મિત્રો વિગતે માંડીને વાત કરું તો મારા મનમાં જે વાત જે વિચાર રમી રહ્યો
છે તેની વિગત જાણે એવી છે કે આજે આ યુગમાં, આ ભાગદોડ ભરી જિંદગીમાં માણસ
જીવતો જાય છે. પોતાનો સંસાર પોતાની કુશળતા મુજબ ચલાવ્યે જાય છે. જેમાં તેના
પર અનેક જવાબદારીઓ છે. પોતાની, ઘરની, બાળકો, પત્ની, મા-બાપ, સગા-સબંધી આવી
અનેક પ્રકારની જવાબદારીના વહેણમાં ધીમે ધીમે માણસ પોતાનું ગાડુ હંકારે જાય
છે. પરંતુ થોભો અહી અટકીને મનને શાંત કરીને નિરાંતે વિચારોકે આ બધુ શું
કામ ? શું કારણ છે કે માણસ પોતાને આટઆટલું કષ્ટ આપીને પણ આ બધુ શું કરે છે
તો તેનું શું કારણ હશે ? હા, કારણ વગર તો આ દુનિયામાં કોઈ પણ જીવ માત્ર
કાંઈ પણ ના કરે તે તો આપણે સૌ કોઈ સમજીએ જ છીએ. પરંતુ મનનાં ઉંડાણમાં થોડીક
નજર કરીએ તો સૌ કોઈ જાણી શકશું કે આ બધું શું છે અને હું શું કહેવા માંગુ
છું.
વાત જાણે એ છે કે માણસ જીવનમાં જે કાંઈ કરી રહ્યો છે. તેની પાછળ કોઈ ને
કોઈ કારણ હોય જ છે. અર્થાત કયારેય કોઈએ નિરાંતે એવા સરવાળા-બાદબાકી કર્યા
નથી કે કંઈપણ કરવાનો ઉદ્દેશ શું છે ? સીધી વાત કરું તો દરેક મનુષ્યનાં
જીવનમાં કંઈ ને કંઈ આશા હોય છે. જેને હું જીવવા માટેનો આધાર માનું છું. હા,
એક વાત સ્પષ્ટ કરી દઉં કે માણસનું કાંઈ પણ કરવા માટેનું કારણ અને આશા બંને
એક જ વાતમાં સામેલ છે છતાં વિરોધાભાસી પણ છે કારણ કે તમે જે કાંઈ પણ કરો
છો તેનું તે કરવા પાછળનું કારણ પણ હશે અને તેમાં કંઈને કંઈ આશા પણ હશે.
માની લો કે માણસ સવારે ઊઠીને પોતાનાં ધંધા રોજગાર કે નોકરી પર જાય છે. તો
તેનું કારણ આપણે એવું કરી શકીએ કે તે પૈસા કમાવવા માટે એટલે કે ધંધા રોજગાર
કે નોકરી પાછળનું કારણ પૈસા કમાવાનું છે પછી ભલે તે પૈસા દરેક માણસની
જરૂરીયાત છે. અને તે પૈસા તેમનાં જીવનની જરૂરીયાતમાં વિભાજીત છે. આ થયું
કારણ. હવે તે જ બાબતમાં આશાની વાત કરીએ તો પૈસા કમાવવા જવું તેના કારણથી પણ
ઉપર તેમાં તેની આશા છુપાયેલી હોય છે એટલે કે તે પૈસાથી તે વિચારશે કે હું
આમ કરીશ, તેમ કરીશ, છોકરાને સારી સ્કુલમાં દાખલ કરીશ, ગાડી ખરીદીશ, કોઈ
પ્રસંગ સારી રીતે ઉજવીશ વિગેરે વિગેરે. કહેવાય છે ને કે આશા અમર છે. તેમ
આજના યુગમાં માણસ કંઈ ને કંઈ આશા સાથે જ આગળ વધતો રહે છે.
એક વાર વિચારો કે સવારે ઉઠીને દરરોજની જેમ કામ ધંધો કરવો, ગૃહિણીએ ઘરકામ
કરવું, બાળકોએ ભણવું આ તો નિત્યક્રમ જ છે. પરંતુ કોઈએ ફકત પોતાનાં માટે
કયારેય વિચાર કર્યો છે કે આ બધુ શું કામ હું કરી રહ્યો છું ? કે પછી બધા
કરે છે એટલે ગારડીયા પ્રવાહની જેમ મારે પણ કરવાનું. ના, મિત્રો એવું નથી
અહીંથી જ મારી વાત શરૂ થાય છે કે આ બધું કરવા પાછળ કંઈક તો કારણ છે અને તે
કારણ પછી તરત કંઈને કંઈ આશા છે. જે આપણા માટે જીવન જીવવાનાં આધાર તરીકે
મુલવી શકીએ. બાકી તો સૌ કોઈ પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં કરવાનું થતું
બધુ કર્યે જ જતા હોય છે. એક “મા” નો જીવન જીવવાનો આધાર કહીએ તો પુત્રો
મોટા કરવામાં રચ્યા પચ્યા રહેવું અને પુત્રો મોટા થયા પછી મા નો જીવન
જીવવાનો આધાર પૂર્ણ નથી થતો. વળી નવો આધાર ઉદ્દભવે છે કે છોકરાઓ ભણી ગણીને
સારી નોકરી ધંધો કરશે, ત્યાં પહોંચ્યા પછી વળી નવો આધાર ઉદ્દભવે કે મારા
દીકરા કે દીકરીનાં લગ્નનું ટાણું આવશે. તે થયા પછી વળી પાછો નવો આધાર કે
મારા દિકરાની ઘરે પારણું બંધાશે આમ આ આધાર એ “મા” નાં જીવનની એક પ્રકારની
આશા જ છે. જે આશા માટે પોતાનું જીવન આગળ ધપાવ્યે જાય છે. જે “મા” નો જીવન
જીવવાનો આધાર છે. આ તો ફકત એક ઉદાહરણ તરીકે “મા” ની વાત કરી. આવું જ બધાનાં
જીવનમાં હોય છે. પણ કયારેય કોઈએ આની પાછળ પોતાની કોઠાસૂઝ પ્રમાણે
પધ્ધતીસરનું આયોજન કરીને જીવન જીવવાનો આધાર પસંદ કર્યો નથી. અને જેમણે
કર્યો છે તેમનાં જીવન સફળ થઈ ગયા છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે જો મારે તમારે અને બધાયે આ કરવાનું જ છે
તો પછી તેમાં આપણે આડેધડ કે અણધડ શુ કામ કર્યે રાખવું ? બધા માણસ છીએ તો
સુઝબુઝથી વિચાર કરીને અને ભવિષ્યનો વિચાર કરીને જીવન જીવવાનો જે આધાર છે
તેને જે તેની મેળાએ થઈ રહ્યો છે તે સમજદારીથી સફળ શું કામ ન કરી શકીએ ?
સવાલ જ નથી મિત્રો, આ જીવન જીવવાનો આધાર આપણે ધારીએ છીએ તેનાં કરતા પણ વધુ
સફળ બનાવી શકીએ. જરૂર છે ફકત એકવાર શુધ્ધ મને વિચાર કરીને તેને અમલમાં
મુકવાનો. આ દુનિયામાં એવા પણ લોકો છે કે જે કોઈપણ સ્વાર્થ વગર બીજાના માટે
ઘણું બધું કરતા હોય છે. તો પછી આ તો આપણે આપણા ખુદના માટે કરવાનું છે. તો
તેમાં શું કામ આંખ આડા કાન કરવા જોઈએ.
મિત્રો, હવે વાત જતા અલગ રીતે જોઈએ. આગળ જે વાત કરી તેના ઊપર એકવાર
સ્વસ્થ ચિત્તે પ્રકાશ પાડીને મનમાં રહેલા બધા વિચારો દૂર કરીને ફકત અને ફકત
એક જ વાત ઊપર ધ્યાન કેન્દ્રીત કરો. બીજા બધાની વાત જવા દો. સૌ પ્રથમ ખુદને
એ વિચારમાંથી પસાર કરો કે આટલી ઉંમરમાં હું અહીં પહોંચ્યો તો કયા આધારે,
મારા જીવન જીવવાનાં એક પછી એક કયા એવા આધાર હતાં કે જેના વિશે હું કયારેય
વિચાર કરવા બેઠો નથી ફકત આગળ દોડતો રહ્યો છું. બસ જો આટલો વિચાર સારી રીતે
તમારા મનમાં તમારા ભૂતકાળ ઉપર પ્રકાશ પાડી દે તો સમજી લો કે તમે તમારા
ભવિષ્યનાં જીવન જીવવાનાં આધાર વિશે જાણી શકશે અને હવે તમારે અને આપણે એ
કરવાનું છે કે આપણો આગળ (ભવિષ્ય)નો એટલે કે વર્તમાનમાં આપણે જે કરી રહ્યા
છીએ તે કરવા માટેનું પણ આગળ જોયું તેમ કશું કારણ કે આશા હશે તેને આપણે નજર
સમક્ષ રાખીને ભવિષ્ય વિશેનો વિચાર કરીને તે જીવન જીવવાનાં આધારને સફળ
બનાવવા માટે પુરી લગનથી મચી પડવાનું છે. આટલું કરવાથી આપણે હાલમાં જે
જીવનનો આધાર છે ત્યાં સુધી પહોંચતાની સાથે જ અનહદ ખુશી અનુભવવાનાં… એમાં
કોઈ શંકા જ નથી અને તરત જ સાથે સાથે તે આધાર સુધી તો પહોંચી ગયા, હવે નવા
આધાર નો ઉદ્દભવ થશે જે આપણા કહેવાથી નથી થતો પરંતુ સમાજની દ્રષ્ટિએ આપણે
બધાયે જે કરવુ ઘટે છે. તેનાં અનુસંધાનમાં આગળ બધું ઉદ્દભવે જતું હોય છે. જે
માણસ માત્રનાં જીવનમાં બહુ સહજ છે.
આ બધી ચર્ચા પછી હું આપને સૌને એટલું તો ચોકક્સ પણે કહી શકુ કે દરેકની જિંદગી આ જીવન જીવવાનાં આધાર સાથે વણાયેલી જ છે.
[સાભાર રીડગુજરાતી: શ્રી સુભાષભાઈનો આ નંબર +૯૧ ૯૦૯૯૩૯૩૮૭૩ પર સંપર્ક કરી શકો છો. ]
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT