વેબ સરિતા: June 2015
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Monday, 22 June 2015

તારી સફળતાનાં ગીતો ગાવાનું હવે બંધ કર! … ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


પત્થરોં મેં ભી ઝબાં હોતી હૈ, દિલ હોતે હૈં, 
આપને ઘર કે દરો-દીવાર સજાકર દેખો,
ફાસલા નજરોં કા ધોકા ભી તો હો સકતા હૈ, 
ચાંદ જબ ચમકે જરા હાથ બઢાકર દેખો.
– નિદા ફાઝલી 
સફળતા દરેક માણસનું સપનું હોય છે.  દરેક માણસ મોટા ભાગની પ્રવૃત્તિ બે હેતુ માટે કરતો હોય છે.  એક તો સુખી થવા માટે અને બીજું સફળ થવા માટે.  સફળ થવું એટલે શું ?  સફળતાની સામાન્ય વ્યાખ્યા એવી કહી શકાય કે આપણી ઇચ્છા હોય એ મુકામ હાંસલ કરવાનું નામ સફળતા. સામાન્ય સફળતા પણ સંઘર્ષ વગર નથી મળતી. દરેક માણસના નસીબમાં પોતાના પૂરતો સંઘર્ષ લખેલો જ હોય છે.  કોઈ પણ માણસને પૂછી જોજો કે તમારી લાઇફનો સંઘર્ષ કેવો હતો ?  એ માણસ તરત જ પોતાની વાત માંડશે.
અમે તો બહુ તકલીફમાં મોટા થયા છીએ.  એક રૂમમાં ચાર લોકો રહેતા હતા. પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલ કે કોલેજ જવું પડતું હતું.  ચોપડા જ્ઞાાતિની વાડીમાંથી લેતા હતા.  ફી ભરવા માટે રૂપિયા ઉછીના લેવા પડતા હતા.  ટયુશનની ફી ન હતી. સાઇકલ અપાવવા પિતા પાસે કરગરતા હતા.  આ સિવાય પણ દરેકની પોતાની સંઘર્ષની કથા હશે.  લાઇફના અપ-ડાઉન્સ હશે.  કોઈએ નાની ઉંમરે પિતા ગુમાવી દીધા હોય છે અને માતાએ મહેનત કરીને મોટા કર્યા હોય છે.  કોઈને માતાની લાગણી નસીબમાં નહીં હોય.  મા-બાપ વચ્ચેના ડિસ્પ્યુટ્સ અથવા તો ડિવોર્સે ઘણાની જિંદગીમાં સમસ્યા સર્જી હશે.  કંઈક તો એવું હોય જ છે જે આપણને જિંદગીના સંઘર્ષ યાદ અપાવતું રહે છે.  આ બધી જ મુશ્કેલીઓને ઓવરકમ કરી માણસ આગળ ધપતો રહે છે. દરેકને પોતાનું વજૂદ સાર્થક કરવું હોય છે.  દરેક માણસ એ કરે પણ છે.
ફાઇન. સવાલ એ છે કે સફળ થઈ ગયા પછી શું ?  સફળતા માણવાની એક મજા છે. સફળતામાં નશો હોય છે. સફળતાનો નશો સમયની સાથે ઊતરી જવો જોઈએ.  સફળતાની રાઈ મગજમાં ભરાઈ ન જવી જોઈએ.  એક વ્યક્તિએ એના વડીલને પૂછયું કે આપણે સફળ થઈ જઈએ પછી શું કરવાનું ?  એ વડીલે કહ્યું કે પહેલાં તો એ સફળતાને એન્જોય કરવાની અને પછી એ સફળતાને ભૂલી જવી અને નવી સફળતા માટે સંઘર્ષ શરૂ કરી દેવો.  એવું જરાયે ન માનવું કે તમે માત્ર એક સફળતા માટે જન્મ્યા છો.  તમારે બીજું ઘણું કરવાનું હોય છે.
એક યુવાનની વાત છે.  તે સમયાંતરે સફળતાનાં નવાં નવાં શિખરો સર કરતો હતો.  તેના એક મિત્રએ તેને પૂછયું કે તારામાં આટલું જોમ અને જુસ્સો ક્યાંથી આવે છે ?  તેણે કહ્યું કે મારા પિતાની એક વાત મને યાદ આવે છે.  હું કોલેજમાં સ્ટડી કરતો હતો.  મારું એક સપનું હતું કે મારે કોલેજમાં ફર્સ્ટ નંબર લાવવો છે.  હું રાત-દિવસ મહેનત કરતો.  રિઝલ્ટ આવ્યું ત્યારે હું કોલેજમાં ફર્સ્ટ હતો.  મારી ખુશીનો પાર ન હતો.  ઘરે કોઈ આવે તો હું ગર્વભેર કહેતો કે મારો ફર્સ્ટ નંબર આવ્યો છે.  એક વખત ઘરે ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા. મેં ફરીથી હું ફર્સ્ટ આવ્યો છું તેની વાત કરી. પિતા મારી સામું જોઈ રહ્યા.  મને કહ્યું કે ક્યાં સુધી તારે તારી સફળતાનાં ગીતો ગાયે રાખવાં છે ?  બંધ કર હવે આવી વાતો.  તારી સફળતામાંથી બહાર નીકળ.  તું ક્યારેય એવી વાત કેમ નથી કરતો કે હવે તારે શું કરવું છે ?  નોકરી કે બિઝનેસ કરીશ ત્યારે કોઈ નહીં પૂછે કે ફાઇનલમાં તને કેટલા માર્ક્સ આવ્યા હતા.  તારો નંબર આવ્યો, સારી વાત છે. ખુશી થવા જેવી છે, પણ અમે ખુશી લઈ લીધી.   હવે નવી વાત કર !
જૂની સફળતાની વાતો એ જ લોકો કરતાં હોય છે જેની પાસે નવી સફળતા અને તેની વાતો હોતી નથી.  હા, બહુ મોટી ઉંમર થઈ ગઈ હોય, નિવૃત્તિમાં માણસ એવું કહે કે મેં આમ કર્યું હતું તો એ હજુયે વાજબી છે, પણ એક્ટિવ માણસે તો હંમેશાં જૂની સફળતાને ભૂલીને નવી સફળતા ઉપર જ નજર માંડવી જોઈએ.  અમુક સફળતા યાદગાર હોય છે, પણ આખરે એની પણ એક મર્યાદા હોય છે.
પતિ-પત્ની હતાં.  પતિ એક સારી કંપનીમાં જોબ કરતો હતો.  પતિ હંમેશાં કહેતો કે મારે મારી કંપનીમાં આ મુકામ હાંસલ કરવો છે.  આઈ વોન્ટ ટુ સી માયસેલ્ફ ઓન ટોપ.  પત્ની પણ તેની વાતો, તેની ખ્વાહિશ અને તેની મહેનત જોઈને ખુશ થતી.  એક સમય આવ્યો.  પતિએ એ મુકામ મેળવી લીધો. સ્વાભાવિક રીતે જ એ ખુશ હતો.  એક દિવસ તેણે પત્નીને કહ્યું કે મારે જે કરવું હતું એ મેં કરી લીધું.  આઈ એમ સેટિસ્ફાઇડ. પત્નીએ કહ્યું કે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. નાઉ વોટ નેક્સ્ટ ?  પતિએ સવાલ કર્યો કે વોટ નેક્સ્ટ મીન્સ ?  પત્નીએ કહ્યું કે હવે શું ?  તને તારામાં જે તાકાત છે એ નથી દેખાતી ?  તું હજુ ઘણું કરી શકે તેમ છે એવું નથી લાગતું ? અરે,તારી સફળતાને બિરદાવતી વખતે તારા સિનિયર્સે જ કહ્યું હતું કે યુ હેવ લોંગ વે ટુ ગો.  તેં કેમ તારો રસ્તો પૂરો થઈ ગયો છે એમ માની લીધું ?  યાદ રાખ, બધા થોડો સમય તારી સફળતાનાં વખાણ કરશે, પછી ભૂલી જશે.  લોકો ભૂલી જાય તેની સાથે આપણે પણ આપણી સફળતાને ભૂલી જવી જોઈએ !  તું હવે પછી શું કરવાનો છે એના ઉપર જ લોકોનું ફોકસ હશે. હા, તારી સક્સેસ માણી લે અને ફરીથી મેદાનમાં આવી જા.  કોઈ લડાઈ અંતિમ હોતી નથી અને તું બેસી જઈશ તો થાકી જઈશ.  બેસવાનો પણ થાક લાગતો હોય છે.  નિયત સમય કરતાં વધારે બેસી રહેવાનો પણ થાક લાગતો હોય છે. બેસવાનું માત્ર થાક ઉતારવા માટે હોય છે અને ફરીથી ઊભા થવા માટે હોય છે, બેઠા રહેવા માટે નહીં !
સફળ થવું સહેલું છે.  પહેલી વખત સફળ થવા માટે એક ઝનૂન હોય છે.  કંઈક કરી બતાવવાની ધગશ હોય છે.  બીજી સફળતા વધુ આકરી હોય છે.  તેમાં તમારે જે સફળતા મેળવી તેનાથી મોટી સફળતા મેળવવાની હોય છે.  સફળતા ટકાવી રાખવી પડે છે. એ ન ટકાવી રાખીએ તો સરકી જાય છે. એક ફિલ્મ કલાકારે કહેલી આ વાત છે. તેણે કહ્યું કે મારી એક ફિલ્મ સફળ થઈ પછી મારા પર પ્રેશર વધી ગયું હતું.  તમે સફળ થાવ એટલે લોકોની અપેક્ષા તમારી પાસે વધી જતી હોય છે.  તમે બીજી વખત સફળ ન થાવ તો લોકો એવું માનવા લાગે છે કે એ સફળતા ફ્લુકલી મળી ગઈ હતી. તમારી સફળતા માત્ર તમારા નસીબને કારણે નથી, પણ તમારી મહેનતના કારણે છે એ માટે તમારે સતત સફળ થતાં રહેવું પડે છે. એક સફળતા એ સફળતાનું પ્રમાણપત્ર નથી, પણ સતત સફળતા જ તમારું સ્થાન સિદ્ધ કરે છે. તેના માટે મહત્ત્વનું એ જ હોય છે કે જૂની સફળતાને બને એટલા જલદી ભૂલી જવી.  જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સફળતાની શક્યતાઓ રહેલી હોય છે. આપણે બસ પ્રયત્નો છોડવા ન જોઈએ !
છેલ્લો સીન : 
કોઈ સફળતા પૂર્ણવિરામ લઈને નથી આવતી. દરેક સફળતા અલ્પવિરામ જ હોય છે. પૂર્ણવિરામ તો આપણે આપણા હાથે મૂકી દેતા હોઈએ છીએ. -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 14 જુન, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ તથા દાદીમાની પોટલી માંથી સાભાર)
krishnakant unadkat
કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
kkantu@gmail.com

Posted By: http://web-sarita.blogspot.com/ Monday, 22 June 2015

Sunday, 21 June 2015

ભગવાને જ્યારે પિતાની રચના કરી…. – ડૉ. આઈ. કે. વીજળીવાળા


ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ‘ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે જ નાના બાળકને બચી ભરી શકશે. જો આવું જ થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું ?’
ભગવાન હસી પડ્યા અને બોલ્યા : ‘હા ! એ બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત ? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.’ આ ‘ઊંચાઈ’ શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.
એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા ! આંગળીઓ પણ જાડી અને બરછટ ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, ‘ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે ? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહીં જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું ?’
આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, ‘તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે ! એ બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે ! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એ જ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે એ હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે !’ નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, ‘ભગવાન ! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે ? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય ? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે ?’
ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા : ‘અરે ભાઈ ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત છે. આ મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.’ ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, ‘સાચું કહું પ્રભુ ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચ-રચીલાને કચરી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે ! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો !’
મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, ‘અરે નાદાન ફરિશ્તા ! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો ? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક ‘પાગલો પા…. મામાને ઘેર રમવા જા !’ તેમજ ‘ઢીચકા ઢમણ…’ જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકી એ ચાલશે. એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે. અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.’ દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.
રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો આ ચહેરો ન જ આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!’ આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો ! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે !!’
દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો. એ ચૂપ થઈ ભગવાનને વંદન કરતો ઊભો રહી ગયો.
[રીડ ગુજરાતી પ્રકાશિત અને ‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર.]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 21 June 2015

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.