સ્ત્રી જ અન્ધશ્રદ્ધાની વાહક અને ચાહક ? –કામીની સંઘવી વેબ સરિતા વેબ સરિતા: સ્ત્રી જ અન્ધશ્રદ્ધાની વાહક અને ચાહક ? –કામીની સંઘવી
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Monday 14 April 2014

સ્ત્રી જ અન્ધશ્રદ્ધાની વાહક અને ચાહક ? –કામીની સંઘવી

Mumbai Samachar

હમણાં એક સમાચાર વાંચ્યા. સુરતના એક સ્મશાનગૃહમાં બહેનોએ એક ધર્મગુરુની દોરવણી હેઠળ સત્સંગ કરીને, સ્ત્રીઓથી સ્મશાન ન જવાય તેવી પરમ્પરા કે રુઢીને ખોટી ઠેરવી. સારી રીતે બે–ચાર કલાક જાણીતા સ્મશાનગૃહમાં સ્ત્રીઓએ ભજન–કીર્તનની રમઝટ બોલાવી. સરસ… બ્રેવો… તેવું જોરજોરથી તાળી પાડીને કહેવાનું મન થાય તેવું હીમ્મતભર્યું આ કામ છે ! પણ આ જ બહેનો શ્રાવણ માસ દરમીયાન એવી અગણીત રુઢી અને રીતરીવાજ ધર્મ કે સંસ્કૃતીને નામે પાળે છે તે વીચારે આ બહેનોને બીરદાવતા હાથ હેઠા પડે.
પવીત્ર શ્રાવણ માસને આપણે બહેનોએ ધાર્મીક અન્ધશ્રદ્ધાને પોષતો માસ બનાવી દીધો છે. શ્રાવણનો દરેક દીવસ જાણે સ્ત્રીઓની જુદા જુદા પ્રકારની અન્ધશ્રદ્ધા પોષતો દીવસ છે. દરેક પરીવારમાં અલગ અલગ રુઢી ને રીવાજો. તેમાં પણ જે તે પ્રદેશના રીવાજો અલગ. શ્રાવણ માસમાં આમ કરાય ને તેમ ન કરાય. કેમ ? એવું પુછો તો જાણવા મળે કે પરમ્પરા કે સંસ્કૃતી છે! આમચી મુમ્બઈમાં પણ ઘણી બધી બહેનો યથાશક્તી રીતીરીવાજ પાળે છે. સૌરાષ્ટ્રવાસીઓ બોળ (વદ) ચોથના દીવસે ઘઉં ન ખાય કેમ તો કે બોળચોથની વાર્તા મુજબ તે દીવસે કુટુમ્બની અબુધ વહુએ, ઘઉંલા રુપી વાછરડાને ભુલમાં મારી નાખ્યો હતો એટલે. દક્ષીણ ગુજરાતની સ્ત્રીઓ તે રીતે પાંચમ કરે. તે દીવસે ચાકુ-છરીને ન અડે. શાક વગેરે ન કપાય. હાથે છડેલા ચોખાની ખીચડી બનાવીને ખાય. ઘણાં ઘરોમાં નાગની પુજા થાય. ઘરમાં કે પારણીયા પર નાગ દોરી તેને નૈવેદ્યમાં દુધ ધરાવાય, કાચું–કોરું ખવાય કે ઉપવાસ કરવાનો. હવે સાયન્સ ઓલરેડી એ સાબીત કરી ચુક્યું છે કે સાપ દુધ પીતો જ નથી; પણ હજુ આપણે સાપને દુધ પીવડાવવામાંથી ઉંચા આવતા નથી. રાંધણ છઠ્ઠ જુદાં જુદાં પ્રકારનાં અન્ન રાંધીને મનાવવાની; કારણ કે શીતળા સાતમને દીવસે ગરમ ખવાય નહીં! ઠંડું ન ખાવ તો શીતળામા રુઠે અને ઘરનાં બાળકોને ચામડીના રોગ થાય. સંસ્કૃત સાહીત્યનો જેણે અભ્યાસ કર્યો છે તે બરાબર જાણે છે કે હીન્દુ શાસ્ત્રમાં કશે પણ શીતળા નામની માતાનો કોઈ ઉલ્લેખ નથી. તે માત્ર ઓગણીસમી સદીમાં શીતળા નામના રોગની ભયંકરતા જોઈને કેટલાક લેભાગુ લોકોએ તેને દેવીનું રુપ આપી દીધું છે તેની ઉપજ તે શીતળામા છે. તે સીધીસાદી વાત બહેનોની સમજમાં આવતી નથી. હવે તો ભારત શીતળાના રોગથી મુક્ત છે; પણ આપણે સાતમના દીવસે શીતળામા કે બળીયાદેવ (દક્ષીણ ગુજરાતમાં શીતળામાની સાથે સાથે બળીયાદેવનું પણ ચલણ છે !)ની પુજા કરીએ છીએ અને ઠંડું ખાધા કરીએ છીએ. એક બેકરીમાં હું બ્રેડ ખરીદતી હતી ને એક વડીલ બહેનને દુકાનદાર સાથે પુછપરછ કરતાં સાંભળ્યાં, ‘તમારી પાસે ગઈ કાલના બ્રેડ છે ? અમારે સાતમ છેને એટલે આજના તાજા બ્રેડ નહીં ચાલે !!’ ચોમાસામાં વાસી કે ઠંડો ખોરાક રોગનું ઘર બને છે તે જાણવા છતાં આપણે ઠંડું અને વાસી ખાધા કરીએ તો ભણેલા અને અભણમાં શો ફરક ?
છડી નોમના દીવસે એક વાર હવેલીમાં જવાનું થયું. નંદબાવાને ઘેર બાળકૃષ્ણની પધરામણી થઈ તેના આનન્દમાં આખું ગોકુળ હરખઘેલું બન્યું હતું. તે પ્રસંગની યાદરુપે આપણે નોમનો દીવસ મનાવીએ છીએ. પણ હવેલીમાં કંઈક અનોખું દૃશ્ય જોવા મળ્યું. ભોગમાં ભગવાનને જે અન્ન–સામગ્રી ધરાવી હતી, તેને કંકુ કે ફુલની જેમ ભક્તો વચ્ચે ઉછાળવામાં આવી. અને તેમાં કેવી અન્નસામગ્રી હતી ? ગળ્યા શક્કરપારા,  મઠડી,  દહીં–મીસરી, માખણ, લાડુ, મોહનથાળ, ઠોર, પુરી, પેંડા, મેસુર જેવી અનેક વાનગીઓ! તે બધી મન્દીરના મુખ્ય ગર્ભગૃહમાંથી છુટા હાથે પ્રસાદરુપે ફેંકે અને ભક્તગણ તે લેવા પડાપડી કરે. મોટા ભાગનો પ્રસાદ ઝીલાયા વીના મન્દીરની ફરસ પર પડે. ભક્તોના પગે કચરાય. હવે જે મન્દીરમાં અન્ન પગે રગદોળાય, અરે ભગવાને જેને ગ્રહણ કર્યો છે તેવો પ્રસાદ, પગે કચરાય; તેમાં ભગવાનની કે અન્નની કંઈ માન–મર્યાદા સચવાય ? આપણે તો વળી હીન્દુ ધર્મમાં અન્નનો અનાદર કરવો તેને પાપ ગણીએ છીએ તો પછી અન્નને ઉછાળીને તેને પ્રસાદ તરીકેનું રુપ આપીને ભક્તોમાં ખોટો હાઈપ ઉભો કરવો, અન્ધાધુન્ધી ફેલાવવી તે પાપ નથી? અન્નનો જરાય બગાડ ન થાય તે રીતે શું કામ પ્રસાદ ન વહેંચવો? ગોકુળવાસીઓ તો કૃષ્ણજન્મમાં હરખઘેલા થઈને નાચ્યા હતા; અન્નનો વ્યય નહોતો કર્યો અને કર્યો હોય તો આપણે પણ તેમ જ કરવું જરુરી છે ? શા માટે તેમણે કરેલી ભુલને આપણે પણ કરવી ?
સૌથી દુ:ખદ બાબત તો એ છે કે બધી અન્ધશ્રદ્ધા પોષવામાં કે તેને પરમ્પરાનું રુપ આપવામાં સ્ત્રીઓ સૌથી મોખરે છે. પોતે તો તેનું અનુકરણ કરે; પણ પોતાની ભણેલી–ગણેલી જૉબ કરતી દીકરી કે વહુને પણ તેમ કરવા માટે પ્રેરે : ‘તું આ વ્રત કરીશ તો તારો પરીવાર ખુશ રહેશે. તે વ્રત કરીશ તો તારો પતી–દીકરો–દીકરી હેમખેમ રહેશે.’ જાણે કેમ દીકરો કે દીકરી તેનાં એકલીનાં જ હોય ? પતીનાં પણ એ દીકરા–દીકરી છે જ ને ! પણ પતી કે પીતા તેના પરીવારના ક્ષેમકુશળ માટે કોઈ વ્રત–ઉપવાસ કરતા નથી; છતાં તેનો પરીવાર ક્ષેમકુશળ રહે જ છે ને ? ઓકે. પતી, પીતા કે ભાઈ માટે પ્રેમ છે તો તેમના માટે વ્રત કરવાનાં; તો પછી મા, સાસુ કે બહેનના આયુષ્ય માટે કેમ આપણા ધર્મમાં કોઈ વ્રત–ઉપવાસ થતાં નથી ? જો માત્ર પરીવારની ક્ષેમકુશળતા કે રીદ્ધી–સીદ્ધી માટે જ વ્રત થાય છે; તો ઘરની કે કુટુમ્બની સ્ત્રીઓ માટે કેમ વ્રત નહીં કરવાનાં ?
શ્રાવણ માસમાં નીતી–નીયમ, જુના રીતીરીવાજ કે રુઢીને છોડીને સ્ત્રીઓએ તર્કશક્તી વીકસાવવાની જરુર છે. મનની સાચી ભાવના કે નીર્મળતા કેળવવાની જરુર છે; કારણ કે તમે હવે ઓગણીસમી સદીમાં નથી જીવતા.આ એકવીસમી સદી ચાલે છે તો વીચાર કે આચાર શા માટે અઢારમી કે ઓગણીસમી સદી જેવા રાખવા ?શ્રાવણ માસને જમાના પ્રમાણે હવે નવીન દૃષ્ટીથી જોવાની જરુર છે. ખોટી અન્ધશ્રદ્ધાને પાળી–પોષીને ખુદના જ વીકાસના માર્ગમાં વીઘ્નો પેદા કરવાં તે મુર્ખામી નહીં તો બીજું શું થયું ? સ્ત્રી આ બધી માન્યતાઓમાંથી બહાર આવવામાં કામયાબ નીવડશે ?  સુદૃઢ સમાજની રચના તો ત્યારે જ થાય જ્યારે સ્ત્રીનો વીકાસ થાય.
રેડ ચીલી
There is no chance of the welfare of the world
Unless the condition of women is improved.
It is not possible for a bird to fly on one wing.
- Swami Vivekananda
–કામીની સંઘવી
‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 22 ઓગસ્ટ, 2013ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘આચાર વીચાર’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’નાસૌજન્યથી સાભાર…
લેખીકા સમ્પર્ક:
કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271 39563 ઈ.મેઈલ:kaminiparikh25@yahoo.in આ લેખ, કામીનીબહેનની પરવાનગીથી સાભાર…
[♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે,આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 
નવી દૃષ્ટીનવા વીચારનવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગhttp://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..માંથી સાભાર ]
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.