વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Friday, 11 July 2014

દ્રષ્ટિમાં ફેર, વિચારમાં મતભેદ - જીગર બ્રહમભટ્ટ

 
દરેક વ્યક્તિ ની વસ્તુઓ જોવાની અલગ અલગ દ્રષ્ટિ હોય છે અને વિચારો માં પણ ઘણા અલગ. લોકો ને બસ આજકાલ બીજા નું કોઈક વર્તન જોવે અને એના મુજબ યોગ્ય ના હોય તો ના ગમે. પણ ભૈલા દરેક જણ તારી જેમ થોડું વિચારતું હોય ?

એક થોડો યુવાન જેવો ભિખારી આવ્યો અમારી પાસે, મારો મિત્ર થોડો “રહેમ દિલ”, એના મનમાં એમ કે ઈશ્વર એ આપણા ને કૈક સારું જીવન આપ્યું છે કે થોડુંક એને આપતા આપણું શું જવાનું ? એટલે એને પેલા ને ૫ રૂપિયા આપ્યા…પછી પેલો ભિખારી અમારી સામે બેઠેલા બીજા ૨ જણ પાસે ગયો….એ હતા થોડા કડક સ્વભાવ વાળા. પેલા ને કેહ “આમ શું ભીખ માંગ્યા કરે છે, કઈ કામ કરીને પોતાના પૈસા કમાવાનું નથી સુજતું…. કામ કર આ ઉંમર માં અને પૈસા કમાય જા..”. હવે વાત ખરેખર મુદ્દા ની હતી, ઘણા યુવાનો મજુરી કરતા હોય છે નાના-મોટા કામો માં…..અને પોતે કમાયેલો પૈસો આ ભીખથી કેટલો સારો ? એમની ભાવના પણ છેવટે તો પેલા રહેમ દિલ જેવી જ જતી કે “ભિખારી નું સારું થાય” બસ એની દ્રષ્ટિ અલગ.
એક મિત્રના ત્યાં એના પિતાજીના બેસણામાં ગયો તો, એક ખાસ મિત્ર આવ્યો ને પેલો મિત્ર પિતાજીનું નામ લેતા લેતા રડીને ભેટી પડ્યો. એકદમ નિકટ નો મિત્ર હોવાથી પોતે પણ રડી પડ્યો અને બંનેના રડવાથી અમુક ક્ષણો જાણે મૌન થઇ ગઈ વાતાવરણ માં. હું જોતોજ હતો એમને એવા માં મારી બાજુવાળા બોલ્યા “આ કેવો મિત્ર, પેલા ને શાંત રાખવાનો હોય કે આમ ભરસભામાં પોક મુકવામાં મદદ કરવાની હોય?”. હું મનોમન બોલ્યો કે આ ભાઈ ને સાચા મિત્ર ને લાગણીનો એહસાસ નથી. પરંતુ થોડીક જ ક્ષણો માં એક બીજો મજબુત હૃદય વાળો મિત્ર આવ્યો ને પેલા ને રડતો જોઈ શાન્તાવના આપતા ઘણું સમજાયું એક મોટા ભાઈની જેમ અને પેલો શાંત પણ પડ્યો. બાજુ વાળા ફરી બોલી ઉઠ્યા “આ કેહવાય સાચો મિત્ર”. મને ફરી એજ વિચાર કે બંને મિત્રો મારી દ્રષ્ટિ એ ઘણા નિકટ હતા, પણ લાગણીના મોજા દરેક કિનારે ઉછળે નહિ અને ઉછળે તો પાછા ખેંચે એવી શક્તિ પણ જોડે હોવી જોઈએ. એમ જ બંને મિત્રો એ એની સાચી મિત્રતા જ નિભાવી પણ લોકોના ખોટા વિચારો લોકો ને સારા ખરાબ બનાવી દે છે આજકાલ.

ઘણા બધા અમેરિકા અને ભારત ના લોકો ની વિચારસરણી ના ફેર જોયા છે અને અમુક ગમે પણ છે અમેરિકનો જેવું વિચારે છે તેમ. એમનો એક મુદ્દો હોટેલ માં ખાવા જવાનો કે મિત્રો સાથે પાર્ટી કરવાનો છે. હું પોતે મારા કોલેજ અને સ્કુલ કાળમાંથી હમણાં જ પસાર થઇ ચુક્યો છું અને લોકોની દ્રષ્ટિ અને વિચારો નો શિકાર પણ બન્યો છું. અમેરિકા માં સૌથી પહેલી વાત હોટેલ માં ડીનર કરવા ગયા તો જમ્યા પછી અલગ અલગ બિલ આપ્યું દરેક નું. “હા” અમેરિકામાં તમે ખાસ મિત્રો હોવ કે ના હોવ. ભેગા જમવા ગયા હોવ કે પછી પાર્ટી કરી હોય તો દરેક જણ ખાધા પછી પોત-પોતાનું બિલ ચુકવે. (અગર હવે કોઈ એ પહેલે થી કીધું હોય કે હું આપીશ તો અલગ વસ્તુ છે). કોઈ જાતની કોઈ બબાલ નહિ અને શાંતિ થી દરેક ના મન ચોખ્ખા લઈને ઘરે જાય જયારે આપણા ત્યાં તદન ઉલટું પણ એટલું ચોખ્ખું નહિ. આપણા ત્યાં બધા પાર્ટી કરવા ગયા હોય તો ખાધા પછી સવાલ મન માં એ હોય કે કોણ રૂપિયા કાઢશે ? કોઈ એક પાસે પાછા વધારે હોવા જોઈએ એના માટે. પછી કોઈક કહે કે હું કાઢું છું તો અમુક લોકો ને રાહત થાય કે ચાલુ રૂપિયા શાંતિ થી આપવાના રેહશે. પેલો ભલો માણસ બધા ના રૂપિયા કાઢે અને લોકો ના આપવાની દાનત ના હોય. પાછુ પૈસા માંગવાના આવે તો શરમ આવે અને કેહ કે કેવું લાગે એવા રૂપિયા માંગવાનું ? (અલા ભૈલા…પોતે કમાય અને પછી જો કે ક્યાંથી રૂપિયા આવે છે) મિત્રતા માં આવું બધું ઘણું વધી ગયું છે આપણા ત્યાં. જેનો અમુક લોકો ઘણો ફાયદો ઉઠાવી જાણે છે અને અમુક લોકો વધારે ભોળા બનવા જાય છે. ઘણી વાર તો એવું થાય પાછુ કે કોઈક મારા જેવો ઉંધો માણસ એવું કેહ કે બધા પોત-પોતાના આપી દઈએ તો પછી લોકો એની સામે એવી રીતે જોવે કે જાણે ખુન કરી નાખ્યું. પાછા ડાઈલોગ મારીને કોઈક એક જ રૂપિયા આપે. હવે આ બધા માં કેટલા ની દ્રષ્ટિ કેવી ખરાબ કામ કરે, લોકો એક-બીજા માટે કેવું કેવું વિચારીલે અને એ વ્યક્તિ ના હોય ત્યારે ચર્ચા પણ થાય. એ બધુજ ઘણું રોજિંદુ થઇ ગયું છે સ્કુલ અને કોલેજીયનો માટે. જે એક ઘણી અયોગ્ય વિચારો અને દ્રષ્ટિ ની હારમાળા બનાવે છે. અમેરિકાનો ની “સીધી સોચ” માટે મને આ બાબતે માન છે.
એક અંતિમ મુદ્દો. “જેવા સાથે તેવા” થવાની લોકો ની નીતિ. અમુક તુચ્છ બાબતોમાં લોકો ને જેવા સાથે તેવા થવા પોતાના સિદ્ધાંતો અને વિચારો સાથે છેડા કરતા જોયા છે. એક દિવસ મારો એક મિત્ર એના રૂમમેટ જોડે ઘરનો હિસાબ કરી રહ્યો હતો, મારો મિત્ર કોઈ જાતના ખોટા વિચાર વગર થયેલા ખર્ચા નું લીસ્ટ ગણાવતો. એના રૂમમેટને હિસાબ ગણાવતા વચ્ચે કોઈક ૨ ડોલર ની વસ્તુ આવી ગઈ તો બોલી ઉઠ્યો કે “તું આવા ૨ ડોલર ના હિસાબ રાખે છે, મને ખબર ન હતી…મેં પણ તારા પેલા દિવસ ના નતા ગણ્યા, અમે તો તારા જેવું નથી કરતા પણ હવે કરીશ….તું કરે તો હું કેમ નહિ, મારા ફલાણા ડોલર કાપી લેજે ફલાણા દિવસ ના”…  ભૈલા તું નતો ગણતો તો તારા માં રહેલો એક સારો ગુણ હતો કે તે સંબંધ નું માન રાખ્યું, બીજા એ કઈ ખોટું કર્યું પણ નથી પણ બસ એક નાની મતભેદ માં પોતાનું સારાપણું ગુમાવીને દ્રષ્ટિ ખરાબ બનાવી દીધી બીજા માટે. કેટલી નાની દ્રષ્ટિ માં જીવન નીકાળે છે લોકો. દુનિયાના ઘણા સારા દાનવીરો જો “જેવા સાથે તેવા” થશે તો ક્યાં જઈને અટકશે બધું ?

આવું છે મિત્રો. દરેક જણ ને સરખી દુનિયા જોવા મળે છે અને સરખા જ માણસો પણ તોય અમુક માટે દુનિયા ઘણી સારી, અમુક માટે ઘણી ખરાબ અને અમુક ને સંતુલન દેખાય છે.
[ekvichar.wordpress.com માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 11 July 2014

ગુરૂપૂર્ણિમા



ગુરુ નો ખરો અર્થ તો ગુરુ જેવો રહ્યો નથી આજકાલ પણ છતાંય, જેમની પાસે થી હું કૈક પણ શીખ્યો – એવા મારા શાળા ના અમુક શિક્ષક, કોલેજ ના અમુક શિક્ષક, અમુક મિત્રો, અને બીજા ઘણા બધા લોકો જેમની પાસે થી અલગ રીત ની પ્રેરણા મળી,
એ બધા ને ગુરૂપૂર્ણિમા ના દિવસે નમન કરું છું !!!
મારા ગુરુ બહુ બધા છે કારણ કે મને લોકો પાસે થી કૈક શીખી લેવાની ટેવ છે….. 

છેવટે તો, માતા-પિતા અને અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે !!! 
- જીગર બ્રહમભટ્ટ (ગુરૂપૂર્ણિમા નિમિતે)


ઓમ સહ નાવવતુ , સહ નૌ ભુનક્તુ ,
સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિ નાવધીતમસ્તુ ,સમા વિદ્વિષાવહૈ .

આદિકાળથી ભારતીય સંસ્કૃતિ અનુસાર મહાપર્વ તરીકે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવવામાં આવે છે. જ્ઞાનનું દાન આપનાર આપણા ગુરૂ પ્રત્યેનું ઋણ અદા કરવાનું આ પર્વ છે. 

બાળપણથી બાળકમાં ગુણોનું સિંચન કરવું, જીવન ની સાચી દિશા બતાવીને માર્ગદર્શન આપવું,વ્યવહારો શિખવવા અને તેનું ઘડતર એક આદર્શ નાગરિક તરીકે કરવામાં ગુરૂ વિશેષ ભૂમિકા ભજવે છે. આ ગુરૂ પ્રત્યે શિષ્યના સર્વસ્વાર્પણનો દિવસ એટલે અષાઢ મહિનાની પૂર્ણિમા-ગુરૂ પૂર્ણિમા.

પ્રાચિન કાળમાં ઋષિકૂળ પધ્ધતિથી જ્યારે વિદ્યાર્થી શિક્ષણ લેતો હતો ત્યારે આ દિવસે જ તે પોતાના ગુરૂનું શ્રધ્ધા પૂર્વક પૂજન કરીને યથાશક્તિ-સાર્મથ્ય પ્રમાણે દક્ષિણા અર્પણ કરીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતો હતો.અત્યારે પણ સમ્રગ ભારતભરમાં આ પરંપરા યથાવત રહી છે.

હિન્દુ ધર્મ પ્રમાણે દરેક વ્યક્તએ પોતાના એક સદગુરૂ કરવા જોઇએ અને તેમના માર્ગદર્શન અનુસાર જીવન પસાર કરવું જોઇએ. પ્રાચિનકાળના આદિગુરૂ ઋષિશ્રેષ્ઠ શ્રી વેદ વ્યાસજીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે. વેદ વ્યાસજીએ મહાભારત દ્રારા વેદો અને શાસ્ત્રોનો સાર તથા ધર્મશાસ્ત્ર, નીતીશાસ્ત્ર,જ્ઞાન-વિજ્ઞાન અને જીવનનો અર્થ આપણને શિખવ્યો છે. વેદ વ્યાસજીની સ્મૃતિને આપણા હ્દયમાં કાયમ રાખવા માટે આપણા ગુરૂમા વ્યાસજીનો અંશમાનીને તેમનું પૂજન કરવામા આવે છે. 

ગુજરાતમાં અનેક સ્થળોએ ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ મનાવવામા આવે છે. આ ઉપરાંત આવનારી પેઢી પણ ગુરૂપ્રત્યેનું ઋણ અદા કરવાની પરંપરાને જીવંત રાખે અને તેમનામાં પણ ગુરૂ પ્રત્યેની નિષ્ઠા વધે તે માટે શાળાઓ અને કોલેજોમા પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. 

આધ્યાત્મિક દ્રષ્ટ્રિકોણથી પણ ગુરૂ આપણા માટે ખૂબ જરૂરી છે કેમકે સાધનાના માર્ગ પર માત્ર ગુરૂ જ આપણને અંતિમ ધ્યેયની પ્રાપ્તી કરાવી શકે છે. એટલા માટે જ આપણા શાસ્ત્રો અને પુરાણો પણ ગુરૂ મહિમાનું ગાન કરે છે. શિષ્ય અને ગુરૂની પરંપરાની અનેક વાતો આપણા ધર્મમા જણાવાયેલી છે. શ્રી રામ, આરૂણી, એકલવ્ય, ઉપમન્યુ, પાંડવો, છત્રપતી શિવાજી, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાન વ્યક્તિઓએ સ્વયંને શ્રેષ્ઠ શિષ્ય તરીકે સાબિત કર્યા છે.

ગુરૂદક્ષિણા સમર્પિત કરવાની પરંપરા ખૂબ પ્રાચિન છે, તેમ છતાં વર્તમાન સમયમા તે એટલી જ પ્રાસંગિક પણ છે. ગુરૂ દક્ષિણાનો અર્થ ખૂબ વ્યાપક છે. વ્યક્તિએ જીવનમાં જે પાઠ ગુરૂ પાસેથી ગ્રહણ કર્યા હોય તેનુ સ્વયં આચરણ કરીને બીજી વ્યક્તિઓને પણ તે પાઠ શિખવવા એ જ એક આદર્શ છે. જ્ઞાનનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરીને જનકલ્યાણ કરવું જોઇએ. ગુરૂ દક્ષિણાનો અર્થ શિષ્યની પરીક્ષા સંદર્ભે પણ લઇ શકાય છે. ગુરૂની સાચી દક્ષિણા તો એ જ છે જ્યારે ગુરૂ સ્વયં જ ઇચ્છે કે હવે શિષ્ય પણ ગુરૂ બને. ગુરૂ દક્ષિણા ત્યારે આપવામાં આવે છે અથવા તો ગુરૂ ત્યારે ગ્રહણ કરે છે,જ્યારે શિષ્યમાં સંપૂર્ણતા આવી જાય. 

સ્વામી વિવેકાનંદે પોતાના ગુરૂની આજ્ઞા અનુસાર સમ્રગ વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો.છત્રપતિ શિવાજીએ ગુરૂની આજ્ઞા અનુસાર સિંહણનું દૂધ લાવીને અને મહારાષ્ટ્ર જીતીને ગુરૂ દક્ષિણા આપી હતી. ભગવાન બુધ્ધના ઉપદેશોની અસરોથી જ અંગુલીમાન જેવો ક્રુર ડાકુ પણ ભિક્ષુક બની જાય છે.

જેવી રીતે ચાણ્યક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને, સર્મથ ગુરૂ રામદાસે છત્રપતિ શિવાજીને અને રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને શોધી લીધા તેવી રીતે સદગુરૂ પણ તેના સર્મથ શિષ્યને શોધી લે છે. શિષ્યએ તો માત્ર ગુરૂ ચરણોમાં સમર્પિત થવાની જરૂર છે. 

[વેબદુનિયા.કોમ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Thursday, 3 July 2014

રોબૉટ જેવા માણસો – હાર્દિક રાવલ


ચાલો, ઉત્સવ મનાવીએ, આપણાં માણસ હોવાનો, પણ થોભો,
થોડુંક આ પહેલા વિચારીએ, આપણે માણસ તો છીએ ને?
આપણે એક યાદી બનાવીએ, કે જેમાં
- ભૂલી ન શકાય તેવા પરમ મિત્રો, અને ઉષ્માભર્યા સંબંધો હોય,
- પરમ સત્ય બોલ્યા હોય તેવા પ્રસંગો હોય,
- સ્વાર્થ વિનાં મદદ કરી હોય તેવા લોકો હોય,
- ખોટું બોલ્યા પછી ખુલાસો કર્યો હોય તેવા દ્રષ્ટાંતો હોય, અને
- મૂંગા પશુઓ સાથેનો આપણો પ્રેમભર્યો વ્યવહાર સમાવી લેવાયો હોય.
પછી જોઈએ કે આપણી આ યાદી કેટલીક લાંબી થાય છે. માનવ હોવાની આ પારાશીશી વડે આપણી જાતને ચકાસીએ. જેટલી આ યાદી વધુ લાંબી, તેટલી આપણી માણસ હોવાની સંભાવના વધુ.
અહીં મારે માણસ જેવા રોબૉટની અને પછી રોબૉટ જેવા બનતા જતા લાગણીશૂન્ય માણસની વાત કરવી છે. ડાર્વિને ઉત્ક્રાંતિવાદ આપ્યો અને જીવન તથા જગત વિશે વણ ઉકેલ્યા પ્રશ્નો ઉપર પ્રકાશ પડયો. કરોડો વર્ષોના વિકાસ પછી ચોપગા વાનરમાંથી બેપગા માનવનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. લાગણી, બુદ્ધિ, તર્ક અને કલ્પના શકિતમાં અસીમ ઉપલબ્ધી સેવીને આજે મનુષ્ય આ સૃષ્ટિમાં ટોચનું સ્થાન ધરાવે છે. નવી નવી ક્રાંતિ સર્જી માનવીએ આ જગતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે.
મનુષ્ય બુદ્ધિશાળી હોવાની સાથે સાથે લાગણીશીલ અને ભાવનાત્મક પ્રકૃતિ ધરાવે છે. માટે જ માણસે કુટુંબ અને સમાજમાં રહેવાનું પસંદ કર્યુ. એકમેકને હુંફ અને કાળજીથી ઉછેરતો ગયો, માટે જ લગ્નસંસ્થા આજ સુધી જીવંત છે. માણસે હંમેશા સરળતાવાદી વલણ દાખવ્યું છે. વધુ નુકશાનથી ઓછા નુકશાન તરફ, દુર્ગમતાથી સુગમતા તરફ અને ઓછી સગવડથી વધુ સગવડ તરફ તે ગતિ કરતો રહયો છે અને હંમેશા સમય અને શક્તિ બચાવી વધુ કાર્યક્ષમ પરિણામો મેળવી શકાય તેવા સાધનોનો વિકાસ કરતો રહ્યો.
સાઈકલ પછી મોટરસાઈકલ અને પછી કારની શોધ એ સમય અને શકિતનો બચાવ છે. ટપાલ પછી તાર અને પછી એસ.એમ.એસ. એ શું છે? મનુષ્ય જેવો લાગતો અને તેનાં કરતા અત્યંત શકિતશાળી રોબોટ બનાવવાનું લક્ષ બીજુ શું હોઈ શકે? આટલા બધા યંત્રો, સાધનો અને સગવડતા પછી પણ ર૧મી સદીનાં ખૂબ ઓછા લોકો છાતી ઠોકીને કહી શકે કે મારી પાસે સમય પણ છે અને શકિત પણ. એ કેવી વિડંબના?
આપણે આટલા વર્ષો જેને બચાવવાની કોશિશ કરી એ બચી જવા પામ્યુ ખરૂં. છતાં આપણે સુખી હોવાનાં બગણાં ફૂંકતા થાકતા નથી. શું આપણે સુખી છીએ ખરા? યંત્ર ઉપર નિર્ભર થતો ગયો તેમ તેમ માણસ પોતાનું માણસપણું ગુમાવી રહ્યો છે તેમ નથી લાગતુ? યંત્રની વિકૃતિમાં જડાયા પછી લાગણી બચી જવા પામે ખરી? આજે માણસ પાસે નિરાંતે શ્વાસ લેવાનો સમય નથી, ઊંડા અને ઉષ્માભર્યા સંબંધો નથી અને મળવા જેવા માણસોનો તો જાણે દુષ્કાળ પડયો હોય તેવુ લાગે છે. છતાં આપણે માણસ હોવાનો ઢંઢેરો પીટતા ફરીએ એ માણસનાં નામે કલંક જેવુ નથી લાગતું?
હળ ચલાવવાની તાકાત ગુટખા ખાતા યુવાનમાં રહી નથી. માયકાંગલા શરીર અને સંવેદના વિહોણા હૃદય લઈ માણસ હોવાની મશાલ કયાં સુધી સળગતી રહેશે ? જીવંત વાતાવરણમાં રહેતા હોઈએ તો આપણામાં જીવંતતા પાંગરે. કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીનની સામે બેસી રહીએ તો લાગણીનું સંવર્ધન અટકી પડે.
ઘણાખરા લોકોને છેલ્લે સૂર્યોદય કયારે જોયો એ યાદ પણ નહીં હોય, ચકલીનું ગીત આપણે પથારીમાં હોઈએ છીએ ત્યારે પૂરું થઈ જતું હોય છે. વેલેન્ટાઈનના દિવસે ફૂલવાળી ગુલાબનાં ઢગલા કરીને બેઠી હોય ત્યારે થોડીક સુગંધ પામી શકાય. બાકીનાં ત્રણસોને ચોસઠ દિવસોમાં તો કોને ખબર કે ફૂલ એટલે શું? ત્યારે પ્રશ્ન થાય કે માણસ જેવા રોબૉટ તો આપણે બનાવ્યા, હવે ધીરેધીરે રોબૉટ જેવા માણસો તો તૈયાર નથી થતાં ને? નાનપણથી જ બાળકને રોબૉટ બનવાની તાલીમ મળવા લાગે છે. આપણી પાસે બાળકને રમાડવાનો અને તેની જીજ્ઞાસા સંતોષવાનો સમય તો છે નહીં, માટે તેને એક બે પ્લાસ્ટીકના રમકડા પકડાવીને છોડી દઈએ છીએ, યંત્રમાનવનાં સામ્રાજયમાં આગળ ધપવા માટે.
માટીનાં બળદગાડાઓ ગાયબ થઈ ગયા. પાણીમાં પેલી હોડીઓ ક્યારનીય તણાઈ ગઈ. પાંચીકા રમતા હવે કેટલી છોકરીઓને આવડે? માટીમાં કૂબા પાડવાનું બાળકો ભૂલી ગયા. હવે બાળકો ટચસ્ક્રીન મોબાઈલમાં કાર્ટૂન જોવાનું પસંદ કરે છે અને એ રીતે પોતાની જાતને દિશાશૂન્ય, લાગણીશૂન્ય અને વિચારશૂન્ય બનાવી લે છે.
બાળકમાં નામશેષ થઈ રહેલા માણસનું સંવર્ધન કરવાનું અને તેમાં ધૂસપેઠ કરતા રોબૉટનું નિકંદન કાઢવું જરૂરી છે. નહીંતર…
[હાર્દિકભાઈ રાવલ મુ. પો. ખોપાળા, તા ગઢડા, જી. ભાવનગરના છે અને સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે આસિસ્ટન્ટ ઑડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ છે. સાહિત્ય અને વિજ્ઞાન તેમના રસના વિષયો છે. તેમનું 'શબ્દની સુવાસ' નામે પુસ્તક પ્રસિદ્ધ થયુઁ છે અને ભાવનગરના પગદંડી સમાચારમાં તેઓ 'માણસ માણસ રમીએ' કૉલમ લખે છે. પ્રસ્તુત ચિઁતન રીડગુજરાતીને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.  આપ તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે hardikraval2012@gmail.com પર કરી શકો છો. રીડગુજરાતી માંથી સાભાર.]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 3 July 2014

Thursday, 26 June 2014

શિક્ષણ આત્મશુદ્ધિનો માર્ગ છે, ભૌતિક લાભ માટે તુલના ન કરો ...

મહાન ગણિતશાસ્ત્રી યુક્લિડના જીવનનો એક પ્રસંગ છે. યુક્લિડ જાણીતા ગણિતશાસ્ત્રી હતા. બીજાને પણ પોતાનું આ જ્ઞાન સહર્ષ વહેંચવા માટે તેઓ તૈયાર રહેતા હતા. યુક્લિડની પાસે જે ગણિત શીખવા આવતું, તેને તેઓ અત્યંત ધગશથી ભણાવતા અને તેની ગણિત સંબંધી તમામ જિજ્ઞાસાઓ સંતોષતા હતા. યુક્લિડના ગણિતના જ્ઞાન અને સહૃદયતાથી પ્રભાવિત થઈને દૂર દૂરથી વિદ્યાર્થીઓ તેમની પાસે ગણિત શીખવા માટે આવતા અને યુક્લિડ પણ તેમને નિરાશ નહોતા કરતા.

એક દિવસ યુક્લિડ પાસે એક યુવક આવ્યો અને તેણે તેમને જયોમેટ્રિ શીખવવાનું કહ્યું. યુક્લિડે તે સ્વીકારી લીધું. યુવક કુશાગ્ર બુદ્ધિ ધરાવતો હતો. તેણે યુક્લિડના જ્ઞાનને તીવ્રતાથી પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું. એક વખત યુક્લિડ તેને એક પ્રમેય શીખવી રહ્યા હતા. યુવકે કહ્યું કે આ પ્રમેય શીખવાથી મને શું લાભ થશે? આ સાંભળીને યુક્લિડ નારાજ થઈ ગયા અને પોતાના નોકરને કહ્યું કે મને એક ઓબેલ(યુનાની ચલણ) આપ, કારણ કે આ જ્ઞાનમાં ઓછો અને ધન કમાવામાં વધારે રસ રાખે છે તેથી તેના માટે શિક્ષણ ગ્રહણ કરવું બેકાર છે.

આ સાંભળીને શિષ્યને પોતાની ભૂલ સમજાઈ અને તેણે યુક્લિડની માફી માગી. સાર એટલો જ છેકે શિક્ષણ આત્મસમૃદ્ધિનો માર્ગ છે. તેની તુલના ક્યારેય ભૌતિક લાભ માટે ન કરવી જોઈએ અને જ્યાંથી જે માત્રામાં શિક્ષણ મળે તેને આત્મીયતાથી ગ્રહણ કરી લેવું જોઈએ.

[જીવનદર્શન http://www.divyabhaskar.co.in/article/ABH-jivan-darshan માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 26 June 2014

Tuesday, 24 June 2014

સ્ટ્રેસ મેનેજમેન્ટ – હરેશ ધોળકિયા

વૈદકીય જગતમાં જેનું મહત્વ વધી રહ્યું છે, મેનેજમેન્ટના ક્ષેત્રમાં જેના વિશે ગંભીરતાથી વિચારવાની ફરજ પડે છે – તે આ બે શબ્દો છે. દરેક નવો દિવસ જીવનમાં-સમાજમાં તાણ વધારવાનું નિમિત બને છે. મોંઘવારી, પ્રદૂષણ, ત્રાસવાદ, કુદરતની અનિયમિતતા, રાજકીય અસ્થિરતા, શસ્ત્રીકરણ…. જેવા મુદ્દાઓ વિશ્વના બધા સમાજોને ઊંચા જીવે રાખે છે. તો લોભ, અપેક્ષાઓ, અતિ કામ (બંને અર્થમાં !), પૈસા પાછળ ગાંડપણ, ભૌતિક વસ્તુઓનું વળગણ… વગેરેને કારણે વ્યક્તિગત અને કૌટુંબિક જીવન ભંગાણના આરે આવી ગયું છે. બંને ક્ષેત્રે દિન-પ્રતિદિન તાણનો પારો ઊંચો જ ચડતો જાય છે. જીવનમાં સ્થૂળ અને સૂક્ષ્મ-બંને અશાંતિ વધતી જાય છે અને આ કંઈ મોટાં શહેરોમાં જ થાય છે એવું નથી, નાનાં ગામડાઓમાં પણ તેનો પગપેસારો થઈ ચૂક્યો છે. ટી.વી., છાપાં વગેરેએ માનવ મનને વિકૃત અને પ્રદુષિત કરવામાં અગત્યનો ફાળો આપવાનો શરૂ કર્યો છે. ફૂટપાથ પર સૂતેલ નિર્ધન ભિખારી પણ અગણિત અપેક્ષાઓથી પીડાય છે – ‘યે દિલ માંગે મોર..’ દ્વારા ! તે અભાવથી તાણ અનુભવે છે. તો ધનવાનો અતિરેકથી તાણ અનુભવે છે.

આ તાણની વ્યક્તિ-સમાજ-રાષ્ટ્ર-વિશ્વ…. બધા પર વિઘાતક અસરો પડી છે. બધા અસ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા છે. ચારે બાજુ સૂક્ષ્મ અસલામતીનો ભાવ અનુભવાય છે. ચારે તરફ વિશ્વાસની કટોકટી ઊભી થવા લાગી છે. આ અકથ્ય ભયોને ટાળવા લોકો વધુ ને વધુ ભૌતિકવાદને શરણે જઈ રહ્યા છે. ભૌતિક વસ્તુઓથી પોતાને લાદી પોતે સલામત છે તેવો વહેમ જાળવવા મથામણ કરે છે. તો ઈન્દ્રિયોના અતિ ભોગો ભોગવી (?) અંતે એઈડ્ઝ, મેદ, કેન્સર વગેરેનો શિકાર બને છે. તાણ-અતિ ભૌતિકતા-ભોગવાદ….. પરિણામ છે… છિન્નભિન્ન જીવન ! કારણ ? ખોટી વિચારસરણી. ખોટા ખ્યાલો. ઉપાય ? વિચારસરણી અને જીવનશૈલીમાં પરિવર્તન.
તાણનું એક બીજું વિચિત્ર કારણ પણ છે. તે છે – ‘સતત ભીડમાં રહેવું. સતત લોકો વચ્ચે રહેવું.’ વિચિત્ર લાગે તેવું વિધાન છે આ. વ્યક્તિ તો સામાજિક પ્રાણી છે. સમાજનો જ એક હિસ્સો છે. તો પછી લોકો સાથે, લોકો વચ્ચે રહેવું એ કંઈ અસામાન્ય ઘટના ન ગણાય. માની લ્યો કે બીજા સમૂહો વચ્ચે રહેવાનું ટાળી શકાય, પણ કુટુંબના સભ્યો વચ્ચે તો ટાળી ન શકાય ! અને બીજી વાત, કુટુંબ તો સલામતી આપે છે, પ્રેમ આપે છે અને બંને અનિવાર્ય છે. – આ દલીલો સાચી છે, પણ પૂર્ણ સત્ય નથી. કુટુંબમાં પ્રેમ મળે છે તે વાત સાચી, પણ સતત તેમની સાથે રહેવું એ, લાંબે ગાળે, ‘આસક્તિ’ જન્માવે છે. આસક્તિમાંથી ‘પ્રેમાળ દાદાગીરી’, ‘હું કહું તે જ થાય’, ‘મારું કહેવું માનવું જ પડશે.’ – જન્મે છે અને તે તાણ જન્માવે છે. અને સમાજના લોકો વચ્ચે રહેવું તો – મોટા ભાગે તાણ જ જન્માવે છે. અર્થ વિનાની, ખટપટ પ્રેરતી, નકારાત્મક, નિંદા પ્રેરતી વાતો વ્યક્તિને આંતરિક રીતે ઉદાસ અને હતાશ કરે છે. લાંબા ગાળે તેની નકારાત્મક અસરો જન્મે છે. સતત બીજાની વાતો સાંભળ્યા કરવાથી પણ મગજ ઉત્તેજિત રહે છે અને અશાંત થઈ જાય છે.
સતત લોકો વચ્ચે રહેવું (પોતાના કે પારકા) મનને અસ્વસ્થ કરે છે. આવું અશાંત અને અસ્વસ્થ મન શાંતિથી વિચારી શકતું નથી. આવું મન બીજાના અભિપ્રાયોના આધારે વિચાર્યા કરે છે. તુલનાત્મક વિચારે છે. બીજા સામે સતત પોતાની છબી ઉજળી રાખવાના પ્રયત્નમાં સમય વેડફી નાખે છે. આ બધાં દબાણોને કારણે મન સ્વસ્થ, ઊંડાણભર્યું, તટસ્થ વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે. પરિણામે તેની સર્જકતા ઘટતી જાય છે અને, અંતે, વ્યક્તિ ચીલાચાલુ બની જાય છે. તેનું મગજ જડ બનતું જાય છે. તે વિચારવાના બદલે ‘માની લેવામાં’ સલામતી અનુભવે છે અને માન્યતાઓમાં જીવતું મગજ એ મૃત-મરી ગયેલું મગજ છે. આવું મૃત મગજ પણ પોતાની શક્તિઓ પ્રગટ ન થઈ શકવાને પરિણામે તાણ અનુભવે છે. કદાચ તાણનું મૂળ શોધી શકાતું નથી, પણ તાણનો ભોગ તો બને જ છે. અજ્ઞાની તાણ વધારે જોખમી છે. સતત ભીડનો સહવાસ વ્યક્તિને અસ્વસ્થ કરે છે. એવું ન માનવું કે ઘરમાં એકલા બેસવાથી વ્યક્તિ ભીડ વચ્ચે નથી હોતી. છાપાં-ટી.વી.-રેડિયો વગેરેનો સહવાસ પણ ભીડ જ છે ! આ ‘ટેલી-ભીડ’ છે !! જાહેરખબરો, અભિપ્રાયો…. પણ ‘બીજા’ લોકોના જ છે ને ! દૂરથી આ ભીડ સાથ આપે છે. તે પણ મનને ઉત્તેજે છે. પરિણામે આ માધ્યમો વચ્ચે રહેનારી વ્યક્તિ પણ, હકીકતે, ભીડ વચ્ચે જ છે. ટૂંકમાં, ભીડ વ્યક્તિમાં તાણ જન્માવે છે. અને તાણ બુદ્ધિની ગુણવત્તા તોડી નાખે છે. વ્યક્તિને થર્ડ કલાસ બુદ્ધિવાળી બનાવી નાખે છે.
આ સ્ટ્રેસ (તાણ) ને મેનેજ કેમ કરવી ?
આધુનિક વિજ્ઞાન વિવિધ ઉપાયો બતાવે છે, ટેકનિકો શીખવે છે, ધ્યાન કરાવે છે. આ ઉપાયો સરસ છે, ઉપયોગી પણ છે, થોડા દિવસ માટે અસરકારક છે…. પણ થોડા દિવસ કે મહિના પછી વ્યક્તિ પાછી તાણગ્રસ્ત બની જાય છે.
તો ?
ઘણીવાર પ્રાચીન-પુરાણાં લાગતાં શાસ્ત્રો સચોટ ઉપાય બતાવે છે. આવા એક પ્રાચીન ગ્રંથ ‘ભગવદગીતા’માં આનો સરળ, સચોટ ઉપાય બતાવ્યો છે. તાણનું કારણ છે-ભીડ ! સતત બીજાનો સહવાસ !! માટે ગીતા કહે છે, ઉપાય છે ‘એકાંત સેવન અને સમૂહ સાથે રહેવાની અરૂચિ કેળવવી.’ (10:40) આનાથી ‘સર્જનાત્મકતા’ પુન: પ્રગટ થશે. સમાજમાં રહેવું, અલબત્ત, જરૂરી અને અનિવાર્ય છે. પણ સમાંતરે, માનસિક સ્વાસ્થ્ય, શાંતિ કે સર્જનાત્મકતા હોવાં પણ એટલાં જ જરૂરી છે. અને તે ‘એકાંત સેવન’થી જ આવે છે. સંભવ છે, અહીં કોઈ ફરિયાદી સૂરમાં કહે : ‘ગીતાને વ્યવહારુ જીવન વિશે શું ખબર પડે ? તે તો આધ્યાત્મિક ગ્રંથ છે. તે સાધુ-સંતો માટે છે. સંસારીને એકાંત સેવન ન પોષાય…..’ – કબૂલ ! તો પછી આધુનિક ગ્રંથનું અવતરણ લઈએ.
થોડા સમય પહેલાં અમેરિકામાં (ભારતમાં નહીં, હો !) એક જાડું થોથું બહાર પડ્યું છે. તેનું નામ છે ‘મનોચિકિત્સાની અમેરિકન માર્ગદર્શિકા’ (The American Handbook of Psychiatry). તે જણાવે છે કે-ઊંડાં સંશોધન પછી – ‘જો બાળકોમાં સર્જનાત્મકતા કેળવવી હોય, તો બાળકોને એકાંતમાં રહેવાની તક પૂરી પડવી જોઈએ. તેમને સતત ભીડમાં રાખવા જોઈએ નહીં.’ બીજા એક વિચારક-અને એ તો વળી નાસ્તિક છે-બર્ટ્રાન્ડ રસેલ પણ કહે છે : ‘બાળકને રોજ થોડો વખત એકલા બેસવાની, એકલા જીવવાની ટેવ પાડવી જોઈએ અને બાળક તેને માણે તેવી કેળવણી આપવી જોઈએ. તો જ તેનામાં સર્જનશીલતાનો વિકાસ થશે.’ અરે ! ઉત્તરપ્રદેશમાં પણ થોડા સમય પહેલાં એક પન્ત કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વિચારગોષ્ઠિ યોજાઈ હતી. તેનો વિષય હતો ‘સર્જનશીલતા અને શિક્ષણ’. તેમાં પણ સૌથી વધુ ભાર મૂકાયો હતો ‘એકાંત’ પર.
એકાંતમાં ક્યારે મજા આવે ? એકાંત ક્યારે માણી શકાય ? ગીતા કહે છે કે, ‘જો સમૂહ સાથે અરૂચિ કેળવાય તો.’ (અરૂચિજન સંસદિ.) વ્યક્તિ ભીડમાં સતત શા માટે રહે છે ? જવાબ છે – અસલામતીની ભાવના ટાળવા અને પોતાનાં અસ્તિત્વની ખાતરી મેળવવા ! સમૂહ સાથે ભળવું કંઈ ખોટી બાબત નથી. તેનો પણ ઉપયોગ છે, પણ ‘સતત’ તેમના સાથે રહેવું તે ‘રોગ’ છે. પોતાનાથી ભાગવાની એક પ્રયુક્તિ, બહાનું બની જાય છે. નશો બની જાય છે. પછી તેની ‘ટેવ’ પડી જાય છે અને વ્યક્તિ મૂર્ચ્છિત બની જાય છે. પરિણામે થોડીક ક્ષણો પણ વ્યક્તિને એકલા રહેવું પડે તો તે મૂંઝાઈ જાય છે. એટલે તે સતત ભીડ વચ્ચે દોડ્યા કરે છે અથવા જાહેર માધ્યમો દ્વારા ભીડને પોતાના મન પર છાઈ જવા દે છે. પણ શાંત મને બેસી શકતી નથી.
આ ભીડનો સતત સહવાસ – અમેરિકામાં તેને ‘ખભા ઘસ્યા કરવા’ ( to rub the shoulders) કહે છે-એ વ્યક્તિનાં મગજની નસોને પણ ઘસી ઘસીને ઉત્તેજિત રાખે છે અને નિષ્ક્રિય કરી નાખે છે. પણ, સર્જનાત્મકતા કેળવવા, સર્જનશીલ બનવા, સમૂહથી થોડા દૂર રહેવાની જરૂર છે અને તેનો એક જ ઉપાય છે – ગીતાનો શબ્દ વાપરીએ તો – ‘અરતિ… સમૂહ સાથે અરૂચિ.’ આનો અર્થ સમૂહને ધિક્કારવો એ નથી થતો. અહીં તો ‘પોતા સાથે રહી શકાય’ તેવો જ ભાવ છે. સમૂહ તેની જગ્યાએ બરાબર છે, પણ તેથી વધુ મહત્વનું છે સર્જનશીલતા પ્રત્યે પ્રેમ અને તે ‘માત્ર’ એકાંતમાં રહેવાથી જ આવશે, જે માત્ર ટોળાંને ટાળવાથી જ શક્ય બનશે.
એકાંતમાં રહેવાથી પોતાનો પરિચય વધે છે. કોઈ પણ બાહ્ય પરિબળો કે સાધનોથી અલગ રહેવાથી આપોઆપ પોતા તરફ નજર જશે. પોતામાં ઊંડા ઉતરાશે. પોતાની ચેતનાની નજીક અવાશે. તેનો પરિચય વધતો જશે. અને ચેતના તો વિરાટ, મૌન, વિરાટ શાંતિ અને વિરાટ પ્રસન્નતા છે. માટે વ્યક્તિત્વ પણ તેવું જ બનતું જશે અને આવાં વ્યક્તિત્વમાંથી સર્જનશીલતાનો ધોધ વહેવા લાગશે. તો શાસ્ત્રો કહે છે કે – ‘જેટલા ચેતનાની નજીક, તેટલી વધારે સર્જનશીલતા’. સ્ટ્રેસ મેનેજમેન્ટનો આ પાયાનો ઉપાય છે. દરરોજ થોડો સમય એકાંત સેવન અને તે માટે જનસંસદ પ્રત્યે અરૂચિ. વિનોબા પણ કહે છે કે, ‘રોજ એક કલાક, અઠવાડિયામાં એક દિવસ, મહિનામાં એક અઠવાડિયું અને વર્ષમાં એક મહિનો દરેક વ્યક્તિએ પોતા સાથે એકલા રહેવું જોઈએ.’

[રીડ ગુજરાતી માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday, 24 June 2014

ભ્રષ્ટાચાર અને આપણે — ઝૈનુલશફી

નાનપણમાં શાળામાં ભ્રષ્ટાચારની જોડણી શિખી હતી, ભ્રષ્ટ+આચાર, તેનો મતલબ પણ શિખ્યો, શાળાજીવન દરમિયાન ઘણીવાર સ્પર્ધાઓમાં ભ્રષ્ટાચાર વિષય પર ભાષણો આપ્યા, પરંતુ ત્યારે આ વાતનો જ્યારે અહેસાસ ન હતો કે ભારત દેશમાં તે ઘણો આટલો બધો પગપેસારો કરી ચૂકિયો છે, તે વખતે ખ્યાલ પણ ન હતો કે આ સમસ્યા તો આપણા દેશને ઊધઈની જેમ ખાય છે. સ્પર્ધાઓમાં પણ ભ્રષ્ટાચાર  વિષે બોલેલાં વાક્યો કોઈ ને કોઈ ચોપડીમાંથી ચોરેલા હતા, ક્યાંક ને ક્યાંક એ પણ એક ભ્રષ્ટાચાર જ હતો, મારા વિચારો ન હતા, બસ એટલુ જ ધ્યેય હોય કે સ્પર્ધામાં પોતે નંબર વન આવી જાય, ચાલો ખેર, મારા મત મુજબ ભ્રષ્ટાચાર એક એવો પાઠ છે કે વ્યક્તિ શાળાજીવન દરમિયાન ના શીખે તો પણ આપણી વ્યવસ્થા તે શીખવી દે છે.
 આજના ભારત દેશમાં ભ્રષ્ટાચાર તો જાણે સામાજીક વ્યવસ્થાનો એક અંગ થઈ ગયો છે. દરેક વ્યકિત તેનો ડગલે ડગલે અનુભવ કરે જ છે, આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે “સીધા રસ્તે તો કોઈ કામ થાય જ નહીં અને જો થઈ જાય તો જાણે કોઈ ચમત્કાર થઈ ગયો હોય” કેટલાક શબ્દો છે જે સામાન્ય છે આ ભ્રષ્ટાચારને સ્વીકારવા માટે, જેમ કે “ચાલે છે”, “આવું તો કરવું જ પડે”, જે દર્શાવે છે કે લોકો ભ્રષ્ટાચારને સ્વીકારે છે,
દેશના નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારો તો જગજાહેર થયા જ છે, જોવા જેવું છે કે આમ જનતા સાથે તેનું સીધી રીતે કોઈ લેવા દેવા નથી, આમ જનતા નેતાઓના ભ્રષ્ટાચારો પર માત્ર નિસાસા નાખી શકે, થોડા દિવસ પછી જેવું હતું તેવું.  નેતાઓના ભ્રષ્ટાચારો દેશને આર્થિક નુકશાન પહોચાડે છે તે ખરું, દેશના કરોડો રૂપિયાનો નુકશાન થાય છે, પરિણામે સરકાર તે જ નુકશાનને ભરવા જનતા પર કરવેરા નાખે, વસ્તુઓના ભાવ વધારે, સરકારી સેવાઓ મોંઘી કરે,  અને દુહાઈ આપે વૈશ્વિક મંદીની…..
ખામી માત્ર વ્યવસ્થામાં નથી, સામાન્ય નાગરિકની પણ છે, આપણે જ બે મુખી વાતો કરીએ છીએ, એક બાજુ તો ભ્રષ્ટાચારનો વિરોધ કરી તેના વિષે સારો એવો ગુસ્સો વ્યક્ત કરીએ છીએ, ટીવી પર કે છાપામાં સમાચારો જોઈ નિસાસો નાખતા હોઈએ છીએ કે શું થશે આ દેશનું? એક બાજુ અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલ જેવા ભ્રષ્ટાચારથી લડતાં લોકોની વાહ વાહ કરીએ છીએ, અને બીજી બાજુ આપણે જ પોતાના કામનો નિકાલ કરવા લાંચ આપીએ છીએ કે ભ્રષ્ટાચાર આચરીએ છીએ, પાછા ખુશ પણ થઈએ છીએ કે જોયું કેવી રીતે કામ કરાવી લીધું? જાણે કોઈ મોટું તીર માર્યું હોય, અને એમાં ઓછું હોય કોઈ વ્યક્તિ સીધી રીતે વગર ભ્રષ્ટાચારની મદદ લઈ પોતાનું કામ કરાવતો હોય કે કરાવવાના પ્રયત્નો કરતો હોય તો તેની ખીલ્લી ઉડાડીએ છીએ, પેલો સીધે રસ્તે ચાલનાર પણ એકવાર વિચારે છે કે ક્યાંક તે કોઈ ગુનોહ તો નથી કરી રહીયો? અને પાછી તેને ડાહપણવાળી સલાહ પણ આપીને જ છોડીએ છીએ કે ભાઈ આવી રીતે તમારું કામ નહીં થાય, “શોર્ટકટ” વાપરો, આ શોર્ટકટ એટલે એજ ભ્રષ્ટાચારનો માર્ગ.
મારા મત પ્રમાણે ભ્રષ્ટાચાર માટે જવાબદાર કારણોમાં એક કારણ આપણ છે કે આપને ત્યાં કાર્યાલય ની વ્યવસ્થા ઘણી જ ગુંચવણભરી  હોય છે, મારા આ અભિપ્રાય સાથે ઘણા લોકો સંમત નાં પણ હોય પણ આપને એક વાત નો ખ્યાલ રાખવો  જોઈએ કે આપની પ્રજા પ્રમાણમાં થોડી ઓછી ભણેલી અને ઓછી સમજદાર છે, સરકારી કાર્યાલયો માં કર્મચારી જાણે મશીન જેવા હોય છે-લાગણીહીન, અરજદારના કપડા, બોલી જોઈ તેની સાથે સારું-ખરાબ વર્તન કરવામાં આવે છે, પરિણામે લોકો સીધા કાર્યાલય થી સંપર્ક કરવાનું ટાણે છે અને એવો માર્ગ અથવા એવા લોકોનો સાથ અપનાવે છે જે ભ્રષ્ટાચાર કરે છે, માત્ર એવું નથી ભણેલ લોકો અને સમજદાર લોકો પોતાના સમયની કિંમત દુહાઈ આપી અવળા માર્ગ અપનાવે છે, એક વાતનો ખાસ ખ્યાલ રહે કે કાર્ય પાર પાડવા કોઈની સહાય લેવી એટલે ભ્રષ્ટાચાર નહિ, પરંતુ એ સહાય કઈ રીત અને પદ્ધતિથી આગળ વધે છે તે જોવું રહયું,
કાર્યાલયોમાં ભ્રષ્ટાચારની સાંકળ નીચેથી ઉપર સુધી હોય છે, પરિણામે કોઈ પકડાતું નથી, બધાજ એક બીજાનાં સાથીદાર, એમાં કોઈક વાર કોઈક છાપા કે સમાચાર ચેનલ માં કોઈ ભ્રષ્ટાચારના કૌભાંડની ખબર જોવા મળે તો મન જાણે  પ્રફુલ્લિત થઈ ઉઠે કે પોતાના પર વીતેલા અત્યાચારો નો બદલો લીધો હોય કોઈએ.
હવે હૂં ભ્રષ્ટાચારથી લડવાના ઉપાયો અને રસ્તાઓ વિષે નિબંધ તો નથી જ લખવાનો. ઘણા મોટા મોટા ગજાનાં મહાનુભાવોએ આ કામ કરી લીધું છે, ઘણા લોકોએ ગ્રંથો લખી નાય્ખા છે એના વિષે તો, જેમ જેમ સમય બદલાય છે ભ્રષ્ટાચાર આચરવાના તરીકાઓ કે રસ્તાઓમાં પણ પરિવર્તન આવે છે, આખિર ભ્રષ્ટાચારના માસ્ટર કઈ જેવા-તેવા તો નથી, તો પછી આ ભ્રષ્ટાચાર અટકે કઈ રીતે? લાખ રૂપિયાનો સવાલ તો આ જ, આપને એક હકિકત તો સ્વીકારવાની જ રહી અને આપના વર્તમાન વડાપ્રધાનનું આ મનપસંદ વાક્ય છે,  “કોઈ એવી જાદુની છડી નથી કે રાતો રાતો બધું બદલાઈ જાય”  વાત તો સાચી છે, પરંતુ, હાથ પર હાથ રાખી બેસી રહેવાય ? જાદુની છડી તો ભવિષ્યમાં પણ નહિ હોય, તો આપને પોતાને જ આત્મમંથન કરવું પડશે, આપણે જ શરૂઆત કરવી પડશે, જે લડે છે તેને સપોર્ટ પણ આપવાનો રહેશે, તે પછી કોઈપણ હોય, ગલીની બાહર ઉભેલો લારીવાળો કે પછી દિલ્લીમાં અનશન પર બેઠેલા કોઈ ભાઈ, સાચી સલાહ તો એ છે કે પોતે ભ્રષ્ટાચાર ને નાં કહો અને લડો ત્યાં સુધી જ્યાં સુધી અધિકારીઓ સીધા નથી થતા. એમને પણ આ અહેસાસ કરવો જ પડશે કે તેઓ જે પદ પર બેઠા છે તે જનતાની સેવા માટે છે.જ્યાં સુધી આપને પોતે આ દુષણ સામે નહિ લડીએ ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર દેશમાંથી જવાનો નથી, અને આ કઈ નાખી દેવાની વાત નથી. મહત્વનું એ છે કે આપને આપની ભાવી પેઢીને શું આપીશું? કોશિશ કરીને જુઓ ક્યારેક ભ્રષ્ટાચાર વગર પોતાનું કામ કરાવવાનું, મઝા તો આવશે જ સિસ્ટમથી લડવામા, હોઈ શકે કે તમને કોઈ તમારા જેવા જ લડનાર મળી જાય, “કરકે દેખો અચ્છા લગતા હૈ”
— ઝૈનુલશફી

Posted By: http://web-sarita.blogspot.com/

નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો...


Image result for indian terrorist pic in mumbai

નથી દેખાતો ક્યાંય અંત આ આતંકનો

જયારે માનવી થાય દુશ્મન માનવીનો …



ધર્મઝનૂન જયારે જયારે મૂકે છે માઝા
ઘવાય છે, હણાય છે નિર્દોષ ઝાઝા …



શું મુંબઈ કે શું દિલ્હી, કે હોય વારાણસી
આતંકના આંધળુકિયાથી પ્રજા છે ત્રાસી …



સમજાવે કોણ આ આતંકવાદીઓને
નથી શાંતિ આતંકથી અમને કે તમને …

કરીએ સૌ સાથે મળી પ્રભુને અભ્યર્થના
સંબંધો રહે શાંતિમય માનવ માનવના …

- નિરંજન મહેતા (મુંબઈ)

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.