારા સ્વાર્થ માટે વાપરીશ નહિ અને ખુદને કોઈના હાથમાં વપરાવા દઈશ નહીં. આવી સિમેન્ટ કોન્ક્રીટ જેવી બેઠક હશે તો માણસ વિકસિત ! બાકી એકાદી લીલી નોટ જો અમારી બેઠક હલાવતી હશે તો જીવનનું સ્થૈર્ય આવ્યું જ ક્યાં? આજે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. (Ph.d.) થયેલો વ્યક્તિ પણ લીલી નોટ દેખાડી તો ખેંચાઈ જાય છે, ખરીદાઈ જાય છે. ભલેને તે ઉચ્ચશિક્ષિત હશે, પણ વિકસિત કેવી રીતે ગણાય?

કોઇ વ્યક્તિ શિક્ષિત થયેલી હોય એટલે એ વિકસિત છે જ એવું માનવું ભૂલ ભરેલું છે. શિક્ષણ અને વિકાસ બંને એક સિક્કાની બે બાજુ જેવાં છે. વ્યકિત જેટલી શિક્ષિત અને જેટલી વિકસિત હોય એટલી જ મૂલ્યનિષ્ઠ અને એટલી જ પ્રામાણિક હોવી અનિવાર્ય છે. તમે જેટલા પ્રલોભનમુક્ત હશો, એટલા વધુ શિક્ષિત ગણાશો. એટલે જેટલા ઉન્નત બનો એટલા ગુણવાન, મૂલ્યવાન પણ હો એ અપેક્ષિત છે. નૈતિકતા તમામ સ્થિતિમાં સમાન રીતે જળવાય એ સાચો શિક્ષિત અને એ જ સાચો વિકસિત. વ્યક્તિ મૂલ્યનિષ્ઠ બનશે તો સમાજ પણ મૂલ્યનિષ્ઠ બની શકશે.

આજના સુધરેલા કાળમાં આગળનો પ્રશ્ન આવે છે કે સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ ઉન્નત થયો કે? સ્ત્રી એક ઉપભોગનું સાધન છે એ જ દૃષ્ટિ સમાજમાં વધી રહી છે. એટલે જ સિનેમા-જાહેરખબરોમાં સ્ત્રીના અંગ-ઉપાંગોનું પ્રદર્શન કરવામાં આવે છે. અત્યંત વેદનાની વાત છે કે એ માટે સમાજને હજી ચીડ આવતી નથી.

'સ્ત્રીને આત્મા છે, તે ભગવાનનું સર્જન છે, તેને મન છે,' તે વિચાર કરવો પડશે. 'સ્ત્રી એટલે માત્ર તેનું શરીર' આવી જ રીતે તેના તરફ જોવાય છે. આ નર્યા ભોગની જ દૃષ્ટિ છે, આ શું પ્રગતિ ગણાય? શું આપણે સ્ત્રીને એક માનવ તરીકે જોઈએ છીએ ખરાં? પછી આપણે શાના સુધરેલાં ગણાઈએ? 
(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનાં પ્રવચનોનાં આધારે)
[http://navgujaratsamay.indiatimes.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

ગાંધી જયંતી - વિશ્વ અહિંસા દિવસ (2જી ઓક્ટોબર)

 

"Be the change you want to see in the world" - Mahatma Gandhi
[People of gujarat facebook.com માંથી સાભાર]
ગાંધી જયંતી - વિશ્વ અહિંસા દિવસ (૨ ઓક્ટોબર)

મિત્રો અહિયાં ગાંધીજીની જીવન યાત્રા વિશે વર્ણવેલું છે...

મને ખબર છે તમને આટલું બધું વાંચવામાં કંટાળો આવશે પણ ભારતને આઝાદી આપવા પોતાનું આખું જીવન આપનાર વિશે થોડો સમય તો તમે કાઢીને વાંચો એવું હું ઈચ્છું છું...

જન્મ - ૨ ઓક્ટોબર, ૧૮૬૯, ભાદરવા વદ બારસ, વિ.સં - ૧૯૨૫, પોરબંદર, ગુજરાત, ભારત

મૃત્યુ - ૩૦ જાન્યુઆરી,૧૯૪૮, નવી દિલ્હી, ભારત

હુલામણું નામ:- દ.આફ્રિકામાં-ભાઇ
ભારત આવ્યા બાદ-બાપુ

અભ્યાસ - કાયદાની ઉપાધી વ્યવસાય વકીલાત,સમાજસેવા

વતન - પોરબંદર

ખિતાબ - "રાષ્ટ્રપિતા"

જીવનસાથી - કસ્તુરબા

સંતાનો:- હરીલાલ-મણીલાલ-રામદાસ-દેવદા
દત્તક દીકરી:- લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા

માતા-પિતા - પૂતળીબાઇ-કરમચંદ ગાંધી

ગાંધીજીની આત્મકથા - સત્યનાં પ્રયોગો

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા હતા અને રાષ્ટ્રપિતા છે. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું.

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત, ભારત)માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાધીનો વ્યવસાય કરેલો નહી, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દિવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. જૈન સંપ્રદાયમાં અતિસુક્ષ્મ સ્તરની અહિંસાના પ્રભાવને કારણે ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનનાં લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા—સૌથી મોટા પુત્ર હરીલાલ (જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ (જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ (જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાના પુત્ર દેવદાસ (જન્મ સન ૧૯૦૦).

દત્તક દીકરી:- લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા

ગાંધીજીને ચાર દીકરા હતા એ જાણીતી વાત છે અને તેમના પરિવારજનો પણ આજે દુનિયાભરમાં ફેલાયેલા છે. પણ ગાંધીજીએ એક દલિત બાળકીને ૧૯૨૦ના અરસામાં દત્તક લીધેલી. એ બાળકી એટલે લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા. દુદાભાઈ કોચરબ આશ્રમમાં રહેતા તેનાથી કસ્તુરબાને થોડો અણગમો હતો. ગાંધીજીએ કસ્તુરબાનો અણગમો દૂર કરવા દુદાભાઈની પાંચ-સાત વર્ષની દીકરી લક્ષ્મીને દત્તક લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એ લક્ષ્મીબહેનને એક દીકરો અને એક દીકરી હતા. તેમના પરિવારજનો આજે પણ હયાત છે અને ગાંધી ફેમિલીના વારસદાર હોવાની ઓળખ વગર પ્રસિદ્ધીથી દૂર રહી જીવે છે. દુદાભાઈ દાફડા મુંબઈથી આવીને આશ્રમમાં વસ્યા હતા. એ પરિવાર દલિત હતો એટલે કસ્તુરબા સહિત ઘણાને તેમના પ્રત્યે થોડો અણગમો હતો. ગાંધીજીએ આ અણગમો દૂર કરવા પોતાની સ્ટાઈલમાં ચોટડૂક ઉપાય શોધી કાઢયો. તેમણે દુદાભાઈની દીકરી લક્ષ્મીને દત્તક લેવાનું નક્કી કર્યું જેથી એ આપોઆપ કસ્તુરબાની પણ દીકરી બને અને કસ્તુરબા ગમે તેટલો અણગમો હોવા છતાં લક્ષ્મીને દૂર કરી શકે નહીં. એક તબક્કે તો ગાંધીજીએ કસ્તુરબાને કહી દીધેલું કે તારે જવું હોય તો જઈ શકે છે, પણ લક્ષ્મી તો અહીં જ રહેશે! 

તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભુમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.

દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકારો માટેની ચળવળ:-

દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઇક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતાં. જો કે, કુદરત તેમની આ બધી નબળાઇ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઇ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારયોની જેમ તેમણે પણ ગોરાઓનાં તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઇ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા. (આની કિંમત અંગ્રેજોને ભવિષ્યમાં ખૂબ મોંઘી પડવાની હતી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય (ભારતીય)ની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.
ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે netalની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યુ તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઇને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઇ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતન પરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેકટીસની શરુઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પીટીશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખુબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયાં અને તેમના ટેકેદારોએ તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઇને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઇ ગયા. સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીનાં પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલાં ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધાં. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઇ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓનાં એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનૉ પ્રયત્ન કર્યૉ. ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતા ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુધ્ધ છે.

આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઇ સુધારો તો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઇ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસ્બર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઇને દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે.

દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ Letter to a Hindu નો ગાંધીજીએ અનુવાદ કર્યો. ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય એકબીજાને પત્ર દ્વારા નિયમિત મળતા રહ્યા. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી 
કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વ યુધ્ધ ફાટી નીકળતા ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું.

દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું.

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ:-

દક્ષિણ આફ્રિકી યુદ્ધની જેમ ગાંધીએ ૧૯૧૫ માં ભારત આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો. અહીં પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ બ્રિટનને પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની મિલિટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કર્યું. ઘર આંગણે ગુજરાતીઓ અને બિહારીઓની પડખે ઊભા રહીને તેમણે બ્રિટીશ દ્વારા ભારતીયોનાં દમન વિરુદ્ધ અવાજ તો ઊઠાવીને તેઓ ભારતીયોની રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય રહ્યા પણ બ્રિટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી ન જાય તેનું પણ તેમણે ધ્યાન રાખ્યું. સન ૧૯૧૯માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં બ્રિટીશ લશ્કરે લગભગ ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને રહેંસી નાખ્યા અને માર્શલ લૉ લગાવી દીધો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી. પણ અત્યાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સ્વાતંત્ર સંગ્રામના મહાનાયક બનાવી દીધા હતા. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. એપ્રિલ ૧૯૨૦માં ગાંધી All India Home Rule Leagueના અધ્યક્ષ તરીકે ચુંટાઇ આવ્યા. ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૧માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવ્યું અને કૉંગ્રેસમાં પાયામાંથી ફેરફાર કરવામાં આવ્યા. કૉંગ્રેસનું સભ્યપદ સામાન્ય ફી સાથે દરેક ભારતીય માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. કૉંગ્રેસમાં પ્રવર્તમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને શિસ્તને સુધારવા કૉંગ્રેસમાં સત્તાને જુદા જુદા સ્તરે સમિતિઓમાં વિકેન્દ્રિત કરવામાં આવી. આવા પગલાંને કારણે શ્રેષ્ઠીઓની એક પાર્ટીમાંથી કૉંગ્રેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પુનર્જન્મ થયો. ગાંધીએ હવે અહિંસાની સાથે પરદેશી (ખાસ કરીને બ્રિટીશ) ચીજોના બહિષ્કારને બીજા અસરકારક શસ્ત્ર તરીકે અંગ્રેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પ્રચાર અને પ્રસારે ભારતભરમાં જાણે એક જુવાળ પેદા કર્યો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતુથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સ્ત્રીઓને દરરોજ ખાદી કાંતવા અને તે દ્વારા પરોક્ષ રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી. બ્રિટીશ ચીજ વસ્તુઓની સાથે ગાંધીએ બ્રિટીશ ભણતર, બ્રિટીશ ન્યાયાલયમાં અને તમામ સરકારી નોકરીઓ છોડવા માટે પણ યુવાનોને પોરસ ચડાવ્યું. જનતાને અપીલ કરી કે બ્રિટીશ સરકાર દ્વારા લાદવામાં આવેલો કોઇપણ પ્રકારનો વેરો કોઇએ ભરવો નહીં. બ્રિટીશ દ્વારા એનાયત થયેલ ખિતાબો, ઇલ્કાબો, ઇનામો અને અકરામો પણ લોકોએ ગાંધીના કહેવાથી પાછા આપી દીધા. દુનિયા આખી પોરબંદરના એક વણિકની જુદા જ પ્રકારની લડતને અચરજ સાથે નિહાળી રહી હતી. ભારતનો ખૂણેખૂણો ગાંધીના રંગે રંગાઇ ચુક્યો હતો, લોકોમાં સ્વરાજ્યની પ્રબળ તૃષા જાગી ચુકી હતી. લડત તેનાં શિખરે હતી ત્યાં જ સ્વાતંત્ર્ય સંગ્રામને જોરદાર ધક્કો વાગ્યો. બન્યું એવું કે ફેબ્રુઆરી ૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતાં સ્વાતંત્ર્ય સંગ્રામ હિંસક માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. તેમને સાધનની શુદ્ધિ વિનાની સાધના નિરર્થક લાગી. આમ તેમણે પોતે આદરેલી અને અત્યાર સુધી અહિંસક રીતે દેશભરમાં ફેલાયેલી અસહકારની ચળવળ આટોપી લીધી. ગાંધી પર . ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, સરકાર દ્રોહનો ખટલો ચાલ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. સંગ્રામના રસ્તે ગાંધી માટે આ પહેલો કારાવાસ તો નહોતો પણ ગાંધીના જીવનની અત્યાર સુધીની આ સૌથી લાંબી જેલયાત્રા હતી. ૧૮ માર્ચ ૧૯૨૨ના રોજ ગાંધીનો જેલવાસ શરૂ થયો પરંતુ ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.

ગાંધીની ગેરહાજરીમાં કૉંગ્રેસ ધીમે ધીમે લડતમાં પીછેહઠ કરવા માંડી અને બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક તરફ ચિત્તરંજન દાસમુનશી અને મોતીલાલ નહેરૂ હતા જેઓ સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભાગીદારીની તરફેણમાં હતા તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ અને ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ખેરખાંઓને એવો અંદેશો હતો કે સત્તામાં ભાગીદારી કરી સરકારનો હિસ્સો બની સરકાર સામે લડવાનું કામ લડતને નબળી પાડી દેશે. બીજી તરફ અહિંસક લડત દરમ્યાન હિંદુ મુસ્લીમ વચ્ચે મજબુત બનેલી સહઅસ્તિત્વની ભાવનામાં મોટી ઓટ આવી. ગાંધીજીએ વૈમનસ્યની આ સ્થિતિ તોડવા અથાગ પ્રયત્નો કર્યા પણ કાંઇ ન વળતાં ૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યો. આ ઊપાય ઊપરછલું કામ કરી ગયો પણ બે કૉમ વચ્ચે કાયમી પ્રેમસેતુ ગાંધીજી (કે આજ પર્યંત કોઇપણ) સફળ ન થયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું.

કલકત્તા અધિવેશનઃ તીવ્ર ચળવળનો પાયો:-

૧૯૨૭માં બ્રિટીશ સરકારે સર જ્હોન સિમોનના અધ્યક્ષપદે બંધારણીય સુધારા માટે એક કમીશનની રચના કરી જેમણે ભારતીયોના તમામ દરજ્જાઓથી વંચિત કરી દીધા. આના પરીણામે ભારતની તમામ રાજકારણી પાર્ટીઓએ કમીશનનો બહિષ્કાર કર્યો. ગાંધીએ પણ ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસમાં ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી. તેમણે એ પણ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહી ખપે. સરકાર જ્યારે ન ઝુકી તો ગાંધીએ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું.

૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોંચ્યા. રસ્તામાં જાણે लोग जुड़ते गये कारवाँ बनता गया ગાંધીની દાંડીકુચ એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો. ગાંધીએ બ્રિટીશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીએ આને સવિનય કાનુનભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારતનો ખૂણેખૂણો મા ભોમની બંધન મુક્તિ માટે હિલોળે ચડ્યો. સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી. બ્રિટીશ સરકારના પ્રતિનિધી તરીકે લૉર્ડ ઈરવીને ગાંધી સાથે મંત્રણા આદરી અને બંને પક્ષે સમાધાનરૂપે માર્ચ ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. કરારમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર તમામ રાજકીચ કેદીઓને જેલમાંથી છોડી દે અને બદલામાં ગાંધી અસહકારની લડત મ્યાન કરી દે. વધુમાં ગાંધીને લંડનમાં ગોળમેજી પરિષદમાં ભા. રા. કો. ના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. પરિષદમાં ભારતીયોને અને ખાસ તો ગાંધીને નિરાશા સિવાય કશું જ ન મળ્યું કારણકે ભારતને સ્વતંત્રતા આપવાના મુદ્દાને બદલે અંગ્રેજોએ ભારતની લઘુમતીના મુદ્દાને ખૂબ ચગાવ્યો. અંગ્રેજો દ્વારા ભાગલાની નીતિની શરૂઆત આ પરિષદનું સૌથી મહત્વની સફળતા સાબિત થઇ. લૉર્ડ ઈરવીનના અનુગામી લૉર્ડ વિલિંગટને ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે નવેસરથી અભિયાન આદર્યું. ગાંધીની ફરીવાર ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન ગાંધીને એકલા પાડી દઇ તેમના જનતા ઉપરના પ્રભાવને નષ્ટ કરી દેવા ગાંધીનો તેમના અનુયાયીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યો. જો કે, સરકારની આ ચાલ સફળ ન થઇ કારણકે આ દરમ્યાન સરદાર વલ્લભભાઇ પટેલે આંદોલનું નેતૃત્વ પોતાના હાથમાં લઇને આંદોલનકારીઓ ના જોમ અને જુસ્સાને જ્વલંત રાખ્યો. જ્યારે સરકારે મતાધિકારના મુદ્દે નવા બંધારણમાં અછૂતોને અન્ય ઊચ્ચવર્ણથી જુદા ગણ્યા ત્યારે ગાંધીજીએ ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને પોતાના સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી. (જો કે, મિસાઇલથી પણ વધુ ખતરનાક આ શસ્ત્રનું અંગ્રેજો સામે સફળ પરીક્ષણ કરતી વખતે ગાંધીને ખબર નહોતી કે ભવિષ્યમાં સ્વતંત્ર ભારતમાં આ શસ્ત્રનો ખૂબ દૂરુપયોગ થશે.) અછૂતોનું જીવન સુધારવાના રસ્તે ગાંધીનું આ પ્રથમ પગલું હતું. માનો કે, ગાંધીજીએ દલિતોના સમાન સામાજીક અધિકારો માટે એક મહાઅભિયાનનો પાયો નાંખ્યો. તેમણે હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શૂદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે હરીજન શબ્દ પ્રયોજ્યો. ૮મી મે ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયોના દમનના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. બીજી તરફ ગાંધીને લાગવા માંડ્યું કે કોંગ્રેસીઓની નજરમાં અહિંસા અને ઉપવાસની કિંમત દુશ્મનના ગળે મુકીને ધાર્યું કરાવવાના અમોઘ શસ્ત્રથી વિશેષ કાંઇ નહોતી, જ્યારે ગાંધી માટે તો તે જીવન જીવવાનો એક માર્ગ હતો. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું. તેમના ઉત્તરાધિકારી તરીકે જવાહરલાલ નહેરૂ કોંગ્રેસને પક્ષના પ્રમુખ બન્યા. સ્વતંત્રતા મેળવવા ભારતને કયો રસ્તો અપનાવવો જોઇએ તે બાબતે ગાંધી અને અન્ય કોંગ્રેસીઓ વચ્ચેના મતભેદો જગ જાહેર હતા. જાણે ભારતનું ભાવિ સરદાર અને નહેરૂ વચ્ચે જયારે સુકાની પદ માટે પસંદગી કરવાની આવી ત્યારે વિધાતાએ જાણે ફરજ પાડી કે ગાંધીજી નહેરૂને પસંદ કરે. ગાંધીજીની આ પસંદગી એ કેટલી યોગ્ય હતી તે ચર્ચા યાવત્ચંદ્રદિવાકરો ચાલતી રહેશે. આજે પણ ઘણા લોકો તેમની ટીકા કરતાં કહે છે કે ગાંધીએ અઝાદી તો અપાવી તે માટે ભવિષ્યનો દરેક ભારતીય તેમનો ઋણી રહેશે પણ તે ઋણ દરેક ચુકવવાની તક મળે તે માટે વિધાતાએ ગાંધી પાસે આવો નિર્ણય કરાવ્યો હશે. ગાંધીએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભારતના ગામડે ગામડે જનજાગરણનું કામ હાથમાં લીધું. તેમણે અસ્પૃશ્યતા સામેની તેમની મુહિમ વધુ તેજ બનાવી, ચરખાને ઘરે ઘરે પહોંચાડ્યો અને નવી શિક્ષણનીતિનો પ્રચાર કર્યો. આ દરમ્યાન સેવાગ્રામ ગાંધીજીનું ઘર બની ગયું. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા.

બીજું વિશ્વ યુધ્ધ:-

૧૯૩૯ માં જર્મનો નાઝીઓએ પોલેન્ડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજું વિશ્વ યુધ્ધ ફાટી નીકળ્યું. ફાશીવાદીઓના અત્યાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરેપુરી સહાનુભુતિ હતી પણ કૉંગ્રેસમાં ચર્ચા કરતાં એક સુર એવો નીકળ્યો કે ઘરઆંગણે જ્યારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ ત્યારે યુધ્ધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગ્રેજોને કહ્યું કે જો યુધ્ધ બાદ તેઓ ભારતની સ્વતંત્રતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પક્ષે યુધ્ધ લડવા તૈયાર હતા. બ્રિટીશ સરકારનો પ્રતિભાવ નકારાત્મક હતો. બ્રિટીશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય અને સતત જળવાઇ રહે તેવી નીતિ અપનાવી. જેમ જેમ યુધ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિકબુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્રતા માટેનું દબાણ વધારવા માંડ્યું અને છેવટે ૧૯૪૨ માં નિર્ણયાત્મક (અંગ્રેજો) ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહિ તો યુધ્ધમાં કોઇ મદદ પણ નહિ. તેમના તીખા શબ્દોને કારણે બ્રિટીશ દળોએ મુંબઇમાં ૯મા ઑગસ્ટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વર્ષ સુધી જેલમાં જ રાખ્યા.

ભારતના ભાગલા:-

હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો. એમ કહેવાતું કે જો હિન્દુ-મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઇ જતા. ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા. તેઓ ભાગલાના વિરોધી હતા. પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી. છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો સિધ્ધાંત (two nation theory) સ્વીકારવો પડ્યો. પરીણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યા. સત્તાના હસ્તાતરણ દરમ્યાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો.

ગાંધીજીની હત્યા:-

ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડ્સેએ ગાંધીજીને ગોળીએ દીધ. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો, ખરેખર આપણે હિન્દનો એક હિરલો ગુમાવ્યો.

Posted By: http://web-sarita.blogspot.com/

વિજયા દશમી … દશેરા …

પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં

રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો.

શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી

ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો.

આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે,

તેથી ભગવાન શ્રીરામે દૈવીશક્તિને જાગ્રત કરવાનો નિર્ણય લીધો.

આસો માસના સુદ પક્ષમાં

પ્રતિપદા (એકમ)થી લઈને નવમી સુધી નવ દિવસ

ભગવતી મહાશક્તિની આરાધના કરીને

શ્રીરામે તેમને પ્રસન્ન કરી લીધાં.

તેના ફળસ્વરૂપ તેમને દેવી પાસેથી રાવણ પર વિજય

મેળવવાનું વરદાન મળ્યું.

ત્યારબાદ ભગવાન શ્રીરામે આસો સુદ દશમી (વિજયાદશમી)ના દિવસે

વિજય મુહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો.

[Source: http://www.sandesh.com/article.aspx?newsid=94592 ]

વિજયા દશમી …  દશેરા …
 
ભારતીય સંસ્કૃતિ વૈદિક યુગથી વીરતાની પૂજક રહી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ થકી સમાજમાં વીરતા પ્રગટે તે માટે દશેરા- વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય છે. રાજનીતિ કહે છે કે રાષ્ટ્ર હિત અંગે જો યુધ્ધ અનિવાર્ય જ હોય તો વગર વિલંબે શત્રુઑ પર હુમલો કરવો જોઈએ જેથી શત્રુઓનો પગપેસારો અટકી જાય. વિજયની ભાવના દરેક યુગમાં રહી છે. ભગવાન વિષ્ણુનાં લીધેલા દરેક અવતારોમાં એક એક અસૂરો પર પ્રભુએ વિજય મેળવીને સમાજને દૂષિત થતાં અટકાવ્યો છે. મધ્યકાલીન યુગ પણ પ્રજાપરાયણ અને વીર રાજવીઑ દ્વારા સંસ્કૃતિની રક્ષા કરી વિજય પતાકા ફરકાવવામાં આવી છે.
આ દિવસ અંગે એમ કહી શકાય કે નવ નવ દિવસ શક્તિની ઉપાસના કર્યા બાદ દશમે દિવસે શત્રુનો સંહાર કરવા શક્તિ પ્રેરે છે. પ્રભુ રામચંદ્રના યુગથી જ વિજયા દશમીનો દિવસ એ વિજયનું પ્રતિક બન્યો છે. ભગવાન રામના પૂર્વજ રઘુ રાજાનો ઇતિહાસ શમી વૃક્ષ સાથે સંકળાયેલ છે. ઇતિહાસ કહે છે કે રઘુ રાજાને ત્યાં કૌત્સ નામનો વ્રતસ્નાતક આશ્રમ માટે ગુરુદક્ષિણાનાં રૂપમાં ચૌદ કરોડ સોનામહોર લેવા માટે આવ્યો ત્યારે રઘુરાજાએ પોતાનો સમગ્ર ભંડાર દક્ષિણામાં આપી દીધો ત્યારે તે વ્રતસ્નાતકે કહ્યું કે આપનો ભંડાર તો ખાલી થયો રાજન પરંતુ અમારે તો હજુ વધુ ધન જોઈએ છે. વ્રતસ્નાતકની વાત સાંભળીને રઘુરાજાને લાગ્યું કે ઋષિવર શિષ્ય શ્રી આમ હતાશ થઈને વળે તે સારું ન કહેવાય આથી રઘુરાજાએ દેવરાજ કુબેરને આજ્ઞાકારી કે આપની પાસે સંસારનું અખૂટ ધન છે તે આપો પ્રથમ તો કુબેરે ના કહી પરંતુ રઘુરાજા લડવા તૈયાર થયાં ત્યારે કુબેરે વિચાર્યું કે આ વંશમાં તો સ્વયં ભગવાન વિષ્ણુ અવતાર લેવાના છે એ કુળને હું ના કેવી રીતે કહી શકું? ત્યારે દેવરાજ કુબેરે રઘુરાજાના બગીચામાં રહેલ શમીવૃક્ષ પર ધનનો વરસાદ વરસાવ્યો. તે દિવસથી આજ દિવસ સુધી શમીનાં વૃક્ષને ધનના વૃક્ષની માન્યતા મળી છે. 
મહારાષ્ટ્રમાં વિજયાદશમીને દિવસે શમી વૃક્ષના પાંદડા વહેંચવાનો રિવાજ રહેલો છે. પાંડવોનો પણ શમીવૃક્ષ સાથે સંબંધ રહેલો છે તેમ ઇતિહાસ જણાવે છે. મહાભારતમાં કહ્યું છે કે દશેરાને દિવસે પાંડુપુત્રોએ શમીના વૃક્ષ પર સંતાડેલા પોતાના આયુધો પાછા મેળવી તેનું પૂજન કર્યું તેમજ પોતાના આયુધોને કુશળતાપૂર્વક સંતાડવા બદલ શમીવૃક્ષનો આભાર માનીને તેનું પૂજન કર્યું હતું. રામાયણમાં કહ્યું છે કે ભગવાન રામચંદ્રએ રાવણને મહાત કરવા આજ દિવસે પ્રસ્થાન કર્યું હતું, મધ્યકાલીન યુગમાં શિવાજી મહારાજે પણ ઔરંગઝેબ સામે હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે વિજયાદશમીનો દિવસ પસંદ કર્યો હતો.
આપણે ત્યાં વિજયા દશમીનાં દિવસે ગલગોટાનાં ફૂલોનું તોરણ અને લીંબુ તથા મરચાંનો જૂડો બાંધવામાં આવે છે અને વાહનોનું પૂજન કરવામાં આવે છે. ગલગોટાનું ફૂલ એ એક સમાજનું પ્રતિક છે. ગલગોટામાં અનેક પાંદડીઓ એક જૂથ થઈને ફૂલ સાથે બંધાયેલી છે આ પાંદડીઓ તે વિવિધ સ્વભાવ અને ભાવ ધરાવતી વ્યક્તિઓનું સ્વરૂપ છે. જે એક જૂથ થઈ સમાજને ફૂલ સ્વરૂપે બનાવવામાં મદદ રૂપ થાય છે. આમ ગલગોટાનું ફૂલ એ સમાજ અને સમાજની પ્રત્યેક વ્યક્તિઑ અને તેના કાર્ય રૂપી સુગંધનું પ્રતિક છે. જ્યારે મરચાં અને લીંબુએ બહારથી આવતી નકારાત્મક શક્તિનું દમન કરે છે આથી પોતાના ઘર તરફ આવતી નેગેટિવ એનર્જી ઘરની બહાર રહે તે હેતુથી આપણે ત્યાં ઘરનાં બારણે મરચાં અને લીંબુ પણ બાંધવામાં આવે છે.
જેમ પાંડવોએ પોતાના આયુદ્ધો રૂપી ધનનું પૂજન કર્યું હતું તેમ તેમ સમયાંતરે આયુધો યુગ સાથે બદલાતા રહ્યાં છે. મધ્યકાલીન યુગમાં કોઈ ખેડૂતનું આયુધ બળદ, બળદ ગાડું અને તેના ખેતી કરવાનાં સાધનો હતાં, વણિક લોકોનું સાધન ત્રાજવા અને લક્ષ્મી હતાં તેથી તેઓ તેનું પૂજન કરતાં, લુહાર લોકોનું સાધન એરણ હતું તેથી તેઓ તેનું પૂજન કરતાં, ક્ષત્રિય લોકોનું આયુધ શસ્ત્ર છે તેથી તેઓ તેની પૂજા કરતાં આમ સમાજમાં બદલાતા યુગ સાથે આયુધો બદલાતા રહ્યાં છે. આજનાં યાંત્રિક યુગમાં લોકોનું આયુધ પોતાના ગૃહમાં રહેતા વાહનો છે તેથી તેનું પૂજન થાય છે આને આજ કારણસર વિજયાદશમીને દિવસે નવા વાહનોની ખરીદી પણ કરવામાં આવે છે.
વિજયા દશમી વિષે ઉપનિષદમાં કહ્યું છે કે જેમ દેશ, રાજ્ય, નગર વગેરે પર બાહ્ય શત્રુઓના વિનાશ માટે શારીરિક અને માનસિક શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ મનુષ્ય મનની અંદર પણ કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, રૂપી ઘણા આંતર શત્રુઑ રહેલા છે. વિજયા દશમીનાં દિવસે તે આંતર શત્રુઓની મનુષ્ય મન પર હાવી થવાની ચાલને સમજી લઈને તેને અટકાવવા જોઈએ અને પોતાના મન પર સદગુણો રૂપી સેના દ્વારા વિજય મેળવવો જોઈએ.
ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સમાજમાં વ્યક્તિઑ રૂપે રહેલ દીન, હીન, લાચાર, લાલચી એવી આપની ભોગ વૃતિને નાથવા માટે મનની સદગુણોરૂપી શક્તિથી કટિબધ્ધ થવાનો દિવસ, એક જૂથ થઈ યોગ્ય સમાજ બનાવવાનો તેમજ તે સમાજને પોતાના કાર્ય રૂપી સુગંધથી મહેંકાવવાનો દિવસ, પરાક્રમને પૂજવાનો દિવસ, મન રૂપી શૌર્યનો શૃંગાર કરવાનો દિવસ અને ભક્તિ શક્તિનું મિલન કરાવતો દિવસ તે વિજયા દશમીનો દિવસ છે.
સૌજન્ય : સાભાર : પૂર્વી મોદી મલકાણ - યુ એસ એ
[‘દાદીમા ની પોટલી’ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

નવરાત્રી એક ઉપાસના, આરાધનાનો તહેવાર - વેબદુનિયા


નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રધ્ધાનુ જ એક રૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યા પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે છે. 

માતાની આરાધના કરવાની બીજી રીત છે ઉપવાસ કરવા, નવ દિવસ સુધી માતાની ભક્તિ કરવી. ઘણા લોકો નવરાત્રીમાં નવ દિવસ નકોરડાં ઉપવાસ કરે છે. ઘૂપ-દીપ કરીને માતાજીની ભક્તિ-અર્ચના કરે છે. કેટલાક તો પાછા પગપાળા માતાજીના સ્થાનકો પર જઈને પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે. જેવી જેની શક્તિ અને શ્રધ્ધા એવી તેની ભક્તિ. 
નવરાત્રિ એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા માતાનું મહત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. 

આમ નવરાત્રિ મુખ્યત્વે માઁ ની છે. નવરાત્રી દરમિયાન મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો પણ ઉલ્લેખ થાય છે. કારણ કે આસો સુદ નવમીના દિવસે શ્રીરામે આદ્યશક્તિની આરાધના કરીને વિજયાદશમીના દિવસે રાવણ સાથે યુધ્ધ કરવા સમુદ્ર તટ પરથી પ્રયાણ કર્યુ હતુ. 

ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 ચેત્ર નવરાત્રી માતાના અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. આસો સુધ 1 થી આસો સુદ 9 શરદ નવરાત્રી, માતાના ભક્તિપૂર્ણ ગીતો ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે. 

ૐ શક્તિ ૐ શક્તિ ૐ શક્તિ ૐ 
બ્રહ્મ શક્તિ, વિષ્ણુશક્તિ શિવશક્તિ ૐ 
આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ ૐ 
ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ૐ



નવરાત્રી એ એકતા અને અસત્‍ય પર સત્‍યનો વિજયનો પ્રતિક રૂપ તહેવાર છે. નવરાત્રી ઉત્‍સવ માનવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે. માનવીય સ્‍વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે. જે તમોગુણ (જે ડર, લાગણી અને તણાવ દર્શાવે છે.) બીજો રજો ગુણ(જે દયા દર્શાવે છે.) ત્રીજો ગુણ સત્‍વગુણ (જે સત્‍ય, સ્‍વચ્‍છતા, શાંતિ સ્‍વભાવ દર્શાવે છે.) આ ત્રણેય ગુણો પર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસ માં શક્તિની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુંઓ માતાને રાજી કરવા માટે અને દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે. દશમા દિવસે અસત્‍ય પર સત્‍યની જીતના પ્રતિક રૂપે વિજયા દશમી તહેવાર ઉજવવામાં આવે છે.

આ તહેવાર અબાલ-વૃદ્ધ દરેક ઉમરનો તફાવત ભૂલીને હળીમળીને ઉજવે છે. આ દિવસ દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતની પરંપરા અને સંસ્‍કૃતિને માણવા માટે આવે છે.

‘‘ગરબો’’ કે ‘‘ગરબા’’ શબ્‍દ સંસ્‍કૃત શબ્‍દ ‘ગરબદીપ’ પરથી આવ્‍યો જેનો અર્થ ગોળાકાર માટલું જે માનવીય શરીરમાં રહેલ આત્‍માના પ્રતિક છિદ્રોવાળું રૂપ છે.
તહેવાર જીવનમાં આવતા સંઘર્ષનો હિમ્‍મતથી સામનો કરવાનો સંદેશ આપે છે. દુર્ગાની સત્‍યના અસત્‍ય પરના વિજય અપાવે છે. સરસ્‍વતી જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરે છે. અને ‘મા’ લક્ષ્‍મી સુખ અને સમૃદ્ધિ આપે છે.

પુરાણો અનુસાર કૃષ્‍ણ ભગવાન વાંસળી વગાડતા અને ગોપીઓ તેમની ચારે તરફ ગોળાકાર માર્ગમાં રાસ રમતી હતી. આ રાસ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ પ્રખ્‍યાત છે.
નવરાત્રીમાં ગરબા રમવા માટેની ઘણા પ્રકાર છે. કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન દાંડિયા દ્વારા રાસ રમવામાં આવે છે. ગરબા દોડીયું, સાદી પાંચ, સાદીસાત, પોપટીયું, ત્રિકોણીયું, લેહરી, ત્રણ તાળી, હુડો, પતંગિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે. 

દર વર્ષે ઉજવાતી નવરાત્રીના સંગીત, નૃત્‍ય, પૌશાકમાં નવીનતા જોવા મળે છે. આ નવીનતાની સાથે નવરાત્રીની પરંપરા અને સંસ્‍કૃતિ પણ અકબંધ રહે છે. 

ગુજરાત ‘નવરાત્રી જ્યાં જીવન તહેવારોના રૂપે જીવાય છે.’ ઉજવે છે. આ નવદિવસ દરમિયાન નૃત્‍ય અને સંગીતની ધૂમ ચાલે છે. નવરાત્રી ગુજરાતના ધાર્મિક મૂલ્‍ય, સમૃદ્ધ ઇતિહાસ, સંસ્‍કૃતિ, પરંપરાની ઝાંખી કરાવે છે. નવરાત્રી દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા, સુંદર, ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઇને જાય છે.
[વેબદુનિયા.કોમ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.