માધુરી અને પ્રિયંકા જેવી હિરોઇનો પોતાના ચહેરા પરના સ્પોટ (ડાઘ) વિદેશના ડોક્ટરો પાસે જઈ ફિક્સ કરાવીને આવે છે એ સ્પોટ ફિક્સિંગ નથી? એમને કેમ કોઈ કંઈ કહેતું નથી?
હું એક સંત છું. મારા નામની આગળ સન્માનાર્થે 'શ્રી' લગાડવાથી 'શ્રીસંત' શબ્દ મળે છે જે નામથી આપ મને ઓળખો છો. મારી અટક શ્રીનિવાસન છે, પણ હાલ મારો નિવાસ જેલમાં છે. આ આઈપીએલની ડબલ ઇન્કમના પરિણામે હું 'ગેલ'માં હતો, હવે 'જેલ'માં છું.
પરદુઃખે ઉપકાર કરે એને સંત કહેવામાં આવે છે. દેશમાં મહિનાઓથી બધું શાંત હતું. સોનિયાજીની બીકથી મનમોહન ચૂપ છે. નીતીશકુમારની બીકથી નરેન્દ્રભાઈ ચૂપ છે. બાબા ચૂપ છે, અણ્ણા ચૂપ છે. સચીનનું બેટ ચૂપ છે. શાહરુખની હૂપાહૂપ અને આમીરની બોક્સઓફિસ ચૂપ છે. આવા સમયે કંટાળાની કાંટાળી પથારી પર સૂતેલ દેશને મેં સ્પોર્ટ ફિક્સિંગ નામનું સેન્સેશન આપ્યું છતાં દેશ મારા પ્રત્યે ઇનસેન્સિટિવ કેમ છે? બેકદર કેમ છે?
આજે ફાસ્ટફૂડના જમાનામાં ક્રિકેટને પણ ફાસ્ટફૂડ જેવી બનાવવા આઈપીએલ આવી. એમાં ફાસ્ટ ગેઇમને જરા 'સ્લો' કરવા મેં જરા ટુવાલ શું લપેટયો, મેં જાણે ક્રિકેટની રમતને કફન ઓઢાડયું હોય એવો માતમ દેશમાં છવાઈ ગયો છે. મેં તો પેન્ટ પર ટુવાલ લપેટીને પૈસા બનાવ્યા, પણ પેલા અસભ્ય રણબીર કપૂરે તો ટુવાલ ઉતારીને પૈસા બનાવ્યા, એ કોઈને નડતું નથી. આવતા વર્ષે જ્યારે આઈપીએલ નહીં હોય એટલે છોકરાઓ ભણશે ત્યારે આ લોકોને મારી કદર થશે.
ક્રિકેટરોને બુક સાથે બહુ સંબંધ હોતો નથી. (સચીનઅંકલ અને માહીભાઈ એવું કહેતાં હતા). અમીતસિંહ કે જીજુ જેવા મારા મિત્રો જેમણે ક્રિકેટ માટે બુક છોડી અને પછી ક્રિકેટમાંય એમનો ડંકો ન વાગે તો એ શું કરે? હવે આ ઉંમરે 'બુક' સાથે ફરી સંબંધ કેવી રીતે બાંધે, સિમ્પલ છે યાર, 'બૂકી' થઈને ! અમુક નિષ્ફળ પ્લેયર 'કોચ' બને, અમુક 'બૂકી' બને અને રહી ગયેલા કાંદા-બટાકા વેચે.
તમે સૌ સામાન્ય માણસો પાછલી જિંદગીનું નથી વિચારતા? તો અમે ક્રિકેટરો કેમ ન વિચારીએ?ગવાસકર અને કપિલની જેમ દિનેશ અને પામોલિવવાળા બધા ઉપર મહેરબાન નથી થતા. ક્રિકેટરો માટે કોઈ પેન્શન પ્લાન નથી, રિટાયરમેન્ટના કોઈ લાભ નથી. પ્રોવિડંટ ફંડ કે ગ્રેચ્યુઇટી નથી, પછી ક્રિકેટર શું કરે? પાછલી જિંદગીના સહારા માટે પૈસા બનાવે જને! અરે, આ બધા લાભ હોવા છતાં સરકારી કર્મચારીઓ પૈસા બનાવવાનું બંધ કરે છે?
અંકિત ચવાણ નામનો મારો મિત્ર (જોકે હવેથી બધા એને કલંકિત ચવાણ કહેશે) આમ તો સ્પિનર છે,બોલ ટર્ન કરે છે. બે પૈસા માટે એણે પોતાનો રિસ્ટ બેન્ડ ટર્ન કર્યો, સહેજ ફેરવ્યો તો એ આખા દેશની નજરમાં આવી ગયો અને પેલા દિલ્હીમાં બેઠેલાઓ રોજ રિસ્ટ બેન્ડ નહીં, પણ આખેઆખા દેશની જ પથારી ફેરવે છે ત્યારે કોઈ કંઈ બોલતું નથી?
અને તમને બધાને ફિક્સિંગથી પ્રોબ્લેમ શું છે? આજે તમે તમારા હૃદય પર હાથ મૂકીને કહો કે તમે પોતે કદી સ્પોટ ફિક્સિંગ નથી કર્યું! શું તમે બસ કે ટ્રેનમાં તમારા મિત્ર માટે જગ્યા એટલે કે સ્પોટ રોકો છો એ સ્પોટ ફિક્સિંગ નથી? શું તમારાં બાળકો બારમું પાસ થાય એ પહેલાં એમનાં એડમિશન પાકાં કરી લો છો એ સ્પોટ ફિક્સિંગ નથી? શું મેચ સારા સ્પોટ પરથી જોવા માટે સારી ટિકિટ બુક કરાવો છો, એ સ્પોટ ફિક્સિંગ નથી? નેતાઓને મરતા પહેલાં એમની સમાધિની જગ્યા ફાળવી દેવામાં આવે છે, એ સ્પોટ ફિક્સિંગ નથી?
માધુરી અને પ્રિયંકા જેવી હિરોઇનો પોતાના ચહેરા પરના સ્પોટ (ડાઘ) વિદેશના ડોક્ટરો પાસે જઈ ફિક્સ કરાવીને આવે છે એ સ્પોટ ફિક્સિંગ નથી? એમને કેમ કોઈ કંઈ કહેતું નથી? અરે, સંજયભાઈએ આર્થર રોડ જેલમાં કસાબવાળો સ્પોટ પોતાને માટે ફિક્સ કરાવ્યો તે સ્પોટ ફિક્સિંગ નથી? આખી જિંદગી અમારા અનિલ કુમ્બલેએ એક જ સ્પોટ પર બોલનો ટપ્પો પાડી પાંચસો વિકેટ લીધી એ સ્પોટ ફિક્સિંગ નથી?ગાંધી પરિવાર વર્ષોથી રાયબરેલી અને અમેઠીના સ્પોટ પરથી ચૂંટાય છે એ સ્પોટ ફિક્સિંગ નથી?ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં કાયમ સચીનનો સ્પોટ ફિક્સ હોય છે એ સ્પોટ ફિક્સિંગ નથી?
'સ્પોટ' શબ્દને આ છાપાવાળા નાહકનો બદનામ કરે છે. ટ્રાફિક પોલીસ 'સ્પોટ' પર જ ઊભી રહે છે. રોંગ સાઇડ જાઓ તો ઓન ધ સ્પોટ 'સ્પોટ-ફાઇનિંગ' કરે છે. ફિલ્મોનાં શૂટિંગમાં સ્પોટબોય હોય, ટેનિસમાં બોલ (અને ટુવાલ) આપવા સ્પોટબોય હોય.
ધોનીએ ક્રિકેટમાં મારી હાલત 'સ્પોટ બોય' જેવી જ કરી નાખી હતી, એની આખી દુનિયા 'સાક્ષી' છે. તમે જોયું હશે કે દોડવું ન પડે એ માટે પહેલાં સહેવાગ ચોગ્ગા-છગ્ગા મારતો હતો. હવે દોડવું ન પડે એ માટે સહેવાગ હંમેશાં 'સ્લિપ'માં (તમે સ્લિપ એટલે 'ઊંઘ' સમજ્યા?) ફિલ્ડિંગ ભરે છે, એ શું સ્પોટ ફિલ્ડિંગ નથી?
'ફિક્સ' શબ્દ પણ ખોટો બદનામ થાય છે. તમારા ગુજરાતમાં તો 'ફિક્સ થાળી'નો અને 'ફિક્સ ડિપોઝિટ'નો મહિમા છે. રામનો વનવાસ, સીતાનો સ્વયંવર, દ્રૌપદીનું ચીરહરણ આ બધું ફિક્સ કરવામાં આવ્યું હતું. સારું મુહૂર્ત અને સારો મૂરખ જોઈ કન્યાનાં લગ્નની તારીખ ફિક્સ કરવામાં આવે છે. અરે, એક ચોંટાડવાની પ્રોડક્ટનું તો નામ જ 'ફિક્સિટ' છે. કાશ, એ મેચની સવારે ટીવી પર વારંવાર 'ફિક્સિટ'ની જાહેરાત ન જોઈ હોત તો મને ફિક્સ કરવાનું મન થયું ન હોત.
હું જેલમાં બેઠો બેઠો એ જ જોવાનો છું કે, ફિક્સિંગનો રેલો ક્યાં ક્યાં પહોંચે છે. કેટલાક લોકો બોર્ડના પ્રેસિડન્ટ પણ મારી જેમ 'શ્રીનિવાસ' હોવાથી એમના પર આંગળી ચીંધી એમને જેલનિવાસ કરાવવા માંગે છે. અરે ભાઈ, બોર્ડના વડા આઈપીએલમાં પોતાની એક ટીમ રાખે તો તમને વાંધો શું છે? શું એમને બે પૈસા કમાવાનો હક નથી? (બે પૈસા એટલે કેટલા, એ ગુજરાતીઓને સમજાવવાનું ન હોય!) ના ના, હવે તમે કલ્પના કરો કે કમાવા માટે બોર્ડના વડા સ્ટેડિયમમાં ફરીને વડાપાંઉ વેચે? અરે, એમણે એક ટીમ રાખી તો રાખી. (સ્પષ્ટતા-આ વાક્યમાં વપરાયેલાં 'રાખી' અને 'કલ્પના' કોઈ હિરોઇન કે મોડલ નથી.)
હે પ્રામાણિકતાના મૂર્ખ ચાહકો! તમે 'શીલા કી જવાની' પિક્ચરની ટિકિટ ખરીદીને હોલમાં 'સત્યવાન સાવિત્રી' પિક્ચર જોવાની અપેક્ષા રાખો તો એ તમારો વાંક છે, અમારો નથી. જે ટૂર્નામેન્ટની શરૂઆત જ હરાજીથી થાય, એમાં તમે કેવી રીતે રાજી રહો? મિત્રો, આ આખી ચમકદાર ટૂર્નામેન્ટ ખુદ બગસરાના ઓર્નામેન્ટ જેવી છે. એની ચમક કાળી પડી છે, હવે એનું કંઈ ન થાય, કોઈ બીજું ધુપ્પલ, કોઈ બીજું ડીંડવાણું એની જગ્યા લેશે.
* મારે ભારતની જનતાને એ જ કહેવાનું છે કે ફિક્સિંગ એક કલા છે, મને સજા થશે તો એ કલા લુપ્ત થઈ જવાનો ડર છે. જો મને માફી નહીં મળે તો હું તો માફિયા બની જઈશ, પણ ગલીગલીમાં પથરાયેલા સટોડિયાઓનું શું થશે? જનતા જનાર્દન! (તમારો પ્રાસ જીજુ જનાર્દન સાથે કેવો બેસે છે!) એટલું જાણી લો કે પોલીસે જપ્ત કર્યાં છે તે નાણાં બાય ધ વે તમે જ સટ્ટામાં રોકેલાં નાણાં છે. મારું કમનસીબ છે કે, હું એવા દેશમાં જન્મ્યો છું કે જ્યાં તમારા જેવા સટ્ટો રમનાર કરોડો નિર્દોષ ફરે છે અને હું ક્રિકેટ રમનાર જેલમાં છું.
અંતે સંજય દત્તને જેવો સપોર્ટ મળ્યો એવા જ સપોર્ટની મને અપેક્ષા છે. એ તો ભાઈલોગના નકલી રોલ કરનાર કલાકાર છે, હું તો અસલ જિંદગીમાં જ ભાઈ જેવો છું. છેલ્લે એક ખાનગી વાત, હું ભાઈ જેવો હોવા છતાં હું થથરું છું, કેમ કે મને એવી બાતમી મળી છે કે મારી પાસે કબૂલાત કરાવવા દિલ્હી પોલીસ એક પંજાબી પોલીસની મદદ લેવાની છે જેનું નામ હરભજન છે.
* આજકાલ જેલમાં રહીને હું તત્ત્વચિંતક થઈ ગયો છું. ક્રિકેટે મને શું આપ્યું? તમાચો? બદલામાં મેં ક્રિકેટને શું આપ્યું, એક સણસણતો તમાચો! હિસાબ સરભર! છતાંય હું અંદર છું (અને એ બંદર બહાર છે)
(નોંધ - લેખનો આશય માત્ર વક્રદૃષ્ટિથી હાસ્ય નીપજાવવાનો છે. લાફ્ટર ક્લબની પ્રવૃત્તિની ખરેખરી ટીકાનો આશય નથી. શુભેચ્છાઓ સહ...લેખક)
amiraeesh@yahoo.co.in
.
|
0 comments:
POST A COMMENT